મીણબત્તી SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીણબત્તી

"પ્લીઝ, એક મીણબત્તી આપશો?"

જ્હોનએ ભાવુક થતા, કાઉન્ટરની પાછળ છોકરીને વિનંતી કરી. તે કબ્રસ્તાનની બહાર એકમાત્ર નાની દુકાનમાં ઉભો હતો અને તેની માતાના અવસાનના દસ દિવસ પછી પણ તે દુઃખી હતો.

કેન્સર એ બંને સાથે કઠોર વ્યવહાર કર્યો હતો. નિદાનના છ મહિનાની અંદર, તે તેની પ્રિય માતાને આંચકી ગયો, અને તેની ખુશી પણ તેની સાથે જતી રહી. ઘણા વર્ષો પહેલા તેના પિતાને ગુમાવ્યા પછી અને કુંવારો હોવાને કારણે, જ્હોન આ દુનિયામાં એકલો થઈ ગયો.

માતાના અવસાન પછી, જ્હોન દરરોજ કબ્રસ્તાન આવતો, અને નિયમિત રીતે, તે પહેલા નજીકના ફ્લોરિસ્ટ પાસે જતો, ડેઝી, તેની મમ્મીના મનપસંદ ફૂલ લેતો અને પછી જેસમિનની દુકાનેથી, તેના હાથથી બનાવેલી મીણબત્તી ખરીદતો. જેસમિન યુવાન અને સુંદર હતી. તેની માતા નહોતી અને તે તેના બીમાર પિતા સાથે રહેતી હતી.

તદુપરાંત, લેવળદેવડ વચ્ચે, પિંજરામાં જેસમિનના પોપટને જોઈને, જ્હોનને ક્ષણ ભર રાહત થતી, અને પોપટ પણ જ્હોનને જોઈને કિલકિલાટ કરતો. જેસમિન હાથમાં થોડી રંગબેરંગી મીણબત્તીઓ લઈને અંદરથી પાછી આવી. અત્યાર સુધીમાં તેઓ એકબીજાને નામથી ઓળખતા થઈ ગયા હતા. તેણે જ્હોનને હળવેથી પૂછ્યું,

"જ્હોન સર, આજે મેં કેટલીક સુગંધિત મીણબત્તીઓ બનાવી છે. શું તમે એમાંથી એક ખરીદવાનું પસંદ કરશો?"

જ્હોન પોપટ પરથી પોતાનું ધ્યાન ખેંચ્યું, જેસમિન તરફ જોયું અને તેને હળવું સ્મિત આપતા કહ્યું,

"સારું. હું ગુલાબી લઈશ. અને જેસમિન પ્લીઝ, મને સર કહેવાનું બંધ કર."

તે શરમાઈ ગઈ અને તેઓએ હલકી ફુલકી વાતો સાથે તેમનું વિનિમય પૂરું કર્યું.

"તારો કોર્સપોન્ડન્સ કોર્સ કેવો ચાલે છે? "

જેસમિને જવાબ આપતા પહેલા નિસાસો ભર્યો,

"જેમ તમે કહ્યું, તેમ જ, ચાલી રહ્યું છે. મીણબત્તીઓ બનાવવી, આ દુકાન, ઘરનું કામ અને પપ્પા. દિવસના અંત સુધીમાં, હું એટલી થાકી જાવ છું, પુસ્તકોમાં ડોકિયું મારવા માટે ભાગ્યે જ કોઈ સમય કે શક્તિ બાકી રહે છે."

જ્હોને તેને સહાનુભૂતિભર્યું સ્મિત આપ્યું અને તેને દિલાસો આપતા કહ્યું.

"હું સમજી શકું છું. પણ તને તારું ગ્રેજ્યુએશન પૂરું કરવું છે ને?"

જેસમિનએ આંખો ફેરવી અને કહ્યું,

"એ જ એકમાત્ર વસ્તુ છે જે મને પ્રેરિત રાખે છે."

પાછલા દસ દિવસોમાં, વાતચીત દરમિયાન તેઓને એકબીજા વિશે થોડી માહિતી મળી હતી. સહાનુભૂતિએ તેની અસર બતાવી, અને તે બંને, ચુપચાપ, ગુપ્ત રીતે એકબીજાને પસંદ કરવા લાગ્યા. જેસમિન રોજ જ્હોન સાથે થોડી કિંમતી મિનિટો પસાર કરવાની, આતુરતાથી રાહ જોતી હતી.

બે અઠવાડિયા પછી, એક સાંજે, જ્હોન મીણબત્તી ખરીદવા ન આવ્યો. તે હંમેશા સમય પર આવતો અને તીવ્ર ચાર વાગે તે જેસમિનની સામે ઉભો રહેતો. અને આજે લગભગ પાંચ વાગી ગયા પણ તે હજી આવ્યો નહોતો. થોડા સમય માટે દુકાન બંધ કરીને, જેસમિન ફુલવાળા પાસે ગઈ, એક ગુલાબ લીધું અને કબ્રસ્તાનમાં પગ મૂક્યો.

"શું તમે કૃપા કરીને મને કહેશો કે મિસ્ટર જ્હોન મીનેઝિસની માતાની કબર ક્યાં છે?"

જેસમિનએ રખેવાળને પૂછ્યું અને ત્યાં ગઈ. ઘૂંટણિયે બેઠી, મીણબત્તી પ્રગટાવી અને આરસ પર ગુલાબ રાખ્યું.

"હેલો મેડમ. મને આશ્ચર્ય છે કે જ્હોન આજે ન આવ્યા, પણ હું નહોતી ઇચ્છતી કે તમે કોઈના આવવાથી વંચિત રહી જાવ, એટલે હું આવી છું. હું જેસમિન છું, અને જ્હોન તમારા માટે મારી બનાવેલી મીણબત્તીઓ ખરીદે છે. આશા છે કે તમને એ પસંદ આવતી હશે. તમારો દીકરો સારો માણસ છે. પ્રભુ તમારી આત્માને શાંતિ આપે."

પોતાની મમ્મીની યાદ આવતા જેસમિનની આંખ ભરાઈ આવી. જ્હોનને જોયા વગર બીજા બે દિવસ પસાર થઈ ગયા. હવે તે ફક્ત જ્હોનને મિસ નહોતી કરી રહી પણ તેને ચિંતા પણ થવા લાગી. ત્રીજી સાંજે જ્હોનની મમ્મીની કબર ઉપર ગયા પછી, જેસમિન ફરીથી રખેવાળ પાસે ગઈ.

"શું તમે જાણો છો કે મિસ્ટર જ્હોન મીનેઝિસનું ઘર ક્યાં છે?"

એના નસીબ સારા હતા. રખેવાળ ને જ્હોનના ઘરનું સરનામું ખબર હતું.

અનિશ્ચિતતાની સાથે જેસમિનએ જ્હોનના ઘરનું બારણું ખખડાવ્યું. શું તેણે અહીંયા આવીને કોઈ ભૂલ કરી હતી? છેવટે, તે માત્ર એક ગ્રાહક જ હતો. જ્હોનએ ખાસ્તા ખાસ્તા દરવાજો ખોલ્યો. તેનો ચહેરો તાવથી ઉતરી ગયો હતો. તેની આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં, જેસમિનને જોઈને તેના હોઠ પર સ્મિત નાચી ઉઠ્યું.

"જેસમિન! સારું થયું તું આવી. તને જોઈને મને ખુશી થઈ."

તેઓ જઈને સોફા પર બેઠા અને જેસમિનએ ધીમેથી શરૂઆત કરી,

"માફ કરશો, મને ખબર નહોતી કે તમે બીમાર છો. મને તમારી ચિંતા થઈ રહી હતી."

"તને જોઈને મને આનંદ થયો. કબ્રસ્તાનના કેરટેકરે મને ફોન કર્યો હતો. મારી મમ્મીની કબર પર જવા માટે હું ખરેખર તારી પ્રશંસા કરું છું. થેંક યું જેસમિન."

એક સપ્તાહ સુધી જેસમિનએ બે વસ્તુઓ અનિવાર્યપણે કર્યા; તે જ્હોનની માતાને શ્રદ્ધાંજલિ આપવા, રોજ એમની કબર પર જતી,અને દરરોજ સાંજે જ્યારે જ્હોનને મળવા ઘરે જતી, તો એના માટે ફળ લઈ જતી. જ્હોન અચૂક વિરોધ કરતો. ત્યારે જેસમિન ટિપ્પણી કરતા કહેતી,

"તમે સાવ એકલા છો અને તમારી સંભાળ લેવાની જરૂર છે. આ ઉપરાંત, મને ખાતરી છે કે તમારી મમ્મી તમને મિસ કરતા હશે. જલ્દી સ્વસ્થ થઈ જાવ, જેથી તમે તમારી મમ્મીને મળવા આવી શકો."

જેસમિનની વાતો સાંભળીને જ્હોન ભાવુક થઈ ગયો.

"જેસમિન, તું એક ખૂબ સારી વ્યક્તિ છે."

તેઓની મિત્રતા વધતી ગઈ અને એકબીજાને પહેલા કરતા વધુ ઓળખતા થઈ ગયા.

એક મહિના પછી, હવે કબ્રસ્તાન જવાનું કરણ બદલાઈ ગયું. તે જેસમિનને જોવા અને તેની સાથે વાતો કરવા વધુ જવા લાગ્યો. એની મુસ્કુરાહટ,  દિલાસો આપતી વાતો, બસ તેને જોઈને જ, જ્હોનને એક અદભુત સંતોષનો અનુભવ થતો, જે તે શબ્દોમાં કહી નહોતો શકતો. જેસમિનના વિશે વિચારીને પણ એને ખુશી મળતી. અજાણતા, જેસમિનએ તેની માતાની ખામીને સુંદર રીતે ભરી નાખી હતી. તદુપરાંત, જ્યારે જ્હોન એની આંખમાં જોતો, તેને લાગણીઓ પરસ્પર મળતી.

એક સાંજે, મીણબત્તી માટે ચૂકવણી કરતી વખતે, જ્હોને જેસમિને સાવચેતીપૂર્વક પૂછ્યું,

"જેસમિન, તું મારી સાથે કોફી પીવા આવીશ?"

જવાબ આપતા પહેલા જ એના મોઢા પર સ્મિત છવાઈ ગયું, જાણે એ ક્યારની આ વાતની રાહ જોતી હોય.

તે પ્રથમ વખત પછી, એક સાપ્તાહિક પેટર્ન બની ગયું. જ્હોન અને જેસમિન એક સાથે બહાર જવા લાગ્યા. જ્હોન ક્યારેક એનો હાથ પકડતો, તો ક્યારેક એન ખભા પર હાથ મુકતો. જ્હોનની નજદીકી જેસમિનને ખૂબ ગમતી.

"જેસમિન, આજે મને બે મીણબત્તીઓ જોઈએ છે."

તે આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તેણે કોઈ પ્રશ્ન ન પૂછ્યો. તે સાંજે, જ્હોને  જેસમિનને ઘરે ડિનર પર આમંત્રિત કરી અને બન્ને માટે જાતે રસોઈ કરી. મીઠાસ પીરસતાં પહેલાં, તેણે મીણબત્તી પ્રગટાવી અને તેમની વચ્ચે ટેબલ પર મૂકી. જ્હોનએ જેસમિનના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ખૂબ જ પ્રેમથી કહ્યું,

"જેસમિન, તું મારા જીવનમાં ત્યારે આવી, જ્યારે હું અચાનક એકલો પડી ગયો. તે મારું ખાલીપણું ભરી નાખ્યું. તારી મીણબત્તીઓએ મારા જીવનમાં ફક્ત પ્રકાશ નથી ફહેલાવ્યું, પણ આનંદ અને સંતોષથી પણ ભરી નાખ્યું છે. શુ તું મારી પત્ની બનવાનું સ્વીકારીશ, જેથી આપણું જીવન હમેશા આજ રીતે ઉજ્વળ રહે?"

જ્હોનની વાતો સાંભળીને જેસમિન એકદમ ગદગદ થઈ ગઈ. મોઢે સ્મિત હતું, તો આંખમાંથી આંસુ પણ છલકાઈ રહ્યા હતા. તે ઉભી થઈને જ્હોન પાસે ગઈ અને તેને ભેટી પડી.

"આઈ લવ યુ જ્હોન! આજે મારુ સપનું સાકાર થઈ ગયું."

જેસમિનને બાથમાં લેતા, જ્હોન એ હળવેથી એના હોઠ પર ચુંબન આપતા કહ્યું,

"આઈ લવ યુ ટુ માઇ એન્જલ."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
____________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/