બાબુભાઈએ ઈશારો કરી હરમનને સાધુશ્રીની નજીક બોલાવ્યો હતો.
'બાબુભાઈએ મને બધી વાત કહી છે. તમારે જે સવાલ પૂછવા હોય તે મને પૂછી શકો છો.' સાધુશ્રીએ હરમનને કહ્યું હતું.
‘સાધુશ્રી, ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આપની સંસ્થાના ટ્રસ્ટીઓ છે. એમનું ખૂન કરવામાં આવ્યું છે એ વાતની આપને ખબર છે? એમનું ખૂન કોણ કરી શકે એ બાબતે આપ કશો પ્રકાશ પાડી શકો એમ છો?’ હરમને સાધુશ્રીને ખૂબ વિનમ્રતાથી પૂછ્યું હતું.
'આ બંને જણ અમારા સેવાશ્રમની અંદર સેવા આપતા હતા અને અમારી સંસ્થામાં ટ્રસ્ટીઓ પણ હતાં એમનું દુઃખદ મૃત્યુ થયું. એમને રસ્તામાં એટેક આવ્યો હતો અને પછી સાંભળ્યું કે એમનું ખૂન થયું છે. વધુ માહિતી તો નથી, પરંતુ અમારા સેવાશ્રમ સાથે વીસ વર્ષથી જોડાયેલા હતાં અને ખૂબ જ દયાળુ હતાં છે એ વાત ચોક્કસ છે. જેમ બાબુભાઈ અત્યારે મારી સાથે જોડાયેલા છે.' સાધુશ્રીએ હરમન સામે જોઇ કહ્યું હતું.
સાધુશ્રી જ્યારે હરમનને આ વાત કહી રહ્યા હતાં ત્યારે આશ્રમની ઓફિસમાં બેઠેલા સાધ્વી જેમનું નામ પુષ્પાદેવી છે એ આવીને સોફા ચેર ઉપર બેસી ગયા હતાં.
'સેવાશ્રમમાં એમને કોઈની જોડે દુશ્મનાવટ હોય એવું આપને કોઈ જાણ ખરી?' હરમને સાધુશ્રીને બીજો પ્રશ્ન પૂછ્યો હતો.
‘સેવાશ્રમ ખુબ જ મોટો અને વિસ્તરેલો છે. બહુ બધા અનુયાયીઓ અહીંયા સેવા આપતા હોય છે અને દાન પણ આપતા હોય છે. એના કારણે ઘણીવાર કામ કરવાને લઈને અથવા તો સંસ્થાના નિર્ણયોમાં એકબીજાના હસ્તક્ષેપના કારણે મન મોટાવ ચોક્કસ થતા હશે. પરંતુ કોઈ ખૂન કરે એવું હું માનતો નથી. આ આશ્રમની અંદર ખુબ જ શિસ્ત અને નીતિમત્તાનું પાલન અમે કરતા હોઈએ છીએ. એટલે અમારા આશ્રમના કોઈ અનુયાયીઓ આવું કોઈ કૃત્ય કરે એવું અમે માની ના શકીએ. હા, મન મોટાવ ઘણા બધા વચ્ચે ચોક્કસ હશે. આ બાબુભાઈને પણ ઘણાબધા જોડે મન મોટાવ રહેતા હોય છે. પણ છતાં બાબુભાઈ હસીને એ વાત ભૂલી જતા હોય છે. આવું બીજા બધા અનુયાયીઓ પણ કરે છે.’ સાધુશ્રીએ પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા હરમનને જવાબ આપ્યો હતો.
'સાધુશ્રી આ બંને વિશે બીજી કોઈ માહિતી આપ કહી શકો છો? જે અમે ના જાણતા હોઈએ અને તમને એવું લાગતું હોય કે આ બહુ નાની માહિતી છે, કહેવા જેવી નથી પરંતુ છતાં અમારા માટે ઉપયોગી હશે એવું સમજીને તમે કંઈ કહી શકો?' હરમને સાધુશ્રીને સવાલ પૂછ્યો હતો.
સાધુશ્રી થોડા વિચારમાં પડી ગયા.
'હા, મેં એક સંસ્થા ખોલી હતી જેમાં મેં પાંચ ટ્રસ્ટીઓ બનાવ્યા હતાં અને એ સંસ્થાની અંદર આ બંને જણ પણ ટ્રસ્ટી હતાં. બીજા ત્રણ ટ્રસ્ટીમાં નિમેષ શાહ કરીને એક બીલ્ડર છે, આ બાબુભાઇ પોતે છે અને પાછળ બેઠેલા સાધ્વી પુષ્પાદેવી પણ છે પરંતુ આ ટ્રસ્ટે કોઈ સક્રિય કાર્ય હજી કર્યું નથી. ટ્રસ્ટ બનાયે દસ વર્ષ થઇ ગયા અને જે જગ્યાએ સેવાશ્રમ ઊભો કરવાનો હતો એની જમીન પણ અમે દાનમાં લીધા પછી એમ ને એમ મૂકી રાખી છે કારણ કે આ જ સેવાશ્રમની પ્રવૃત્તિઓ સંભાળવી મુશ્કેલ થઈ રહી છે તો બીજી સેવાશ્રમની પ્રવૃતિઓ ઉભી કરી શું કરવું? એ વિચાર હેઠળ મેં હમણાં એ ટ્રસ્ટને ઉભું રાખ્યું છે.' સાધુશ્રીએ હરમનને જવાબ આપતા કહ્યું હતું.
ત્રણેય જણ સાધુશ્રીનો આભાર માની કુટીર માંથી બહાર નીકળ્યા હતા.
હરમન ગાડી ચલાવતાં-ચલાવતાં વિચારી રહ્યો હતો.
'બાબુભાઈ નવી સંસ્થા માટે જે જમીન લીધી એ જમીન ક્યાં આવેલી છે?' હરમને બાબુભાઇને પૂછ્યું હતું.
‘એ જમીન આપણે ગાંધીનગર જતા રસ્તામાં આવે છે અને લગભગ સો વીઘાની આસપાસ જમીન છે.’ બાબુભાઈ એ હરમનને કહ્યું હતું.
‘ચાલો તો આપણે જઈને એ જમીન જોઈએ. આજે આપણે આમ કોઈ ખાસ કામ છે નહિ.’ હરમને બાબુભાઈને કહ્યું હતું.
'હા તો ચાલો, જમીન જોઈએ અને રસ્તામાં ગરમ-ગરમ ભજીયા પણ ખાઈશું. તમારી જોડે હરમનભાઈ ફરવાની બહુ મજા આવે છે, ખરેખર.' બાબુભાઇએ હસતાં-હસતાં હરમનને કહ્યું હતું.
હરમને બાબુભાઇએ બતાવેલા રસ્તા ઉપર ગાડી લઇ લીધી હતી. ગાંધીનગરની અંદર પ્રવેશ કરતા બાબુભાઇએ ગાડીને વાળવાનું કહ્યું હતું. લગભગ સો મીટર અંતર પછી એક મોટી જગ્યા પાસે બાબુભાઇએ ગાડી ઊભી રખાવી હતી.
'તમારી નજર જ્યાં સુધી જાય છે એનાથી પણ આગળ આ જગ્યા છે. સો વીઘાની આસપાસની આ જગ્યાની આજે વેલ્યુ સો કરોડ રૂપિયા થતી હશે.' બાબુભાઇએ હરમન સામે જોઇ કહ્યું હતું.
હરમને આજુબાજુ નજર નાંખી.
'બાબુભાઇ, અહીં તો બધાં ફ્લેટ અને બંગલા બની રહ્યા છે અને જગ્યા તો એકદમ મોકાની છે.' હરમને બાબુભાઇ સામે જોઇ કહ્યું હતું.
'હરમનભાઇ, જગ્યા મોકાની છે એ જ તો વિવાદનો પ્રશ્ન છે. આ જગ્યામાં નિમેષ શાહ કરીને એક ટ્રસ્ટી છે જે બીલ્ડર પણ છે. એણે સાધુશ્રી પાસે આ જગ્યા વેચાતી માંગી હતી. પરંતુ સાધુશ્રીએ અને મેં આ જગ્યા વેચવા માટે વિરોધ કર્યો હતો.' બાબુભાઇએ તમાકુ ચોળતા ચોળતા હરમનને કહ્યું હતું.
'બાબુભાઇ, તમારી પાસે નિમેષ શાહનો મોબાઇલ નંબર છે? આપણે એમને મળવું પડશે.' હરમને બાબુભાઇને પૂછ્યું હતું.
હરમનની વાત સાંભળી બાબુભાઇએ પોતાના મોબાઇલમાંથી નિમેષભાઇનો ફોન નંબર કાઢી એમને ફોન કર્યો હતો અને મળવા માટે વાત કરી હતી. નિમેષભાઇ ઓફિસમાં બેઠાં હતાં. એમણે બાબુભાઇને પોતાની ઓફિસ બોલાવી લીધા હતાં. લગભગ કલાક પછી તો હરમન, જમાલ અને બાબુભાઇ ત્રણેય નિમેષભાઇની ઓફિસમાં એમની સામે બેઠાં હતાં.
'નિમેષભાઇ, ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇની થયેલી હત્યા વિશે તમારું શું માનવું છે? ગાંધીનગર પાસે આવેલી સેવાશ્રમની જગ્યા તમે ખરીદવા માંગતા હતાં, એ વાત સાચી?' હરમને નિમેષભાઇને પૂછ્યું હતું.
'જુઓ, હું પોતે પણ ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇના ખૂનથી હલી ગયો છું. આ જમીન ખરીદવામાં મને ચોક્કસ રસ છે કારણકે આજુબાજુ રહેઠાણની સ્કીમો ઊભી થઇ રહી છે. પરંતુ સાધુશ્રી અને બાબુભાઇ બંન્ને આ જગ્યા વેચવા માંગતા નથી. આ જગ્યા સાધુશ્રીને મારા જ એક સગાં પિતાંબર શાહે જે અમેરિકા રહે છે એમણે આજથી દસ વર્ષ પહેલા દાનમાં આપી હતી. પરંતુ દસ વર્ષમાં સેવાશ્રમે ત્યાં કોઇપણ પ્રવૃત્તિ કરી નથી. ગયા વર્ષે જ તેઓ અમેરિકાથી અહીંયા આવ્યા હતાં ત્યારે સાધુશ્રીને કહ્યું હતું કે તમે આ જમીન ઉપર કોઇ સામાજિક કાર્ય ના કરવાના હોય તો એમની જમીન એમને પરત આપી દો. એ વખતે મીટીંગમાં ચંદ્રકાંતભાઇ, બાબુભાઇ, દિપકભાઇ, સાધુશ્રી, હું અને સાધ્વી પુષ્પાદેવી હાજર હતાં. પરંતુ સાધુશ્રીએ એમને આશ્વાસન આપ્યું કે તેઓ આ જમીન પર સેવાકાર્ય શરૂ કરશે. પરંતુ એ વાતને પણ એક વર્ષ થવા આવ્યું. સાધુશ્રીએ ત્યાં કોઇ પ્રવૃત્તિ ચાલુ કરી નથી. મને ઉડતી ઉડતી ખબર મળી હતી કે તેઓ આ જમીન અમદાવાદના કોઇ મોટા બીલ્ડરને વેચવા જઇ રહ્યા છે. માટે મેં આ જમીન બજારભાવે માંગી હતી પરંતુ મને આપવાની ના પાડે છે બીજી જગ્યાએ વેચવા માટે પ્રયત્ન કરે છે. ચંદ્રકાંત શેઠ અને દિપકભાઇના ખૂન પાછળ આ જમીન કારણભૂત હોઇ શકે છે. માટે મેં મારા માટે સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે.' નિમેષ શાહે હરમનની વાતનો જવાબ આપ્યો હતો.
બાબુભાઇએ ચાર દિવસ પહેલા પોતાના પર થયેલા હુમલાની વાત નિમેષ શાહને કહી હતી. એમની વાત સાંભળી નિમેષભાઇને કપાળે પરસેવો થઇ ગયો હતો.
'મને લાગે છે આ જમીનના કારણે જ આ ખૂન થઇ રહ્યા છે. હું સાધુશ્રીને કહીને જમીનમાંથી મારું નામ કઢાવી નાંખું છું. મારે આ જમીન પણ ખરીદવી નથી.' નિમેષભાઇએ પરસેવો લૂછતાં લૂછતાં કહ્યું હતું.
ત્રણે જણ નિમેષભાઇ જોડે હાથ મીલાવી કેબીનમાંથી બહાર નીકળ્યા હતાં અને ગાડીમાં આવીને બેઠાં હતાં. બાબુભાઇને એમના ઘરે ઉતારી હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા હતાં.
'બોસ, જર-જમીન અને જોરુ, ત્રણે કજીયાના છોરુ આ કહેવત આ કેસમાં સાબિત થઇ રહી છે.' જમાલે હરમનને કહ્યું હતું.
જમાલ જ્યારે હરમનને આ કહી રહ્યો હતો ત્યારે હરમન ઊંડા વિચારોમાં મગ્ન થઇ ગયો હતો અને કાગળ ઉપર કશુંક લખી રહ્યો હતો.
ક્રમશઃ.....
(વાચકમિત્રો, જાસૂસની જાસૂસી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવથી જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ