જાસૂસનું ખૂન - ભાગ 1 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાસૂસનું ખૂન - ભાગ 1

જાસૂસનું ખૂન

ભાગ-1

જાસૂસનો ખૂની જાસૂસ?




ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન.


અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના છેલ્લા પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ સમાચાર વાંચી હાંફળોફાંફળો થઇ અને હરમન પાસે પહોંચ્યો હતો. હરમન ઓફિસમાં બેસી નાયાબ માકડના ખૂન વિશેની વાત જ છાપામાં વાંચી રહ્યો હતો. હરમનને છાપું વાંચતો જોઇ જમાલ ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો.

"નાયાબ માકડ મરી ગયો અને આપણે બંન્ને ફસાઇ ગયા. લેવાદેવા વગર કોર્ટમાં કાલે એની જોડે બબાલ થઇ હતી. કોર્ટમાં લગાડેલા સીસીટીવીમાં તમારા અને નાયાબના ઝઘડાનું રેકોર્ડીંગ પણ હશે જ અને ત્યાં પચાસ જણા સાક્ષી પણ હતાં કે જેમણે તમારા બંન્નેનો ઝઘડો જોયો અને સાંભળ્યો હતો. કાલે તમે આખો દિવસ ઘરે હતાં અને હું મારા ઘરે હતો. આપણા બંન્ને પાસે કોઇપણ સાક્ષી નથી કે આપણે બંન્ને પોતપોતાના ઘરે હતાં. મને લાગે છે કારણ વગર આ કેસમાં તમારી ફસામણી થઇ જશે." જમાલે પરસેવો લૂછતાં લૂછતાં હરમનને કહ્યું હતું.

હરમનના મુખ પર પણ ચિંતાઓના વાદળો ઘેરાયેલા હતાં.

"નાયાબનું ખૂન આપણે બંન્નેએ તો કર્યું નથી. આપણે કોર્ટમાં ઝઘડો નાયાબ જોડે રાજેશ ઝવેરી બાબતે થયો હતો. નાયાબ આપણા મહત્વના અને મોટા અસીલ રાજેશ ઝેવેરીને સમજાવી પટાવીને પોતાની પાસે લઇ ગયો હતો અને એ બાબતે આપણે બોલવાનું થયું હતું અને એ વાત પણ સીસીટીવીમાં રેકોર્ડ હશે. આપણે નાયાબનું ખૂન કરીએ એની પાછળ આપણી પાસે કોઇ હેતુ નથી. માટે આપણે ચિંતા કરવાની કોઇ જરૂર નથી." હરમન પોતાને સાંત્વના આપતો હતો કે જમાલને એ જમાલ નક્કી કરી શક્યો નહોતો.

"બોસ, લાગે છે એટલી વાત સીધી નથી. રાજેશ ઝવેરી જેવા ડાયમંડના મોટા વેપારીનો કેસ તમારા હાથમાંથી એ લઇ ગયો હતો. આપણે કેસ ઉકેલવાની અણી પર હતાં અને રાજેશ ઝવેરીએ નાયાબને આ કેસ આપી દીધો. આપણું પેમેન્ટ પણ રાજેશભાઇએ ક્લીયર કર્યું નહિ અને રાજેશ ઝવેરી જેવા મોટા માથાએ આપણને પૈસા આપ્યા નહિ છતાંય આપણે ચૂપચાપ કશું કહ્યા વગર એમના શો-રૂમમાંથી નીકળી ગયા હતાં અને આ ઘટના અઠવાડિયાની અંદર જ બધી થઇ છે. પોલીસ સીધી તમને જ પકડશે." જમાલે એક પછી એક મુદ્દા ઉખેડતા કહ્યું હતું.

"તું ખોટું મને ગભરાવાનું કામ ના કર. આપણે ખૂન નથી કર્યું એ આપણે ક્લીયર છીએ. જમાલ તો પછી વિચાર કે નાયાબ માકડ જેવા ડીટેક્ટીવનું ખૂન કોણ કરી શકે અને કેમ કરે? તું મારું જ વિચાર કે કોઇ મારું ખૂન કેમ કરે?" જમાલને સવાલ પૂછતા પૂછતા હરમન પોતે જ જવાબ સમજી ગયો હતો.

"હા, સમજણ પડી ગઇ. આપણે જે લોકોને જેલમાં નખાવ્યા હોય અથવા તો સાચા ખૂનીઓને અને સાચા ચોરોને પકડાવ્યા હોય એ લોકો આપણા દુશ્મન બને એવી જ રીતે નાયાબ માકડના પણ દુશ્મનો હોય અને એમાંથી જ કોઇ દુશ્મને નાયાબ માકડનું ખૂન કર્યું છે." હરમને ખુરશીમાં બેસતા-બેસતા કહ્યું હતું.

"બોસ, નાયાબના દુશ્મનોમાં પોલીસની દૃષ્ટિએ આપણે અત્યારે નંબર વન પર છીએ. માટે પોલીસ સૌથી પહેલા પૂછપરછ આપણાથી શરૂ કરશે. માટે શ્રીગણેશ આપણાથી થશે એટલે નાયબ માકડનું ખૂન થયું ત્યારે હું મારા ઘરે શું કરતો હતો એ વાત ડાયરીમાં લખી રાખું છું અને તમે બોલો કે એ દિવસે તમે ઘરમાં રહીને શું શું કર્યું હતું અને તમે ઘરમાં હતાં એનું કોઇ સાક્ષી છે ખરું? તો મને લખાવી દો." જમાલે ડાયરી કાઢીને હરમનને પૂછ્યું હતું.

"સાલા, તું મારી જ પૂછપરછ કરી રહ્યો છે. હજી તો પોલીસ આવી નથી એ પહેલા તું મને પોલીસનો ડર બતાવી રહ્યો છે." હરમને જમાલને ખખડાવતા કહ્યું હતું.

"બોસ, ચેતતો નર સદા સુખી એમ જાગતો જાસૂસ સદા સુખી. પહેલેથી જાગી જઇશું તો વાંધો નહિ આવે બાકી નાયાબ માકડના કેસમાં ભલભલાના નામ આવશે એમાં કોઇ શંકા નથી અને નાયાબના દુશ્મનોનું લીસ્ટ પણ મોટું હશે. આ કેસ વિવાદો પણ ઊભા કરશે અને પોલીસ ઉપર આ કેસ ઝડપથી ઉકેલવાનું પણ દબાણ હશે અને વધુમાં માહિતી એ છે કે નાયાબનું ખૂન એના જ બંગલામાં થયું છે. નાયાબ પાલડી વિસ્તારમાં રહે છે અને એના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન લાગે છે એ પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ છે, પરમસિંહ દેસાઇ અને પરમસિંહ દેસાઇને તમારી સાથે કેટલું ખુન્નસ છે એ તો અમદાવાદના દરેક પોલીસવાળાઓને ખબર છે." જમાલે એની વાતનો પટારો પૂરો ખોલી નાંખતા કહ્યું હતું.

"પરમસિંહ દેસાઇ? પરંતુ એમની બદલી તો રાજકોટ થવાની હતીને?" હરમનના કપાળ પર પરસેવો બાઝી ગયો હતો.

"બદલી થવાની હતી પરંતુ થઇ નથી. તમે પંદર દિવસ પહેલા અઠવાડિયા માટે બહારગામ ગયા હતાં એ વખતે એની બદલી રોકાઇ ગઇ હતી અને તમે આવ્યા પછી આપણે રાજેશ ઝવેરીના કેસની તપાસમાં લાગી ગયા હતાં. એટલે આ વાત તમને કહેવાનું મને યાદ આવ્યું ન હતું અને જ્યારે આપણે નાયાબ જોડે બબાલ થઇ કોર્ટમાં એના પછીના દિવસે જ એનું ખૂન થઇ ગયું છે. ખૂનના આગલા દિવસે એની સાથે બબાલ થઇ અને કાલે એનું ખૂન થઇ ગયું છે. પરમસિંહ દેસાઇ સૌથી પહેલા આપણને બંન્નેને પોલીસ સ્ટેશન બોલાવશે. મારી આ વાત લખી રાખો." જમાલે હરમનને કહ્યું હતું.

"પરમસિંહ દેસાઇ બોલાવશે તો બોલાવશે. આપણે જઇને આપણી જુબાની આપી દઇશું. એમાં કંઇ બહુ વિચારવાની જરૂર નથી અને એક જ પ્રોફેશનમાં રહેલા બે માણસોને એકબીજા સાથે અનાયાસે પણ પ્રોફેશનલી દુશ્મની હોય પણ એનો મતલબ એવો તો નથી કે આપણે ખૂની છીએ. તું ચિંતા છોડ. રાજેશ ઝવેરીનો કેસ તો આપણા હાથમાંથી ગયો હવે નવો કોઇ કેસ મેળવવો પડશે." હરમને પોતાની જાતને સ્થિર કરતા કહ્યું હતું.

હરમન ઊભો થઇ ઓફિસની બહાર નીકળતો હતો એવામાં જ એનો મોબાઇલ રણક્યો હતો. મોબાઇલ ઉપર અજાણ્યો નંબર હતો. હરમને મોબાઇલ ઉપાડ્યો હતો.

"હલો, હું ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇ બોલું છું. તમે જાણતા જ હશો કે ડીટેક્ટીવ નાયબ માકડનું ખૂન થઇ ગયું છે. એ કેસની તપાસ મારા હાથમાં હોવાથી મારે તમને કેટલાંક સવાલો પૂછવા છે માટે તમે દસ વાગે પોલીસ સ્ટેશને આવી જજો." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇએ ફોન મુકી દીધો હતો.

"જોયું, શેતાનનું નામ લીધું ને શેતાન હાજીર થઇ ગયો. પરમસિંહ તો આમ પણ આપણો કોઇને કોઇ નેગેટીવ પોઇન્ટ શોધતો જ રહેતો હતો. એમાં સાલાને આ મુદ્દો સીધો સ્લીપમાં કેચની જેમ મળી ગયો. હવે એ દરેક બોલે છગ્ગા મારશે. આ વાત લખી લો." જમાલે હરમનને કહ્યું હતું.

"ચાલ એક કામ કર, હું તૈયાર થઇ જઉં છું. તૈયાર થઇને પછી પોલીસ સ્ટેશન જવા નીકળીએ." હરમને જમાલને કહ્યું હતું.

"આ પરમસિંહ તો કુંડળીમાં રાહુની જેમ આવી ગયો. હવે જ્યાં સુધી આ કેસ પતશે નહિ ત્યાં સુધી એ મને જીવવા દેશે નહિ એ તો નક્કી જ છે." હરમને નિસાસો નાંખતા કહ્યું હતું.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ડીટેક્ટીવનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ