સુરક્ષિત ભવિષ્ય.. Dr. Sagar Vekariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુરક્ષિત ભવિષ્ય..

બધા લોકોને પોતાનું ભવિષ્ય સુરક્ષિત હોય એવી ઈચ્છા તો હોય જ, તો આપણું ભવિષ્ય પણ આપણી આવનારી પેઢી સાથે જ હશે.આજ સુધારે આવતી કાલ કહેવત ની જેમ જો આપણે પણ આપણી જીવનશૈલી માં સુધારો લાવીએ તો એ આપણા બાળકોમાં આવવાનો જ.

બાળકનું મન ખૂબ જ કોમળ હોય છે, એનું માનસ કોરી પાટી જેવું હોય છે, આપણે એમાં જેવો એકડો ઘૂંટાવીએ એવું જ એ શિખતા હોય છે. એને જેવુ વાતાવરણ મળતું હોય એ પ્રમાણે જ એ બની જતું હોય છે, એ પછી સારું હોય કે ખરાબ.(બે પોપટ, પૂજારી અને કસાઈ ની વાર્તાની જેમ જ..).

બાળક જે જોશે એ જ વસ્તુ શીખશે, આપણે પરિવારમાં જેવી રીતે રહેતા હોઈશું એવું જ એ શીખશે.

અત્યારે મોટાભાગના માબાપની ફરિયાદ હોય છે કે મારું બાળક મોબાઈલમાં જ મથ્યા કરે છે, બીજી કાઈ એક્ટિવિટી કરતું નથી.તો એમાં વાંક પણ આપણો જ હોય છે.આપણાં બાળકને જ્યારે આપણી જરૂરત હોય છે ત્યારે આપણે એ સમય મોબાઈલ માં વેડફી દઈએ છીએ.

બાળકો ને બાળપણમાં મોબાઈલ ની જરૂર નથી પણ આપણે એને આધુનિકતાને બહાને અને આપણી જવાબદારીઓ માંથી છૂટી જવા મોબાઈલ આપી દઈએ છીએ,જેનું ખરેખર ખૂબ ભયંકર પરિણામ આવે છે.

જો આપણને ખરેખર બાળકના અને અંતે તો આપણા ભવિષ્યની ચિંતા હોય તો આપણે તેમની સાથે સમય વિતાવવો જરૂરી છે.આપણાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા કેટલીક બાબતો અનુસરવી આપણા માટે ખૂબ જ જરૂરી બને છે.

1) પહેલા તો આપણે આ વ્યસ્ત જિંદગીમાંથી બાળકો માટે સમય કાઢવો જ પડશે. સંપત્તિ ની સાથે સંતતિ ની સંભાળ પણ બહુ અગત્યની છે. આપણે જેની સાથે ભવિષ્યમાં સમય વિતાવવાનો છે , સહારો લેવાનો છે એના માટે તો આપણે સમય તો કાઢી જ શકીએ.

2) જ્યારે આપણે બાળકો સાથે હોઈએ ત્યારે મોબાઇલ નો બિનજરૂરી ઉપયોગ ટાળવો. વોરેન બફેટ જેવા વિશ્વના ધનવાન વ્યક્તિ પણ જો છ વાગ્યા પછી મોબાઈલ બંધ કરીને એ સમય પોતાના પરિવાર સાથે વિતાવતા હોય તો આપણે તો વિતાવી જ શકીએ.

3) બાળકોને નાની ઉમરમાં મોબાઇલ આપવો નહીં એને સમજાવવા કેમકે આ ઉંમરમાં એમને મોબાઈલ ની કોઈજ જરૂર નથી.એપલ જેવી મોબાઈલની કંપનીના માલિક સ્ટીવ જોબ પણ જો પોતાના બાળકો ને મોબાઈલ એ પુખ્ત વયના થાય ત્યારે આપતા હોય તો આપણે પણ એ કરી જ શકીયે.

4) બાળકોને કુદરતી જગ્યાએ અથવા તો બગીચામાં ફરવા લઇ જવા એને મોબાઈલ સિવાયની આ જે અદભુત દુનિયા છે એ પણ બતાવવી. કુદરત ના ખોળે એને જીવતા શીખવવું.

5) બાળકો સાથે રમતો રમવી, એમની સાથે રમતા રમતા આપણો તણાવ પણ દૂર થઈ થશે અને આપણે અને બાળક બને તંદુરસ્ત રહી શકીશું. અત્યારે મેદસ્વિતા ને કારણે બહુ બધા રોગો થાય છે,ને ભવિષ્ય માં વધવાના પણ છે.તો આપણે બાળકો સાથે રમીને, કસરત કરીને એ પણ અટકાવી શકીશું.

6) ડિપ્રેશન જેવા રોગોનો જમાનો છે ત્યારે આપણે બાળકોને યોગ, પ્રાણાયામ,ધ્યાન શીખવીને તેને પણ કોઈપણ પરિસ્થિતિમાં હળવાફુલ રહેતા શીખવવું જોઈએ.

7) બાળકોને અભ્યાસ ના પુસ્તકોની સાથે સાથે અન્ય પુસ્તકો વાંચવાની પણ ટેવ પાડવી જોઈએ એના માટે આપણે પણ પુસ્તકો વાંચવા પડશે.આપણે જોઈએ જ છીએ એ પ્રમાણે મોટાભાગના મહાન પુરુષોના જીવનમાં પુસ્તકો નો ખૂબ ફાળો રહેલો છે. બિલ ગેટ્સ, વોરેન બફેટ થી લઈને આપણા ગુજરાતીઓ નરેન્દ્ર મોદી, જય વસાવડા, વગેરેના જીવનમાં પુસ્તકોનો મોટો ફાળો રહેલો છે. વિશ્વના ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ આ ઉંમરે પણ દરરોજ 500 પેજ બૂકના વાંચે છે.

8) આપણામાંથી ઘણા એ નાના હતા ત્યારે દાદા કે દાદી પાસેથી વાર્તાઓ સાંભળેલી હશે તો એ વારસો પણ આપણે આપણા બાળકો ને દેવો ખૂબ જ જરૂરી બને છે. માટે રોજ કાઈક એક નવી સરસ વાત બાળકોને કહેવાનું રાખવું,એના થી બાળકોની વિચારશૈલી માં ઘણો ફરક પડશે.

9)બાળકોને દેવ દર્શને લઇ જવા, એને મંદિરના શાંતિપૂર્ણ વાતાવરણ નો આનંદ લેતા શીખવવું.એમના હાથે દાન પુણ્ય કરવું, જેથી એમનામાં પણ એવા સારા સંસ્કારો આવે.

10) આપણે બાળકોને તેમના રીતે ખીલવા દેવા જોઈએ, આપણા અંધશ્રદ્ધા રૂપી વાડા માં બાંધવા ના જોઈએ.એમને જેમાં રસ હોય, અને એ સારી બાબત હોય તો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.

11) બાળકને પોતાની રીતે ઘડાવા દો, એને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવવું. માબાપ એમ માનતા હોય છે કે મને આવેલી મુશ્કેલીઓ મારા બાળકને ના આવે પરંતુ જો એને બધું જ તૈયાર મળી જશે તો એનો વિકાસ ખરેખર રૂંધાઇ જશે. એને જીવનમાં નવા નવા કાર્ય કરવા પ્રેરો. એમને જરૂર પડે ત્યારે જ મદદ કરો.
સવજીભાઈ ધોળકિયા કરોડો ની કંપનીના માલિકે પણ પોતાના દીકરાને પૈસાનું મહત્વ સમજાય એ માટે ખૂબ સફળ પ્રયાસ કર્યો હતો. દ્રવ્ય ધોળકિયા એ મહિના સુધી મુશ્કેલીઓનો સામનો કરીને કમાણી કરી, અને જીવનમાં તેનું મહત્વ શીખ્યા હતા.

"આપણે બાળકોને કેટલો સારો મોબાઇલ આપીએ એમાં આપણો વૈભવ નથી પણ કેટલા સારા સંસ્કાર અને સારી બાબતો શીખવી શકીએ એમાં આપણો વૈભવ છે"

આપણે જો બાળકો ને એમના ઘડતર અને સારા સંસ્કારો માટે અત્યારે સમય ન ફાળવ્યો હોય તો આપણ ને ભવિષ્યમાં
એમની પાસેથી સમય ન આપવા માટેની ફરિયાદ કરવાનો કોઈ જ હક્ક રહેતો નથી.

માટે "જાગ્યા ત્યાંથી સવાર" કહેવત ની જેમ આપણે જીવનમાં આવા અગત્યના સુધારા લાવી પોતાનું અને બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરીએ..

-"સાગર"