એક પત્ર Amita Amita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક પત્ર

પ્રિય મિણા,

માફ કરજે,જો તારા નામ આગળ પ્રિય સંબોધન લગાવવાથી તને અજુગતું લાગ્યું હોય તો. પહેલા વિચાર્યું કે શ્રીમતી લખું પછી થયું ચાલ ને જે સાચું હતું એજ લખું. હા,આ જ સત્ય હતું ચાલીસ વર્ષ પહેલાંનું.

હવે આ ઉંમરે કેમ છે એમ મારે નાજ પૂછવું જોઈએ, કેમ કે હવે આ શરીરરૂપી માટીને માટીમાં મળવાની જલ્દી હોય છે.પરંતુ સોમવારે તને પરિવાર સહિત બાજુના ફ્લેટમાં શિફ્ટ થતા જોઈ તો લાગ્યું કે તું તો હજી પહેલાની જેમ જ તંદુરસ્ત છો.ગાલ નો સફેદ રંગ અને હોઠનો ગુલાબી રંગ અકબંધ રહ્યા છે,બસ વાળનો રંગ બદલી ગયો છે. ખુલ્લા વાળ તો ક્યારેક બે ચોટલાનું સ્થાન અંબોડાએ લઈ લીધું છે.

હવે ભેટમાં તો કેટલો રશ હોય પરંતુ મારા જન્મદિવસમાં તને અહી આવેલી જોઈને લાગ્યું કે ભગવાને મને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપી હોય,હા અત્યારના યુવાનો આજ શબ્દનો ઉપયોગ કરતા હોય છે"સરપ્રાઈઝ ગિફ્ટ". પહેલાતો મને વિશ્વાસ ન આવ્યો કે આ તુ જ છે,પરંતુ પછી તારું નામ,ગામ અને અટકનો ઊલ્લેખ અભિનવે સુધા વહુની વાતમાં કર્યો ત્યારે મને માનવામાં આવ્યું.

એમ થયું કે તને મળીને વાત કરું પણ પછી વિચાર આવ્યો કે કેમના સત્તાવન વર્ષ પહેલાની ઈચ્છાને પૂરી કરવામાં આવે,તેથી મારા પ્રપોત્ર જોડે આ પત્ર તને મોકલાવ્યો.જો એ સમયે તને પત્ર લખી નાખ્યો હોત તો જીવનનો નકશો કઈક અલગ જ હોત એવું મને હમેંશા લાગતું રહેતું.

શાળાના દિવસોથી તું મને ગમતી. હું માત્ર તારી મમ્મીએ કહ્યુ એટલે તને લેવા આવતો એવું ન હતું. હું તારા ઘરે લેવા આવતો કારણ કે તારા વગર શાળાનો રસ્તો રણ જેવો લાગતો અને તારી સાથે બાગ જેવો. જો સાચું કહું તો જ્યારે જ્યારે તું શાળામાં ના આવતી ત્યારે ત્યારે હું ના નાસ્તો કરતો ના રમતો કે ના કોઈથી બોલતો બસ એક જગ્યાએ એકલો ચૂપચાપ બેસી રહેતો. ગૃહ કાર્ય કરવા તારા ઘરે એટલે આવતો કે એટલો સમય તારી સાથે વિતાવવા મળે.

અરે મને યાદ આવ્યું, હવે તો તને ટ,ઠ,ડ અને ઢ ને લખવા કે વાંચવામાં મુશ્કેલી પડતી નથી ને? મે સ્કુલના દિવસોમાં તને કેટલું શીખવાડ્યું છતાં તને આમા જ ભૂલો પડતી હતી નઈ?

શાળા પૂર્ણ થયા બાદ તને આગળ ભણવાની ઘરેથી ના પડાઇ હતી ત્યારે મને તારા કરતાં વધુ દુઃખ થયું અને એથી વધારે દુઃખ ત્યારે થયું જ્યારે મને બાપુએ દૂર કોલેજમાં ભણવા મૂક્યો. હું હંમેશા વિચારતો કે તને પત્ર લખું, પરંતુ એ વાતની બીક રહેતી કે જો આ પત્ર તારા ઘરના કોઈ સભ્યને મળી જાય તો શું થાય.અને એનાથી વધારે ડર એ વાતનો રહેતો કે બાપુજીને જો આ વાતની ખબર પડે તો શું થાય.
જ્યારે જ્યારે હું રજાઓ દરમિયાન ઘરે આવતો ત્યારે પણ તું ઘરમાં જ રહેતી મને બહુજ અોછી જોવા મળતી.મને એ સમયે ખબર ન હતી કે તારા મનમાં મારા માટે શું લાગણીઓ છે તેથી ડર વધુ રહેતો.

પરંતુ હવે એવા કોઈ બંધન નથી કે નથી કોઈ પ્રકારનો ડર.જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ આપણાને આપણા બંધનો અને ડરો પર હસવું આવે છે તો ક્યારેય પસ્તાવો પણ થાય છે.પણ જો એ સમયે પત્ર લખવાની હિંમત કરી નાખી હોત તો... ખેર જવા દે.

જ્યારે મારી કોલેજ પૂરી થઈ ત્યારે હું નક્કી કરીને ઘરે આવ્યો હતો કે હવે હું મારા મનની વાત તને કહી દઈશ અને જો તું રાજી હોઈશ તો મોટાભાઈ અથવા તો બાને કહીને તારા ઘરે સગાઈની વાત કરાવીશ. પરંતુ જ્યારે ઘરે આવ્યો ત્યારે તને લગ્નમંડપમાં જોઈ.એ સમયે મને જે આઘાત લાગ્યો એને તું નહિ સમજી શકે.

લગ્નમંડપે તું કેટલી સુંદર લાગી રહી હતી એ શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી.ત્યારબાદ મેં ઘણા દિવસો તારી યાદમાં વિતાવ્યા. જ્યારે જ્યારે ઘરની બહાર નીકળતો અને શેરીમાં તારા ઘરનો દરવાજો જોતો ત્યારે એવું લાગતું કે જાણે મારા જીવનનું બધુજ લૂંટાઈ ગયું છે.જિંદગીમાં કંઈ બાકી જ નથી રહ્યું, ધીરે ધીરે સિગરેટ અને શરાબની લત લાગવા લાગી હતી.

મારા મોટા બાપુ આર્મીમાં જોડાયા હતા તેથી સમય જતા મને પણ જોડાવાનું મન થયું. ઘરે બા અને બાપુએ પહેલાં તો થોડી આનાકાની કરી પરંતુ પછી એ લોકો પણ માની ગયા. હુ આર્મીમાં જોડાઈ ગયો, અત્યારે રિટાયરમેન્ટ પછી અમે અહીં અમદાવાદમા નાના દીકરા સાથે રહીએ છીએ.

અરે,મારી જીવનસંગિની વિશે કહેવાનું તો રહી જ ગયું. આર્મીમાં બે વર્ષ રહ્યા પછી બાપુએ મારા લગ્ન સરસ્વતી સાથે નક્કી કરી નાખ્યા. મે કોઇ પ્રકારની આનાકાની ન કરી અને લગ્ન કરી લીધાં. સરસ્વતી ખરેખર ખૂબ જ પ્રેમાળ છે અને મારા પુત્રો પૌત્રો અને પ્રપોત્ર પણ મને ખૂબ જ પ્રેમ કરે છે.
હું એમ નથી કહેવા માંગતો કે જે થયું એ સારું થયું, અને તું ન મળવાથી જિંદગીમાં કંઈ ફરક પડ્યો નથી પરંતુ એ જણાવવા માગું છું કે જિંદગી આપણા જીવનમાં રંગો પૂરતી જાય છે બસ ફરક એટલો રહી જાય છે કે ત્યાં આપણા પસંદગીના રંગો બાકી રહી જાય છે અને જિંદગીના પસંદગીના રંગો પૂરતા જાય છે. જિંદગીની રંગોળી પુરાતી જાય છે આપણી પસંદના રંગો વડે અથવા જે જિંદગી ઈચ્છે એ રંગો વળે.

જો આ પત્ર તને યુવાનીમાં લખ્યો હોત તો એમાં માત્ર તારી સુંદરતાના વખાણ કર્યા હોત પરંતુ સમય જતાં શરીરની સુંદરતાનું મહત્વ ઘટતું જાય છે અને ગુણો તરફનું આકર્ષણ વધતું જાય છે,છેલ્લે આ બધામાંથી માત્ર ને માત્ર એક વસ્તુનું મહત્વ રહી જાય છે, સંયમથી ભરેલા વૈરાગ્યનું.જેમ એક વહેતી નદીને કિનારે બેસીને માણસ જુવે એવા સંયમથી ભરેલા વૈરાગ્યનું.

સારું તો હું અહીં મારા શબ્દોને વિરામ આપવા માંગીશ. આ પત્ર બાદ તારો પ્રતિભાવ કેવો હશે એ હું નથી જાણતો થઈ શકે તો પત્ર વાંચ્યા બાદ તારા વિચારોને પત્રમાં પ્રસ્તુત કરજે,તું જે પણ લખીશ એ મને સ્વીકાર્ય રહેશે.

લી.

તને બાળપણમાં નિર્દોષ અને યુવાનીમાં પ્રબળ પ્રેમ કરનાર.
રમણલાલ.

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો