કુદરતના લેખા - જોખા - 40 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 40


આગળ જોયું કે સાગરની સગાઈ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. સાગરની સગાઈમાં કેશુભાઈ અને મીનાક્ષી વચ્ચે લાગણીશીલ મુલાકાત થાય છે. સાગરની સંસ્કૃતિની ઓળખાણ બધા મિત્રો સાથે કરાવતો હોય છે ત્યારે મયુર અપલક નજરે તેને નીરખતો રહ્યો હતો. અચાનક મયુરમાં ઘણો ફેરફાર જોવા મળે છે.


હવે આગળ.......


* * * * * * * * * * * * *


મીનાક્ષી ની રાતોની નીંદ ગાયબ થઈ ગઈ. તેના વિચારો તેને સુવા નહોતા દેતા. મયુરમાં આવેલું પરિવર્તન એ સમજી શકી નહોતી. મયુર તેને ખૂબ ચાહતો હતો છતાં તેનામાં આવેલો બદલાવ મીનાક્ષી સાંખી શકે તેમ નહોતી. પહેલા તો તેણે પોતાની જાતને તપાસી, ઘણા વિચારીને અંતે તેનાથી કોઈ ભૂલ થઈ હોય એવો એક પણ દાખલો નહોતો મળતો. મીનાક્ષીને એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હતી કે જ્યારથી મયુરનો પરિચય સંસ્કૃતિ સાથે થયો ત્યારથી મયુરમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. શું મયુર સંસ્કૃતિને પ્રેમ કરવા લાગ્યો હતો? આવા પ્રશ્નો મગજ માં ઉઠતા જ મીનાક્ષી વિહવળ થઇ ઉઠતી. જ્યારથી મયુરની જિંદગીમાં મીનાક્ષીએ પ્રવેશ કર્યો ત્યારથી એ ગૌરવ અનુભવતી હતી કે પોતાના જેટલું સુખ બીજા કોઈને ના મળી શકે પરંતુ મયુરમાં આવેલા પરિવર્તનથી એ ગૌરવ ક્ષીણ થવા લાગ્યું હતું.


* * * * * * * * * * * * * *


મયુર પોતાનો વધુમાં વધુ સમય તેના રૂમમાં પસાર કરવા લાગ્યો. તે કોઈ સાથે વધુ વાત પણ નહોતો કરતો. ન કળી શકાય તેવી ચિંતા તેના વદન ઉપર પથરાયેલી રહેતી. કામનો બધો કારોબાર તેણે સાગર પર ઢોળી દીધો હતો અને સામાજિક કાર્યો બધા મીનાક્ષીને સોંપી દીધા હતા. તે હંમેશા વિચારોમાં ખોવાયેલો રહેતો. તે એક વ્યક્તિના સંપર્કમાં વધારે રહેતો હતો.


મયુર સામે આવી પડેલી મુશ્કેલીમાં ક્યો રસ્તો ઉપયોગમાં લેવો તે સમજી શકતો નહોતો. એણે આવી પડેલી મુશ્કેલી વિશે ભોળાભાઈને વાત કરી હતી તેની પાસે પણ આ મુશ્કેલીને નીવારવાનો કોઈ સચોટ રસ્તો ના મળતા મયુરે એક ગંભીર નિર્ણય લીધો અને આ નિર્ણય સાગરને જણાવવા સાગરને પોતાની રૂમમાં ફોન કરીને બોલાવે છે.


અચાનક આવેલા ફોનથી સાગર વિચારોમાં ખોવાયો. આમ પણ મયુર ઘણા દિવસથી કોઈને મળ્યો નહોતો. કોઈ પણ કામ માટે ફોન કરીને જ પૂછવામાં આવતું ત્યારે મયુર બીજી કોઈ વાત કર્યા વગર જ કામની વાતનો જવાબ આપીને ફોન કાપી નાખતો. મયુરનું આવું વર્તન સાગરને પણ ડંખતું હતું પણ સાગર કઈ બીજું પૂછે એ પહેલાં જ ફોન કપાઈ જતો. તેણે ઘણી વાર મયુરના રૂમમાં જઈને મળવાની કોશિશ કરી હતી પણ ભોળાભાઇ એ તેને રૂમમાં જતો અટકાવ્યો હતો. આજે મયુરે સામેથી તેને મળવા બોલાવ્યો હતો એટલે એ બધું જ પૂછી લેશે એવું નક્કી કરીને મયૂરને મળવા પહોંચી જાય છે.


સાગર જેવો મયુરના દરવાજા પાસે પહોંચે છે તો ફરી ભોળાભાઈ તેને રૂમમાં જતા અટકાવતા કહે છે કે "સાગરભાઈ મે તમને કેટલી વાર ના પાડી છે કે મયુરભાઈ હમણાં કોઈ ને મળવા નથી માંગતા, તો શા માટે તમે અહી આવીને મને શરમાવો છો?"


"મને મયુરે જ મળવા બોલાવ્યો છે એટલે અહીં આવ્યો છું." સાગરે કહ્યું.


"થોડી વારે બહાર જ ઉભા રહો હું મયૂરભાઈને પૂછીને તમને બોલાવું છું." ભોળાભાઈ એ રૂમમાં અંદર જતા સાગરને કહ્યું.


સાગરને વસમું લાગી રહ્યું હતું. તેના જ ખાસ મિત્રને મળવા જો પરવાનગી લેવી પડતી હોય તો કોને અઘરું ના લાગે આવા સંજોગોમાં. સાગરને મયુર પ્રત્યે પણ ગુસ્સો આવી રહ્યો હતો. મયુરના સુખના કે દુઃખના પ્રસંગે સાગરે ખડે પગે સાથ નિભાવ્યો હતો. આમ અચાનક જ એ વ્યક્તિ તેને મળવાની પણ પાબંદી લગાવી દે તો એ વાત પચાવવી થોડી અઘરી હતી સાગર માટે. છતાં સાગર મયુરના સિદ્ધાંતોથી વાકેફ હતો એટલે સાગરે થોડા દિવસ તો એજ વિચારોમાં કાપી નાખ્યાં કે મયુરે ફરી કોઈ સિદ્ધાંત અપનાવ્યો હશે એટલે જ કોઈને મળતો નથી. હજુ સાગર આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ મયુરના રૂમનો દરવાજો ખૂલ્યો અને ભોળાભાઈ બહાર આવવાની સાથે સાગરને કહ્યું કે "હવે તમે મયૂરને મળવા જઈ શકો છો."


સાગર બધા જ વિચારો ખંખેરીને મયુરની રૂમમાં પ્રવેશ્યો. રૂમની હાલત જોઈને સાગર દંગ રહી ગયો. રૂમની હાલત જોતા એવું સ્પષ્ટ થતું હતું કે કેટલાય દિવસથી આ રૂમની સફાઈ કરવામાં નહોતી આવી. રૂમની કોઈ વસ્તુ તેની યોગ્ય જગ્યાએ મુકેલી નહોતી. મયુર તેના પલંગમાં સૂતો હતો. તેની આંખો નિસ્તેજ હતી. આંખોના પોપચાને જોતા લાગી રહ્યું હતું કે તે કેટલાય દિવસથી સરખું સૂતો નહિ હોય. સાગર મયુરની હાલત જોઈને ઠંડો પડી ગયો. તેનો ગુસ્સો પળભરમાં જ ગાયબ થઈ ગયો.


"આ શું હાલત બનાવી છે મયુર." સાગરે ઠપકો આપતાં મયૂરને કહ્યું.


"એ બધું છોડ, તું બેસ પહેલા."


સાગરે મયુરની પથારીની સામે રાખેલી ખુરશીમાં બેઠક લીધી. મનમાં ઉદભવતા અઢળક પ્રશ્નોને દબાવીને દયામણી નજરે મયૂરને નીરખતો રહ્યો.


"જો સાગર તને એક ખાસ વાત કહેવા માટે અહી બોલાવ્યો છે. આમ તો હું ઘણા દિવસથી કોઈને મળતો નહતો પણ આ વાત ખાસ તારા માટે જ હતી એટલે તને બોલાવ્યો છે." મયુરે સાગરને કહ્યું.


"પણ એવું તો શું છે કે તું કોઈને મળતો નથી? ચાલો અમને ના મળે તો કોઈ વાંધો નહિ પણ તું કમસેકમ મીનાક્ષીને તો મળ. એના ઉપર શું વીતતી હશે એનો તો વિચાર કર. તું શા માટે આ રૂમમાં પુરાય રહ્યો છો? અમને તારું આ વર્તન અકળાવી મૂકે છે. તને કોઈ મુશ્કેલી હોય તો અમને જણાવ આપણે સાથે મળીને એ મુશ્કેલી દૂર કરીશું." ના ચાહવા છતાં પણ સાગરે તેની અંદર મૂંઝાતા પ્રશ્નો મયૂરને પૂછી જ લીધા.


" એ બધું હું તને પછી કહીશ. અત્યારે તારું એક કામ પડ્યું છે એ તારે કરવાનું છે." મયુરે થોડું અચકાતા સ્વરે કહ્યું..


"હા.. બોલને શું કામ કરવાનું છે."


"પહેલા તો મને એ કહે કે મારા ઉપર તને કેટલો વિશ્વાસ છે."


"મને તારા ઉપર પૂરો ભરોસો છે. પણ તું આવું બધું શા માટે પૂછે છે?" સાગરે આશ્ચર્ય સાથે મયૂરને પૂછ્યું.


"મારે પૂછવું જરૂરી છે કારણકે હું જે વાત તને કહેવા જઈ રહ્યો છું એ વાત તને આઘાત પહોંચાડી શકે છે."


"એવી તો કંઈ વાત છે?" સાગરે પૂછ્યું.


"હું વાત કહું એ પહેલાં તું મને વચન આપ કે તું એ કામ કરીશ જ."


"હા હું તને વચન આપું છું કે તારું કોઈ પણ કામ હશે તે હું કરીશ જ એના માટે હું મારા પ્રાણની પણ પરવા નહિ કરું."


"જો તને મારા પર પૂર્ણ વિશ્વાસ હોય તો તું સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખ." આત્મવિશ્વાસ સાથે મયુરે કહ્યું.


મયુરની વાત સાંભળીને સાગરને એક આંચકો લાગ્યો. કાપો તો લોહી પણ ના નીકળે એવી હાલત સાગર ની થઈ ગઈ હતી. મયુર આવી વાત કરશે એવું તો સાગરે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. સાગરે મયૂરને વચન આપ્યું હતું એટલે મયૂરને શું જવાબ આપવો એ સાગરને સમજાતું નહોતું છતાં થોડી હિંમત એકઠી કરીને સાગરે મયૂરને પૂછ્યું કે "પણ શા માટે હું સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખું?"


"મારી પાસે એ વાતનો જવાબ નથી. જો દિલથી તને મારા પર ભરોસો હોય તો તું આ સગાઈ તોડી નાખ. મે તારી પાસે અત્યાર સુધી કશું માંગ્યું નથી. એક આજ માંગણી કરી છે મહેબાની કરીને એ પૂરી કરી દેજે. આમ તો તે મને વચન આપ્યું છે કે તું મારું કામ કરીશ જ છતાં તને વિચારવાના આંઠ દિવસ આપુ છું. આ આંઠ દિવસની અંદર મને તારો જવાબ જોઈશે. એક વસ્તુ એ પણ મગજમાં રાખજે કે હું તારો સંસાર ઉજડતો નથી પરંતુ આ તારા ભલા માટે જ છે એટલું યાદ રાખજે. હું ક્યારેય તારું અહિત નહિ ઇચ્છું." મયુરે સાગરને સમજાવતા કહ્યું.


" કીધું હોત તો હું મારા પ્રાણ હસતા હસતા આપી દેત પણ તે આ સગાઈ તોડવાનું શા માટે કીધું? હજુ તો માંડ અમારી સગાઈને એક વર્ષ વીત્યું પણ નથી વીત્યું. આવી સંસ્કારી અને સુંદર છોકરીને હું કઈ રીતે ના પાડી શકું? ચાલો માની લઈએ કે હું ના પણ પાડી દવ પણ એ લોકોને સગાઈ તોડવાનું શું કારણ બતાવું? ચાલો કોઈ કારણ પણ બતાવી દઈએ તો પણ મારા મમ્મી પપ્પાને હું કઈ રીતે સમજાવું?" સાગર થોડીવાર બોલતા અટક્યો અને કંઇક વિચાર કરીને ફરી મયૂરને કહ્યું કે "આ સગાઈ કર્યા પહેલા જ્યારે મે તને છોકરીનો ફોટો બતાવ્યો હતો ત્યારે તો તેજ કહ્યું હતું ને કે આવી સુંદર છોકરી ગમે તેટલી ગોતવા છતાં પણ નહિ મળે તુ સગાઈ માટે હા પાડી દેજે તો પછી ત્યારે જ તારે મને ના પાડવી હતીને તો હું ત્યારે જ અટકી જાત. હવે ક્યાં કારણસર તું મને સગાઈ તોડવાનું કહે છે?" સાગરના શબ્દોમાં રોષ વર્તાતો હતો.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી

શા માટે મયુરે સાગરની સગાઈ તોડી નાંખવાનું કહ્યું?

શું સાગર સગાઈ તોડી નાખશે?

મીનાક્ષીને આ વાતની જાણ થશે ત્યારે શું થશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏