Featured Books
શ્રેણી
શેયર કરો

જાસૂસનું ખૂન - ભાગ 8 - છેલ્લો ભાગ

જાસૂસનું ખૂન

ભાગ-8

કપડાંની દોરી બની ફાંસીનો ફંદો


બીજા દિવસે સવારે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા ત્યારે જમાલના મનમાં એક પ્રશ્ન વાવાઝોડાની જેમ ચાલી રહ્યો હતો. જમાલે એ પ્રશ્નને પોતાની અંદર રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ એના પ્રશ્નને રોકી શક્યો ન હતો.

"બોસ, એક સવાલ પૂછું? નાયાબનું ખૂન તમે તો કર્યું નથીને?" જમાલે એના મનમાં ઊભો થયેલો પ્રશ્ન હરમનને પૂછી લીધો હતો.

હરમને ગાડી સાઇડમાં પાર્ક કરી અને ગુસ્સાથી એની સામે જોયું હતું.

"આટલાં વર્ષોથી તું મારી જોડે છે. તને લાગે છે કે હું કોઇનું ખૂન કરી શકું? અને ખૂન કરવા માટે કોઇ હેતુ જોઇએ. નાયાબનું ખૂન કરવા માટે મારી પાસે કોઇ હેતુ ન હતો." હરમને ગુસ્સાથી જમાલને કહ્યું હતું.

"નાયાબ આપણને વર્ષોથી ઘણાં બધાં કેસમાં નડતો આવ્યો છે માટે તમને ગુસ્સો આવ્યો હોય અને મેં ઘણીવાર જોયું છે કે જે લોકો ખૂનનું રહસ્ય શોધવામાં નિષ્ણાંત હોય એ લોકો ખૂન કરવામાં ખૂબ નિષ્ણાંત બની જતાં હોય છે." જમાલે હરમન સામે જોઇ કહ્યું હતું.

"મેં નાયાબનું ખૂન કર્યું નથી અને આવા બુદ્ધિ વગરના પ્રશ્નો આજ પછી મને પૂછતો નહિ અને આજે ખૂનીનું કોઇ પગેરું નહિ મળે તો મારા માથે લટકતી નાયાબના ખૂનની તલવાર ઇન્સ્પેક્ટર પરમસિંહ મારા માથે પાડશે જ. કારણકે જે લોકો ઉપર પોલીસને શંકા પડી શકે એવી હતી એ બધાં લોકો નિર્દોષ સાબિત થઇ રહ્યા છે. માટે મહેરબાની કરી આજે ચૂપચાપ આપણે પોલીસ સ્ટેશન પહોંચીએ એટલે મેં તને જે કામ સોંપ્યું છે તે પતાવી બને એટલો જલ્દી પોલીસ સ્ટેશન પાછો આવી જજે." હરમને ગાડી ચાલુ કરી જમાલને સમજાવતા કહ્યું હતું.

હરમને પોલીસ સ્ટેશન ઉતરી અને ગાડી જમાલને આપી દીધી હતી. જમાલ ગાડી લઇ હરમને સોંપેલું કામ પૂરું કરવા નીકળી ગયો હતો.

"આવ હરમન, હું તારી જ રાહ જોતો હતો. મેં વિચાર્યું કે તું આવે પછી આપણે સાથે ચા-નાસ્તો કરીએ." ઇન્સ્પેક્ટર પરમસિંહે ચા-નાસ્તો મંગાવતા હરમનને કહ્યું હતું.

"મને કેમ એવું લાગે છે કે આ કેસ હું ઉકેલી નથી શક્યો એટલે તમે મનોમન ખુશ થઇ રહ્યા છો." હરમને ઇન્સ્પેક્ટર સામે ત્રાંસી નજરે જોઇ કહ્યું હતું.

હરમનની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમસિંહ ખડખડાટ હસવા લાગ્યા હતાં.

હવાલદારે અંદર આવી રાજેશ ઝવેરી અને એના પત્ની સુજાતા ઝવેરી આવી ગયા છે એવી સૂચના ઇન્સ્પેક્ટર પરમસિંહને આપી હતી. પરમસિંહે બંન્નેને અંદર કેબીનમાં મોકલવા કહ્યું હતું.

રાજેશ ઝવેરી અને એમના પત્ની સુજાતા ઝવેરીએ ખુરશીમાં બેસતા બંન્ને સામે અકળામણ ભરેલી નજરથી જોયું હતું.

"ઇન્સ્પેક્ટર, તમે વારંવાર અમને પોલીસ સ્ટેશન બોલાવી રહ્યા છો એ સારું નથી કરી રહ્યા. અમારા જેવા શહેરના સન્માનિત નાગરિકોને તમે હેરાન કરી રહ્યા છો." સુજાતા ઝવેરીએ કહ્યું હતું.

"હા, હું પણ એ બાબતે ખૂબ જ દિલગીર છું પરંતુ આ છેલ્લીવાર આપને તકલીફ આપી રહ્યો છું અને આપ જેવા સન્માનિત નાગરિકો જો પોલીસને મદદ નહિ કરે તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અમને તકલીફ પડશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે અકળાયેલા ઝવેરી દંપતીને કુનેહથી જવાબ આપ્યો હતો અને હરમન સામે જોયું હતું.

"હા તો સુજાતાજી, હું તમારા લોકોનો વધારે ટાઇમ લઉં. મારે તમને થોડાંક પ્રશ્નો પૂછવા છે." હરમને સુજાતા ઝવેરી સામે જોઇ કહ્યું હતું.

"મને પૂછવું છે? તમારે મને શું પૂછવું છે? આ કેસ સાથે મારે કોઇ લેવાદેવા નથી." સુજાતા ઝવેરીએ અકળાઇને જવાબ આપ્યો હતો.

"આ કેસ સાથે તમારે લેવાદેવા ના હોય તો મારા સીધા અને સરળ પ્રશ્નોના જવાબ આપવામાં તમને વાંધો ના હોવો જોઇએ." હરમને શાંતિથી સુજાતા તરફ જોઇ કહ્યું હતું.

"હા પૂછો... મને યોગ્ય લાગશે તો હું જવાબ આપીશ." સુજાતાએ હરમનને ટેબલ પર મુઠ્ઠી પછાડી કહ્યું હતું.

"જે દિવસે નાયાબ માકડનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં અને તમે નાયાબ માકડને પહેલા મળેલા છો ખરા?" હરમને સુજાતાને પોતાના મોબાઇલમાં જોતાં જોતાં પૂછ્યું હતું.

"જે દિવસે નાયાબનું ખૂન થયું એ દિવસે મારા પતિ રાજેશ ઝવેરી એમના મિત્રના ફાર્મ હાઉસ પર ગયા હતાં અને હું મારી બહેનપણી નીતા શાહના ત્યાં રાત્રિ રોકાણ માટે ગઇ હતી અને નાયાબને હું ક્યારેય પણ મળી નથી. હા એક-બે વાર રાજેશને એની સાથે ફોન ઉપર વાત કરતા સાંભળ્યો ચોક્કસ છે." સુજાતાએ હરમનને કહ્યું હતું.

"છેલ્લાં એક વર્ષમાં તમે હાઇકોર્ટની પ્રેક્ટિસ છોડી દીધી છે એવું મને તપાસ કરતા ખબર પડી છે. એનું કારણ હું જાણી શકું?" હરમને ફરીવાર પોતાના મોબાઇલમાં જોતાં જોતાં જ સુજાતાને પ્રશ્ન પૂછ્યો હતો.

"આ મારી પર્સનલ બાબત છે. આ સવાલનો આ કેસ સાથે કોઇ લેવાદેવા છે નહિ માટે આ સવાલનો હું જવાબ નહિ આપું." સુજાતાએ શાંતિથી જવાબ આપ્યો હતો.

"તમારા પતિ રાજેશ ઝવેરીને નાયાબ બ્લેકમેલ કરી રહ્યો છે એની તમને ખબર હતી ખરી?" હરમને મોબાઇલ બાજુમાં મુકી સુજાતા સામે જોઇ પૂછ્યું હતું.

"ના, મને ખબર ન હતી. મને પણ તે દિવસે પોલીસ સ્ટેશનમાં જ ખબર પડી હતી." સુજાતાએ આંખ બંધ કરી હરમનને જવાબ આપતા કહ્યું હતું અને પાકીટમાંથી એક દવાની ગોળી કાઢી મોંમાં મુકી હતી.

જમાલ બરાબર એ જ વખતે કેબીનમાં દાખલ થયો અને એણે હરમનને ઇશારો કરી બહાર બોલાવ્યો હતો. હરમન ઊભો થઇ કેબીનની બહાર ગયો હતો અને થોડીવારમાં પાછો આવ્યો હતો.

"સુજાતાજી, હવે છેલ્લો સવાલ હું આપને પૂછી રહ્યો છું. જેનો જવાબ તમે સાચો આપો એવી આશા રાખું છું." હરમને સુજાતાને કહ્યું હતું.

"હા પૂછો..." સુજાતાએ પણ શાંતિથી જવાબ આપ્યો હતો.

"તમે નાયાબ માકડનું ખૂન કેમ કર્યું અને કઇ રીતે કર્યું?" હરમનના સવાલથી બધાં જ ચોંકી ગયા હતાં.

"ઇન્સ્પેક્ટર પરમસિંહ, આ માણસ મારા પર ખોટો આરોપ લગાડી રહ્યો છે. મેં નાયાબનું ખૂન કર્યું નથી." આટલું બોલી સુજાતા ઝવેરી પોતાની ખુરશીમાંથી ઊભી થઇ ગઇ હતી.

"જુઓ સુજાતાજી, તમે બેસી જાઓ અને પોલીસ સ્ટેશનમાંથી તમે બહાર નહિ જઇ શકો. હું હમણાં જ સાબિત કરી આપું છું કે નાયાબ માકડનું ખૂન તમે કર્યું છે." હરમને સુજાતાને ગુસ્સાથી કહ્યું હતું.

રાજેશ ઝવેરીની આંખો પહોળી થઇ ગઇ હતી પરંતુ કશું બોલ્યા વગર એ ખુરશીમાં બેસી રહ્યો હતો.

"વાત એવી બની હશે સુજાતાજી કે તમારા કહેવાથી વીસ કરોડના હીરા તમારા પતિ રાજેશ ઝવેરીએ પોતાની પાર્ટનરશીપ ફર્મમાંથી ચોર્યા હતાં. રાજેશ ઝવેરીને નાયાબ બ્લેકમેલ કરી રહ્યો છે એ પણ તમને ખબર પડી ગઇ હતી. તમને આ વાત જીતેશે કહી હતી. જીતેશ અને તમે બંન્ને મળેલા છો. હવે સવાલ એ થાય છે કે નાયાબને વીસ કરોડના હીરા રાજેશ ઝવેરીએ જ ચોર્યા છે એ કઇ રીતે ખબર પડી? કારણકે રાજેશ ઝવેરીએ ગઇ વખતે પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે આ વાત જીતેશે નાયાબને કહી હતી. પરંતુ જીતેશ તો તમારી સાથે આ કાવતરામાં સામેલ હતો એટલે જીતેશ તો કોઇપણ સંજોગોમાં લાખ રૂપિયા માટે ફૂટી શકે એવો હતો નહિ. નાયાબને આ વાતની ખબર તમારા ઓફિસના પટાવાળા ચમનસિંહ પાસેથી પડી હતી. હવે જે દિવસે રાજેશ ઝવેરી એમના મિત્રના ફાર્મ હાઉસ ઉપર ગયા હતાં એ દિવસે જીતેશ એનો વેશ બદલી મોઢા પર દાઢી લગાડી એક કેસ આપવા બાબતે નાયાબને બીજીવાર મળવા ગયો હતો. આવો જ વેશ ધારણ કરી એ એકવાર પહેલા પણ નાયાબને મળી ચૂક્યો હતો. લગભગ સાડાસાત વાગે તમે નીતા શાહના ઘરેથી જીતેશ સાથે નાયાબના ઘરે પહોંચ્યા હતાં. જીતેશ નાયાબ માટે દારૂની બોટલ લઇ ગયો હતો. જીતેશ પોણાઆઠ વાગે નાયાબના ઘરમાં દાખલ થયો અને તમે બહાર ગાડીમાં બેસી રહ્યા હતાં. જીતેશે તમને મેસેજ કર્યો All clear એટલે તમે ગાડીમાંથી ઉતરી સવાનવ વાગે નાયાબના ઘરમાં દાખલ થયા હતાં. દારૂના નશામાં નાયાબ અર્ધબેભાન અવસ્થામાં થઇ ગયો હતો. તમે તમારા ઘરમાંથી કપડાં સૂકવવાની દોરી કપડાંના સ્ટેન્ડ ઉપરથી કાપીને લઇ ગયા હતાં. તમે જીતેશને હાથમાં પહેરવાના મોજા આપ્યા અને દોરી આપી અને જીતેશે એ દોરી નાયાબના ગળામાં ભરાવી નાયાબનું ગળું દબાવી દીધું હતું. એ વખતે તમે એના પગ પકડી રાખ્યા હતાં. નાયાબનું ખૂન કરી તમે અને જીતેશ નીકળી ગયા હતાં અને પાછા જીતેશના ઘરે એટલેકે જીતેશની પત્ની અને તમારી બહેનપણી નીતા શાહના ઘરે પાછા જતાં રહ્યા હતાં અને દસ વાગે તમે ફેસબુક ઉપર તમારા ત્રણેનો ફોટો શેર કર્યો હતો. જેથી તમે નાયાબના ખૂનના દિવસે નીતા અને જીતેશના ઘરે હતાં એ વાતની સાબિતી રહે. પોલીસ સ્ટેશનમાં પહેલા જ દિવસે રાજેશ ઝવેરીએ શંકાની સોય જીતેશ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તમે એ વખતે તમારા પતિનો હાથ દબાવી ચૂપ રહેવા કહ્યું હતું. હવે આ જે વાત મેં કહી એના પુરાવાની વાત ઉપર આવીએ." આટલું બોલી હરમન ઊભો રહ્યો હતો અને એના મોબાઇલમાં વોટ્સએપ ખોલી જમાલે મોકલેલા ફોટા ઇન્સ્પેક્ટર પરમસિંહને બતાવવા લાગ્યો હતો.

"રાજેશ ઝવેરીના ઘરમાં કપડાં જ્યાં સૂકવવામાં આવે છે ત્યાંથી દોરી કાપવામાં આવી છે એનો આ ફોટો છે. દોરી ઉપરની ફીંગરપ્રિન્ટની તપાસ કરવામાં આવશે તો ચોક્કસ એના ઉપરથી સુજાતા ઝવેરીના ફીંગરપ્રિન્ટ મળી જશે. સોનાની લકી કોની છે એ પ્રશ્ન આપણને પહેલેથી મૂંઝવતો હતો. સોનાની લકી જીતેશની છે. નાયાબનું ખૂન કરતી વખતે નાયાબ જ્યારે એના બે હાથ પકડવાની કોશિષ કરતો હતો ત્યારે જીતેશના હાથમાંથી નીકળીને જમીન ઉપર પડી ગઇ હતી. જીતેશના ફેસબુકના ફોટોગ્રાફમાં એણે હાથમાં પહેરેલી આ સોનાની લકી એ પોલીસને મળેલી જ સોનાની લકી છે એવું સાબિત થાય છે. સુરેશ પટેલના બયાન પ્રમાણે સુજાતા ઝવેરીએ જ એમને ફોન કરી નાયાબનું ખૂન એમણે જે દિવસે કરવાનું હતું એ દિવસે રાજેશ ઝવેરીને એમના ફાર્મહાઉસ ઉપર બોલાવવાનું કહ્યું હતું જેથી સુજાતા આ કામ જીતેશ સાથે મળી સરળતાથી કરી શકે અને હા મી. રાજેશ ઝવેરી તમને ફસાવવા માટે તમારી ડાયમંડની લકી સુજાતા ઝવેરીએ લાશ પાસે મુકી દીધી હતી. પરંતુ તમારા સારા નસીબે તમારી એ કિંમતી ડાયમંડની લકી નાયાબના નોકરે લાલચમાં આવીને ચોરી લીધી હતી જે એના ઘરની તપાસ કરતા મારા સહયોગી જમાલને આજે મળી ગઇ છે. જીતેશ અને તમારી પત્ની તમને નાયાબના ખૂનના કેસમાં ફસાવવા માંગતા હતાં. ઇન્સ્પેક્ટર પરમસિંહ સુજાતા ઝવેરી અને જીતેશ શાહને તમે નાયાબના ખૂન કેસમાં ગીરફ્તાર કરી શકો છો." હરમને પોતાની વાત પૂરી કરી પાણી પીતા પીતા કહ્યું હતું.

સુજાતા ઝવેરી પાસે બોલવાનો કોઇ વિકલ્પ રહ્યો ન હતો. જીતેશ ક્યાં છુપાયો છે એનું સરનામું સુજાતાએ આપી દીધું હતું અને બે હાથ જોડી રાજેશની માફી માંગવા લાગી હતી પરંતુ રાજેશ ઝવેરી પોલીસ સ્ટેશન છોડી નીકળી ગયો હતો.

"વાહ હરમન, તને કઇ રીતે ખબર પડી કે સુજાતા ઝવેરી ખૂની હોઇ શકે?" ઇન્સ્પેક્ટર પરમસિંહે સુજાતા ઝવેરીને ગીરફ્તાર કરવાની બધી કાર્યવાહી પૂરી કરી હરમનને પૂછ્યું હતું.

"પહેલા જ દિવસથી મને શક હતો કે કપડાં સૂકવવાની દોરીથી ગળું દબાવીને ખૂન કરવાનો વિચાર કોઇ પૂરૂષ કરતા વધારે કોઇ સ્ત્રીને આવી શકે. રાજેશ ઝવેરીના ફેસબુકને જોતી વખતે મારું ધ્યાન સુજાતા ઝવેરીના ફેસબુકમાં ગયું હતું. એમાં મેં જીતેશના હાથમાં સોનાની લકી વાળો ફોટો જોયો હતો. ત્યારબાદ સુજાતા ઝવેરીએ હાઇકોર્ટની પ્રેક્ટિસ કેમ બંધ કરી દીધી એ વાતનો જવાબ મને રાજેશ ઝવેરીના પટાવાળા ચમનસિંહે આપ્યો હતો કે એક વર્ષથી સુજાતા અમારી ઓફિસના સ્ટાફ જીતેશ સાથે વધારે પડતી હળેમળે છે અને એમનું ધ્યાન કામમાં નથી. સુજાતા ઝવેરી અને જીતેશ આ ડાયમંડ લઇ ભારત છોડી કોઇ બીજી જગ્યાએ જતા રહેવા માંગતા હતાં એવું મને લાગ્યું હતું અને એટલે જ સુજાતા ઝવેરીએ નાયાબનું ખૂન કરી રાજેશ ઝવેરીને એમાં ફસાઇ દેવા માંગતી હતી. જેથી વીસ કરોડના હીરાનું રહસ્ય પણ ગુપ્ત રહે અને રાજેશ ઝવેરી પોલીસ કસ્ટડીમાં હોય એટલે એ નિરાંતે એની જિંદગી જીવી શકે. પરંતુ સુજાતા ઝવેરીને આ આખો પ્લાન બનાવતી વખતે એ વાતની ખબર ન હતી કે રાજેશ ઝવેરીના કહેવાથી એમની ઓફિસનો પટાવાળો ચમનસિંહ સુજાતા ઉપર હંમેશા નજર રાખતો હતો અને સુજાતાનો પીછો પણ કરતો હતો. સુજાતા ક્યાં જાય છે, કોને મળે છે એ બધી માહિતી એ રાજેશ ઝવેરીને આપતો હતો અને એટલે જ રાજેશ ઝવેરી આ ખૂન કેસમાં જીતેશને ફસાવા માંગતા હતાં પરંતુ રાજેશ ઝવેરીને એ ખબર ન હતી કે જીતેશે જ ખરેખર નાયાબનું ખૂન કર્યું છે. નાયાબનું ખૂન થવાનું તો નક્કી હતું, જો સુજાતા અને જીતેશે ના કર્યું હોત તો બીજે દિવસે વિજય પંડિત અથવા તો નાયાબથી દુઃખી થયેલું કોઇપણ વ્યક્તિ કરી નાંખત અને હા ચમનસિંહ સરકારી ગવાહ બનવા માટે તૈયાર થઇ ગયો છે. જેથી આ કેસ પોલીસ માટે સરળ બની જશે. જીતેશ અને સુજાતા પણ ગુનો કબુલ કરી લેશે એવું મને લાગે છે." હરમને પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

"સાલા જીવનના પણ કેટલા રંગ છે? આ જિંદગી આપણને રોજ કંઇક ને કંઇક નવું અને અજીબ શીખવાડી જાય છે. જાણે કે આપણે આ જીવન હજાર વર્ષ જીવવાનું ના હોય." ઇન્સ્પેક્ટર પરમસિંહે ફીલોસોફરની જેમ વાત કરતા કહ્યું હતું.

હરમન અને જમાલ ઇન્સ્પેક્ટર પરમસિંહની વાત સાંભળી હસી પડ્યા હતાં.

સંપૂર્ણ...

(વાચકમિત્રો, જાસૂસનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો...)

- ૐ ગુરુ