મોજીસ્તાન (51)
વીજળી સવારે દસ વાગ્યે ઘેર પહોંચી ત્યારે હુકમચંદ ઓસરીમાં બેઠો હતો.વિજળીએ દોડીને તેના પિતાના પગમાં પડતું મૂક્યું.
"પપ્પા, મને માફ કરી દો.હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય..."
કહી વીજળી રડવા લાગી.
હુકમચંદે વીજળીના ખભા પકડીને ઉભી કરી.એની આંખમાં પણ આંસુ ભરાઈ આવ્યા હતા.
"બેટા,તું હવે સમજીને પાછી આવી ગઈ છો એ જ હકીકત છે.
જે થયું એ બરોબર નથી થયું પણ અંત ભલા તો સબકુછ ભલા."
કહી હુકમચંદે વીજળીના માથે હાથ મુક્યો.
એ જ વખતે વીજળીની મા ઘરમાંથી બહાર આવી.વીજળી દોડીને એને વળગી પડી.
"બેટા, આવું પગલું ભરાય ? જીવતે જીવ અમને મોત દેવાનું તને સુજ્યું જ કેમ ? તું પાછી ન આવી હોત તો મારે ઝેર પીવાનો વારો આવત.."
વીજળી કંઈ બોલ્યા વગર રડતી રહી.થોડીવાર એને રડવા દઈ એની મા એને અંદર લઈ ગઈ.
હુકમચંદ મનોમન ભગવાનનો પાડ માની રહ્યો હતો.એ જ વખતે તખુભાનો ફોન આવ્યો એટલે એ ઉઠીને તખુભાની ડેલીએ ગયો હતો.તખુભાએ એલપીપીમાં જોડાઈ જવાનો નિર્ણય જણાવ્યો ત્યાર પછી તખુભાને લઈને હુકમચંદ ગાંધીનગર ગયો હતો એ ઘટનાક્રમ આપણે આગળના પ્રકરણમાં જોયો.
*
બાબો ઘેર પહોંચ્યો ત્યારે તભાભાભા નિરાશ થઈને ઓસરીમાં બનાવેલી બેઠકમાં બેઠા હતા.એમના મનમાં હજી પણ ભૂતના અટ્ટહાસ્યના પડઘા સંભળાતા હતા.કરસનની સાતમી પેઢીએ થઈ ગયેલો લખમણિયો
હતો કે નહોતો એ કોઈ જાણતું નહોતું. ખુદ કરસનને પણ એ ખબર નહોતી કે મારો કોઈ વડવો બસ્સો ઓગણએંશી વરસ પહેલાં હતો અને એને એરું કરડ્યો હતો ! તભાભાભાએ ઉપજાવી કાઢેલો લખમણિયો ખરેખર ભૂત થઈને એમની પાછળ પડ્યો હતો !
બાબો જાળી ખોલીને અંદર દાખલ થયો એટલે તભાભાભા ચમક્યા.
"અરે પુત્ર, તું તો પેલા ટેમુ સાથે ગયો હતો ને ? અત્યારમાં છેક અમદાવાદ જઈને પાછો પણ આવતો રહ્યો ? "
"અરે પિતાજી, ગઈ રાતે એક ન બનવાની ઘટના બની ગઈ.એટલે મારે અડધેથી પાછું વળવું પડ્યું..''
બાબાએ બુટ કાઢતા કાઢતા કહ્યું.
"હેં..? શું બની ગયું ? ભૂતનો ભેટો તો નથી થ્યો ને ?" તભાભાભા ઉભા થઈ ગયા.
તભાભાભાને ગભરાયેલા જોઈ બાબો હસી પડ્યો.
"પિતાજી, હું પોતે ભૂતને ભારે પડું એવો છું.આ તો બીજી જ વાત છે.પણ એમાં તમારે કાંઈ રસ લેવાની જરૂર નથી.એ બધું તો મેં પતાવી દીધું છે. તમે શાંતિથી તમારું કામ કરો."
"પણ બેટા, તું ગયો પછી મારી પાછળ એક ભૂત પડી ગયું છે. આખી રાત ફોન કરી કરીને મને હેરાન પરેશાન કરી નાખ્યો છે.." કહી ભાભાએ ગઈકાલે બનેલી ઘટનાની વાત કહી સંભળાવી.
બાબો, તભાભાભાની વાત સાંભળીને નવાઈ પામ્યો.... 'ભૂત પાછું ફોન કરે ? શું ખરેખર કરસનનો દાદો ભૂત થયો હશે. પિતાજીના હાથમાંથી પ્રસાદની થેલી ખેંચી લીધી.પિતાજી જૂઠ તો ન જ બોલે ને !'
"કંઈ વાંધો નહિ પિતાશ્રી,હવે ભૂતનો ફોન આવે તુરે મને આપી દેજો. હું એ ભૂત સાથે વાત કરી લઈશ " બાબાએ શાંતિથી કહ્યું.
તભાભાભા અહોભાવથી બાબાને જોઈ રહ્યાં.ગામમાં પ્રભાવ પાડવા એમણે હાંકેલા ગપગોળા સાચા પડવા માંડ્યા હોય એમને લાગી રહ્યું હતું.કારણ કે બાબા વિશે એમણે એવુ તુત ચલાવ્યું હતું કે ભગવાન શ્રી સત્યનારાયણદેવ પોતે જ બાબાના સ્વરૂપે એમને ત્યાં અવતર્યા છે.આજે બાબો જે રીતે
ભૂત સાથે વાત કરી લેવાનું કહી રહ્યો હતો એ જોઈને ભાભાને,
બાબો ખરેખર ભગવાનનો અવતાર લાગી રહ્યો હતો.ગઈ રાતે ઉપજાવી કાઢેલો લખમણિયો સાચે જ ભૂત બનીને પાછળ પડ્યો હતો !
તભાભાભાએ તરત જ એ ફોન
બાબાને આપી દીધો.બાબો નિત્ય કર્મ પતાવીને જમ્યો.ગઈકાલે રાતનો ઉજાગરો હોવાથી એ સુઈ ગયો.ભાભાના ફોનમાં દિવસ દરમ્યાન યજમાનોના ફોન આવતા રહ્યાં.દરેક વખતે ભાભાએ ડરતાં ડરતાં ફોન ઉચકીને વાત કરી.પણ ભૂતનો ફોન આવ્યો નહીં !
*
વહેલી સવારે પાંચ વાગ્યે ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉભી રહી.ટેમુ એનો એનો બગલથેલો લઈને ઉતર્યો.એનો ખાસ મિત્ર સંજય યુનિવર્સીટીની કોઈ હોસ્ટેલમાં રહેતો હતો.સંજય સવજીનો દીકરો હતો એ આપણે જાણીએ છીએ.
ટેમુએ સંજયની હોસ્ટેલ પર જવા સીટીબસ પકડી.
ટેમુને આવેલો જોઈ સંજય ખુશ થયો.આમ તો ટેમુ અને બાબો બે દિવસ ફરવા આવવાના હતા એ સંજયને ખબર તો હતી,પણ ટેમુ એકલો જ આવ્યો એટલે બાબા વિશે સંજયે પૂછ્યું.
ટેમુએ પણ વીજળીની ઈજ્જત રાખવા ગઈ રાતે ટ્રેનમાં બનેલી ઘટના વિશે સંજયને કશું જ ન કહેતાં 'બાબાને ભાભાએ ન આવવા દીધો' એવું તરત ગળે ઉતરી જાય એવું બહાનું બતાવી દીધું.
સાંજે ચાર વાગ્યે ટેમુ એકલો જ વી.એસ.હોસ્પિટલમાં ગયો. નીનાએ સોંપેલું કામ એને કરવાનું હતું.
વી.એસ.હોસ્પિટલમાં જઈને ટેમુ મૂંજાયો. આવડી મોટી હોસ્પિટલમાં હજારો દર્દીઓ દાખલ થયા હોય,આમાં રણછોડનો પત્તો મેળવવાનું તો અઘરું જ હતું. રણછોડને કયા વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યો છે એ પણ ટેમુ જાણતો નહોતો.છતાં નીનાએ કામ સોંપ્યું હતું એટલે એને કર્યા વગર છૂટકો નહોતો !
'મે આઈ હેલ્પ યુ ?' એક બારી પર લખેલું આ વાક્ય વાંચીને ટેમુ એ બારી પર ગયો.અને રણછોડ નામના પેશન્ટ વિશે પૂછપરછ કરી.
બારીમાં બેઠેલી કર્મચારીએ એના કોમ્પ્યુટરમાં જોઈને કુલ આઠ રણછોડ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં દાખલ હોવાનું જણાવ્યું.હવે આ આઠમાંથી કયો રણછોડ પોતાના કામનો છે એ નક્કી કરવું મુશ્કેલ હતું.
ટેમુએ તરત જ નીનાને કોલ લગાવ્યો. નીના પર હવે વિરલકુમારના ફોન અવારનવાર
આવતા હોવાથી નગીનદાસે નીનાનો ફોન સ્વતંત્ર કરી આપ્યો હતો. નીના ફોન ઉપાડીને 'ચાલુ રાખજો' કહી દાદર ચડવા લાગી.
ઉપર જઈને નીનાએ આજુબાજુ જોઈ હળવેથી પૂછ્યું, " બોલ ટેમુ, કાંઈ જાણવા મળ્યું ?"
"શું કારેલા જાણવા મળે ? આ કંઈ આપણા ગામનું સરકારી દવાખાનું નથી તે રણછોડનું નામ આપો એટલે તરત મળી જાય ! તને ખબર છે ? એ રણછોડ કયા ગામનો છે અને કયા વોર્ડમાં દાખલ થયો છે ઈ ? અહીં જુદા જુદા આઠ રણછોડ દાખલ થયેલા છે એમાંથી તારા કામનો કયો હોય એ મને કેમ ખબર પડે ? તું કંઈક નિશાની આપ તો મને એ રીતે તપાસ કરવાની સમજણ પડે"
"નિશાની..તો..મનેય ખબર નથી. કોણ છે અને કયા ગામનો છે એ જ તો આપણે જાણવાનું છે ને !
રહેવા દે તારાથી એ નહીં થાય. હું કોઈ બીજાને સોંપુ છું " નીનાએ કહ્યું.
"અરે પણ હું ક્યાં ના પાડું છું.તું ગમે તેને સોંપીશ તોય કાંઈપણ આધાર વગર કેવી રીતે તપાસ કરવી ? એક કામ કર હું આઠે આઠની માહિતી લાવું છું.
એમાંથી તારે જે કામની હોય એ જણાવજે. આ તો તું મારી ફ્રેન્ડ છો એટલે આટલી તકલીફ હું લઈ રહ્યો છું, બાકી મારા બાપાને પણ હું ના પાડી દવ એવો છું ખબર છે ને !"
"યે હુઈના બાત.બહુત અચ્છા બચ્ચા હે.." કહી નીનાએ ફોન કટ કર્યો.
ટેમુએ દરેક વોર્ડના નામ લખીને વારાફરતી આઠે આઠ રણછોડને મળવાનું નક્કી કર્યું.
અકસ્માત વિભાગમાં દાખલ થયેલા રણછોડને જોઈને ટેમુને લાગ્યું કે આ માણસને મેં ક્યાંક જોયો છે.
રણછોડના માથામાં પાટા બાંધ્યા હતા. બંને પગે પણ ફેક્ચર થયેલું હતું.રણછોડની ઘરવાળી બાજુના બેડ પર બેઠી હતી.
"કેમ છે હવે રણછોડભાઈને ?"
ટેમુએ રણછોડના બેડ પાસે જઈને પૂછ્યું.
રણછોડની ઘરવાળી સમજી કે કોઈ જાણીતું હશે તો જ ખબર કાઢવા આવ્યું હોય ! એટલે એણે તરત ઉભા થઈને ટેમુ તરફ જોઈને કહ્યું, " હજી બે દિવસ થ્યા, ભાનમાં આવી જ્યા સે.ભગવાને બસાવી લીધા.દાગતરે તો કીધું'તું કે જો કોમામાંથી ઝટ બાર્ય નઈ આવે તો અઘરું થાશે પણ ગઢિયાના પુન આડા આયા ભાઈ."
"સાચી વાત છે બહેન. હું આમ તો રણછોડભાઈને ઘણા સમયથી ઓળખું છું.પણ તમારા ગામનું નામ હું ભૂલી ગયો..કયું ગામ તમારું ?"
"અમારું ગામ તો વેજલકા.તમે કોણ ? હું તો તમને ઓળખતી નથી."
ગામનું નામ સાંભળીને ટેમુ ચમક્યો.વેજલકા તો બાજુનું જ ગામ હતું.
"તમે મને ના ઓળખો બેન.હું તો રણછોડભાઈનો દોસ્ત છું.જો કે ઉંમરમાં નાનો પણ મારી દુકાને પાન ખાવા ઘણીવાર રણછોડભાઈ આવતા.મને તો હજી બે દિવસ પહેલા સમાચાર મળ્યા...તે આ કેમ કરતા થયું ?"
"રાણપરથી રાજદૂત લયન આવતા'તા.કોક ગાડીવાળાએ ઉલાળીને ખાળીયામાં નાખી દીધા.
તે કોક ભલા માણસે એકસો આઠને ફોન કરી દીધો હશે એટલે ટેમે દવાખાના ભેગા થિયા.નકર તો નો બસેત."
"હં હં..!" ટેમુએ રાણપુર અને રાજદૂત શબ્દ સાંભળ્યા કે તરત જ એના દિમાગમાં ચમકારો થયો.
આ રણછોડને રાજદૂત લઈને ગામમાંથી નીકળતો ઘણીવાર જોયો હતો.
"તમારે લાળીજામાં શું સગુ છે ?
રણછોડભાઈ અમારા ગામમાં બહુ આવતા.." ટેમુએ અંધારામાં તિર મારી જોયું.
લાળીજાગામનું નામ સાંભળીને પેલીના મોં પર અણગમો ઉપસી આવ્યો.થોડીવાર એ કંઈ બોલી નહીં.એટલે ટેમુએ આગળ ચલાવ્યું..
"મારી દુકાને પાન ખાવા આવતા. પણ ઈ વખતે કાયમ ઉતાવળમાં જ હોય એટલે પૂછવાનું ભુલાઈ જતું..હેહેહે.." કહી ટેમુ હસ્યો.
"ઈ તો રાજકારણમાં સે અટલે કોકને ને કોકને મળવા આવતા હોય.ઘણાય ગામમાં ઈમને આવવા જાવાનું રેય સે.ખોંગરેસ પક્ષના મેન કાર્યકરતા સે ને પાસા"
પેલીએ કહ્યું.
ટેમુને એ કંઈ છુપાવતી હોય એમ લાગ્યું.વધુ પૂછપરછ કરે એ પહેલાં બીજા લોકો ખબર કાઢવા આવવા લાગ્યા એટલે ટેમુએ પેલીને ખ્યાલ ન આવે એ રીતે રણછોડનો એક ફોટો મોબાઈલમાં પાડી લઈ ચાલતી પકડી. આ રણછોડ જ કામનો માણસ છે એ ટેમુને સમજાઈ ગયું હતું..!
ચોથા પ્રયત્ને જ ટેમુએ નિશાન પાડ્યું હતું.હવે બીજા રણછોડની માહિતી મેળવવી એને જરૂરી ન લાગી.હોસ્પિટલમાંથી બહાર નીકળીને તરત જ નીનાને પેલો ફોટો સેન્ડ કરીને મેસેજ લખ્યો.
"વેજલકાગામનો આ રણછોડ રાણપુરથી રાજદૂત લઈને આવતો હતો ત્યારે એને કોઈ વાહને ટક્કર મારીને ખાળીયામાં નાંખી દીધો હતો. બે દિવસ પહેલા જ એ કોમામાંથી બહાર આવ્યો છે.હું એને જોવા ગયો ત્યારે એ સૂઈ ગયો હતો.એની પત્ની પાસેથી જાણવા મળ્યું એ તને જણાવું છું.
આ શખ્સને મેં આપણા ગામમાં ઘણીવાર જોયો છે. ખોંગ્રેસનો સક્રિય કાર્યકર છે અને ઘણા વર્ષોથી આપણા ગામમાં એ આવે જાય છે.પણ કોના ઘેર આવે છે એ મને ખબર નથી."
મેસેજ સેન્ડ કરી ટેમુએ ફોન ખિસ્સામાં મૂકીને રીક્ષા પકડી.હવે એનું કામ પૂરું થઈ ગયું હતું.બાબો સાથે ન આવ્યો એટલે એને હવે બહુ મજા આવતી નહોતી. કારણ કે સંજયને એના અભ્યાસનું કામ રહેતું હોવાથી એ નવરો નહોતો.
ટેમુએ એ જ રાતે ઘેર આવવા ટ્રેન પકડી હતી.
*
નીનાને રણછોડનો ફોટો જોયો.
મામાના ઘેર જતી ત્યારે આ માણસને એના મામા સાથે ઘણીવાર ત્યાં જોયો હતો.કદાચ મામાનો મિત્ર હતો.અને મામાના ગામનો જ હોવો જોઈએ..મમ્મી તે દિવસે આ માણસ સાથે જ વાત કરતી હોવી જોઈએ.'તો શું આ માણસ અને મમ્મી વચ્ચે......'
નીના આગળ કંઈ વિચારી ન શકી.
'એક પરિવાર ધરાવતી સ્ત્રીએ અન્ય પુરુષ સાથે સબંધો રાખવા ન જ જોઈએ.પરિવાર ધરાવતો પુરુષ આવા સબંધ રાખે તો ચાલે ? સ્ત્રી અને પુરુષ બંને માટે સરખા જ હક અને સરખી જ ફરજો ન હોવી જોઈએ ? શું સાચું કહેવાય અને શું ખોટું એ કંઈ સમજાતું નથી..' નીનાએ મનોમન આવું વિચારીને એના મામાને કોલ કર્યો.
થોડી આડી અવળી વાતો કરીને
નીનાએ પૂછયુ, " મામા તમારા પેલા મિત્ર...શું નામ છે એમનું...."
નીનાએ નામ ખબર હોવા છતાં યાદ કરતી હોવાનો ડોળ કર્યો.
"કોની વાત કરે છે ભાણી તું..?"
"અરે ખોંગ્રેસના કાર્યકર છે એ.."
"હા હા રણછોડભાઈ..પણ એ બિચારાને તો કોકે વાંહેથી ટક્કર મારીને ખાળીયામાં નાખી દીધો'તો.
અમદાવાદ હોસ્પિટલમાં છે,હજી કહે છે કે કોમામાંથી બહાર આવ્યો નથી.તારે એનું શું કામ હતું ?"
"કંઈ નહીં એ તો, અમારા ગામમાં ખોંગ્રેસ પક્ષની મિટિંગ હતી ત્યારે મેં એમને જોયા હતા એટલે ખાલી પૂછ્યું !" કહી નીનાએ વાત વાળી લીધી.પછી પરિવારની થોડી વાતો કરીને ફોન કટ કર્યો.
રણછોડ વિશેની ધારણા સાચી પડતા નીનાને બધો જ ખ્યાલ આવી ગયો.રણછોડ એના મામાનો સખો અને મમ્મીનો સાજન હતો.કદાચ બંને બાળપણમાં સાથે જ મોટા થયા હોય, પ્રેમમાં પડ્યા હોય પણ જ્ઞાતિભેદને કારણે પરણી શક્યા ન હોય, પણ લગ્ન પછી એ પ્રેમસબંધો પર પૂર્ણવિરામ મૂકી શકાયું ન હોય ! એક દીકરી તરીકે માતાના જીવનની આવી વાત જાણીને પોતે શુ કરવું જોઈએ એ એને સમજાતું ન હતું.
'પ્રેમ કરવો એ કોઈ પાપ નથી જ.પણ પરણ્યા પછી આવા સબંધો પરિવારજીવનને બરબાદ કરી નાખતા હોઈ આવા સબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ.પણ પ્રેમીઓ તો આવા કોઈ બંધનમાં બંધાતા નથી.કારણ કે પ્રેમ તો આંધળો હોય છે ને ! મા હોય તો દીકરીને સમજાવે, ના પાડી શકે, પ્રતિબંધ લાદી શકે પણ દીકરી કેવી રીતે માને કહી શકે..?'
નીનાને આવા વિચારો આવતા રહ્યાં.એ કશું નક્કી કરી શકતી ન હતી કે મમ્મીને હવે શું કહેવુ !
ફોન લઈને એ નીચે ઉતરી.નયના એ વખતે રસોડામાં કામ કરી રહી હતી. નીનાએ ચૂપ રહેવાનું નક્કી કરીને મન વાળી લીધું.
*
રાત્રે બાર વાગ્યે તભાભાભાનો ફોન રણકયો.ગઈકાલે રાતે આવેલો નંબર જોઈ લખમણ ભૂતનો જ ફોન છે એ ભાભાને ખ્યાલ આવી ગયો એટલે એમણે તરત જ બાબાને રાડ પાડી.
"પુત્ર...સુઈ ગયો ? જો આજે પણ ભૂતનો ફોન આવ્યો છે..એ.."
બાબો દોડીને ભાભા પાસે આવ્યો.એમના હાથમાંથી ફોન લઈને ગ્રીન બટન દબાવીને ફોન સ્પીકર પર મુક્યો.
"હા..હા..હા..ચીમ સો તભાગોર ?
હું લખમણ..બસ્સો ઓગણ...
મને એરું..વાડીએ..હા..હા...મારા સોકરા નાના હતા..મારી વવ જુવાન હતી.હાહાહા...લીમડા હેઠે હું..હું.. હું...મારી ઘરવાળીએ ના પાડી'તી.. બવ રૂપાળી હતી તોય હું નો રોકાણો બસો ઓગણ...''
(ક્રમશ :)