જાસૂસનું ખૂન - ભાગ 5 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાસૂસનું ખૂન - ભાગ 5

જાસૂસનું ખૂન

ભાગ-5

ગૂઢ રહસ્ય


હરમને ચપ્પુની મદદથી ગોળાકાર કિચેઇનને ખોલી નાંખ્યું ત્યારે ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ બંન્ને હરમનની જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં કારણકે ગોળાકાર કિચેઇનની અંદર ખાલી એક નાના છોકરાનો ફોટો હતો.

નવાઈની વાત એ હતી નાના છોકરાના ફોટાને છુપાવવા માટે ગોળાકાર કિચેઇનને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે એ કિચેઇન ખુલી પણ શકે છે એવું કોઈને ખબર પણ ના પડે.

"હરમન આ ફોટો કોનો હશે? મને લાગે છે કે આ ફોટો નાયાબ માકડના ખૂન કરનાર ખૂનીના બાળપણનો હશે કારણકે ફોટો જૂના જમાનાનો લાગે છે." ઇન્સ્પેકટર પરમસિંહે હરમન સામે જોઈ કહ્યું હતું.

“આ કેસ ઘણો રહસ્યમય બની રહ્યો છે. એક પછી એક નવા નવા રહસ્યો ખુલતા જાય છે.” હરમને ફોટાને જોતા વિચારતા કહ્યું હતું.

હરમન કિચેઇન હાથમાં લઈ પોતાનું લેપટોપ ખોલી કશું સર્ચ કરવા લાગ્યો હતો.

"આ નાના છોકરાના ફોટા પરથી હરમનને શું મળી જવાનું છે, એ ખબર નથી પડતી. ખોટી દિશામાં મહેનત કરી રહ્યો છે." ઈન્સ્પેકટર પરમસિંહ જમાલ સામે જોઈ બોલ્યા હતા.

થોડીવાર પછી હવાલદારે અંદર આવીને કહ્યું કે મી. સુનીલ અગ્રવાલ આવ્યા છે.

"હવાલદાર એમને અંદર મોકલી દો." ઈન્સ્પેક્ટર પરમસિંહે હવાલદારને સૂચના આપતા કહ્યું હતું.

સફારીમાં સજ્જ 45 વર્ષની આસપાસની ઉંમર ધરાવતો 6 ફૂટ હાઈટવાળો વ્યક્તિ કેબીનમાં દાખલ થયો હતો. ઈન્સ્પેકટર પરમસિંહે એને ખુરશીમાં બેસવા માટે કહ્યું હતું. હરમન પણ લેપટોપ બંધ કરી ઈન્સ્પેકટર પરમસિંહની બાજુની ખુરશીમાં આવીને બેસી ગયો હતો.

"મી. સુનીલ અગ્રવાલ તમે નાયાબ માકડને કઈ રીતે ઓળખો છો? જે દિવસે એમનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" ઈન્સ્પેકટર પરમસિંહે એને પૂછ્યું હતું.

"જો ઈન્સ્પેક્ટર મારા ધંધાકીય હરીફે નાયાબ માકડને મારો પીછો કરીને મારા ધંધાના કેટલાંક રહસ્ય જાણવાનું કામ સોંપ્યું હતું. નાયાબને મારો પીછો કરતા કરતા મારા ધંધાના કેટલાંક રહસ્યોની ખબર પડી ગઇ હતી. એ રહસ્ય જો મારા હરીફને ખબર પડી જાય તો હું બરબાદ થઇ જઉં એવું હતું. આ વાત નાયાબ બરાબર સમજી ગયો હતો એટલે એણે મને મળીને મારા ધંધાનું આ રહસ્ય જાણી ગયો છે એવું જણાવી અને મારી ધંધાની વાતોને ગુપ્ત રાખવા મને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. દર મહિને અમારા વચ્ચે નક્કી થયેલી રકમ હું એના બંગલે જઈ આપીને આવતો હતો. જે દિવસે એનું ખૂન થયું એ દિવસે પણ આ રકમ આપવા માટે હું એના ઘરે રાત્રિના નવ વાગે પહોંચ્યો હતો. નાયાબ ડ્રોઈંગરૂમમાં કોઈ દાઢીવાળા માણસ સાથે વાતચીત કરી રહ્યો હતો અને ડ્રીન્ક્સ લઇ રહ્યો હતો. મેં નાયાબને ઊભા-ઊભા પૈસાનું કવર આપ્યું અને ફોનથી વાત કરીશું એવું કહી એના ઘરમાંથી બહાર નીકળી ગયો હતો." સુનીલ અગ્રવાલે સાથે લાવેલી પાણીની બોટલમાંથી પાણી પીતા-પીતા કહ્યું હતું.

"એ દાઢીવાળો માણસ કોણ હતો? તમે એને ઓળખો છે? એ કેવો લાગતો હતો?" હરમને સુનીલ અગ્રવાલને પૂછ્યું હતું.

"નાયાબની સાથે બેઠેલો એ દાઢીવાળો માણસ પતલો અને લાંબો હતો. એના હાથમાં એક લાકડી હતી અને હું એને ઓળખતો નથી. એ કોણ હતો એ પણ મને ખબર નથી. પરંતુ હું મારા શોખ ખાતર નાટકો બનાવું છું અને નાટકની લાઈનનો અનુભવ હોવાને કારણે એની દાઢી નકલી હતી એટલું હું તમને ચોક્ક્સપણે કહી શકું. પરંતુ નાયાબના ખૂન સાથે મારે કોઈ લેવાદેવા નથી. પણ એકવાત તો ચોક્કસ કહીશ કે જાસૂસ થઈને માણસ બ્લેકમેઈલ કરે તો તેનું ખૂન થવું જ જોઈએ અને હા તપાસ કરતા તમને નાયાબ પાસેથી મારા ફોટોગ્રાફ મળે જેના પરથી મને એ બ્લેકમેઈલ કરતો હતો. તો એ ફોટા આપ મને આપશો. આપણી વચ્ચે થયેલી વાત જો શક્ય હોય તો ગુપ્ત રાખશો." સુનીલ અગ્રવાલ બોલ્યો હતો.

હરમનને ખાનામાંથી ગોળાકાર કિચેઇન અને સોનાની લક્કી કાઢી સુનીલ અગ્રવાલને બતાવી હતી.

"આ બંન્ને વસ્તુમાંથી કોઈ વસ્તુ તમારી છે ખરી?" હરમને સુનીલ અગ્રવાલને પૂછ્યું હતું.

"ના આ બંન્ને વસ્તુ માંથી કોઈ વસ્તુ મારી નથી. સોનુ પહેરવાની મારે બાધા છે અને ગોળાકાર કિચેઇન મારું નથી." સુનીલ અગ્રવાલે કહ્યું હતું.

હવે મી. સુનીલ અગ્રવાલ તમે જઈ શકો છો. પરંતુ આ કેસની કાર્યવાહી પુરી ના થાય ત્યાં સુધી તમે મને પૂછ્યા વગર શહેરની બહાર જતા નહિ. ઈન્સ્પેકટર પરમસિંહે સુનીલ અગ્રવાલને કહ્યું હતું.

"નકલી દાઢી લગાવીને નાયાબ માકડને મળવા કોણ આવ્યું હશે? એ વ્યક્તિએ જ એનું ખૂન કર્યું હોય એવું બની શકે." ઈન્સ્પેક્ટર પરમસિંહે હરમન સામે જોઈ કહ્યું હતું.

સુનીલ અગ્રવાલના ગયા બાદ હરમને એક કાગળ ઉપર માહિતી લખીને જમાલને આપી હતી અને એ બાબતે તપાસ કરવા માટે મોકલ્યો હતો.

બરાબર સાડા પાંચ વાગ્યાની આસપાસ દિવ્યેશ મહેતા પોલીસ સ્ટેશનમાં આવી ઇન્સ્પેક્ટર પરમસિંહની સામેની ખુરશીમાં બેસી પરસેવો લૂછી રહ્યો હતો.

"મી. દિવ્યેશ મહેતા, આપ શું કરો છો અને નાયાબ માકડને આપ ઓળખો છો?" હરમને સવાલ પૂછવાનો દોર પોતાના હાથમાં લીધો હતો.

"હું એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરું છું અને નાયાબ માકડને હું ઓળખતો નથી." દિવ્યેશે પરસેવો લૂછતાં લૂછતાં કહ્યું હતું.

"જુઓ મી. દિવ્યેશ મહેતા, નાયાબ માકડની ડાયરી ઉપરથી અમને ખબર પડી ગઇ છે કે દર મહિને તમે એને દસ હજાર રૂપિયા આપતા હતાં. તો હું જાણી શકું કે એ તમને કઇ વાત ઉપર બ્લેકમેલ કરતો હતો?" હરમને દિવ્યેશને ઊંચા અવાજે પૂછ્યું હતું.

"જુઓ હું તમને બધું સાચું કહું છું પરંતુ આ વાત આપણી વચ્ચે રહેશે એનું તમે મને વચન આપો. નહિતર હું ફાંસીએ પણ ચડી જઇશ તો પણ સાચું નહિ કહું." દિવ્યેશે પણ મક્કમ અવાજે કહ્યું હતું.

"હા, અમે તમારી વાત અમારા પૂરતી સીમિત રાખીશું એનું તમને વચન આપીએ છીએ. હવે તમે અમને સત્ય જણાવો." હરમને દિવ્યેશ સામે જોઇ કહ્યું હતું.

"હું અને મીતા પંડિત અમે કોલેજ સમયથી ખૂબ સારા મિત્રો છીએ. ઘણીવાર અમે કોફીશોપમાં કે ગાર્ડનમાં મળતા હોઇએ છીએ. પરંતુ અમારી વચ્ચે કોઇપણ જાતના ખોટા સંબંધો નથી. મીતા પંડિત એના પતિ વિજય પંડિતના ખરાબ વર્તનના કારણે ખૂબ ટેન્શનમાં રહે છે અને એ જ્યારે ખૂબ ચિંતામાં હોય ત્યારે મને મળી પોતાના દિલની વાત કહી મન હળવું કરે છે. અમે બંન્ને એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ અને એટલે જ મેં એના તરફ આજ દિન સુધી ખરાબ દૃષ્ટિએ જોયું નથી. નાયાબ માકડે અમને બંન્નેને બે થી ત્રણ વાર મળતા જોયા હતાં અને એના ફોટા એણે પાડી લીધા હતાં અને મીતાની જાણ બહાર એણે મને ફોન કરી કહ્યું હતું કે જો હું એને મહિને દસ હજાર રૂપિયા નહિ આપું તો આ વાત મીતાના પતિ વિજયને કહી દેશે એટલે મેં આ વાત મીતાથી પણ ગુપ્ત રાખી અને દર મહિને દસ હજાર રૂપિયા હું આપવા લાગ્યો હતો. જે દિવસે નાયાબ માકડનું ખૂન થયું હતું એ દિવસે હું રાત્રિના સવા નવ વાગે દસ હજાર રૂપિયા આપવા માટે ગયો હતો. હું જ્યારે એના ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો ત્યારે નાયાબ કોઇ દાઢીવાળા વ્યક્તિ સાથે ડ્રીન્ક્સ પી રહ્યો હતો. મેં ઉતાવળમાં મારા ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા કાઢ્યા અને નાયાબને આપ્યા હતાં. નાયાબે પણ રૂપિયા લઇ લીધા અને મને જવા માટે કહ્યું હતું એટલે હું તરત નીકળી ગયો હતો." દિવ્યેશે નાયાબના ખૂનના દિવસે એને મળ્યો હતો એ વાતની કબુલાત કરી હતી.

"મી. દિવ્યેશ, તો પછી તમે પહેલા નાયાબને ઓળખવાની ના કેમ પાડી હતી?" હરમને દિવ્યેશને પૂછ્યું હતું.

"હું જે દિવસે નાયાબના ઘરે ગયો એ દિવસે મેં એક ગોળાકાર કિચેઇનમાં મારા બાળપણનો ફોટો લગાડી એને એવી રીતે બંધ કરાવ્યું હતું કે બધાં એને સરળતાથી ખોલી ના શકે. આ કિચેઇન મેં મીતાને આપવા માટે બનાવડાવ્યું હતું. એ દિવસે ખિસ્સામાંથી રૂપિયા કાઢતી વખતે કિચેઇન કદાચ નાયાબ માકડના ઘરમાં પડી ગયું હશે એવી મને શંકા હતી માટે જ મેં નાયાબને ઓળખતો નથી એવી વાત તમને કહી હતી." દિવ્યેશે હરમનની સામે જોઇ કહ્યું હતું.

"તમે આ ગોળાકાર કિચેઇનની વાત કરો છો? તમને જાણીને નવાઇ લાગશે કે નાયાબ માકડ મીતા પંડિતને પણ બ્લેકમેઇલ કરતો હતો." હરમને દિવ્યેશને ગોળાકાર કિચેઇન બતાવતા કહ્યું હતું.

"હા, આ મારું જ કિચેઇન છે. આની અંદર મારો ફોટો પણ છે. સાલો હરામખોર નાયાબ, મીતાને કેમ બ્લેકમેઇલ કરતો હતો?" દિવ્યેશે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"મી. દિવ્યેશ, આ બાબત તમારે જાણવાની જરૂર નથી. અત્યારે તો તમે જઇ શકો છો પરંતુ જ્યારે અમને જરૂર પડશે ત્યારે અમે તમને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવીશું અને હા, મારી પરવાનગી વગર તમે શહેર છોડીને કશે જતાં નહિ." ઇન્સ્પેક્ટર પરમસિંહે આટલું બોલી દિવ્યેશના સવાલને ટાળી દીધો હતો.

"આ ચાર જણની વાત સાંભળીને તો લાગે છે કે આ ચારેમાંથી એક પણ ખૂની નથી. ચારે જણની વાત સાંભળીએ તો આપણને લાગે કે આ ચારે સિવાય દુનિયામાં કોઇ સાચું બોલતું નથી. હું તો આ ચાર જણના જવાબ સાંભળી ગુંચવાઇ ગયો છું. તને શું લાગે છે, હરમન?" ઇન્સ્પેક્ટર પરમસિંહે માથા પર હાથ મુકતા કહ્યું હતું.

"મને લાગે છે કે આ ચારે જણમાંથી કોઇ એક વ્યક્તિ કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય એવું દેખાય છે. નાયાબ માકડ મીતા પંડિતને બ્લેકમેઇલ કરતો હતો એ વાત દિવ્યેશને ખબર જ હતી પણ છતાં એણે આપણાથી આ વાત છુપાવી છે. દિવ્યેશને એવું લાગે છે કે આ ખૂન મીતાએ કર્યું છે માટે એ મીતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આપણે એક કામ કરીએ, મીતાના પતિ વિજય પંડિતની ખબર કાઢીને આવીએ." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.

"વિજય પંડિત મારો કે તારો સાળો થાય છે? આપણે શા માટે એની ખબર કાઢવા જવું જોઇએ? આ કેસ ગૂઢ રહસ્યમય થઇ રહ્યો છે અને તારે ખબર કાઢવા જવું છે." ઇન્સ્પેક્ટર પરમસિંહે ગુસ્સો કરતા કહ્યું હતું.

હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહની વાત ના સાંભળી હોય એવી રીતે મીતા પંડિતને ફોન લગાવ્યો હતો.

"મીતાજી, અમે તમારા ઘરે તમારા પતિ વિજય પંડિતની ખબર કાઢવા આવવા માંગીએ છીએ. માટે અમે રાત્રે તમારા ઘરે નવ વાગે આવીએ ત્યાં સુધી નાયાબ માકડ તમને બ્લેકમેઇલ કરતો હતો અને પૈસા પડાવતો હતો એ આખી વાત તમારા પતિને જણાવી દેજો. જેથી અમારા આવવાનું કારણ અમારે અમારી રીતે સમજાવવું ના પડે." હરમન ફોન ઉપર મીતાને કહી રહ્યો હતો.

"ના, તમે આવું ના કરતા. મારા પતિ મને છૂટાછેડા આપી દેશે, પ્લીઝ." મીતા રડતાં રડતાં બોલી રહી હતી પરંતુ એ પહેલા તો હરમને ફોન કાપી નાંખ્યો હતો.

જમાલ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર પરમસિંહની કેબીનમાં દાખલ થયો હતો.

"નાયાબ માકડના કાકાનો દીકરો નાયાબનું ખૂન થયું એ દિવસે બપોરે દુબઇ ગયો છે. કદાચ એણે પોતે ખૂન ના કર્યું હોય પણ કોઇની પાસે કરાવ્યું હોય એવું પણ બની શકે." જમાલે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર સાહેબ, રાત્રે આપણે મીતા પંડિતના ઘરે જવાનું છે. તમે તૈયાર રહેજો. હું તમને તમારા ઘરેથી લેતો જઇશ. આજનો દિવસ ખૂબ જ થકાવટ ભર્યો રહ્યો." આટલું બોલી હરમન ખુરશીમાંથી ઊભો થયો હતો.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ડીટેક્ટીવનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ