મોજીસ્તાન - 45 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 45

મોજીસ્તાન (45)

ટેમુ અને બાબો એમના ખાસ દોસ્ત સંજયને મળવા સાંજની ટ્રેનમાં બેઠા ત્યારે બાબો પિતાજીની રજા લઈ ન શકાઈ એ બાબતનો અફસોસ કરી રહ્યો હતો.આજ દિવસ સુધી બાબો આવી રીતે ક્યારેય ગામની બહાર નીકળ્યો નહોતો.પિતાજીની આંગળી પકડીને આજ દિન સુધી ફરેલો માથાફરેલ બાબો આજ પહેલી વાર ટ્રેનમાં બેઠો હતો.

રેલવેસ્ટેશન ગામથી બે કિમી દૂર હતું.ગામમાંથી રેલવે સ્ટેશન જવા માટે તગ્ગાઓ મળતા.ઢેફલાના ટેમ્પના ઠાંઠે બેસીને બંને રેલવે સ્ટેશન આવ્યા ત્યારે સાંજના સાત વાગી ગયા હતા.ટ્રેન અવવાને હજી વાર હતી એટલે બાબો અને ટેમુ અમદાવાદની ટીકીટ લઈને રેલવે સ્ટેશનના બાંકડે બેઠા હતા.ટેમુએ બનાવેલો માવો બેઉએ અડધો અડધો ગલોફામાં ચડાવ્યો હતો.

બાજુના બાંકડે એક છોકરી મોઢા પર ચૂંદડી બાંધીને બેઠી હતી.એની માત્ર બે આંખો જ દેખાતી હતી.
ટેમુએ એક બે વખત એ છોકરી સામે જોયું પણ મોઢું ઢંકાયેલું હોવાથી એ ઓળખાતી નહોતી.

"આ છોકરી સાવ એકલી અત્યારે આંયા શુંકામ બેઠી હશે ? ઘેરથી ભાગી તો નહીં હોય ને ?" ટેમુએ પેલી તરફ ઈશારો કરીને બાબાને કહ્યું.

બાબાએ એ છોકરી સામે જોયું.એ છોકરી પણ થોડી થોડી વારે આ બેઉને જોતી હતી.

"આપડા ગામની હશે ? સાવ એકલી છે એટલે નક્કી કંઈક દાળમાં કાળુ હોવું જોઈએ.ચાલ એને પૂછી લઈએ કે એને ક્યાં જવું છે."

"એમ અજાણી છોકરીને આપણે કંઈ ન પુછાય.ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોઈએ."

બરાબર એ જ વખતે દૂરથી ટ્રેનની વ્હીસલ સાંભળીને એ છોકરી એકદમ ઉભી થઈ ગઈ.એ જોઈ ટેમુ અને બાબો પણ ઉભા થયા.બીજા ચાર પાંચ પેસેન્જરો સિવાય ખાસ ટ્રાફિક હતો નહીં.

થોડીવારે ટ્રેન આવીને ઉભી રહી. બોટાદ ગયેલા ગામના ચાર પાંચ માણસો ટ્રેનમાંથી ઉતર્યા.પેલી છોકરી જે ડબામાંથી કોઈ ઉતરતું નહોતું એ ડબા આગળ જઈને ઝડપથી ટ્રેનમાં ચડી ગઈ.
બાબો અને ટેમુ પણ એ તરફ ઝડપથી ચાલ્યા અને એ છોકરીની જે ડબામાં ચડી હતી એ ડબામાં ચડ્યા.ટેમુ તરત જ આખા કંપાર્ટમેન્ટમાં ફરી વળ્યો.

લોકલ ટ્રેનમાં દરેક ડબા જુદા જુદા હોય છે એટલે એક ડબામાંથી બીજા ડબામાં જવા માટે પ્લેટફોર્મ પર ઉતરવું પડે.પેલી છોકરી આ જ ડબામાં ચડી હોવા છતાં એ આ ડબામાં નહોતી !

"સાલી ગઈ ક્યાં ?" કહી ટેમુએ માથું ખજવાળ્યું.

"કદાચ એને ખ્યાલ આવી ગયો છે કે આપણે એની પાછળ આવ્યા છીએ. એ કદાચ આપણા ગામની હોય તો આપણને ઓળખતી જ હોય,આપણે એને જોઈ લીધી છે એટલે એ ભાગતી હોય,ટેમુ આપણા ગામની દીકરી આમ ભાગી જાય તો તો આપણા ગામનું નાક કપાય.ગમે તેની હોય પણ આમ ઘેરથી ભાગી હોય તો એના માબાપને ગામમાં મોઢું બતાવવા જેવું રહેશે નહીં.
આપડે એને ગોતવી જ જોવે."

"કદાચ પાછળના બારણેથી ઉતરી ગઈ હોય તો પાછળના ડબામાં જતી રહી હોય." કહી ટેમુએ બાબાનો હાથ ખેંચ્યો.બંને ઝડપથી પાછળના બારણેથી પ્લેટફોર્મ પર ઉતર્યા.

એ જ વખતે ટ્રેન ઉપડવાની વ્હિસલ વાગી.ટેમુ અને બાબો પાછળના ડબામાં ચડ્યા.ટેમુ ઉતાવળો ચાલીને આખા ડબામાં ફરી વળ્યો.સાંજની લોકલ હોવાથી ખાસ ભીડ નહોતી. દરેક કંપાર્ટમેન્ટમાં થોડા થોડા લોકો બેઠા હતા.છેક અમદાવાદ જવા વાળા પેસેન્જરો ઉપરના પાટિયા પર બેસીને સુવાની તૈયારી કરતા હતા.જેમને સૂવું નહોતું એ લોકો વાતો કરતા હતા.પેલી છોકરી આ ડબામાં પણ નહોતી.

"જબરી નીકળી.સાલી ઘડીકમાં અલોપ થઈ ગઈ.આ ડબામાંથીય કદાચ એ ઉતરીને આની પાછળના ડબામાં ગઈ હોય.હવે આગળના ટેશને ગાડી ઉભી રેય એટલે આપણે તપાસ કરશું.ત્યાં સુધી આમાં બેહીએ" ટેમુએ બારી પાસેની સામ સામેની સિંગલ સીટો પૈકી એકમાં બેસતા કહ્યું.

બાબો ટેમુ સામે ગોઠવાયો.ટ્રેને હજુ ગતી પકડી નહોતી.એટલે બાબાએ બારી બહાર ડોકું કાઢીને મવાની પિચકારી મારીને કહ્યું,

"આપડે ટોઇલેટમાં જોવાની જરૂર હતી.જો એ આપડા ગામની જ હોય અને ઘરેથી ભાગી હોય તો નક્કી આપડાથી એને સંતાઈ રહેવું પડે.એની સાથે એક નાની થેલી સિવાય બીજો કોઈ સમાન નહોતો એટલે એ ઘેરથી ભાગી છે એ સો ટકા છે.આપડે એની ભાળ મેળવવી જ પડશે ટેમુડા."

"એક મિનિટ, હું ચેક કરતો આવું.'' કહી ટેમુ ડબાની આગળ પાછળ ના ટોયલેટ ચેક કરી આવ્યો.પણ એ છોકરી બાબા અને ટેમુને ચકમો આપીને ક્યાંક સંતાઈ ગઈ હતી.

"રાતની ટ્રેનમાં લુખ્ખાઓ પણ હોય છે, આ છોકરી જો એ લોકોના હાથમાં આવશે તો લૂંટાઈ જવાની.આપડે ગોતવી જરૂરી છે.
આગળનું સ્ટેશન આવે એટલે તું પાછળના ડબાઓ તરફ જા અને હું આગળના ડબાઓ તરફ જાઉં.
આપડે જે ડબામાં ચડ્યા'તા એ ડબાના ટોઇલેટમાં જોયું નહોતું.કદાચ ઇવડી ઇ ડબામાં ચડીન તરત સંડાસમાં ગરી ગઈ હોય તો ?" બાબાએ તર્ક રજૂ કર્યો.

બાબાનો તર્ક ટેમુને સમજાયો. હવે આખી ટ્રેનમાં તપાસ કરવી જરૂરી હતી.બાબાએ એનો મોબાઈલ કાઢીને જોયું તો ફોન બંધ થઈ ગયો હતો.

"યાર મારે આ ફોન બદલવો પડશે. વારેઘડીએ બંધ થઈ જાય છે"
કહી એણે ફોન શરૂ કરીને ભાભાને લગાડ્યો.

"અરે દીકરા, તું ક્યાં છો ? અને ટેમુ સાથે ક્યાં જાય છે ?"ભાભાના
અવાજમાં ઉચાટ હતો.

"હું ટેમુ સાથે અમદાવાદ જાઉં છું.
બે ત્રણ દિવસ પછી પાછા આવશું તમે ચિંતા કરતા નહીં.અમે ગાડીમાં બેસી ગયા છીએ." બાબાએ કહ્યું.

"પણ બેટા, આપડે ત્યાં શું કામ છે ? કાલે રવજીને ઘેર કથા વાંચવાની હતી તારે. હું બજારે ગયો'તો તે રવજીએ ઘેર બોલાવીને કથાનું કીધું.પણ તું મને પૂછ્યા વગર અમદાવાદ ઉપડી ગયો ? જરાક ફોન તો કરવો'તો"

"મેં ફોન કર્યો'તો પણ તમને લાગતો જ નો'તો.પછી તમને શોધવા ગામમાં બે ચક્કર પણ માર્યા.ટ્રેનનો સમય થઈ ગયો'તો એટલે મારા માતૃશ્રીની આજ્ઞા લીધી છે. હવે આ વખતે એકવાર તમે કથા વાંચી લ્યો.પછી હું સંભાળી લઈશ.મારી કાંય ચિંતા કરવાની જરૂર નથી. ચાલો મુકું છું, જે ભોળાનાથ." કહી બાબાએ ફોન કટ કર્યો.

ટ્રેન હવે ગતિમાં આવી ગઈ હતી.બહાર ધીમે ધીમે અંધારું ઉતરી રહ્યું હતું. ટેમુ અને બાબો આગળનું સ્ટેશન આવવવાની રાહ જોતા બેઠા.

કોણ હતી એ છોકરી ?

*

રણછોડના બંને પગમાં ફેક્ચર હતું.માથામાં અને શરીર પર પણ મેજર ઈન્જરી થઈ હતી. ખોંગ્રેસના આગેવાન ચમન ચાંચપરાએ રાણપુરમાં રણછોડની પ્રાથમિક સારવાર કરાવીને તાત્કાલિક એને અમદાવાદ ભેગો કર્યો હતો.રણછોડ જે રીતે ઉલળીને ખાળીયામાં પડ્યો હતો એ જોતાં એના રાજદૂતને પાછળથી કોઈએ ટક્કર મારી હતી એ નક્કી હતું.એટલે ચમન ચાંચપરાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં FIR કરાવી હતી. ખોંગ્રેસ પક્ષના કાર્યકરને મારી નાખવાના બદઈરાદાથી એક્સિડન્ટ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈને લેવી જ પડી હતી !

પોલીસે રણછોડના મોબાઈલ માંથી કેટલીક માહિતી મેળવી હતી.છેલ્લે જે ફોન આવ્યો હતો એ તખુભાએ રિસીવ કર્યો હતો એ આપણે જાણીએ છીએ.આ ઉપરાંત રણછોડ કોની કોની સાથે સંપર્કમાં હતો એ પણ એ ફોન દ્વારા જાણવા મળ્યું હતું.પોલીસ, રણછોડ ભાનમાં આવે એની રાહ જોઈ રહી હતી.

રણછોડ તરફથી કોઈ મેસેજ કે ફોન આવ્યો નહોતો.છેલ્લે જ્યારે ફોન કરેલો ત્યારે પણ એણે કંઈ
બોલ્યા વગર જ ફોન કાપી નાખ્યો હતો એટલે નયનાને ખૂબ નવાઈ લાગી હતી.એ ફરી ફોન કરવા માંગતી હતી પણ એવો સમય હતો નહીં.નીનાને જોવા માટે અમદાવાદથી મહેમાન આવવાના હતા એટલે એની તૈયારીમાં એ ડૂબી ગઈ હતી.

નગીનદાસના ઘેર અચાનક ઘુસી આવેલા માનસંગને કારણે થોડી બબાલ થઈ,ત્યાર પછી ધમુ અને ધરમશીએ જે માથાકૂટ કરી એને કારણે નયનાને હુકમચંદને જરા ઊંચા અવાજે પોતાના ઘેર આવવાનું કહેવું પડ્યું.નગીનદાસ
સાથે હા-ના કરતો હુકમચંદ એના ફોનથી તરત આવી ગયો એ જોઈ મહેમાનોએ પણ શું વિચાર્યું હશે એની મુંજવણ પણ નયનાને હતી.

પણ ત્યારબાદ ધમુ અને ધરમશીએ એકાએક સમજણ બતાવીને મહેમાનોને રોક્યા હતા.
કાયમના દુશ્મન હબાએ પણ
એની ખાનદાની દેખાડી હતી.

મહેમાનો પાછા આવીને બેઠા.જમવાનો સમય થઈ ગયો હતો. વિરલે પણ નીના સાથે એકાંતમાં મુલાકાત કરીને આ સબંધને મંજૂરીની મહોર મારી હતી એટલે દુર્લભદાસના પરિવારે નીનાને પોતાની પુત્રવધુ તરીકે પસંદ કરી લીધી હતી.

આ બધું પત્યું પછી દુર્લભદાસે ધમુ અને ધરમશીને બોલાવીને એક હજાર રૂપિયા બક્ષિસ આપી હતી.બંનેએ રાજી થઈને વિરલ અને નીનાને હરખાતા હૈયે આશીર્વાદ આપ્યા હતા.

હબો બધા મહેમાનો માટે લિંબુ સોડા અને મસાલાના પાન લઈ આવ્યો હતો.નગીનદાસે હબાને આપવા માટે પૈસા કાઢ્યા ત્યારે હબાએ એ પૈસા લેવાની ધરાર ના પાડી હતી.

"નગીનભય,નીના તમારી દીકરી છે તો અમારી નાની બેન છે.હું તો પાડોશી કે'વાઉ.વેવાઈનું સ્વાગત કરવાની અમારી ફરજ છે અને એમાં હું પાછો પડું તો તો ગામની આબરૂ ઘટે કે બીજું કાંઈ !"

અટવાઈ ગયેલો આખો પ્રસંગ ખૂબ આનંદથી પૂરો થયો હતો. મહેમાનો ગયા પછી નગીનદાસ ગદગદ થઈને રડી પડયો હતો.પછી ધમુનું બ્લાઉઝ એક જ કલાકમાં સીવી આપ્યું હતું.

ક્યારેક માણસ ધાર્યા કરતાં અલગ નીકળે છે.કાયમ કનડતા હબાએ આજ કમાલ કરી બતાવી હતી.નગીનદાસ સાથે કૂતરા બિલાડા જેવો સબંધ હોવા છતાં એની દીકરીને પોતાની બહેન માનીને હબાએ એનું ભવિષ્ય બગડતું બચાવ્યું હતું.

બગડેલા સબંધો આવી કોઈ પળે બતાવેલી ભલમનસાઈથી સુધરી જતા હોય છે.દુશ્મનીને દોસ્તીમાં બદલાઈ જતા વાર લાગતી નથી.

એ બધું પત્યા પછી નયનાએ તક મળતા જ રણછોડને બાળપણના પ્રેમની ગાંઠ કાયમ માટે છોડી નાખવા ફોન કર્યો ત્યારે એનો ફોન કોઈ બીજાએ જ ઉપાડ્યો એટલે નયનાએ ફોન કાપી નાખ્યો હતો.
રણછોડ સાથે સંપર્ક ન થવાથી એ મુંજાઈ હતી.

બીજા દિવસે ફરીવાર નયનાએ ટ્રાય કરી હતી.પણ ફરીવાર કોઈ અન્ય વ્યક્તિના અવાજમાં હેલો સંભળાયું એટલે નયનાએ ફોન કટ કર્યો હતો.થોડીવારે રણછોડનો ફોન આવ્યો.ઉપાડવો કે નહિ એની અસમંજસમાં એ સ્ક્રીન પર R.... કોલિંગ જોઈ રહી. આખરે એણે અવાજ સહેજ જાડો કરીને
હેલો કહ્યું.

"હેલો, કોણ બોલો છો ?" સામેથી સંભળાયું.

"હું રણછોડભાઈનો મિત્ર બોલું છું.
રણછોડભાઈ ક્યાં છે ?" નયનાએ ઘોઘરો અવાજ કાઢીને કહ્યું.

"તમને ખબર નથી લાગતી. રણછોડનું એક્સિડન્ટ થયું છે.ત્રણ દિવસ પહેલા રાણપુરથી આવતા'તા ઈ વખતે પાછળથી કોક જીપવાળાએ ટક્કર મારી દીધી.અત્યારે અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં દાખલ થયેલ છે પણ હજી ભાનમાં આવેલ નથી." પેલી વ્યક્તિએ આખી વાત ટૂંકમાં કહી દીધી. છેલ્લા ત્રણ દિવસથી બધા સગા સ્નેહીઓને રણછોડની તબિયત અંગે એકની એક વાત કહી કહીને એ પણ કંટાળ્યો હતો.

નયના એ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગઈ.શુ બોલવું એ એને સમજાયું નહીં. સામે છેડે પેલો હેલો હેલો કરવા લાગ્યો એટલે નયનાએ "હું ખબર કાઢવા આવી જઈશ" કહીને ફોન કાપી નાખ્યો.

'રણછોડના રાજદૂતનો અકસ્માત થયો...પાછળથી કોઈ જીપે ટક્કર મારી દીધી....રણછોડ હજી ભાનમાં આવ્યો નથી...'
એ વાક્ય એના કાનમાં ગુંજતા હતા.નયનાની આંખમાં આંસુ આવી ગયા.બાળપણનો સખો અને જેની સાથે સંસાર માંડવાના અરમાનો ક્યારેક સેવ્યા હતા એ પોતાનો પ્રિય રણછોડ મરણ પથારીએ પડ્યો હતો.જે કદીક દિલની ધડકન હતો,જેની બાહોમાં સ્વર્ગનું અવર્ણીય સુખ માણ્યું હતું એ રણછોડ બેભાન થઈને હોસ્પિટલમાં પડ્યો હતો...!

નયનાની આંખો વરસવા લાગી.
આખરે સાચા દિલથી એણે રણછોડને ચાહ્યો હતો.એના કહેવાથી રાજકારણના અંધારિયા કૂવામાં આંખ મીંચીને એણે ભૂસકો માર્યો હતો.હુકમચંદ જેવા હરામખોર સાથે પ્રેમનું નાટક કરીને અજગરના મોંમાં પેસવા જેવું મોટું જોખમ પણ લીધું હતું.

નયના એની પ્રેમિકા હતી પણ સાથે સાથે એક પત્ની હતી.એક મા હતી.મોડે મોડે એને સાંસારિક જીવનમાં રણછોડ સાથેના આડા સબંધો સળગતી દીવાસળી જેવા હોવાનું ભાન થયું હતું.હુકમચંદ સાથેનું નાટક કરવા જતાં ચંચાની નજરે ચડી જવાથી ગામમાં આબરુ ધુળ ધાણી થઈ રહી હતી !

નયનાએ બહુ વિચાર કરીને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કર્યો.કોઈની પત્ની તરીકે બદચલન હોવાનું એને માન્ય હતું પણ એક મા પર બદચલન હોવાનું લાંછન ન લાગે એ માટે એ પોતાના પ્રેમનું બલિદાન આપીને પોતાનો સંસાર
બચાવી લેવા માંગતી હતી. પણ રણછોડ જીવનમરણ વચ્ચે જોલા ખાતો હોવાનું જાણીને એનું દિલ અનુકંપાથી ભરાઈ ગયું.એને જોવા જવા મન ઉતાવળું થવા લાગ્યું.પ્રેમનો માર્ગ છોડીને એ ઘરના માર્ગે વળી જવા માંગતી હતી એ વળાંક હજી આવ્યો નહોતો !

નયનાએ આંસુ લૂછયા.રણછોડને
યાદ કરવામાં એને એ ખ્યાલ નહોતો રહ્યો કે કોઈ એની પાછળ આવીને ઉભું રહી ગયું છે.એને ઘોઘરા અવાજમાં ફોન પર વાત કરતી સાંભળી ગયું છે અને ત્યાર બાદ રડતી જોઈ રહ્યું છે !

માનવી જે ચીજ છુપાવવાનો ખૂબ પ્રયત્ન કરતો હોય છે એ ચીજ ક્યારેય છુપાવી શકતો નથી.
જે ચીજ સત્યથી વેગળી હોય એ કોઈપણ સમયે અને કોઈપણ રીતે બહાર આવી જ જતી હોય છે.
સમાજની નજરે જે સ્વીકાર્ય નથી એ કદી છુપાઈ શકતું નથી.અને છુપાવનારની દશા બિલાડીને જોઈ ને આંખ બંધ કરી જતા કબૂતર જેવી હોય છે.એ વખતે કબૂતર એમ સમજે છે કે બિલાડી મને જોઈ શકતી નથી. પણ આખરે એ બિલાડીનો શિકાર બને છે ! આડા સબંધોનું કંઈક આવું જ હોય છે !

*

હુકમચંદ ગયા પછી વજુશેઠે તખુભાને ટેકો કરવાનું માંડી વાળ્યું હતું.બીજા દિવસે તખુભા દુકાને આવી ને બેઠા.આડી અવળી થોડી વાતો કર્યા પછી તખુભા રૂપિયા માંગે એ પહેલાં જ વજુશેઠે કહ્યું,

"તખુભા માફ કરજો,પણ હવે ઓલ્યો મેળ પડે એમ નથી.જે જગ્યાએથી રૂપિયા આવે એમ હતા ત્યાંથી હવે આવે એમ નથી.
અટલે તમને હું મદદ નહીં કરી શકું."

"કોઈ વાંધો નઈ શેઠ, સગવડ હોય તો મદદ થાય.તમે હા પાડી'તી ઈય ઘણું જ કે'વાય.બાકી વગર વ્યાજના આટલા બધા રૂપિયા કોણ આપે.જેવી તમારી ઈચ્છા બીજું શું.આમાં તો મારા બેટા, કરવાવાળા કરી જ્યા ને હું સલવાણો છું.આપડે હરામનો રૂપિયો ખાવો નથી નકર કોણ ભડાકો કરી લેવાનું હતું !"

"ઉપર એક બેઠો છે મોટી તોપ લઈને.પણ એનો ભડાકો કોઈને સંભળાતો નથી તખુભા, પણ એની તોપના ગોળામાં રાજપાટ
સ્હોતે બળીને ભસ્મ થઈ જાય ઘડીના છઠ્ઠાભાગમાં ! અટલે બવ અભેમાન સારા નહીં. ખોટું કર્યા પછી પસ્તાવું એના કરતાં ખોટું કરતા પહેલા વિચાર કરી લેવા જેવો હતો.કરમનું ફળ સારું મોળું હંધાયને ભોગવવું જ પડે છે. કરમના બંધનમાંથી તો ખુદ ભગવાન પણ બચી શક્યા નથી તો તખુભા તમે તો એક સુક્ષમ જીવડું છો !" કહી વજુશેઠે દુકાનના ઓટલા પર જઈ જોરથી નાક ખંખેર્યું.

તખુભાને ઓટલા પર વાંકા વળીને નાક ખંખેરતા વજુશેઠને પાછળથી પાટું ઠોકીને એમના કરમનો બદલો આપવાનું મન થયું..'પહેલા છોલાવા હા પાડી'તી ? આપવાના થાય ત્યારે ભાષણ હુજે છે ? પણ કંઈ વાંધો નહીં, વજીયા તું નઈ દે એટલે કાંય મારુ કામ નઈ અટકે હમજ્યો !' તખુભા દુકાનમાં બેઠા બેઠા મનોમન વજુશેઠ પર ગુસ્સે થઈ રહ્યા હતા.

"જરીક શેરો ખવય જ્યો'તો કાલ્ય, તે મારી બેટી શરદી થઈ જઈ. હવે ઘડપણમાં કંઈ સદે નઈ બાકી હું એકલો બે તાંહળી ભરીને શેરો ઠઠાડી જાતો'તો." કહી વજુશેઠ અમથે અમથું હસી પડ્યા.

"જુવાનીની વાતું તો નોખી જ હોય ને ! હુંય ડોલ લાડવા ઊભા ઊભા ગળી જાતો'તો ઈ તમને ચ્યાં નથી ખબર્ય. તમારા લગનમાં ઘોડું ભડકયું'તું તે એક પાટા ભેગું કોણે પાડી દીધું'તું ? અને તેદિ તમે બરવાળે ઉઘરાણી કરવા જયાતા અને વળતી વખતે આઠદહ જણા ફરી વળ્યાં'તા ઈ વખતે કોણ આડું ફર્યું'તું ? પણ માણહને ગણ નથી.
જિંદગીમાં આજ પે'લી વાર હાથ લાંબો કર્યો છે અને ઈય કાંય મારી હાટુ નથી..ઉછીના માગ્યા'તા.દૂધે ધોઇન પાસા દેવાના છે.કાંય દાન દક્ષિણા માંગવા નો'તો આવ્યો..
પણ હશે શેઠ,જેવી તમારી મરજી" કહી તખુભા વજુશેઠની દુકાનમાંથી ઉભા થઈને બહાર નીકળી ગયા.

વજુશેઠ તખુભાને જતા જોઈ રહ્યા.આ તખુભાના ઘણા ઉપકાર હતા પોતાની ઉપર. પણ આજ સાચા ખોટાનો સરવાળો કરવા જતાં જવાબ ખોટો આવ્યો હોય એમ લાગતું હતું.પાંચલાખ રૂપિયા ઉછીના આપવાની હા પાડીને ફરી જવું એમાં જબાનની કોઈ કિંમત રહી નહોતી.

વજુશેઠને હુકમચંદ પર દાઝ ચડી.

'નલાયકે આવીને મારુ મગજ ફેરવી નાખ્યું.'

તરત જ વજુશેઠ દુકાનમાંથી બહાર નીકળ્યા.ઉભી બજારે તખુભા ચાલ્યા જતા હતા. વજુશેઠે જોરથી રાડ પાડીને એમને પાછા આવવા કહ્યું. તખુભાએ પાછું ફરીને જોયું પણ પાછા વળ્યા નહીં.

વજુશેઠે તખુભાને ફોન કર્યો.પણ તખુભાએ ફોન ઊંચક્યો પણ નહીં.

"ભારે કરી..આ વટનો કટકો ટૂટી જાશે પણ વળશે નહીં. તો પછી મન થાતો હેરાન.!" વજુશેઠે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો.

એ જોઈ, વજુશેઠની દુકાન સામે થોડે દુર ઓટલા પર બેઠેલો ચંચો તખુભા ખાલી હાથે નીકળ્યા હોવાનો અહેવાલ હુકમચંદને પહોંચાડવા ચાલતો થયો..!

(ક્રમશ :)