આગે ભી જાને ના તુ - 53 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 53

પ્રકરણ - ૫૩/ત્રેપન

ગતાંકમાં વાંચ્યું.....

મંદિરમાં થયેલા ચમત્કારિક, અલૌકિક અને અવિશ્વસનીય ઘટનાના સાક્ષી બની રતન અને રાજીવ ઉંબરામાંથી કમરપટ્ટાની પેટી બહાર કાઢવામાં સફળ થાય છે. બંને યુવાનો અંતિમ આતુરતાના ઓરતા લઈ એ પેટી તરાનાને સોંપે છે. તરાના, રતન અને અનંતરાય પાસેથી પેટીની ચાવીના અડધા હિસ્સા મેળવે છે.....

હવે આગળ....

ચાવી પેટીમાં પરોવીને ફેરવી અને ખટ... અવાજ સાથે પેટીનું લોક ખુલી ગયું. પોતાની સ્નેહભીની હથેળી વડે ધીરેથી પેટી ખોલી એ સાથે જ દરેકની દ્રષ્ટિ કમરપટ્ટા પર પડી. તરાનાએ જતનપૂર્વક કમરપટ્ટો બહાર કાઢ્યો અને પોતાની કમરે વીંટળાવી દીધો એ સાથે જ એનું કમર નીચેનો અર્ધ દ્રશ્યમાન ધૂંધળો દેહ આઝમગઢની સ્વરૂપમાન યુવતી તરાનાના શરીરમાં પલટાઈ ગયો અને ત્યાં હાજર રહેલા દસેય વ્યક્તિઓની નજર એના પર ખોડાઈ ગઈ.....

ખીમજી પટેલ અને જમનાબેનની નજર સામે તો ધોળે દિવસે તારા દેખાઈ આવ્યા. તરાના તો જાણે આ જ ક્ષણની રાહ જોતી બેઠી હતી. વર્ષોની તપસ્યા પુરી થયા બાદ જાણે કોઈ તપસ્વીની ઈશ્વરનું મો માંગ્યું વરદાન મેળવી ખુશ થઈ નાચવા લાગે એમ તરાના પણ વર્ષોનો ઇન્તેજાર આંખોમાં ભરી જેની રાહ જોઈ રહી હતી એ દિવસ, એ સમય અને એ ઘડી આવી પહોંચી હતી અને એ બધું જ ભૂલીને હર્ષાવેશમાં આવીને નાચવા લાગી. અત્યારે એ ફરીવાર આઝમગઢની નર્તકી બની ગઈ હતી. આઝમગઢની સૂકી વેરાન ભૂમિ પર ઇતિહાસનું પુન:અવતરણ થયું હતું. ખીમજી પટેલની આંખો સામે એક ચિત્રપટની રિલની માફક એક પછી એક વીતેલી જિંદગીની યાદો તાજા થઈ ગઈ. એક પાયાવિહોણી શંકા અને અસંગત તર્ક-વિતર્કના પ્રભાવે પોતે કેટલું મોટું અને ખોટું દુષ્કૃત્ય કર્યું હતું એની વિચાર હવે એમના મનમસ્તિષ્કને ઉધઈની જેમ કોતરી રહ્યો હતો. પશ્ચાતાપની ભાગીરથી એમની આંખોમાંથી નીકળી હૃદય સોંસરવી વહી રહી હતી. પોતાની ભૂલનો એકરાર કરવા એમણે બંને હાથ જોડી તરાના પાસે ક્ષમાયાચના કરવા આગળ વધે એ પહેલાં જ તરાના એ શિવ તાંડવઃ શરૂ કર્યું.

"જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે, ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્‌ ।
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ"

પાંપણોથી અંગારા ઉલેચતી અને આંખોથી આગ ઓકતી તરાનાએ નૃત્ય કરતાં કરતાં જ કમરપટ્ટો ખોલી એની નીચલી કળ દબાવી એ સાથે જ એ નાગરૂપી કમરપટ્ટાની લબકારા મારતી જીભમાંથી ઝેરીલા દ્રવ્યની ધાર વછૂટી અને ખીમજી પટેલની આંખોમાં સમાઈ ગઈ અને એમના માફી માગવા જોડાયેલા બંને હાથ આંખો પર મૂકી મોટેથી બરાડા પાડતા દિશાહીન દશામાં દોડવા માંડ્યા.

"આમિર અલી, આ જ તારી સજા છે, તેં જેમ ભૂખ્યા ગીધોનું ભોજન બનાવી નિર્જન વગડાની વાટે ઝાડીઓમાં એકલી હડસેલી, તરછોડી ને જતો રહ્યો હતો હવે તું પણ આમ જ ભટકતો રહેજે, આ ભેંકાર ભાસતા આઝમગઢના રણ ખંડેર વચ્ચે અને જ્યારે તારા એકલવાયા શરીરને ગીધડા ફોલી ખાતા હશે ત્યારે તને મારી મનોવેદના અને મનોદશાનો ચિતાર આવશે. એ વણકહી વ્યથાને વાગોળતા હજી મારું હૈયું હચમચે છે એમ મરતા સુધી પસ્તાવાનો પડછાયો તારો પીછો નહિ છોડે." ખીમજી પટેલને ધક્કો મારી તરાના જમનાબેન તરફ વળી.

"હવે તારો વારો છે જમના, તને એમ હતું કે આ કમરપટ્ટો ઝબ્બે કરી, કરોડોનો સોદો કરી તું તારી બચેલી જિંદગી લહેર કરીશ તો એ તારી મોટામાં મોટી ભૂલ અને એનાથીય મોટી ભૂલ એટલે ચાર જિંદગી બરબાદ કરવાની. ચાર જિંદગીની સાથે ચારેય પરિવારને પારાવાર પીડા ભોગવવી પડશે અને એની જવાબદાર એકમાત્ર તું જ છે. આમિર આ વેરાન રણમાં સાવ એકલો પડી જશે. આમેય સજાની હકદાર તો તું છે જ." કહી તરાનાએ વિષની ધારા જમનાની આંખો પર પણ છોડી અને એને જમીન પર હડસેલી દીધી.

આંખો પર પોતાની હથેળીઓ દાબતી જમના સિસકારાભરી ચીસો પાડતી આમથી તેમ દોડવા લાગી. પોતાનું ભવિષ્ય ભવ્ય બનાવવાની લાલચમાં લપેટાઈને પોતાના વર્તમાન પર હાથે કરીને કુહાડી ચલાવી પોતાનું સર્વસ્વ ગુમાવી દઈ જમના પણ વેરાન રણની સૂકી રેતીમાં પોતાના કદમોના નિશાન દબાવતી ભટકવા લાગી.

"હવે તમારા બંનેનો વારો છે," મનીષ અને માયા તરફ તરાનાએ અંગુલીનિર્દેશ કર્યો.

"અમે..... પ્લીઝ...અમને છોડી દો. અમે તો બસ એકબીજાને ચાહીએ છીએ અને સાથે રહેવા માંગીએ છીએ." માયા અને મનીષ ઘૂંટણિયે પડીને તરાનાને વિનવવા લાગ્યા.

"તમને પણ છોડી દઈશ...પણ..એ પહેલાં સજા તો આપી દઉં. આમેય તમે પાછા ફરી ન શકાય એવા વળાંકે છો અને તમારા માટે પાછા ફરવું અશક્ય છે અને પાછા ફરવાના બધા રસ્તાય બંધ થઈ ગયા છે." રતન પાસે જઈ એના માથે મમતાળુ હાથ ફેરવ્યો, " રતન દીકરા, તારા માટે આ સ્ત્રીને ભૂલવું મુશ્કેલ છે એ હું સમજુ છું પણ એને ભૂલી જવામાં જ તારી ભલાઈ છે. તારું ભાવિ તને પોકારી રહ્યું છે. તારા હાથે હજી ઘણા ભલાઈના કામ થવાના બાકી છે. ભૂલી જા આને અને તારી જિંદગીમાં આગળ વધ. પાછળ જોવા જઈશ તો ફક્ત પસ્તાવાના પ્રતિબંધ જ જોવા મળશે પણ આગળ જોઇશ તો તક ટકોરા મારતી દોડતી આવશે અને તકદીરનું તાળું ખુલી જશે...." રતનના આંસુથી ખરડાયેલા ગાલ એણે પોતાની ઓઢણીના છેડેથી લૂછયા.

તરાનાએ જેવો રતનના માથેથી હાથ હટાવ્યો તો રતનના ચહેરા પર નિર્લેપતાના ભાવ આવી ગયા હતા. જાણે કશું બન્યું જ ન હોય અને માયા એના માટે કોઈ અજાણી સ્ત્રી હોય એમ એને તાકી તાકીને જોઈ રહ્યો. એના મનમાં ઘુમરીઓ ખાઈ રહેલો વિચારોનો વંટોળ હવે શમી ગયો હતો અને પહેલાં કરતા સ્વસ્થતા અનુભવી રહ્યો હતો.

તરાના પાછી મનીષ અને માયા પાસે આવી, "તમારા પ્રેમમાં હું ફાચર નહિ મારું. પ્રેમની કોઈ પરિભાષા નથી. એના પરિમાણનું કોઈ પરિણામ નથી. તમે ભલે અહીંથી ગમે એટલા દૂર જઈને પોતાનો નવો સહિયારો સંસાર માંડશો પણ તમારો માંહ્યલો કાળોતરો બની રોજ ડંખ મારતો રહેશે અને એ ભૂલનું ભારણ ન તમને જીવવા દેશે કે ન મરવા દેશે. તમે બંને સાથે રહેશો તો ખરા પણ સાથે જીવી નહીં શકો અને મારો શ્રાપ છે તમને કે તમારા આંગણામાં ક્યારેય ફૂલ નહિ ખીલે. જતા રહો અહીંથી... બધાની નજરોથી દૂર...જતા રહો...." લાલઘૂમ આંખો અને ક્રોધથી કાંપતી તરાનાને જોઈ મનીષ અને માયા પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગયા.

"અનંતરાય, હવે તમારે જલ્દીથી વડોદરા પહોંચવાનું છે, આ બેઉની સગાઈનું સાંજનું મુરત પણ સાચવવાનું છે... પણ... એ પહેલાં હું મારા આખરી કામને અંજામ આપી દઉં. આ મારી નિશાની તમને અમાનત તરીકે સોંપૂ છું. આ કમરપટ્ટાનો હકદાર તમારા વારસનો વંશ એટલે કે આ બંનેનું આવનારું સંતાન બનશે અને ત્યાર સુધી આ કમરપટ્ટાનું જાનથીય વધુ જતન કરવાનું છે." પોતાની કમરે વીંટળાયેલો કમરપટ્ટો ઉતારી એણે અનંતરાયના હાથમાં મુક્યો.

હવે તરાનાની શક્તિ ક્ષીણ થઈ રહી હતી. એનો અવાજ પણ ધીમો પડ્યો હતો.

"તમે બંને વેવાઈઓને મારે એટલું જ કહેવું છે કે એકબીજાને આળના અંચળા નહિ પહેરાવતા. થવા કાળ થઈ ગયું હવે બધું ભૂલીને ભાઈબંધીની ભાવના કાયમ રાખજો. જોરુભા તમે રતન અને એની માડી બેયને સાચવજો કેમકે રતન તો આ પથ્થર જેવડો ભાર પચાવી લેશે પણ એની માડી મનમાં ને મનમાં મણ-મણનો ભાર લઈને જીવશે."

હવે તરાનાને થાક વર્તાઈ રહ્યો હતો. ચહેરા પર ચમકના સ્થાને ઝાંખપ આવી ગઈ હતી. વીતેલા વર્ષોની વેદના ઉલેચતા ઉલેચતા એના દિલના દર્દનું તળિયું આવી ગયું હતું.
કેટકેટલા વર્ષોની પ્રતીક્ષા બાદ પણ એની રેખા ખેંચાયેલી હથેળીઓ ખાલી જ રહી ગઈ હતી. આમિરને કરેલા પારાવાર પ્રેમના પારિતોષિક રૂપે એને મોતની મહોબ્બત મળી હતી. અધૂરી અતૃપ્તિથી અકળાયેલી એની આત્મા તૃપ્તિના તણખલા માટે તરસી રહી હતી.

"હવે તમે બધા જાઓ અહીંથી. હું તમને સીમાપાર પહોંચાડી દઉં જેથી હવે આવનારા વંટોળીયા વાયરાથી તમે બચી શકો અને આ બેયની સગાઈનું મુરત પણ સચવાઈ જાય." કહી તરાનાએ મનોમન કોઈ મંત્રોચ્ચાર કર્યો અને પલક ઝપકતામાં બધા આઝમગઢની પેલે પાર પર્વતો ઓળંગીને મુખ્યમાર્ગ પર આવી ગયા. ત્યાં પહોંચીને જોયું તો નટુભા, રાજીવ અને અનંતરાયની ગાડીઓ ઉભી હતી.

નટુભા અને જોરુભા સાથે રતન એમની ગાડીમાં બેસતા પહેલા રાજીવને ગળે વળગીને રડી પડ્યો. રાજીવની આંખો પણ વરસી રહી હતી. રતનથી છુટા પડ્યા પછી રાજીવ અને અનન્યા નટુભા અને જોરુભાને પગે લાગી એમના આશીર્વાદ લઈ ગાડીમાં બેઠા. જોરુભા પણ અનંતરાયને ભેટી પડ્યા.

"રતન, હમણાં તો હું તને લીધા વગર જાઉં છું પણ તારા વગર હું ઘોડીએ નહિ ચડું, મારી જાન નહિ જોડાય. હું તારી રાહ જોઇશ. તું જલ્દી વડોદરા આવજે."

"રાજીવ, હું વચન આપું છું તને, તારા લગ્નનું વાજું વગડાવવા આ રતન રાજપૂત મોખરે હશે."

બધાએ પાછું વળી જોયું તો તરાનાનું નિર્બળ શરીર ધીમે ધીમે ધુમાડામાં રૂપાંતરિત થઈ ગયું અને એ ધુમાડાની સેર આકાશ તરફ જતા વાતાવરણમાં વિલીન થઈ ગઈ.

ભારે હૈયે અને ભીની આંખે બધા છુટા પડ્યા. નટુભાએ પહેલાં ગાડી કેશવપર વાળી. ત્યાં પહોંચીને કનકબા અને વસુમતીને બધી વાત કર્યા પછી જોરુભા, રતન અને કનકબા પરબતની ગાડીમાં રાજપરા જવા રવાના થયા. રસ્તામાં કનકબાનું મૌન બંનેને અકળાવી ગયું પણ જો અત્યારે પાણીમાં પથ્થર નાખશું તો નક્કામાં વિચારો અને વિવાદોના વમળ ઉભા થશે એમ માની રતન અને જોરુભા શાંત બેસી રહ્યા.

રાજીવ અને અનંતરાયની ગાડીઓ પણ વાટે વાટે વળાંકો લેતી વડોદરા પહોંચી એ પહેલાં રાજીવ અનન્યાને માલતીમાસીના ઘરે મૂકી ઘરે આવ્યો ત્યારે સૂર્યનારાયણનો રથ ધીરે ધીરે પશ્ચિમ દિશામાં વળી રહ્યો હતો. સાત વાગવાને હજી વાર હતી એટલે રાજીવને હૈયે ટાઢક વળી.

રાજીવને જોઈ સુજાતાના દિલમાં અને આંખોમાં હેતનું ઘોડાપુર ઉમટી આવ્યું. અંતરના ઓવારણેથી રાજીવને આવકારતી સુજાતા આવેલા મહેમાનોની પરવા કર્યા વગર દોડતી દરવાજે આવી ને રાજીવને અંદર લઈ ગઈ.

"મમ્મી, બધી વાતો પછી, પહેલા હું રોશનીને મળી લઉં." રાજીવ ફ્રેશ થઈ શેરવાનીના બટન લગાડતાં લોક ખોલી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને રોશનીના રૂમનો દરવાજો નોક કર્યો.

"રાજીવ..." દરવાજો ખોલતાંવેંત સામે રાજીવને જોતા જ રોશની એને વળગી પડી. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની અમીવર્ષામાં બંને નહાઈ રહ્યા.

"રાજીવ, તું કહે એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. મને ખબર છે મનીષ હવે ક્યારેય પાછો નહીં આવે. એની અને મારી જીવનયાત્રાના રસ્તા ફંટાઈ ગયા છે.."

"રોશની.....તને આ...આ...વાત કેવી રીતે ખબર...?" રોશનીની સાવ કોરી આંખોમાં ડોકાતી અસ્વસ્થતાની અસર રાજીવને સ્પષ્ટ દેખાઈ રહી હતી પણ એના હૈયામાં ઉતરી એના દર્દનું ઊંડાણ માપવાની હિંમત રાજીવમાં નહોતી...

વધુ આવતા અંકે....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.