ગમતાંનો કરીએ મલાલ’
પ્રકરણ ત્રીજું અને અંતિમ/૩
અંતે તેર દિવસથી ચાલતાં સંજોગો આધીન અણધાર્યા ધમાસાણ યુદ્ધમાં તન, મન અને ધનથી સપરિવાર ખુંવાર થયેલો મૌલિક જયારે, નેગેટીવ રીપોર્ટ સાથે ડીસ્ચાર્જ થયેલા સુભદ્રાબેનને હોસ્પિટલમાંથી બહાર લઇ આવ્યો ત્યારે.. પોક મૂકીને સુભદ્રાબેન એટલું જ બોલ્યાં....
‘સૌ પહેલાં મને દાસજી જોડે વાત કરાવડાવો. ? કેમ છે ? ક્યાં છે મારા પ્રાણનાથ ?
‘હાં.. હાં.. મમ્મી આપણે પહેલાં ઘરે જઈએ પછી વાત કરીએ.’
‘ના.. પછી નહીં પહેલાં તું કોલ કર હમણાંને હમણાં જ. ત્યાં સુધી મારા ગળેથી પાણીનો ઘૂંટડો પણ નહીં ઉતરે.’
સુભદ્રાબેનની ઉશ્કેરાટ સાથેની અતળ અધીરાઈનો તાગ મેળવતાં મૌલિક સમજી ગયો કે વાત કરાવ્યે જ છૂટકો થશે.
એટલે કાળજીથી સુભદ્રાબેનને કારમાં બેસાડી કોલ જોડ્યો મનનને..
‘સાંભળ, હું મમ્મીને લઈને ચિત્તલ આવવા નીકળું છું, અડધો પોણો કલાકમાં પહોંચી જઈશ.. તું પપ્પા જોડે મમ્મીને વાત કરાવ.’ મૌલિક બોલ્યો..
‘પણ પપ્પા તો...’ મનનનું વાક્ય કાપતાં મૌલિક સ્હેજ ઊંચાં અવાજે બોલ્યો..
‘અરે...ભાઈ, હાં..હાં મને ખબર છે પપ્પા અત્યારે આરામમાં છે.. છતાં તેમને ઉઠાડીને વાત કરાવ. અને બાકી,….. ચલ કંઈ નહીં.’
મૌલિકે મનનની સમજણ પર અલ્પવિરામ મૂકીને વાક્ય અધૂરું છોડી દીધું.
‘અચ્છા,, ઠીક છે.. એક મિનીટ..’ મનન બોલ્યો..
એટલે મૌલિકે ફોન સુભદ્રાબેનને આપ્યો..
રણમાં તરસથી તરફડતું કોઈ મૃગજળ જોતાં તૃપ્તિની ઉત્કંઠા વધી જાય એમ..
હરખઘેલાં સુભદ્રાબેને ફોન એવી રીતે તેની મુઠ્ઠીમાં ઝાલ્યો હતો જાણે કે, જમનાદાસને બાથ ભીડીને વળગી રહ્યાં હોય..
‘હેલ્લો.. સરકાર.. કેમ છે ?’ સામે છેડેથી આટલો અવાજ સાંભળતા તો જાણે કે સુભદ્રાબેન આંખેથી ચોધાર ચોમાસું વરસ્યું. એ જોઇને મૌલિક પણ સ્વ પરનો કાબૂ ગુમાવી બેઠો.
‘હું...હું.. આવું છું.. હમણાં.. ઘરે... તમને કેમ છે દાસજી.. ?
માંડ માંડ જાતને સંભાળતા સુભદ્રાબેન આટલું બોલ્યાં..
‘એ.. સરકાર તારો અવાજ સાંભળ્યો એટલે... મોજમાં.’
‘પણ.. દાસજી તમારો..’ હજુ સુભદ્રાબેન આગળ બોલવા જાય ત્યાં કોલ કટ થઇ ગયો.
મૌલિકે ફરી બે-ત્રણ પ્રયત્ન કર્યા પણ કોલ ન લાગ્યો એટલે કહ્યું કે,
‘નેટવર્ક ઇસ્યુ છે.. છોડો હવે, ચાલો ઝટ ઘર ભેગા થઈએ, પછી મન ભરીને વાતો કરીશું.’
એક એક ક્ષણ સુભદ્રાબેનને સદીઓ જેવી લાગતી હતી. દાસજીને મળવાની તેમની પ્રતિક્ષા શબરીની રામ પ્રત્યેની પ્રતિક્ષા કરતાં પણ આકરી અને અગ્નિપરીક્ષા જેવી લાગતી હતી.
આશરે ચાળીસ મિનીટ પછી મૌલિકે ઘર સામે કાર થંભાવતા મનન, જ્હાનવી, અમ્રિતા, ઈશાની, વિવાન અને પ્રાચી સૌ ઘરના ઉંબરે રાહ જોઇને ઊભા હતાં.
પ્રાચી અને વિવાન દોડીને દાદીને વળગી પડતાં.. સુભદ્રાબેનને થયું જાણે અનરાધાર વ્હાલના વારસદારની વર્ષામાં ભીંજાઈને તરબોળ થઇ ગયાં.
માંડ માંડ લાડકીને ટેકે ચાલતાં બેઠકરૂમના સોફામાં બેસતાં તેમને શ્વાસ ચડી ગયો. છતાં હાંફતા હાંફતા ઈશાનીને સંબોધતા બોલ્યાં
‘અરે...મારો લાડકો લાડવો, તું ક્યારે આવી ?
આગળ બોલ્યાં..
‘અરે... ક્યાં.. ક્યાં... સંતાઈ ગ્યા, મારા દાસજી ? હજુ સંતાકુકડી રમવું છે કે શું ?’
એટલે ધીમા અવાજે મૌલિક અને મનન સામું જોઈને અમ્રિતા બોલી..
‘એ.. પૂજાઘરમાં છે, હમણાં આવશે, આ લ્યો તમે પહેલાં પાણી પી લ્યો.’
ઝટ એક ઘૂંટડો પાણી પી. લાકડીના ટેકે સોફા પરથી ઊભા થઈ, પૂજાઘર તરફ ચાલતાં થઈને બોલ્યાં...
‘અરે... તો તો મારે પણ મારા દાસના દર્શન કરીને પૂજા કરવી છે. હોં..’
એટલે મૌલિક અને મનને બન્ને બાજુથી સુભદ્રાબેનને ઝાલીને ટેકો આપતાં પૂજાઘરમાં લઇ ગયાં..
પૂજાઘરમાં દાખલ થતાં સામેની દીવાલ પર ગોઠવેલાં ભવ્ય આરસના મંદિરની ઠીક ઉપરના મધ્ય ભાગમાં સુખડનો હાર પહેરાવેલી જીવંત લાગતી છબી નીચે લખ્યું હતું....
સ્વર્ગસ્થ. જમનાદાસ પીતાંબરદાસ જોશી.
કુમળા છોડ પર વજ્રઘાત જેવા પ્રહારથી જેમ લીલાછમ છોડનું નિકંદન નીકળી જાય એમ ગળું ચિરાઈ જાય એવી કારમી ચીસ..... ‘દાસજીજીજીજીજી....’ નામની ચીસ સાથે અચનાક ભૂસ્ખલ થતાં કોઈ પર્વતશીલા તૂટી પડે એમ સુભદ્રાબેન ફસડાઈને ઢગલો થઇ પડ્યાં... અને જેમ વાદળ ફાટ્યું હોય એમ જોશી કુટુંબના સૌ સભ્યોનો અત્યાર સુધી માંડ બાંધી રાખેલો અશ્રુબાંધ તૂટતા જાણે કે, આંસુનો સૈલાબ આવ્યો હોય એવાં કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા.
સુભદ્રાબેનને હોસ્પિટલમાં એડમીટ કર્યાના બીજા જ દિવસે છેલ્લાં શ્વાસ સુધી સુભદ્રાના નામનું રટણ કરતાં કરતાં અંતે જમનાદાસના શ્વાસ ખુંટી જતાં અંતિમવાટ પકડી લીધી હતી. એ કારમી ઘડીએ મૌલિક અને મનનને મૂઢાવસ્થાની કળ નહતી વળતી. કોરોના ગાઈડ લાઈનને અનુસરતા એક સલામત અંતરેથી બન્ને ભાઈઓને હોસ્પિટલના કર્મચારીઓ એ જમનાદાસના અંતિમ દર્શન કરાવી આપ્યાં પછી.,.વિધિવત અંત્યેષ્ઠીની પરવાનગી પણ નહતી આપી. વિધિની કેવી વક્રતા, જેના પિતાજી પ્રખર કર્મકાંડી હતા તેના જ પુત્રને અંતિમ સંસ્કારથી ઈશ્વરે અળગો રાખ્યો.
બંને ભાઈઓ અને પરિવારના સૌ સદસ્યને એથી પણ ભયંકર ભૂતાવળ જેવી ભીતિનો એ ભય સતત ભરડો લઇ રહ્યો હતો કે, નજીકના દિવસોમાં પારાવાર પરિતાપની પરિસીમા જયારે પસાર થશે.. ત્યારે સુભદ્રાબેન આ સંજોગનો સામનો કઈ સ્થિતિમાં કરશે ?
સૌ વડીલો, સ્નેહી સ્વજનો અને ગાઢ અને પીઢ મિત્રોના સાત્વિક સાંત્વના સહારે માંડ માંડ આટલા દિવસો સુધી સૌ આ કારમો આઘાત પચાવી શક્યા હતાં. મૌલિક અને મનન વચ્ચે એવું નક્કી થયું હતું કે, કોઈ ન ટાળી શકાય એવા હાલાતમાં મનને
પપ્પાના અવાજમાં મમ્મી જોડે વાત કરી લેવાની.. જે મનનની જન્મજાત કળા હતી.
તેની એ અદ્બભુત કળાથી કોલેજકાળમાં સ્ટેજ પર કલાકો સુધી પ્રેક્ષકો પાસેથી આસાનીથી તાળીઓ ઉઘરાવી લેતો, એ મનનનો આજે એક વાક્ય બોલતાં જ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો..
ગજા બહારના અચાનક આભ જેવા તૂટી પડેલા અસહ્ય આઘાતના આંચકાની બીજી જ પળે, સુભદ્રાબેન ગંભીર પક્ષઘાતનો ભોગ બની ગયાં. વાણી અને સ્મરણશક્તિ નામશેષ થઇ ગઈ.
આજે છેલ્લાં પંદર મહિનાથી સંપૂર્ણ પથારીવશ સુભદ્રાબેનને ક્યારેક અચનાક ધૂંધળી યાદશક્તિનું તીવ્ર સ્મરણ થતાં, હથેળીની મુઠ્ઠી વાળી કાન પાસે લઇ જઈ ઇશારાથી માત્ર એટલું સમજાવતાં કે,
‘દાસજી સાથે ફોનમાં વાત કરવી છે.’
મન મક્કમ, અને મનોબળ મજબુત કરીને, મનન કોલ પર વાત કરતાં બોલતો પણ ખરો....
‘બોલો મારા સરકકાર કેમ છે, તમને ?’
અને જમનાદાસની નિર્મળ સ્નેહના કાળજીની નોંધ લેતાં, મૂક અને બૂત બની ગયેલાં સુભદ્રાબેન પ્રત્યુતર રૂપે, અકાળે વિખૂટા પડેલા હમદર્દના મર્મના મૌનનો અનુવાદ આપતાં, તેના નીતરતાં પાવન અશ્રુધારાના અભિષેક થકી.’
-સમાપ્ત
-વિજય રાવલ
૯૮૨૫૩૬૪૪૮૪
vijayaraval1011@yahoo.com