"આજે કેમ મારો લાડકો બાલ ગણેશ રિસાઈને બેઠો છે? શું થયું?"
લીલાબેનનો છ વર્ષનો પૌત્ર અવનીશ, બારી પાસે મોઢું ચડાવીને ઘરની બહાર જોઈ રહ્યો હતો. નાનકડો હતો, પણ હતો ખૂબ જ નાટકીય. એણે દાદી સામે જોઈને ફરિયાદ કરી.
"પપ્પા આ વખતે ગણપતિ બપ્પાને લાવવાની ના પાડે છે, એટલે હું નારાજ છું અને કોઈની સાથે વાત નહીં કરીશ."
એટલું એક શ્વાસમાં બોલીને અવનીશ ફરી બારીની બહાર જોવા લાગ્યો.
લીલાબેન સ્મિત દબાવતા બોલ્યા,
"ઓ! આ તો ખોટું થયું. ઉભો રહે, હમણાં તારા પપ્પાની ખબર લઉં છું. અમિત! જરાક હોલમાં આવતો."
અવનીશની રુચિ જાગી અને ઉત્સાહની સાથે સીધો બેઠો થયો.
"શું થયું બા? તમને મારુ કાંઈક કામ હતું?"
અમિતે આવતાની સાથે પૂછ્યું. લીલાબેને ગુપ્ત રીતે ઈશારો કરતા, અમિતને ઠપકો આપવાનો ઢોંગ કર્યો.
"અમિત, અવનીશ ખૂબ નારાજ છે. તું આ વખતે ગણપતિ બપ્પાને ઘરે નથી લાવવાનો?"
"બા, દિવસે દિવસે પ્રદૂષણ વધતું જાય છે. પર્યાવરણનું આપણે ધ્યાન નહીં રાખીશું તો કોણ રાખશે?"
અવનીશે આજીજી કરી,
"પપ્પા પ્લીઝ!"
લીલાબેન એ પૌત્રના માથે હાથ ફેરવ્યો અને અમિતને આદેશ આપ્યો.
"અમિત, મારા લાડકા ફુલકાને નારાજ ન કર. આપણે આ વર્ષે એવું કાંઈક કરીએ જે પર્યાવરણને અનુકૂળ હોય, અને ગણપતિ બપ્પાનું ઘરમાં આગમન પણ થાય."
થોડીક વાર વિચાર્યા પછી, અમિતે જવાબ આપ્યો,
"ઠીક છે, ચાલો આ વખતે આપણે બધું જ ઇકો ફ્રેન્ડલી કરીએ. ગણપતિ બપ્પાની મૂર્તિથી લઈને તે વિસર્જન સુધી."
અવનીશ ખુશીથી ઉછળી પડ્યો, પણ એને એક વાત સમજમાં ન આવી.
"પપ્પા, ઇકો ફ્રેન્ડલી એટલે શું?"
અમિતે એના દિકરાને પોતાના ખોણામાં બેસાડતા કહ્યું,
"બેટા, આ વખતે આપણે બપ્પાની મૂર્તિ POP ના બદલે માટીની લાવશું અને વિસર્જન પણ ઘરમાં જ કરીશું."
અવનીશની મમ્મી, આભા, રસોડામાંથી આવી અને સ્મિત કરતા કહ્યું,
"આ ગણેશ ચતુર્થીના, મારી પાસે મારા દીકરા માટે એક સરપ્રાઈઝ છે!"
માન, સમ્માન, શ્રદ્ધા અને ખૂબ આદરની સાથે, વાજતે ગાજતે ગણપતિ બપ્પાને ઘરમાં, અતિ સુંદર શણગારેલા સિંહાસન પર વિરાજમાન કર્યા. ફળ, ફૂલ, મીઠાઈ, રંગોળી, દિવા-બત્તી, આરતી, પૂજા પાઠ અને માવજત. કોઈ વસ્તુની કમી ન રાખી. ચારે બાજુ હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો. અવનીશ તો ખુશીથી ફૂલો નહોતો સમાતો અને આખો સમય બપ્પાની પાસે જ રહેતો. એણે મમ્મીને મોદક બનાવવામાં મદદ કરી, અને ખૂબ ખાધા પણ. અવનીશને આ વખતે બે વસ્તુની ખૂબ જિજ્ઞાસા હતી. ઘરમાં કેવી રીતે વિસર્જન થશે? મમ્મીનું સરપ્રાઈઝ શું હશે? મમ્મીએ ગણપતિની મોટી મૂર્તિની બાજુમાં એક નાની ચોકલેટની મૂર્તિ બનાવીને રાખી હતી. પણ એનું કરશે શું?
વિસર્જનના દિવસે, મહુર્ત અનુસાર, બધી વિધિઓ ઉકેલાય પછી, બપ્પાની મૂર્તિ લઈને બધા ઘરના બગીચામાં ગયા. અવનીશ તો ચકિત રહી ગયો. એના માટે આ એક અનોખો, અદભુત અનુભવ હતો. મોટા ટબમાં સાફ પાણી ભરવામાં આવ્યું. એમાં હલદી, કુમકુમ, ચોખા અને ગુલાબની પત્તી નાખવામાં આવી. અને પછી, જયજયકારના શોરો-ઉલ્લાસમાં, ગણપતિ બપ્પાનું એમાં વિસર્જન કર્યું. અમિતે, અવનીશને પાસે બોલાવતા કહ્યું,
"બેટા, આ પાણી સવાર સુધી એક થઈ જશે, પછી આપણે એને આપણા બગીચાના ઝાડપાનમાં નાખી દઈશું. આનાથી, નદી, તળાવનું પાણી ગંદુ ન થાય, અને માછલીઓનું જીવન પણ સુરક્ષિત રહે. સમજ્યો?"
અવનીશને આ ખૂબ ગમ્યું અને એણે તાળી વગાડી. પછી તરત મમ્મી સામે જોયું.
"મમ્મી, પેલા ચોકલેટ ગાંપતિજીનું શું કરીશું?"
બધા હંસી પડ્યા. આભા એ એનો હાથ લીધો અને કહ્યું,
"ચાલ, હવે એના વિસર્જનની વારી છે. જે તું કરજે."
અવનીશને ટેબલ પાસે બેસાડ્યો અને એની સામે દૂધનો વાડકો મુક્યો.
"હવે આ ચોકલેટ ગણપતિનું વિસર્જન આમાં કર. જ્યારે તે ઓગડી જશે, તો ચોકલેટ મિલ્કશેક બની જશે. પછી તું એને પ્રસાદની જેમ પી લેજે."
અવનીશની બહોળી ખુશી એના મોટા સ્મિતમાં છલકાઈ રહી હતી. એ બોલી ઉઠ્યો,
"મમ્મી આ વખતની ગણેશ ચતુર્થી સૌથી સારી હતી!"
શમીમ મર્ચન્ટ, મુંબઈ
_____________________________________
Shades of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on my blog
https://shamimscorner.wordpress.com/