ગમતાંનો કરીએ મલાલ - 1 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગમતાંનો કરીએ મલાલ - 1

ગમતાંનો કરીએ મલાલ’

પ્રકરણ-પહેલું/૧

‘એ વહુ બેટા, મારી હાટુ મોળી, આદુ મસાલા વાળી અને થોડી વધુ ચા બનાવજે હોં કે, અને દાસજી પણ હમણાં લટાર મારીને આવતાં જ હશે, એટલે તેની ચા અલગથી મૂકજે..’

શયનકક્ષથી થોડા મોટા મતલબ કે, મધ્યમ સાઈઝના બેઠકરૂમની મધ્યમાં દીવાલને અડકીને ગોઠવેલાં નાનકડા સોફામાં જમણી તરફ પૌત્ર વિવાન અને ડાબી તરફ પૌત્રી પ્રાચી વચ્ચે સુતરાઉ સાડી પર શાલ ઓઢીને, ષષ્ઠીપૂર્તિને આરે પહોંચેલાં દુબળાં બાંધાના સુભદ્રાબેન, કિચનમાં ચા બનાવતી તેના નાના દીકરા મનનની પત્ની અમ્રિતાને હાંકલ કરતાં બોલ્યાં.

‘એ હાં, મમ્મીજી.’ મીઠા લહેકા સાથે ઉત્તર આપતાં કિચન માંથી અમ્રિતા બોલી

સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના નાના એવા ચિત્તલ ગામની મુખ્ય બજારમાં નાની એવી સ્ટેશનરીની દુકાન ચલાવી જીવન નિર્વાહ કરતાં મધ્યમ વર્ગના ત્રેસઠ વર્ષીય જમનાદાસ જોશી એટલે સુભદ્રાબેનના પતિદેવ. જેને સુભદ્રાબેન લાડથી દાસજી કહી સંબોધતા.

આડત્રીસ વર્ષના દાંપત્યજીવનમાં જમનાદાસ અને સુભદ્રા બંનેનો બે ખોળિયા અને એક પ્રાણ જેવો સંગાથ. તેમના સમાજમાં એક આદર્શ દંપતીના ઉદાહરણ તરીકે અપાતો.

સંતાન સુખના સંસ્કરણમાં ઈશ્વરે તેમને બે પુત્રો અને એક પુત્રીનું વરદાન લખી આપ્યું હતું. સૌથી મોટો પુત્ર ચોત્રીસ વર્ષીય મૌલિક, તે પછી બત્રીશ વર્ષીય પુત્રી ઈશાની અને સૌથી નાનકો અને લાડકો અઠ્યાવીસ વર્ષીય મનન.

સાત વર્ષ પહેલાં ઈશાનીને ખાતે પીતે સુખી કુટુંબમાં પરણાવીને સૂરત સાસરે વિદાય આપ્યાં પછી જમનાદાસ અને સુભદ્રા માતા-પિતા તરીકે પુત્રીને યોગ્ય જીવનસાથી અને આબરૂદાર ખાનદાનમાં પરણાવવાની સૌથી મોટી અગ્નિપરીક્ષા જેવી જવાબદારીમાંથી પરવારી ગયા પછી તેનો પરિવાર હળવાશના હાશકારા સાથે હર્યું ભર્યું જીવન માણતાં હતાં... લગ્નના બે વર્ષ બાદ, ઈશાનીએ જયારે તેને ત્યાં પુત્ર અવતરણના ખુશખબર આપ્યાં ત્યારે સમગ્ર જોશી પરિવાર હરખની હેલીએ ચડીને આંનદવિભોર થઇ ગયું હતું.

મૌલિક અને મનન બન્ને પણ સમયોચિત લગ્નગ્રંથીમાં બંધાઈને આદર્શ માતા-પિતાની છાયામાં ગૃહસ્થજીવનનો કક્કો બારખડી ઘૂંટી રહ્યાં હતાં. મૌલિક તેની પત્ની જ્હાનવી અને આઠ વર્ષનો વિવાન, અને મનન તેની પત્ની અમ્રિતા અને છ વર્ષીય પુત્રી પ્રાચી, સૌના પરિવાર સાથેની સમજણ, સમર્પણ અને સમન્વયનો સેતુ જોતાં સુભદ્રાબેન જમનાદાસને કહેતા..

‘દાસજી...ભોળિયાનાથે આપણા સૌભાગ્યમાં લખેલું પારિવારિક સુખ જોઇને મને ડર લાગે છે કે, કોઈની નજર ન લાગે.’

ત્યારે પત્ની સુભદ્રાનું ભોળપણ જોઇને જમનાદાસ કહેતાં...
‘સુભદ્રા, જ્યાં ભારોભાર શ્રધ્ધા હોય ત્યાં શંકા કે ભયનું અસ્તિત્વ ન હોય.’

જમનાદાસ જોશી મધ્યમ વર્ગના પરિવારના મોભી. જમનાદાસના પિતાજી પીતાંબરદાસ કર્મકાંડીનું કામકાજ કરીને ગુજરાન ચલાવતાં. દસ વર્ષની ઉંમરથી માંડીને જમનાદાસે મેટ્રિક પાસ થયાં ત્યાં સુધી અભ્યાસની સાથે સાથે પિતા સાથે કર્મકાંડના સહભાગી રહ્યાં. મેટ્રિક પાસ થયાંના બીજા જ મહીને તેમના પિતાનું ઘાતક હ્રદયરોગના પ્રથમ હુમલાંમાં દેહાવસાન થતાં જમનાદાસે અભ્યાસ અને કર્મકાંડ બન્નેમાં તેની અરુચિને કારણે હંમેશ માટે તિલાંજલી આપ્યાં બાદ, નાની મોટી નોકરીઓ કરવાં લાગ્યાં હતાં. અંતે..સુભદ્રા સાથે લગ્નજીવનમાં જોડાયાના એક વર્ષ પહેલાં માંડ માંડ આર્થિક રાશિની જોડતોડ કરી, નાની એવી સ્ટેશનરીની દુકાન શરુ કરી હતી. સમય ,સાથે વ્યવસાયનો વ્યાપ વધતાં આજે ચાર દાયકાથી ચાલતાં વેપારને તેની જન્મજાત શાંત અને સંતોષી પ્રકૃતિ અને અનુભવના આધારે તેની આર્થિક અને સામજિક જવાબદારી નિભાવવામાં જમનાદાસ કયાંય ઉણા નોહતા ઉતર્યા.

પણ, અસલમાં તો આ જમનાદાસની ઊંચા મિનારા જેવી ઝળહળતી કારકિર્દી અને ઉજળી છબીને ઉજાગર કરવામાં પાયાનો પત્થર સાબિત થયાં હતા પત્ની સુભદ્રાબેન.
સુભદ્રાબેનનો સ્વભાવ અદ્દલ જાણે કે જમનાદાસના પ્રકૃતિની પ્રતિકૃતિ જોઈ લો.
સુભદ્રાબેન ખુદ કરતાં જમનાદાસને વધુ જીવતાં. સુભદ્રાબેનના સઘળાં સુખના આરંભ અને અંતની પરિભાષાનું એક જ નામ હતું જમનાદાસ. દેવને પૂજતા પૂજતા કયારેક તન્મયતામાં તલ્લીન થઇ જતાં દાસનું નામ લેતાં લેતાં પણ માળાના મણકા ફેરવી નાખતાં.

મોટો પુત્ર મૌલિક ગામની એક ઓઈલ મિલમાં એકાઉન્ટનું કામકાજ સંભાળતો અને નાનો મનન એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો.

આજે રવિવાર હતો એટલે જમનાદાસ અડધો દિવસ પેઢી બંધ રાખતાં. અને તે બહાને નજીકની લાઈબ્રેરીમાં જઈ બે-ચાર વર્તમાનપત્રો પર ઉડતી નજર ફેરવી બજારમાં એક લટાર મારીને ઘરમાં પ્રવેશતાં સુભદ્રાની બન્ને પડખે બેસેલાં બાળકોને સંબોધતા બોલ્યાં..

‘એલા છોકરાઓ તમારી દાદીને કહો કે, રવિવાર છે, આજે તો અમને બહાર રમવા જવાની રજા આપો.’ પછી સુભદ્રાને સંબોધતા બોલ્યા..
‘આ ખોળામાં મહેતાજીના ચોપડા જેવું શું લઈને બેઠી છો ?
એટલે હસતાં હસતાં સુભદ્રાબેન બોલ્યા...
‘મહેતાજી નહીં.. મહાદેવની મહેરબાનીના સંસ્મરણોને વાગોળતાં આ બાળકોને મૌલિક અને મનનના બચપણની તસ્વીરોનું આલ્બમ બતાવીને એક એક કિસ્સાઓ સંભળાવું છું.’

એટલે મનનની પુત્રી પ્રાચી તેની કાલીઘેલી ભાષામાં બોલી..

‘દાદા, આ ફોતામાં મારાં પપ્પા તો સાવ કેવા દાગલાં જેવાં લાગે છે, જુઓ.’

એટલે સાડીના પાલવથી માથું ઢાંકીને ચાઈ લઈને બેઠકરૂમમાં દાખલ થયેલી અમ્રિતા સાથે જમનાદાસ અને સુભદ્રા પણ હસવાં લાગતાં.. મનન તેના બેડરૂમમાંથી અને મૌલિક અને જ્હાનવી તેના શયનકક્ષ માંથી બેઠકરૂમમાં આવી મસ્તીની મહેફિલમાં શામિલ થઇ ગયાં..
એટલે પ્રાચીને તેના ખોળામાં લઇને આરામ ખુરશીમાં લંબાવતા જમનાદાસ બોલ્યા..
‘એ ફોટો તો, તારા પપ્પાએ કોલેજની નાટ્ય સ્પર્ધામાં રંગલાનું પાત્ર ભજવ્યું હતું ત્યારનો છે.’

મનનને કલાજગત પ્રત્યે રુચિ ખરી પણ, તેણે તેના પરિવારની ફરજને પ્રાધાન્ય આપતાં સમયના અભાવે તેના શોખને સ્વ પુરતો જ સીમિત રાખ્યો હતો. કયારેક મૂડમાં હોય તો તેના કલાપ્રેમની ઝલક અમ્રિતા સમક્ષ રજુ કરતાં પોરસાઈ જતો. અને અમ્રિતા પણ તેના આ અલગ અંદાજ પર વારી જતી.

ત્યાં વિવાન દોડીને મૌલિકના હાથમાંથી તેનો મોબાઈલ લઈને થઇ ગયો મશગૂલ ગેઈમ રમવામાં. ત્યાં તેને જોઇને મનન સામું જોઇને તરત જ પ્રાચી બોલી...
‘પપ્પા મને પન આપો મોબાઈલ.’
એટલે મનને તેનો સેલ પ્રાચીના હાથમાં આપતાં જમનાદાસ બોલ્યાં..
‘આ બાળકો તેની બુદ્ધિમતા સાથેનું તાલમેળ બેસાડીને જે ઝડપથી મોબાઈલ પર આંગળીઓ ફેરવે છે, એ જોઇને આવું લાગે છે કે, વિજ્ઞાનના અમૂક આવિષ્કાર આવનારી પેઢી માટે ખરેખર વરદાન સાબિત થશે.’

એટલે જ્હાનવી બોલી..
‘અરે...પપ્પા આ તો સાવ સહેલું છે. એ તો તમે અને મમ્મી ક્યારેય ટ્રાય નથી કરતાં એટલે તમને આ સ્માર્ટફોનની માયાજાળ, માથાકૂટ જેવી અટપટી લાગે છે.’

‘એ ના હો... અમારે તો બસ આ ટચુકડા ફોનના બે બટન યાદ રાખવાના એટલે કામ પત્યું. એક લાલ અને એક લીલું ’
આવું સુભદ્રાબેન બોલ્યાં એટલે તરત જ વિવાન તેની ટચુકડી હથેળી તેના કપાળ પર અડાડતાં બોલ્યો...

‘અરે..દાદી ..ગ્રીન અને રેડ એમ કે’વાય.’ અને સૌ હસવાં લાગ્યાં..

રાત્રી ભોજન બાદ સાડા દસ વાગ્યાં પછી, સુભદ્રાબેન અને જમનાદાસ તેમના ઓરડામાં હતાં. સુભદ્રાબેન ખુરશીમાં બેઠાં બેઠાં દિવેટ વણી રહ્યાં હતા અને જમનાદાસ પલંગ પર તકિયાના ટેકે માથું ટેકવી, આંખો મીચીને આરામ ફરમાવી રહ્યાં હતાં. અને બાકીના સૌ સદસ્યો ગામની પાદરે આવેલાં ધારેશ્વર મહાદેવ મંદિર તરફ લટાર મારવા નીકળી ગયાં હતાં.

નાક પરથી ચશ્માંની દાંડી સ્હેજ નીચી કરી જમનાદાસ તરફ જોતાં સુભદ્રાબેને પૂછ્યું..
‘એ... દાસજી, કેમ આજે આટલા ચૂપ છો ? મૂડ નથી કે તબિયત ઠીક નથી ?’
આંખો ઉઘાડી સુભદ્રા સામું જોઈ ઊંડો શ્વાસ લઇ જમનાદાસ બોલ્યાં...
‘સુભદ્રા...હવે થાક લાગે છે, શરીરમાં જોમ નથી રહ્યું. એવું લાગે છે જાણે કે, મન માળવે હોય અને જીવ તાળવે.’
ઝડપથી દિવેટ ભરેલી થાળી અને ચશ્માં ઉતારી, બાજુના ટેબલ પર મૂકતાં..પલંગ પર જમનાદાસની પડખે બેસતાં ઉભડક જીવે સુભદ્રાબેન બોલ્યાં..

‘હાય.. હાય.. શું દાસજી તમે પણ રાત ટાણે આવું એલફેલ અમંગળ બોલો છો.’
જમનાદાસનું માથું દબાવી, હળવેથી તેની છાતી ઘસતાં સુભદ્રાબેને ગભરાટ સાથે પૂછ્યું..
‘શું... શું...થાય છે, તમને દાસજી બોલો તો ?
સુભદ્રાના ઉચક જીવ સાથેની હડબહાટ જોઇને જમનાદાસ બોલ્યાં..
‘અરે... સુભદ્રા ચિંતા જેવું કંઇ નથી, પણ બસ થોડા દિવસથી નબળાઈ જેવું લાગે છે, અને અકારણ મન વ્યથિત અને વ્યર્ગ રહ્યાં કરે છે, બસ.’

‘ના..ના તમે મારાથી કૈક છુપાવો છો.. ખાવ જો મારા સમ ?
એમ કહી સુભદ્રાબહેને જમનાદાસનો હાથ તેના શિર પર મૂકતાં પૂછ્યું..
‘અરે.. અરે.. સુભદ્રા આજ સુધી મેં કોઈ વાત તારાથી છુપાવી છે ? અને ઉઘાડી ચોપડી જેવી મારી જિંદગી છે, અને તું તો મારો પડછાયો છે, કશું હોય તો’ય તારાથી છાનું રહે ?’

‘ઈ મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, કાલે સવારે જ મૌલિકને લઈને આપણે અમરેલી જઈએ, અને ડો. પંડ્યા સાહેબ પાસે બધું સરખી રીતે ચેક-અપ કરાવી લ્યો, ત્યાં સુધી મારો જીવ હેઠો નઈ બેસે.’
ગળગળા અવાજે સાથે ભીની આંખોની કોરે સુભદ્રાબેન બોલ્યાં.

‘એ હાં, લ્યો મારા સરકાર.. તું કહે એમ બસ. હવે ખુશ ?
સ્હેજ હસતાં હસતાં જમનાદાસ બોલ્યાં

‘હવે માથું લંબાવો. એટલે હળવા હાથે તમારા પગ દબાવી દઉં, એટલે સારી ઊંઘ આવી જશે.’ સુભદ્રાબેન બોલ્યાં.

‘એ આ લ્યો... લંબાવ્યું. પણ વરવી વાસ્તવિકતા જેવી એક વાત કહું સુભદ્રા.. આ ભાડાના મકાન જેવી કાયા સાથે આટલી માયા નહીં સારી. આપણે સૌ એક જ માટીમાં રોપાયેલાં છોડ છીએ. પણ, ક્યા છોડને ઊગવું, અને ક્યા છોડને મુરજાવું, એ તો રણછોડ નક્કી કરેને. અને માની લે કે, કદાચને કાલ સવારે...’
હજુ જમનાદાસ આગળ કશું બોલવાં જાય એ પહેલાં આંખોમાં ઝળઝળિયાં સાથે જમનાદાસના હોંઠ પર તેની હથેળી મૂકતાં કાંપતા સ્વરે બોલ્યાં..

‘દાસજી.. આજે બોલ્યાંએ બોલ્યાં. આવી અશુભ વાણીથી મારું કાળજું કપાઈ જાય છે, તેનો તમને ખ્યાલ છે ? તમને સ્હેજ અમથી ઠેસ પણ વાગેને, તો મારા ગળેથી કોળીયો નથી ઉતરતો ઈ, તમને ખબર છે ને ?
આટલું બોલતાં તો સુભદ્રાબેનના ગળે ડૂમો બાજી ગયો.

સુભદ્રાના માથે વ્હાલ ભર્યો હાથ ફેરવતાં ભાવાવેશમાં જમનાદાસ બોલ્યાં...

‘સુભદ્રા..તું મારા આ ખખડી ગયેલાં ખોળિયાના ધબકારાની સંજીવની છો, સમજી. છેલ્લાં ચાર દાયકાની આસપાસ પહોંચવા આવેલાં આપણા સંગાથ સફરમાં આપણે એકબીજાના આશરે કંઇક ચડાવ-ઉતાર, તડકી છાંયડી વગર વિઘ્ને પાર કરી ગયાં કારણ ? તારા નિસંદેહ, નિસ્વાર્થ મરહમ જેવી માવજત અને માયાળુ મર્મના હુંફાળા ખ્યાલ માત્રથી. તું જોશી કુળનું એવું વટવૃક્ષ છો, જેની છાયા તળે એક એવા ધરપત અને હૈયાધારણની શીતળતાની અનુભૂતિ થાય છે જાણે કે, અહીં કંઇક કેટલાયે જન્મોજન્મના ઋનાનુંબંધના કયાંય ઊંડે સૂધી મૂળિયાં રોપાયા હોય.’

‘બસ બસ બસ...હું તો છેલ્લાં શ્વાસ લગી તમારા દાસત્વની એકમાત્ર ભાગીદાર બનવાનું સપનું મારા સૌભાગ્યમાં લઇને આવી છું. તમારું દાસત્વ ભોગવીને તો મને જાણે કે, જીવતે જીવ વૈકુંઠના વૈભવ સાથે અમરત્વ મળી ગયું હોય એવી લાગણી થાય છે. વણ માંગ્યે મહાદેવે સંસારનું સઘળું સુખ સૌભાગ્યમાં લખી આપ્યું, હવે પછી બીજું જોઈએ પણ શું ?’

‘અને, હમણાં મૌલિક આવે એટલે તેની જોડે વાત કરીને, આવતીકાલનું આપણું ડોકટર પાસે જવાનું ફાઈનલ કરી લઉં છું.’ એવું સુભદ્રાબેન બોલ્યાં

નિરાંતનો શ્વાસ લઇ જમનાદાસ લંબાવતા, સુભદ્રાબેને તેમને શાલ ઓઢાળી અને હળવે હાથે દાસજીના પગ દબાવતાં દબાવતાં છેક નિંદ્રામાં સરી ગયાં ત્યાં સુધી જમનાદાસના નિર્દોષ ચહેરાને નિહાળી રહ્યાં પછી, સુભદ્રાબેનની આંખોથી ધીમી ધારે અશ્રુધારા નીતરતી રહી. અને નિદ્રાધીન થતાં પહેલાં જમનાદાસ મનોમન એવો ગહન વિચારમંથન કરતાં હતાં કે, રખેને મારા અંનત અનુપસ્થિતિના શૂન્યાવકાશમાં સુભદ્રાની શું મનોસ્થિતિ થશે ?


રાત્રે મૌલિક સાથે ચર્ચા થયાં મુજબ, સવારે દસેક વાગ્યે મૌલિક તેના દોસ્તની કારમાં જમનાદાસ અને સુભદ્રાબેનને લઈને આવી પહોચ્યો, સ્નેહી બંધુ અને અનપ્રોફેશનલ ડો. કૌશિક પંડ્યાના કલીનીક પર. મૌલિકે રાત્રે જ મેસેજ આપીને ડોકટરને તેમના આવવાની જાણ કરી દીધી હતી.

પ્રાથમિક અને રૂટીન ચેકઅપ પછી જમનાદાસ સાથેના બે-ચાર સાધારણ પ્રશ્નોતરી બાદ ડોકટરે એવું નિવેદન કર્યું કે,
‘આપણે જરૂરી એવા થોડા રીપોર્ટસ કાઢવી લઈએ, એટલે સચોટ નિદાન કરી શકીએ.’

એટલે ડોક્ટરની સૂચના મુજબ મૌલિક બન્નેને કારમાં લઈને નીકળી પડ્યો
અલગ અલગ સ્થળે રીપોર્ટસ કઢાવવા માટે.

પણ ગઈકાલ રાતથી ઉભડક જીવ લઈને ફરતાં સુભદ્રાબેન બોલ્યાં..
‘હેં.. મૌલિક પંડ્યા સાહેબે આટલા બધા રીપોટ કાઢવાનું કેમ કીધું ? આ દાસજીને જોતાં તકલીફ જેવું કંઈ દેખાતું નથી, તો પછી કેમ ?

‘અરે... મમ્મી, પપ્પાને કશું છે નહીં, એ વાતની ખાતરી કરવા માટે જ સાહેબે રીપોર્ટસ કરાવવાનું કહ્યું છે. અને સાંજ સુધીમાં રીપોર્ટસ આવી જાય એટલે કાગળ પર ટકોરાબંધ ખાતરી થઇ જાય કે, પપ્પાને નખ માં’યે રોગ નથી એટલા માટે.’
સાંજના પાંચેક વાગ્યાં સુધીમાં બધા જ રીપોર્ટસની ફાઈલ લઈને ત્રણેય દાખલ થયા પંડ્યા સાહેબની ચેમ્બરમાં. એક એક રીપોર્ટસને ધ્યાનથી જોઈ રહેલાં ડોક્ટરને જોતાં સુભદ્રાબેન મનમાં ઝીણી ધ્રુજારી સાથે હરી સ્મરણ કરવાં લાગ્યાં.

ફાઈલ મૌલિકના હાથમાં આપ્યાં પછી, ડોકટર સુભદ્રાબેનની સામું જોઈ બે ઘડી ચુપ રહેતાં સુભદ્રાબેનની આંખમાં ઝળઝળિયાં આવવાના બાકી હતાં... ત્યાં ડોકટર બોલ્યાં...

-વધુ આવતાં અંકે