કુદરતના લેખા - જોખા - 39 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 39


સાગર અને તેના મમ્મી પપ્પા છોકરીના ઘરે છોકરી જોવા જાય છે જ્યાં સાગર અને છોકરી અગાસીમાં એકલા વાત કરે છે જેમાં વાતચીતના અંતે સાગર આ સંગાઈને મંજૂરી આપે છે


હવે આગળ......


* * * * * * * * * * * * *


છોકરી અને છોકરી વાળાના પરિવારને પણ સાગર પસંદ આવે છે. વડીલો દ્વારા અરસપરસ વાત કર્યા પછી સગાઈ એક મહિના પછી સારા મુરતમાં રાખવાનું નક્કી કરવામાં આવે છે. અત્યારે બંને પક્ષો આ સગાઈ માટે જિભાન આપે છે. સાગર અને તેના મમ્મી પપ્પા મોં મીઠું કરીને છોકરી વાળાના ઘરે થી વિદાય લે છે..


સાગરના મમ્મી પપ્પા આ સગાઈથી ખુશ હતા એટલો જ સાગર પણ આ સગાઈથી ખુશ હતો.


સાગર તેના મમ્મી પપ્પાને ઘરે પહોંચાડ્યા પછી વધુ કામ હોવાના કારણે જામખંભાળિયા જવા નીકળી જાય છે. તેણે રસ્તામાંથી જ મીઠાઈના બોક્સ તેમના મિત્રોને આપવાં માટે લઈ લીધા.


જામખંભાળિયા પહોંચ્યા બાદ સાગરે પ્રથમ મયૂરને સગાઈ નક્કી થઈ ગઈ હોવાની ખુશ ખબર આપી. મયૂરને આ વાત જાણીને ખુશી થઇ. મયુરે સાગરને ગળે વળગીને શુભકામનાઓ પાઠવી. એ પછી સાગરે હેનીશ, મીનાક્ષી અને ભોળાભાઈને આ સગાઈ બાબતે વાત કરી અને એક મહિના પછી ગોઠવવામાં આવેલી સગાઈ વિધિમાં હાજરી આપવાનું આમંત્રણ પણ પાઠવ્યું. બધા એ સાગરને અભિનંદન પાઠવ્યા અને સગાઈની વિધિમાં હાજરી આપશે તેવું પણ જણાવ્યું.


* * * * * * * * * * * * * *


મયુરની ખ્યાતિ દિવસે દિવસે વિકસિત થતી હતી. તે તેના ધંધામાં સફળતા પૂર્વક આગળ વધી રહ્યો હતો. તેમજ તે તેના ધંધામાં મિત્રોને સાથે રાખ્યા હોવાથી એક અલગ ખુશી મહેસૂસ કરી રહ્યો હતો. સાથે મીનાક્ષી પણ બધી રીતે સહકાર આપતી હોવાથી તેના કાર્યમાં કોઈ અડચણ નહોતી પડતી.


મયુરની વધતી નામના જોતા તેની જ્ઞાતિના પ્રમુખ પદે વરણી કરવામાં આવી. મયુરે તેની જ્ઞાતિના લોકોને મદદરૂપ થવા માટે આ પ્રમુખ પદ હસતા મોં એ સ્વીકાર્યું. પ્રમુખ પદ સ્વીકાર્યા ના બીજા દિવસથી જ તેની જ્ઞાતિના બેરોજગાર યુવકોને રોજગારી મળી શકે તે માટેના કાર્યો શરૂ કરી દીધા. મયુરના બધી જ જગ્યા એ સંપર્કો વધી ગયા હોવાથી આ કાર્ય ખૂબ આસાનીથી પાર પાડવા લાગ્યું.


સાથે સાથે મયુરે પોતાની એક એન.જી. ઓ. પણ શરૂ કરી જેનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકોને શોધવાનો હતો જે બાળકો હોશિયાર હોય પરંતુ આગળ પૈસાના કારણે ભણવાનું છોડી દીધું હોય. એવા બાળકોને શોધીને તેના અભ્યાસનો પૂર્ણ ખર્ચ પોતે ચૂકવીને એવા બાળકોના ભવિષ્ય સુધારવાનો હતો. મયુરે આ એન.જી. ઓ. સંભાળવા માટે અમુક કાર્યકરોને નોકરી પર રાખ્યા અને આ એન.જી. ઓ. ના ડિરેક્ટર તરીકે મીનાક્ષી ને પસંદ કરી હતી. મીનાક્ષીને પણ આ કાર્ય કરવામાં મજા આવતી હતી. તેને આ સારા કાર્ય કરવામાં આશીર્વાદ મળી રહ્યા હતા. આ એન.જી. ઓ. થી ઘણા બાળકોએ આગળ અભ્યાસ શરૂ કરી દીધો હતો.


મયુર હવે આ બધા કાર્યોમાં વ્યસ્ત થવા લાગ્યો પરંતુ જ્યારે પણ સમય મળતો ત્યારે મીનાક્ષી અને તેના મિત્રો સાથે હસી મજાક કરવાનો એક પણ મોકો જતો કરતો નહીં. ગમે તેટલી વ્યસ્તતામાં પણ તે મીનાક્ષી અને તેના મિત્રો માટે સમય કાઢી જ લેતો હતો. અને એ સમય ખૂબ આનંદથી પસાર કરતો.


સમય સરકતો ગયો. સાગરની સગાઈનો દિવસ આવી ગયો. સાગર એક દિવસ પહેલા જ અમદાવાદ જતો રહ્યો હતો. બીજા દિવસે મયુર, મીનાક્ષી, હેનીશ અને ભોળાભાઈ પણ સાગરની સગાઈમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. સગાઈના સ્થળ પર કેશુભાઈ અને વિપુલ પણ હાજર હતા. ઘણા સમય પછી મીનાક્ષીએ કેશુભાઈને જોયા હોવાથી તે તેને ગળે વળગીને રડવા લાગી.


"અરે બેટા એમાં રડવાનું ના હોય. ઘણા મહિનાઓ પછી મળ્યા છીએ તો હસતા મોં એ મળવું જોઈએ. બોલ બેટા તું મયુર સાથે ખુશ તો છો ને?" પીઠને પસરાવતા કેશુભાઇએ મીનાક્ષીને લાગણીશીલ થતાં પૂછ્યું.


"હા, કેશુભાઈ, મને મયુર ખૂબ જ સાચવે છે. મને તે કોઈ પણ જાતની કમી મહેસૂસ નથી થવા દેતો. મને મયુરે ક્યારેય એકલતાનો એહસાસ થવા જ નથી દીધો. અને મયુર મારી સંભાળ તો એટલી રાખે છે કે હું પાણી માંગુ તો દૂધ હાજર કરી આપે છે. અને ઓછામાં પૂરું મારી સાસરીમાં જ મારો ભાઈ હોવાથી એ પણ મારી સંભાળ રાખે છે. મયુરના મિત્રો સાગર અને હેનીશ દેવર તરીકે હંમેશા મને હસાવતા રહ્યા છે. આ બધા જ લોકોએ મને ક્યારેય દુઃખી થવાનો મોકો જ નથી આપ્યો. આથી વિશેષ સુખની તો બીજી કઈ વ્યાખ્યા હોય શકે." મીનાક્ષીએ સંતુષ્ટ ભાવે કેશુભાઈને કહ્યું.


"બસ બેટા તું ખુશ હોય તો મારે બીજું શું જોઈએ."


"હા, હું મારી સાસરીમાં ખૂબ જ ખુશ છું પરંતુ મને તમારી અને અનાથાશ્રમ ના બાળકોની ચિંતા સતાવ્યા કરે છે."


"જો બેટા, મયુર દર મહિને બાળકો માટે સારું એવું ભંડોળ મોકલે છે. બાળકો માટે બધી જ સુવિધા અનાથાશ્રમમાં ઊભી કરી આપી છે બાળકો આ બધી સુવિધાથી ખૂબ જ ખુશ છે. તેઓનું ભણતર પણ સારું ચાલે છે માટે એ લોકોની કોઈ ચિંતા ના કરતી અને મારી તબિયત પણ એકદમ સારી રહે છે માટે મારી ચિંતા કરવાની પણ જરૂર નથી." કેશુભાઇએ મીનાક્ષીને નિશ્ચિંત કરાવતા કહ્યું.


* * * * * * * * * * * * *


બધા જ મિત્રો અને સગાસંબંધી ઓની હાજરીમાં સાગરની સગાઈ ધામધૂમથી કરવામાં આવી. બધા લોકોએ છોકરીની ખૂબસૂરતી ના વખાણ કર્યા. છોકરી હતી જ એટલી સુંદર કે તેને જોતા જ એકવાર તેના વખાણ કરવા જ પડે. ફક્ત સુંદર હતી તેવું પણ નહોતું તેમના માં સંસ્કારિતા પણ ખુંટી ખુંટીને ભરી હતી. કદાચ એટલે જ તેના વડીલોએ તેનું નામ સંસ્કૃતિ રાખ્યું હશે! આવનાર દરેક વડીલોને તે ખૂબ જ શાલીનતાથી પગે લાગી હતી.


મયુર પણ એકવાર સંસ્કૃતિને જોઈને ખોવાઈ ગયો હતો. જ્યારે સાગરે સંસ્કૃતિની ઓળખાણ તેમના મિત્રો સાથે કરી ત્યારે પણ મયુરે થોડા સમય સુધી સંસ્કૃતિના હૂંફાળા હાથને થોડા સમય સુધી છોડ્યો નહોતો. સાગરે એક પછી એક બધાની ઓળખાણ સંસ્કૃતિને કરાવી હતી. જ્યાં સુધી સાગર બધા સાથે ઓળખાણ કરાવતો હતો ત્યાં સુધી મયુર સંસ્કૃતિને નીરખતો રહ્યો. પરંતુ મીનાક્ષી ની નજર મયુર પર સ્થિર હતી. તેને પ્રથમ વાર મયુર પર ગુસ્સો આવ્યો. તેનો પતિ કોઈ પરસ્ત્રી ને નીરખતો હોય તો કઇ એવી પત્ની હશે જેને આવા સંજોગોમાં ગુસ્સો ના આવે. તે સહમી ઉઠી. અત્યાર સુધીમાં ક્યારેય એવું બન્યું નહોતું કે મયુરે કોઈ સ્ત્રી સામે આંખ ઊંચી કરીને જોયું હોય. તેની ઓફિસમાં પણ સ્ત્રી કર્મચારી હોવા છતાં ક્યારેય મયુરે તે લોકો પાસે કામ સિવાય કોઈ ચર્ચા નહોતી કરી. પરંતુ આજ નું દ્રશ્ય જોઈ મીનાક્ષી અચરજ પામી. છતાં મીનાક્ષીએ મયૂરને કંઈ ના કહ્યું.


સગાઈની વિધિ પૂર્ણ કર્યા પછી બધા જ મિત્રો અને સગાસંબંધી પોતાના ઘરે જવા રવાના થયા.


* * * * * * * * * * * *


બધા પોતપોતાના કામમાં લાગી પડયા. પરંતુ હવે મયુરમાં ઘણો ફેરફાર આવતો ગયો. તે તેના મિત્રો કે મીનાક્ષી સાથે ઓછો સમય વિતાવવા લાગ્યો. ઘણી વાર એવું પણ બનવા લાગ્યું કે મયુર આખો દિવસ એક રૂમમાં પુરાઈ રહેતો એ સમયે મીનાક્ષીને અંદર આવવાની પણ મંજૂરી નહોતી આપવામાં આવતી. એવા સમયે ફક્ત ભોળાભાઈ જ અંદર જઈ શકતા. તે હવે તેના ફોનમાં વધારે સમય ફાળવવા લાગ્યો. ક્યારેક તેનો ફોન શરૂ હોય અને કોઈક આવી જાય તો ફોન કાપી નાખતો. રાતે મોડે સુધી તે કોઈક સાથે મેસેજ થી વાતો કરતો. તે હવે અઠવાડિયામાં બે થી ત્રણ વખત ભોળાભાઈને લઈને અમદાવાદ જતો. તે શા માટે જતો એ કોઈ ને જણાવતો નહિ. મીનાક્ષી ઘણી વાર ભોળાભાઇ ને આ બાબતે પૂછતી કે તમે અને મયુર શા માટે અમદાવાદ જાવ છો તો ભોળાભાઈ કોઈ સરખો ઉતર આપ્યા વગર જ જતા રહેતા. જ્યારે મયૂરને આ બાબતે પૂછતી તો મયુર પણ કોઈ જવાબ નહોતો આપતો. હવે તો મીનાક્ષી ને મયૂર પર શંકા દિવસે ને દિવસે વધવા લાગી હતી.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


અચાનક મયુરમાં કેમ બદલાવ આવી ગયો?

મયુર મોડે સુધી કોની સાથે વાત કરવા લાગ્યો?

શા માટે મયુર અમદાવાદ વાંરવાર જતો?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏