વંદના - 10 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 10

વંદના-૧૦
ગત અંકથી શરૂ..

આટલું સાંભળતા જ મારી માતાના શરીર માં ધ્રુજારી ફરી વળી. તેનો ચેહરો ફિકો પડી ગયો. એક ગહેરી ચિંતા ફરી વળી કાપો તો લોહીના નીકળે તેવી તેની હાલત થઈ ગઈ. લાચારીમાં શરત મંજૂર તો કરી લીધી પરંતુ હવે શું કરે એ ચિંતા તેને અંદર અંદર ખાયે જતી હતી. તેને મજૂરી કરીને એક એક પાઈ જોડીને પૈસા ચૂકવવાનું મંજૂર હતું પણ આ રીતે પોતાની ઇજ્જત કોઈના હાથમાં સોંપી દેવી એ મંજૂર ન હતું. ઘણું વિચારીને તેને નક્કી કર્યું કે તે એ શેઠને વિનંતી કરી અને કહેશે કે તે થોડા સમયમાં તેના પૈસા ઉપરાંત વ્યાજ પણ ચૂકવશે પરંતુ આ રીતનું નીચ કામ તે નહિ કરે..

ખૂબ જ મુઝવણ સાથે મારી માતા અશોક કાકાના મિત્ર ના બંગલામાં પ્રવેશે છે. બંગલામાં પ્રવેશતા જ સામે સોફા પર અશોક કાકાના મિત્ર મારી માતાની રાહ જોઈને જ બેઠા હતા. મારી માતા તેમને જોઈને ગભરાઈ ગઈ. તેના આખા શરીરમાં કંપારીનું લખલખું પસાર થઈ ગયું તેને પોતાના સ્ત્રી હોવા ઉપર શર્મ મહેસૂસ થવા લાગી. એક સ્ત્રી માટે કેટલું અઘરું હોય છે પોતાની મરજી વિરુદ્ધ પોતાની જાત ને કોઈ બીજા ને સોંપી દેવું. પરંતુ મજબૂરી માણસ ને ગમે તે કરાવી શકે છે.

છતાં પણ હિંમત કરીને પોતે કરેલા નિર્ણયને અનુસરતા અશોક કાકાના મિત્ર સામે હાથ જોડીને કહ્યું" શેઠ હું અહીંયા ફક્ત તમને એક વિનંતી કરવા આવી છું. શેઠ હું એક ગરીબ મજૂર ભલે હોવ પણ કયારેય મે મારી ઇજ્જત પર કોઈ આંચ નથી આવવા દીધી. મે તમને મારી મજબૂરીથી વિવશ થઈને તમારી શરત તો માંની લીધી હતી પરંતુ ત્યારે જે તમારી પાસે આવે હતી એ એક લાચાર માં હતી આજે હું એક ખુદ્દાર અને ઇજ્જતદાર સ્ત્રી છું જેને ક્યારેય પણ કોઈ ખોટું કામ કર્યું નથી હમેશા સાચી નીતિથી મહેનત કરી પોતાના પરિવાર નું પેટ ભર્યું છે. હું તમારી સામે હાથ જોડીને વિનંતી કરુ છું હું એક એક પાઈ જોડીને તમારો બધા જ પૈસા ચૂકવી દઈશ તમેં કહો તો વ્યાજ પણ ચૂકવી દઈશ."

" હવે અત્યારે આ બધી ચર્ચા કરવાનો કોઈ ફાયદો જ નથી. અને આમ તમે તમારા વચન પરથી ચૂકી ન શકો ત્યારે જ મે અશોકને કહી ને તમને એક કોન્ટ્રેક્ટક પર તમારા અંગૂઠાની છાપ પડાવી હતી. જેમાં ચોખુ લખ્યું છે કે તમે મને પૈસા ના બદલા માં મારા બંગલાના કેર ટેકર તરીકે કામ કરશો. અને મને ખુશ રાખશો." અશોક કાકાના મિત્ર એ ખૂબ જ કઠોર અવાજમાં કહ્યું..

" શેનો કોન્ટ્રાક્ટ? હા એમને કોઈ પેપર પર મારી અગુઠાની છાપ તો લીધી હતી પરંતુ હું તો શેઠ અભણ બાઈ માણસ, મને એમાં શું લખ્યું હતું એ કાઈ જ ખબર નથી અને મને અશોક ભાઈ એ કીધું પણ નહિ. પરંતુ ત્યારે હું ખરેખર લાચાર હતી મને મારી દીકરીની જિંદગી બચાવવા સિવાય બીજું કંઈ જ સુજતું જ નહોતું એટલે વગર વિચારે એ પેપર પર અંગૂઠો છાપી દિધો"

" હા તો આ શરત તમારી દીકરીની જિંદગી ના બદલામાં જ હતી. અને હવે તે ચૂકવવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી."

" જૂઓ હું તમારા બંગલામાં કેર ટેકર તરીકે કામ કરીશ હું ખૂબ ઈમાનદારી થી તમારા આ બંગલાનું ધ્યાન રાખીશ પરંતુ તમે કહ્યું હું તમને ખુશ રાખીશ એ મારા નિયમ વિરૂદ્ધ છે"

" એમાં વાંધો જ શું છે તમે પણ વિધવા છો અને હું પણ વિધ્ધુર છું આપણે બંને એકલા છીએ આપણી એકલતા દૂર થઈ જશે અને એમ નહિ સમજતા કે હું ફક્ત આ પૈસાની બદલી માં જ કામ કરાવીશ. પરંતુ આ પછી તમારા પરિવારની જવાબદારી પણ હું જ ઉપાડીશ તમે મને એટલો પણ કઠોર ના સમજશો. મને ખબર છે કે તમે તમારી દીકરી માટે કેટકેટલા સપના જોયા છે. તેને સારી સ્કૂલમાં એડમિશન અપાવી ભણાવી ગણાવીને મોટી ઓફિસર બનાવવાની તેના લગ્નની બધી જ જવાબદારી આજ થી મારી આ બધું જ ફકત આ એક જ શરતે"

મારી માતા વિચારોમાં પડી ગઈ જ્યાં પોતાના સંતાનના જીવનની વાત આવે ત્યાં હંમેશા માતાપિતા કમજોર થઈ જ જતાં હોય છે. પોતાના સંતાનના ઉજળા ભવિષ્ય માટે તે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. મારી માતાએ થોડીવાર કઈક ઊંડાણમાં વિચારીને કહ્યુ" પરંતુ શેઠ તમારે કોઈ સંતાન નથી?"

" છે ને એક દીકરો અને એક દીકરી પણ છે પરંતુ તે બંને વિદેશમાં રહી ભણે છે. એ લોકોના ભવિષ્ય ખાતર તો મે બીજા લગ્ન નથી કર્યા. પરંતુ હવે આ બંગલાને અને મારી એકલતાને ખરેખર કોઈની જરૂર છે. હજુ પણ કહું છું વિચારી જોવો નહિ તો મારે કોઈ કડક પગલાં લેવા પડશે."

" કડક પગલાં! શું પગલાં શેઠ?" મારી માતાએ ખૂબ ગભરાઈને આશ્ચર્ય પામતા કહ્યું.

" તમારી દીકરીની જિંદગી તો મારી જ દેન છે ને તો પછી એ પૈસાની બદલીમાં મને તમારી દીકરી સોંપવી પડશે."

આ સાંભળીને મારી માતા અંદરથી ભાંગી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા ત્યાં જ જમીન પર ફસડાઈ પડી.અને પોતાની દીકરી માટે આજીજી કરતા કહ્યું" ના શેઠ હું મારી દીકરી માટે કાઈ પણ કરવા તૈયાર છું પરંતુ મારી દીકરીને મારા થી અલગ નહિ કરતા. હું મારી દીકરી વગર નહિ જીવી શકું. તમે કહેશો એ કરવા તૈયાર છું"


"આ સાંભળીને અશોક કાકાના મિત્રના ચેહરા પર મુદુ સ્મિત ફરી વળ્યું. માણસ પૈસાના અભિમાનમાં આવીને આંધળો થઈ જાય છે પોતાને ભગવાન સમજી બેસે છે અને પછી આવા લાચાર મજબૂર લોકોનો ફાયદો ઉઠવામાં તે લોકો જરા પણ શરમાતા નથી. એમાં પણ જો ખાસ કરી ને તે એક લાચાર સ્ત્રી હોય એટલે સૌ કોઈ લાભ લેવા તૈયાર થઈ જાય. અમન મને તો ક્યારેક એ નથી સમજાતું કે એક સ્ત્રી હોવું એ ગર્વ કરવાની વાત છે કે શરમ કરવાની વાત છે!." આટલું કહેતાં વંદના ધ્રુસકે ધ્રુસકે રડી પડી..

અમને તેની પીઠ પંપાળતા સાંત્વના આપતા કહ્યું" તારી માતા સાથે જે થયું એ ખરેખર કરુણતા ભર્યું છે હું સમજી શકું છું એક સ્ત્રી માટે પોતાની ઈજ્જત જ એક કીમતી ઘરેણું હોય છે. અને એક માં માટે પોતાનું સંતાન જ કીમતી હોય છે તારી માતા એક સ્ત્રી અને માં વચ્ચે ના આ યુધ્ધમાં એક લાચાર માં નું પલડું ભારે થઈ ગયું. એમાં તારી માતાનો કોઈ વાંક ગુન્હો નથી."

" હા અમન મારી માતા નો તો કોઈ વાક હતો જ નહિ છતાં પણ મારી માતા માટે તો આ બધું કોઈ ગુનાહની સજા સમાન જ હતું. ત્યાર પછી તો મારી માતા આખો દિવસ એ બંગલાની દેખરેખ કરતી અને જયારે પણ અશોક કાકાના મિત્રને મન કરે ત્યારે પોતાની રુમ મા બોલાવી મારા માતા સાથે પોતાની ભૂખ સંતોષતા. બદલામાં તેમને મને એક સારી સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું. અશોક કાકાના મિત્રની મહેરબાનીથી હવે ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી રહી. મારા દાદા દાદી આ વાતથી સાવ અજાણ જ હતા. એમને તો એમ જ હતું કે તેમની વહુ કોઈ મોટા શેઠના ઘરે કેર ટેકર તરીકે કામ કરે છે ને તેના વળતા મહેનતાણા તરીકે આ ઘરમાં ખુશીઓની રેલમછેલ થઈ રહી છે. ક્યારેય શેઠ કોઈ કામ થી બહારગામ ગયા હોય ત્યારે તો મારી માતા મને પણ તે બંગલા માં લઇ જતી. હું તો તે આલિશાન બંગલાને જોઇને જ ખુશ થઈ જતી.આખા બંગલામાં હું અહીંયા થી ત્યાં ભાગીને રમ્યા કરતી ક્યારેક તો બંગલાના કાચના પ્રવેશદ્વારમાં જોઈને નૃત્ય કરતી. મારી માતા મને આમ જોઈને ખૂબ ખુશ થતી પરંતુ અંદર થી તે ખૂબ દુઃખી હતી. ક્યારેય મારા પિતાના ફોટા સામે રડતા રડતા ફરિયાદ પણ કરતી. પરંતુ તેના આંસુ ને સમજવા વાળું કોઈ ન હતું. અશોક કાકા પણ તેમની નોકરીમાં બદલી થઈ હોવાના કારણે શહેર છોડીને બીજા કોઇ શહેરમાં જતા રહ્યા હતા.

મારી માતા માટે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. હવે તો મારી માતાએ પણ આ બધું સ્વીકાર કરી લીધું હતું. આ જ રીતે પોતાનું જીવન ગુજારતી. પરંતુ મારી કિસ્મતને જાણે આ બધું મંજૂર ન હતું એક દિવસ અશોક કાકાના મિત્ર ના બંગલામાં એક મોટી પાર્ટીનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટા મોટા વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને મારી માતાને અશોક કાકાના મિત્રે મોડી રાત સુધી ત્યાં જ રેહવાનો આદેશ આપ્યો હતો..

ક્રમશ...