અધૂરપ. - ૧૫ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૧૫

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૫

ભાર્ગવીને વળતો જવાબ આપી અપૂર્વ તો જતો રહ્યો પણ ભાર્ગવી મનોમન વિચારતી પોતાના મનને કોસતી રહી કે, "એક સ્ત્રી એ બાળકને જન્મ આપે છે પણ એ બાળક પુત્ર કે પુત્રી અવતરે એનો આધાર ફક્ત પુરુષ પર જ છે કારણકે પુરુષના રંગસૂત્રની રચના પર જ બાળક શું જન્મે એ આધીન છે. સ્ત્રીને ભગવાને આ સંસાર ચલાવવાનો દરજ્જો આપ્યો છે એનું પુરુષ માન તો નથી જાળવવતો પણ ક્યારેક પોતાની ત્રુટિ પણ સ્ત્રી ઉપર જ નાખી દે છે. જે આ ૨૧મી સદીના લોકો માટે ખરેખર ખુબ શરમજનક કહેવાય.." આવા વિચારોમાં મગ્ન ભાર્ગવી ઊંઘી ગઈ. એને ક્યારે અપૂર્વ રૂમમાં આવ્યો એ ખબર જ નહોતી. અપૂર્વ ગુસ્સામાં તો હતો જ. એને એવું લાગ્યું કે, ભાર્ગવી જાગે છે પરંતુ મોઢું ચડાવીને પડી છે... આવા ખોટા વિચારમાં અપૂર્વને આખી રાત ઊંઘ ન આવી.

બીજે દિવસે સવારે ભાર્ગવી રોજની માફક જ વર્તી રહી હતી પણ ખોટા વિચાર અને ઉજાગરાના હિસાબે અપૂર્વને હજુ એટલો જ ગુસ્સો હતો. એ કંઈ જ બોલ્યા વગર પોતાનું નિત્યકર્મ પતાવી ઓફિસે જતો રહ્યો. અપૂર્વના મનનો ઉચાટ એનો સહકર્મી મિત્ર વિનય સારી રીતે સમજી ગયો હતો. વિનય અને અપૂર્વ કોલેજમાં પણ સાથે જ હતા. વળી, અપૂર્વને અહીં બોલાવનાર જ વિનય હતો. આ કારણસર અપૂર્વ વિનયનું ખૂબ માન રાખતો હતો અને બધી વાતમાં એનું મંતવ્ય પણ લેતો હતો. થોડી વાર તો વિનયે રાહ જોઈ કે અપૂર્વ સામેથી જ જે તકલીફ હોય એ કહે, પણ આખો દિવસ પત્યો પણ અપૂર્વ હજુ કંઈ જ બોલ્યો નહીં એટલે વિનયે સામેથી જ ઓફિસેથી નીકળતી વખતે પૂછ્યું, " આજ બહુ ચિંતામાં છે કે શું અપૂર્વ?"

અપૂર્વને શું કહેવું એ જ ન સમજાણું. એ ફક્ત એટલું જ બોલ્યો કે, "ના રે ના.. એમ જ માથું દુખે છે માટે તને એવું લાગ્યું."

વિનયે વાતનો ઉત્તર આપતા કહ્યું, "તું ખોટું બોલી ન શકતો હોય તો ન બોલ ને... જલ્દી કેહે કે, શું થયું છે?"

અપૂર્વ બોલ્યો, "શું કહું મને કંઈ જ સમજાતું નથી.. "એ એક નિસાસો નાખતા બોલ્યો.

વિનયે કહ્યું કે, "તારે મને કહેવા માટે વિચારવું પડે? કોલેજથી લઈને આજ સુધી હું જ હંમેશા તારા સુખદુઃખ નો સાથી રહ્યો છું. તારા દરેક સુખ અને દુઃખ ના પ્રસંગમાં હું હમેશાં હાજર રહ્યો છું. બોલ, શું વાત છે?"

અપૂર્વએ મહામહેનતે સંકોચાતા મને બધું જ વિનયને જે થયું એ બધું કહ્યું.

વિનયે બહુ જ શાંતિથી જવાબ આપતાં કહ્યું, "ભાભીએ સાવ સાચી જ વાત કીધી છે.. તું કેમ ભાભીને ખીજાયો? આજના જમાનામાં દંપતિ સરળતાથી સેરોગેટ મધર પણ રાખે છે... તો દત્તક બાળક લેવામાં વાંધો શું? યાર, શાંતિથી વિચારજે. શું તું નથી ઈચ્છતો કે રાજેશભાઈને પણ કોઈ પપ્પા કહી સંબોધે?"

અપૂર્વ અધૂરી વાત સાંભળી ગુસ્સામાં બોલ્યો, "એટલે જ તો મમ્મીએ ભાઈના બીજા લગ્ન માટે કહ્યું.."

હવે વિનયે વાત કાપીને વાતનો દોર વધારતા કહ્યું, "પણ રાજેશભાઈને અમૃતાભાભી સાથે જ જીવવું હોય તો?? અને એમ પણ બીજા લગ્ન એ કંઈ સાચો રસ્તો નથી. અને એ વાતની પણ શું ખાતરી છે કે, બીજી જે કોઈ આવશે એ પણ બાળકને જન્મ આપી જ શકશે? બની શકે કે, એનામાં પણ કંઈ ખામી હોય. અપૂર્વ.. કોઈ પણ પતિ જયારે પોતાની પત્નીથી કાયમ માટે દૂર થવાનો હોય ત્યારે જ એની ખરી કિંમત પોતાના જીવનમાં શું છે એ સમજે છે.. રાજેશભાઈ પણ આજ સુધી તે કીધું એમ ભાભીને ખોટું જ સમજ્યા હતા. હવે એ બીજા લગ્નની ના જ પાડે ને! ભાર્ગવીભાભીએ ખુબ સાચી વાત કહી, તારે એમની વાત સમજવી જ જોઈએ... ઉલ્ટાનું એની વાત તારે જ તારા પરિવાર સમક્ષ રજૂ કરવી જોઈએ અને બધાને મનાવવા જોઈએ.. અપૂર્વ તું નસીબદાર છે કે તને આટલી સરસ પત્ની મળી છે જે ઘર જોડાયેલ રાખવા ઈચ્છે છે નહીં કે તોડવા... મારી આ વાત પર શાંતિથી વિચારજે અપૂર્વ..."
"સારું ચાલ હું ઘરે જાવ હવે. નીલા મારી રાહ જોતી હશે." આટલું કહી વિનય ત્યાંથી ચાલી નીકળ્યો.
અને અપૂર્વ વિનયએ કહેલી વાત પર મનોમંથન કરવા લાગ્યો.