અધૂરપ - ૧૧ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ - ૧૧

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ - ૧૧

અમૃતાની સૂઝબૂઝ અને ચાલાકી ભર્યા નિર્ણયના હિસાબે માનસકુમાર અને ગાયત્રી વચ્ચેનો સંબંધ ખૂબ સારો થઈ ગયો હતો. અને બંનેએ પોતાના આ સંબંધ ને પોતાની કુનેહથી સારી રીતે સુલઝાવી લીધો હતો. અને એના જ પરિણામ સ્વરૂપ ગાયત્રી અને માનસકુમાર બંને આજે સાથે હતા. ગાયત્રીએ હવે આજે પોતાના ઘરે હસતાં મુખે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના આ નિર્ણય સાથે એ ખૂબ જ ખુશ હતી.
પણ સાથે સાથે એણે માનસ પાસેથી વચન પણ માંગ્યું કે, ભૂતકાળમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે એનું ફરીથી હવે પુનરાવર્તન થશે નહીં અને માનસ ફરી ક્યારેય આવી ભૂલ કરશે નહીં અને ફરી ક્યારેય એના પર શંકા કરશે નહીં. એના મનમાં પણ એ એવો વિચાર ક્યારેય નહીં લાવે.
અને માનસએ પણ ગાયત્રી ની હાજરીમાં અને આખા પરિવાર સામે વચન આપતાં કહ્યું કે, "આજથી હું વચન આપું છું કે મેં જે પહેલા ભૂલ કરેલી છે એવી ભૂલ હું ફરી ક્યારેય નહીં કરું અને હું ગાયત્રી ને હંમેશા ખુશ રાખવાના પ્રયત્નો કરીશ. હું મારી એના પતિ તરીકેની ફરજ બજાવવામાંથી ક્યારેય ચૂકીશ નહીં."
આટલું કહીને એ અમૃતાભાભી ને પગે લાગ્યો અને એમના પ્રત્યે આદરની ભાવનાથી જોયું અને કહ્યું, "અમૃતા ભાભી! હું તમારો આ સાથ ક્યારેય ભૂલીશ નહીં. જિંદગીભર હું એ યાદ રાખીશ અને તમે જે રીતે મને શાંતિથી સમજાવ્યું અને મારી આંખો ઉઘાડી એ બદલ હું હંમેશા માટે તમારો ઋણી રહીશ."
અમૃતાએ ખૂબ જ નિખાલસ ભાવે એને કહ્યું, "વડીલોના આશીર્વાદ હંમેશા હોય જ છે અને અમારી પણ ફરજ છે કે તમારી વચ્ચે જે કંઈ મુશ્કેલીઓ હોય એનું સમાધાન કરવું. અને મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. એથી વિશેષ કશું જ નહીં. સંતાનોની મુશ્કેલીમાં એમની મદદ કરવી એ દરેક વડીલોની ફરજ હોય છે. તમારે મારા ઋણી બનીને માથે કોઈ ભાર લેવાની જરૂર નથી. કોઈ બોજ તમારા મનમાં રાખશો નહીં. તમે બંને હંમેશા ખુશ રહો એવા હંમેશા મારા અંતરના તમને આશીર્વાદ છે. સદા ખુશ રહો."
અમૃતાની આ વાત સાંભળીને શોભાબહેન મનમાં તો ખૂબ જ સમસમી ઉઠ્યા હતા. કાલની આવેલી વહુ પોતાના જમાઈને આશીર્વાદ આપે એ કંઈ એમનાથી થોડું સહન થાય? એમણે મોં મચકોડયું અને પગ પછાડતાં પોતાના રૂમમાં જતા રહ્યા.
આ બાજુ માનસ અને ગાયત્રી બંનેએ પોતાના ઘરે હસતાં મોઢે પ્રયાણ કર્યુ. ઘરના બધાએ એમને હસતાં મુખે વિદાય આપી. સિવાય કે, શોભબહેન. અત્યાર સુધી તો શોભબહેન માત્ર પોતાની વહુઓથી જ નારાજ હતા, પરંતુ હવે તો એ પોતાની દીકરીથી પણ નારાજ રહેવા લાગ્યા. આજે એમની એકની એક દીકરીએ એમની વાત સાંભળવાને બદલે પોતાની ભાભીની વાત સાંભળી હતી તે તેમનાથી સહન થયું નહિ.
આ બાજુ રાજેશ પોતાની પત્ની અમૃતા વિશે વિચારી રહ્યો હતો કે, "કુદરતની મહેરબાનીથી મને કેટલું સરસ પાત્ર મળ્યું છે. પણ મારી આ બદનસીબી તો જુઓ કે મેં મારી જિંદગીનો કેટલો બધો સમય માત્ર નકારાત્મક વિચારોમાં જ જવા દીધો. મેં એને બધાં જ સુખોથી વંચિત રાખી. હું મારી પતિ તરીકેની એના પ્રત્યેની જવાબદારીમાં ચુક્યો. પણ હવે હું આ વખતે ભૂતકાળનું પુનરાવર્તન નહીં થવા દઉં. હું હવે અમૃતાને જે પહેલાં નથી આપી શક્યો એ બધું જ હવે આપીશ."
એવો મનોમન વિચાર કરી ને એ પશ્ચાત્તાપની આગમાં બળી રહ્યો હતો.
એટલામાં એના મોબાઈલની રીંગ વાગી. ફોન ડૉક્ટરનો હતો.
એમણે કહ્યું, "હું ડૉ. ભાવેશ બોલું છું."
નામ સાંભળતા જ રાજેશના કાન સરવા થયા અને એણે પૂછ્યું, "ડોક્ટર સાહેબ! અમૃતાના રિપોર્ટ આવી ગયા? બધું બરોબર તો છે ને? ચિંતા કરવા જેવું તો નથી ને?"
સામે છેડેથી ડૉક્ટરએ માત્ર એટલું જ કહ્યું, " આવતીકાલે તમે અને અમૃતા બંને મારા ક્લિનિક પર આવી શકશો? મારે તમારા બંને જોડે ખૂબ જ અગત્યની વાત કરવી છે. બિલકુલ મોડું નહિ કરતા. જો મોડું થશે તો તકલીફ થઈ જશે. જેટલું બને એટલું જલ્દી મને મળવા આવી જાવ."
"સારું ડોક્ટર સાહેબ! અમે આવતી કાલે તમને મળવા આવી જશું. એટલું કહી રાજેશે ફોન મુક્યો.
એ આખી રાત એણે પથારીમાં પડખા બદલ્યા કર્યા. અમૃતાની ચિંતામાં એણે આખી રાત પસાર કરી.
એનું મન ખૂબ ગભરામણ અનુભવવા લાગ્યું હતું.

બીજા દિવસની સવાર પડી. રોજનો નિત્યક્રમ પતાવી રાજેશ અને અમૃતા બંને ડૉક્ટરને મળવા જવા રવાના થયા. રસ્તામાં રાજેશ વિચારી રહ્યો હતો કે, આજે અમારા બંને નું કોઈ સંતાન હોત તો કેટલું સારું થાત નહીં? પણ હવે હું અમૃતાને જરૂર એક બાળક આપીશ. પછી ભલેને એ દીકરી કેમ ન હોય! ભૂતકાળમાં મેં કરેલી ભુલોનું હું હવે પુનરાવર્તન નહીં કરું.

અધૂરા સપનાની આ અધૂરી દુનિયા.
અધૂરી ખુશીઓ ને અધૂરા આપણે!
ગુંજે હવે જો કિલકારી આંગણામાં.
ચાલને બનીએ હવે તો પૂરા આપણે!