The dawn of hope books and stories free download online pdf in Gujarati

આશાનું ઉજાશ

"આરાધના, શું આ દિવાળી પણ દીપમાળાના અજવાળા વગર કાઢીશું? આ સળંગ ત્રીજી દિવાળી છે, જ્યારે તું ઘરમાં દિવાબત્તી કરવાની ના પાડી રહી છે."

હું આશ્ચર્યચકિત થઈ, મારા પતિ આલોક સામે જોતી રહી. એને મારુ દુઃખી હૃદય નહોતું દેખાઈ રહ્યું, પરંતુ શું એને મારા આંસુ પણ નહોતા દેખાતા? મારી સહનશીલતા તેની મહત્તમ સીમાએ પહોંચી ગઈ હતી અને હું આલોક ઉપર વરસી પડી.
"હવે આ ઘરમાં ક્યારેય દિવાળીના દીપમાળા પ્રગટાવવામાં નહીં આવે. હું જીવતી છું, ત્યાં સુધી તો નહીં જ. અને જો દીવો બાળવો હોય ને, તો મારા ફુલહાર ચડેલા ફોટા સામે પ્રગટાવ જો."

"આરાધના!! આ કેવી અપશુકન વાતો કરી રહી છે?"
આલોક જોરથી બોલ્યા, પણ હવે મને એના ગુસ્સાથી ડર નથી લાગતી. મેં મારા ન રોકાતા આંસુ લૂછયા અને આલોક સામે ફરિયાદથી જોયું,
"આ ઘરની જ્યોત, આપણી દીકરી આશાથી તો તમે મોઢું ફેરવીને બેઠા છો, હવે એનાથી વિશેષ શું અપશુકન થવાનું હતું?"
એમની પ્રતિક્રિયાની વાટ જોયા વગર, હું અમારા બેડરૂમમાં જતી રહી, અને દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો.

આશા, અમારી એકની એક લાડકી દીકરી. સુંદર, સુઘડ, ચંચળ અને અતિશય પ્રેમાળ. અમારા ઘરની શાન, અને એના પપ્પાનું અભિમાન. દિવાળી એનો મનપસંદ ત્યોહાર હતો. ઘરની સજાવટ, રંગોળી પાળવી અને દીપમાળા પ્રગટાવવું, બધી વસ્તુની જીમેદારી એણે પોતાના માથે લીધી હતી, જાણે એ બધા કામ પર ફક્ત એનો જ અધિકાર હતો. અને સાચું કહું, તો અમારા ઘરનું ખરું અજવાળું તો અમારી આશા જ હતી. પણ........હતી!!!

એણે પર કોમના છોકરા સાથે લવ મેરેજ કરવાની ઝીદ પકડી, અને રાતો રાત, એક ઝટકામાં બધી ખુશી વિખરાઈ ગઈ. આલોક આશાથી એટલા નારાજ થઈ ગયા કે એને આશીર્વાદ આપ્યા વગર ઘરમાંથી કાઢી મૂકી. આશા વગર અમારું આખું જીવન ભાંગી પડ્યું.

આશાનો નિર્ણય અને એની જુદાઈએ અમારા બન્ને પર જુદો પ્રભાવ પાડ્યો. આલોકે એના હૃદયમાં ગુસ્સાને જીવિત રાખ્યો અને મેં બિસ્તર પકડી લીધું. તદુપરાંત, આજ પરિસ્થિતિમાં, બે દિવાળી પસાર થઈ ગઈ. આ ત્રીજી દિવાળી પણ કદાચ એવી જ રીતે જશે. એક જ શહેરમાં હોવ છતાં આશાનું મોઢું જોવા હું તરસી ગઈ છું. આખરે એણે એવું શું કર્યું? પ્રેમ વિવાહ જ કર્યા ને! આને આલોકની ઝીદ કહું કે પછી એનું મિથ્યાભિમાન? ઇન્સાનનો ગુસ્સો એની ઉંમર કરતા તો મોટો ન હોવો જોઈએ ને, જે એને અને એના પ્રિયજનોને લઈ ડૂબે?"

બેડરૂમનો દરવાજો ખખડાયો અને બહારથી આલોકે બુમ પાડી,
"આરાધના, પ્લીઝ જમીને દવા ખાઈલે."
મેં કોઈ જવાબ ન આપ્યો. થોડીક વાર પછી, એણે ફરી અવાજ આપ્યો,
"આરાધના, આવી રીતે તારી તબિયત બગડી જશે. પ્લીઝ, ઝીદ છોડ અને જમવા ચાલ."
હું હજી પણ ચુપ રહી. જ્યારે તે ચારથી પાંચ વાર બોલાવા આવ્યા, તો છેવટે મેં અંદરથી કહ્યું,
"મારુ જે થવું હોય, તે થઈ જાય, પણ ન તો હું જમીશ અને ન દવા ખાઈશ."

રડતા રડતા, ક્યારે મારી આંખ લાગી ગઈ, ખબર જ ન પડી. આલોક પણ દરવાજો ઠોકી ઠોકીને થાકી ગયા, કદાચ હોલમાં સોફા ઉપર જ સુઈ ગયા હશે.

વ્હેલી સવાર હતી, હજી સૂર્યોદય પણ સરખી રીતે નહોતો થયો. હું ચા બનાવવા ઉભી થઈ અને બેડરૂમનો દરવાજો ખોલ્યો. અમારા હૉલને ચારે બાજુ દીવાઓ અને દીપમાળાઓથી ઝળહળતો જોઈને હું સ્તબ્ધ રહી ગઈ. આલોકના મોઢે સ્મિત હતું, જ્યારે તે મારી સામે આવીને ઊભા રહ્યા. એમના ચહેરા ઉપર શાંતિ જોઈને મને ગુસ્સો આવ્યો.
"આલોક! મેં ના પાડી હતી ને, આ દિવાળી આપણે......."
ધીમેથી, ઝાંઝર ખનકાવતી, આશા એમની પાછળથી નીકળીને મારી સામે આવી.
"હેપી દિવાલી મમ્મી!"

એક અનોખી ખુશીએ મને એની પકડમાં એવી જકડી નાખી, કે મારો અવાજ ગળામાં દબાઈ ગયો,
ફક્ત આંસુ અને સ્મિત મારા ચહેરા પર રમવા લાગ્યા. આશા મને પગે લાગવા નમી, પણ મેં તેને બાથમાં લઈ લીધી. પાછળથી અલોક, હળવેથી બોલ્યા,
"મને માફી મળશે?"
આશાના કપાળે ચુંબન કર્યા પછી, હું આલોક પાસે ગઈ. એણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું,
"મારા જીવનનો ઉજાશ તમે બન્ને છો અને તમારા બન્નેથી જ મારા જીવનમાં અજવાળું છે. મારા જીવનનું ખાલીપણું ફક્ત તમે બંને જ ભરી શકો છો. અને આરાધના, આ વાત મને ગઈકાલે રાત્રે સમજાણી, જ્યારે તે મારાથી દૂર રહેવાની ઝીદ પકડી."

ત્યાર બાદ દરેક દિવસ હોળી અને રાત દિવાળી બની ગઈ. અમને ફક્ત અમારી દીકરી, આશા પાછી નહોતી મળી, એની સાથે ભગવાનએ અમને નાતીઓ ને રમાળવાનું સુખ પણ આપ્યું.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
_____________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED