"જલ્દી ચાલ બેટા આપણને ઘરે પહોંચવામાં થોડા પણ સમય વધારે લાગી જશે તો...- ગભરાયેલા અવાજે બોલતાં બોલતાં છાંયા અટકી પડી.
" તો શું પપ્પા ફરી?"
આ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. થોડીવાર માટે પોતાની દીકરીની સામે જોઈ રહી અને ફરી તેને ઝડપથી પગ આગળ વધાર્યા. ઘરે પહોંચીને દરવાજા પર તાળું જોયું તો તેણે રાહતનો શ્વાસ લીધો.
"બેટા તું લખવા બેસીજા, હું જમવાનું બનાવી દઉં તારા પપ્પા આવતા જ હશે."- કહીને છાયા સીધી રસોડામાં જમવાનું બનાવવા જતી રહી.
હજી તો શાક વધાર્યું જ હતું કે ડોરબેલ રણકી. તે દોડી ને દરવાજો ખોલવા ગઈ.
" ઘરમાંજ હતી કે બહાર? આટલી બધી વાર શું દરવાજો ખોલવામાં?"- રવિન્દ્ર એ ગુસ્સામાં કહ્યું.
તેની પાસેથી દારૂની અસહ્ય ગંધ આવી રહી હતી.
" એ હું રસોડામાં જમવાનું કરતી હતી ને એટલે હાથ ધોઈને આવતા વાર લાગી"- ગભરાયેલા અવાજે છાંયા એ કહ્યું.
રવિન્દ્ર નાહીને આવ્યાં એટલી વારમાં તો તેણે ફટાફટ રોટલી કરીને જમવાનું બહાર મૂકી દીધું. રવિન્દ્ર પણ જમીને તરત સુવા ચાલ્યો ગયો. પોતાની દીકરીને સુવડાવીને તે રસોડામાં સાફ-સફાઈ કરવા ગઈ. કામ પરવારીને સુતા સુતા તેને બાર વાગી ગયા હતા. પણ આજે તો એને કેમેય ઊંઘ આવે એવું નહોતું, કારણકે આજે ૨૫ ડિસેમ્બર હતી.
હા...... આજ તારીખે આજથી ચાર વર્ષ પહેલા છાયા ના લગ્ન રવિન્દ્ર સાથે થયા હતા. પોતે અત્યંત ગરીબ ઘરથી હોવાના કારણે પોતાનાથી મોટી ઉંમરના આધેડ વયના પુરુષ સાથે તેને પરણવું પડ્યું. ત્યારે તે માત્ર ૧૭ વર્ષની હતી. લગ્નના થોડા સમયમાં તેને ખબર પડી ગઈ હતી કે રવિન્દ્ર ખૂબ વ્યસની છે. તેને શરાબ પીવાની ખૂબ ગંદી આદત હતી. નશાની હાલતમાં તે છાંયા ને એટલી હદ સુધી મારતો કે તે ઉભી પણ ન થઈ શકે. તેની પરવાનગી વગર ક્યાંય જવું નહીં, અને ઘરમાં તો ક્યારેય કોઈ આવું જ ન જોઈએ.તેના ગુસ્સાવાળા સ્વભાવના લીધે છાંયા એ જાતે જ બધા સાથે મેળ-મિલાપ ઓછો કરી દીધો હતો. છાંયા ની આવી હાલત તેના માતા પિતા થી અજાણ નહોતી, પરંતુ ગરીબીને લીધે તેઓ પણ કંઈ કરી શકે તેમ નહોતા. છાંયા આને પોતાની કિસ્મત માનીને બધું સહન કરી રહી હતી.
લગ્નના એક જ વર્ષમાં તેના ખોળામાં એક નાની બાળકી આવી ગઈ હતી.જેનું નામ રાખ્યું મુક્તિ.....
રવિન્દ્ર એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો, પોતાનો પગાર તોએ પીવામાં જ ઉડાવી દેતો હતો. છાંયા જે મળે તેમાંથી બચત કરી- કરીને ઘર ચલાવતી અને પોતાની દીકરીને ભણાવતી હતી. હવે તો ધીરે-ધીરે રવિન્દ્ર નો નિત્યક્રમ થઈ ગયો હતો. કંપનીમાંથી કામ પતાવીને નીકળે એટલે તે સીધો પીવા માટે નીકળી જતો અને સાંજે ઘરે આવીને રોજ છાંયા સાથે મારઝૂડ... છાંયા ચૂપચાપ બધું વેઠી રહી હતી અને આ સહન કરતા-કરતા આજે તેને ચાર વરસ થઇ ગયા હતા.
રાતના લગભગ અગિયાર વાગી રહ્યા હતા પણ રવિન્દ્ર આજે કંપની પરથી ઘરે નહોતો આવ્યો.છાયા થોડીવાર માટે મુક્તિ ને જોતી તો થોડીવાર માટે બહાર દરવાજા પર તેની રાહ જોતી. પોણા બાર વાગ્યાની આસપાસ દરવાજો જોરથી ખખડવાનો અવાજ આવ્યો. છાયા દોડીની જાય છે અને દરવાજો ખોલે છે.
રવિન્દ્ર એ નશાની હાલતમાં પોતાના હાથ માં જે બોટલ હતી તે સિદ્ધિ છાંયાના માથામાં મારી અને છાયા ત્યાં જ ઢળી પડી....
જમીન પર ઘસડાઈ પડેલી છાંયા રવિન્દ્રના લથડાતા પગને પોતાની દીકરી તરફ જતા જોઈ રહી હતી. રવિન્દ્ર એ ત્યાં પડેલી લાકડી હાથમાં લીધી અને તે પોતાની માસૂમ બાળકી તરફ આગળ વધી રહ્યો હતો..... છાયાના હૃદયના ધબકારા વધી રહ્યા હતા તે ઉભી તેને પોતાની દીકરીને બચાવવા માંગતી હતી.... પરંતુ.....
એકાદ કલાક બાદ છાંયા સહેજ ભાનમાં આવી અને જોયું કે તેના પગ પાસે બેઠી એ માસુમ બાળકી રડી રહી હતી.
"મુક્તિ.... દીકરી... દીકરી શું થયું??? તને ક્યાં વાગ્યું??? તને કંઈ થયું તો નથીને બેટા?"- ગભરાયેલા અવાજે પોતાની દીકરીને છાતીસરસી ચાંપી છાંયા રડતાં- રડતાં બોલી.
મુક્તિ કંઈપણ બોલે એ પહેલા જ તેની નજર પડી સામે બેભાન પડેલા રવિન્દ્ર પર...અને તે સમજી ગઈ કે રવિન્દ્ર કઈ કરે તે પહેલાં જ નશાના લીધે તે બેભાન થઈ ગયો હતો.
છાંયાના માથામાંથી લોહી પડી રહ્યું હતું. તે ધીરે રહીને પોતાનો હાથ માથા પર લગાવે છે અને એની આંગળીઓ માં લાગેલા ખૂંનને દેખે છે અને તરત જ નજર નાખે છે પોતાની દીકરી પર... મુક્તિ પર...
સવારના લગભગ નવ વાગ્યાની આસપાસ રવીન્દ્રની આંખો ખુલે છે. તે જોર જોરથી છાંયાને બૂમો પાડે છે પણ છાંયા નો કોઈ જવાબ નથી આવતો. તે ઊભો થઈને અંદર રસોડામાં જોવા જાય છે તે મૂક્તિ ને શોધે છે. પણ ના તો ત્યાં છાંયા હતી નાતો મુક્તિ....
છાંયા સમજી ગઈ હતી કે હવે તેણે આ પિંજરામાંથી બહાર નીકળવું જ પડશે. પોતાના માટે નહીં તો પોતાની દીકરી માટે. રવિન્દ્ર ગુસ્સામાં આકુળ-વ્યાકુળ થઇ રહ્યો હતો કે ત્યાં જ દરવાજો ખખડ્યો અને ઘરમાં પ્રવેશી પોલીસ.....
"પોતાની પત્ની અને દીકરી પર જાનલેવા હુમલો કરવાના લીધે તને અરેસ્ટ કરવામાં આવે છે...."