Adhurap - 16 books and stories free download online pdf in Gujarati

અધૂરપ. - ૧૬

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૬

વિનય અપૂર્વના મનની વાત જાણી એને યોગ્ય સલાહ આપી બન્ને પોતપોતાને ઘેર જવા નીકળ્યા હતા.

વિનય ઘરે પહોંચ્યો એટલે તેની પત્ની નીલા ઓફિસેથી આવી ગઈ હતી અને ટેબલ પર ડિનર તૈયાર રાખી વિનયની રાહ જોઈ રહી હતી. જેવો વિનય આવ્યો કે એને સપ્રેમ વળગી પડી, અને પૂછ્યું, "કેમ જાન આજ લેટ થયું? ઓફિસમાં બધું ઠીક તો છે ને?"

વિનયે પણ નીલાને કપાળ પર ચુંબન કર્યું અને પોતાના ગળામાં પહેરેલી ટાઈ ઢીલી કરતા કહ્યું, "હા ડાર્લિંગ! બધું ઠીક છે.

વિનય હજુ અપૂર્વની વાત કહે એ પહેલા જ નીલા બોલી, "તો ચાલ જાનુ જલ્દી ફ્રેશ થઈને ડાઈનિંગ ટેબલ પર આવ. આપણે ડિનર કરીયે, મને બહુ કકડીને ભૂખ લાગી છે.

વિનય અને નીલા બંને ખુબ જ પ્રેમાળ દંપતી.... વળી, જેમ વિનય એકદમ હોશિયાર એમ નીલા પણ બધી જ રીતે સુયોગ્ય... બંને એકબીજાની લાગણીને સમજીને આગળ વધે અને પોતાની પ્રગતિમાં એકબીજાનો આભાર પણ માને.. બંનેનું જીવન ખુબ જ લાગણીવાળું અને સંતોષી હતું.

અહીં આ તરફ અપૂર્વ વિનયથી અલગ તો થયો પણ એના મનમાં વિનયના એકએક શબ્દ ગુંજી રહ્યા હતા. અપૂર્વને વિનયની સલાહ સાચી તો લાગી પણ પોતાનો અહમ હજુ એની વાત માનવા તૈયાર નહોતો. પોતે ફરી ફરી એ જ વિચાર પર જાત સાથે તર્ક કરતો હતો પણ એના જવાબમાં પોતે ખોટો સાબિત થઈ રહ્યો હતો. આખરે કેટલીવાર ન ઈચ્છવા છતાં તેનું મન વિનયની વાતને જ સહમત થતું હતું અને અંતે પોતે મનોમન વિચાર કર્યો, 'મારે વિનયે કીધું એમ કરવું જોઈએ. હું વિનયની આજ સુધીની દરેક સલાહમાં સફળ જ સાબિત થયો છું તો આ વખતે પણ એમ જ કરું.. કહેવાય છે ને કે કોઈ ન સમજાવી શકે ત્યારે દોસ્ત સમજાવી શકે...'

નિર્ણય લેવા જયારે ઉદ્દભવે ખોટ,
'દોસ્ત' આપે ત્યારે સમજૂતી સચોટ!

અહીં પણ અપૂર્વ સાથે એવું જ થયું, ભાર્ગવી પણ શાંતિથી જ પોતાની વાત સમજાવી રહી હતી પણ અપૂર્વના મનમાં જ ભાર્ગવીની એવી છાપ નહોતી કે ખરેખર એ ખૂબ સમજુ છે, વાંક ભાર્ગવીનો નહોતો જ. વાંક અપૂર્વની ભાર્ગવી માટેની ઓછી સમજનો હતો. વિનયે સાચી જ સલાહ આપી પણ કદાચ ખોટી સલાહ આપી હોત તો પણ અપૂર્વ માનત કારણ કે, એને વિનય માટે પેલેથી એવી ધારણા બાંધેલી જ હતી કે વિનય સાચી જ સલાહ આપે... સામાન્ય રીતે માનવી પોતાની જ સમજદારીથી સામેવાળી વ્યક્તિ માટે લઘુતાગ્રંથિ બાંધી બેસે છે એમાં જ એને તકલીફ પહોંચે છે માટે હંમેશા કોઈ પણ વાત કે વિષય હોય બધી જ બાજુ વિચારીને યોગ્ય રસ્તો પસંદ કરવો જેથી ક્યારેય પસ્તાવું ન પડે.

અપૂર્વ ઘરે પહોંચ્યો ત્યારે શોભાબહેન તેમની રાહ જોતા હોલમાં જ બેઠા હતા. શોભાબહેન પોતાનું ઘરમાં થયેલું અપમાન એમ થોડી ભૂલી શકે? આથી પોતાના સ્વમાનની શાંતિ મેળવવા બીજો રસ્તો શોધીને જ બેઠા હતા, કે કોઈ પણ ભોગે અમૃતા અને ભાર્ગવી વચ્ચે ઝગડો કરાવું તો જ મારા મનને ટાઢક વળે એવી ગાંઠ બાંધી બેઠા હતા... સામાન્ય રીતે પરિવારમાં આવી વિચારસરણી જન્મે એટલે વહુઓ તો ઝગડે એમની સાથોસાથ પોતાના દીકરાઓ પણ ઝગડે અને ઘરમાં જ હાથે કરીને કંકાસ ઉદ્દભવે... આમ જોઈએ તો આ આટલી અમથી નાનકડી જ વાત! પણ એનાથી વિશેષ શોભાબહેનનો અહમ! આથી એમને પોતાના કર્મનું જરા પણ ભાન જ ન રહ્યું અને પોતાના વિચારનો અમલ કરવા જ તેઓ અપૂર્વની રાહ જોતા બેઠા હતા.

અપૂર્વ પોતાના મમ્મીની પાસે બેઠો, હજી પોતાની કોઈ વાત અપૂર્વ કહે એ પહેલા જ શોભાબહેને આંખમાં આંસુ સાથે અપૂર્વને પૂછ્યું, "તું પણ કેમ ઉદાસ દેખાય છે?"

શોભાબહેને ચતુરાઈથી દીકરાના ખબરઅંતર પણ પૂછ્યા અને પોતે દુઃખી છે એમ પણ જણાવી દીધું.

અપૂર્વએ મમ્મીને પૂછ્યું,"તમને શું થયું? કેમ તમે રડો છો?"

શોભાબહેનને થોડો હાશકારો થયો કે અપૂર્વનું પોતાના આંસુ પર ધ્યાન તો ગયું.. ગમગીન અને આંસુ લૂછતાં બોલ્યા, "શું દીકરા હું તને પૂછું છું અને તું મારી ચિંતા કરે છે! હું મેં કરેલા પાપનું ફળ ભોગવું છું તું મારી ઉપાધિ ન કર હું કેટલા દહાડા? ? તારી વાત કર તારું મોઢું કેમ ઉતરેલું છે?"

અપૂર્વ પાપ શબ્દ સાંભળીને ગઈ કાલના વિચારમાં પડી ગયો અને શોભાબહેન આગળ શું બોલ્યા એ વાત અપૂર્વના કાનમાં જ ન ગઈ.

શોભાબહેન અપૂર્વને બેધ્યાન થયેલ જોઈને તેના ખભ્ભા પર હાથ મૂકી ફરી બોલ્યા,"અપૂર્વ...!!"

અપૂર્વ પોતાના વિચારની દોરમાંથી છટકીને પાછો આવ્યો અને બોલ્યો, "મમ્મી ભાર્ગવી ન દેખાણી એ ક્યાં છે?"

શોભાબહેન કહે,"એ હમણાં જ એનાં રૂમમાં ગઈ."

અપૂર્વ "હું હમણાં જમવા આવું જરા રૂમમાં ભાર્ગવીને મળતો આવું" એવું બોલતા બોલતા રૂમ તરફ વળ્યો.

શોભાબહેન પોતાની વાત કહેવા વાતાવરણ તો ઉભું કરી શક્યા પણ વાત જ ઉડી ગઈ.. એ મનમાં જ બબડ્યા, "દિવસના ક્યાં દુકાળ છે? કાલ અપૂર્વને મોકો જોઈ ને વાત કરીશ."

અમૃતા અને રાજેશના જીવનમાં એવો બદલાવ આવ્યો કે બંન્ને દુઃખી હોવાની સાથોસાથ એકબીજા સાથે છે એ વાતનો ખૂબ સંતોષ ધરાવતા હતા. રાજેશ અમૃતાના ખોળામાં માથું રાખી અમૃતાને કહી રહ્યો હતો, "કાલ ફરી હોસ્પિટલ જવાનું છે તો તું ગભરાતી નથી ને? હું તને કંઇ જ નહીં થવા દવ.. હું આટલા વર્ષ તને સાથ આપી શક્યો નથી પણ હવે એવું નહીં કરું. ભગવાને આટલા વર્ષ મને પણ તારાથી દૂર રાખ્યો, મારી ભૂલ ખાલી એટલી જ ને કે મને મારા મમ્મીની વાતનો વિશ્વાસ આવ્યો... પણ અમૃતા તું જ કહે કે ક્યાં બાળકને પોતાની મા પર વિશ્વાસ ન હોય?

અમૃતા બોલી, "ભૂલી જાવ બધી જૂની વાતોને. એ ફક્ત દુઃખ જ આપે..ભૂતકાળને કોતરીશું તો માત્ર દુઃખ જ પામીશું. વીતેલું દુઃખ કંઈ હવે સુખમાં પરિવર્તિત નહીં થાય.

રાજેશ બોલ્યો,"આઈ લવ યુ અમૃતા.." અને અમૃતાના ચહેરા પર શરમના શેરડા રંગાઈ ગયા અને એ પણ લજ્જાથી બોલી,"આઈ લવ યુ ટુ.. રાજેશ...."

રાજેશ અને અમૃતાના સંબંધે હવે નવું રૂપ ધારણ કર્યું હતું. એમના જીવનમાં જે પ્રેમની અધૂરપ હતી એ હવે આજે પુરી થઈ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED