અધૂરપ. - ૧૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૧૨

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૨

રાજેશ અને અમૃતા ડૉક્ટર પાસે પહોંચે ત્યાં સુધી બંને મનમાં ને મનમાં વિચારમાં ગુચવાયેલા હતા. અને બંનેના મનમાં પણ એક અજાણ્યો ડર પણ હતો. રાજેશનું તો જાણે આખું વ્યક્તિત્વ જ બદલી ગયું હતું. અમૃતાએ અત્યાર સુધી જે કંઈ પણ એના પરિવાર માટે કર્યું એ બધું એક પછી એક જાણે ફિલ્મની રીલની જેમ તેના અંતરીય મનમાં પટચિત્ર ઉદભવી રહ્યા હતા. આ દરેક બાબતોએ રાજેશને સકારાત્મક અભિગમ ઉદ્દભવી દીધો હતો. અને આ બાજુ અમૃતા પણ જે બદલાવ રાજેશમાં આવ્યો એથી ખુશ તો હતી જ પણ થોડી રિપોર્ટની ચિંતામાં પણ હતી અને ગુમસુમ રસ્તા પર નજર માંડીને બેઠી હતી.

હોસ્પિટલના દરવાજા પાસે કાર જેવી ઉભી રહી તેવા બંને જણ વર્તમાનમાં આવી ગયા હતા. રાજેશને અમૃતાના ચહેરા પર થાક વર્તાઈ રહ્યો હતો. અમૃતા કારનો દરવાજો ખોલી બહાર નીકળી જ રહી હતી ત્યાં રાજેશ હાથ લંબાવતા એનો હાથ પકડવા હાજર ઉભો હતો. અમૃતા કાર માંથી નીકળતી વખતે પણ પોતાના શરીરનું સંતુલન જાળવી ન શકી પણ અમૃતાનું સંતુલન રાજેશે જાળવી લીધું અને અમૃતા પડતી બચી હતી.

ડૉક્ટર રાજેશને જોઈને હળવું સ્મિત આપતા બોલ્યા, "આ અમૃતાના રિપોર્ટસ તો આવી ગયા છે." આટલું કહી એમણે અમૃતાને બધી જ દવાઓ આપી અને જમવાની બધી સૂચનાઓ આપી. અને અમૃતાને થોડી વાર માટે બહાર બેસવા કહ્યું. અમૃતા બહાર જતી રહી એટલે ડૉક્ટરએ થોડા ચિંતાના સૂરમાં રાજેશ સાથે રિપોર્ટની ચર્ચા શરૂ કરી, "રાજેશ મને દુઃખ છે એ કહેતા કે, અમૃતાના રિપોર્ટ્સ સારા નથી. અમૃતા બહુ ભયંકર બીમારીનો શિકાર છે."

ડોક્ટરની વાત વચ્ચે થી જ કાપતા રાજેશ બોલ્યો, "શું થયું છે અમૃતાને? કેમ તમે આવું કહ્યું?" આટલું રાજેશથી માંડ બોલાયું ત્યાં તો એને માથે પરસેવો આવી ગયો. એના પગ તળેથી જમીન સરકી રહી હોય એવું એણે અનુભવ્યું. જાણે કુદરતે એને હજુ હમણાં તો બધી ખુશીઓ આપી હતી અને એને એ માણે એ પહેલાં જ....આ બધું? એણે પોતે સ્વસ્થ થવાના નિરર્થક પ્રયત્નો કર્યા. એની આંખમાં કેટલાય પ્રશ્નો હતા, પણ મોઢામાં બધું ગુંગળાઈને અટકી ગયું હતું.

ડૉક્ટર બોલ્યા, "તમારે ખૂબ હિંમત રાખવાની છે, ચિંતાથી કોઈ ફેર ન પડે, તમે મુંઝાવ નહીં અને મન મક્કમ રાખી બધું ધ્યાનથી સાંભળો. અમૃતાને ગર્ભાશયની દીવાલ પર ગાંઠ છે, એ ગાંઠ કેન્સરની છે. તેને ગર્ભાશયના મુખનું ત્રીજા સ્ટેજનું કેન્સર છે. ઘણી મહિલાઓને આવું થાય. જ્યાં સુધી કેન્સર ખુબ વધી ન જાય ત્યાં સુધી એ પોતાની બીમારીના લક્ષણોને નજરમાં ન લે અથવા તો સીધું કહીએ તો પોતાને થતી પીડાઓને સહન કર્યા રાખે અને ઘરમાં કોઈને પોતાની તકલીફો જણાવે નહીં. જેથી કેન્સર ખુબ વધે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય...અમૃતા પણ આવી મહિલાઓમાં ની જ એક છે.

રાજેશથી એકદમ આતુરતાથી પુછાય ગયું કે, "મોડું...." આટલું બોલતા એને પણ સહેજ ચક્કર જેવું લાગ્યું.

ડોક્ટરે તેને પાણી આપ્યું અને કહ્યું, "અમૃતાને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, ઓપરેશન દરમિયાન ખબર પડે કે એ કેન્સરે ગર્ભાશય સિવાય શરીરના બીજા અંગને કોઈ નુકશાન નહીં કર્યુંને.... અને બીજા દુઃખદ સમાચાર એ કે અમૃતાનું ગર્ભાશય કાઢવું પડશે આથી એ ક્યારેય માતા બની શકશે નહીં."

ડૉક્ટર ના શબ્દો તીર સમાન રાજેશના હૃદયને વીંધી ગયા. એક નિસાસો જ નીકળી ગયો રાજેશના મુખમાંથી...." ના ડૉક્ટર! પ્લીઝ એવું ન કહો મારે પણ પિતા બનવું છે..." રાજેશની આંખમાં રીતસર આંસુ આવીને વહેવા લાગ્યા.

ડોક્ટરે કહ્યું, "ખુબ હિંમત રાખો રાજેશભાઈ... અહીં ભલે મન હળવું કરો પણ અમૃતાને હવે તમારે જ સંભાળવાની છે."
રાજેશને થયું કે મેં સમયની કિંમત ન કરી એનું આજે મને ફળ ભોગવવું પડશે. જિંદગી સરસ હસતી આનંદકિલ્લોલ વાળી હોત, જો મેં મારી મમ્મીની વાત મનમાં રાખીને અમૃતા સાથે અન્યાય ન કર્યો હોત.. રાજેશને ખુબ અફસોસ થઈ રહ્યો હતો પણ સમય ચુક્યા એટલે બધું પૂરું... ભગવાને રાજેશને એના કર્મનું ફળ આપ્યું પણ આ દરેકમાં અમૃતાનો શું વાંક? અમૃતાને યાદ કરતા જ રાજેશને થયું કે હું કેમ અમૃતાને એની બીમારી વિશે જણાવીશ?? ખુબ અકળામણ અનુભવવા લાગ્યો રાજેશ.... આજે એને સંબંધનું મહત્વ સમજાણું... સ્ત્રી ના અસ્તિત્વની કિંમત સમજાણી.. સ્ત્રી વિના પુરુષ અધૂરો એ અહેસાસ થયો.. કુદરતની રચનામાં આ સ્ત્રી અને પુરુષ બંનેના સમાન સ્થાન છે એ સમજાણું પણ આ મનુષ્યોએ જ સ્ત્રીઓની કિંમત સાવ ખોખલી કરી ને પુરુષ પ્રધાન જીવનશૈલી બનાવી છે, દુઃખ તો એ વાતનું છે કે, એમાં સ્ત્રીઓ પણ સ્ત્રીની દુશમન છે. હવે આજીવન અમૃતા માતા બનવાથી વંચિત જ રહેશે એ વાત ફરી ફરી ને રાજેશને પજવવા લાગી.. થોડી મિનિટોમાં જ વિચારોનું ઘોડાપૂર રાજેશના મનમાં ઉમટી રહ્યું હતું.

ડોક્ટરે રાજેશને રાજેશના નામનો સાદ આપી એની મૂર્છાને તોડી.. ભારી હૃદયે રાજેશ અમૃતાની ફાઈલ લઈને બહાર નીકળ્યો.
અમૃતાએ રાજેશને ડૉક્ટર ની ઓફીસ માંથી બહાર નીકળતાં જોયો. એટલે એણે તરત જ પૂછ્યું, "શું કહ્યું ડૉક્ટરે? બધું બરાબર છે ને?
રાજેશની આંખો અમૃતાના માસૂમ ચેહરા સામે મંડાઈ. એ એને ભેટી જ પડ્યો. અમૃતાને રાજેશનું આવું વર્તન જોઈ થોડો ડર લાગ્યો.