આગે ભી જાને ના તુ - 52 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 52

પ્રકરણ - ૫૨/બાવન

ગતાંકમાં વાંચ્યું....

કમરપટ્ટો મેળવવાની જાણે હોડ જામી છે. ઉતાવળા થઈ ઉંબરો કોતરી કમરપટ્ટો પોતાના હાથવગો કરવાની લાયમાં મનીષ ઇજાગ્રસ્ત બની પાછો ફરે છે અને માયા બેહોશ થઈ ઢળી પડે છે. રતન અને રાજીવ બાર વાગવાની રાહ જોતા અને તીરોના મારાથી પોતાને કેવી રીતે બચાવવા એનો ઉપાય શોધવા મથી રહ્યા છે....

હવે આગળ....

"હા રાજીવ.... હવે જો, આ બારસાખમાંથી તીર ત્યારે જ છૂટે છે જ્યારે આપણે ઉંબરા પર કોઈ ધારદાર વસ્તુથી કોતરીએ અને એ પણ બારસાખની નીચેની બાજુએથી જ તીર એકસામટા આવી ચડે છે. જો આપણે તીરને રોકી શકીએ તો આપણા માટે અડધી જંગ જીતી જવા જેવું થાય. કોઈ એવો ઉપાય શોધી કાઢીએ કે તીર બહાર આવતાં રોકાઈ જાય...." રતન મંદિરના કમાડ ઉઘાડ-બંધ કરવા લાગ્યો.

"રતન....સોલ્યુશન મળી ગયું." રાજીવ હર્ષાવેશમાં આવી ગયો, " આ જો...

'રાજીવે એવું તો શું વિચાર્યું છે જેનાથી તીરના મારાથી બચી શકીએ. જો તીર રોકી લીધા તો પણ.... કમરપટ્ટાની પેટી ઉંબરામાંથી બહાર કેવી રીતે કાઢવી એ પણ તો વિચારવું પડશે...' સ્વગત બબડતો રતન પાછળ વળીને જોવા લાગ્યો.

"રાજીવ, શું ઉપાય જડ્યો છે તને? વિસ્તારથી સમજાવ મને."

"રતન, આપણે આપણી બંને બેકપેક આ બારસાખને આડી મૂકી દઈએ તો? જેવા તીર નીકળશે એ બેગમાં જ અટકી જશે અને અત્યારે આપણી પાસે સમય ઓછો છે અને હાથવગું એ જ હથિયાર એ જ નીતિ અપનાવવી પડશે."

"એ ભલે, એનાથી કામચલાઉ કામ ચાલી પણ જશે પણ ખરી સમસ્યા તો ઉંબરામાંથી પેટી કાઢવાની છે. એને કેમ કરીને ખોલવો એ પણ એક સમસ્યા જ છે ને?"

"હમમમ.... અહીંયા કોઈ તો એવી વસ્તુ હોવી જ જોઈએ જે આપણને ઉંબરો ખોલવામાં મદદરૂપ બને. આપણે ઉંબરને સ્પર્શ્યા વિના એક નજર જોઈ તો લઈએ, કદાચ કોઈ કડી મળી જાય."

ઈશ્વર પ્રત્યેની અખૂટ આસ્થાના તરાપા પર સવાર થઈ મઝધારે પહોંચેલા મરજીવાની જેમ રતન અને રાજીવે મોતીની શોધમાં મહાસાગરમાં ઝંપલાવી તો દીધું પણ અવિરત વહેતી આશંકાની લહેરોએ એમનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો હતો. બેય આગળ વધતા દરવાજા પાસે આવીને ગોઠણ ટેકવી બેસી ગયા અને મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરી નીચા વળીને ઉંબરાની નીચે જોવા લાગ્યા. પહેલાં તો એમને કાંઈ નજરે ન ચડ્યું કેમકે ત્યાં બહુ ધૂળ જામી ગઈ હતી. રતને બે ત્રણ વાર ફૂંક મારી એટલે જામી ગયેલા થરમાંથી ધૂળ ખરવા લાગી અને ઉંબરાની નીચે બરાબર મધ્યભાગમાં એક મધ્યબિંદુની જેમ સફેદ રંગનો એક ગોળ સિક્કા જેવો કાચ જડેલો દેખાયો જે ધૂળના થરથી થોડો મૅલો ધુળિયો થઈ ગયો હતો.

"રતન...હાથ પાછો લે," રાજીવના અવાજથી રતને હાથ પાછો ખેંચી લીધો.

"રાજીવ, કંઈ સમજાતું નથી, આ વળી શું હશે?"

"મને આ કોઈ મેગ્નિફાઇંગ ગ્લાસ જેવું લાગી રહ્યું છે પણ એ શા માટે લગાડ્યું હશે?" રાજીવ વિચારોના વાદળમાં અટવાતો ઉપાય શોધી રહ્યો.

"શું એમ ન બની શકે કે આ કિરણો આ કાચ પર પડતા હશે અને એમાં જ કોઈ કરામત હોય."

"બની શકે દોસ્ત, તારી વાત તો સાચી છે. હવે બાર વાગવામાં ગણતરીની જ મિનિટો બાકી છે. આપણે પ્રયત્ન કરી જોઈએ. આટલા વર્ષોથી ધૂળને લીધે આ કાચ ઢંકાઈ ગયો હોવાથી સૂર્યકિરણોની એના પર કદાચ કોઈ અસર નહિ થતી હોય."

અનુમાનના દાયરામાંથી બહાર નીકળી બંનેએ વારાફરતી ફૂંક મારી એ કાચ સાફ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ધીમે ધીમે એમાંથી બધી ધૂળ નીકળી ગઈ એટલે રતને પોતાના રૂમાલ વડે જેવો એ કાચને હાથ અડાડયો બંનેના આશ્ચર્ય વચ્ચે બારસાખમાંથી એકેય તીર ન નીકળ્યું એટલે હિંમત કરી રતને જરા ભાર દઈ ઘસીને કાચ ચોખ્ખો કરી નાખ્યો.

"આ વળી કાંઈક નવું જ છે. ઉંબરાને હાથ લગાડીએ તો બંને બાજુએથી એકે ૪૭ માંથી નીકળતી ગોળીઓની જેમ તીર છૂટે છે અને નીચે હાથ અડાડયો તો કાંઈ નહિ. સમજની બહાર છે બધું." રતન માથું ખંજવાળવા લાગ્યો.

"આ પણ સાયન્સ અને ટેકનોલોજીનો એક હિસ્સો જ છે. આટલા વર્ષો પહેલા પણ આવી કોઈ ટેકનોલોજી કોઈએ વિકસિત કરી હશે એ માનવામાં નથી આવતું. કદાચ એટલે જ આપણો ભૂતકાળ આટલો સમૃદ્ધ અને ભવ્ય હશે. કુરુક્ષેત્રના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ પણ એ સમયે સારથિ સંજયે રાજા ધૃતરાષ્ટ્રને વર્ણિત કર્યું જ હતું ને અને ભગવાન રામ અને વાનરસેના દ્વારા નિર્મિત અજોડ રામસેતુ આજે પણ એના ખંડિત પુરાવારૂપે ઉભો છે. મંત્રો વડે કર્ણ અને અન્ય પાંડવોનો જન્મ જાણે ટેસ્ટટ્યુબ બેબીની પ્રાચીન આવૃત્તિ લાગે છે..." રાજીવ પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ આલેખી રહ્યો હતો.

"હવે ફક્ત એક જ મિનિટ બાકી છે બાર વાગવામાં, આપણે પણ પોઝીશન લઈ લઈએ." કહી રતન અને રાજીવ દરવાજાની બંને બાજુએ સામસામા ગોઠવાઈ ગયા.

બંનેના હૃદયની ધડકનોએ ગતિ વધારી દીધી હતી. એક એક પળ પહાડ જેવી લાગી રહી હતી. મંદિરની નીરવ શાંતિ વચ્ચે બેયના શ્વાસોશ્વાસ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. સમયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. રતન અને રાજીવની ઇંતેજારી પરાકાષ્ટાએ પહોંચી હતી. અપલક પાંપણ અને સ્થિર આંખો શિવલિંગ પરથી હટતી નહોતી.

સૂર્યકિરણો તો મંદિરની જાળીઓમાંથી પ્રવેશ કરી ચુક્યા હતા જાણે એક પછી એક મોતી દોરામાં પરોવાતા જાય અને માળા તૈયાર થાય એમ એક પછી એક બધા કિરણો શિવજીના ત્રીજા નેત્ર પર કેન્દ્રિત થતા ગયા અને એકમેકમાં સમાતા ગયા. બરાબર બાર વાગ્યે મંદિરનો ઘંટ ગુંજી ઉઠ્યો અને અસ્ખલિત વહી રહેલી ધારાની જેમ એક ચમકીલું કિરણ નેત્રમાંથી પરાવર્તિત થયું અને ઉંબરની મધ્યમાં સ્થિર થયું એ સાથે જ આખો ઉંબર સોનાની જેમ ઝળહળી ઉઠ્યો અને રતન અને રાજીવ કોઈ પરીકથા જેવી અલૌકિક દુનિયામાં આવી ગયાનો અનુભવ કરવા લાગ્યા.

આનંદ અને આશ્ચર્ય મિશ્રિત ભાવો સાથે રતન અને રાજીવની દ્રષ્ટિ એ કિરણ સાથે ભળી અને કિરણ ધીમે ધીમે નીચે કાચ પર સ્થિર થઈ ગયું અને અહો આશ્ચર્યમ......

જેમ જેમ કિરણ કાચમાં ઊંડું ઉતરતું ગયું તેમ તેમ તેમાંથી નીકળતા તેજોમય વલયો આખાય મંદિરને સુવર્ણમય બનાવી રહ્યા હતા. આસ્તિકતા અને અલૌકિકતામય વાતાવરણમાં ચંદન, કેસર, કસ્તુરી, કપૂર આદિ... અષ્ટ સુગંધમય દ્રવ્યની સુવાસનો પમરાટ પવિત્રતા પસરાવી રહ્યો હતો. દરેક મૂર્તિઓ સમક્ષ રહેલા દીવડાની જ્યોત પ્રજ્વલિત થઈ ગઈ અને દરેક સ્થાપિત પ્રતિમાની આંખોમાંથી પણ નીકળી રહેલા તેજોકિરણ પરાવર્તિત થઈ રહેલા સૂર્યકિરણમાં ભળી ગયા. પરમાત્મા અને પવિત્રતાના એકાકાર સાથે રતન અને રાજીવ આસ્થા સાથે ઈશ્વરની અદ્રશ્ય હાજરીનો એહસાસ અનુભવી રહ્યા હતા, બંનેની આંખો બંધ થઈ અને હાથ આપમેળે જોડાઈ ગયા.

"ખ....ટા....ક..." અવાજ સાથે ઉંબરો બે ભાગમાં વહેંચાઈ ગયો. એની ઉપર જડાયેલું લાકડું બંને બાજુએ બારસાખમાં સમાતુ ગયું અને મધ્યભાગ ખુલી ગયો અને એમાં રહેલી લાલ, રેશમી મલમલના કપડામાં લપેટાયલી આશરે અડધા બાય એક ફૂટની પેટી ધરતીની ગોદમાંથી પ્રકટ થતા સીતાજીની જેમ ધીરેધીરે ઉપર આવી.

રતન અને રાજીવ બંનેએ આગળ જઈ હળવેથી એ પેટી ઉપાડી એ સાથે જ ક્ષણભરમાં મંદિરનું વાતાવરણ પૂર્વવત થઈ ગયું અને જાણે કંઈ બન્યું જ ન હોય એમ પરિકલ્પનાના પરિઘમાં રહેલા બંને યુવાનો વાસ્તવિકતાના વર્તુળમાં આવી ગયા. માંનું ધાવણ પીધા પછી એની સોડમાં સુતેલા બાળકના નિર્દોષ ચહેરા પર જોવા મળતી પરીતૃપ્તિ અને માતાના ચહેરા પર જોવા મળતા પરમ સંતોષના ભાવ અત્યારે રતન અને રાજીવના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બંનેએ ભાવપૂર્વક શિવલિંગ અને દરેક મૂર્તિઓને વંદન કરી ઉંબરની બહાર પગ મુક્યા.

બહાર બેઠેલા દરેક જણ મંદિર માંહે મંડાયેલી માયાજાળથી બેખબર અત્યંત આતુરતાથી રતન અને રાજીવની બહાર આવવાની રાહ જોતા બેઠા હતા. બાર વાગે ઘંટારવ થયા પછી અંદર શું બન્યું એની જાણ કોઈનેય નહોતી, એમની આંખો મંદિરના દરવાજામાંથી આવતા પ્રકાશપુંજથી અંજાઈ ગઈ હતી અને અંદર ઘટી ગયેલી અગોચર, અલૌકિક, અવિશ્વસનીય દ્રશ્યમાન ઘટના એમના માટે અદ્રશ્ય જ હતી.

મંદિરના પગથિયે મંડાયેલી દરેકની આંખો ઉંબરો ઓળંગી બહાર આવી રહેલા રતન અને રાજીવ પર પડતાં જ બધા ઉભા થઈ ગયા. મનીષ અને માયા હજી નીચલા પગથિયે જ હતા. માયા હોશમાં આવી ગઈ હતી અને મનીષનો હાથ પકડી એના ખભાના ટેકે ઉભી હતી. રતનની આંખો સાથે એની આંખો મળતા એની નજર ઝૂકી ગઈ.

રતન અને રાજીવે બહાર નીકળી સૌ પહેલાં સમય જોયો તો ઘડિયાળ બપોરના દોઢ વાગ્યાનો સમય બતાડી રહી હતી. હાશકારો અનુભવતા ઝડપથી પગથિયાં ઉતરતા બંને મંદિરના સામે રહેલા ઓટલા પાસે આવ્યા જ્યાં તરાના એમની રાહ જોઇને બેઠી હતી. ખીમજી પટેલ અને જમનાબેન અચંબિત અને વિસ્ફરિત નયને એ બંનેને જોઈ રહ્યા. રતન અને રાજીવે આદરપૂર્વક એ પેટી તરાનાના હાથમાં મૂકી દીધી.

તરાનાએ પેટી પોતાના ખોળામાં મૂકી અને રતન અને અનંતરાયને ચાવી આપવાનો ઈશારો કર્યો એ સાથે એ બંનેએ પોતાના ખિસ્સામાંથી ચાવીનો અડધો હિસ્સો કાઢી તરાનાની ધૂંધળી હથેળીમાં મૂકી દીધો. તરાનાએ હળવેકથી રેશમી કાપડમાંથી પેટી બહાર કાઢી. આકર્ષક નકશીકામ કરેલી એ પેટી દરેકની નજર સ્થિર થઈ ગઈ. તરાનાએ ચાવીના બંને હિસ્સા જોડતાં જ એ અખંડિત ચાવીમાં ફેરવાઈ ગયા.

તરાનાએ ચાવી પેટીમાં પરોવીને ફેરવી અને ખટ... અવાજ સાથે પેટીનું લોક ખુલી ગયું. પોતાની સ્નેહભીની હથેળી વડે ધીરેથી પેટી ખોલી એ સાથે જ દરેકની દ્રષ્ટિ કમરપટ્ટા પર પડી. તરાનાએ જતનપૂર્વક કમરપટ્ટો બહાર કાઢ્યો અને પોતાની કમરે વીંટળાવી દીધો એ સાથે જ એનું કમર નીચેનો અર્ધ દ્રશ્યમાન ધૂંધળો દેહ સાંગોપાંગ આઝમગઢની સ્વરૂપમાન યુવતી તરાનાના શરીરમાં પલટાઈ ગયો અને ત્યાં હાજર રહેલા દસેય વ્યક્તિઓની નજર એના પર ખોડાઈ ગઈ.....

વધુ આવતા અંકે....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.