જાસૂસની જાસૂસી - ભાગ 1 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાસૂસની જાસૂસી - ભાગ 1

જાસૂસની જાસૂસી

ભાગ-૧


અણીદાર સોય


હરમન અને જમાલ પોલીસ કમિશ્નરની ઓફિસના વેઇટીંગ રૂમમાં બેઠા હતા અને ઇન્સ્પેકટર ચૌહાણના આવવાની રાહ જોઈ રહ્યા હતાં.

ઇન્સ્પેકટર ચૌહાણે ફોન કરી સવારે હરમનને પોલીસ કમિશ્નરની કચેરીએ બોલાવ્યો હતો. પોલીસ કમિશ્નર એને મળી એની સાથે વાતચીત કરવા માંગે છે, એવું હરમનને એમણે કહ્યું હતું.

ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હરમનને આશ્ચર્ય થયું કે શહેરના પોલીસ કમિશ્નરને મારું શું કામ પડ્યું હશે? પરંતુ ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હા પાડી અને એ બરાબર દસ વાગે પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમમાં આવીને બેસી ગયો હતો. ત્યારથી એના મનમાં આ પશ્ન ચાલતો હતો કે પોલીસ કમિશનરે મને મળવા શું કરવા બોલાવ્યો છે?

લગભગ સાડા દસની આસપાસ ઇન્સ્પેકટર ચૌહાણ પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમના એરિયામાં દાખલ થયા અને એમણે હરમન અને જમાલને ત્યાં બેઠેલા જોયા.

‘હરમન સારું થયું તું આવી ગયો. હમણાં દસ મિનીટમાં આપણને કમિશ્નર સાહેબ બોલાવે છે. એમની વાત તું બરાબર સાંભળી લેજે અને એ શું કહેવા માંગે છે સમજી લેજે.’ ઇન્સ્પેકટર ચૌહાણે હરમનના કાનમાં કહ્યું હતું.

લગભગ દસ મિનીટ પછી પોલીસ કમિશ્નર રાજન વર્માએ હરમનને, જમાલને અને ઇન્સ્પેકટર ચૌહાણને અંદર પોતાની કેબિનમાં બોલાવ્યા હતાં.

પોલીસ કમિશ્નર રાજને હરમન સાથે હાથ મીલાવ્યો અને બેસવાનું કહ્યું હતું. પછી એમણે હરમન તરફ જોઈ કહ્યું હતું.

'આ સોફા પર બેઠા છે, એ મારા સાળા બાબુભાઈ છે. કાલે રાતે માણેકચોક ખાણીપીણી બજારમાં એ નાસ્તો કરવા ગયા હતા અને અચાનક એમની છાતીમાં જોરથી અણીદાર સોય સ્પીડમાં આવીને ભોંકાઇ ગઇ હતી. એમના શર્ટના આગળના ખિસ્સામાં એમની તમાકુની ડબ્બી હતી માટે એ અણીદાર સોય એ ડબ્બીમાં જ ભરાઈ ગઇ અને એમની જાન બચી ગઇ. નહિતર એ મરી ગયા હોત.' આટલું બોલી પોલીસ કમિશ્નર રાજનને એ તમાકુની ડબ્બીમાં ખુપેલી લાંબી સોય જે તે પરીસ્થિતિમાં હતી તે પરિસ્થિતિમાં જ હરમનને બતાવી હતી.

પોલીસ કમિશ્નર રાજન પછી આગળ બોલ્યા હતા.

'ઇન્સ્પેકટર ચૌહાણે તારા ખુબ વખાણ કર્યા છે અને તે મર્ડરના કેસ ઉકેલવામાં પોલીસને ઘણી મદદ પણ કરી છે. મેં તને આજે એટલા માટે અહીં બોલાવ્યો છે કે લગભગ બે મહિનામાં આ ત્રીજો પ્રસંગ છે. બે જણના મૃત્યુ પણ આવી રીતે જ થયા છે અને એ બંન્ને જણા પણ બાબુભાઇની જેમ ઉંમરલાયક હતાં અને બાબુભાઇ એ બંન્ને જણને ઓળખે છે. પોલીસ બે મહિનાથી શોધખોળ કરી રહી છે, પરંતુ કોઈ સુરાગ હાથમાં લાગતો નથી. પણ કાલે જયારે મારા સગાં સાળા પર આ હુમલો થયો ત્યારે હું થોડો વિચારતો થઇ ગયો હતો. કારણ કે મારા સાળાને મારવા પાછળ કોઈનો હેતુ હોય એવું લાગતું નથી. તેઓ નિવૃત્ત છે અને કુંવારા પણ છે. પરંતુ એમના પોતાના કોઈ પર્સનલ દુશ્મન હોય કે મિત્ર હોય એવું છે નહિ. તો પછી એમને મારવા માટેનું કારણ શું હોય? મેં વિચાર્યું કે તું આ કેસમાં પોલીસને ચોક્કસ મદદ કરી શકીશ એટલે મેં તને અહીં બોલાવ્યો છે.’ પોલીસ કમિશ્નર રાજનને પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

હરમન આખો મામલો સાંભળી રહ્યો હતો. કેસ એને ખુબ જ રસપ્રદ લાગ્યો હતો.

‘કમિશ્નર સાહેબ આપે મને બોલાવ્યો છે અને તમે મારા ઉપર વિશ્વાસ મુક્યો છે તો હું ચોક્કસ આ કેસ ઉકેલવામાં પોલીસની મદદ કરીશ. પરંતુ આપના સાળા પર આ હુમલો થયો એ પહેલા કયા બે વ્યક્તિઓ પર હુમલો થયો હતો અને એ કેવી રીતે મરી ગયા? એની મારે માહિતી જોઇશે. અને તમને જો વાંધો ના હોય તો તમારા સાળાને હું થોડા સવાલ પૂછવા માંગું છું.’ હરમને પોલીસ કમિશ્નર રાજનને કહ્યું હતું.

'હા, ચોક્કસ. તમે તેમની જોડે સોફામાં બેસી જાવ અને આપને જે પણ સવાલ પૂછવા હોય તે પૂછી લો. ત્યાં સુધી હું ઇન્સ્પેકટર ચૌહાણ જોડે વાત કરી લઉં.' પોલીસ કમિશ્નરે હરમનને કહ્યું હતું.

હરમન ઉભો થઈ અને બાબુભાઇની સામેના સોફા પર આવીને બેસી ગયો હતો.

હરમને પોલીસ કમિશ્નરના સાળા બાબુભાઇ સામે જોઈ પૂછ્યું હતું,

'આપનું નામ શું છે? આપની કોઈની સાથે દુશ્મની હોય એવું છે?' હરમને કમિશ્નર સાહેબના સાળા સામે જોઈ પૂછ્યું હતું.

‘મારું નામ બાબુભાઈ કાચવાળા છે. આમ મૂળ હું સુરતનો છું પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થિર થયો છું. હું સરકારી ખાતાનાં રેવન્યુ ડીપાર્ટમેન્ટ માંથી નિવૃત થયો છું. નિવૃત થયે મને હજી બે વર્ષ જ થયા છે. એકલો જ છું અને મારે કોઇપણ દુશ્મન હોય એવું નથી. નાના મોટા ઝઘડા હોય પરંતુ એ કંઈ ખૂન ખરાબા સુધી પહોંચે નહિ. અને એવા નાના મોટા ઝઘડા પણ એવા ખાસ છે નહિ. મેં લગ્ન નથી કર્યા અને હું એકલો જ નવરંગપુરામાં આવેલા મારા બંગલામાં રહું છું. આ બંગલો પણ મારા પિતાજી ના સમયનો છે અને એમણે જ મને આપેલો છે, એટલે એમાં પણ કોઈની સાથે કોઈ મિલકતના વિવાદો હોય એવું નથી. મને પોતાને એવું લાગે છે કે કદાચ ખૂન કરવાના ઈરાદાથી ખૂનીએ મારા પર હુમલો કર્યો હશે, પરંતુ એ મારા બદલે એ કોઈ બીજા ઉપર હુમલો કરવા માંગતો હશે અને એણે ભૂલથી મારા પર એટેક કર્યો હશે. તમે ઉકેલ્યા હતાં એ કેસો વિશે મારે અને ઇન્સ્પેકટર ચૌહાણને વાત થઇ હતી. મારે અને ઇન્સ્પેકટર ચૌહાણને અઠવાડિયામાં ત્રણ-ચાર વાર મળવાનું થાય. એટલે મેં જ ખાસ કરીને તમારા નામની ભલામણ મારા બનેવી રાજનભાઈને કરી કે આ કેસ તમને આપવો જોઈએ. તમે આને સરળતાથી ઉકેલી શકશો.’ બાબુભાઈએ હસતાં-હસતાં હરમનને કહ્યું હતું.

‘બાબુભાઈ તમારો ખૂબ આભાર. પરંતુ તમારા ઉપર હુમલો જે અણીદાર સોયથી કરવામાં આવ્યો છે, એ કઈરીતે કરવામાં આવ્યો હશે? એવું કોઈ દ્રશ્ય કે કોઈ વસ્તુ જોઈ હતી ખરી?’ હરમને બાબુભાઇ સામે જોઇ પૂછ્યું હતું.

‘હું નાસ્તો કરી માણેકચોકના ખાણીપીણી બજારમાંથી બહાર આવી રહ્યો હતો, એ વખતે અચાનક મારી છાતીમાં મને જોરથી કશુંક વાગ્યું હોય એવું મને લાગ્યું હતું. હું એક સેકન્ડ માટે તો નીચે જમીન ઉપર બેસી ગયો હતો, લોકો ભેગા થઇ ગયા હતાં. મેં મારા ખિસ્સામાં જોયું તો મારી તમાકુની ડબ્બીમાં અણીદાર સોય ભોંકાયેલી હતી. જે નોર્મલ સાઈઝની સોય કરતાં પાંચ ગણી મોટી હતી. એટલે હું ડરી ગયો અને એટલે જ આ વાત મેં તરત જ મારા બનેવીને કરી હતી. આ ઘટના ચાર દિવસ પહેલાની છે.’ બાબુભાઈએ હરમનને આખી ઘટના કહી હતી.

હરમને ઊભા થઈને કમિશ્નર સાહેબના ટેબલ પર મુકેલી તમાકુની ડબ્બી અને એમાં ભરાયેલી સોય હાથમાં લીધી હતી અને એ સોયને થોડા દિવસ માટે પોતાની પાસે રાખવાની મંજુરી કમિશ્નર પાસે માંગી હતી.

‘હા હરમન, તું આ સોયને રાખી શકે છે. તારી તપાસ પૂરી થઈ જાય પછી આ સોય ઇન્સ્પેકટર ચૌહાણને આપી દેજે. બાબુભાઈનો નંબર પણ તું તારી પાસે રાખી લે, જેથી કરીને તારે કોઈ પ્રશ્નો હોય તો તું એમનો સંપર્ક સાધી શકે અને મારું કંઈ કામ હોય તો ઇન્સ્પેકટર ચૌહાણને કહી શકે છે. ઇન્સ્પેકટર ચૌહાણ તને આ કેસમાં મદદ કરશે.’ કમિશ્નર રાજને હરમન સામે જોઈ કહ્યું હતું.

હરમન, જમાલ અને ઇન્સ્પેકટર ચૌહાણ ત્રણે કમિશ્નર સાહેબની કેબિનમાંથી બહાર આવ્યા અને ઇન્સ્પેકટર ચૌહાણની બદલી પાલડી પોલીસ સ્ટેશને થઇ હતી. એટલે ત્યાં આવીને ત્રણે જણ બેઠા અને આ કેસ બાબતે ચર્ચા કરવા લાગ્યા હતાં.

‘શું લાગે છે હરમન?’ ઇન્સ્પેકટર ચૌહાણે ટેબલ ઉપર પડેલા પેપર વેટને ફેરવતાં ફેરવતાં પૂછ્યું હતું.

‘અરે ! ચૌહાણ સાહેબ, પેલા બે જે ખૂન થયા છે એની ફાઈલ તો મને આપો. મને અભ્યાસ કરવા દો. પોલીસ કમિશ્નરની કચેરીમાંથી આપણે બે જોડે તો આવ્યા. હજી તપાસ કર્યા વગર હું તમને કઈ રીતે કહી શકું કે શું લાગે છે.’ આટલું કહી હરમન હસવા લાગ્યો હતો.

ઇન્સ્પેકટર ચૌહાણે બે ફાઈલની ઝેરોક્ષ હરમનને આપી હતી અને ફાઈલ વાંચી લીધા બાદ પરત આપવા માટે પણ કીધું હતું. હરમન અને જમાલ ફાઈલ લઈ ગાડીમાં બેઠા અને પોતાની ઓફીસ જવા માટે નીકળ્યા હતા.

‘લાંબી સોયથી ખૂન? જમાલ મને તો આઈડિયા નવો લાગે છે. પણ આવું કરવા પાછળનું રહસ્ય શું?' હરમને સવાલ તો જમાલને પૂછ્યો હતો, પણ જવાબ સાંભળવાના બદલે હરમનના મનમાં વિચારો ચાલી રહ્યા હતા.

ક્રમશઃ....

(વાચકમિત્રો, જાસૂસની જાસૂસી ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુરેટ કરો અને રિવ્યુ આપો

Paul

Paul 8 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 8 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 9 માસ પહેલા

Kashmira Jasani

Kashmira Jasani 9 માસ પહેલા

Zainab Makda

Zainab Makda 9 માસ પહેલા