Manavi tu manav bane to ghanu books and stories free download online pdf in Gujarati

માનવી તું માનવ બને તોય ઘણુ

*માનવી તું માનવ બને તોય ઘણું*

“હે માનવી તું માનવ ક્યારે બનીશ?
તને જનાવર કહેવું એ જાનવરની તોહીન.
હે માનવી તું માનવ બને તો પણ ઘણું....

ખરેખર આપણે કઠણ કાળજાના થઈ ગયા છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે?
ભગવાને માનવીને જ્યારે બનાવ્યાં ત્યારે એને હ્રદય આપ્યું અને એમાં અગણિત લાગણીઓ ભરી દીધી જેમ કે પ્રેમ, કરુણા, રાગ-દ્વેષ, દયા વગેરે. ભગવાને તો ફક્ત લોહીનાં સંબંધ જ બનાવ્યાં ,પણ દિલનાં સંબંધ તો આપણે જ વિકસાવવા પડે. કોઈના સુખ કરતાં પણ દુઃખમાં જે સાથ આપે તેનું નામ માનવ. "નવમાં જે ભેગા થાય એનું નામ માનવ” પણ અફસોસ આજે આપણે અભિમાન અને દંભમાં આપણી માનવતા જ ભૂલી ગયા છે,પણ મોતનો મલાજો જાળવતા નથી! કોઈનું અકસ્માતમાં મૃત્યુભી થતું હોય ને તો પણ બધાં પોતાની માનવ તરીકેની ફરજ ભૂલી એમાંથી પોતાને કેવી રીતે મજા પડી શકે એમાં રસ ધરાવતાં હોય છે. પછી ભલેને એ વ્યક્તિ કોઈ પણ ઉંમરનું કેમ ન હોય આપણને તો વિડીયો બનાવવામાં જ રસ હોય છે!એનું ઉદાહરણ આપણે સુરતમાં થયેલો આકસ્માત જેમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં લોકો મદદ કરવાને બદલે વિડીયો લેવામાં મસ્ત હતાં, જો કદાચ આ બધી વ્યક્તિઓએ પોતાની રીતે મદદ કરવાની તત્પરતા દેખાડી હોત તો આ નરસંહારનો આંકડો થોડોઘણો તો નીચે આવ્યો જ હોત!
ખેર આ તો બીજાના મૃત્યુની વાત થઈ પણ આપણાં સ્વજનના મૃત્યુનું પણ મલાજો આપણે જાળવી શકતાં નથી! હજી તો પાર્થિવદેહ આંખ સામે હોય ને તેની આત્માની શાંતિની પ્રાર્થના કરવાને બદલે ત્યાં જ ઊભા ઊભા વાતોનાં ગપ્પાં મારવામાં મશગુલ હોઈએ છીએ. લોકલાજે અંતિમસંસ્કારમાં આવેલા લોકો લાગણીવિહીન થઈ ગયાં છે. ત્યાં કોણ હાજર છે અને કોણ ગેરહાજર એ જોવામાં એમને વધારે રસ હોય છે! કોણ કેટલું નજીકનું સંબંધી છે કે કોણ કયા સંબંધે આવ્યું છે? એની ગોસીપ કરવામાં આપણને વધારે મજા આવે છે અને દંભી તો એટલા હોઈએ છીએ કે આપણને જ બહુ વધારે દુઃખ થયું હોય એવું દેખાડીએ છીએ. કેવળ દેખાડો કરવામાં જ આપણો સમાજ આગળ છે!
આપણે એટલા તો આસુરીવૃત્તિ ધરાવતાં થઈ ગયા છીએ કે મરેલા વ્યક્તિને સ્મશાને લઈ જવામાં ઉતાવળ! પછી એને બાળવાની ઉતાવળ, બળ્યા પછી જલદી બળે એની ઉતાવળ! હવે તો ઇલેક્ટ્રીક સ્મશાન આવી ગયાં છે એટલે આ પ્રક્રિયામાં વાર નથી લાગતી તો પણ આપણે એટલો સમય પણ નથી ફાળવી શકતા! છેલ્લે તો ૪ થી ૫ જણાં જે અંગતનાં હોય એ જ બેસે છે, બીજાં તો પોતાના કામે જતાં રહે છે. અરે! ઘણાં તો એવાં હોય છે કે જેને ઘરે જઈને ન્હાવાની પણ જરૂર નથી જણાતી અને સ્મશાનથી સીધા જ કામે જતાં રહે છે! ત્યારે મને થાય કે જીવન ખરેખર નાશવંત છે. આપણે જાણીએ છીએ કે એક દિવસ આપણે પણ આ જ રસ્તે ચાલી જશું તો પછી આજે ગુમાન કેમ?
હવે વાત કરીએ પ્રાર્થનાસભાની, ત્યાં પણ માહોલ તો આવો જ. હવે લોકો ભજનસંધ્યા રાખતાં થઈ ગયાં છે જેથી વાતો ઓછી થાય પણ જ્યાં એક ભજન પૂરું થાય ત્યાં આપણાં ભજન ચાલુ. આપણે ત્યાં મૃતકને શ્રધ્ધાંજલિ અને તેના પરિવારને સાંત્વના આપવા જઈએ છીએ, પણ આપણે એ ભૂલીને ત્યાં કોણ આવ્યું અને કોણ નહીં આવ્યું તથા કોના ઘરમાં શું ચાલે છે? એવી બધી પંચાતો કરતાં હોઈએ છીએ! પુરુષવર્ગ પણ શેરબજારના વધઘટની, ધંધાકીય કે ક્રિકેટની વાતો કરતાં હોય છે! તો ક્યાંક છોકરાં-છોકરી જોવાનું પણ ગોઠવી નાખવામાં આવે છે! શું આ એક નિંદનીય વાત નથી? આ આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? જ્યાં આપણે મર્યાદા જાળવવાની હોય ત્યાં આપણે ભાન ભૂલીએ છીએ. મૃત્યુ એ પરમસત્ય છે એ અંતિમસત્યને સ્વીકારીને શાંતિથી સદ્ગતની આત્માને પરમાત્મા શાંતિ અર્પે એવી જો ખરાં હ્રદયથી પ્રાર્થના કરતો માનવી થઈ જશે ત્યારે જ આપણે મોતની આમન્યા જાળવી શકશું.
બીજું અહીંયા હું કહેવા માંગુ છું કે અમુક લોકોના મુખે મેં એ પણ સાંભળ્યું છે કે અમને પિતૃ નડે છે, એમના માટે હું એટલું જ કહીશ કે પિતૃ નહીં પણ માનવીને જીવતાં માનવી જ નડે છે. હું એક એવાં વ્યક્તિને જાણું છું જે દર કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં જઈને કોઈપણ જાતના ડર કે કુશંકા વગર ભજનકીર્તન કરે છે, એમનો આ ઘણાં વર્ષોથી નિયમ છે પણ એમને તો આવી કોઈ પ્રકારની અજ્ઞાત શક્તિનો સામનો નથી કરવો પડયો.
મિત્રો, કહેવાનો તાત્પર્ય એ જ કે આપણે જાણીએ છીએ કે આજે નહીં તો કાલે કાળ આવીને ઊભો જ રહેવાનો છે એને કોઈ હંફાવી નહીં શકે, કાલે આપણો પણ વારો તો આવાનો જ તો પછી આપણે મોતનો મલાજો જાળવીને સદ્ગતની આત્માની શાંતિ માટે ખરાં દિલથી પ્રભુને પ્રાર્થના ના કરી શકીએ? અરે ઘણીવાર તો આપણે આપણાં મોબાઇલમાં મૃતક માટે RIP લખી દઈએ છીએ જે આપણાં ધર્મથી તદ્દન વિપરીત છે. આપણે તો મૃતશરીરને અગ્નિદાહ આપીને પંચમહાભૂતોમાં વિલીન કરીને તેનો અંતિંસંસ્કાર કરી નાખીએ છીએ, માટે તેની આત્માને શાંતિ અર્પવા માટે આપણે ૐ શાંતિ લખવાની આદત તો કેળવવી જ જોઈએ.
અહીંયા મને શ્રી નરેન્દ્ર મોદી યાદ આવે છે, તેઓ આપણાં દેશના વડાપ્રધાન હોવા છતાં પણ અટલ બિહારી વાજપેયીની અંતિમયાત્રામાં પગે ચાલીને જોડાયાં હતાં અને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી જ્યારે આવી મોટી હસ્તી પણ આવી બાબતોને મહત્વ આપતા હોય તો શું આપણે એમનું અનુસરણ ના કરી શકીએ?

જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

બીજા રસપ્રદ વિકલ્પો