મોજીસ્તાન (61)
ગ્રામ પંચાયતમાંથી નીકળેલા ડો.લાભુ રામાણી પાછળ પાછળ, જમીન પર ડાંગ પછાડતો જઈ રહેલો ભુરો ભરવાડ ખુબ ખુશ હતો.એણે એની જિંદગીમાં એકસાથે પાંચહજાર ક્યારેય જોયા નહોતા.આજે અચાનક એનું મગજ ચાલ્યું અને ડોકટરના ગપગોળામાં વચ્ચે બકરું મરી ગયું હોવાનો ગપગોળો ચલાવી દીધો.હવે ડોકટરને ઝખ મારીને પાંચ હજાર દેવા પડશે એમ સમજીને એ ઘણો ઉત્સાહમાં આવી ગયો હતો.એની ઘરવાળી ભલી, એને કાયમ અક્કલ વગરનો કહીને મેણા મારતી હતી.આજ એને પોતાની બુદ્ધિનો પરચો પણ બતાવી દેવાની એની ઈચ્છા હતી.
ડો.લાભુ રામાણીએ ચાલતા ચાલતા બરવાળા પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો. હજી થોડા દિવસ પહેલા જ પી.આઈ. સોંડાગરના બાપુજીની સારવાર એમણે કરી હતી. એટલે સારો એવો પરિચય થઈ ગયો હતો. પી.આઈ.સોંડાંગરે ગમે ત્યારે કંઈ પણ કામ હોય તો પોતાને ફોન કરવાનું કહ્યું હતું.
સોંડાગરે ફોન ઉપાડ્યો એટલે ડોક્ટરે પેલો ભુરો સાંભળે એમ કહ્યું, "હેલો સોંડાગર સાહેબ,તમેં પાંચ હજાર લઈને કોઈને મોકલો.
કારણ કે મારે એક ભરવાડભાઈને આપવા જ પડે એમ છે,એ ડાંગ લઈને મારી પાછળ આવી રહ્યો છે.એનું કહેવાનું એવું થાય છે કે મેં એની બકરીને ઈન્જેકશન મારીને મારી નાખી છે.તમે તો જાણો જ છો કે આઈ એમ નોટ અ વેટેનરી ડોકટર ! આ ભરવાડભાઈને પૈસાની જરૂર છે એટલે એમણે મારુ એક ભાષણ સાંભળીને પોતાને વેરી સ્માર્ટ સમજી લીધો છે.વી મસ્ટ શો હિમ, ધેટ હી ઇસ નોટ સ્માર્ટ ! આઈ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ વોટ આઈ સે યુ ! "
"સમજી ગયો ડોકટર સાહેબ.તમે ચિંતા ન કરો.એને બેસાડો, હું હમણાં એનું સ્વાગત કરવા બે જણને મોકલું છું..!" કહી સોંડાગરે ફોન મુક્યો.
"કોને ફોન કર્યો દાગતર ?" ભૂરાએ સાથે થઈ જતા કહ્યું.
"અલ્યા ભાઈ પાંચ હજાર મારી પાસે તો નથી.પણ તને તો મારે આપવા જ પડે ને ! કારણ કે મેં તારી બકરી મારી નાખી છે.પાંચ આપ્યા અને પાંચ બાકી હતા બરાબર ને ? ટોટલ મારે તને દસ હજાર આપવાના હતા ને ?"
ભુરો વિચારમાં પડ્યો, ' માળો આ દાગતર તો હાચો હાચ રૂપિયા દેવાની વાત કરે છે.બકરી કેવી ને વાત કેવી ? હું તો ક્યારેય બકરું રાખતો જ નથી.આપણે તો ગાય ભેંસનું ધણ છે.આ દાગતર હાવ બુધી વગરનો લાગે સે ! લાવ્યને બકરીના સારા(ચારા)નાય માંગી લવ' એમ વિચારીને ભુરો વદયો,
"ઈમ ખાલી પાંસ હજારે નય થાય હો દાગતર શાબ્ય, બકરીને ઘાસ પુળો તો નાખવો જોશે ને.ઈના ખોરાકના કોણ દેશે.."
"હા ભાઈ, એ તો હું ભુલી જ ગયો.તો એમ કરને દસ હજાર આપી દવ તો ચાલશે ને ?" ડોક્ટરે નરમાશથી કહ્યું.
ડોકટરને ડરી ગયેલો જોઈ ભુરો વધુ તાનમાં આવ્યો, " દહ હજારે થાય ? રજકાનો ખોરાક કરવો જોશે.અને રજકો તો કોક ખેડુની વાડીએથી વેસાતો લાવવો જોશે. વાડીએથી લાવવા વાહન પણ ભાડે કરવું જોશે.ઇ હંધુય દહ હજારમાં થાય ? તમેય ઠીક લાગો સો.." ભૂરાએ જરાક ઊંચો અવાજ કરીને કહ્યું.
ડોકટર હસી પડ્યા. ' મારો બેટો આંગળી આપું છું તો કાંડુ પકડે છે.શુ સમજતો હશે મને ? '
" ઈમ દાંત કાઢયે નય હાલે.રૂપિયા પચ્ચી હજાર પુરેપુરા દેવા જોશે.." ભૂરાએ ભાવ વધારી દીધો.
"અલ્યા પચીસ હજારમાં તો ભેંસ આવી જાય, ભલામાણસ કંઈક માપ રાખોને યાર..! એમ કરો હું બાર હજાર આપી દઈશ, હાલોને પંદર આપી દઈશ બરોબર ? હવે કંઈ ન બોલતા હો,ક્યારેક દવા પણ કરી જઈશ બસ ?" ડોક્ટરે પોતે સાવ ડરી ગયા હોવાનો અભિનય કર્યો.
"પંદર બંદરે કાંય નો થાય.પચ્ચી જ દેવા જોશે. નકર આ ડાંગ જોઈ ? અને દવા તો હું દવાખાને આવીન લય જાશ..હવે પચ્ચીથી એક રૂપિયો'ય ઓસો નહિ હાલે "
"સારું ચાલો પચીસ આપી દઈશ.પણ તમે ડાંગ ન બતાવો યાર.અમે શું છે કે સાવ સીધા માણસો છીએ.અમને લડવાનું ન ફાવે. આવો મારા કવાટરમાં બેસીએ.હું મારા ભાઈબંધને ફોન કરીને રૂપિયા મંગાવી લઉં.." કહી ડોકટરે કવાટરનો દરવાજો ખોલીને ભૂરાને બેસાડ્યો.
ભુરો રોફથી એના જોડા કાઢીને સોફામાં પલાંઠી મારીને બેઠો.પેલી ડાંગ પણ એની બાજુમાં જ મૂકી.
" લ્યો હું કંઈક ચા નાસ્તાની વ્યવસ્થા કરું. તમારી જેવા ભરવાડભાઈ અમારે આંગણે ક્યાંથી હોય બરોબર ને ? અરે ભાઈબંધને પચ્ચીસ હજાર લઈને આવવાનું કહેતા તો ભુલી ગયો, હા તો તમારું નામ તો ક્યો ભલા માણસ " કહી ડોક્ટરે ફોન કાઢ્યો.
"મારું નામ ભુરો.મને ભલામાણસ નો કે'વું.કાણ કે મારી ઘરવાળીનું નામ ભલી સે હમજ્યો..?" ભુરો ડોકટરને સાવ પોચો સમજીને તુંકારા પર આવી ગયો.
"હા ભુરાભાઈ,હવે ધ્યાન રાખીશ. ભૂલ નહિ થવા દવ.તો પચ્ચીસ ફાયનલને ? પછી વધુ નહિ માંગો ને ?" ડોક્ટરે હસી પડતા કહ્યું.
ભૂરાની લાલચ વધી.'આ મારો બેટો મૂરખ લાગે સે.હજી વધુ દે ઈમ સે. તો માંગવામાં સુ જાય સે આપડું.."મનોમન એમ વિચારીને એ બોલ્યો, "આ તો હજી પે'લો હપ્તો સે.જો બકરીની તબિયત બગડશે તો બીજા અલવા પડશે..
તો ઈમ કર્યને પેલો હપતો થોડોક મોટો જ કરી નાખવી..તરહી હજાર કરી આલ્ય.."
"તમારો ખૂબ ખૂબ આભાર ભૂરાભાઈ, મને તો ઈમ હતું કે તમે પચાસ હજાર માંગશો.ચાલો બકરી તો મરી ગઈ છે,તોય તમે રજકો ખવડાવવાનું કહો છો અને ફરીવાર માંદી પડે તો સારવાર પણ કરવાનું કહો છો..બાકી કે'વુ પડે હો.."
ડોક્ટરે કહ્યું એટલે ભૂરાને યાદ આવ્યું કે હાળી બકરીને તો મારી નાંખી સે.પણ હવે પાછું તો વળાય તેમ નહોતું, "ઈ બકરી કલાકે કલાકે પાનશેર દૂધ દેતી'તી ઈ તને ખબર્ય નો હોયને પાસી. કલાકે કલાકે તગારુ ભરીને લીંડી કરતી'તી ઈ હંધિય ખોટ કોન પુરી કરશે ?" કહી ભૂરાએ એની પીળી મૂછો પર હાથ ફેરવ્યો.
"હા એ બરાબર.મારે કારણે સાલું તમારે બહુ મોટું નુકસાન થયું.પણ તમે યાર મુંજાતા નહિ.હું અત્યારે જ પચાસ હજાર કરાવી દવ છું..
પછી જ્યારે તમે કહેશો ત્યારે અને જેટલા કેશો એટલા હું આપતો રહીશ. ડોકટર થઈને હું ઘણું કમાયો છું યાર, આપણી પાસે પૈસાની તાણ નથી સમજ્યા ભૂરા ભાઈ ! લાખો રૂપિયા બેંકમાં પડ્યા છે.લગભગ પસાસેક લાખ તો મારા ખાતામાં છે.અને મારી પત્ની પણ ડોકટર છે.એના ખાતામાં અને મારા બેઉ દીકરાના ખાતામાં તો કદાચ એક બે કરોડ પડ્યા હશે. એટલે આવા પચ્ચીસ પચાસ હજાર તો અમે અઠવાડિયે વાપરી નાંખતા હોઈએ છીએ.તમે નહિ માનો હમણાં મારો મોટો દીકરો મુંબઈ ઘોડાની રેસમાં પાંચ છ કરોડ હારી ગયો બોલો. તોય મેં એને એક શબ્દ નો'તો કીધો. કેમ કે રૂપિયા માટે થઈને છોકરાઓને વઢાય ખરું ? મેં તો તરત બીજા દસ કરોડ આપીને ફરીવાર મુંબઈ મોકલ્યો, તમે નહિ માનો ભૂરાભાઈ, મારા છોકરાએ જે ઘોડા ઉપર દસ લાખ લગાડેલા એ ઘોડો જ પહેલો આવ્યો.એકના પાંચનો દાવ હતો, હવે તમે જ ગણી લ્યો કેટલા રૂપિયા આવ્યા હશે ?"
ભુરાનું મોં ડોકટરની વાત સાંભળીને ખુલ્લું જ રહી ગયું.એક ના પાંચ મુજબ દસ કરોડના કેટલા થાય એની ગણતરી ભૂરાનું મગજ
કરી શકતું નહોતું..!
"તો તો ચેહટલાય ગણા થિયા હોયને.દાગતર તારી કને તો હાળી રૂપિયાની ખાણ લાગે સે.." ભુરો ખાલી પાંચ હજાર માંગવા બદલ પસ્તાઈ રહ્યો હતો.
"અરે ઈ તો કશુ જ નથી.મારો નાનો છોકરો છે ને ? એ તો દવાની ફેકટરી ચલાવે છે.એક સેકન્ડમાં બે લાખની દવા વેચાય છે.આખી દુનિયામાં એની દવાઓ વેચાય છે. તમે નહિ માનો એકવાર હું એની ફેકટરી પર ગયેલો, એ વખતે અમેરિકાથી પેમેન્ટ આવેલું, કેટલું ખબર છે ?"
"અમેરિકા ચ્યાં આયુ ?અન મન શેની ખબર્ય હોય તું વાત કર્ય તો ખબર્ય પડે ને !" ભૂરાને કરોડોની વાત સાંભળીને ચક્કર આવતા હતા.
"તમે નહિ માનો ભૂરાભાઈ..."
"અલ્યા ભંહય ને ભંહતો હોય તો..તું કેસ અટલે હાચુ જ હોય.હું માની લશ.." ભુરો ખિજાયો
"ત્રણ ખટારા ભરીને રૂપિયા આવેલા.દસ બાર જણે એક અઠવડીયા સુધી મશીનથી ગણ્યા તોય ખૂટયા નહિ બોલો..!"
ભૂરાની આંખો ફાટી રહી.અને મોં ખુલ્લું જ રહી ગયું.
"અલ્યા હાચુ કેસ તું ? ટાઢા પોરના ગોળા તો નથી સોડતો ને ? એટલા બધા રૂપિયા તારી પાંહે સે તો આવું ઠોઠીયું લયન ઠેઠ અમદાવાદથી આંય લાંબો સ લેવા થાસ ?"
"અલ્યા ભરવાડભાઈ, આ તો તમારી જેવાને વાત કરાય.કારણ કે તમેં બહુ આઘીપાછી ન કરો.. કારણ કે તમારે રાત દિવસ ઢોર સાથે રહેવાનું હોય,ઘેટાં બકરાં કે ગાય ભેંસને તમે વાત કરો તો એ લોકો કોઈ બીજાને ન કહે બરાબર ને ? કારણ કે આવી વાતો ઢોરને કહેવામાં વાંધો નહિ. એટલે જ તમને કહ્યું, બાકી સરકાર રેડ પડ્યા વગર ન રહે સમજ્યા ?
" હા ઈ બરોબર સે.તો હવે મને રૂપિયા તો દે.પસા હજાર આજ દે. બીજા પસી જીમ જરૂર પડસે ઈમ લય જાશ.તારે ભૂંડા ચ્યાં તાણ સે."
" અરે હા યાર ભૂરાભાઈ, હું તો પાછો ફોન કરવાનું જ ભૂલી ગયો.અને હું શું કહું છું, તમે પાછા બીજા કોઈને કહેતા નહિ હો યાર, નકામું તખુભાને કે હુકમચંદને ખબર પડશે તો મારે લાખ બે લાખ દેવા પડશે.એના કરતાં તમારી જેવા ઢોરને, અરે સોરી ઢોર ચરાવીને ગુજરાન ચલાવતા ભરવાડભાઈને આપું તો ભગવાન રાજી થાય..કેમ ન બોલ્યા !"
ભુરો તો માલામાલ થઈ ગયો હોવાનું અનુભવી રહ્યો.'કાળિયા ઠાકરે રૂપિયાની ખાણ બતાડી દીધી, હવે જ્યારે જોવે ત્યારે આ દાગતરને ખંખેરી લેહું.મારો બેટો બવ રૂપિયાવાળો સે...!'
ડોક્ટરે બે કપ ચા બનાવી. ભૂરાએ રકાબીમાં ચા રેડીને લાંબા સબડકાં બોલાવીને ચા પીધી.
ચા પીવાઈ રહી ત્યાં જ કવાટર બહાર જીપની ઘરઘરાટીનો અવાજ આવ્યો.
સોંડાગર સાહેબને ડોકટરને મળવાનું મન થયું હોવાથી તેઓ પણ સાથે આવ્યા હતા.
ચાર પોલીસ અને ઇન્સ્પેકટર સોંડાગર કવાટરમાં આવ્યા એટલે ડોક્ટરે આવકાર આપતા કહ્યું,
"અરે સોંડાગર સાહેબ તમે ? આવો આવો..!"
"તમારો ફોન આવ્યો એટલે થયું કે લાવને હું પણ દોસ્તને મળી આવું. કેમ છો મજામાંને? તો પેલા પાંચ હજારની બકરીવાળો આ પોતે જ ?" સોંડાગર સાહેબે ભૂરાને જોઈ કહ્યું.
"હા હા..એમનું નામ ભૂરાભાઈ છે.મને બે ચાર ધોલ થપાટ મારીને પાંચ હજાર તો લઈ ગયા છે.હવે મરી ગયેલી બકરીને રજકો ખવડાવવો છે; પાછી બીમાર પડે તો સારવાર પણ કરાવવી છે.
મારી પાસે રૂપિયાની ખાણ જોઈ ગયા હોવાથી પચાસ હજારનો પહેલો હપ્તો લેવા આવ્યાં છે..કેમ ભૂરાભાઈ બરોબર કહ્યું ને ?" ડોક્ટરે ભૂરાનો પરિચય આપતા કહ્યું.
ભુરો પોલીસને જોઈને ચમક્યો હતો.એટલે જલ્દી કંઈ જવાબ આપી શક્યો નહીં.
"હેં..? હા હા..શાબ્ય આ દાગતર સાહેબે મારી બકરી મારી નાખી અટલે..હેહેહે" ભુરો ડરનો માર્યો હેહેહે કરી બેઠો.
"હા તો ભૂરાં, પહેલો હપ્તો લેવા તારે બરવાળે આવવું પડશે. ચાલ ડાહ્યો થઈને જીપમાં બેસી જા " સોંડાગર સાહેબે હસીને કહ્યું.
"સીધી રીતે બેસી જાશ કે હાથકડી પહેરાવું ?" સોંડાગર સાહેબ સાથે આવેલા હવલદારે ભૂરાને કહ્યું.
"પણ મારો કાંઈ વાંકગનો ? ઈ તો આ દાગતર શાબ્ય ગામમાં ગોળા મારતા'તા તે મેં વળી બકરાની અમથી વાત કરી.કાંય દાદાગીરી નથી કરી હો શાબ્ય..લ્યો તમે બધા બેહો, હું દૂધ લિયાવું..સા પાણી કરવા હાટુ" કહી ભુરો ઉભો થઈ ગયો.
"ભૂરાં મેં તને બકરીના પાંચ હજાર દીધા છે એ તો સાચું જ છે ને ! હવે બકરી તો મરી ગઈ છે, એટલે એ પાંચ હજાર તારે મને પાછા આવવા પડશે. એમ ન કરવુ હોય તો હપ્તો લેવા જીપમાં બેસી જા. સારું એ તારું..અને રોજ બે લીટર દૂધ પણ હવેથી દઈ જજે.કારણ કે તારી બકરી તો કલાકે કલાકે બોઘરણું ભરી દે છે.અને તગારુ ભરીને લીંડી કરે છે નહીં ?" ડોકટર હસી પડ્યા એટલે પોલીસો પણ આ વાત સાંભળીને હસ્યાં.
"જા ભાઈ ચા પાણી માટે દૂધ લઈ આવ.હવે પછી ક્યારેય ચાલુ વાતમાં વચ્ચે ડબકાં મારતો નહિ.
નકામા લેવાના દેવા પડશે સમજ્યો.તું ઢોર ચરાવે છે અને આ ડોકટર માણસોને ચારે છે સમજ્યો ? કે પછી આવવું છે બરવાળા ?" સોંડાગર સાહેબે ભૂરાને સમજાવ્યો.
"હમજી જીયો શાબ્ય,લ્યો હવે દૂધ લિયાવું ઘેરથી.." ભુરો મનમાં દેવાય એટલી ગાળો દેતો દેતો એના ઘેર ગયો ત્યારે રાતના સાડા દસ થવા આવ્યા હતા.એની ઘરવાળીએ અત્યાર સુધી ક્યાં હતા એ પૂછ્યું તો ભુરો બોલ્યો,
"સરકારી દાગતર મારા ભયબન થઈ જ્યાં સે.અને બરવાળાના પોલીસ દાગતરના ખાસ ભયબન સે.ઇમણે તો ના પાડી પણ સા બનાવવવા હાટુ હું દૂધ લેવા આયો સુ.આપડીય ઓળખાણ થાય કે નય ! તું હુઈ જા સાનીમાની.હું હમણે પાસો આવું સુ.."
"આપડે પોલીસની ભાયબંધી કરવાની કાંય જરૂર નથી;પોલીસ કોય દી કોઈનો ભયબન નો થાય.. હુઈ જાવ સાનામાંના,એવું મફતનું દુધ દેવા કોય નવરું નથી.."
"તને ઇમાં નો હમજણ પડે.આવા સાયબુ ચયારેક કામમાં આવે.." કહી ભુરો દુધનો લોટો ભરીને દવાખાને આવ્યો.
"લ્યો શાયબ, વાંક ગનો માફ કરજો.અને દૂધ પોગાડીશ તમતમારે.તમારી જેવા શાબ હારે ઓળખાણ થઈ ઈય મોટી વાત કે'વાય..બોલ્યું સાલ્યું મોટું મન. રાખીને માફ કરી દેજો"
ડોક્ટર અને પોલીસવાળા હસી પડ્યાં. ભુરો ફરીવાર મનમાં ગાળો ચોપડાવતો ચોપડાવતો એના વાડામાં નાખેલા ખાટલે જઈને, ઊંઘનો પહેલો હપ્તો લેવા કામળો ઓઢીને સુઈ જ ગયો !
*
હુકમચંદ જગા અને નારસંગની વાત સાંભળીને વિચારમાં પડી ગયો.રણછોડ એ વાત જાણી ગયો હતો કે એનું એક્સિડન્ટ કોના ઈશારે થયું હતું.એટલે હવે એણે પણ દાવ લેવાનું શરૂ કર્યું હતું.
જગો અને નારસંગ હુકમચંદના ડાબા જમણા હાથ જેવા હતા.એ લોકો એના હુકમ મુજબ કામ પાર પાડી દેતા.પણ ગઈ કાલે જે બન્યું એનાથી હુકમચંદ ગભરાયો હતો.
વળી જગાએ બરવાળાથી રાતે પાછો આવતો હતો ત્યારે ડોકટર અને નર્સ ચંપાને એમની કારમાં ભૂંડુ કરતા જોઈ ગયો હતો એ વાત પણ કરી હતી.
હુકમચંદના હોઠ પર એક હાસ્ય આવીને તરત વિલાઈ ગયું.સામે બેઠેલા જગાએ એ જોયું, પણ એને કંઈ સમજ ન પડી.
"તો શેઠ અમારી ઉપર કેસ બેસ થાશે ને અમને પકડી જાશે તો અમારા બયરા સોકરા તો રઝળી પડે ને..તમે કાંક કરો નકર અમારે તો રણસોડિયાની પાલટીમાં પરાણે જાવું પડહે..!'' જગાએ કહ્યું.
હુકમચંદે મૂછોને વળ ચડાવીને જગા અને નારસંગ સામે જોયું. પછી આંખો ઝીણી કરીને કહ્યું,
"આવી નાની વાતમાં તમારા લોકોની ફાટી રહેતી હોય તો તમે બે માંથી એકેય મને ઘંહીને ગુમડે ચોપડવાના કામમાં પણ આવો નહીં. ભલામાણસ,તું કોનો માણસ છો એ તો વિચાર ! તમારા બે માંથી એકેયનો વાળ વાંકો કોઈ ના કરી શકે..શું હમજ્યો ! અત્યારે ધારાસભ્ય કોણ સે ઈ ખબર્ય તો છે ને.અને આવતી ચૂંટણીમાં હું ડેલીકેટ થાવાનો છું.ઈ ચાંચપરો અને રણછોડીયો ગોત્યોય નહિ જડે.છતાં તમને વિશ્વાસ નો આવતો હોય તો તમે તમતમારે છુટ્ટા જ છો ! જાવ હાચવી લ્યો તમારા બયરા સોકરાને !" કહી હુકમચંદે બીડી સળગાવી.
"હું તો આ જગલાને કેતો જ તો..કે વફાદારી જેવું તો માણસમાં હોવું જોવે કે નય.શેઠ હું તો તમારો સાથ નઈ સોડું.ભલે મરી જાવું પડે.પણ એકવાર જેની આંગળી પકડી ઈ પકડી." નારસંગે કહ્યું.
"શાબાશ, નારસંગ..!'' કહી હુકમચંદ હસ્યો. જગો પણ માની ગયો એટલે હુકમચંદે એની યોજના બંને ને સમજાવી.એ યોજના સાંભળીને બંને ખુશ થઈ ગયા.
બીજે દિવસે બેઉ જીપ લઈને બોટાદ જઈ રહ્યાં હતાં, રણછોડના પક્ષમાં જોડાઈ જવા માટે !
(ક્રમશ :)