આશ્રમમાંથી બહાર નીકળ્યા બાદ હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા હતાં.
ઓફિસે પહોંચ્યા બાદ હરમને બાબુલાલના શર્ટને હાથમાં લીધું અને એનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું. ખિસ્સા ઉપર જ્યાંથી સોય ખિસ્સુ ફાડીને તમાકુની ડબ્બીમાં ફસાઇ ગઇ હતી એ ખિસ્સાનો ભાગ ખૂબ વધારે ફાટી ગયો હતો. એ શર્ટને એણે નાક પાસે લઇ જઇ સૂંઘ્યો હતો અને કશાક વિચારમાં પડી ગયો હતો.
"જમાલ, તું અહીં ઓફિસમાં મારી રાહ જોજે. હું એક કામ પતાવીને આવું છું." હરમને જમાલને કહ્યું અને તરત એ ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો.
જમાલને નવાઇ લાગી હતી કારણકે હરમન એને લીધા વગર કશે જતો હોતો નથી.
લગભગ ચાર કલાક પછી હરમન ઓફિસે પાછો આવ્યો હતો અને પોતાની ખુરશીમાં બેસી ગયો હતો. જમાલે તો ખુરશીમાં બેઠાં બેઠાં એક ઊંઘ પણ ખેંચી લીધી હતી.
"બોસ, ચાર કલાક પછી તમે આવ્યા છો. ક્યાં ગયા હતાં?" જમાલે હરમનને પૂછ્યું હતું.
"આ કેસ બાબતે થોડી તપાસ કરવા ગયો હતો અને તપાસ કરતા જે જાણવા મળ્યું એ એટલું અજીબ છે કે જે આપણે કલ્પી પણ ના શકીએ. મારા પગ નીચેથી પણ એક મિનિટ માટે જમીન ખસી ગઇ હતી." હરમને જમાલ સામે જોઇ કહ્યું હતું.
"એવી તો શું વાત છે?" જમાલે નવાઇ પામતા પૂછ્યું હતું.
હરમને જમાલની વાત સાંભળી પરંતુ કશો જવાબ આપ્યો નહિ.
હરમને ઇન્સ્પેક્ટર ચૌહાણને ફોન કર્યો હતો અને પોલીસ કમિશ્નર જોડે ફરી મુલાકાત ગોઠવવા માટે કહ્યું હતું.
થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર ચૌહાણનો ફોન આવ્યો હતો અને કમિશ્નર સાહેબે કાલે સવારે અગિયાર વાગે પોલીસ કમિશ્નરની ઓફિસે બોલાવ્યા છે એવી માહિતી હરમનને આપી હતી.
હરમન બીજા દિવસે સવારે અગિયાર વાગે પોલીસ કમિશ્નરની કચેરીએ પહોંચ્યો ત્યારે નિમેષ શાહ એની ગાડીમાંથી ઉતરી રહ્યો હતો. એને ગાડીમાંથી ઉતરતો જોઇને જમાલને ખૂબ નવાઇ લાગી હતી.
"બોસ, મને તો ખાતરી જ છે કે આ જ ખૂની છે. સારું થયું તમે એને અહીંયા બોલાવી દીધો." જમાલે હસતાં હસતાં હરમન સામે જોઇ કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર ચૌહાણ, હરમન, જમાલ અને નિમેષ શાહ પોલીસ કમિશ્નરની ઓફિસમાં દાખલ થયા હતાં. ઓફિસની અંદર દાખલ થતાં જ હરમને સોફા પર બેસી તમાકુ ચોળતા બાબુલાલને જોયા હતાં.
"આ બાબુલાલ અહીંયા કેમ આવ્યો છે? તમે એને અહીં બોલાવ્યો છે?" જમાલે હરમનને કાનમાં પૂછ્યું હતું.
જમાલે હરમનને આંખ કાઢી ઇશારાથી ચૂપ રહેવા માટે કહ્યું હતું.
પોલીસ કમિશ્નરે બધાંને બેસવા કહ્યું હતું. હરમન પોલીસ કમિશ્નરની સામેની ખુરશીમાં, નિમેષભાઇ હરમનની ડાબી બાજુની ખુરશીમાં અને ઇન્સ્પેક્ટર ચૌહાણ હરમનની જમણી બાજુની ખુરશીમાં ગોઠવાયા હતાં. જમાલ બાબુલાલ પાસે જઇ સોફા પર બેઠો હતો.
"સર, તમે મને જે કામ સોંપ્યું છે એ કામ મેં પૂરું કરી નાંખ્યું છે. હું મારી વાત કહું એ પહેલા નિમેષભાઇ કશુંક કહેવા માંગે છે." આટલું બોલી હરમને નિમેષભાઇની સામે જોયું હતું.
નિમેષભાઇનો પોલીસ કમિશ્નર સાથે વાત કરવાનો પહેલો અનુભવ હતો એટલે જરા ખચકાટ અનુભવી રહ્યા હતાં. પછી એમણે ગળું ખંખેરી બોલવાનું શરૂ કર્યું હતું.
"કમિશ્નર સાહેબ, હરમન કાલે મારી ઓફિસ આવ્યો હતો અને મને સાચી વાત કહી દેવા માટે કહ્યું હતું. નહિતર આ ખૂનનો આરોપ મારા પર આવશે, હું નિર્દોષ છું છતાં પણ. એવું એણે મને સમજાવ્યું હતું અને એટલે જ હું આપની સમક્ષ સત્ય રજૂ કરી રહ્યો છું. ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇનું ખૂન થયા બાદ હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. વર્ષોથી જમીનના ધંધા સાથે સંકળાયેલો છું એટલે હું સમજી ગયો હતો કે આ હત્યા ગાંધીનગર પાસે આવેલી સેવાશ્રમની જમીનના કારણે થઇ રહી છે. એટલે મેં મારા માટે બે બોડીગાર્ડ રાખ્યા હતાં. બાબુભાઇ પણ આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને જમીનમાં એમનું નામ હોવાના કારણે તેમના પર પણ હુમલો થાય એવી શક્યતા હતી. માટે મેં એમને કહ્યા વગર બે સિક્યોરિટી ગાર્ડ એમની પાછળ રખાવ્યા હતાં. પરંતુ મારી ધારણા કરતા કંઇક અલગ ઘટના બની રહી હતી." નિમેષ શાહ પાણી પીવા માટે ઊભા રહ્યા હતાં.
નિમેષભાઇ પછી આગળ બોલ્યા હતાં.
"સિક્યોરિટી ગાર્ડ બાબુભાઇ જે ફ્લેટમાં રહે છે એની બહાર સવારે આઠ વાગ્યાથી ઊભો રહેતો હતો અને બાબુભાઇ જ્યાં જાય ત્યાં એમનો પીછો કરતો હતો. આ સમયગાળા દરમ્યાન બાબુભાઇ એક કોફી કલરની મર્સીડીઝમાં ગાંધીનગરની જમીન બતાવવા માટે અમદાવાદના એક મોટા બીલ્ડરને લઇ ગયા હતાં. એ વખતે બાબુભાઇની જોડે મર્સીડીઝમાંથી એક સ્ત્રી પણ ઉતરી હતી. ત્યારબાદ લગભગ પંદર દિવસ પછી બાબુલાલ અમદાવાદના બીજા એક બીલ્ડરને લઇ જમીન બતાવવા માટે ગયા હતાં. એ બીલ્ડરની પ્રતિષ્ઠા સારી નથી. સસ્તામાં જમીન પડાવી લેવી, ગુંડાગીરી કરવી આ બધાં એના ધંધા છે અને આ વાત જમીનના ધંધા સાથે સંકળાયેલા દરેક લોકો જાણે જ છે. બાબુલાલ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતાં એટલે આ બીલ્ડરના કરતૂતોને સારી રીતે જાણતા હતાં છતાં એને જમીન બતાવવા માટે એ લઇ ગયા હતાં. એ વખતે પણ બાબુલાલ સાથે પેલી સ્ત્રી પણ હાજર હતી. મને લાગે છે ત્યાં સુધી બાબુલાલ પોલીસથી કોઇક એવી વાત છુપાવે છે જે આ હત્યા સાથે જોડાયેલી છે." આટલું બોલી નિમેષભાઇએ બાબુલાલ સામે જોયું હતું.
"હું જમીન બતાવવા માટે બે-ત્રણ બીલ્ડરને લઇ ગયો તો એમાં શું થઇ ગયું? મને પણ મારી જાનની પરવા હતી અને એટલે હું આ જમીનમાંથી મારો હિસ્સો કોઇ બીલ્ડરને વેચી દેવા માંગતો હતો જેથી મારી જાન ઉપર ખતરો ના રહે. મારી જાન બચાવવાનો તો મને અધિકાર છે." બાબુલાલે હાથમાં તમાકુ ચોળતા કહ્યું હતું.
હરમન હવે ખુરશીમાંથી ઊભો થઇ ગયો હતો અને બાબુલાલ પાસે ગયો હતો.
"બાબુલાલ, તમને તમારી જાન બચાવવાનો અધિકાર તો ચોક્કસ છે પરંતુ બીજા કોઇની જાન લેવાનો અધિકાર નથી." હરમનની વાત સાંભળી બધાં ચોંકી ગયા હતાં.
"હરમન તું શું વાત કરે છે? બાબુલાલ કોઇનું ખૂન કરી શકે નહિ." કમિશ્નરે બૂમ પાડી ગુસ્સાથી હરમનને કહ્યું હતું.
"સર, મારી આખી વાત સાંભળી લો. એ પછી આપ નિર્ણય કરજો કે બાબુલાલે ખૂન કર્યા છે કે નથી કર્યા." હરમને પોલીસ કમિશ્નર સામે જોઇ કહ્યું હતું.
કમિશ્નર સાહેબ કશુંક જવાબ આપે એ પહેલા જ બાબુલાલ બોલ્યા હતાં.
"હરમનને એની વાત કહેવા દો. જોઇએ તો ખરા જાસૂસની જાસૂસીમાં કેટલો દમ છે?" બાબુલાલે તમાકુ ચોળતા ચોળતા કમિશ્નર સાહેબની સામે જોઇ કહ્યું હતું.
કમિશ્નર સાહેબનો હામાં ઇશારો મળતા હરમને પોતાની વાત આગળ વધારી હતી.
"સૌ પહેલા CCTV ફુટેજ જેમાં બાબુલાલ પર હુમલો થાય છે એ દૃશ્ય આપણે જોઇએ." આટલું બોલી હરમને એનું લેપટોપ કમિશ્નર સામે રાખી એ દૃશ્ય ચાલુ કર્યું હતું.
કમિશ્નરે દૃશ્યને ખૂબ ધારીને જોયું હતું. હરમને હવે પોતાની વાત આગળ વધારી હતી.
"આ દૃશ્યમાં બાબુલાલ પોતાનો હાથ સીધો છાતી પર મુકી દે છે. જો કોઇની છાતીમાં આટલી મોટી સોય ગઇ હોય તો સોય થોડી બહાર રહે. એવા સંજોગોમાં કોઇપણ વ્યક્તિ પોતાના હાથથી છાતીને જોરથી દબાવી ના શકે. પરંતુ બાબુભાઇએ પોતાનો હાથ જોરથી છાતી પર દબાવેલો છે. એનો મતલબ કે એ વખતે એમને સોય વાગી જ ન હતી પરંતુ તમાકુની ડબ્બીમાં સોય ભરાવી પહેલેથી જ ગજવામાં મુકી દીધી હતી. બીજી વાત ઇન્સ્પેક્ટર ચૌહાણે બાબુલાલને ઘટનાસ્થળે પહેર્યો હતો એ શર્ટ લાવવાનું કહ્યું હતું. પરંતુ બાબુલાલે ઘટનાસ્થળનો શર્ટ લાવવાના બદલે પ્રહલાદનગર પેન્ટાલૂનમાંથી એવો જ શર્ટ ખરીદી અને એ જ દિવસે લાવ્યા હતાં અને એમણે શર્ટ ઉપર સોયથી કાણું પાડીને કાણું મોટું કર્યું હતું. જો બંદૂકથી સોય આરપાર નીકળી ગઇ હોય તો આટલું મોટું કાણું પડ્યું ન હોય એમ કહી હરમને બાબુલાલનો શર્ટ બતાવ્યો હતો. મેં એ દિવસે પેન્ટાલૂનમાં જઇ ખાતરી કરી લીધી હતી કે બાબુલાલે પોલીસ સ્ટેશન આવતા રસ્તામાં શર્ટ ખરીદ્યો હતો અને એના પર જાતે જ કાણું પાડ્યું હતું. જૂનું શર્ટ જે ઘટનાસ્થળે એમણે પહેર્યું હતું એ શર્ટ એમણે ફાડી નાંખ્યો હશે અથવા તો સળગાવી નાંખ્યો હશે. માટે એમને નવું શર્ટ ખરીદવાની જરૂર પડી. ત્રીજી વાત, નિમેષભાઇ જે સ્ત્રીની વાત કરે છે એ સ્ત્રી અને બાબુભાઇના ફોટા અલગ-અલગ લોકેશન પર એ બંન્ને જણા મળ્યા હતાં એના છે. જે આપ જોઇ શકો છો." આટલું કહી હરમને નિમેષભાઇ સામે ઇશારો કર્યો હતો.
નિમેષભાઇએ એ ફોટોગ્રાફ પોલીસ કમિશ્નરના હાથમાં આપ્યા હતાં.
"આ સ્ત્રી જેણે જીન્સ, ટી-શર્ટ અને ચશ્મા પહેર્યા છે એ સાધ્વી પુષ્પાદેવી છે અને આ જ સાધ્વી પુષ્પાદેવીએ બાબુલાલ ઉપર એ લોકોના પ્લાન પ્રમાણે હુમલો કર્યો હતો જેથી બાબુલાલ ઉપર ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇની હત્યાનો આરોપ ના આવે અને બાબુલાલ પર પણ હુમલો થયો છે માટે એ નિર્દોષ અને પીડિતની કેટેગરીમાં આવી જાય. ચોથી વાત બાબુલાલની ગેરહાજરીમાં હું બાબુલાલના ફ્લેટમાં ડુપ્લીકેટ ચાવીથી દાખલ થયો હતો. એમના ઘરમાં મને રમકડાંની દસ શોટગન અને મોટી વીસ આવી સોય મળી હતી જેના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી મારા મોબાઇલમાં છે. ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ પાસે તપાસ કરાવતા માલુમ પડી જશે કે એની ઉપર બાબુલાલના ફીંગરપ્રિન્ટ છે. બાબુલાલનું છેલ્લું ટાર્ગેટ નિમેષ શાહને મારવાનું હતું પરંતુ નિમેષ શાહ સિક્યોરિટી ગાર્ડથી ઘેરાયેલા હોવાના કારણે એમના માટે આ શક્ય બન્યું નહિ. એ પોતે ખૂની હોવા છતાં એમણે મને એપોઇન્ટ કરવાની સલાહ તમને કેમ આપી એ મને સમજાતું નથી." હરમને બાબુલાલ સામે જોઇ કહ્યું હતું.
"વાહ હરમન, તારી જાસૂસીને માની ગયા. હું સમજતો હતો કે હું તારા કરતા પણ વધુ હોંશિયાર છું પરંતુ તે મને માત આપી દીધી. ચાલ કંઇ વાંધો નહિ. તું જીત્યો અને હું હાર્યો. કમિશ્નર સાહેબ, આ બધાં ખૂન મેં જ કર્યા છે." આટલું બોલી બાબુલાલે પોતાની તમાકુની ડબ્બી ખોલી અને એમાંથી એક ગોળી બહાર કાઢી હતી.
બાબુલાલ ગોળી મોઢામાં મુકવા જાય એ પહેલા જ જમાલે બાબુલાલનો હાથ જોરથી પકડી લીધો અને હરમને એ ગોળી એમના હાથમાંથી લઇ લીધી અને પોલીસ કમિશ્નરના ટેબલ પર મુકી દીધી હતી.
"બાબુલાલ, તમારા જેવા હોંશિયાર માણસને હું આટલી જલ્દી મરવા નહિ દઉં. તમારો મોબાઇલ પણ જમાલે લઇ લીધો છે. જે મોબાઇલથી સાધ્વી પુષ્પાદેવી અહીંયાની વાત સાંભળી રહ્યા હતાં એ ચાલુ ફોન જમાલે ક્યારનો બંધ કરી દીધો છે. સાધ્વી પુષ્પાદેવીને પણ પકડવા માટે લેડીઝ પોલીસને તરત મોકલી આપવી જોઇએ નહિતર એ પણ આત્મહત્યા કરી લેશે." હરમને પોલીસ કમિશ્નર સામે જોઇ કહ્યું હતું.
બાબુલાલ અને સાધ્વી પુષ્પાદેવીને ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇના ખૂનના આરોપમાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યા હતાં.
બીજા દિવસે હરમન ઇન્સ્પેક્ટર ચૌહાણને મળવા માટે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
"ચૌહાણ સાહેબ, સાધ્વી પુષ્પાદેવીએ પોતાના બયાનમાં શું કહ્યું?" હરમને ઇન્સ્પેક્ટર ચૌહાણને પૂછ્યું હતું.
"સાધ્વી પુષ્પાદેવીના બયાન પ્રમાણે બાબુલાલે એમને સાધુશ્રીને પણ આ રીતે હટાવી ગાદીપતિ બનાવવાનું વચન આપ્યું હતું અને સેવાશ્રમના કુલ મળીને ત્રણસો કરોડનો વહીવટ એમને સોંપવાનું બાબુલાલને વચન આપ્યું હતું. બાબુલાલનું મગજ અને મતિ સાંઇઠ વર્ષે ભ્રષ્ટ થઇ ગયા હતાં. સાધ્વી પુષ્પાદેવીને સેવાશ્રમનો પુરો વહીવટ અને પૈસા જોઇતા હતાં અને બાબુલાલને સાધ્વી પુષ્પાદેવી જોઇતા હતાં. બાબુલાલનું માઇન્ડ એટલું ક્રિમિનલ હતું કે એમણે સાધુશ્રીના ખાવામાં એમની તબિયત નાદુરસ્ત રહે એના માટેની દવાઓ સાધ્વી પુષ્પાદેવીને આપી હતી જેના કારણે સાધુશ્રીની તબિયત અવારનવાર બગડતી હતી. સાધુશ્રીને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા હતાં. પરંતુ તને કઇ રીતે ખબર પડી કે બાબુલાલ જ ખૂની છે?" ઇન્સ્પેક્ટર ચૌહાણે હરમનને આખી વાત કહી પછી હરમનને પ્રશ્ન પૂછ્યો હતો.
"સૌથી પહેલા મને શક ગયો હતો CCTV ફુટેજ જોઇને. તમને યાદ હોય તો કાળો કોટ અને હેટ પહેરીને જે વ્યક્તિ બાબુલાલની જોડેથી પસાર થઇ હતી અને બાબુલાલની નજર એની સામે મળી હતી અને જ્યારે એ વ્યક્તિએ બાબુલાલ પર હુમલો કરવાનું નાટક કર્યું જેથી આ ઘટના CCTVમાં કેદ થઇ જાય. હકીકતમાં એ વખતે જ બાબુલાલે તમાકુની ડબ્બીમાં સોય ભરાવી ઉપરના ખિસ્સામાં મુકી રાખી હતી. એ ટ્રીગર દબાવનાર વ્યક્તિના હાથ પર મારી નજર પડી ત્યારે મને લાગ્યું કે આ કોઇ સ્ત્રીનો હાથ છે અને જ્યારે બાબુલાલ પોલીસ સ્ટેશનમાં શર્ટ લઇને આવ્યા ત્યારે એ શર્ટને મેં સૂંઘ્યો હતો અને મને ખબર પડી કે આ શર્ટ હમણાં જ ખરીદવામાં આવ્યો છે. કારણકે જ્યારે નવા કપડાં ખરીદો ત્યારે એ કપડાંમાંથી અલગ જ સ્મેલ આવતી હોય. એવી જ સ્મેલ એ શર્ટમાંથી પણ આવતી હતી. બસ આ બે મુદ્દાઓ પરથી બાબુલાલ પર મારી શંકા દૃઢ બની હતી. નવા શર્ટની સુગંધથી મેં બાબુલાલ પર મારો શક મજબૂત કર્યો હતો અને હા, બાબુલાલમાંથી અને એમના કપડાંમાંથી તમાકુની તીવ્ર દુર્ગંધ આવતી હોય છે જે આ શર્ટમાંથી આવતી ન હતી. માટે તમાકુની તીવ્ર દુર્ગંધ ન આવવી એ વાત મારા માટે બાબુલાલ પર શંકા કરવાના મોટા આધાર જેવી બની ગઇ હતી." હરમને કહ્યું હતું.
સંપૂર્ણ.......
(વાચકમિત્રો, જાસૂસની જાસૂસી આ ધારાવાહિક આપને કેવી લાગી એ વિશે આપના પ્રતિભાવથી જરૂરથી જણાવશો.)
- ૐ ગુરુ