લવ રિવેન્જ-2 Spin Off - Chapter 29 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 29

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠને..!

હવે પછીની સ્પીન ઓફની સ્ટોરીનાં બધાંજ ચેપ્ટર મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠ દ્વારા સૂચવવામાં આવેલાં પ્લોટ અનુસાર લખવામાં આવેલાં છે. લવ રિવેન્જની મુખ્ય વાર્તા સાથે સ્પીન ઓફનાં પ્લોટનો “તાળો” બેસે એ જરૂરી હતું જેથી આખી વાર્તા એક નેચરલ ફલોમાં લખાય. સ્પીન ઓફની વાર્તાને લવ રિવેન્જના પહેલાં ભાગ સાથે બેસાડી આપવામાં તેમજ વાર્તાને નેચરલ ફલોમાં બેસાડી આપવામાં મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો ફાળો સૌથી મહત્વનો છે.

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

***

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-29

“મારાં હિસાબે દોઢેક મહિનાં પછીનું મુરત સારું છે....!” સિદ્ધાર્થ-નેહાના લગ્નનું મુહુર્ત જોવાં માટે કરણસિંઘે ઘરે બોલાવેલાં પુરોહિત પોતાનાં ખોળામાં મુકેલાં પંચાગમાં જોઇને બોલ્યાં.

સોફામાં તેમની સામે કરણસિંઘ, સુરેશસિંઘ અને વિજયસિંઘ પણ બેઠાં હતાં. મોટાં ડ્રોઈંગરૂમમાં ઉપર સિદ્ધાર્થના રૂમ તરફ જતી સીડીઓ પાસે ઉભેલી નેહા તેમની વાતો સાંભળી રહી હતી.

“તો વિજય....!” પુરોહિતની વાત સાંભળી કરણસિંઘે સોફામાં સુરેશસિંઘની જોડે બેઠેલાં વિજયસિંઘ સામે જોયું “તારે મેરેજની તૈયારીઓમાં પહોંચી વળાશે...!?”

“પહોંચી વળાશે ભાઉ....!” વિજયસિંઘ સ્મિત કરીને બોલ્યાં “તમે ચિંતા ના કરો...!”

“તો પછી બકુલભાઈ....!” પુરોહિત બકુલભાઈ સામે જોઈને કરણસિંઘ બોલ્યાં “દિવસ નક્કી કરો..! લગન પડીકું પણ વધાઈ લેવાં માટે....!”

“લગનનાં દસેક દિવસ પહેલાં વળી...!” બકુલભાઈ પોતાનું પંચાગ વાખી સ્મિત કરીને બોલ્યાં “દસેક દિવસ પે’લ્લાં તમે બેય તમારાં મેં’માનો તેડાઈ લો...અને લગન પડીકું વધાઈ સગું જાહેર કરીદો....!”

“સરસ...સરસ ભાઉ...!” સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં “તો હવે રાગુંને કો’...મોઢું મીઠું કરાવે...!”

કરણસિંઘે સ્મિત કર્યું અને કિચન તરફ જોઈ રાગિણીબેનને બૂમ પાડવાં ગયાં.

“હું બોલાઉ છું....!” સીડીઓ પાસે ઉભેલી નેહા કિચન તરફ જતાં-જતાં બોલી અને કરણસિંઘ અટકી ગયાં.

કિચન તરફ જતાં-જતાં નેહાએ પોતાનાં ફોનમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” સિદ્ધાર્થના ફોનની રીંગ વાગી રહી.

“કેટલાં વાગે આવે છે...!?” સિદ્ધાર્થે ફોન ઉઠાવતાં નેહાએ ઉતાવળા સ્વરમાં ફોન ઉપર સિદ્ધાર્થને પૂછ્યું “મારે શોપિંગ કરવા જવું છે....!”

“સન્ડે જઈએ તો નઈ ચાલે...!?” વાત ટાળતો હોય એમ સિદ્ધાર્થ બહાનું કાઢીને બોલ્યો “મારે ઓફીસમાં થોડું કામ છે...!”

“છેક સન્ડે...!?” નેહા ગુસ્સો કરતી હોય એમ બોલી “અરે દસ દિવસ પછી કૉલેજ ચાલું થાય છે...! હું કંઈ ના જાણું....! મારે આજેજ જવું છે...!”

“અરે યાર...!” ઓફીસમાં બેઠેલો સિદ્ધાર્થ કપાળે હાથ ઘસીને બબડ્યો પછી બોલ્યો “સારું....! હું ટ્રાય કરું છું...!”

“ટ્રાય નઈ....!” ધમકી આપતી હોય એમ નેહા બોલી “મારે તું અડધો કલ્લાકમાં ઘેર જોઈએ એટલે જોઈએ...!”

“સારું....! આવું છું....!” નિરાશામાં માથું ધૂણાવતો- ધૂણાવતો સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કર્યો.

કંટાળેલો સિદ્ધાર્થ પોતાની ચેઅરમાં બેકરેસ્ટ ઉપર માથું ટેકવીને બેઠો. ઓફીસની છતમાં લાગેલી એલઈડી લાઈટના નાનાં લેમ્પ સામે સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

સગાઈ પછી સિદ્ધાર્થ તરફ નેહાનું બિહેવિયર ઝડપથી બદલાયું હતું. સિદ્ધાર્થે પોતે એવું એક્પેક્ટ કર્યું હતું કે આરવને લવ કરતી નેહાને મુવ ઓન થવામાં ઘણો સમય લાગશે. જોકે તેનાંથી વિપરીત નેહા ખુબ ઝડપથી સિદ્ધાર્થ તરફ “ડાયવર્ટ” થઈ હતી.

નેહા હકથી સિદ્ધાર્થને ધમકાવી નાંખતી, ઝગડતી. સાંજે સિદ્ધાર્થના ઘરે આવ્યાં પછીજ જમવાં માટે નેહા પણ સાથે બેસતી. મુવી જોવાં, સાંજે જમીને ક્યાંક આંટો મારવાં, સિદ્ધાર્થ “ના” પાડે તો પણ નેહા જિદ્દ કરીને તેને સાથે લઈ જતી.

રાગિણીબેન સહિત કરણસિંઘ અને સુરેશસિંઘને પણ એ વાતનો આનંદ હતો કે નેહાએ ઝડપથી વાસ્તવિકતા અને સિદ્ધાર્થ બંનેને સ્વીકારી લીધાં હતાં.

જોકે બધાં કરતાં અલગ, સિદ્ધાર્થ પોતે ખુશ નહોતો. નેહાને પસંદ કરતો હોવાં છતાંય સિદ્ધાર્થનું મન નેહાને એક્સેપ્ટ નહોતું કરી શક્યું. આમ છતાં, નેહા પોતાની ફિયાન્સ છે અને છેવટે તેની થઈ, એ વાતની ખુશી અને સંતોષ સિદ્ધાર્થને જરૂર હતો.

નેહા વિષે સિદ્ધાર્થ ક્યાંય સુધી વિચારી રહ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!”

ઓફીસની છત સામે જોઈ રહી વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થનાં મોબાઈલની રીંગ વાગતાં તેનાં વિચારો ભંગ થયાં. ડેસ્ક ઉપર પડેલા પોતાનાં મોબાઈલની સ્ક્રીન સામે સિદ્ધાર્થે ચેયરમાં સહેજ સીધાં થઈને જોયું.

“પપ્પા...!?” ફોન કરણસિંઘનો હતો.

“હાં...પપ્પા...!?” કૉલ રીસીવ કરી સિદ્ધાર્થ બોલ્યો.

“ક્યાં છું....!?” કરણસિંઘે પૂછ્યું.

“ઓફીસ છું....!” સિદ્ધાર્થ બોલ્યો.

“બકુલકાકા આયાં છે....!” કરણસિંઘ બોલ્યાં.

“ઓહ....!” બકુલભાઈનું નામ સાંભળતાંજ સિદ્ધાર્થ સહેજ ગંભીર થઈ ગયો અને મનમાં બબડ્યો “મેરેજની ડેટ ફિક્સ થઈ ગઈ લાગે છે....!”

“દોઢ મહિનાં પછીનું મુરત જોયું છે....!” કરણસિંઘ બોલ્યાં “અને દસેક દિવસ પે’લ્લાં લગન પડીકું વધાવવાનું.....!”

“હં....સારું.....!” વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ કોઈ જાતના રસ વિના બોલ્યો.

“તું કામ પતાઈને ઘેર આય....! પછી બધી વાત કરીએ...!” કરણસિંઘ બોલ્યાં.

“હાં...સારું...!”

“ચલ....!” એટલું કહીને કરણસિંઘે ફોન કટ કર્યો.

નેહા વિષે ઓલરેડી વિચારી રહેલાં સિદ્ધાર્થનું મન હવે મેરેજની ડેટને લઈને વિચારે ચઢી ગયું.

થોડીવાર સુધી વિચારતાં રહ્યાં બાદ મૂંઝાયેલા સિદ્ધાર્થે છેવટે પોતનાં મોબાઈલમાંથી વિકટનો નંબર ડાયલ કર્યો.

“બોબી મલ.....! વીસેક મિનીટમાં....!” સિદ્ધાર્થ બોલ્યો.

“શું નવું આયુ પાછું...!?” વિકટ મજાકિયા સ્વરમાં બોલ્યો.

“એ તું આય.....! પછી કઉ....!” એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને ચેયરમાંથી ઉભો થયો.

ઓફિસેથી નીકળી સિદ્ધાર્થ વિકટને મળવા બોબી પર પહોંચી ગયો.

****

“તો મેરેજની ડેટ ફિક્સ થઈ ગઈ એમને....!?” વિચારતો હોય એમ વિકટ બોલ્યો.

“હમ્મ....! દોઢેક મહિનાં પછી....!” સિદ્ધાર્થ બોલ્યો “અને મેરેજનાં દસેક દિવસ પે’લ્લાં લગન પડીકું વધાવવાનું...!”

“લગન પડીકું.....!?” વિકટે પૂછ્યું “એટલે...!?”

“રીવાજ છે....!” સિદ્ધાર્થ માહિતી આપતાં બોલ્યો “બંને પક્ષના સગાઓની હાજરીમાં અમારાં રાજ પુરોહિત એક કાગળમાં લાલ પેનથી મેરેજની ડીટેલ લખે...!”

“કેવી ડીટેલ...!?” વિકટે પૂછ્યું.

“જેમ કંકોત્રીમાં લખ્યું હોયને...કે અમારાં કુળદેવીની અસીમ કૃપાથી....ફલાણા ગામના, ફલાણા ગોત્રનાં...ફલાણા પરિવારનાં....ફલાણાના પુત્રનાં વિવાહ....ફલાણાની પુત્રી સાથે .....ફલાણી તારીખે...તીથીએ...નક્કી કરેલ છે...!”

“ઓહ....!”

“હાં....એ કાગળમાં એવી બધીજ જરૂરી ડીટેલ લખવામાં આવે....બંને પક્ષની....અને બંને પક્ષના બે લગ્ન પડીકા અલગ-અલગ બને...તારીખ....વાર.....તિથી....ચોઘડિયા....બધાંજ માંગલિક પ્રસંગો...વગેરે બધુંજ નક્કી કરી લખવામાં આવે...! પછી કંકુ-ચોખાંથી એ પડીકું વધાઈ તેને ચોરસ પડીકું બનાવાય અને ઉપર નાડાછડી બાંધવામાં આવે....!”

સિદ્ધાર્થ બોલી રહ્યો હતો અને વિકટ કુતુહલવશ રસપૂર્વક સાંભળી રહ્યો હતો.

“અમારાંમાં લગ્ન પડીકું વધાવાઈ ગયું....એટલે એ સગું પુરેપરું પાક્કું થઈ ગ્યું ગણાય...!” સિદ્ધાર્થ “એ પછી કોઈપણ સંજોગોમાં લગ્ન ના તૂટે.....! લગ્ન પડીકું એટલે કુળદેવી અને અન્ય સગાઓની હાજરીમાં બે પરિવારોએ એકબીજાને આપેલું વચન....! અને અમારામાં વચન એટલે વચન....!”

“અરે વાહ...! તો તો હવે તારી વિકેટ ગઈ એમને....!?” વિકટ હવે ફરીવાર ચીડાવાના મૂડમાં આવી ગયો.

“જો તે ચાલું કર્યું પાછું....!”

“તો શું...!?” વિકટ બોલ્યો “ઘોડો લઈને જઈશ...!? કે ગાડી લઈને...!?”

વિકટે પાછું સિદ્ધાર્થને ચીડાવાનું શરુ કરી દીધું.

****

“મેં તને કીધું ‘તું.....તોય તું વે’લ્લો ના આયોને...!?” સિદ્ધાર્થ રાત્રે મોડો ઘરે આવતાં ગુસ્સે થયેલી નેહા તેની સાથે ઝઘડી રહી હતી.

“પણ મારે થોડું કામ આઈ ગયું ‘તું.....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો.

“તારે આ’વું ન’તું....! તો નાં પાડી દેવી ‘તીને...!” નેહા ચીડાયેલાં સ્વરમાં બોલી.

“પણ હજી તારે દસ દિવસ બાકી છેને....! કૉલેજ ચાલું થવામાં...!?” સિદ્ધાર્થ શક્ય એટલી શાંતિ જાળવીને બોલ્યો “તો પછી આ સન્ડે હું લઈ જઈશ તને શોપિંગ કરવાં માટે...! શું વાંધો છે તને....!?”

“વાંધો તને પડે છે...મને નઈ..!” નેહા સહેજ મોટેથી બોલી.

“જો....! હવે આડી વાત કરવાની....!” સિદ્ધાર્થ ચિડાયો અને સહેજ મોટેથી બોલ્યો.

“એમાં આડી વાત શું...!?” નેહા મોટેથી બોલતી ગઈ.

બંને વચ્ચે ફરીવાર ઝઘડો શરુ થઈ ગયો. આવું લગભગ આંતરે દિવસે થતું.

“અરે શું થયું પાછું....!?” ડ્રોઈંગરૂમમાં ઝઘડતાં બંનેનો અવાજ સાંભળીને કિચનમાંથી બહાર આવીને રાગિણીબેન બોલ્યાં.

“તને કીધુંને....! હું સન્ડે લઈ જઈશ...બસ હવે...! માથાકૂટ નાં કર..!”

સહેજ મોટેથી બોલીને સિદ્ધાર્થ ત્યાંથી પોતાનાં રૂમ તરફ જવા સીડીઓ તરફ જવા લાગ્યો.

“તો તું સીધે-સીધું નાં પાડી દેતો હોય તો...! મારે માથાકૂટ ના કરવી પડેને...!?” નેહા ટોન્ટમાં બોલી.

“આ બેય છોકરાંઓને સમજાવોને...!?” ઘરની પાછળનાં દરવાજેથી ડ્રોઈંગરૂમ તરફ આવી રહેલાં કરણસિંહને આંતરીને રાગિણીબેન બોલ્યાં.

“હું શું સમજાવું....!?” ઝઘડી રહેલાં સિદ્ધાર્થ-નેહા સામે જોઈ કરણસિંહ ખભાં ઉછાળીને બોલ્યાં “હવે આ લોકોનું રોજનું થઈ ગ્યું છે...! બંનેય મોટાં છે...! જાતે સમજવું જોઈએ...!”

“તો મેં નાં જ પાડી’તીને....!” સિદ્ધાર્થ ચીડાયેલા સ્વરમાં બોલ્યો “કે આજે નઈ સન્ડે...!”

“હું સગાઈની વાત કરું છું....!” નેહા ફરીવાર ટોન્ટમાં બોલી “તને હું ન’તી ગમતી તો તારે નાં પાડી દેવી’તીને....!?”

“તને પણ હું ન’તો ગમતો...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “તારે નાં પાડી દેવી’તીને....!”

“ફાઈન....! તો હું આ સગાઇ તોડું છું...!” નેહા બોલી અને મોઢું ફેરવીને કિચનની બાજુમાં આવેલાં પોતાનાં રૂમ તરફ જવા લાગી.

“અરે ...આ છોકરી...કંઈ પણ બોલી નાંખે છે..!” રાગિણીબેન બોલ્યાં અને પછી જોડે ઉભેલાં કરણસિંઘ સામે જોયું “તમે સિદ્ધાર્થને કંઈક સમજાવોને...! કે એ તો શાંતિ રાખે..! અને નેહાને મનાવે...!”

“તું ઝીલને ફોન કરીને અહિયાં બોલાય...!” કરણસિંહ બોલ્યાં “એને કે’...કે એ નેહાને સમજાવે....! બાકી સિદ્ધાર્થ તો સુલઝેલો છોકરો છે..!”

સપાટ સ્વરમાં એટલું બોલીને કરણસિંહ પાછાં ફરીને ઘરની પાછળ જવાં લાગ્યાં.

“બાપ-દીકરો બેય સરખાં છે....!?” જઈ રહેલાં કરણસિંહને જોઈને રાગિણીબેને બબડ્યા અને પછી પોતાનો મોબાઈલ લેવાં માટે કિચન તરફ જવાં લાગ્યાં.

ગુસ્સામાં સગાઇ તોડવાની વાત કરીને નેહા તેણીનાં રૂમમાં જતી રહી એ પછી સિદ્ધાર્થ પણ જતો રહ્યો. છેવટે રાગિણીબેન પણ કિચનમાં જતાં રહેતાં ડ્રોઈંગરૂમમાં શાંતિ પથરાઈ ગઈ.

“નાની-નાની વાતમાં ઝઘડે છે બેય જણા....!” કિચનમાં આવી પ્લેટફોર્મ ઉપર પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવી બબડતાં-બબડતાં રાગિણીબેન ઝીલને ફોન લગાડવા લાગ્યાં.

“હેલ્લો...! હાં ઝીલ...! બેટા શું કરે છે....!?”

****

“હવે તું જ કે’ ...! આ વાતમાં કંઈ હતું...!?” રાગિણીબેને ઝીલને પૂછ્યું “આવી નાની-નાની વાતોમાં બેય જણા નાનાં છોકરાંઓની જેમ ઝઘડે છે...!”

રાગિણીબેને ફોન કરીને બોલાવતાં ઝીલ આવી પહોંચી હતી. ઝીલની સાસરી બરોડા નજીકના ગામમાં હોવાથી રાગિણીબેને ફોન કર્યા પછી ઝીલ એજ સાંજે આવી પહોંચી હતી. રાગિણીબેને ઝીલને સિદ્ધાર્થ-નેહાનાં ઝઘડાઓ વિષે બધું જણાવ્યું હતું.

“અરે...! ઝીલ બેટા...! તું આઈ...!?” કિચનમાં આવેલાં કરણસિંઘે ઝીલને જોતાંજ પૂછ્યું “અને કુલદિપકુમાર....!?”

“એ તો મને ઉતારીને જતાં ‘ર્યા...!” ઝીલ સ્મિત કરીને બોલી.

“અચ્છા....!” કરણસિંઘે ઔપચારિક સ્મિત કર્યું અને પછી રાગિણીબેન સામે જોયું “સિદ્ધાર્થ નેહાને મૂકી આયો...!?”

નેહાને બરોડામાં તેમનાં ઘરે મુકવા ગયેલાં સિદ્ધાર્થ વિષે કરણસિંઘે પૂછ્યું. આખો દિવસ સિદ્ધાર્થને ત્યાં ઘરે વિતાવ્યા પછી નેહા સાંજે બરોડામાં તેમનાં ઘરે જતી રહેતી.

“ના....નેહાતો વિજયભાઈ જોડે ઘેર ગઈ....!” રાગિણીબેન બોલ્યાં “સિદ્ધાર્થ ક્યાંક બા’ર ગ્યો છે...! પણ હજી આયો નઈ....!”

“સારું...! હું ફોન કરું છું...!” કરણસિંઘ બોલ્યાં અને પછી પોતાનાં ઝભ્ભાનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં-કાઢતાં ત્યાંથી ડ્રોઈંગરૂમમાં જતાં રહ્યાં.

“અને તને શું કઉ...!?” કરણસિંઘના ગયાં પછી રાગિણીબેન ફરીવાર પોતાની વાત કન્ટીન્યું કરતાં બોલ્યાં “ગુસ્સે થઈને સગાઈ તોડી નાખવાની વાત કરે છે...!”

“પણ ફોઈ...! એન્ગેજ કપલમાંતો આવાં ઝઘડાઓ ચાલતાંજ હોય...!” ઝીલ બોલી “એટલે ગુસ્સામાં આવીને નારાજ થઈને કોઈ કશુંપણ બોલી નાંખે...! એ બધું તો ચાલ્યાં કરે....! આપડામાં કંઈ એમ થોડી સગાઇ તૂટી જાય...!”

“હાં દીકરા પણ મારાં કે’વાનો અર્થ એ છે કે બેય આખો દિવસ ઝઘડ-ઝઘડજ કરે છે..!” રાગિણીબેન બોલ્યાં “નેહા તો ઠીક સિદ્ધાર્થ પણ શાંતિ નઈ રાખતો....!”

“પણ ફોય...! તમે તો જાણો છો...! બેયની સગાઈ કેવી સિચ્યુએશનમાં થઈ છે....!” ઝીલ બોલી “એમાંય નેહા તો આરવને લાઈક...અ....આઈ મીન....! તમે સમજો છોને...!?”

“અરે તું જ એ બેયને સમજાય....!” રાગિણીબેન થાક્યા હોય એમ મોઢું બગાડીને બોલ્યાં “હું તો કંટાળી...!”

“સારું...! હું પે’લ્લાં સિદ્ધાર્થ...!”

“અરે રાગિણી....!” ઝીલ બોલી રહી હતી ત્યાંજ કિચનમાં પાછાં કરણસિંઘ આવ્યાં “સિદ્ધાર્થ વિકટને મળવા ગ્યો છે...! એટલે થોડો લેટ આવશે...! તું મારું જમવાનું પીરસીદેને...!”

“હાં...! સારું...!” રાગિણીબેન બોલ્યાં.

“ઝીલ...તું જમી બેટા...!?” કરણસિંઘને ઝીલને પૂછ્યું.

“હાં ફુઆ....!” ઝીલ સ્મિત કરીને બોલી પછી કરણસિંઘ માટે જમવાની થાળી તૈયાર કરી રહેલાં રાગિણીબેન પાસે ગઈ.

“લાવો...! હું ફુઆ માટે થાળી તૈયાર કરી દવ....!” ઝીલ બોલી.

“હું વાસણ કાઢી દઉ....!” રાગિણીબેન બોલ્યાં “કામવાળાં આવતાંજ હશે...!”

ઝીલે સ્મિત કર્યું અને કરણસિંઘ માટે થાળીમાં જમવાનું કાઢવા લાગી.

જમવાનું થાળીમાં કાઢતાં-કાઢતાં ઝીલ સિદ્ધાર્થ અને નેહા વિષે વિચારવા લાગી. તેણીની પોતાની સગાઇ અને મેરેજ પણ તેણીની મરજી વિરુદ્ધ થયાં હોવાથી પોતે એ વખતે જે ફ્રસ્ટ્રેશન ફિલ કર્યું હતું એજ નેહા અને સિદ્ધાર્થ પણ ફિલ કરતાં હશે એવું ઝીલ સમજી શકતી હતી.

****

“ગૂડ મોર્નિંગ....! આટલાં વે’લ્લાં જાગી ગ્યો.....!?” સિદ્ધાર્થનાં રૂમમાં આવીને બાલ્કનીમાં ઉભેલાં સિદ્ધાર્થને ઝીલે કહ્યું “રાત્રે મોડાં સુતો તો તોય....!”

વહેલી સવારે સિદ્ધાર્થ બાલ્કનીમાં ઉભાં-ઉભાં સામે દેખાતાં ગાર્ડન તરફ જોઈ રહી વિચારી રહ્યો હતો.

ઝીલ તરફ જોઇને સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું.

“તું રાતે વિકટભાઈને મલીને લેટ આયો તો....! એટલે હું પણ રાહ જોઈ-જોઇને સુઈ ગઈ પછી....!” મીઠો ગુસ્સો કરતી હોય એમ ઝીલ ફરિયાદ કરતી હોય એમ બોલી

“રાહ જોઈ...!? કેમ...!? કોઈ કામ હતું મારું....!?” સિદ્ધાર્થે હળવા આશ્ચર્ય સાથે પૂછ્યું અને બાલ્કનીમાંથી અંદર રૂમમાં આવ્યો.

“હાસ્તો....! મારી ભાભીને તું કેમ હેરાન કર-કર કરે છે...!” નેહા છણકો કરીને બોલી “ફોય કે’ છે...! કે તું આખો દિવસ એની જોડે ઝઘડ-ઝઘડ કરે છે...!”

“થોડુક તો કોમન સેન્સથી વિચાર કર ઝીલ...!” સિદ્ધાર્થ સહેજ ચીડાયેલા સ્વરમાં બોલ્યો “હું આખો દિવસ તો ઓફીસમાં હોઉં છું....! તો પછી આખો દિવસ કેમનો એની જોડે ઝઘડું....!?”

“હી..હી....!” ઝીલથી હસાઈ ગયું પછી બોલી “મારો કે’વાનો મિનીંગ એમ છે...કે તમે બેય શું નાની-નાની વાતમાં ઝઘડો છો...!?”

“એને આદત પડી ગઈ છે....!” સિદ્ધાર્થ બોલ્યો અને બેડમાં પડેલો પોતાનો મોબાઈલ લેવાં બેડ તરફ જવાં લાગ્યો.

“ભાઈ...! શું તું પણ...!” ઝીલ સમજાવતી હોય એમ સહેજ ગંભીર સ્વરમાં બોલી “તને તો ખબરજ છે...! મારી જેમ નેહાની સગાઈ પણ જોરજબરદસ્તીથી થઈ છે...! અને હવે મેરેજ પણ થઈ જવાનાં...! ફોય કે’તાં’તાં કે....દોઢેક મહિનાં પછીનું મુરત છે....!”

ઝીલ સિદ્ધાર્થને જોતાં-જોતાં બોલતી રહી. ઓફિસે જવાની તૈયારી કરતો સિદ્ધાર્થ પોતાની વસ્તુઓ એક પછી એક લઈ રહ્યો હતો.

“કૉલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય એની પણ કોઈએ રાહ ના જોઈ...! અને મેરેજ નક્કી કરી દીધાં...!” ઝીલ બોલી “દોઢ મહિનાં પછી મેરેજ છે....અને નેહાને તો કોઈએ પૂછ્યું પણ નઈ....!”

“મને પણ કોઈએ નથી પૂછ્યું....!” અત્યંત કઠોર અને ટોન્ટભર્યા સ્વરમાં ભીની આંખે સિદ્ધાર્થ ઝીલ સામે જોઇને બોલ્યો અને ત્યાંથી બહાર જવાં લાગ્યો “અને મને તો ખબર પણ નથી...! કે દોઢ મહિનાં પછીનું મુહુર્ત નક્કી થઈ ગ્યું છે...!”

વેધક સ્વરમાં બોલતાં-બોલતાં સિદ્ધાર્થ ત્યાંથી નીકળી ગયો અને ઝીલ દયામણું મોઢું કરીને સિદ્ધાર્થને ઝડપથી રૂમની બહાર નીકળતો જોઈ રહી.

“મને પણ કોઈએ નથી પૂછ્યું....! નથી પૂછ્યું..!”

મને તો ખબર પણ નથી... નથી....!

....કે દોઢ મહિનાં પછીનું મુહુર્ત નક્કી થઈ ગ્યું છે...નક્કી થઈ ગ્યું છે....!”

સિદ્ધાર્થના એ શબ્દો ઝીલનાં કાનમાં પડઘાવા લાગ્યાં. નેહા કરતાં પણ સિદ્ધાર્થની હાલત દયનીય છે એવું જાણી ઝીલની આંખ ભીંજાઈ ગઈ.

*****

“તું ક્યારે આઈ...!?” બપોરે ઘરે આવેલી નેહાએ ઝીલને જોતાંજ કહ્યું.

“બસ...ગઈકાલેજ....!” ઝીલ સ્મિત કરતાં બોલી “હું તમારીજ રાહ જોતી’તી...!”

“કેમ..!? શું હતું...!?” નેહાએ પૂછ્યું.

“અરે મારે શોપિંગ કરવાં જવું’તું...!” ઝીલ બોલી “એટલે મેં કીધું...! તમે આવો..તો જોડે જઈએ...!”

“અરે તો ચલને...!” નેહા તરતજ ખુશ થઈને બોલી “મારે પણ શોપિંગ કરવાનીજ છે...!”

“ તો પછી હું ફટાફટ તૈયાર થઈ જાઉં...! પછી નીકળીએ....!” ઝીલ બોલી અને પોતાનાં રૂમમાં દોડી ગઈ.

****

“હવે ત્યાં જઈએ...!” બાલાજી મોલમાં આવેલી બ્રાન્ડેડ કપડાંની સ્ટોર સામે આંગળી ચીંધીને નેહા બોલી.

ઝીલ સાથે તે શોપિંગ કરવાં માટે બરોડામાં બાલાજી મોલમાં આવી હતી.

“હાં..હાં....ત્યાં કુર્તીઓનું કલેક્શન સારું દેખાય છે...!” સ્ટોરના ગ્લાસના ડિસ્પ્લેમાં પુતળાઓ ઉપર પહેરાવેલી કુર્તીઓ જોઇને ઝીલ બોલી.

“એક કામ કરો...! તમે સ્ટોરમાં જાવ...! હું વોશરૂમ જઈને આવું...!” ઝીલ બહાનું કાઢીને બોલી અને મોલમાં આવેલાં લેડીઝ વોશરૂમ તરફ જવા લાગી.

નેહા તે સ્ટોર તરફ જવા લાગી.

“ભાઈ...! ક્યાં છે તું....!?” મોલના વોશરૂમમાં આવીને ઝીલે સિદ્ધાર્થને ફોન કર્યો અને સિદ્ધાર્થે કૉલ રીસીવ કરતાં ઝીલે પૂછ્યું.

“ઓફીસ...! કેમ...!?” સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો.

“અચ્છા...! તો તું ફટાફટ બાલાજી મોલ આઈજાને...!” ઝીલ બોલી.

“પણ કેમ...!?” સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

“હું અહિયાં શોપિંગ કરવાં આઈ છું...! મારે તારી હેલ્પ જોઈએ છે...!” ઝીલ બોલી.

“તારી શોપિંગમાં હું શું હેલ્પ કરું...!?”

“અરે બાપા કુલદિપ માટે કપડાં લેવાં છે....! પણ મને નઈ સમજાતું નઈ કે શું ચોઈસ કરું...!” ઝીલ ચિડાઈ હોય એમ નાટક કરીને બોલી “તું આયને...આવું શું કરે છે....!”

“હાં સારું...! આવું છું....!” સિદ્ધાર્થ છેવટે બોલ્યો.

“હું સેકન્ડ ફ્લોર ઉપર હોઈશ...!” ઝીલ બોલી.

“ઓકે....!” સિદ્ધાર્થ બોલ્યો અને છેવટે કૉલ કટ કર્યો.

સિદ્ધાર્થ સાથે વાત કરી ઝીલ વોશરૂમમાંથી નીકળી અને સ્ટોર તરફ જવા લાગી.

*****

“મને તો જોરદારની ભૂખ લાગી છે હોં...!” શોપિંગ પતાવી લીધાં પછી ઝીલ મોઢું ઢીલું કરીને બોલી “આપડે કંઈક જમીએ...!?”

“ભૂખ તો મનેય લાગીજ છે...!” નેહા પણ એવુંજ મોઢું કરીને બોલી “પણ આ બધી શોપિંગ બેગ્સ...!?”

પોતાનાં બંને હાથમાં પકડેલી ઘણીબધી શોપિંગ બેગ્સ બતાવીને નેહા બોલી.

“હું રઘુ અંકલને કઉ છું....!” ઝીલ બોલી અને પોતાનાં મોબાઈલમાંથી રઘુનાથભાઈને કૉલ કરવાં લાગી “એ બધી બેગ્સ લઈ જશે...! અને કારમાં એમની જોડે મૂકી રાખશે...!”

“હાં...સારો આઈડિયા છે...!” નેહા સહમત થઈને બોલી.

“હાં રઘુનાથ અંકલ...!” ઝીલે કહ્યું.

*****

“અરે તું અહિયાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આય...!” ઝીલે સિદ્ધાર્થને ફોન ઉપર કહ્યું “હેવમોરમાં...! અમે પાઉંભાજી ખાવાં બેઠાં છે...!”

સામે બેઠેલી નેહા ફોન ઉપર વાત કરી રહેલી ઝીલ સામે જોઈ રહી.

“અમે એટલે...!?” સિદ્ધાર્થે સામેથી પૂછ્યું.

“અરે તું આયને જલ્દી...!” ઝીલ બોલી અને કૉલ કર્યો.

“કોણ આવે છે...!?”/ નેહાએ કુતુહલવશ પૂછ્યું.

“સરપ્રાઈઝ છે....!” મોબાઈલ ટેબલ ઉપર મુકતા ઝીલ આંખ મીચકારીને બોલી.

થોડીવાર પછી ઝીલે સિદ્ધાર્થને રેસ્ટોરન્ટનાં એન્ટ્રન્સમાંથી બ્લેક શર્ટ-બ્લ્યુ જીન્સ પહેરેલાં સિદ્ધાર્થને એન્ટર થતો જોયો.

સિદ્ધાર્થની નજર ટેબલ ઉપર એન્ટ્રન્સ તરફ મ્હોં કરીને બેઠેલી ઝીલ ઉપર પડતાંજ ઝીલે સ્મિત કર્યું અને પોતાનો હાથ ઊંચો કરીને ઈશારો કર્યો.

સિદ્ધાર્થ ઉતાવળાં પગલે તેણી તરફ આવવા લાગ્યો. રેસ્ટોરન્ટમાં બેસવાં માટે લેધરના સોફાંની સીટોનું ઇન્ટીરીયર બનાવાયું હતું.

સામ-સામે બંને તરફ બે-બે વ્યક્તિ બેસી શકે એટલાં લાલ લેધરની સીટવાળાં સોફાં અને વચ્ચે એટલુંજ લાંબુ ટેબલ. આખું ફેમીલી એકસાથે જમી શકે એ માટે છેલ્લે ખૂણામાં મોટાં સોફાં પણ હતાં.

“જમી લીધું...!?” ટેબલની પાસે આવતાંજ સિદ્ધાર્થે ઝીલને પૂછ્યું.

“ના...! હજી ઓર્ડર કર્યું છે...!” ઝીલ સ્મિત કરીને બોલી.

ઝીલની સામે બેઠેલી નેહા સામે નજર પડતાંજ સિદ્ધાર્થે પ્રશ્નાર્થ ભાવે ઝીલ સામે જોયું અને તરતજ ઝીલને પૂછવા લાગ્યો.

“તે..!”

“તે સિદ્ધાર્થને અહિયાં શું કામ બોલાયો...!?” સિદ્ધાર્થ કશું બોલે એ પહેલાંજ નેહા ચિડાઈને બોલી “એ શાંતિથી જમવા પણ નઈદે...! ઝઘડો ચાલું કરીદેશે...!”

“ઝઘડવાની આદત તારી છે.... મારી નઈ...!” ટોન્ટ મારતો હોય એમ સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

“અરે તમે બેય બંધ કરો અવે....!” ઝીલ બેયને ખખડાવતી હોય એમ બોલી પછી ઉભાં થઈને સિદ્ધાર્થને બાવડેથી પકડ્યો.

“અને તું અહિયાં બેસ...!” જોરજબરદસ્તી સિદ્ધાર્થને તેણીએ નેહાની જોડે બેસાડી દીધો “ચુપચાપ...! કશુંપણ બોલ્યાં વગર...!”

ઝીલ ધમકાવતી હોય એમ બોલી. પછી પાછી બેયની સામે પોતાની સીટમાં બેઠી.

“હવે બોલો...! શું જમવું છે....!?” ઝીલ સ્મિત કરીને બોલી.

“હું તો જમીને આયો...!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો.

“તો પછી અહિયાં આયોજ શું કામ...!?” નેહા ચિડાઈને બોલી.

“મને ઝીલે બોલાયો એટલે..!” સિદ્ધાર્થ પણ સહેજ ચિડાઈને બોલ્યો.

“અરે તમે બેય...! શું યાર..!” ઝીલ ચિડાઈને બોલી “શાંતિ રાખોને...!”

“હું તો શાંતજ છું...!” સિદ્ધાર્થ બોલ્યો “અને તું બોલ...! તારે કુલદિપની શોપિંગ માટે શું હેલ્પ જોઈએ છે...!?”

“મેં કીધું...તો મારી જોડે શોપિંગ માટે નાં આયો....!” નેહાએ ગુસ્સામાં કહ્યું.

“હવે શું ફરક પડે છે...!? તે સગાઈ તોડી નાંખીને...!” સિદ્ધાર્થ પણ સામે ચોપડાવતો હોય એમ ગુસ્સે થઈને બોલ્યો અને નેહાની બાજુમાંથી ઉભો થઈ ગયો “તો હવે પૂરી વાત....!”

આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં લોકોનું ધ્યાન હવે તેમની તરફ ખેંચાયું. જોકે કેટલાંક કપલ્સ સિદ્ધાર્થ અને નેહા વચ્ચેનાં ઝઘડાંને જોઈને એકબીજાં સામે જોઈ મલકાયા.

“અરે શું ભાઈ તમે પણ...!” ઝીલે પાછો સિદ્ધાર્થનો હાથ પકડ્યો અને તેને પાછો નેહાની જોડે બેસાડ્યો “એમ કંઈ થોડી સગાઈ તુટતી હોય....!”

“એ તું આને સમજાય...! મને નઈ...!” સિદ્ધાર્થ પાછો ઉભો થવાં ગયો.

“અરે....તમે ચુપચાપ બેસો...!” ઝીલ ધમકાવતી હોય એમ બોલી “બેય જણા ટોમ એન્ડ જેરીની જેમ ઝઘડો છો...!”

“હાં.. જેમાં દર વખતે વાંક જેરીનોજ હોય છે અને બિચારો ટોમ ફાલતુંમાં વગોવાઈ જાય છે...!” સિદ્ધાર્થ ટોન્ટ મારતો હોય એમ બોલ્યો અને માથું ધુણાવ્યું.

“જો ઝીલ....! તું આને કઈદે...કે આવાં ટોન્ટ મારવાં આયો હોય...તો જતો રે’...!” નેહા ગુસ્સામાં બોલી.

“તો મારે પણ અહિયાં નઈ બેસવું...!” કહેતાં સિદ્ધાર્થ ઉભો થયો અને પછી ઝીલ સામે જોઇને કહ્યું “તમે લોકો કોની જોડે આયાં છો...!?”

“રઘુનાથ અંકલ જોડે..!” ઝીલ બોલી “મેં એમને જમવાનું પૂછ્યું ‘તું...! પણ એમને ફાસ્ટ છે એટલે એમણે નાં પાડી...!”

“હાં...તો તમે લોકો ટાઈમે ઘેર જતાં રે’જો...!” સિદ્ધાર્થ બોલ્યો અને નેહા સામે ઘુરકીને જોયું અને રેસ્ટોરન્ટ તરફ જવા પાછો ફર્યો

“અને તું ક્યાં જાય છે...!?” સિદ્ધાર્થ હજીતો બે ડગલાં આગળજ વધ્યો હતો ત્યાં ઝીલે તેને ટોકીને સહેજ ઊંચા સ્વરમાં પૂછ્યું.

“આનાં કકળાટને લીધે મારું મગજ ખરાબ થઈ ગ્યું છે..! એટલે ફ્રેશ થવાં જઈશ...!” એટલું બોલીને સિદ્ધાર્થ પાછો રેસ્ટોરન્ટનાં એન્ટ્રન્સ તરફ ચાલવાં લાગ્યો અને જતાં-જતાં પોતાનાં જીન્સના પોકેટમાંથી મોબાઈલ કાઢી વિકટનો નંબર ડાયલ કરવાં લાગ્યો.

“શું ભાભી તમે પણ...!” સિદ્ધાર્થનાં ગયાં પછી ઝીલને સમજાવતી હોય એમ બોલી “શું આવું ઝઘડ-ઝઘડ કરો છો...! સીડ જેવાં છોકરાં જૂડે કોઈ ઝઘડે...!? અને એમાંય તમે તો સીધી સગાઈ તોડી નાંખવાની વાત કરો છો..!? આવું ચાલે...!? એવી તો શું વાત થઈ ગઈ..કે તમે સગાઇ તોડી નાંખવાની વાત કરો છો...!?”

કશુંપણ બોલ્યાં વગર નેહા ઝીલ સામે જોઈ રહી.

“જો તમને એવું લાગે છે....કે સિદ્ધાર્થ મેરેજ પછી તમને આગળ સ્ટડી નઈ કરવાંદે...! તો ભાભી...તમે એ વાતની ચિંતા નાં કરો...! સીડ એવો નથી...! એ તમારી સ્ટડી નઈ અટકાવે...!”

બંને વધુ એકાદ કલ્લાક જેટલું રેસ્ટોરન્ટમાં બેઠાં.

****

“તું નાહકનો એની જોડે માથાકૂટ કરે છે..!” વિકટ સિદ્ધાર્થને ખખડાવતો હોય એમ બોલ્યો.

બંને પાછાં બોબી ટી-સ્ટોલ ભેગાં થયાં હતાં. રોજની જેમ આજેપણ અહિયાં એવીજ ભીડ લાગેલી હતી.

“એને શોપિંગ કરવી ‘તી...! તો તારે જવું’તુંને...!” વિકટ બોલ્યો “એમાં ભાવ ખાવાની ક્યાં જરૂર હતી...!?”

“અરે એમાં ભાવ ખાવાની વાત ક્યાં આઈ પણ...!?” સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો.

“તો શું વળી...!” વિકટ માથું ધુણાવીને બોલ્યો “તું એની જોડે નઈ જાય...તો એ શું પાડોશીને લઈને જશે...!?”

“બે પણ મેં ના ક્યાં પાડી’તી....! હું જવાનોજ હતો...!”

“પણ ગયો નઈને...!?” વિકટ સિદ્ધાર્થને ચીડાવતો હોય એમ બોલ્યો.

“બે તે તે તો મારું મગજ ફેરવી નાંખ્યું યાર....!” સિદ્ધાર્થ વધુ ચિડાયો “એકબાજુ મેરેજ માટે દહેજ વ્હોરવા જવાનું છે...!”

“હમ્મ..!? દહેજ વ્હોરવાનું એટલે..!?” વિકટે કુતુહલવશ પૂછ્યું “દહેજ તો ગેરકાયદેસર નઈ....!?”

“અલાં....! એ દહેજ નઈ....! તમે લોકો મેરેજ માટે જે શોપિંગ કરવાં જાઓ....!” સિદ્ધાર્થ માહિતી આપતો હોય એમ બોલ્યો “અમારાંમાં એને દહેજ વ્હોરવાનું કે’....! મેરેજ માટે દહેજ વહોરવું એટલે અમારામાં એક નાનો પ્રસંગ જેવું હોય....! મેરેજમાં જે કન્યા હોય એને દહેજમાં આપવાં માટે કપડાં, સોનાના-ચાંદીનાં ઘરેણાં, સાજ-શણગારનો સામાન વગેરેની ખરીદીને અમારાંમાં દહેજ વ્હોરવાનું કે’વાય....!”

“તો તમારાંમાં કન્યાને પણ દહેજ આપે...!? છોકરાંઓવાળાં...!?”

“દહેજ ખાલી શબ્દ છે....લગ્ન પ્રસંગે વરપક્ષ કન્યાપક્ષને જે ભેટો આપે...ખાસ કરીને કન્યાને...! એને અમે દહેજ કહીએ....! આમાં કોઈ કશું માંગે નઈ...! હું મારી ફ્યુચર વાઈફ માટે મરી મરજીથી જે લેવું એ લઈને એને આપું...! મારી મમ્મી...એટલે કે મારી વાઈફની સાસુ પણ કોઈ મોંઘી સાડી કે દાગીનો આપે....! એવું બધું..! અને આ ખરીદીમાં અમારાં ઘરનાં કેટલાંક વડીલો પણ જોડે ખરીદી માટે જાય...! અને સામે કન્યા અને તેમનાં ઘરના કેટલાંક મોટાં....! કન્યા પક્ષ માટે પણ અમારે થોડાં કપડાં વગેરે લેવું પડે....! એવું બધું...!”

“ઓહો...! તો તો તારે પણ ભાભી માટે કશુંક લેવું પડશેને....!?” વિકટ સિદ્ધાર્થને ચીડવતો હોય એમ બોલ્યો.

“અરે એ આવે તો લઈશને...!?” સિદ્ધાર્થ ચિડાઈને માથું ધુણાવીને બોલ્યો “સગાઈ તોડી નાંખી....સગાઈ નાંખી...! બસ એજ જિદ્દ પકડીને બેઠેલી છે એતો....!”

“તો એમાં દેવદાસ થઈને કેમ બોલે છે....!?” સિદ્ધાર્થનું ઉતરી ગયેલું મોઢું જોઇને વિકટ બોલ્યો.

“મારી અને નેહા હજી સુધી કોઈ બોન્ડીંગ જ નઈ બન્યું...!” સિદ્ધાર્થ નિરાશ સુરમાં બોલ્યો “મને હજી નઈ ખબર...કે આરવને ભૂલી શકી છે કે નઈ...!? અને જો ભૂલી ગઈ હોય તો.....આરવ પાછો આવે ત્યારે....એ એનો સામનો કેવીરીતે કરશે....!?”

“જો...! એક ફ્રેન્ડ સાથે બોન્ડીંગ બનતાં બહુ વાર ના લાગે....!” વિકટ બોલ્યો “પણ એરેન્જ મેરેજમાં....બે જણા વચ્ચે બોન્ડીંગ બનતાં થોડો ટાઈમ તો લાગેજ...!”

વિકટનું વાત ઉપર સિદ્ધાર્થ વિચારી રહ્યો.

“જો તારે એની સાથે બોન્ડીંગ બનાવવું હોય...! તો તું એનો ફ્રેન્ડ બનીજા...! સીધી વાત છે....!” વિકટ બોલ્યો.

સિદ્ધાર્થ વિચારી રહ્યો.

બોબી ટી-સ્ટોલ ઉપર બંને જણા ક્યાંય સુધી બેસી રહ્યાં.

***

“બીજી રોટલી આપું....!?” રાગિણીબેને સિદ્ધાર્થને પૂછ્યું.

વિકટને મળીને આવ્યાં પછી સિદ્ધાર્થ ડાયનિંગ ટેબલ ઉપર બેસીને જમી રહ્યો હતો.

“નાં ચાલશે...!” જમવાનો કોળીઓ ચાવતાં-ચાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

મોટેભાગે ટ્રેડીશનલ ઇન્ટીરીયર ધરાવતાં સિદ્ધાર્થનાં બંગલામાં અત્યારના મોર્ડન ઘરમાં હોય એવીરીતે મોટાં ડ્રોઈંગરૂમની જોડે જ કિચનની દીવાલ હતી અને એ દીવાલને અડીને જ ડાયનીંગ એરિયા હતો.

જમતાં-જમતાં સિદ્ધાર્થની નજર સામે દેખાતાં ઘરના ખુલ્લાં મેઈન ડૉર તરફ ગઈ.

મેઈન ડૉર તરફ મોઢું રાખીને ડાયનીંગ ટેબલ ઉપર બેસી જમી રહેલાં સિદ્ધાર્થે પોર્ચના પગથિયાં ચઢીને આવી રહેલી ઝીલને જોઈ. તેણીનાં હાથમાં બે-ત્રણ શોપિંગ બેગ્સ હતી.

ઝીલને જોઇને સિદ્ધાર્થે મોઢું નીચું નમાવી થાળી તરફ જોઈ જમવાં માંડ્યું.

“અરે....! ઝીલ...!? તું એકલાં પાછી આવી...!?” ડ્રોઈંગરૂમમાં પ્રવેશી સોફાં વટાવી રાગિણીબેન તરફ ઝીલને રાગિણીબેને પૂછ્યું “નેહા....!?”

“એણે કીધું .....એટલે મેં એને ઘેર ઉતારી દીધી...!” હાથમાં રોટલીની થાળી લઈને ડાયનીંગ ટેબલ જોડે ઉભેલાં રાગિણીબેન જોડે આવીને ઉભાં રહેતાં ઝીલ બોલી અને સિદ્ધાર્થ સામે શૂન્યમનસ્ક જોઈ રહી.

જમવાનાં કોળિયા ચાવી રહેલાં સિદ્ધાર્થે ઝીલ તરફ જોવાનું ટાળ્યું.

“બવ ટાઈમ લાગ્યો તમારે તો...!” રાગિણીબેન બોલ્યાં.

“હાં....! અમે લગભગ કલ્લાકેક જેટલું રેસ્ટોરન્ટમાં બેઠાં....!” ઝીલ બોલી અને કોળીઓ ચાવતાં-ચાવતાં સિદ્ધાર્થને આશ્ચર્ય થતાં તે અટકી ગયો અને ઝીલ સામે જોયું.

“તો પછી શું થયું...!?” રાગિણીબેને પૂછ્યું “એ માની કે નઈ...!?”

“અમ્મ...ફોઈ...તમે ચિંતા ના કરો...! મેં એમને સમજાયા છે...! એ માની જશે....!” ઝીલ બોલી.

રાગિણીબેન સામે જોઈ રહેલી ઝીલ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. તેણીનાં ચેહરાના હાવભાવ ઉપરથી સિદ્ધાર્થને લાગ્યું જાણે તે શબ્દો ગોઠવી-ગોઠવીને બોલી રહી હોય. કંઈક હશે એમ વિચારીને સિદ્ધાર્થે પાછું જમવાનું કન્ટીન્યું કર્યું.

“એમને થોડો ટાઈમ લાગશે...! પણ એ માની જશે...! હમ્મ...!” એટલું બોલીને ઝીલ કિચન તરફ જતી રહી.

***

“પણ બેટા....! તું સમજતી કેમ નથી...! આવતીકાલે મેરેજ માટે દહેજ વહોરવા જવાનું છે...!” વિજયસિંઘ નેહા સાથે દલીલ કરી રહ્યાં હતાં “સવારેજ વેવાઈનો ફોન આયો તો...!”

“પણ મારે અમદાવાદ જવું છે..! અને મેં સગાઈ તોડી નાંખી છે....!” નેહા જીદ્દીલા સ્વરમાં બોલી “એટલે મારે સિદ્ધાર્થ જોડે મેરેજ નઈ કરવાં...!”

“અરે એમ કંઈ સગું તૂટે છોકરી...! તને કંઈ ભાન-બાન પડે છે....!?” વિજયસિંઘ તાડૂક્યા “વચનની પણ કોઈ કિમ્મત હોય...! અને તે સામે ચાલીને હા પાડી’તી...સિદ્ધાર્થ જોડે સગાઈ માટે...!”

“તો હવે હુંજ નાં પાડું છું...!” નેહા એવાંજ સ્વરમાં બોલી “હું આખી જીંદગી એની જોડે ઝઘડતાં-ઝઘડતાં નઈ કાઢવાં માંગતી...!”

“આ તો કંઈ ઝઘડાં કે’વાતાં હશે...!” નેહાનાં મમ્મી તેણીને ધમકાવતાં હોય એમ બોલ્યાં “અને ઝઘડાં તો ચાલ્યાં કરે...! એમ કંઈ સબંધ તૂટી જતાં હોય...!”

“મેં કીધુંને....મારે સીડ જોડે મેરેજ નઈ કરવાં...! અને મારે આજેજ અમદાવાદ જવું છે...!” નેહા એવાં જીદ્દીલા સ્વરમાં બોલી “જો તમે મને નઈ લઈ જાવ...તો હું જાતેજ જતી રઈશ....!”

“આ છોકરી તો જો....!” વિજયસિંઘ ચિડાયા “મારી ઈજ્જતના ભવાડા થઈ જશે...! તને કશું ભાન પડે છે...!”

વિજયસિંઘ અને નેહાના મમ્મી બંનેએ ભેગાં થઈને નેહાને ક્યાંય સુધી સમજાવે રાખી. આમ છતાં નેહા એકની બે ના થઈ. અને પોતે સિદ્ધાર્થ જોડે મેરેજ નથી કરવાં માંગતી અને સગાઈ તોડી ચુકી છે એવી જિદ્દ પર અડેલીજ રહી.

કંટાળેલા વિજયસિંઘ અને નેહાના મમ્મીએ છેવટે તેણી સામે નમતું જોખ્યું અને અમદાવાદ જવાં તૈયાર થયાં.

“હું વેવાઈને ફોન કરીને કઈતો દવ...! કે આવતીકાલે દહેજ વહોરવા માટે જવાનો મેળ નઈ પડે...!” વિજયસિંઘ ચિડાયેલાં મોઢે બોલ્યાં અને કરણસિંહને ફોન લગાડવા લાગ્યાં.

નંબર ડાયલ કરતાં-કરતાં તેઓ ઘરની બહાર જવાં લાગ્યાં. જતાં-જતાં તેમણે નેહા સામે ઘૂરકીને જોયું અને નકારમાં માથું ધુણાવ્યું.

****

“સારું...તું અત્યારે શાંતિથી અમદાવાદ જા....!” કરણસિંહ વિજયસિંઘ જોડે ફોન ઉપર વાત કરી રહ્યાં હતાં “પછી વાત કરીએ...!”

વિજયસિંઘે ફોન ઉપર કરણસિંહને બધી વાત કહેતાં કરણસિંહ નિરાશસ્વરમાં બોલ્યાં અને કૉલ કટ કર્યો.

“શું કીધું વેવાઈએ...!?” સોફાંની પાછળ ઉભેલાં રાગિણીબેને પૂછ્યું.

“સુરેશ અમદાવાદથી પાછો ક્યારે આવાનો છે...!?” રાગિણીબેનની વાત અવગણીને કરણસિંઘે પૂછ્યું.

“આવતીકાલે દહેજ વહોરવા જવાનું હતું....! એટલે આજે સાંજે પાછાં આવાનાં હતાં...!” રાગિણીબેન બોલ્યાં “પણ વિજયસિંઘે શું કીધું..!?”

“નેહા જિદ્દે ચઢી છે...! કે એને મેરેજ નથી કરવાં સિદ્ધાર્થ જોડે...!” કરણસિંહ બોલ્યાં.

“બેય જણા નાનાં જિદ્દી છોકરાંઓની જેમ ઝઘડ-ઝઘડ કરે છે...!” રાગિણીબેન ચિડાઈને બોલ્યાં “એમાંય તમારો સિદ્ધાર્થ પણ શાંતિ નઈ રાખતો...! એમ નઈ કે પ્રેમથી છોકરીને સમજાઈએ......!”

“બેયને સમજવાની જરૂર છે....!” સોફાંમાંથી ઉભાં થતાં કરણસિંઘ બોલ્યાં “અને સમજવું પડશે....!”

સહેજ કઠોર સ્વરમાં બોલીને કરણસિંહ ડ્રોઈંગરૂમમાંથી પોતાનાં રૂમ તરફ જતાં રહ્યાં.

****

“તમે ચિંતા ના કરો ભાઉ...! હું વિજયને વાત કરું છું...!” બરોડા આવી પહોંચેલા સુરેશસિંઘ કરણસિંઘને સાંત્વના આપતાં હોય એમ બોલ્યાં “એ નેહાને સમજાવશે.....! આવાં ઝઘડાઓતો થયાં કરે....! એમાં કંઈ સગું થોડું તૂટે....!”

“હમ્મ....! તો મેરેજની ખરીદી વગેરેનું કામ હું હમણાં થોડાં દિવસ પાછું ઠેલું છું....!” કરણસિંહ બોલ્યાં “અને બીજાં સગાઓને પણ કશું કહેવાનું ટાળું છું....!”

“ભાઉ...! ખાલી સગાઓને કહેવાનું ટાળો એટલુંજ....બાકી મેરેજની તૈયારીઓ ના અટકાવશો....!” સુરેશસિંઘ બોલ્યાં “નેહાને આપડે ગમે તેમ મનાઈ લઈશું...! બાકી મેરેજની કંકોત્રીઓ છપાવાનું વગેરે કામો અટકાઈશું...તો છેલ્લી ઘડીએ પહોંચી નઈ વળાય....!”

“તમે સિદ્ધાર્થને કો’ને પણ...!” ચ્હાનાં કપની ટ્રે કોફી ટેબલ ઉપર મુકતા રાગિણીબેન બોલ્યાં “એ નેહાને મનાવે....! આખરે એણેજ એની જોડે મેરેજ કરવાનાં છે....!”

“હમ્મ....!” કોફી ટેબલ ઉપર પડેલી ટ્રેમાં ચ્હાનાં કપમાંથી નીકળી રહેલી વરાળ સામે જોઈ રહી વિચારતાં-વિચારતાં કરણસિંહ બબડ્યા.

“પે’લ્લાં વિજય નેહાને સમજાવાનો પ્રયત્ન કરી જોવે.....!” કરણસિંહ બોલ્યાં “પછી આપડે આગળ વિચારીએ....!”

એટલું બોલીને કરણસિંઘ ઉભાં થયાં.

“શેના અંગે વિચારી જોઈએ ભાઉ...!?” કરણસિંઘના કહેવાનો ભાવાર્થ સમજી ગયેલાં સુરેશસિંઘ ચિંતામાં મુકાઈ ગયાં.

“મેરેજ અંગે....!” શાંતિથી એટલું બોલીને કરણસિંઘ ઘરની પાછળ ગાર્ડનમાં જવા પાછલાં દરવાજા તરફ જવાં લાગ્યાં “મારે કોઈ ઉતાવળ નઈ કરવી....!”

જતાં-જતાં કરણસિંહ બોલ્યાં અને પાછું જોયાં વિના જતાં રહ્યાં. ચિંતામાં મુકાઈ ગયેલાં સુરેશસિંઘ રાગિણીબેન સામે જોઈ રહ્યાં.

****

“ઓહો....! આમ તો જો આ છોક્રરો...! એનાં મેરેજની આટલી દોડધામ ચાલે છે....! અને પોતે ઊંઘે છે...!” પોતાનાં બેડરૂમમાં બેડ ઉપર સૂતેલાં સિદ્ધાર્થનો કાન આમળી તેને ઉઠાડતાં કલાદાદી બોલ્યાં.

“આહ....!” પોતાનાં કાન ઉપર હાથ ફેરવતાં-ફેરવતાં સિદ્ધાર્થ ઉભો થયો “દાદી તમે....!?”

“હાસ્તો.....! કેમ તારાં લગનમાં મને નઈ બોલાવાની એમ....!?” બેડમાં બેઠેલાં સિદ્ધાર્થની જોડે બેસતાં કલાદાદી બોલ્યાં.

“અરે એવું નઈ કે’તો દાદી...!?” સિદ્ધાર્થ બોલ્યો પછી વાત બદલાતો હોય એમ બોલ્યો “અને તમે શું કામ સીડીઓ ચઢીને ઉપર આયાં...!?”

“હું તો નીચે શોધતી’તી તને છોકરાં....!” કલાદાદીએ ફરીવાર સિદ્ધાર્થનો કાન આમળ્યો “તારાં મેરેજ છે...! અને તું ઊંઘે એવું ચાલે....!? હમ્મ બોલ...!?”

“આહ...હા...હાં...હાં....દાદી....!” સિદ્ધાર્થે માંડ પોતાનો કાન છોડાવ્યો “એવું નઈ...! દહેજ વ્હોરવા જવાનું કેન્સલ થયું ....એટલે પછી હું ઉપર આઈને હજી જસ્ટ થોડીવાર માટે આડો પડ્યો ‘તો....!”

“હમ્મ....! કરણે મને અને નીતાને બેયને કે’વડાયું ‘તું....! કે તારાં મેરેજનું દહેજ વ્હોરવા જવાનું છે..!” કલાદાદી બોલ્યાં.

“નીતા કાકી પણ આયાં છે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“હાં ....આમ તો અમે ગઈ કાલે સાંજેજ આઈ જાત...! પણ સાંજે નીકળવાનો મેળ ના પડ્યો....! એટલે આજે વે’લ્લાં આયાં...! અને અહિયાં આયાં ત્યારે કરણે કીધું....કે દહેજ વ્હોરવાનું કેન્સલ રાખ્યું છે....!”

“હમ્મ....!” સિદ્ધાર્થ ફર્શ સામે શૂન્યમનસ્ક તાકી રહ્યો અને નેહા વિષે વિચારી રહ્યો.

“રાગું કે’તી’તી...! કે નેહા રિસાઈને બેઠી છે...!” કલાદાદીએ પૂછ્યું “શીદનો ઝઘડ-ઝઘડ કરે છે તું એની જોડે...!?”

“હું ઝઘડ-ઝઘડ કરું છું કંઈ એની જોડે...!? બધાં મારોજ વાંક કાઢે છે....!?” સિદ્ધાર્થ નારાજ સુરમાં બોલ્યો “એને નાની-નાની વાતમાં માથાકૂટ કરવાં જોઈએ....!”

“પણ બેટા.....! તારે તો શાંતિ રાખવી જોઈએને...!?” કલાદાદી સમજાવતાં હોય એમ બોલ્યાં.

“તમે એ બધું છોડોને બા....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો અને આડા પડી કલાદાદીનાં ખોળામાં માથું મુક્યું “તમે મને ઊંઘવાદો....!”

“હાં...હા...તું સાવ નાનાં છોકરાં જેવો છે...!” કલાદાદી સિદ્ધાર્થના વાળમાં હાથ ફેરવવા લાગ્યાં.

“આરવનો ફોન આવે છે....!?” સિદ્ધાર્થના વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં કલાદાદીએ થોડીવાર પછી પૂછ્યું.

“ક્યારેક ક્યારેક....!” આંખો બંધ રાખી સિદ્ધાર્થ બોલ્યો.

****

“હું તમને કઈ ચુકી છું ને....!” નેહા ગુસ્સામાં બોલી “મેં સગાઈ તોડી નાંખી છે.....! એટલે મેરેજની કોઈ વાત ના કરશો....!”

“આપડામાં આ રીતે સગા ના તૂટે....! કેટલીવાર સમજાવું તને....!” વિજયસિંઘ પણ નેહાને ખખડાવતાં હોય એમ બોલ્યાં “સિદ્ધાર્થ જેવાં છોકરાંઓ રોજ નઈ મળતાં....!”

“સાચું કીધું તમે...!” નેહા ટોન્ટ મારતી હોય એમ બોલી “સિદ્ધાર્થ જેવાં છોકરાંઓ ના મલે...!અમદાવાદ આએ દસ દિવસ થયાં....! એણે મને એક ફોન પણ નઈ કર્યો....!” નેહા બોલી.

“તો તું ફોન કરીલેને પણ....!”

“મારે કોઈ ફોન નઈ કરવો...!?” નેહા તાડૂકી “મેં સગાઈ તોડી નાંખી છે...! એટલે હવે તમે મને ફોર્સ ના કરો...!”

“ફોર્સ...!? તે જ સગાઈ માટે હા પાડી ‘તી....!” વિજયસિંઘ યાદ અપાવતાં હોય એમ બોલ્યાં.

“તમે ભૂલો છો...! મેં તો પે’લ્લાં નાં જ પાડી’તી....!” નેહા પણ સામે બોલી “તમે એ વખતે પણ ના માન્યા....!”

વિજયસિંઘ કંટાળીને નેહા સામે પરેશાન નજરે જોઈ રહ્યાં.

“હવે હું જાઉં...!? મારે આવતીકાલથી કૉલેજ ચાલું થાય છે...!” નેહા શાંત સ્વરમાં બોલી અને બેડરૂમમાં જવાં સીડીઓ ચઢાવા લાગી.

“આ છોકરી નાક કપાવશે મારું....!” વિજયસિંઘ સામે ઉભેલાં નેહાના મમ્મી સામે જોઈને બોલ્યાં.

*****

“શું કરું કરણભાઉ...!? તમેજ કો’....!” વિજયસિંઘ સાથે ફોન ઉપર કરણસિંઘ વાત કરી રહ્યાં હતાં.

સુરેશસિંઘે નેહાની મરજી વિષે પૂછવા માટે વિજયસિંઘને કૉલ કર્યો હતો.

પોતાનો ફોન સ્પીકર ઉપર ફોન રાખી સુરેશસિંઘે ફોન કોફી ટેબલ ઉપર મુક્યો હતો જેથી સોફામાં બેઠેલાં કરણસિંહ, તેમની જોડે બેઠેલાં કલાબા અને સોફાંની જોડે ઉભેલાં રાગિણીબેન સાંભળી શકે.

વિજયસિંઘે કહેલી બધી વાત બધાંએ સ્પીકર ઉપર સાંભળી.

“હું સમજાઈ-સમજાઈને થાક્યો...!” વિજયસિંઘ સામેથી બોલી રહ્યાં હતાં “આ છોકરી એકની બે નઈ થતી...! હવે તમેજ કંઈક રસ્તો સુઝાડો....! મારે તો મારી છોકરી તમારાં ઘરમાંજ દેવી છે...!”

સુરેશસિંઘે પ્રશ્નાર્થ નજરે કરણસિંઘ સામે જોયું. કરણસિંહ ક્યારનાં કંઈક વિચારી રહ્યાં હતાં. સામે છેડે વિજયસિંઘ પણ પ્રતિભાવની રાહ જોઈ રહ્યાં.

“જો તમે મોટાં સમજાઈ-સમજાઈને થાક્યા હોવ...!” સોફામાં કરણસિંહની જોડે બેઠેલાં કલાબા સલાહ આપતાં બોલ્યાં “તો હવે નાનાંને ટ્રાય કરવાં દશો...!?”

“એટલે...!?” સુરેશસિંઘે મૂંઝાઈને પૂછ્યું.

કરણસિંઘે પણ પ્રશ્નાર્થભાવે તેમની તરફ જોયું.

“ઝીલે પણ સમજાઈ જોયાં બેયને...!” સોફાં જોડે ઉભેલાં રાગિણીબેન બોલ્યાં “પણ બેયમાંથી કોઈ માનતા નઈ...!”

“અરે હું સિદ્ધાર્થની વાત કરું છું...!” કલાબા બોલ્યાં.

“પણ બા...! નેહા વેકશનમાં અહિયાં બરોડામાંજ હતી...! તો પણ બેય ઝઘડયા જ કરતાં....!” રાગિણીબેન બોલ્યાં.

“અરે અહિયાં સિદ્ધાર્થના માથે આખાં ઘરની અને ધંધાની બધી જવાબદારીઓ...! અને નેહાએ પણ અહિયાં ઘેર આઈને ઘરના કામોમાં મદદ કરવી પડેને...!” કલાબા બોલ્યાં “સિદ્ધાર્થ સાંજે મોડો ઘેર આવે ત્યાં સુધી નેહા ઘરના કામોને લીધે કંટાળી ગઈ હોય...! એમાંય અહિયાં કરણને લીધે અને ઘરના બીજાં મોટાં લોકોને લીધે એ લોકોએ થોડું સાચવવું પડે...! એકબીજાં જોડે સરખું બેસવા ના મલે...! વાત પણ સરખી કરવાં ના મલે...!”

“હમ્મ....સાચી વાત...!” સુરેશસિંઘ સહમત થતાં હોય એમ બોલ્યાં અને કરણસિંઘ સામે જોઈ રહ્યાં.

“કરણ...!” જોડે બેઠેલાં કરણસિંહના ખભે હાથ મુકીને કલાબા બોલ્યાં “તું સિદ્ધાર્થને થોડાં દિવસ માટે છૂટો મૂક...! સમજ્યો...!?”

કલાદાદીનો કહેવાનો અર્થ સમજી ગયેલાં કરણસિંઘ શૂન્યમનસ્ક તાકી રહીને વિચારી રહ્યાં હતાં.

“તારી કૉલેજ ક્યારથી ચાલું થાય છે....!?” થોડીવાર પછી કરણસિંઘે શાંત સ્વરમાં સુરેશસિંઘને પૂછ્યું.

“આવતીકાલથી....!” સુરેશસિંઘે કહ્યું.

“સિદ્ધાર્થનું એડમીશન અમદાવાદ કરાય....!” કરણસિંહ એવાંજ શાંત સ્વરમાં બોલ્યાં “હું એને અમદાવાદ મોકલું છું....!”

*****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19