ગુરુદક્ષિણા SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુરુદક્ષિણા

"રાઘવ."
"જી ગુરુજી."
"તું મને કેટલા વર્ષોથી ઓળખે છે?"
"ઘણા વર્ષોથી. પાંચમીમાં હતો, ત્યારથી."
"એટલે લગભગ પંદર વર્ષથી. આ સમયમાં શું તું મારાથી કાંઈ શીખ્યો? શું હું તને કાંઈ ઉપયોગી થઈ શક્યો?"

આ પ્રશ્ન સાંભળીને મને આશ્ચર્ય થયું. મારા ગુરુજી, વિશ્વનાથ મંગેશકરે મને સરકારી સ્કૂલમાં ફક્ત એક જ વર્ષ ભણાવ્યો હતો, ત્યારે હું પાંચમીમાં હતો. નરમ દિલના, પ્રેમાળ, ધીમું અને મીઠું બોલવા વાળા, અને સૌથી મોટી વાત. સહાનુભૂતિથી ભરપૂર. બાળપણથી, હું એમની તરફ એવો આકર્ષિત થયો, કે આજ સુધી મેં એમની સાથે સંબંધ જાળવી રાખ્યો. ડૉક્ટર બન્યા પછી પણ. મને એમને ક્યારેય સર કહેવાની ઈચ્છા ન થઈ. એમને જોતા જ મારા મોઢે થી હમેશા ગુરુજી જ નીકળતું, અને એમને પણ આ ગમતું.

મારા મોઢે સ્મિત છવાઈ ગયું અને ગુરુજીના પ્રશ્નનો જવાબ આપતા મેં કહ્યું,
"ગુરુજી, મને શર્મિનદા ન કરો. આજે હું જે પણ છું, એનો બધો શ્રેય ફક્ત તમને જ જાય છે."
મેં એમના ચહેરા પર સંતોષ જોયો અને એમણે મારા ખભા પર હાથ મુકતા કહ્યું,
"આ સાંભળીને મને ખુશી થઈ રાઘવ. બેટા, તને નથી લાગતું, કે હવે મને ગુરુદક્ષિણા આપવાનો સમય આવી ગયો છે?"

મનનો જટકો મેં મનમાં રાખ્યો અને ચહેરાની અભિવ્યક્તિ બદલવા ન દીધી.
"ગુરુજી જે તમને જોઈએ. તમારા માટે તો મારી જાન હાજીર છે."
"ના દીકરા મને તારી જાન નથી જોઈતી. જ્યારે તું ગુરુ પૂર્ણિમાના દિવસે મને મળવા આવીશ, ત્યારે હું તને જાણ કરીશ, કે મને ગુરુદક્ષિણામાં શું જોઈએ છે."

આ વાતચીત દસ દિવસ પહેલાની છે. ગુરુ પૂર્ણિમા આવતા આવતા મારી બેચેની અતિશય વધી ગઈ. ના પાડવાનો તો સવાલ જ નહોતો. પણ ગુરુજીને ગુરુદક્ષિણામાં શું જોઈતું હશે? શું હું એમની ઈચ્છા પૂરી કરવામાં સફળ થઈશ? એક છાત્રના રૂપે એમણે મને ક્યારેય નિરાશ નહોતો કર્યો. જીવનના દરેક મૂંઝવણમાં એમણે મારો હાથ પકડી, મને સારી સલાહ આપી, અને દરેક પાઈદાન પર મને પ્રોત્સાહિત કર્યો. આજે એમણે ગુરુદક્ષિણા સામેથી માંગી હતી. પણ તે શું હશે?

એમની મનપસંદ મીઠાઈ કાજુ કત્રી અને ગિફ્ટ રેપ કરેલું સફેદ શર્ટ અને ધોતી. આ ભેંટ લઈને હું ટેવ મુજબ, એમના આશિરવાદ લેવા, ગુરુ પૂર્ણિમાના દિવસે એમને મળવા ગયો. ડૉક્ટર તરીકે મારા કામનું શ્રી ગણેશ થવાનું હતું, અને મને એમના આશિરવાદની ખૂબ જરૂર હતી.

"એક મારો જન્મદિવસ અને એક ગુરુ પૂર્ણિમા. આ બે અવસરે મારા માટે તારી ભેટ તો પાક્કી જ હોય."
મેં એમના ચરણ સ્પષ્ટ કર્યા અને ગુરુજીએ કહ્યું,
"જીવતો રહે. પ્રભુ તને તંદુરસ્તી અને સદબુદ્ધિ સાથે સફળતા આપે."
અમે એક બીજાને મીઠાઈ ખવડાવી, પછી ગુરુજીએ મારો હાથ લીધો અને અમે બન્ને જઈને સોફા પર બેઠા.
"રાઘવ તારું ડૉક્ટર બનવું મારા માટે સૌથી મોટી ખુશી અને ગર્વની વાત છે. બેટા, શહેરોમાં ડોક્ટરો અને હોસ્પિટલોની કોઈ કમી નથી. હું ઈચ્છું છું કે તું કોઈ ગામણાના સરકારી હોસ્પિટલમાં પોતાની સેવા આપે, ત્યાં, કે જ્યાં લોકોની જરૂરત વધારે અને સુવિધાઓ ઓછી હોય છે. પૈસા કદાચ ઓછા કમાઈશ, પણ ખૂબ સંતોષ મળશે, અને સિદ્ધિની ભાવનાનો એહસાસ થશે. તદઉપરાંત, તારા ભણતરની ખરી કિંમત અને કદર થશે."

હું સંપૂર્ણપણે અશચર્યકિત થઈ ગયો, અને કંઈ બોલું, તે પહેલાં ગુરુજીએ કહ્યું,
"રાઘવ, આ જ મારી ગુરુદક્ષિણા છે. બસ મને આ જ જોઈએ છે બેટા."

મોઢે સ્મિત આવતા હૈયું ભરાઈ આવ્યુ. મારી આંખ ભીની થઈ ગઈ અને મેં એમની સામે હાથ જોડીને નમનમાં શીશ ઝુકાવી નાખ્યું. આજે, ગુરુદક્ષિણાના રૂપમાં ફરી એક વાર, મારા ગુરુજી, મને જીવનનો મહત્વપૂર્ણ પાઠ શીખવાડી ગયા.

શમીમ મર્ચન્ટ, મુંબઈ

---------------------------------------------------

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/