વંદના - 2 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 2

વંદના-2

ગત અંક થી ચાલુ..

અમન અને વંદના કૉફીશોપમાં પ્રવેશે છે. અમન કોફિશોપમાં નજર ફેરવે છે તો કોફિશોપમાં ક્યાંક કોઈ ટેબલ પર દોસ્તોના ગ્રૂપનો રમજમાટ ચાલી રહ્યો છે તો ક્યાંક કોઈ ટેબલ પર નવ યુગલો કોફીના સીપ સાથે પ્રેમભરી વાતોની મજા માણી રહ્યા. આખું કોફી શોપ ભરચક હતું એટલામાં અમનની નજર કોર્નર પર આવેલા એક ખાલી ટેબલ પર પડે છે એ જોઈને અમનનાં ચેહરા પર સ્મિત છવાઈ જાય છે. અમન એ કોર્નર ના ટેબલ તરફ જઈ ખુરશી ખેંચી ને વંદનાને પ્રેમથી બેસવાનું કહે છે.

"અરે વાહ! આજે તો તું બહુ જ સજ્જન માણસની જેમ વર્તે છે શું વાત છે? પેહલા તો કયારેય આવી રીતે ઓફિસની કેન્ટીનમાં મને આમ ખુરશી ખેંચી ને બેસવાનું નથી કહ્યું આજે કોઈ ખાસ દિવસ છે કે શું? મારો બર્થ ડે તો છે નહીં. તો!" વંદના અમન ના વર્તનથી આશ્ચર્ય પામતા કહે છે..

"અરે શાંતિ! બધું જ કહું છું તને પહેલા આપણે ચા અને કોફીના ઓર્ડર આપી દઈએ. પછી કહીશ બધું તને ok" અમન વંદનાને ચૂપ કરાવતા કહે છે..

થોડી જ વારમાં ચા અને કોફી ટેબલ પર આવી જાય છે અમન પોતાના દિલની વાત કહેવામાં થોડું નર્વસ ફીલ કરે છે કેમ કહું? કેવી રીતે શરૂઆત કરું? કઈ સમજ નથી પડતી. અમન ઊંડા વિચારો માં સરી પડે છે. વંદના અમને આમ વિચાર કરતા જોઇને ચપટી વગાડીને અમને વિચારોમાંથી બહાર લઈ આવે છે અને કહે છે"ઓ મિસ્ટર! શું છે? શું વિચારી રહ્યા છો? કંઈ કહેવું હતું ને તારે? હવે કાંઈ બોલતો ખરા! આ જો મે તો ચા પણ અડધી પી લીધી. ચા પૂરી થાય એ પેહલા બોલી દે જે તારે કહેવું હોય નહિ તો પછી બીજી ચા મંગાવી પડશે તારે" વંદના ખડખડાટ હસી પડે છે..

" અરે એક શું તારે જેટલી ચા પીવી હોય એટલી પીજે પણ આજે હું તને મારી વાત કહ્યા વગર જવા નહિ દવ" અમને કહ્યું

" હા તો કહે ને તારી વાત સાંભળવા માટે જ તો હું અહીંયા આવી છું પાગલ ચા તો ખાલી એક બહાનું છે ચલ કે શું કેવું છે તારે" વંદના એ કહ્યું

" પણ શું કહું વંદના? કેવી રીતે હું તને મારા મનની વાત કહું એ સમજાતું નથી" અમન મૂંઝાતા સ્વરે કહે છે.

વંદના અમનની મુંઝવણ જોઈને ગભરાઈ જાય છે અને કહે છે કે" શું વાત છે અમન કોઈ પ્રોબ્લેમ માં છે તું? ફેમિલીમાં બધા ઠીક તો છે ને? કંઇક બોલ હવે આમ ચૂપ ના રહે મને હવે ચિંતા થવા લાગી કાંઈક તું બોલ!

" અરે એવું કંઇજ નથી just chill! એક કામ કર તારી ચા ઠંડી થઇ ગઇ છે હું તારા માટે બીજી ચા મંગાવું છું" એમ કહી ને અમન વેઇટરને ફરી એક ચા લઈ આવવાનું કહે છે

" હવે તું વાત ના બદલ હો! શું થયું છે અમન? બોલ ને કંઇક આજે કેમ આટલો મહેરબાન થાય છે મારી ઉપર...

"શું કહું વંદના"અમન એકદમ નર્વસ ફીલ કરતા કહે છે..

" અરે! જે કેવું હોય એ સીધી રીતના કહી દે ને એમાં આટલો બધો નર્વસ કેમ થાય છે. તારે કહેવું છે કે પછી હું જાવ અહીંયા થી" વંદના હવે અમનના આવા વર્તનથી અકડાઈ જાય છે.

" હા બાબા કહું છું! વંદના!.. વંદના તું રોજ સવારે મારા માટે ચા બનાવીશ?" અમને ઉત્સાહથી કહ્યું..

" શું ? એટલે તું કહેવા શું માંગે છે? હું રોજ ઓફિસે તારા માટે ચા લઈને આવું?" વંદના અમનના આવા અણધાર્યા પ્રશ્નથી અકડાઈ જાય છે..

"અરે! એવું નથી કહેતો વંદના હું ચાહું છું કે મારા જીવનની દરેક સવાર તારા હાથની ચા સાથે તારા મીઠા અવાજથી થાય ..

" એટલે હવે હું તને રોજ સવારે ફોન કરી ને જગાડું અને સાહેબ મારો અવાજ સાંભળીને ઉઠે એમ! તું શું કહેવા માંગે છે મને તો કાંઈ જ સમજાતું નથી." વંદના થોડા ગુસ્સાના સ્વરમાં કહે છે..

"અરે! ના બકા કેવી રીતે તને સમજાવું તને!"

" જો તારે જે કેવું હોય એ ફટાફટ કહી દે હમણાં મમ્મીનો ફોન આવશે ને તો મારે અહીંયા થી ભાગવું પડશે. તને તો ખબર જ છે ને મારી મમ્મીનો સ્વભાવ કેવો છે. એ મારા માટે કેટલી ચિંતિત રહે છે. મે મમ્મીને કહ્યું નથી કે હું તારી સાથે અહીંયા આવી છું" વંદના એ કહ્યું

" હા તો એમને કહે કે હવે ચિંતા કરવાનું બંધ કરી દે અને મને જમાઇ તરીકે સ્વીકારી લે." એટલું કહેતાં અમરની આંખો શરમથી ઝૂકી જાય છે.

"શું ? શું કહ્યું તે ? કોણ જમાઇ?" વંદના અમન તરફ આશ્ચર્ય ભરી નજરોથી જોઇ ને કહે છે.

અમન નજર નીચી કરીને વંદનાનો હાથ પકડી લે છે અને ફક્ત હું સિવાય કાઈ જ બોલી ના શક્યો. વંદના થોડી વાર અમન ને એક નજરે જોઈ ને મોટે થી હસવા લાગી. અમન વંદનાનું હસવું જોય ને આશ્ચર્ય પામ્યો. એને તો એમ હતું કે હમણાં વંદના ચંપલ ઉઠાવીને મારશે પરંતુ એ તો હસવા લાગી. અમન ફરી હિંમત એક્ઠી કરીને બોલ્યો કે "વંદના હું સિરિયસ છું આ બાબતે તું મને ખરેખર ગમે છે. મે તને પહેલી વાર જ્યારે ઓફિસમાં જોઈ ત્યારથી જ તું મને ગમે છે. હું ખરેખર આપણી દોસ્તી ને નવું નામ આપવા માંગુ છું. મારું નામ તારા નામ સાથે જોડવા માંગુ છું"

વંદના અમનની વાત સાંભળીને એકદમ ગંભીર થઈ જાય છે. થોડીવાર કંઇક વિચારીને કહે છે કે" જો અમન આપણે ફક્ત બેસ્ટ ફ્રેન્ડ છીએ આ શક્ય નથી."

"શું કામ શક્ય નથી એક વરસથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. એકબીજા ને ખુબ સારી રીતે સમજીએ છીએ. એકબીજાની પસંદ નાપસંદ થી વાકેફ છીએ. આપણા બંનેની પસંદ પણ ઓલમોસ્ટ સરખી છે. આપણા બંનેના શોખ પણ એક સરખા છે. વંદના હું તારા દરેક સુખદુઃખ માં તારી સાથે રહેવા માંગુ છું. તારી સાથે હસવા માંગુ છું તારી સાથે રડવા માંગુ છું. જીવનના અંત સુધી હું ફક્ત તારી સાથે રહેવા માંગુ છું.તારી દરેક ખવાઈશ તારા દરેક સપનાઓ પુરા કરવા માંગુ છું. "

" સપના! અમન તને ખબર જ છે કે મે મારા સપનાં પૂરાં કરવા માટે જ આજીવન લગ્ન નહિ કરવાનો નિર્ણય લીધો છે. પછી તું આવું વિચારી પણ કેમ શકે?"

" હું જાણું છું તારા સપના વિશે. હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. તારો બેસ્ટી તારા કહ્યા વગર જ તારા દિલની વાત સમજી જાય છે. તો પછી મારાથી વધારે કોણ સમજી શકે તારા સપનાઓ ને. અને તને યાદ છે મે જ કહ્યું હતું કે હું તને તારા સપના પુરા કરવા માટે મારાથી બનતી બધી જ મદદ કરીશ. તો પછી મારું એ વચન હું લગ્ન પછી પણ નિભાવી શકું છું"

"એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે સાથ આપવો સહેલો છે અમન પણ એક પતિ તરીકે સાથ આપવો ખૂબ અઘરું છે. અને તું જ કહેતો હતો ને કે તારા પરિવારમાં બધા લોકો ખૂબ રૂઢિચુસ્ત છે. તમારા મારવાડી સમાજમાં તો સ્ત્રીઓ ને બહાર કામ કરવા જવાની પણ છૂટ નથી તો પછી તું કંઈ રીતે મારા સપના પુરા કરવામાં મને સાથ આપીશ."

" વંદના હું તને ખરા દિલથી ચાહુ છું હું તને વચન આપું છું કે હું તને ક્યારેય દુઃખી નહિ કરું હું તારા દરેક સપનાઓ પુરા કરવામાં તારી ખરા દિલથી મદદ કરીશ. એના માટે હું મારા પરિવારને પણ માનવી લઈશ."અમન વંદનાને સમજાવતા કહે છે..

વંદના થોડીવાર અમનની આખો માં જોઈને કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલી રહે છે પછી કંઇક યાદ આવતા કહે છે કે" અમન તને મારા સપનાં વિશે તો ખબર જ છે પરંતુ તું સપના પાછળની હક્કીકત વિશે નથી જાણતો એટલે પ્લીઝ તું આ બધું અહીંયા જ સ્ટોપ કરી દે"

" હક્કીકત શું છે હક્કીકત? એવું તો શું છે જે તું મારાથી છૂપાવે છે?"અમન આશ્ચર્ય પામતા પૂછે છે..

વંદના અમનની સામે જોઈને અસમંજસમાં મુકાઈ જાય છે. કે કઇ રીતે એ પોતાની હકીકત કહે. અમનની આંખોમાં વંદના માટેનો અપાર પ્રેમ છલકાઈ રહ્યો હતો. અમનનો પ્રેમ જોઈને વંદનાની આંખો ભરાઈ આવી. વંદના અમનથી પોતાની વેદના છુપાવવા માટે ટેબલ પરથી ઉભી થઈને કોફી શોપ ની બહાર નીકળી ગઈ. અમન પણ જલદી જલદી કોફી અને ચાનું પેમેન્ટ કરી ને વંદના ની પાછળ પાછળ ભાગ્યો. પરંતુ તે કોફિશોપ માંથી બહાર આવીને જોવે છે તો વંદના ઓટોરિક્ષમાં બેસીને ત્યાંથી નીકળી જાય છે અને અમન તેને જતા જોતો રહી જાય છે...

ક્રમશ...