શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 17 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 17

શેડ્સ ઑફ પેડિયાટ્રિક: લાગણીઓનો દરિયો
પ્રકરણ ૨૨: "દૂધપીતી..!! "


સવારની તાજગીનો અનુભવ દિવસના બીજા કોઈ પણ પ્રહરમાં કરવો લગભગ અશક્ય છે.
ટેબલ પર પડેલા ફોનમાં અેક નોટિફિકેશન બ્લીંક થાય છે,
"નવજાત શિશુના ગેર કાયદેસર ગર્ભ પરિક્ષણ નો વધતો દર..! "
જાણીને ખરેખર આંચકો લાગશે પણ વાસ્તવમાં ભારતમાં દરરોજ અંદાજે ૨૦૦૦ જેટલા ગર્ભમાં ઉછરી રહેલી દીકરીઓના ડીગ્રી વિનાના ક્વેક્સ(ઊંટવૈદ) વડે ગર્ભપાત થઈ રહ્યા છે.
કેટલાય લોકો આ નવજાતના જાતિ પરીક્ષણ કરવાના કાળા ધંધા માં ઉંડે સુધી ઉતરેલા છે.

એન્જલ હોસ્પિટલમાં પિડિયાટ્રિશ્યન તરીકેનું મારું પહેલું જ અઠવાડિયું હતું.
રાતના લગભગ ૯ વાગ્યાનો સમય,
એક ૫ દિવસની બાળકીને લઈને ઘણા લોકો દોડીને અાવે છે.
"જુઓ ને, આ બાળકીનો શ્વાસ કેમ આવો થઈ ગયો છે? "
ત્યાં હાજર મારા સ્ટાફ નિકુંજ ભાઈ બાળકીને જોઈને તેની બિમારીનો તાગ કાઢવાનો પ્રયાસ કરે છે,
મોઢામાંથી નીકળતું સફેદ ફીણ દૂધ શ્વાસ નળીમાં ગયું હોય તેની સાક્ષી પૂરતું હોય છે.
ઓકિસજન નું લેવલ ૭૦ થી ૮૦ ટકાની વચ્ચે જોલા ખાય છે.
ઝડપથી કાચની પેટીમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવે છે.
શ્વાસ નું નાનું મશીન જેને CPAP. તરીકે ઓળખાય છે તેનો સપોર્ટ આપવામાં આવે છે.
બાળકીના એક્સ રે માં એસ્પિરેશન ન્યુમોનિયીનું કન્ફર્મ ડાયગ્નોસિસ મળે છે.
સાચા સમયે મળેલી ઓક્સિજન અને અેન્ટિબોયોટીક્સની સારવાર નું પરિણામ ઘણુ જ સુખદ હોય છે.
૩ દિવસની અંદર જ બાળકને કાચની પેટીમાંથી કાઢીને મધરસાઈડ કરવામાં આવે છે.
પણ એક વસ્તુ મનમાં ઉંડે સુધી ખટકતી હોય છે અને એ છે તે બાળકીના મા ની ઉદાસી.
આટલી સિરિયસ કંડિશનમાંથી હેમખેમ બહાર નીકળવાના જે ખુશી,એક મા ના ચહેરા પર હોવી જોઈએ, તેની ભારોભાર અછત વર્તાતી હતી.
બીજી એક વાત કે તે બાળકીનો પિતા આજે ૪ દિવસ હોસ્પિટલમાં એડમિશન ના થયા હોવા છતાં પણ તેના ખબર અંતર પૂછવાની તસ્દી સુદ્ધાં પણ લેતો ન હતો.

"સાહેબ,
અમને રજા આપી દો. ઈશ્વર ની ઈચ્છા.
એની મરજી હશે તો બાળકીને જીવાડશે નહીં તો એની પાસે જ એને બોલાવી લેશે..! "
આંખો માં આંસુ સાથે તે બાળકીના નાના મારી કેબીનમાં અપરાધ ભાવે આવ્યા.

"બસ થોડાક દિવસોના ઈન્જેક્શન નો કોર્સ બાકી છે,
બાકી હવે તો ઓકિસજન નો સપોર્ટ પણ ઓછો કરી શક્યા છીએ આપણે.
આમ અધૂરી સારવાર લઈને જવું યોગ્ય નથી "
વિનંતી ભાવે મે તેમને રજૂઆત કરી.

"સાહેબ, આ બાળકીના જન્મથી તેના સાસરિયાં ખુશ નથી. મારી દીકરીને પણ સાસરે લઈ જવાની ના પાડે છે. છૂટા છેડાનો કેસ પણ નાખવાની એ લોકોની તૈયારી છે. તમે સારવાર સારી જ કરી છે, પણ હોસ્પિટલ ને ચૂકવવાના પૈસા પણ મારી પાસે પૂરતા નથી..! "
તે બાળકીના નાનાએ સંપૂર્ણ વાત પર પૂર્ણ પ્રકાશ પાડતા કહ્યું.

"તમે દાદા પૈસાની ચિંતા ના કરો, જે આપશો એ વિના દલીલે લઈ લેશું.
બસ આ બાળકીને ઈન્જેક્શન નો કોર્સ પૂરો કરી લેવા દો..! "
આજીજી કરતા મેં કહ્યું.
કેટલી વિષમ પરિસ્થિતિ હશે એ પિતા માટે કે જેની પરિણિત દિકરીના લગ્ન તૂટવાની અણી પર છે એ પણ નવી જન્મેલી ઈશ્વર સ્વરૂપ બાળકીના લીધે....
૧૦ દિવસ સુધી વારંવાર સમજાવીને તે બાળકીને સારવાર પૂરી કરવામાં આવી.
રજા આપતી વખતે તે બાળકીની માતાને ફક્ત મેં કહ્યું કે,
"તારી દીકરી ઘણી હિંમત વાળી છે, આટલા ખરાબ ન્યુમોનિયા ને પણ હરાવી દીધો.
ભલે ને તારો ઘરવાળો તારો સાથ ના આપે, એ તો મૂર્ખ છે ,પણ તું એકલી જ કાફી છે તારી દીકરી ની જીંદગી ઘડવા માટે. "

એ માં ની આંખમાં આંસુ હતા, તે ફક્ત એટલું જ બોલી કે,
"માં છું સાહેબ એની.
એના માટે તો આખી દુનિયા સામે લડીશ."

૧૫ દિવસ પછી સવારના ઓ.પી.ડી.નો સમય..

તે નાનકડી ઢીંગલી ફરીથી રૂટીન ચેક અપ માટે આવી.
આજે એક લાચાર માં મને ના દેખાઈ, પણ પોતાની દીકરીની જીંદગી બનાવવા, આ ક્રૂર સમાજની સામે લડતી સાક્ષાત જગદંબા જાણે ઉભી હોય તેવું મને લાગ્યું..

પહેલાના જમાનામાં દૂધપીતી કરવાનો ક્રૂર રિવાજ હતો, જે આજના જમાનામાં સ્ત્રીભ્રૂણહત્યા જેવી વિકૃત માનસિકતા સુધી પહોંચ્યો છે.
આજે દશેરા છે,
રાવણ ને બાળવા કરતાં સ્ત્રી ભ્રૂણહત્યા ની માનસિકતા ધરાવનાર અને કરનાર એ તમામને બાળવાની જરૂર છે..!

ડૉ. હેરત ઉદાવત