રૂડી રાધાને કાળો કાન Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રૂડી રાધાને કાળો કાન

(આ એક અનોખી વાર્તા છે. તમે બહુ વાર્તાઓ વાચી હશે અને જોયુ પણ હશે કે મોટે ભાગે આપણા સમાજમાં જ્યારે એક દીકરી થોડી શ્યામ વર્ણની હોય તો માતાપિતા ને એક ચિંતા રહેતી હોય છે. એને કેવો છોકરો પસંદ કરશે.બધાંની એવી જ એક વિચારણા હોય કે દીકરી તો રૂપાળી જ હોવી જોઈએ. પણ આ એક ઉલટી વાત છે અહી અને એક સત્ય ઘટના પર આધારિત છે.

એક શ્યામ વર્ણ છોકરો અને રૂપાળી ઉર્વશી જેવી છોકરીની પ્રેમ કહાની છે. તમને ચોક્કસ પસંદ આવશે..)

સમીર આજે સવારથી લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો છે. પણ જાણે કામ જાણે થોડું છે પણ પતવાનુ નામ જ નથી લઈ રહ્યું !!

તે સવારથી દસ કપ કોફી પી ચુક્યો છે. અને હવે તે ફરીથી ઉભો થઈને કોફી બનાવવા માટે રસોડામાં જાય છે. અને કોફી બનાવીને બહાર આવે છે અને સોફા પર બેસે છે ત્યાં જ તેના મનમાં મમ્મીના શબ્દો યાદ આવે છે કે છોકરીએ હા પાડી છે.

સમીર ને કાન પર વિશ્વાસ નથી આવતો એટલે તે તેની મમ્મી ને બહુ વાર પુછે છે, મમ્મી તુ બરાબર કહે છે ને તારી સાભળવામા કોઈ ભુલ તો નથી થતી ને ??

મમ્મી : ના બેટા બરાબર સાભળ્યુ છે મે. આવી વાતમાં હુ થોડી ગફલત રાખું.

સમીર ના મનનો એક ભાર હળવો થયો લાગે છે છતાં મનમાં બહુ સવાલો પણ છે, એક અપ્સરા જેવી રૂપવંતી છોકરી જે માડ પચીસેક વર્ષેની હશે, પાછી એક અમીર ઘરની દીકરી, અને સાથે એમ.એસ.સી પણ કરેલું છે.

એ મને શુ કામ હા પાડે ??? હુ એક શ્યામ વર્ણો છોકરો, મિડિયમ ઘરની સ્થિતિ, હા એન્જિનિયરિગ કર્યું છે પણ એક પ્રાઈવેટ મિડિયમ પગારની નોકરી અને સાથે સાથે મોટી ચાર બહેનો. મારા આ કાળા કલર ને લીધે તો અત્યારે અઠાવીસ વર્ષ થયા છતાં કોઈ છોકરી સગાઈ માટે હા નથી પાડતી.

હા એવુ નથી કે મને કોઈ જોવા નથી આવ્યું મારી જોબ અને ડીગ્રી જોઈને ઘણી છોકરીઓ આવતી પણ મારા આ શ્યામ વર્ણ ને જોતાં જ તેઓ ઘરે જઈને કોઈ બહાનુ બતાવીને ના પાડી દેતાં.

* * * * *

સમીર ને યાદ આવે છે કે તેના દાદીને તેના ફોઈને કહેતા સાભળ્યા છે કે મારા રમેશ ને ચાર દીકરીઓ ઉપર એક છોકરો આવ્યો છે એવી ખબર પડતાં જ સૌ રાજીના રેડ થઈ ગયા હતા.

પણ જેવી એ સિસ્ટર બાળકને લઈ બહાર આવી કે બધા એ જોઈને પહેલાં એવુ જ કહ્યુ કે સિસ્ટર તમારી કોઈ ભુલ નથી થતીને આ રસીલાબેનનો જ દીકરો છે ને ??

સિસ્ટરે કહ્યું હા તેમનો જ કેમ આવુ પુછો છો?? હાલમાં બીજા કોઈની સવારથી ડીલીવરી થઈ જ નથી. ત્યાં ઉભેલા રમેશભાઈ કે તેમના બીજા ભાઈ ભાભી કોઈ કશુ કહેતુ નથી.

એટલે દાદીએ ફક્ત એમ જ કહ્યું કે આ તો બીજી કોઈની અત્યારે ડીલીવરી થઈ હોય તો આ તો તમારી મોટી હોસ્પિટલ ને એટલે પુછ્યુ બેન.

પણ પછી બા સમીર ને લઈ ને મમ્મી પાસે ગયા ત્યારે મમ્મી પણ એક મિનિટ માટે વિચારવા લાગી કે આ તેનો પોતાનો જ દીકરો છે ને. કારણ કે સમીર નો કલર જ એવો હતો કાળો.

બધાને વધારે એવુ એટલે એવુ લાગ્યું કારણ કે સમીર ની મમ્મી એકદમ રૂપાળી હતી. સાથે તેના પપ્પા પણ ઘઉવર્ણા હતા. જ્યારે તેની ચારેય મોટી બહેનો મમ્મી પર ગઈ હતી. એટલે ચારેય રૂપાળી અને દેખાવડી હતી. પણ આ નાનકડા સમીર જેવુ કાળુ તો ઘરમાં કોઈ જ નહોતું.

જ્યારે તેના નામ પાડવાનો સમય આવ્યો તો પણ બધા કાળુ, ને શ્યામ એવા નામો કહેવા લાગ્યા. પણ મા જેનુ નામ તેને તો સંતાન કાળુ , ધોળુ ,લુલુ કે લંગડુ કંઈ પણ હોય તેને મન દરેક સંતાન પ્રત્યે સમાન મમતા જ હોય .ઉલટાનું તેના ચિંતારૂપી પ્રેમ થી તેની મમતા તે બાળક પ્રત્યે વધી જાય.

એવુ જ થયુ સમીરની વાતમાં લોકોના મો પર જ કહી દીધુ તેનુ નામ સમીર જ રાખવાનુ છે.અને તે ગમે તેવો હોય એની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આમ ને આમ સમીર મોટો થતો ગયો. તે થોડો ઘાટીલો થયો પણ કલર તો એમનો એમ જ રહ્યો. સ્કૂલમાં પણ બધા તેની ઓળખ પેલો કાળો છોકરો છે ને એમ કહી જ ઓળખતા. તે ભણવામાં ને બાકી બધામાં પણ હોશિયાર હતો.

હવે આ બધુ સમય સાથે પસાર થઈ ગયુ પણ આપણા સૌના જીવનમાં મુખ્ય ચિંતા આવીને અટકે છે લગ્ન પર તેવુ જ સમીર માં જીવનમાં પણ થયુ.

તેને એન્જિનિયરિગ પુરૂ કરી જોબ મળી ગઈ. બહેનો પણ સાસરે જતી રહી. પણ હવે કેટકેટલી છોકરીઓ જોઈ પણ કોઈ તેના કલરના કારણે હા નહોતું કહેતુ. છેક સુધી આવેલી વાત કલર પર આવીને અટકી જતી.

કેટલીક તો પોતે એટલી રૂપાળી ના હોવા છતાં તેના કલર ને જોઈને છોકરો કાળો છે એમ કહીને ના પાડી દેતી.

હવે સમીર આ બધાથી કંટાળી ગયો હતો એ સાભળી સાભળીને કે છોકરો કાળો છે બાકી તો બહુ વાધો નથી. આખરે સમીરે તેનુ વતન છોડીને બરોડા મા એક જગ્યાએ નોકરી શોધી ત્યાં રહેવા આવી ગયો હતો.

ત્યાં આવ્યા પછી તે એક જગ્યાએ તે ત્રણ છોકરાઓ રૂમ રાખીને રહેતા. રસોઈ તો ના બનાવતા પણ ગેસની સગડી હતી એટલે ચા, કોફી, મેગી વગેરે બનાવી લેતાં.

થોડા દિવસ પહેલાં જ સમીર ની મમ્મીનો તેના પર ફોન આવ્યો ને તેમણે કહ્યું બેટા એક છોકરી જોવા આવવાની છે તને. સામાન્ય રીતે હજુ સુધી છોકરાવાળા જ છોકરી ને ત્યાં જોવા જતાં પણ અહી છોકરી ઘરે આવવાની હતી.

સમીરે ના પાડી દીધી ચોક્ખી. મમ્મી મારે હવે કોઈ છોકરી નથી જોવી. દર વખતે ની એક જ કથા. છેલ્લે મારા કલર પર આવીને અટકી જાય છે. આમ ને આમ તો આગળ મે તેતાલીસ છોકરીઓ જોઈ નાખી.હવે મમ્મી તુ વહુ લાવવાના સપનાને સપનુ સમજીને ભુલી જ જા. હુ આમ જ મારી જિંદગીમા એકલો બરાબર છું.

તેની મમ્મી ને બહુ દુઃખ થયુ.પણ મા એમ થોડી સંતાન ના એ દુઃખ ને એમ જતુ કરે .તે અંદર ગમે તેટલી દુઃખી હોય પણ સંતાનને તો હિંમત આપ્યા જ કરે !!

એજ રીતે તેમને કહ્યું બેટા એવુ કંઈ નથી. એ બધી પણ આપણને ક્યાં એટલી ગમતી હતી. તુ ચિંતા ના કર તારા માટે તો રૂપાળી રાધા જ આવશે.

સમીર કહે છે બસ મમ્મી તુ મને આવુ કેટલી વાર કહી ચુકી છે.

તેની મમ્મી કહે છે બેટા આટલી વાર હા પાડી દે તુ મને પ્રેમ કરતો હોય તો એમ કહીને ફાઈનલી છોકરી જોવા મનાવી લે છે. રજાનો દિવસ જોઈને રવિવારે મળવાનું નક્કી થાય છે.

તે ઘરે જઈને છોકરી ને મળે છે. એક તો શ્યામ વર્ણ એટલે કોઈ પણ કપડાં મા બહુ જચે નહી. પણ તેના ચહેરો ઘાટીલો અને તે પોતે હસમુખો હતો એટલે ચાલી જતુ.

છોકરી ને જોતા જ સમીર ને હસુ આવુ ગયુ અને બોલ્યો , ખરેખર તમે મને જ જોવા આવ્યા છો ને ?? કંઈ ભુલ નથી થતીને ??

છોકરી : ના તમે સમીર જ ને. એન્જિનિયર છો બરોડા જોબ કરો છો.

સમીર : હા એ બરાબર. પણ બાયોડેટા સાથે ફોટો નહોતો જોયો કે શુ ??

છોકરી : જોયો હતો ને. પણ કોઈ છોકરી જોવા આવે તો આવા સવાલો પુછે ? તમે તો અજીબ માણસ છો ને કંઈ.

સમીર : પણ મને ખબર જ છે કે તમારી ના જ આવવાની છે. કેમ કે મારા આ કલરને કારણે હજુ સુધી તેતાલીસ છોકરીઓ એ ના પાડી છે. અને તમારો નંબર ચુમાલીસ થશે.

છોકરી : એ તમે કેવી રીતે નક્કી કરી શકો ??

સમીર : તમે આમ રૂપાળા અડીએ તો પણ મેલા થાવ એવા છો. અને સાથે એક અમીર ઘરની દીકરી. તમારી આગળ પાછળ તો છોકરાઓની લાઈનો હશે.

છોકરી : એ વાત સાચી . પણ હુ મારા દિલમાં જે વસી જશે તેની સાથે જ લગ્ન કરીશ. એ ગમે તે હોય. એમાં મારા માતાપિતા પણ ક્યારેય ના નહી પાડે.

સમીર : સારૂ તો તમારા ના પાડવાની રાહ જોઈશ...
અને બંને છુટા પડે છે.

* * * * *

આજે છોકરી જોઈને આવ્યા ને એક અઠવાડિયુ થઈ ગયુ હતુ. પણ કોઈ જવાબ આવ્યો નહોતો. એટલે સમીરે વિચારી જ લીધું કે આમાં કંઈ નવાઈ નથી. આ તો એક સંખ્યામાં વધારો થયો બીજું કંઈ નહી કરીને આ વાતને ભુલી જાય છે.

દસ દિવસ પછી તેની મમ્મીનો રવિવારે વહેલી સવારે ફોન આવે છે. સમીર થોડો ગુસ્સામાં કહે છે મમ્મી શુ પણ એક દિવસ તો શાંતિથી સુવા દે.

બેટા આજે હુ તને નહી સુવા દઉ વાત જ એવી છે કે તારી પણ ઉઘ ઉડી જશે.

સમીર : હા તો બોલ હવે.

મમ્મી : છોકરીવાળા એ તારા માટે હા કહેવડાવી છે સગાઈ માટે .

સમીર : શુ ?? ફરી બોલ તો ??

મમ્મી : હા બેટા. હવે તારી ઉઘ ઉડીને ?? હુ ફોન મુકું છુ અને બધાને સમાચાર આપુ છુ. પછી વાત કરૂ છું કહીને સમીર ના મમ્મી ફોન મુકી દે છે.

* * * * *

આખા દિવસ ના ખુશીમિશ્રીત મનોમંથન પછી સમીર તે છોકરીને એકવાર મળવાનું કહે છે.એટલે આ વખતે છોકરી વાળાના ઘરે જવાનું થાય છે.

ત્યાં પહોચતા તેને અમેરિકામાં વેસ્ટઈન્ડિઝ ગુસ્યો હોય એવો અનુભવ થઈ રહ્યો છે.પણ ત્યાં કોઈના ચહેરા પર કોઈ હાવભાવ બદલાતા નથી તેને જોઈને.

પછી બંને ને એકલા મળવા મોકલે છે. ત્યાં પહોચતા જ પેલી છોકરી કહે છે બોલો મિસ્ટર સમીર. શુ સવાલો છે તમારા ??

સમીર : તમારૂ નામ ??

છોકરી (હસીને): પહેલી મુલાકાત મા તમને ના સાભળવાની એટલી ઉતાવળ હતી કે નામ પુછવાનુ પણ રહી ગયુ નહી ??

Anyway, હુ બંસરી જોશી.

સમીર : સરસ નામ છે. તમે મને જ કેમ હા પાડી ?? કોઈ સજ્જડ કારણ ??

બંસરી : હા તમારી નિખાલસતા. તમારી જાતને જેવી છે તેવી સ્વીકારવાનો હકારાત્મક અભિગમ.

જિંદગી તો એની સાથે જ જીવાય જે સામેવાળા માણસ ને જેવુ છે તેવુ જ સ્વીકારી લે. અને જે પહેલી વાર તમારા દિલમાં વસી જાય. નહી કે તમારા ચહેરાની સુદરતામા.

આજ સુધી મે પણ ઘણા છોકરાઓ જોયા દરેક જણ પોતાની ખુબીઓ, આવડત , સુંદરતા દેખાડવામાં જ મચી પડતા. એટલે જ કદાચ તેમાંથી કોઈ મારા દિલ સુધી પહોચ્યુ જ નહીં.

એ જ અભેદતાની દિવાલ આજે તમારા નિખાલસપણાએ તોડી નાખી અને તમે મારા દિલમાં વસી ગયા.જે છે તેને સ્વીકારવાની તમારામાં અદભુત શક્તિ છે.

સમીર : હા તમને હુ ગમી ગયો. પણ તમારો પરિવાર તૈયાર છે આ માટે ??

બંસરી : હા . માણસની આતરિક સુંદરતા જ તેના વ્યક્તિત્વને નિખારે છે એ મારા પપ્પાએ જ મને શીખવ્યું છે. માટે ઘરનુ કોઈ વ્યક્તિ ના નહી પાડે કારણકે હજુ સુધી મારા પપ્પાની વાત ઘરમાં કોઈએ ટાળી નથી કારણ તેમની બીક નહી સૌના પ્રત્યેનો તેમનો તટસ્થ રીતે સમજવાનો, અને સાચવવાનો અભિગમ. અને એ જ વારસામાં મારામાં પુર્ણ રીતે ઉતર્યો છે.

સમીર : સારૂ. જેમ તમને ઠીક લાગે તેમ. આ તો બહુ સારૂ કહેવાય.

* * * * *

થોડા દિવસમા મા તેમની સગાઈ બહાર પાડે છે. સૌ કોઈના મોઢે એક વાત સંભળાતી ,"કાગડો દહીથરૂ લઈ ગયો ." મતલબ આવા કાળા છોકરાને આવી રૂપાળી છોકરી કેવી રીતે મળી ??

અને વળી છોકરા પાસે રૂપિયા બહુ હોય એમ કહે કે છોકરી રૂપિયામાં મોહી ગઈ. પણ કોણ કોનામા શુ જોઈને પસંદગી કરે છે એતો પસંદ કરનાર ને જ ખબર હોય છે.

બંસરી તો અલગ માટીની જ બનેલી હતી. કોઈકે તો તેના મોઢા પર પણ કહ્યું પણ તે તો જાણે કંઈ અસર જ ના થતી હોય આ બધી વાતોની એવુ જ રાખતી.

સમીર ના મમ્મી તો હવે ફુલ્યા સમાતા નહોતા. તે કહેતા કે કાનુડા ને રૂપાળી રાધા મળી હતી તેમજ મારા સમીરની પણ એની રાધા એવી રૂપાળી જ મળશે અને મળી પણ ગઈ.

આમ સમય વીતતો રહ્યો. સમીર અને બંસરીનો પ્રેમ પાગરતો રહ્યો .

બંસરી તો ક્યારેય સમીર ના દેખાવને કોઈ મહત્વ જ ન આપતી. એક દિવસ તે તેની એકદમ દેખાવડી તેના જેવી તેની ફ્રેન્ડસ ને મળવા લઈ જાય છે. તેની બે ફ્રેન્ડસ પણ તેના હસબન્ડ ને લઈને આવી હતી. સમીર થોડો અચકાતો હતો કારણકે તે બંને છોકરાઓ તેમની વાઈફ ના પ્રમાણે દેખાવે સારા હતા. પણ બંસરી તો તેને આ બધાથી કોઈ ફરક ના પડતો હોય એમ તે તેના હાથમાં હાથ નાખીને સમીરને લઈ આવી.

સમીર ને જોતા જ તેની ફ્રેન્ડસ ધા મો થોડા એવા થઈ ગયા કે જાણે તેમને તેનો કલર બરાબર ના લાગ્યો. પણ બંસરી તો બધુ અવગણીને કહે છે , હાય ફ્રેન્ડસ !! મીટ માય ફીયાન્સ સમીર.

તે કહે છે , દરેક વસ્તુ ના દેખાવ પર ના જવાય. ક્યારેક ગુણ , આવડત , સ્વભાવ અને આદતો પણ જોવી જોઈએ. કારણ કે તેમના હસબન્ડ સ્મોકિંગ, ડ્રિન્કસ વગેરે ની આદતોવાળા અને ફ્લર્ટ વાળા હતા એ વાત તે જાણતી હતી.

એટલે બંનેના મોઢા સિવાઈ ગયા.

* * * * *

થોડા મહિનાઓ પછી . બંનેના લગ્ન થઈ જાય છે.તેમના પ્રેમ
અને રોમાન્સ મા કોઈ કલર કે લોકોની નિદા કંઈ જ આવતુ નથી. બંને સરસ રીતે રહે છે હવે તો એ બંને ત્યાં જ બરોડા સેટ થઈ ગયા છે.

બંસરીનુ મિત્ર વર્તુળ બહુ મોટું હતુ એનુ કારણ હતુ કે એક તો મોટા ઘરની દીકરી, દેખાવડી અને બોલકણી પણ હતી. આ બાજુ સમીર પણ હોશિયાર અને મળતાવડો હતો. સાથે કોઈને પણ મદદ કરે તેવો હતો.

પણ તેના આ દેખાવ ને કારણે તે દરેક મિત્રો સાથે એક ખાસ અંતર બનાવી રાખતો. તે એમ માનતો કે વધારે ક્લોઝ થવાથી પછી ફેમિલી રિલેશનશિપ વધે અને ક્યારેક બંસરીને કોઈ કહી જાય મારા માટે.

બંસરી તો સમીર ના પ્રેમમા પાગલ હતી. તે ક્યારેય એવુ નહોતી જતાવતી કે તે સમીર કરતાં બહુ સારી દેખાય છે. તેને સમીર વિના જરા પણ ચાલતુ નહી.સામે સમીર પણ એની એટલી જ કેર કરતો. તેની બર્થડે પર પણ તે તેને મસ્ત સરપ્રાઈઝ આપે છે. તેની દરેક ઈચ્છા પુરી કરતો.

હવે સમીર તેના દેખાવ ને અવગણીને તેને બંસરીની પસંદ મુજબ તેની આખી પર્સનાલિટી બદલી નાખી છે. તેનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. કારણ કે તેની પત્ની આ વાતને કોઈ મહત્વ નથી આપતી તો હુ શું કામ આ બધુ નેગેટિવ વસ્તુઓ મારા માનસિકતા મા લાવી મારી જિંદગી નો વિકાસ સામે અટકાવુ ??

* * * * *

સમય જતાં ક્યાં વાર લાગે છે એમ જ તેમના લગ્ન ને દોઢ વર્ષ થઈ જાય છે. એક દિવસ બંસરીને ખબર પડે છે કે તે માતા બનવાની છે. બંને બહુ ખુશ થઈ જાય છે.

પણ હવે ચિંતા કરે છે સમીર ના મમ્મી. તેની તબિયત સારી રહેતી ન હોવાથી તે ત્યાં સમીર અને બંસરી પાસે રહેવા આવી જાય છે.

તે બંસરીને કહે છે બેટા સારૂ સારૂ ખા. અને સરસ રૂપાળું બાળક આવે.

બંસરી : જે આવે દીકરો કે દીકરી . જેવુ પણ આવે એમાં શુ ફેર પડે મમ્મી.

સમીર ના મમ્મી : બેટા બીજા ને તો કહેવાય નહી પણ તને કહુ છું. મારી ચાર દીકરીઓ રૂપાળી છે પણ સમીર ના શ્યામવર્ણની મને બહુ ચિંતા થતી. એટલે તો લગ્ન માટે પણ કેટલી છોકરીઓ જોઈ હતી. અને છેલ્લે તો એ એટલી હદે નિરાશ થઈ ગયો હતો કે મારે તેને તને જોવા માટે કેટલો મનાવવો પડ્યો હતો.

બંસરી : મમ્મી એવુ બધુ દેખાવમાં કંઈ જ ના હોય. હુ નથી માનતી. મે સમીર ને પસંદ કર્યા જ ને એમાં શું ??

મને કોઈ એવી ચિંતા નથી કે મારૂ બાળક સમીર જેવુ શ્યામ આવશે તો શુ થશે . બધુ ઉપરવાળાની મરજી મુજબ જ થાય છે.

સમીરની મમ્મી : બેટા કંઈ વાધો નહીં. મને એમ થાય કે બધી જ રીતે પરફેક્ટ હોવા છતાં કોઈ આવી દેખાવ જેવી વસ્તુ માટે થઈ ને આપણુ સંતાન પાછળ રહી જાય તે એક માતા માટે બહુ મોટું દુઃખ હોય છે.

* * * * *

આખરે નવ મહિના પછી બંસરી એક બાળકીને જન્મ આપે છે. એ વખતે તે તેના પપ્પા ના ત્યાં હોય છે.

સમાચાર મળે છે પણ હજુ બાળકીને બહાર લાવ્યા નહોતા. જાણે સમીર ના ધબકારા વધી ગયા હતા. એક અજીબ ગભરાહટ અનુભવતો હતો. દરેક વ્યક્તિ એવુ ઈચ્છતુ હોય કે તેનુ સંતાન તેના જેવુ હોય પણ અહી એક અલગ લાગણી હતી સમીરની કે તેનુ સંતાન તેના જેવુ ના હોય.

થોડી વાર પછી સિસ્ટર દીકરીને લઈને બહાર આવે છે. તેનુ ધડકન બહુ ઝડપી થઈ રહી હતી. બંસરી ના મમ્મી પહેલાં તેને ખોળામાં લે છે અને તેને જુવે છે પણ કંઈ બોલતા નથી એટલે સમીર વધારે ગભરાઈ જાય છે.

આખરે તેની ધીરજ ખુટી જાય છે અને તે બાજુમાં આવીને તેની દીકરી ને જુએ છે....અને એક મહાસંગ્રામમા વિજય પ્રાપ્ત કર્યો હોય તેવી ખુશી તેના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી.

તે જાણે મનોમન ભગવાનનો આભાર માની રહ્યો હતો. કારણ કે એ ઢીગલી આમ સમીર જેવી દેખાતી હતી એકદમ પણ કલર તેનો એકદમ બંસરી જેવી રૂપાળી અને અડતા પણ મેલી થાય એવી હતી.

બંસરી તો બસ ડોક્ટર ને એટલું જ પુછે છે કે તે હેલ્ધી છે ને બધી રીતે તેને કોઈ તફલીક નથી ને. બાકી એને બીજી દેખાવની તો પહેલેથી જ કોઈ ફિકર નહોતી.

બંને પછી એ નાનકીને ચુમી લે છે પ્રેમથી અને સમીર અને તેના મમ્મી ને કહે છે હવે તો તમારી ચિંતા જતી રહીને ??

બંનેના આખોમાથી ખુશીમિશ્રિત આસુ છલકાય છે. !!!

બંસરી હસતાં હસતાં કહે છે, પણ આ દીકરી માટે તો મારે બીજો સમીર જ શોધવાનો છે, જેથી તેની આંખોમાંથી પણ ક્યારેક એક દુઃખનુ એક આસુ ના જોવા મળે મને. જે હંમેશાં મારી જેમ તેના સમીર સાથે આખી જિંદગી હાસ્યની છોળો વચ્ચે તેની જિંદગી વીતાવે.

અને બધા જ પરિવારજનો હાસ્યથી આ વાત ને વધાવી લે છે....અને બંસરીના મમ્મી કહે છે, સાચી વાત છે જો અમે દેખાવ જોયો હોત તો સમીર જેવો દીકરા જેવો જમાઈ અમને ક્યારેય ના મળત. અને અમારી દીકરી આવી ખુશ પણ કદાચ બીજા કોઈ સાથે ક્યારેય રહેત !!!

" સંપૂર્ણ "

* * * * * *


ડૉ.રિધ્ધી મહેતા"અનોખી"