નિસ્વાર્થ લાગણી Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિસ્વાર્થ લાગણી

આપણાં જીવનમાં અમૂક વસ્તુઓ અને અમૂક ઘટનાઓ માટે આપણી એક પૂર્વધારણા હોય છે જેવી કે કોઈ પણ વાર્તાનું મુખ્ય પાત્ર એકદમ દેખાવડુ, એકદમ હોશિયાર, ઈન્ટેલિજન્ટ અને બધી જ રીતે સરસ હોય પણ હકીકતમાં એવું હોતું નથી જીવનમાં. છતાં પણ આપણું મન પણ એ ઢાંચામાં જ વણાયેલું હોય છે કે એનાથી વિપરીત જાણે કંઈ જોવા કે વાંચવામાં આવે તો આપણું દિલ તરત સ્વીકારી શકે નહીં પણ ક્યાંક આજે પણ એવી વાર્તાઓ કે સત્ય ઘટનાઓ આજે જીવંત હોય છે કદાચ આપણે એને અવગણતા કે નજર અંદાજ કરતાં હોઈએ છીએ એવી જ એક સત્યઘટના પર આધારિત એક સુંદર નાનકડી લવસ્ટોરી આપની સમક્ષ રજૂ કરું છું મને વિશ્વાસ છે કે એ આપ સહુને ચોક્કસ ગમશે. 

**********

"લીલા ઓ લીલા! ક્યાં ગઈ તું? જો આજે તો શું લાવ્યો છું તારાં માટે?" કહેતો શંભુ હાથમાં એક એલ્યુમિનિયમના થાળને ખભે રાખીને બીજા હાથમાં સ્ટીલની બરણી પકડીને આવ્યો.

એક મેલીઘેલી દેખાતી સાડીનો છેડો સરખો કરતી લીલાએ એ કોરા અસ્તવ્યસ્ત વાળને સરખા કરતાં એ નાનકડાં ઝુંપડાનો આડો કરેલો દરવાજો ખોલ્યો. એ અંધારાથી કાળાશ બાઝી હોય એવી ઝુંપડીમાં એણે એક નાનકડો બ્લબ ચાલું કર્યો અને હસીને બોલી,"શું થયું? શું લાવ્યા શંભુ? કેમ આટલું હસો છો?"

"અરે બસ આજે તો શીરો અને પેલું પૂરણપોળી જેવું અને બીજું પણ સારુ સારું જમવાનું વાળું લેવા ગયો તો મળ્યું છે. તને ભાવે છે ને? તું આજે પેટ ભરીને ખાજે હોને! "શંભુ ખુશીથી સંતોષ સાથે સ્મિત રેલાવતો બોલ્યો.

"કેમ ગળ્યું તો તમને પણ કેટલું ભાવે છે મને ખબર છે, ભૂખ તો તમનેય લાગી હશે જ ને? બેય સાથે ખાઈશું." લીલા શાંતિથી બોલી.

"નહીં. રોટલી શાક છે એ હું ખાઈશ. તને ખબર છે ને આપણું બાળક આવવાનું છે, એ સારું આવે એ માટે તારે આ બધું ખાવાનું છે મારે નહીં. હું ખાઈશ તો આ બાળક થોડું મોટું થશે?" કહીને શંભુ પ્રેમથી લીલાના પેટ પર હાથ ફેરવવા લાગ્યો ત્યાં જ બાળકે એક લાત મારી. એ જોઈ શંભુ બોલ્યો,"જો એનેય ભૂખ લાગી છે ચાલ ફટાફટ જમવા ભેગા થઈએ" કહેતાં બેય એ થાળમાં જ વાળું માગીને લાવેલી વસ્તુઓને એકબીજાને પરાણે આપતાં નિર્દોષતાથી જમવા લાગ્યાં!

*************

લીલા અને શંભુ એક નાનકડા ગામડામાં રહે, લીલા કહી શકાય કે માનસિક રીતે થોડી પાછળ. એટલી બહુ સમજ ન પડે. એનું પિયર કહી શકાય કે ઠીક પ્રમાણમાં સારું પણ ચાર છોકરીઓ અને એક ભાઈ. બીજી બહેનો તો પરણી ગઈ પણ સૌથી નાની લીલા જેને થોડું સાદી ભાષામાં કહીએ તો બહુ એટલો દેખાવ પણ નહીં અને મગજ પણ નહીં એને કોણ લઈ જાય પણ એને કારણે એનાં ભાઈનું સગપણ થતું નહોતું.

સમય વીતતો જતો હતો એનાં મમ્મી પપ્પાને લીલા અને એનાં ભાઈ બંનેની ચિંતા રહેતી. આખરે એનાં ભાઈનું સેટ કરવા માટે એ લોકોએ લીલા માટે કોઈ પાત્ર મળે એ માટે શોધખોળ શરૂ કરી. એ દરમિયાન એમને કોઈએ શંભુની વાત કરી.

શંભુ એક ગામડાનો સીધો સાદો છોકરો બહું દેખાવ નહી. માડ બે ચોપડી ભણેલો, ભણવાનું બહું આવડે નહીં એટલે સ્કુલમાંથી ઉઠાડી મૂકેલો. ગામમાં મજુરી કરે અને બસ રોટલી રળે. બહું એટલી ધંધાની કે નોકરીમાં સૂઝ ન પડે. નાનપણમાં માતાપિતા મૃત્યુ પામેલા એટલે કાકાએ એને મોટો કરેલો. પણ હવે કોણ વધારે રાખવા તૈયાર થાય એ વિચારે એય એને કોઈ જે એનાં એમ જેવું પાત્ર મળે અને પરણાવી દે એની રાહમાં હતાં અને બસ નસીબનું મળવું કે સંજોગોનું બંને એકબીજા સુધી પહોંચ્યાં અને બંનેનાં સાદાઈથી લગ્ન કરી દેવાયાં.

બેય જણા એક નાનકડા ઝૂંપડા જેવા મકાનમાં રહે, લીલા ય ભેગી મજુરી માટે જવા લાગી. એ બે જણનું મજુરીથી રોજનું ખાવાનું થઈ જાય અને સાંજે વળી ગામમાં વાળું લેવા નીકળે એમાં થોડું રાતનું જમવાનું થઈ જાય અને વધે તો સવારનું ય થાય. ચોમાસાની અને અમૂક સમયે મજૂરીના પણ ફાફા પડે એવું પણ કોક દિવસ થતું તો, કોઈ દિવસ વાળુ પણ એવું ન મળે. એમ કરતા બેય દિવસ પસાર કરતા હતાં પણ ભગવાનની મહેરબાનીની સાવ ભુખ્યા રહેવું પડે એવું ખાસ ન થતું.

લગભગ ત્રણ વર્ષ આમ વીતી ગયાં. બહું ઝાઝી સમજ નહીં પણ આખરે તો માણસો જ ને? લાગણી, સંવેદના અને આકર્ષણ તો ખરું જ ને? એક દિવસ લીલાની તબિયત બગડી અને એક નાનાં ડૉક્ટરને બતાવા ગયાં એણે થોડું ચેક કરીને ગામના મોટાં દવાખાને મોકલ્યાં તો તપાસ કરતા ખબર પડી કે લીલા ગર્ભવતી છે. લીલા અને શંભુ બેય ખુશ થઈ ગયાં આજુબાજુ રહેતાં લોકો અને એ નાનકડાં ગામમાં બહું વસ્તી ન હોવાથી આ વાત ચોમેર ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યાં કે આ પાગલ જેવાં નાસમજ બેય બાળકને કેવી સાચવશે? એમનું બાળક પડાવી દેવું જોઈએ એનું શું ભવિષ્ય હશે? બેય માબાપ આવાં છે તો બાળકનું શું થશે? પણ બેય જણાને ઘણાં લોકોએ સમજાવવા છતાં બાળક પડાવવાની ના પાડી અને સમય સાથે લીલાના ગર્ભમાં બાળક મોટું થવા લાગ્યું.

વિચારવાની ભલે લાંબી શક્તિ ન હોય પણ માતાપિતા તરીકે કુદરત કદાચ કોઈ અદભૂત શકિત આપતો હશે કે શું લીલા ગર્ભવતી હોવાથી શંભુએ એને મજૂરીએ લઈ જવાનું બંધ કરી દીધું. આખો દિવસ મજુરી કરીને પૈસા લાવે અને સાજે વાળુ લેવા જાય. એને કંઈ પણ એવું કામ ન કરવા દે એની કાળજી પણ એટલી જ રાખે.

આ જોઈને જે લોકો એમને બાળક પડાવવા કહેતાં હતાં એ લોકો જ એ બંનેનાં એક અબૂધ જેવા પ્રેમનાં વખાણ કરવા લાગ્યાં. આપણે બુદ્ધિશાળી લોકો ન સાચવી શકીએ એટલું એ લીલાને આ સમયમાં સાચવે છે.

લોકો કહેવા લાગ્યાં કે આપણાં બુદ્ધિશાળી લોકોમાં કહી શકાય કે દરેક કામ કે વસ્તુ પાછળ એક સ્વાર્થ હોય છે પણ આવાં લોકો નિ:સ્વાર્થપણે જીવતાં હોય છે એમનો પ્રેમ નિર્મળ હોય છે. લોકો જોતાં કે બધું જ હોવા છતા દરેકના ઘરમાં કોઈને કોઈ કારણે ઝઘડા, કંકાસ બધું રહેતું પણ લીલા અને શંભુ પાસે કંઈ ન હોવા છતાં કંઈક એવું પોતીકાપણુ અને કુદરતનો પ્રતાપ છે કે એ બંને વચ્ચે કોઈ દિવસ ઝઘડો જ થતો કોઈએ જોયો નથી, સામાન્ય રીતે બુદ્ધિશાળી માણસોની ભાષામાં કહીએ તો પાગલની માફક પણ હસતાં જ રહે, રિસામણા, મનામણાં કે અહમ જેવું કંઈ જ નહીં કારણ કે બુદ્ધિ જ એવી બહું નહીં.

અમૂક લોકો તો એવું પણ કહેવા લાગ્યાં કે જો ઓછી બુદ્ધિ હોવાથી આવી સરળ જિંદગી જીવાતી હોય કે કોઈ એવી મગજમારી કે ટેન્શન નહીં તો પાગલ બનવામાં પણ કંઈ વાંધો નથી.

બસ આમ કરતાં લીલાને નવમો મહિનો બેસી ગયો. એમ એની તબિયત સારી હતી. શંભુ એનાથી બનતું સારામાં સારું આટલાં મહિનાઓ સુધી ખવડાવતો રહ્યો છે કદાચ એ કારણે લીલા છેક સુધી સ્વસ્થ હતી.

આખરે એક દિવસ અચાનક એને દુખાવો ઉપડ્યો અને દવાખાને લઈ ગયાં. લીલાએ એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. બે ય જણાની ખુશીનો પાર ન હતી સાથે જ આસપાસ રહેતાં લોકો પણ એનાં માટે થોડાં દિવસો સુધી સારું ખાવાનું આપી જતાં બસ એમ કરતાં દીકરો પણ મોટો થવા લાગ્યો.

સમયની લકીર કોણે જોઈ છે એ મુજબ એક દિવસ શંભુની તબિયત ખરાબ થઈ ગઈ. એને ભયંકર તાવ અને ઉધરસને થઈ ગયું. દવા લીધી પણ સારું ન થતાં વધારે તપાસ કરાવી તો ખબર પડી કે એને ટીબી થયો છે, દવા તો ચાલું કરી પણ કદાચ એ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયો હોવાથી એને દવા આપવા છતાં એટલું સારું નહોતું થતું. લીલા અબુધ હોવા છતાં શંભુની એટલી જ સેવા કરતી. શંભુથી હવે કામ પણ વધારે ન થવા માંડ્યુ એટલે લીલા બાળકને શંભુ પાસે ઘરે મૂકીને એકલી મજુરી કરવા જતી અને વાળું લેવા પણ.

પણ જાણે એક ઋણાનુબંધ પુરો થયો હોય એમ શંભુનું શરીર એટલું લેવાઈ ગયું કે આખરે એ લીલાને મૂકીને કુદરતને શરણે જતો રહ્યો. અબૂધ લીલા સામાન્ય લોકોના જીવનમાં આ બનતું હોય એના કરતાં કંઈક વધારે જ દુઃખી થઈને રડી. કોઈને એમની સાથે સીધો સંબંધ નહોતો છતાં સહુને આ કરૂણતાભરી લીલાની વેદનાને જોઈને દુઃખ થયું. ફક્ત અઢી વર્ષના પારસે પિતાને ગુમાવી દીધો. બધાને એમ કે ધીમે ધીમે બધું સામાન્ય થઈ જશે એટલે એનાં માતાપિતા પણ દુઃખી થઈને એને પોતાનાં પિયર લઈ જવા આવ્યાં.

કોણ જાણે લીલા શંભુને ગુમાવવાના સદમામાથી બહાર જ ન આવી શકી. આખો દિવસ મારો શંભુ, મારો શંભુનુ રટણ કરવા લાગી. એનું દિમાગી સંતુલન વધારે બગડવા લાગ્યું અને આખરે એનાં માતાપિતા એને પરાણે ફરીવાર લેવા આવ્યાં પણ કોણ જાણે લીલાને અહીં નાના દીકરા સાથે એકલી અહીં રાખવાનું માતાપિતાને ઠીક ન લાગ્યું અને લીલાને આ શંભુનો સાથ છૂટ્યો એ ઠીક ન લાગ્યું. એનાં ડુસકા અચાનક શમી ગયાં, એને પોતાનો અને દિકરાનો થોડો ઘણો સામાન હતો એય પેક કર્યો પણ એક નિ:સ્વાર્થ અને નિર્દોષ પ્રેમ કરનાર શંભુનો ચહેરો હજુ પણ જાણે એનાં મગજમાં ચોમેર ઘુમરાઈ રહ્યો અને દરવાજામાં થેલો લઈને નીકળતાં જ ભોય પર ફસડાઈ પડી અને બે મિનિટમાં જ શું થયું કે એણે પોતાનાં શ્વાસ છોડી દીધાં અને એ પણ અનંતયાત્રાએ શંભુની સાથે જ દીકરાને મૂકીને નીકળી પડી.

દીકરાને તો એનાં નાના નાની લઈ ગયાં પણ કોણ જાણે આ વાતથી આખું ગામ દુઃખી થઈ ગયું. ગામમાં કેટલાય લોકો યુવાન, યુવતીઓ મૃત્યુ પામતાં પતિ પત્ની, માતાપિતાનાં, બાળકોનાં સંબંધે સહુ દુઃખી થતાં અને સમય સાથે ભુલીને જીવનમાં આગળ વધીને એ બધું ભૂલી જતાં કારણ કે એ લોકો સમય સાથે જીવનારા, આગળ વધનારા બુદ્ધિશાળી માનવીઓ છે, પણ આજે આવાં બે અબૂધ માનવીનાં એક શુદ્ધ સોના જેવાં નિર્મળ પ્રેમને જોઈને સહુની આંખો છલકાઈ ગઈ.

ગામના સરપંચે એક અવ્યક્ત લાગણીઓને વર્ષો સુધી અમર બનાવવા એમનાં ઘર પાસેનાં એ ચોકને શંભુલીલા ચોક નામ આપ્યું. વર્ષો પછી પણ આજે લોકો આ ચોકને જોઈને શંભુ અને લીલાના નિ:સ્વાર્થ પ્રેમને યાદ કરે છે અને કહે છે પ્રેમ હોય તો શંભુ અને લીલા જેવો!

"સંપૂર્ણ "

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"