મોજીસ્તાન - 58 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 58

એ કાળો ઓળો દવાખાનાના પગથિયાં ઉતરીને થોડીવાર ઉભો રહ્યોં.તખુભાએ મોબાઈલની બેટરી ઊંચી કરીને રાડ પાડી..

"અલ્યા કયો છે ઈ..દવાખાનામાં શું કરતો'તો..."

તખુભાની રાડ સાંભળીને ગટરના પાણીમાં કંઈક ખળભળાટ થયો.પાળા પર સુતેલા કૂતરાંઓ પણ ઊઠીને એક સાથે ભસવા લાગ્યાં..પાળા પર દેકારો મચી ગયો !

તખુભાએ મોબાઈલની ટોર્ચ પાણી તરફ ફેરવી.કોઈ જનાવર એના બચ્ચાં સાથે પાણીમાંથી બહાર નીકળ્યું હતું.એ જનાવરની બે અને બચ્ચાંઓની દસ આંખો ટોર્ચના પ્રકાશમાં ચમકી રહી હતી.

તખુભાના પેટમાં ટાઢો શેરડો પડ્યો.પણ બીજી જ ક્ષણે એમને ખ્યાલ આવ્યો હતો કે એ જનાવર બીજું કંઈ નહીં પણ ભૂંડ પરિવાર હતો એટલે ગભરાવાની જરૂર નહોતી.

તખુભાએ ભૂંડસ (ભૂંડનું બહુવચન આ રીતે કરવાની છૂટ લેવા દેજો, આપણે ક્યાં બહારના છીએ, હેં ને ! ) ફેમિલી પરથી નજર હટાવીને પેલા ઓળા તરફ જોયું.એમના આશ્ચર્ય વચ્ચે એ ઓળો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. કુતરાંઓ પણ તરત શાંત થઈને સૂઈ ગયા હતાં. ભૂંડસ ડરરર ટરરર ડરરરર ટરરરર એવા અવાજો કાઢીને તખુભાને જલ્દી આ જગ્યા છોડી દેવાની સૂચના આપતા હતાં.

તખુભાએ હિંમત એકઠી કરીને ડગલું બદલાવ્યું.ફરી એમની કમરમાં ઉહાપોહ મચી ગયો.કમરમાંથી મગજને સ્પષ્ટ સૂચના મોકલવામાં આવી કે જો હવે પગ ઊંચો થશે તો અહીં વિદ્રોહ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે.એ સૂચના વાંચી મગજે આંખમાં અંધારા મોકલી દીધા.

તખુભાથી પીડાને કારણે મોંમાંથી ઊંહકારો નીકળી ગયો.હવે આગળ કે પાછળ જઈ શકાય કે હલી પણ શકાય એવી સ્થિતિ રહી નહોતી.ગટરના પાણીમાંથી આવ-જા કરવા પથ્થરો મૂકીને બનાવેલી એ કેડી પર રાતના અંધારામાં તખુભા ઉભા સલવાયા હતા..!

ભૂંડસોએ ફરિવાર ગળામાંથી ઘરઘરાટી કરી.માણસજાત પાસેથી હંમેશા નફરત અને પથ્થરોના છુટા ઘા પામેલો આ ભૂંડજાતિનો સરદાર એ સમજી નહોતો શકતો કે આવી અંધારી રાતે અહીં આ પથ્થર ઉપર, શા માટે આ માણસ ઉભો રહી ગયો છે.નથી આગળ વધતો કે નથી પાછળ જતો.પોતાના પરિવારમાં રહેલા નાના નાના બચ્ચાંઓ પર કદાચ કંઈક જોખમ તોળાઈ રહ્યું હોય તો બચ્ચાંઓને બચાવવાની એની ફરજ હતી, એટલે ભૂંડે ફરી ઘુરકાટ કર્યો.

"અલ્યા ભૂંદ્રાની ઓલાદ..મૂંગીનો મર્યો કે નય.તારું ડોહું ટચકિયું થિયુ છે તખુબાપુને. અડધી રાત્યે તારું ડાચું જોવા બાપુ આંયા ઊભા નથી. કોક નબળાની મદદ કરવા જઈએ છીએ.તું તારા બચોળિયા લઈને સાનુમાનું તારા ખાંદામાં પડ્યું રે ભલું થઈને.ખોટા હોંકારા કર્યમાં.હાળા ભૂંડના પેટનાવ.." તખુભા મોબાઈલની ટોર્ચનો શેરડો ભૂંડના મોં પર ફેંકીને ભૂંડ પર ખીજાયા.

ભૂંડ એથી વધુ ગુસ્સે ભરાયો હોય એમ એનું મોં પાણીમાં ડુબાડીને જોરથી ઊંચું કર્યું.એ સાથે જ ગંદા પાણીની છાલક ઉડીને તખુભા પર પડી.

"આ મારું હાળું માર ખાવાનું થયું લાગે છે.મોત આવ્યું છે આનું, ઈ નક્કી છે..હુડય...હુડય.. અલ્યા કવસુ તારા બચોળિયા લયને હાલતીનું થઈ જા..નકર જાનથી મારી નાંખીશ..હુડય..." તખુભાએ બરાડો પાડ્યો.

ભૂંડ તખુભાની આમાન્યા રાખવા તૈયાર નહોતું.કદાચ હજી પણ એ તખુભાને, પોતાના બચોળિયા પર આવેલું જોખમ સમજી રહ્યું હતું.
ભૂંડ તખુભા પર હુમલો કરવાની તૈયારીમાં જ હતું ત્યાં જ ક્યાંકથી મોટો પથ્થર આવીને તખુભા અને ભૂંડ વચ્ચે 'ફદ' અવાજ સાથે પાણીમાં ખાબક્યો.ભૂંડ એકાએક થયેલા હુમલાથી ડરીને ભાગ્યું. પાછળ એના બચ્ચાં પણ ભાગ્યાં.

પથ્થર પડવાથી ઉડેલા ગંદા પાણીની છાલક તખુભાના કપડાં પર ઉડી.કેટલોક કાદવ તખુભાના મોં પર પણ ઉડયો.

"અલ્યા કોણ છે ઈ.. કયો મરવાનો થયો છે...કોણ ઘા કરે છે..?"

તખુભાએ પાડેલી રાડનો કોઈ જવાબ આવ્યો નહિ.પણ ફરી એક મોટો પથ્થર પાણીમાં પડ્યો.પહેલા કરતાં આ વખતે વધુ પાણી અને કાદવ ઉડવાથી તખુભાના કપડાં અને બગડી ગયા. મોં પર ચોંટેલો ગંધાતો કાદવ હાથથી લુછીને એમણે બધી બાજુ મોબાઈલની ટોર્ચ ઘુમાવી.

એ જ વખતે ત્રીજો મોટો ગડબો આવીને પાણીમાં પડ્યો.તખુભાને હવે કમરના દર્દની પરવા કર્યા વગર ભાગવુ જ પડે તેમ હતું.
પથ્થરના ઘા કોણ કરતું હતું અને ક્યાંથી કરતું હતું એ અંધારામાં ખ્યાલ આવતો નહોતો.

તખુભા પથ્થર ઠેકતાં ઠેકતાં બહાર નીકળી તો ગયા.પણ કમરમાં આડો આંક વળી ગયો. તખુભા ઢગલો થઈને બેસી પડ્યાં. હવે એમનાથી ઉભા પણ થવાય એવું રહ્યું નહિ.

તખુભા બહાર નીકળ્યા પછી પથ્થરના ઘા બંધ થઈ ગયા. તખુભાને ભયંકર ગુસ્સો આવી રહ્યો હતો.પણ કમરના દર્દને કારણે તેઓ લાચાર હતા. દવાખાના પાસે વર્ષો પુરાણું એક ખિજડાનું ઝાડ હતું એ ઝાડની બખોલમાં બેઠેલું ઘુવડ ચિત્ર વિચિત્ર અવાજે બોલી ઊઠ્યું. રાત્રીનું ભેંકાર વાતાવરણ ઘુવડની ચિચિયારીઓથી વધુ બિહામણું બન્યું.તખુભાને હવે ડર લાગી રહ્યોં હતો.

એ જ વખતે ફોનની રિંગ વાગી.ડોકટરનો નંબર જોઈને તખુભાએ ફોન ઉપાડ્યો,

" એકધારો આદું ખાઈને વાંહે પડી ગયો છો તું.હાળા તને મદદ કરવા જ આવ્યો છું.પણ આ ખાંદામાં તારો ડોહો કોક ઢેફાંના ઘા કરે છે, આ ગટરમાં ભૂંદ્રા અને પાળા પર સુતેલા કૂતરાં પણ ભંહે છે.તું ઈમ કર્ય ઝટ બત્તી લઈને આંય આવ્ય. મારાથી ઉભું પણ થવાતું નથી.."

"કેમ શું થયું..તમે પડી ગયા છો ? તમારે કંઈક હથિયાર સાથે લાવવું જોવે ને.ટોર્ચ લઈને નીકળવું જોવે..ક્યાં ગટરના પાણીમાં પડ્યા
છો ?" લાભુ રામાણીએ કહ્યું.

"તું ઝટ આંય આવ્ય. હું મોબાઈલની બત્તી કરું ત્યાં હું પડી ગયો છું. મને કમરમાં સણકા ઉઠે છે. "કહી તખુભાએ નદીની રેતીમાં લંબાવી દીધું.

"ઉભા રો હું આવું છું..!'' કહી લાભુ રામાણીએ ફોન મુક્યો.

"ઉભું ક્યાં રે'વાય એમ છે.તું ઝટ આવ્ય દાગતર,ઓહોય..ઓહોય આ કમરમાં ક્યાંક મણકો ખહી નો ગિયું હોય તો સારું."

તખુભા આંખ બંધ કરીને દર્દ સહન કરવા પ્રયત્ન કરતાં હતાં.એ જ વખતે કોઈ એમની પાસે આવીને ઉભું હોય એમ લાગ્યું. દૂર જલતી સ્ટ્રીટ લાઈટના આછા અજવાળામાં તખુભાએ આંખ ખોલીને એ કાળા ઓળાને જોવા પ્રયત્ન કર્યો.

પેલો કાળો ઓળાએ તખુભાની બાજુમાં બેસીને ધીમેથી એના માથા પરથી કાળું કપડું હટાવ્યું. એ હાડપિંજર હતું, એની આંખોના ખાડામાં લાલ અંગારા સળગી રહ્યાં હતાં. નીચેનું ઝડબું હળવેથી ખોલીને એ હાડપિંજર જાડા અને ઘોઘરા અવાજે બોલ્યું.."તખુભા.. આ...આ..આ..હા..હા..હા..હી..હી...હી..."
હાડપિંજરની દાઢી ડગમગતી હતી. તખુભાએ એમના જીવનમાં પહેલીવાર ભૂત જોયું...!

"હું લખમણ... બસ્સો..ઓગણ.. હેહે..હેહે... વાડીએ હુતોતો.મને એરું કયડ્યો..મારી બયરી જુવાન હતી..હેહેહે.. તખુભા..હાહાહા.."

ઘુવડ ચીસાચીસ કરતું હતું. પાણીમાં પથ્થરના ઘા થઈ રહ્યાં હતાં.પાળા પર કૂતરાંઓ જાગીને દેકારો મચાવ્યો હતો.ભૂંડ એના બચોળિયા સાથે ભાગી રહ્યું હતું.. દૂરથી કોઈ તખુભાને સાદ પાડતું હતું. તખુભા બળ કરીને બોલવા માંગતા હતા પણ એમના ગળામાંથી અવાજ નીકળતો નહોતો..!

"તખુભા..આ...આ..ક્યાં પડયા છો તમે..." એ અવાજ લાભુ રામાણીનો હતો.એ અવાજ સાંભળી લખમણનું ભૂત ઉભું થયું.જતાં જતાં એણે તખુભાની કમરમાં પગનું ઠેબુ માર્યું. તખુભાના ગળામાંથી રાડ નીકળી ગઈ.

"બસ્સો ઓગણએંશી વરહ પેલા હું વાડીએ હુતોતો..લીમડા હેઠે...હું લખમણ..કરસનની પાંચમી પેઢીએ હું થિયો'તો.. તભગોરને હંધીય ખબર્ય સે..હેહેહે..લ્યો હાલો..તારે.. ઓલ્યા ખિજડે રવ સુ..(ખિજડા પર રહું છું).હું હું હું..
લખમણિયો..એરું આભડી જ્યો. મારી ઘરવાળીએ ના પાડી તોય હું વાડીએ જિયો...ઈ જુવાન હતી..તખુભા... આ..આ..આ..આ.."

ફરી તખુભાની કમરમાં ઠેબુ મારીને પળવારમાં લખમણિયાનું ભૂત ગાયબ થઈ ગયું.તખુભા પડ્યા પડ્યા ધ્રુજી રહ્યાં હતાં. કુતરાઓ જોરજોરથી ભસી રહ્યાં હતાં.

થોડીવારે ડોકટર લાભુ રામાણીએ ટોર્ચનો પ્રકાશ એમના પર ફેંક્યો.

"તખુભા..તખુભા..આ ગટરનું કાંઈક કરો યાર..એકવાર હું પણ આમાં ભૂંડે મોંએ ઝીંકાયો હતો. આ પાળા ઉપર કાયમ કૂતરાંની આખી ફોજ પડી રહે છે.શું થયું છે તમને.." કહી ડોકટરે નીચે બેસીને તખુભાના કપાળે હાથ મુક્યો.

તખુભાને તાવ ચડી ગયો હતો. આંખો ખોલીને પરાણે તેઓ બોલ્યા,

"ભૂ.. ઊ... ઊ.... ત..થિયુ...ભૂત..ડા....ગટર. લખ..મણીયો..એરું કય..ડયો... ડા... ગટર..."

"ગટર તો તમારા પ્રતાપે જ થઈ છે..તખૂભા. અહીં કોઈ ભૂતબૂત નથી.ચાલો ઉઠો અને આવો મારા કવાટર પર.પેલા બે નરાધમો મારા ઘરમાં ઘુસી આવ્યા છે અને અઘટિત માંગણીઓ કરી રહ્યાં છે. બેઉને મેં ઈન્જેકશન ઠોકી દીધું છે એટલે બેભાન થઈ ગયા છે.હવે એ લોકોનું શું કરવું એ તમારે નક્કી કરવાનું છે..ચાલો..ઉભા થાવ.." કહી ડોક્ટરે તખુભાનો હાથ ખેંચ્યો.

"ડોકટર મારાથી ઉઠાશે નહિ..મને કેડયમાં વાગ્યું છે.ટચકિયા જેવુ થઈ જ્યુ લાગે છે..તમે કોકને ખાટલો લઈને બોલાવો..મને ખાટલામાં લઈ જાવો પડશે.અને ભૂત થિયુ છે ઈ પાક્કું છે.ઈની આંખમાં અંગારા સળગતા'તા અને મોઢામાંથી ધુમાડો...ભૂત ડા..ગટર..." કહી તખુભા આંખો મીંચી ગયા.

"તો પેલા બે જણનું મારે શું કરવું..તમે યાર ભૂત ભાળી ગયા..હવે મારી આબરૂ જાશે ઈનું શું.. તખુભા..આ..આ.આ.."

ડોક્ટરે તખુભાને ઢંઢોળ્યા.પણ તખુભા હવે આંખ ખોલવા માંગતા નહોતા. "ડા...ગટર...તમે
ભૂ.. ઊ... ત..નો ભાળ્યું..?"

ડોક્ટરે અંધારામાં રહસ્યમય સ્મિત કર્યું. તખુભાને પડ્યા રહેવા દઈ પાછા કવાટરમાં ગયા.રઘલો અને પશવો બેભાન થઈને પડ્યા હતા.બંનેના પગ પકડીને કવાટરની બહાર ઢસડી લાવ્યા.

કવાટરમાંથી દોરી લાવીને બંનેના હાથપગ બાંધીને એમની મારુતિ કારની પાછળની સીટમાં નાંખ્યા.કવાટરનો દરવાજો બંધ કરીને ડોક્ટરે ચંપાને ફોન કર્યો.

ચંપા ડોકટરના કવાટરમાંથી ભાગીને દવાખાનામાં સંતાઈ હતી.ડોકટરના કેબિનમાં જઈ એણે આરામથી લંબાવી દીધું હતું.
ડોકટરનો ફોન આવતાં એ જાગી.

"હેલો ચંપા, તું અહીં આવી જા. હું તને બરવાળા મૂકી જાઉં. પેલા બેઉ હરામખોરોનો ખેલ મેં પાડી દીધો છે.જલ્દી કર.." કહી ડોકટર કારમાં ગોઠવાયા.

થોડીવારે ચંપા આવીને કારમાં બેઠી એટલે ડોક્ટરે કાર સ્ટાર્ટ કરી.

"ખરા છો હો તમે ! આ બેયને અંદરો અંદર લડાવીને બેભાન પણ કરી નાંખ્યા..હવે આમનું શું કરવા ધાર્યું છે..!" ચંપાએ હસીને ડોકટરનો હાથ પકડી લીધો.

''હું સિંહ છું સિંહ..ચંપુ ડાર્લિંગ, આવા શિયાળીયાઓ મારા શિકારમાં ભાગ પડાવી ન શકે.આ બેઉને ઘેનના ભારે ઈન્જેકશન ઠોકી દીધા છે.કાલ સવાર પહેલા એકેય ભાનમાં આવવાના નથી. બેઉના હાથપગ પણ બાંધી દીધા છે.જાગશે ત્યારે રોડના ખાળીયામાં ક્યાંક પડ્યા હશે.જો આપણી વાત કરશે તો એનો ડોહો કોઈ માનશે નહિ.તખુભાને મદદ કરવા બોલાવ્યા હતા. એ પણ ભૂત ભાળીને બેભાન થઈ ગયા છે. હું તને બરવાળા મૂકીને અમદાવાદ ભેગો જ થઈ જવાનો છું.એટલે તખુભા અને આ બંને હરામખોરોની વાત કોઈ માનશે જ નહિ.સમજી મારી બગલબચ્ચી !"
કહી ડોકટરે ચંપાના ગાલે ચોંટીયો ભરી લીધો.

"ડોકટર તમે યાર જબરા છો.મને તો એમ હતું કે આ ઉંમરે હવે તમારાથી કંઈ થઈ નહિ શકે.પણ તમે તો મને ભાંગીને ભુક્કો કરી નાંખી. હું તો થાકીને લોથપોથ થઈ ગઈ'તી.શેરડીના સાંઠા ઘોડ્યે તમે તો પીલી નાખી મને.આવી શું ખબર્ય કે તમે હજી આટલા બધા બળુંકા હશો..નકર આવ્યાને તરત હું તો તમારી થઈ જાત.."કહી ચંપા હસી પડી.

'ચંપલી હજી તું આ લાભુને ઓળખતી નથી. તારી જેવી ઝમકુડીઓને પ્રેમના પાઠ ભણાવવાની કળા જાણે છે આ ડો. લાભુ રામાણી !' મનમાં એમ બબડીને ડોક્ટરે ચંપાની કમરમાં બીજો ચોંટીયો ભર્યો અને કાર બરવાળાના રોડે ચડાવી.

બરવાળા નજીક આવ્યું ત્યાં સુધી ચંપાના શરીર સાથે અડપલાં કરતાં કરતાં ડોક્ટરે ગાડી ચલાવ્યે રાખી.પછી રોડની એક તરફ ગાડી ઉભી રાખીને પાછળની સીટમાં પડેલા રઘલા અને પશવાને ઢસડીને નીચે ઉતર્યા.ચંપાએ પણ મદદ કરી.રોડના કાંઠેથી બેઉને પાટું મારીને ખાળીયામાં ગબડાવીને ડોક્ટરે પાછળની સીટમાં ચંપાને ખેંચી.

" શું છે..હજી.." ચંપાએ છણકો કર્યો.

"ગાડીનો અનુભવ કરાવું..આવ.. પછી આવો મોકો નહિ મળે.."કહી ચંપાને એમના ખોળામાં બેસાડીને ડોક્ટરે કારનો દરવાજો ખેંચી લીધો.

*

નદીની રેતીમાં પડેલા તખુભાને એકાદ કલાક પછી કળ વળી હતી.એમણે આંખો ખોલીને આકાશમાં નજર કરી.આખું આકાશ તારાઓથી ઝગમગતું હતું.તખુભાએ હાથ ફંફોસીને મોબાઈલ શોધ્યો.બટન દબાવીને એમણે મોબાઈલમાં સમય જોયો તો ચાર વાગવા આવ્યા હતાં.

પોતે ઘેરથી આવ્યા અને નદીમાં જે બન્યું એ એમણે યાદ કર્યું.ડોકટરને મદદ કરવા પોતે આવ્યાં હતાં.કોઈએ ગટરના પાણીમાં પથ્થરો ફેંકતું હતું. પછી ભૂત આવ્યું.ડોકટરને ફોન કરીને બોલાવ્યો પણ હતો..'ક્યાં મરી ગયો હાળો દાગતર..' એમ બબડીને એમણે માથું ઊંચું કર્યું.
ડોકટરના કવાટર આગળ સ્ટ્રીટલાઈટ બળતી હતી. તખુભાએ ઉભા થવા પ્રયત્ન કર્યો પણ એમનાથી ઉઠી શકાયું નહિ.

"આ દાગતરને કીધું'તું કે ખાટલો લઈને કોકને બોલાવો.મારી કેડયમાં ઓલ્યા ગોરે વગાડ્યું છે...ભૂત પણ થિયુ'તું...આ ગોલકીનો દાગતર ક્યાં મરી જ્યો..!"તખુભા આજ બરાબરના ગુસ્સે થયા હતા.એમણે ડોકટરને ફોન લગાડ્યો.
મારુતિ કારની પાછલી સીટમાં ચંપાને 'કારનો અનુભવ' કરાવવામાં વ્યસ્ત ડોક્ટરે ફોન ઉપાડ્યો નહિ.એટલે તખુભાએ જાદવને ફોન લગાડ્યો.પણ સવારની મીઠી નીંદરમાં જામી ગયેલો જાદવો પણ જાગ્યો નહિ.કમરમાં ફરી સણકા શરૂ થયા હતા.કંટાળીને તખુભાએ બહાદુરભાઈને ફોન કર્યો. બહાદુરભાઈએ સવારે આવેલો ફોન જોઈ નવાઈ પામ્યા.

'આટલા અહુરા કોનો ફોન હશે..'એમ વિચારીને એમણે ફોન ઊંચક્યો.

તખુભાએ રાતે બનેલી બીના ટૂંકમાં કહીને એમને તાબડતોબ બોલાવ્યા.બે ચાર પડોશીને જગાડીને બહાદુરભાઈએ એક ખાટલો લેવડાવ્યો. નદીમાં પડેલા બાપુને ઉઠાવીને ખાટલામાં સુવડાવીને ઘેર લાવવામાં આવ્યા.

તાબડતોબ ડોકટરને બોલાવવા માણસને મોકલવામાં આવ્યો.પણ એ માણસ ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો.

"દાગતરને નિયાં તાળું માર્યું સે. ને દાગતરની ગાડીય નથી.અટલે દાગતર વ્યા જ્યા હોય ઈમ લાગસ.."

સવારે ગામમાં દેકારો મચ્યો. ગામલોકો તખુભાની ડેલીએ સમાતુ નહોતું.

'તભાભાભા ગાંડા થઈ ગયા છે અને તખુભાને ભૂતે નદીમાં પાડી દીધા છે.તખુભાની કેડયમાં કે છે કે ભૂતે પાટા માર્યા.તખુભાને કેડયમાંથી કે છે કે સાવ ભાંગી નાંખ્યા છે. ઓલ્યા લખમણિયાનું ભૂત હવે કોનો વારો પાડશે ઈ કાંય કેવાય એમ નથી.'

ગામમાં ચોરે ને ચૌટે આવી વાતો થવા લાગી. એમાં દસેક વાગ્યે રઘલા અને પશવાના સમાચાર આવ્યા.કે છે કે લખમણિયાના ભૂતે એ બેયને બાંધીને બરવાળાના ખાળીયામાં નાખી દીધા..અને દાગતર ભૂત ભાળીને ભાગી ગિયો સે..કે છે કે કોઈના ફોનય ઉપાડતો નથી...કે છે કે હુકમસંદે ફોન કર્યો'તો..તે ઈ દાગતરે ઈમ કીધું કે તખુબાપુને ભૂત પાટા મારતું'તું ઈ દાગતરે નજરો નજર જોયું ઈમાં બીકનો માર્યો બાપડો દાગતર રાતોરાત ઈની ગાડી લયને ભાગી જિયો..'

વળી બપોરે નવી વાત આવી.

"કે છે કે રઘલો ને પશવો દાગતરને બોલાવા જ્યા તારે દાગતર ઓલી નરસ હાર્યે હુતાતા..ઈ રઘલાએ ને પશવાએ ભાળ્યું..પણ પછી કોણ જાણ્યે હું થિયુ તે ઈવડા ઈ બથોબથ આવ્યા..પસી સીધા બરવાળાના ખાળીયામાં જાગ્યા..નયાં રાડયું પાડી તે કોકે બાર્ય કાઢ્યા..આ બધા કામ તો ભાઈ ભૂતના જ હોય..બચાડો દાગરત તો ભગવાનનું માણહ સે.અને ઓલી નરસ તો હાંજની બસમાં વઈ જઈ'તી..'

ગામમાં આ બનાવને લોકોએ પોતાની રીતે ચગાવવા માંડ્યો. બપોર પછી તખુભાને દુખાવો વધતા એમને બોટાદ લઈ જવા પડ્યા.
હુકમચંદની જીપ તો સવારની ક્યાંક બહાર ગઈ હતી.જગા અને નારસંગને હુકમચંદે ફોન કર્યો પણ એ લોકોએ હુકમચંદનો ફોન ઉપાડ્યો નહિ.

છેવટે ઢેફલાના ટેમ્પામાં તખુભાને લઈ જવા પડ્યા.કમરમાં મણકું ખસી ગયું હોવાથી તખુભાનું ઓપરેશન કરવું પડશે એવું નિદાન ડોકટર દ્વારા કરવામાં આવ્યું.

તખુભાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.

સવારે જાગેલા તભાભાભા બધાની સામે ચકળવકળ જોઈ રહે છે.એક અક્ષર પણ તેઓ બોલતા નથી.ગામલોકો એમને જોવા પણ આવી રહ્યા છે. તભાભાભા ગાંડા થઈ ગયા હોવાની અને લખમણના ભૂતની અફવાનું બજાર જોરશોરથી ગરમ થઈ ગયું છે.

રઘલો અને પશવો જે વિચિત્ર વાતો કરે છે એ સાંભળીને લોકો હસી રહ્યાં છે.આ બે જણ પણ ભૂત ભાળી ગયા છે એ સો ટકા નક્કી થઈ ગયું છે..!

અઠવાડિયા પછી લાભુ રામણી અમદાવાદથી આવી ગયા.અને તે જ દિવસે ગામની પંચાયતમાં મિટિંગ બોલાવવામાં આવી.
તે રાત્રે શું બન્યું હતું એની સાચી હકીકત એક માત્ર ડોકટર લાભુ રામાણી જ જાણતાં હતાં. ડૉક્ટર માટે માઈકની વ્યવસ્થા કરવામાં આવી હતી. પંચાયતમાં પગ મુકવાની પણ જગ્યા ન્હોતી..

અને ડોક્ટરે એ રાત્રે બનેલો બનાવ કહેવા માંડ્યો....!

(ક્રમશ:)