કહેવાય તો એક નાનકડો કોડીયો,
પણ જેવો મેં એને પ્રગટાવ્યો,
દિપક બની, ચારે બાજુ ઉજાસ ફેલાવ્યું,
ઘરમાં ખુશી અને હર્ષોલ્લાસ પણ લઈ આવ્યું.
મારા દિપકની ચમકથી બધા ભાગી જાય,
ભાગે ડર, અને ઉદાસી પણ ચાલતી થાય,
બસ હળીમળીને દિવાળી મનાવીએ,
ચાલો દિલમાં પણ એક જ્યોત પ્રગટાવીએ.
આ કવિતા, પાંચ દિવાળી પહેલા, મેં છેલ્લી વાર, મારી ભત્રીજી, કૃષ્ણાલીના મોઢે સાંભળી હતી. તે વખતે, મારી ઢીંગલી ફક્ત અગિયાર વર્ષની હતી. પરંતુ તે આશ્ચર્યજનક રીતે અત્યંત પ્રતિભાશાળી હતી. તે સુંદર અને તેજસ્વી બન્ને હતી. અગિયાર વર્ષની છોકરી માટે, તેની ભાષા કુશળતા અદભૂત હતી. આ કવિતા તેણે જ લખી હતી, અને દિવાળી માટે દિવા બનાવતી વખતે બોલી રહી હતી.
પણ હું 'હતી' શા માટે કહું છું? મારી કૃષ્ણાલી છે અને હવે તો સોળ વર્ષની થઈ ગઈ હશે, દસમીમાં હશે. એક લાંબો નિસાસો ભરતા, હું જઈને મારી આરામ ખુરશી પર બેઠો. આંસુ છલકાઈને બહાર આવે, તે પહેલાં મેં આંખ બંધ કરી નાખી.
પાંચ વર્ષ પહેલા અમારા સંયુક્ત કુટુંબમાં જે ઘટ્યું હતું તે વિશે વિચારીને, ભાવનાઓનો ગોટો મારા ગળામાં અટકી ગયો. આ પહેલીવાર નથી કે હું તેના વિશે ચિંતન કરી રહ્યો છું. સાચું કહું, તો કોઈ મોટી બીમારીની જેમ, તે બનાવ મારા દિલ અને દિમાગમાં ઘર કરી ગયું છે.
હું, પાર્થ જોશી, મારા નાના ભાઈ કબીર કરતા ત્રણ વર્ષ મોટો છું. અમદાવાદમાં અમે બધા, સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. હું, મારી પત્ની, પ્રમિલા અને દીકરો પલાશ. કબીર, તેની પત્ની, કલ્યાણી અને દીકરી કૃષ્ણાલી. અમે છ જણા, અમારા વિશાળ બંગલામાં, એક સાથે, ખૂબ ખુશ હતા. અમારું પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ હતું, જે અમે બન્ને ભાઈઓ મળીને ચલાવતા હતા. બા બાપુજીના દેહાંત પછી, અમારા વચ્ચે સંપ વધુ મજબૂત થઈ ગયો. અમે બન્ને ભાઈઓએ, બા બાપુજીને આપેલું વચન, કે અમે હંમેશા હળીમળીને રહેશું, અત્યાર સુધી નિભાવ્યું - આ દુઃખદ બનાવ સુધી.
પરંતુ એમ કેહવાયને, કે એક ચિનગારી પણ ભવ્ય આગનું સ્વરૂપ લઈ શકે, જેમાં ઘણું બધું મહત્વનું, બળીને ભસ્મ થઈ જાય. અમારી સાથે પણ એવું જ કાંઈક થયું. એક સાવ જીણી એવી વાત સાથે શરૂઆત થઈ હતી, પણ એમાં, અમારો વિશ્વાસ, એક બીજા માટે પ્રેમ અને વર્ષોથી કાળજીપૂર્વક સાંચવેલો સંબંધ, બધું જ એક મોટા ઝગડાની અગ્નિને ભેંટ ચડી ગયું.
આજથી પાંચ વર્ષ પહેલાં.....
દિવાળીને અઠવાડિયાની વાર હતી, અને કૃષ્ણાલી દિવા બનાવી રહી હતી.
"કૃષ્ણાલી, તું એક નંબરની બેવકૂફ છોકરી છે."
મારો દીકરો, પલાશ, તે વખતે તેર વર્ષનો હતો અને એણે કૃષ્ણાલી સાથે મશ્કરી કરી. મારી ડાહી ભત્રીજીએ એના ભાઈ સામે જોઇને પૂછ્યું,
"પલાશ ભાઈ, આમ કેમ બોલો છો?"
"બજારમાં એકથી એક ચડિયાતા દિપક મળે છે, તું બેકારમાં આટલી મહેનત કરી રહી છે."
મારી બટક બોલીએ તરત જવાબ આપ્યો,
"મને મારા હાથેથી દિવા બનાવીને ઘરમાં શણગારવાનું ગમે છે. અને બજારના દિવામાં પ્રેમ નથી હોતો, સમજ્યા?"
કૃષ્ણાલીએ બે ડઝન જેટલા દિવા બનાવી, અમારા બંગલાના આંગળામાં સુકાવા મુક્યા. એના ઉપર ચિતરકામ કરવાનું બાકી હતું. તે સાંજે, હંમેશ મુજબ, પલાશ ઉતાવળમાં ફૂટબોલ મેચ માટે ઘરની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેના પગ દિવા સાથે અથડાયા અને તે બધા ટુકડે-ટુકડા થઈ ગયા.
સામાન્ય બુદ્ધિ શું કહે છે? મારે પલાશને વઢવું જોઈતું હતું, ન કે કૃષ્ણાલીને દિલાસો આપવું. પણ એ દિવસે પ્રેસમાં કામનો બોજો વધારે હોવાથી, મગજમાં ઘણા બધા તણાવ ફરી રહ્યા હતા. બચ્ચાઓની રકઝકમાં મોટા વચ્ચે પડ્યા. એકમાંથી બીજી વાત નીકળતી ગઈ, વાતનું વતેસર થઈ ગયું, અને ક્યારે રાઈનો પહાડ બની ગયો, ખબર જ ન પડી. જતું કરેલા મનના ગુમાળ સાથે, ભૂતકાળના હાડપિંજર બહાર નીકળવા લાગ્યા.
ઘર, પરિવાર અને વેપાર, બધાનું વિભાજન થઈ ગયું. હું મારો હિસ્સો લઈને, પરિવાર સહિત, રાજકોટ આવી ગયો. છુટા થયા પછી, પહેલો એક વર્ષ તો દાજ અને ખૂનસમાં પસાર થયો. પણ દિવાળી આવતા જ, હૃદયમાં ભાઈ અને સંયુક્ત કુટુંબની યાદ ખૂંચવા લાગી. ઘણું લાબું વિચાર્યું.
"આ મેં શું કરી નાખ્યું? અને શા માટે?"
એક નાનકડી ચિનગારી અને એક ભૂલ. જો એ વખતે મેં ઇન્સાફ કર્યો હોત, તો આજે આ દિવસો નહીં જોવા પડતે.
ખભે હાથનો સ્પર્શ અનુભવતા, હું વર્તમાનમાં પાછો આવ્યો. મેં મારી આંખો ખોલી અને પલાશ તરફ જોયું. એણે મારા આસું લૂછયા અને પાસે બેસતા કહ્યું,
"પપ્પા, આઈ એમ રિઅલી વેરી સોરી. આ બધું મારા કારણે થયું. હવે મને એહસાસ થાય છે, કે હું કેટલો બેદરકાર અને સ્વાર્થી હતો."
પલાશે મારો હાથ એના હાથમાં લીધો અને આગળ વાત ચાલુ રાખી.
"મેં કાંઈક વિચાર્યું છે. હું તમને વચન આપું છું, આ દિવાળી આપણે બધાની સાથે અમદાવાદમાં ઉજવીશું."
મેં આશાથી મારા કોલેજ જતા, અઢાર વર્ષના દીકરા સામે જોયું.
દિવાળીના દિવસે, વ્હેલી સવારે અમે અમારા અમદાવાદના બંગલાની બહાર ઉભા હતા. અમારા હાથ ભેટોથી છલકાઈ રહ્યા હતા અને હૃદય અપેક્ષાથી ફફડી રહ્યું હતું.
"સવારે છ વાગ્યામાં કોણ આવ્યું હશે?"
કબીરનો અવાજ મારા કાનમાં પડતાજ, દિલને ઠંડક થઈ.
"સંભાળજો, પહેલા જુઓ કોણ છે."
કલ્યાણીએ એને ચેતવણી આપી.
દરવાજો ખુલ્યો. કબીર કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપે, તે પહેલાં, પલાશ એના પગમાં પડી ગયો.
"પ્લીઝ મને માફ કરો કાકુ, આ બધાનો જીમેદાર હું છું. આ વનવાસ હવે સહન નથી થતો, અને એની જડ હું છું."
જ્યારે કબીરે નજર ઉંચી કરી, તો એની આંખમાંથી પણ મારી જેમ આંસુ વહી રહ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર, નિઃશબ્દ એણે પલાશને બાથમાં લઈ લીધો. પછી આગળ વધ્યો અને એવું કર્યું, જેની મને જરા પણ આશા નહોતી. કબીર મને પગે લાગ્યો. તરત એને ઉભો કરતા, મેં કહ્યું,
"ના ભઈલા ના! હું આ સમ્માનના લાયક નથી."
અમે બન્ને ભાઈઓ એક બીજાને ગળે વળગીને ખૂબ રડ્યા. અને ત્યારે મને વિચાર આવ્યો,
"આ મેં ચાર વર્ષ પહેલાં કેમ ન કર્યું?"
પરંતુ, પુરુષનો અહંકાર બહુ ખરાબ વસ્તુ છે.
અમે બધા અંદર ગયા. પલાશ બે ગિફ્ટ રેપ કરેલા ડબ્બા લઈને કૃષ્ણાલી પાસે ગયો.
"મને માફ કરી દે મારી ગુડિયા. તારી કિંમત તારાથી દૂર રહીને ખબર પડી."
આજે સાથે રડવાનો અને ભેટી પડવાનો દિવસ હતો.
મેલમિલાપ પછી કૃષ્ણાલીએ પલાશને પૂછ્યું,
"આ બે ડબ્બામાં શું છે ભાઈ?"
"એક માં બે ડઝન નવા દિવા છે. અને બીજા ડબ્બામાં દિવા બનાવવાનો સામાન. આ વખતે, આપણે સાથે મળીને દિવા બનાવીશું. પણ આના બદલામાં મને તારી પાસે થી કાંઈક જોઈએ છે."
કૃષ્ણાલી મૂંઝવણમાં પડી ગઈ.
"શું ભાઈ?"
પલાશ બોલતા બોલતા રડી પડ્યો.
"પાંચ વર્ષથી મારી કલાઈ સુની છે બહેના. પાંચેય રાખડી એક સાથે વસુલ કરીશ."
જો સાચી વસ્તુને મહત્વ આપો તો જીવનની દિશા
હકારાત્મક માર્ગ ઉપર ચાલે. અમારી દિવાળી તો સુધરી ગઈ, અને સાથે સાથે તૂટેલા સંબંધો પણ. વ્યવહારુ મુદ્દાઓ જોતા, કદાચ, ફરી એક છત નીચે સાથે રહેતા વાર લાગશે, પણ અમારા હૃદય પાછા એક થઈ ગયા, જેની અમને બધાને રાહત છે.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
___________________________________
Shades of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on my blog
https://shamimscorner.wordpress.com/