આગે ભી જાને ના તુ - 15 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આગે ભી જાને ના તુ - 15

પ્રકરણ - ૧૫/પંદર

ગતાંકમાં વાંચ્યું......

ખીમજી પટેલ ઉર્ફે આમિર અલી, રતન અને રાજીવને પોતે તરાના, લાજુબાઈ અને એમની દીકરી આઝમગઢને અલવિદા કહ્યા પછી ક્યાં ક્યાં, રખડતા, રઝળતા, કેવી રીતે વેજપર પહોંચે છે..........

હવે આગળ......

"આવો... આવો... આમિર અલી કહું કે ખીમજી પટેલ," ડેલીનો દરવાજો બંધ કરતા અને અવાચક ઉભેલા આમિર અલી, તરાના, લાજુબાઈ અને દીકરી તરફ ફરતાં વલ્લભભાઈ બોલ્યા.
"મારી પાસે તમારે આવવું જ પડશે એવી મારી ધારણા સાચી પડી, જવા દયો હમણાં એ બધું છોડો, તમારા ચહેરા ભૂખ અને થાક દેખાઈ રહ્યા છે. પહેલા થોડું ખાઈ લો, થોડો સમય આરામ કરો પછી આપણે વાત કરીએ, ત્યાં સુધી હું પણ મારા બે-ચાર કામ પતાવી લઉં," કહી વલ્લભભાઈએ એમની પત્ની નિર્મળાને આંગણે આવેલ મહેમાનો માટે રસોઈ બનાવવાનું કહી બહાર નીકળી ગયા.

આમિર અલી અને ત્રણે સ્ત્રીઓ હાથ મોઢું ધોઈ, જમીને નિર્મળાએ બતાવેલ ઓરડામાં આરામ કરવા ગયા.

વલ્લભભાઈ બહાર નીકળી બજારમાં થઈને પહેલા જોરવરસિંહના મામા વિક્રમસિંહ પાસે જઈ એમની સાથે થોડી વાતચીત કરી ત્યાંથી નીકળી ગામની પોસ્ટઓફિસમાં જઈ એક ટ્રંકકોલ લગાડ્યો.

ઓપરેટરને આપેલો નંબર જોડાયા બાદ ફોનની રિંગ વાગ્યા પછી ખાસ્સી દસેક મિનિટ સુધી રાહ જોયા પછી સામે છેડેથી વલ્લભભાઈને ચિરપરિચિત અવાજ સંભળાયો.
"બોલો વલ્લભરાય, ઘણે દિવસે અમારી યાદ આવી. કોઈ નવા દાગીનાના ઘાટ ઘડાયા છે કે શું? તમારા જાદુઈ હાથે બનાવેલ કરામતી દાગીનાની માંગ તો આખાય ગુજરાત અને રાજસ્થાનમાં વધી રહી છે. બેજોડ કારીગરી, આકર્ષક ડિઝાઇન અને ખાસ તો એમાં છુપાયેલી કરામત, લગભગ નાના મોટા દરેક રજવાડાની રાણીઓ, મહારાણીઓ, નર્તકીઓ અરે ત્યાં સુધી કે ઉચ્ચ વર્ગને ખુશ રાખતી વેશ્યાઓ પણ તમારા બનાવેલ દાગીના ખરીદવાનો આગ્રહ રાખે છે. બોલો આ વખતે શું છે નવું?"

"આ વખતે કાંઈક નવી ડિઝાઇનના કંગન-કડા બનાવવાનો વિચાર છે, શું છે કે હવે લગ્નગાળો પણ આવી રહ્યો છે અને મારો ખાસ કારીગર પણ આવી ગયો છે, જેવું કાંઈક નવું બનશે એટલે તરત તમને જાણ કરીશ અને બીજી ખાસ વાત રાજા ઉદયસિંહને કહેજો કે કમરપટ્ટાનો કારીગર મારી પાસે આવી ગયો છે, ફોન મુકું છું," કહી ફોન કટ કરી પોસ્ટમાસ્તરને પૈસા ચૂકવી વલ્લભભાઈ પાછા ઘરે આવ્યા ત્યારે આમિર અલી, તરાના, લાજુબાઈ અને એમની દીકરી હજી સુતા હતા.

"નિર્મળા..... આ લોકો વખાના માર્યા અહીં આવ્યા છે તો બે-ચાર દિ' ભલે રોકાય, પછી જોઈશું આગળ શું કરવું. આ લોકો માટે ચા-પાણી, ભોજનની વ્યવસ્થા કરજો અને રમલીને મદદ માટે બોલાવી લેજો," નિર્મળાના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ વલ્લભભાઈ પોતાના ઓરડામાં ગયા.

નીંદર પુરી થતાં અને થાક ઉતરતાં જ આમિર અલી પથારીમાંથી ઉભો થયો, મોરી પાસે જઈ ડોલમાંથી પાણી લઈ મોઢે છાંટયું, વાળ પણ ભીના કર્યા અને પરસાળમાં બનાવેલા ઓટલા પર બેસી ગયો.

"નસીબ અમને ક્યાંથી ક્યાં લઈ આવ્યું અને આગળ પણ અલ્લાહ જાણે શું થશે? આઝમગઢમાં રાજા ઉદયસિંહ અને ત્યાંની જનતા શું વિચારશે? મારે એકવાર રાજા પાસે જઈ બધી પેટછૂટી વાત કરવી જોઈએ. આમ કીધા વગર જ અમે ત્યાથી ભાગેડુની જેમ ભાગી છૂટ્યા, રાજા ઉદયસિંહને સાચી હકીકતની જાણ થવી જોઈએ. આમ ક્યાં સુધી ભાગતા ફરશું?" અંગરખાની બાંયથી જ મોં લૂછી આમિર અલી પરસાળમાંથી ઉઠીને આંગણામાં આંટા મારવા લાગ્યો. એને ક્યાં ખબર હતી કે એના વેજપર હોવાની જાણ આઝમગઢ સુધી પહોંચી પણ ગઈ છે. "અહીં પણ વધુ વખત રોકાઈ નહીં શકાય, માણસ જેટલો સારો દેખાવાનો પ્રયત્ન કરે એટલું એનાથી બચીને ચાલવામાં જ મજા છે. કોણ જાણે કેમ પણ હવે મને વલ્લભશેઠ પર પણ વિશ્વાસ નથી. મન મૂંઝાય છે, કશુંક અમંગળ થવાના એંધાણ વર્તાય છે. પરવરદિગાર કોઈ રસ્તો દેખાડે તો સારું," આમિર અલી બેચેન મને પાછો અંદર જઈ તરાનાને અને લાજુબાઈને જગાડીને પોતે બીડી સળગાવી બેઠો. લાજુબાઈ અને તરાના પણ આળસ મરોડતી ઉભા થઇ બહાર જઈ મોઢું ધોઈ પાછા આવીને આમિર અલીની બાજુમાં બેસી ગઈ.

"મારી વાત ધ્યાનથી સાંભળજો, અહીં આપણે વધુ નહિ રોકાઈયે, મને અજબ બેચેની થઈ રહી છે. આપણે અહીંથી બહુ દૂર જવું પડશે પણ ચિંતા મને આ છોડીની છે, આ આઠ-દસ વર્ષના નાનકડા જીવને પણ આપણી સાથે રઝળપાટ કરવી પડશે, શું કરવું સમજાતું નથી?" હજી એક બીડી પુરી થઈ ત્યાં આમિરે બીજી બીડી સળગાવી. એના માથા પર ચિંતાની લકીર સાફ નજર આવતી હતી. એણે ઉભા થઈ છોકરીની બાજુમાં જઈ એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. "આમ પગ વાળીને બેસવાથી કાંઈ નહીં વળે, મગજ દોડાવો ને કાંઈક વિચારો, જેટલું વહેલું નીકળાય અહીંથી નીકળવું પડશે. લાજુબાઈ, એક વિચાર આવે છે મને જો તમને મંજુર હોય તો આપણે ત્રણે એટલે કે હું, તમે અને તરાના આજે રાતે આ છોડીને અહીં જ સૂતી મૂકીને નીકળી જઈએ તો. વલ્લભશેઠ પર એટલો તો ભરોસો છે કે એ આ છોડીને સંભાળી લેશે. તમારે કાળજે પથ્થર મુકવો પડશે અથવા તો તમે પણ અહીં રોકાઈ જાઓ હું અને તરાના અહીંથી નીકળી જઈશું, તમે હશો તો છોડીનું ને તમારું બંનેનું ધ્યાન રાખી શકશો. આ જ વધુ યોગ્ય છે. છોડીને એકલી મૂકીને જતાં મારો પણ જીવ નહીં ચાલે. અત્યાર સુધી તમે અમને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે આજે આ છેલ્લીવારની મદદ પણ કરી દયો, હું આજીવન તમારો ઉપકાર નહીં ભૂલું." આમિર બે હાથ જોડી લાજુબાઈ પાસે કરગરી રહ્યો હતો.

"અરે...... માલિક, આ શું કરો છો? તરાનાને મેં મારી નાની બેન જેવી જ ગણી છે. તમારા માટે તો જીવ આપી દેતાં પણ અચકાઈશ નહીં અને તમને બંનેને પણ એકલા નથી છોડી શકતી. જો અમારા બેયના અહીંયા રહેવાથી તમારા બેઉનો જીવ બચતો હોય તો હું એ પણ કરવા તૈયાર છું. ઉપરવાળો તમને બંનેને સલામત રાખે એ જ અરજ કરું છું" ત્રણે ભીની નજરે એકમેકને જોઈ રહ્યા.

સંધ્યાટાણું થઈ રહ્યું હતું, ધણમાંથી આવતી ગાયો પોતપોતાના રહેઠાણે જઈ રહી હતી, પક્ષીઓ માળે પાછા ફરી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી વધી રહી હતી પણ ગામડાઓમાં હજી ઠંડક હતી. સાંજે કઢી-ખીચડી ખાઈ, આમિર અલી અને વલ્લભરાય બહાર આંગણે આવી બેઠાં, તરાના છોકરીને લઈને અંદર ઓરડામાં ગઈ અને લાજુબાઈ નિર્મળાને રસોડામાં મદદ કરવા રોકાઈ.

"તને એમ થતું હશે ને કે મને તારી અસલી ઓળખ કેવી રીતે થઈ. જ્યારથી તું મારી પાસે કામે લાગ્યો ત્યારથી જ મેં તારી દરેક હિલચાલ પર નજર ગોઠવી હતી. તારા વાળ અને દાઢીમાંથી ક્યારેક ક્યારેક આવતી મેંદીની સુગંધ અને તારી સુરમો આંજેલી આંખો જોઈ મને હમેશા વિચાર આવતો કે તું ભલે ખીમજી પટેલ બનીને આવ્યો હોય પણ તું હિન્દૂ તો નથી જ એટલે મેં તારી પાછળ પણ મારો માણસ ગોઠવ્યો એણે મને તારી બધી સાચી માહિતી મેળવી આપી પણ તારી ઇજનેરી કમાલ અને કરામત જોઈને મેં તને નોકરીએ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. તારા હાથે બનાવેલા દાગીનાની માંગ અને મને મળતું મૂલ્ય વધી ગયું. હું પણ લાલચમાં આવી ગયો અને તારી પાસે દાગીના ઘડાવતો રહ્યો પણ તારી કરામત ક્યારેય ન જાણી શક્યો," વલ્લભરાયે આમિરને સાચી હકીકત જણાવી," મેં ક્યારેય ઉદયસિંહને કે બીજા કોઈને પણ તારી સાચી ઓળખ નથી જણાવી," આમિરે વલ્લભરાયની આંખોમાં શિયાળ જેવી લુચ્ચાઈ અને હોઠો પર ખંધું સ્મિત રમતું જોયું. પળવારમાં એને વલ્લભરાયને મારવાનો વિચાર પણ આવ્યો પણ પોતે નમકહરામ નથી બનવું એમ વિચારી શાંત બેસી રહ્યો. થોડીવાર આડીઅવળી વાતો કરી બંને જણ ઉઠી પોતાના ઓરડામાં ગયા.

અંધારાનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું, આકાશમાં તારલા ટમટમી રહ્યા હતા. ધીરે-ધીરે વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંક ક્યાંક કૂતરાના ભસવાના અવાજ આવી રહ્યા હતા. મધરાત થવા આવી હતી. લોકો ઘેરી નીંદર માણી રહ્યા હતા. આમિર અલી અને તરાના પોતાનો સામાન બાંધી તૈયાર હતા, લાજુબાઈએ અવાજ ન થાય એમ ઓરડાની કડી ખોલી અને આમિર અને તરાના સાથે બહાર આંગણામાં આવી. લાજુબાઈએ સૌથી પહેલા વલ્લભરાયના ઓરડાને બહારથી કડી મારી દીધી. ધીમે પગલે ત્રણે જણા આંગણું વટાવી ડેલીના દરવાજે આવી ઉભા રહ્યા. આમિરે પોતાની પાસે રહેલા માચિસમાંથી દીવાસળી કાઢી સળગાવી જોયું તો ડેલીના બારણે અંદરની બાજુએ મોટું અલીગઢી તાળું લટકતું હતું. આમિર અલી અને તરાના હવે બહાર કેમ નીકળશું એની ચિંતામાં પડી ગયા.

"માલિક ચિંતા ના કરો, મેં શેઠને તાળું મારતા જોઈ લીધા હતા પણ શેઠે ચાવી ઝભ્ભાના ખિસ્સામાં મૂકી અને ઓરડામાં ગયા ત્યારે હું પણ એમની પાછળ ગઈ અને જેવો શેઠે ઝભ્ભો ઉતારી ખીંટીએ ટાંગી પાછળ મોરી તરફ ગયા એટલે લાગ જોઈ મેં ચાવી સેરવી લીધી." આમિર અને તરાના સામે જોઈને પોતાની ઓઢણીના છેડે મારેલી ગાંઠ ખોલી એમાંથી ચાવી બહાર કાઢી તાળામાં ભરાવી અને ચાવી ફેરવી, તાળું ખુલ્યું હળવેથી બારણું ઉઘાડી લાજુબાઈ, આમિર અલી અને તરાના બહાર નીકળ્યા. દરવાજાની ડાબી બાજુએ બાંધેલા ઊંટની દોરડી ખોલી પોટલું ખોળામાં મૂકી તરાના ઊંટ પર બેઠી. આમિર અલીએ ઊંટની પીઠ પસરાવી, બુચકારી તરાનાની આગળ બેસી ઊંટને ઉભો કરી દોરડી ખેંચી એટલે ઊંટ ચાલવા માંડ્યું. ઊંટ પર બેસતા પહેલા તરાના લાજુબાઈને ભેટીને રડી પડી. હળવે ચાલતું ઊંટ હવે દોડવા લાગ્યું હતું અને જેવું એ નજરથી દૂર ગયું એટલે લાજુબાઈએ ડેલીનું બારણું અડધું બંધ કર્યું અને ચાવી આંગણાની દીવાલ પાછળ ઝાડીમાં ફેંકી દીધી પછી અંદર આવી વલ્લભરાયના ઓરડાની બહારથી મારેલી કડી ખોલી, પોતાના ઓરડામાં જઈ છોકરીને ગળે હાથ વીંટાળી જાણે કાંઈ ના બન્યું હોય એમ નિશ્ચિંત બની સુઈ ગઈ.

"શે.....ઠ...., ઓ શેઠ......, "સૂર્યોદય થવાને હજી વાર હતી પણ આકાશમાં આછું અજવાળું હતું. વલ્લભરાય અને નિર્મળા હજી સુતા હતા પણ દરવાજે પડનારી થાપથી બંને સફાળા જાગી ગયા અને દરવાજો ખોલી બહાર આવ્યા.

"શું થયું, આટલી સવારે," સામે ઉભેલી રડીને સુઝેલી આંખો અને વિખરાયેલા વાળવાળી લાજુબાઈને જોઈ શેઠને કાઈક અણધાર્યું બનવાનો અણસાર આવી ગયો. લાજુબાઈને ઓરડા તરફ દોડતી જોઈ વલ્લભરાય પણ એની પાછળ દોડ્યા અને ઓરડામાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દીવાલને ટેકે ઉભા રહી ગયા.

પણ વિધીની વક્રતા હવે નવું રૂપ ધરીને આવનારા સમયમાં કેવી આંધી લાવવાની હતી એની જાણ કોઈનેય નહોતી.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.