જાસૂસનું ખૂન - ભાગ 3 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાસૂસનું ખૂન - ભાગ 3

જાસૂસનું ખૂન

ભાગ-3

બ્લેકમેલર


પોલીસ સ્ટેશનમાં પહોંચી ઇન્સ્પેક્ટર પરમસિંહ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક લેબનો રીપોર્ટ વાંચવા લાગ્યા હતાં.

"મારી શંકા સાચી નીકળી, હરમન. નાયાબ માકડનું ખૂન પ્લાસ્ટીકની પાતળી દોરીથી કરવામાં આવ્યું છે. આ પ્લાસ્ટીકની દોરી કપડાં સૂકવવામાં કે ગાંસડી બાંધવામાં વપરાતી હોય તેવી દોરી છે. ફોરેન્સીક લેબના રીપોર્ટ પ્રમાણે દોરી ઉપર કપડાં ધોવાના વોશીંગ પાવડરના કેટલાંક પાર્ટીકલ્સ મળ્યા છે. જેના પરથી એ વાત સાબિત થાય છે કે જે દોરી પર કપડાં સૂકવવામાં આવતા હશે એ દોરીનો ઉપયોગ કરી નાયાબ માકડને મારી નાંખવામાં આવ્યો છે. સીગરેટના ટુકડા ઉપર મળેલા ફીન્ગર પ્રિન્ટ પોલીસના રેકોર્ડમાં નથી માટે જેનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ ના હોય એવો વ્યક્તિ કાતિલ હશે. કોઇ ક્રિમિનલે ખૂન કર્યું હોય એવું લાગતું નથી. હોમીયોપેથીકની દવાની શીશી જે મળી હતી એ દવા કોઇ ડીપ્રેશનના વ્યક્તિને ડીપ્રેશનમાંથી બહાર લાવવા માટે વપરાતી હોય એની હતી. સોનાની જે લકી હતી એ લકી ઉપર અને ગોળાકાર કીચેઇન ઉપર મળેલા ફીંગર પ્રિન્ટ પોલીસ રેકોર્ડમાં મળ્યા નથી. ટૂંકમાં કહું તો પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીકના રીપોર્ટ ઉપરથી આપણને કશું જાણવા મળ્યું નથી. આપણે ફરી પાછા શૂન્યથી શરૂ કરવું પડશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે માથે હાથ મુકતા કહ્યું હતું.

"આખો કેસ ઝડપથી ઉકેલાઇ જાય એવા આ રીપોર્ટ છે." હરમને ચા પીતા પીતા ઇન્સ્પેક્ટર પરમસિંહને કહ્યું હતું.

હરમનની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ બંન્ને ચમક્યા હતાં.

"ભાઇ હરમન, તને એવું તો શું દેખાયું કે સમજાયું જે વાત અમે નથી સમજી શક્યા?" ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને અકળાઇને પૂછ્યું હતું.

હરમને ઇન્સ્પેક્ટરની અકળામણને અવગણી પોતાની વાત ચાલુ કરી હતી.

"સૌથી પહેલી વાત, ખૂન કરનાર વ્યક્તિ નાયાબ માકડ કરતા વધારે મજબૂત હશે કારણકે નાયાબ નેવું કિલોથી વધુ વજન ધરાવનાર અને છ ફૂટવાળો હતો. એ શરાબના નશામાં પણ હોય તો પણ એને મારવા માટે એનાથી કોઇ મજબૂત માણસ જ એની પાછળ ઊભો રહી એના ગળામાં આ દોરી જોરથી ભરાવી લગભગ બે મિનિટ સુધી ખેંચી રાખી શકે એવો જ હોવો જોઇએ તો જ નાયાબનું ખૂન કરવું શક્ય બન્યું હોય કારણકે નાયાબ બચવા માટે હવાતિયા મારતો હોય ત્યારે એણે પોતાનું બધું જ જોર લગાવ્યું હોય અને ખૂની છતાં એને મારી શક્યો એટલો એ મજબૂત હતો. બીજો મુદ્દો, કાતિલ ખૂન કરવા દોરી લઇને આવ્યો હતો અને ખૂન કરી દોરી સાથે જ લઇ ગયો હોવો જોઇએ કારણકે ઘટનાસ્થળ ઉપરથી દોરી પોલીસને મળી નથી. ત્રીજો મુદ્દો, સીગરેટ નાયાબ પીતો ન હતો માટે જે માણસે નાયાબનું ખૂન કર્યું હોય એણે સીગરેટ નાયાબનું ખૂન કરતા પહેલા પીધી હશે અને એ જ્યારે નાયાબનું દોરીથી ગળું દબાવતો હશે ત્યારે સોનાની લકી એની નીચે પડી ગઇ હશે અને નાયાબ એને ચોક્કસ જાણતો હશે. એટલે જ એને ઘરમાં બોલાવ્યો હશે." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.

"તારી થીયરી તો અમે સમજી ગયા પરંતુ કોઇના ઉપર શંકા પણ હોવી જોઇએને? જેથી પૂછપરછ આગળ વધારી આપણે કાતિલ સુધી પહોંચી શકીએ." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને મુદ્દાનો સવાલ પૂછ્યો હતો.

"તમારી પાસે ચાર જણા છે, જેના પર તમે શંકા કરી શકો." હરમને હસતાં હસતાં ઇન્સ્પેક્ટર પરમસિંહને કહ્યું હતું.

"ચાર જણા? કયા ચાર જણા? હું કંઇ સમજ્યો નહિ." ઇન્સ્પેક્ટર પરમસિંહે માથું ખંજવાળતા કહ્યું હતું.

હરમને ટેબલ ઉપર પડેલી ડાયરી ખોલી અને ચાર જણના નામ બતાવ્યા હતાં.

"આ ચાર જણમાંથી કોઇપણ એક નાયાબ માકડનો ખૂની છે અથવા તો એના ખૂન વિશે જાણે છે અને આ ચારેમાંથી કોઇ એક જણ એવું છે કે જે ડીપ્રેશનમાં છે અને હોમીયોપેથીની દવા લઇ રહ્યું છે." હરમન રહસ્ય ખોલી રહ્યો હોય એવી રીતે કહ્યું હતું.

"ડાયરીમાં ચાર જણના નામ લખ્યા છે અને એ લોકો પાસેથી મળેલી ફી લખેલી છે અને એની બરાબર સામે મોબાઇલ નંબર લખેલા છે. આ લોકો નાયાબ માકડના ક્લાયન્ટ છે અને નાયાબને કન્સલ્ટીંગ ફી આપી છે એ રકમની નોંધ નાયાબે ડાયરીમાં કરી છે. તું અંધારામાં ગોળીબાર કરે છે હરમન." ઇન્સ્પેક્ટરે સીગરેટ સળગાવતા કહ્યું હતું.

"મારો ગોળીબાર બરાબર દિશામાં જઇ રહ્યો છે. આ રકમ ફી પેટે મળેલી રકમ નથી પરંતુ આ ડાયરી આખી જોશો તો ખબર પડશે કે દર મહિને આ ચાર જણા છેલ્લા ત્રણ મહિનાથી નાયાબને ફીક્સ આ તારીખે આટલી રકમ આપી જતા હતાં. હકીકતમાં રકમ મોટી છે. દાખલા તરીકે રાજેશ ઝવેરીના નામની બાજુમાં 10,000 લખ્યા છે. પરંતુ એ એક લાખ છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજેશ ઝવેરી એક લાખ રૂપિયા દર મહિને નાયાબને આપતા હતાં. રાજેશ ઝવેરીનો એ વખતે મારી પાસે કેસ હતો અને મને શંકા પડી હતી કે રાજેશ ઝવેરીને કોઇ બ્લેકમેલ કરી રહ્યું છે અને જે દિવસે મેં આ સવાલ પૂછ્યો એના બે દિવસ પછી રાજેશ ઝવેરીએ મારી પાસેથી એમનો કેસ પાછો લઇ લીધો અને નાયાબને આપી દીધો હતો. આ વાત ઉપરથી એવું સાબિત થાય છે કે નાયાબ માકડ રાજેશ ઝવેરી અને બીજા ત્રણ જણને એમનું કોઇ રહસ્ય છૂપાવવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો અને એ બ્લેકમેલના બદલામાં એ લોકો પાસેથી નાયાબ રૂપિયા પડાવી રહ્યો હતો. આ ચારે જણ પાસે નાયાબને મારવાનો ચોક્ક્સ હેતુ છે. માટે સૌથી પહેલી શંકા આ ચાર જણ ઉપર જ મને જાય છે અને આપણે પૂછપરછ પણ આ ચાર જણથી શરૂ કરવી જોઇએ." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને સ્પષ્ટતા કરતા કહ્યું હતું.

"હવે મને સમજાયું બોસ. નાયાબ આપણા કરતા પાંચ ગણા રૂપિયા કેમ કમાતો હતો. મારો બેટો બ્લેકમેલર નીકળ્યો." જમાલે હરમન સામે જોઇ કહ્યું હતું.

હરમને જમાલે કરેલા બફાટના કારણે એની સામે ગુસ્સાથી જોયું હતું.

જમાલે હરમનની આવક ઓછી છે એવું કહ્યું એ હરમનને ગમ્યું ન હતું.

"ઇન્સ્પેક્ટર આપણે આ ચારે જણને વારાફરતી પોલીસ સ્ટેશન બોલાવી એમની પૂછપરછ કરીએ તો ચોક્કસ આ કેસમાં આપણને નવી માહિતી મળશે અને કદાચ એ માહિતીના આધાર પરથી આપણને ખૂની પણ મળી જાય." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને કહ્યું હતું.

હરમને ફોરેન્સીક લેબમાંથી બધાં પુરાવા સીગરેટનો ટુકડો, સોનાની લકી, હોમીયોપેથીક દવા અને એક ગોળાકાર બંધ કીચેઇન મંગાવવાનું કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમસિંહે ફોરેન્સીક લેબમાં ફોન કરી બધી જ વસ્તુઓ પોલીસ સ્ટેશન મંગાવી લીધી હતી.

"સૌથી પહેલા રાજેશ ઝવેરીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવીએ. આપનું શું માનવું છે, ઇન્સ્પેક્ટર સાહેબ." હરમન બોલ્યો હતો.

"હા, શરૂઆત એમનાથી જ કરીએ. એમ બોલી ઇન્સ્પેક્ટર પરમસિંહે રાજેશ ઝવેરીને ડાયરીમાં લખેલા નંબર પર ફોન કર્યો હતો અને રાજેશ ઝવેરીને બીજા દિવસે દસ વાગે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતાં. ત્યારબાદ બીજો ફોન મીતા પંડિતને કર્યો હતો અને એને બપોરે બે વાગે પોલીસ સ્ટેશન બોલાવી હતી. ત્યારબાદ ત્રીજો ફોન દિવ્યેશ મહેતાને કરી બપોરે ચાર વાગે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને સુનીલ અગ્રવાલને ફોન કરીને પાંચ વાગે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો." ચારેયને ફોન કર્યા બાદ ઇન્સ્પેક્ટરે ચા મંગાવી હતી.

"ચારે જણને કાલે એટલા માટે બોલાવી લીધા કે જેથી આપણને ચારેયનો જવાબ કાલના દિવસમાં મળી જાય. કોઇની પાસે કંઇપણ માહિતી હોય તો કેસ ઝડપથી આગળ વધે. બધાં ફોન ઉપર પોલીસ સ્ટેશને આવવાની વાત સાંભળી અવાજ ઉપરથી અપસેટ લાગતા હતાં. નાયાબ માકડ જો બ્લેકમેલર હોય તો આ ચાર જણનું એવું તો કયું રહસ્ય એ જાણતો હશે જેના માટે આ ચારે જણા એને આટલી મોટી રકમ આપી રહ્યા હતાં." ઇન્સ્પેક્ટર પરમસિંહ માથું ખંજવાળતા બોલ્યા હતાં.

"ગરીબથી લઇ અમીર દરેક માણસના જીવનમાં કોઇ ને કોઇ બાબત એવી હોય છે કે જે એ બીજાથી હંમેશા છુપાવવા માંગતો હોય અને એ વાત જ એમની નબળી નસ બનતી હોય છે. નાયાબ કોર્ટમાં મારા પર એટલે જ ગુસ્સે થયો હતો કે રાજેશ ઝવેરીને કોઇ બ્લેકમેલ કરી રહ્યું છે એ વાતની માહિતી મેં શોધી કાઢી હતી અને એટલે જ એ કોર્ટમાં મારી જોડે ગુસ્સામાં આવી ઝઘડવા લાગ્યો હતો. હવે મને મારી સાથે એણે ઝઘડો કર્યો એનું કારણ સમજાઇ રહ્યું છે. તો ચાલો કાલે સવારે સાડા નવ વાગે હું પોલીસ સ્ટેશન આવી જઇશ." આટલું બોલી હરમન અને જમાલ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતાં.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ડીટેક્ટીવનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ