હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા અને બપોરનું ભોજન પતાવીને બંન્ને જણ કેસની ફાઈલ લઈને બેઠા હતાં.
‘જમાલ વારાફરતી બંન્ને ખૂન કેસની ફાઈલ વાંચવાનું તું શરૂ કરી દે અને એ લોકોનું મર્ડર કઈ રીતે થયું છે, એ તું વાંચી મને સંભળાય.’ હરમન ખુરશીમાં આંખ બંધ કરી જમાલ જે બોલે તે સંભાળવા તૈયાર થઇ ગયો.
‘સૌથી પહેલી વ્યક્તિનું ખૂન થયું એમનું નામ ચંદ્રકાંત શેઠ હતું. એમની ઉંમર 64 વર્ષની હતી. તેઓ પાલડી ચાર રસ્તા ક્રોસ કરતા હતા ત્યારે એમના પર આવી જ અણીદાર સોયથી હુમલો કરવામાં આવ્યો હતો અને એ સોય એમના હ્રદયની આરપાર નીકળી ગઈ હતી અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે સોય રીવોલ્વરની સ્પીડથી ગોળી જેમ નીકળે તેમ નીકળી ચંદ્રકાંતભાઇના હૃદયને વીંધી નાંખ્યું હતું.
'હવે આપણે બીજા વ્યક્તિ જેનું નામ દિપક દેસાઈ હતું. ઉંમર એમની 60 વર્ષની હતી. તેઓનું મર્ડર એ સવારે પરિમલ ગાર્ડનમાં ચાલવા માટે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈએ આ જ રીતે, આ જ પદ્ધતિથી, આવી જ અણીદાર સોયથી એમનું ખૂન કર્યું હતું અને એમનું પણ ઘટના સ્થળે મોત થયું હતું.' જમાલે પહેલા કેસની ફાઇલ બાજુમાં મુકતા કહ્યું હતું.
'ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઈ બંને જણ આર્થિકરીતે ઘણા સમૃદ્ધ હતા અને સામાજિકરીતે પણ સક્રિય હતા. પોલીસ ફાઈલ પ્રમાણે એ બંનેના કુંટુબીજનોએ કોઈના પર શક હોય એવી વાત કરી નથી અને બંન્ને જણ એકબીજા સાથે એવી રીતે કનેક્શન ધરાવતા હતાં કે બંન્ને જણ સેવાશ્રમ નામના ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હતાં. આ વાત પણ બંને જણનાં પરિવાર સાથે વાત કરતા પોલીસને માલુમ પડ્યું હતું.' જમાલે હરમન સામે જોઇ કહ્યું હતું.
'જમાલ, મને લાગે છે કે સૌથી પહેલી વાત દિપક દેસાઈ, ચંદ્રકાંત શેઠ અને બાબુભાઈ. આ ત્રણ જણ વચ્ચે કોઈને કોઈ એવું કનેક્શન છે કે જે કનેક્શન પોલીસ પકડી શકી નથી. આ ત્રણે જણા એકબીજાને ઓળખતા હતાં અને જો આ ત્રણેય વચ્ચેનું કનેક્શન ખબર પડી જાય તો આ ખૂન કેમ થયા છે, એનું કારણ આપણને સમજાઈ જાય. તો આ ખૂન કેમ થયા છે અને આ ખૂન કોણ કરી રહ્યું છે? એ સમજાઈ જાય અને આપણને ખબર પડી શકે અને કેસ આપણે સરળતાથી ઉકેલી શકીએ.' હરમને ટેબલ પર પોતાનો હાથ પછાડતા કહ્યું હતું.
'સૌથી પહેલા તપાસ આગળ વધારવા માટે આપણે બાબુભાઈને, આ બંને જોડે એમને કેવા સંબંધ હતાં અથવા તો એ લોકોના કોઇ દુશ્મનો હતાં. કોઈકના દ્વારા પણ એમનો પરિચય છે. અથવા નામ સાંભળ્યું છે? એવા પ્રશ્નોની પૂછપરછ કરવી પડશે.' હરમને જમાલ સામે જોઈ કહ્યું હતું.
જમાલે બાબુભાઈને ફોન કર્યો હતો. બાબુભાઈએ કલાકમાં જ એમની ઓફીસ આવી પહોંચ્યા હતા.
‘મને હતું જ કે આ કેસ બાબતે ક્યાંક ને ક્યાંક મારી જરૂરત પડશે જ.’ બાબુભાઈએ મોઢામાં તમાકુ ચાવતાં-ચાવતાં કહ્યું હતું.
‘બાબુભાઈ તમને એક પ્રશ્ન પૂછું? ચાર દિવસ પહેલા તમારા ઉપર જાનલેવા હુમલો થયો છે. છતાં તમે આટલાં શાંતિથી કઈ રીતે બેસી શકો છો? અને એ પણ મુખ પર હાસ્ય સાથે? મને સમજાવોને.’ જમાલે બાબુભાઈ સામે જોઈ પૂછ્યું હતું.
‘અરે જમાલભાઈ, વાત એવી છે કે હું માનું છું જીવવા-મરવાનું તો ઉપરવાળાના હાથમાં છે. આપણે તો દરેક સંજોગોમાં હસતાં જ રહેવાનું. સાચું કહું તો હુંય એક વખત માટે ખૂબ ડરી ગયો હતો. પછી વિચાર્યું કે જાન બચી ગઇ એટલે બહુ થયું. હવે એ કહો કે મને કેમ બોલાવ્યોતો?’ બાબુભાઈએ તમાકુ પહેલી આંગળીથી હાથમાં ઘસતાં-ઘસતાં પૂછ્યું હતું.
‘સાલો આ કમિશ્નરનો સાળો ના હોત તો, અહીંયા જ એક ચોંટાડી દેત.’ હરમનને બાબુભાઇની તમાકુ ખાવાની પદ્ધતિથી ચીડ ચઢી હતી એટલે મનમાં એ બબડ્યો હતો.
બાબુભાઈ, તમે ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઈ વિશે વધુ માહિતી આપી શકો ખરા?
‘આ બંને જણ મારી સાથે સેવાશ્રમમાં જોડાયેલા હતાં. સેવાશ્રમ નામની એક સંસ્થા છે. જ્યાં લોકોનો મફત ઈલાજ કરવામાં આવે છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે મેડીકલ કેમ્પ યોજાતો હોય છે. એમ આ રીતે મહિનામાં આઠ દિવસ સેવાશ્રમના આ કાર્યક્રમમાં ઘણાંબધાં લોકો સેવા આપવા જાય છે અને આ રીતે આ સંસ્થા દ્વારા ખુબ જ ઉત્તમ કાર્ય થઇ રહ્યું છે. હું પણ આ સંસ્થામાં ઘણી બધીવાર સેવા આપવા ગયો છું. ત્યાં વીસ વર્ષ પહેલા આ મને બંને જણનો પરિચય થયો હતો. જેટલું મને યાદ આવે છે એટલું કદાચ સાચું હોઈ શકે. સેવાશ્રમમાં તમને તપાસ કરવાથી ખબર પડે. આ સેવાશ્રમ ચલાવનાર સાધુ કૃપાલદાસજી છે અને એ ખુબ જ જ્ઞાની પુરુષ છે. બધાં એમને સાધુશ્રી તરીકે ઓળખે છે.’ બાબુભાઈએ હાથમાં મસળેલું તમાકુ મોંમાં મૂકતા કહ્યું હતું.
‘તમે તો સેવાશ્રમ અને આ સાધુશ્રીથી પરિચિત હશો ને? તો ચાલો તમે મને એણની મુલાકાત કરાવો અને તમે હશો તો જવાબ પણ ઝડપથી અને સરળતાથી મળી જશે.’ હરમને પોતાની ખુરશીમાંથી ઊભા થતા બાબુભાઈને કીધું હતું.
‘હા, ચાલો. આપણે તો આમેય રીટાયર્ડ છીએ. આપણને તો કોઈ કામ નથી. તમે કહો ત્યાં હું આવવા માટે તૈયાર છું.’ બાબુભાઈએ હસતાં-હસતાં કહ્યું હતું.
હરમન ડ્રાઈવીંગ શીટ પર બેઠો. જમાલ એની બાજુમાં અને બાબુભાઈ પાછળ બેઠા હતા. બાબુભાઈએ પાછળથી જમાલને તમાકુ આપવા માટે હાથ લંબાવ્યો, પરંતુ જમાલે હરમનના ડરથી તમાકુ લીધી નહિ. બાબુભાઈએ તમાકુનો ફાકડો માર્યો.
'બાબુભાઈ વારેઘડીએ તમાકુ તમે ના ખાવ. દિવસમાં એક કે બે વાર ખાવું જોઇએ નહિતર નુકસાન થાય.' હરમને અકળાઈને કહ્યું.
‘અરે ! હરમનભાઈ, હું પંદર વર્ષનો હતો ત્યારથી આ ટેવ પડી છે. છેલ્લા ૪૫ વર્ષથી એને છોડવાનો પ્રયત્ન કરું છું પણ છૂટતી નથી. આ તમાકુના ચક્કરમાં ને ચક્કરમાં મારા લગ્ન પણ ના થયા બોલો.’ આટલું બોલી બાબુભાઈ ફરીવાર હસ્યાં હતા.
હરમન બાબુભાઈએ આપેલા સરનામાં પ્રમાણે સેવાશ્રમ તરફ પોતાની ગાડી લઈ જઈ રહ્યો હતો. સેવાશ્રમના મુખ્ય દરવાજા પાસે બાબુભાઈ ઉતર્યા હતા અને સિક્યુરીટીને દરવાજો ખોલવા કીધું હતું. બાબુભાઈની ઓળખાણ હોવાના કારણે આશ્રમમાં પ્રવેશ કરવામાં જરાપણ વાંધો આવ્યો નહિ.
બાબુભાઈ આશ્રમની ઓફિસમાં સાધુશ્રીને મળવા માટેની વાત કરવા માટે જઇ રહ્યા હતાં. સેવાશ્રમની ઓફિસમાં ભગવા વસ્ત્ર ધારણ કરેલી એક યુવાન સ્ત્રી બેઠેલી હતી. બાબુભાઇ પૂછપરછ કરી રહ્યા હતાં એવું હરમને જોયું હતું. બાબુભાઇ વાતચીત કરી પાછા આવ્યા હતાં.
'આપણે અડધો કલાક રાહ જોવી પડશે. સાધુ શ્રી આરામમાં છે. અડધો કલાક પછી ઊઠે એટલે આપણે મળી શકીશું. મરી ઓળખાણના કારણે જ એમનો શિષ્યા સાધ્વી પુષ્પાદેવી આપણને એમની જોડે મળાવવા તૈયાર થઇ છે.' બાબુભાઈએ હસતાં-હસતાં કહ્યું.
હરમન અડધો કલાક આશ્રમના આંટા મારતો રહ્યો. આશ્રમમાં ઉગાડવામાં આવેલા ઝાડ, છોડ, ફૂલ હરમનને બહુ ગમ્યા. આશ્રમમાં પૂર્ણ શાંતિનો અનુભવ હરમનને થવા લાગ્યો. માનવસેવાના આવાં સારા કાર્ય કરનાર વ્યક્તિઓ માટે હરમનને હંમેશા માન રહ્યું જ છે. હરમન અડધો કલાકમાં આખો આશ્રમ ફરીને પાછો આવ્યો ત્યારે બાબુભાઈ અને જમાલ ઓટલે બેસી અને તમાકુ ખાઈ રહ્યા હતા. હરમને જમાલ તરફ ગુસ્સાથી જોયું હતું.
'ચાલો, સાધુશ્રી તમને બોલાવે છે. પરંતુ શક્ય હોય એટલો ઓછો સમય એમનો લેજો. એમની તબિયતની સ્થિરતા સારી નથી.' ઓફિસમાં બેઠેલી સાધુશ્રીની શિષ્યાએ આવીને બાબુભાઈને કહ્યું હતું.
બાબુભાઈની પાછળ-પાછળ હરમન અને જમાલ ચાલવા લાગ્યા હતા. દસ મિનીટ ચાલીને એક કુટીર આકારના બનાવેલા એક ઘરમાં તેઓ દાખલ થયા હતા. બહારથી કુટીર જેવું લાગતું ઘર અંદરથી આલીશાન હતું. બેસવા માટે મોંઘી સોફાચેરો મુકવામાં આવી હતી અને એક નાનકડા સ્ટેજ જેવું બનાવવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર એક લાકડાનું સિંહાસન બનાવવામાં આવેલું હતું. તેના ઉપર સાધુશ્રી બિરાજમાન હતા. બાબુભાઈએ એમની પાસે જઈ શાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતાં. હરમન અને જમાલે પણ દુરથી પ્રણામ કર્યા હતા.
‘આવો બાબુભાઈ, મને કેમ યાદ કરવો પડ્યો?’ સાધુશ્રીએ બાબુભાઈના માથે હાથ મૂકતા પૂછ્યું હતું.
‘સાધુશ્રી આપણી સંસ્થાના ટ્રસ્ટીઓ ચંદ્રકાંત અને દિપક દેસાઇના ખૂન બાબતે થોડી પૂછપરછ કરવી છે.’ આટલું બોલી બાબુભાઈએ પોતાના ઉપર થયેલા હુમલાની આખી ઘટના સાધુશ્રીને વિગતવાર કહી હતી.
હરમન અને જમાલ, બંને સોફાચેર પર બેઠાં બેઠાં બાબુભાઈ અને સાધુશ્રીની વચ્ચે થતી વાતચીતને સાંભળી રહ્યા હતાં.
બાબુભાઈ જેમ-જેમ વાત કહેતા ગયા, તેમ-તેમ સાધુશ્રીની આંખોની ઉપરના ભવા ઊંચા-નીચા થઈ રહ્યા હતા. કપાળ પર આંખો પ્હોળી થવાના કારણે કરચલીઓ પડી રહી હતી.
ક્રમશઃ.......
(વાચકમિત્રો, જાસૂસની જાસૂસી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવથી જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે વળાંક આપીને હું આપના સુધી પહોંચાડી શકું...)
- ૐ ગુરુ