ગમતાંનો કરીએ મલાલ.’
પ્રકરણ-બીજું/૨
ફાઈલ મૌલિકના હાથમાં આપ્યાં પછી, ડોકટર સુભદ્રાબેનની સામું જોઈ બે ઘડી ચુપ રહેતાં સુભદ્રાબેનની આંખમાં ઝળઝળિયાં આવવાના બાકી હતાં... ત્યાં ડોકટર બોલ્યાં...
‘આ રીપોર્ટસ જોઇને મને નવાઈ લાગે છે કે, ત્રેસઠ વર્ષે કોઈ માણસ આટલો સ્વસ્થ કઈ રીતે રહી શકે ? હી ઈઝ અબ્સોલ્યુલી ફિટ એન્ડ ફાઈન.’
આટલું સાંભળતા તો સુભદ્રાબેનની આંખોથી હર્ષાશ્રુની જલધારા વહેવાં લાગી..
એટલે તરત જ જમનાદાસ સુભદ્રાને સંબોધતા બોલ્યા..
‘લ્યો.. સરકાર હવે તમારાં હૈયે ટાઢક વળી ?
છતાં ઢીલાં હ્રદયના સુભદ્રાબેને તેની શંકાના સચોટ સમાધાન માટે ડોકટરને પૂછ્યું..
‘તો પછી દાસજીને આ નબળાઈ અને બેચેની જેવું કેમ લાગે છે, સાહેબ ?
‘ઉંમર, બહેન ઉંમર. અંતે ઉંમર ઉંમરનું કામ કરે કે નહીં ? હું મલ્ટી વિટામિન્સ સિવાય બીજી એકાદ બે ટેબ્લેટ્સ લખી આપું છું, હમણાં એક મહિનો નિયમિત લેશે એટલે બધું જ સારું થઇ જશે. બાકી કશું જ ચિંતા જેવું નથી.’
આભાર સાથે ડોક્ટરને ફી ચૂકવી, કેબીનની બહાર આવી, બાજુના મેડીકલ સ્ટોર પરથી મેડીસીન્સ લઈને રવાના થયાં ચિતલ ગામ તરફ. ત્યારે સુભદ્રાબેને રાહતનો શ્વાસ લીધો.
નીકળતાં પહેલાં ‘સબ સલમાત’નો સંદેશ મૌલિકે ઘરે પહોંચાડી દીધો હતો.
ઠીક બે દિવસ બાદ... બપોરના ચાર વાગ્યાના સમયે જમનાદાસના મિત્ર રસિકલાલ તેમના સ્કૂટર પર અચાનક જમનાદાસને ઘરે મૂકવાં આવ્યાં. ડેલી ઉઘાડતાં જે રીતે રસિકભાઈએ બૂમ પાડી એ સાંભળતા વ્હેત જ જ્હાનવી, અમ્રિતા અને સુભદ્રા બહેન સૌ દોડ્યા બેઠકરૂમ તરફ.
રસિક ભાઈના ટેકે માંડ માંડ બેઠકરૂમમાં દાખલ થયેલા આંખો મીચીને જમનાદાસ જે રીતે રીતસર સોફા પર ફસડાઈ પડયાં. એ જોઇને સુભદ્રાબેનની ચીસ ફાટી ગઈ.
સુભદ્રાબેન અને અમ્રિતાએ જમનાદાસના પગ ઝાલીને સરખી રીતે સુવડાવ્યા..
‘હેં... રસિકભાઈ શું થયું પપ્પાને ?
‘અરે હું અને જમનાદાસ દુકાન પર વાતો કરતાં હતાં, ત્યાં અચનાક તેને શ્વાસ ચડવા માંડ્યો અને થોડીવારમાં તો આંખે અંધારા આવતાં ચક્કર ખાયને પડી ગયાં,
એટલે હું તેમને ફટાફટ સ્કૂટર પર અહીં લઇ આવ્યો.’
કપાળ પરનો પરસેવો લૂછતાં રસિકભાઈ બોલ્યાં..
રોક્કળ કરતાં સુભદ્રાબેન બરાડ્યા..
‘અઅ...અરે... તમે મૌલિક અને મનનને ઝટ કોલ કરીને બોલવો ને.’
અને મનોમન ડોકટર પંડ્યા પર ખારા થઈને ખીજ્વાયા પણ ખરાં
ગભરાતાં ગભરાતાં ત્વરિત જ્હાનવીએ મૌલિક અને મનનને હકીકતની જાણ કરતાં તાબડતોબ દસ જ મીનીટમાં બન્ને ઘરે આવી પહોચ્યાં. નજીકના એમ.બી.બી.એસ. ડોકટરને ઘરે બોલાવતાં તેમને કોઈ સાયન્ટીફીક સબબના સબળ સંકેતનો તાળો ન મળતાં અમરેલી લઇ જવાની સૂચના આપી. એટલે પંદરથી વીસ મીનીટમાં મૌલિક, મનન અને સુભદ્રાબેન સૌ જમનાદાસને એમ્બ્યુલન્સમાં લઈને રવાના થયાં અમરેલી શહેર તરફ.
પરિસ્થિતિ એવી હતી કે, જમનાદાસ કરતાં સુભદ્રાબેનને સાંત્વના આપીને સંભાળવા અઘરું થઇ પડ્યું હતું. છેક ડો.પંડ્યાના ક્લિનિક સુધી પહોંચતા સુભદ્રાબેન આંસુ સારતાં જમનાદાસના માથે હાથ ફેરવતાં રહ્યાં.
મૌલિક અને મનન સાથે ડોકટર પંડ્યાની મેડીકલ લેન્ગ્વેજમાં વાત થયાં પછી ડો. પંડ્યાએ તેના દિમાગમાં ઊભી થયેલી શંકાને ઠોસ આધાર આપવાં માટે એક જરૂરી ટેસ્ટ કરાવવાની સૂચના આપતાં એ પ્રક્રિયા શરુ થઇ.
મનનનું શ્વસુરગૃહ અમરેલીમાં જ હતું એટલે અમ્રિતાના પરિવારના સભ્યો પણ તાત્કાલિક સારવારની દોડધામમાં જોડાઈ ગયાં. રીપોર્ટ આવતાં ચારથી પાંચ કલાકનો સમય લાગે તેમ હતો.
છેક રાત્રે દસ વાગ્યે રીપોર્ટસ આવ્યો.. અને ડો.પંડ્યાની શંકાને શત્ત પ્રતિશત સમર્થન મળી ગયું.... જમનાદાસનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યો..
વજ્રઘાત જેવી હકીકતથી હાલ સુભદ્રાબેનને કેટલા વાકેફ કરવાં એ ડોકટરે મૌલિક અને મનન પર છોડ્યું. સુભદ્રાબેન સામે સામાન્ય વાઈરલ ઇન્ફેકશનનું બહાનું આગળ ધરીને સૌ પહેલાં સેલ્ફ સેફટી પ્રોટેક્શન સાથે યુદ્ધના ધોરણે જમનાદાસને હોસ્પીટલમાં એડમીટ કરવાની કવાયત શરુ કરતાં, છેક રાત્રે બે વાગ્યે ડોકટર પંડ્યાના અથાગ પ્રયત્નના અંતે જમનાદાસને સરકારી અસ્પતાલના કોરોના વોર્ડમાં લઇ જવાયા... ત્યાં જ... વિશ્વ મહામારી કોરોનાનું નામ સાંભળતા સુભદ્રાબેન તેમના હોંશ ગુમાવી ચુક્યા.. તેમની સારવાર કરતાં અંતે સુભદ્રાબેનને ઘેનનું ઇન્જેક્શન આપવું જ યોગ્ય રહ્યું.
અંતે સૌ મનનની પત્ની અમ્રિતાના ઘરે પહોચતાં રાત્રીના ત્રણ વાગી ગયાં.... પરિસ્થિતિ એટલી નાજુક હતી કે, કોણ, કોને સાંભળે અને સંભાળે ?
ચાર દાયકાના દાંપત્યજીવનમાં કદાચ ચાર દિવસ પણ ભાગ્યે જ જમનાદાસ અને સુભદ્રાબેનને પરસ્પર એકબીજાથી જુદા રહેવાનો વખત આવ્યો હશે. અને આજે વર્ષોના વ્હાણા વીત્યાં પછી.. જયારે બન્ને પરસ્પર એકબીજાના શ્વાસના પૂરક બની ગયાં, એ અવસ્થાની ઘડીએ જે વ્યક્તિના હૂંફની સૌથી વધુ ખપ હોય ત્યાં ખાલીપો વર્તાય, એ વ્યથા વૃતાંતના વિચાર માત્રથી કંપારી છુટી જાય. અગ્નિપરીક્ષા જેવી આકરી ઘડીમાં જાતને સંભાળવી અને સમજાવવી દુઃખદ અને દુશ્વાર હતી.
મૌલિક અને મનન આવનારા દિવસોની ગંભીરતાથી ખુબ સારી રીતે વાકેફ હતાં.
પણ એવરેસ્ટના ટોચ જેવી ચિંતા હતી, પપ્પા સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે ન આવે ત્યાં સુધી મમ્મી સુભદ્રાબેનને સાંત્વનાના ડોઝ આપીને શાંત પાડવાની.
સીમાંત વગરના માનસિક તાણ અને થાક વચ્ચે પણ મનન અને મૌલિકે માંડ બે-થી ત્રણ કલાકની ઊંઘ ખેંચી હશે, ત્યાં વહેલી સવારના સાતેક વાગ્યે ભાનમાં આવેલાં સુભદ્રાબેનના છાના કલ્પાંતથી વાતાવરણ ફરી તંગ થઇ ગયું. યંત્રવત રોબોટની માફક સુભદ્રાબેન વારંવાર એક જ ગાણું ગાઈને રટણ રહ્યાં હતાં કે,
‘મને મારા દાસજી જોડે લઇ જાઓ.’
ઘરના સૌ સભ્યોએ કાબુ બહારની પરિસ્થિતિનું ભાન કરવાતા સમજાવ્યું કે,
‘જમનાદાસને મળવું તો દૂરની વાત છે, તેમના વોર્ડની આસપાસ જવું પણ શક્ય નથી.’
અંતે જમનાદાસ સાથે ટેલીફોનીક વાર્તાલાપ થઇ શકે એવી વ્યવસ્થા થઇ જશે એવી ઠોસ હૈયાધારણ આપીને માંડ સુભદ્રાબેનને શાંત પાડ્યા.
સર્વત્ર રૌદ્ર સ્વરૂપે ઘોડાપુરની માફક ફાટી નીકળેલી વૈશ્વિક મહામારીમાં ચોતરફ એટલી તંગદીલી વ્યાપી ગઈ હતી કે, કોઇપણ વ્યક્તિના એડમિટ થયેલાં સ્વજનના સ્વાસ્થ્ય બાબતની જાણકારી મેળવવી એ કરોડોના કોયડા જેવો અઘરો સવાલ થઇ પડ્યો હતો.
હોસ્પિટલમાં ઉભરાતી હજ્જારોની સંખ્યા વચ્ચેની ભીડમાં દોડધામ કરતાં કલાકો હેલ્પલાઇનની કતારમાં ઊભા રહ્યાં બાદ, છેક બપોરે જમનાદાસ સુધી ફોન પહોંચાડવામાં મૌલિક અને મનન સફળ થયાં એટલે હોસ્પિટલના કેમ્પસ માંથી મૌલિકે મન મક્કમ કરીને કોલ જોડ્યો જમનાદાસને..
રીંગ પૂરી થઇ ગઈ પણ કોલ રીસીવ ન થયો...ફરી પ્રયત્ન કર્યો..ફરી એ જ સ્થિતિ.
એટલે મનને કહ્યું..
‘પ્લીઝ વેઇટ.. પાંચ મિનીટ રહીને કર.’
અનંત ઉચાટ અને અશાંત અંતહદશા વચ્ચે થોડીવાર પછી મૌલિકે ફરી નંબર ડાયલ કર્યો..
સામે છેડેથી સાવ ધીમા સ્વરમાં અવાજ સંભળાયો..
‘હેલ્લો.’ મજબુત મનોબળ સાથે મૌલિક બોલ્યો..
‘હેલ્લો.. પપ્પા.... પપ્પા... મૌલિક બોલું છું... મૌલિક.. મારો અવાજ સંભળાય છે તમને ?
‘હાં.. સંભળાય છે..પણ... દીદી...દીકરા ખુબ જ.. નબળાઈ લા...લાગે છે અને.. સસસ..શ્વાસ પણ બહુ.... ચડે છે.’ એવું જમનાદાસ માંડ માંડ બોલ્યાં.
છલકાઈ ગયેલાં ચક્ષુ સાથે બે ઘડી ચુપ રહ્યાં પછી મૌલિક બોલ્યો..
‘અચ્છા, પપ્પા, પ્લીઝ તમે વધુ બોલશો નહીં.. અને હું કહું એ ધ્યાનથી સાંભળો. તમને ચેક-અપ કરવાં કોઈ ડોકટર કે નર્સ આવે તો મારી જોડે વાત કરાવડાવજો..
અને ખાવા પીવાનું જે કંઈ પણ આવે, ના ભાવે તો પણ લેતાં રહેજો અને મમ્મી જોડે બીજી કોઈ વાત ન કરશો. એક મિનીટ મનનને ફોન આપું છું, વાત કરો.’
‘પપ્પા...’ આટલું તો મનન માંડ બોલી શક્યો.
‘દીદી..દીકરા તારી મમ્મીને સંભાળજે. મને તો એની જાજી ચિંતા છે.’
સ્વસ્થતા જાળવતાં મનન બોલ્યો..
‘અરે.. પપ્પા હમણાં બે દિવસમાં બધું સમું નમું થઇ જશે. અને તમે મમ્મની સ્હેજે ઉપાધી ન કરો, અમે સૌ સંભાળી લઈશું બસ, તમે ઝટ સાજા થઈને બહાર આવો એટલે...’ આટલું બોલતાં મનનના ગળે ડૂમો બાજી જતાં ફોન મૌલિકના હાથમાં આપી દીધો .
‘પપ્પા..સમયસર મોબાઈલ ચાર્જિંગમાં મૂકતાં રહેજો. હું ઘરે જઈને મમ્મી જોડે વાત કરાવું છું. અને ખાસ કામનો કોલ આવે તો જ કોઈની જોડે વાત કરજો.’
‘અચ્છા, મૌલિક હું કોલ મુકું છું. મારાથી વધુ વાત નહીં થાય.’
એમ કહી જમનાદાસે વાર્તાલાપ અને ચઢતાં શ્વાસને વિરામ આપ્યો.,
થોડીવાર સુધી બન્ને ભાઈઓ ગહન મનોમંથન કર્યા પછી મનને પુછ્યું..
‘મૌલિક એવું શક્ય નથી કે, ડો.પંડ્યા સાહેબના કોઈ અંગત કોરોનો વોર્ડની ડ્યુટીમાં હોય અને તેના મારફતે દિવસમાં એક યા બે વખત પપ્પાના મેડીકલ રીપોર્ટસના સ્ટેટ્સની જાણકારી આપણને ફોન પર મળતી રહે એવું કંઈક કરીએ તો ?
‘હમ્મ્મ્મ..આઈડિયા સારો છે, પણ, આ વાત ડો. સાહેબને રૂબરૂ મળીને જ કરવી પડે..
અચ્છા, એક કામ કર તું ઘરે પહોંચીને મમ્મીને પપ્પા જોડે વાત કરાવ, અને હું ડો.ને મળીને ઘરે આવું છું.’
‘જી.’ એવું મનન બોલતાં બન્ને છુટ્ટા પડ્યા.
મનન ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજે કાગડોળે રાહ જોતાં સુભદ્રાબેને અત્યંત અધીરાઈથી પૂછ્યું...
‘હેં.. મનન, કેમ છે દાસજીને ? શું કહ્યું ડોકટરે ? ક્યારે રજા આપશે ? એને કાંય અગવડ તો નથી પડતી ને ? તે વાત કરી પપ્પા જોડે ? સુંસવાટા મારતાં પવનની માફક સુભદ્રાબહેને સવાલોની ઝડી વરસાવતાં પૂછ્યું..
‘હાં.. એક મિનીટ, પણ પહેલાં અહીં સોફા પર બેસ શાંતિથી પછી બધી વાત કહું છું .’ એમ કહી ખુદ પણ બેસતાં મનન આગળ બોલ્યો.
‘પપ્પાને સારું છે, મારી અને મૌલિક બંને જોડે આરામથી વાત કરી. એમને કોઈ તકલીફ નથી. અને હવે તું પણ શાંતિથી વાત કરી લે. પણ, થાકના કારણે ડોકટરે વધુ વાત કરવાની ના પાડી છે. અને તું કોઈ એવી વાત ન કરીશ કે, પપ્પાને વધુ ફિકર થાય.’
શાંતિથી સુભદ્રાબેનને સમજાવી મનને કોલ જોડ્યો જમનાદાસને.
‘હેલ્લ્લ્લો.... દાસજી... હું સુભદ્રા બોલું છું.’
‘હાં. બોલો સરકાર..’
આટલું સાંભળતા તો સુભદ્રાબેનની આંખથી અશ્રું સરવાણી ફૂંટી નીકળી.
સાડલાના છેડેથી ભીનાં ગાલ લૂંછતા ગળગળા સ્વરે પૂછ્યું..
‘હવે, કેમ છે ? શું થાય છે, તમને ?
‘બબ...બસ કંઇ નહીં, સસ્સ,,,શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને...બહુ જ નબળાઈ લાગે છે. ડોકટરે કહ્યું કે, પાંચ સાત દિવસમાં.... સા...સારુ થઇ જશે. તું કાકા...કારણ વગરની...ઉપાધી ન કર સુભદ્રા.’
આટલું બોલતાં જમનાદાસને શ્વાસ ચઢી ગયો..
‘પણ..તમારું ખાવા-પીવાનું... તમારા ટેસ્ટની ચા.. તમને માફક આવે એવો તકિયો.. તમારી શાલ.. એ બધા વગર તમને કેમ ફાવશે.. ?
સંતાપ કરતાં સુભદ્રાબેને પૂછ્યું..
એક મિનીટ ચુપ રહ્યાં પછી.. જમનાદાસ બોલ્યાં...
‘જજ..જમવાનું તો આઆ..આપે છે.. પણ હવે હોસ્પિટલમાં તો જે હોય તેમાં રોળવી લેવું પડેને સરકાર. બસ તું તા..તારુ ધ્યાન રાખજે. મને કંઇક નથી... થ..થવાનું.’
‘પણ..દાસજી આ લોકોને કહોને કે, તમને મળવાની પરવાનગી આપે, એકવાર તમને જોઈ લઉં તો..’
આગળના શબ્દો ઉચ્ચારે એ પહેલાં સુભદ્રાબેનના ગળે ડૂમો બાઝી ગયો..
‘હાં.. હાં.. સરકાર, હું મૌલિક જોડે વાત કરીશ. ઠીક છે હવે આઆ..આરામ કરું.’
એટલું બોલી અસહ્ય નબળાઈથી પીડાતાં જમનાદાસે કોલ કટ કરી તકિયા પર માથું ઢાળીને મોં પર ફરી ઓક્સિજન માસ્ક ચડાવી દીધું.
થોડીવારના છાના રુદન પછી સુભદ્રાબેને પૂછ્યું..
‘દીકરા મનન, મૌલિક ક્યાં રહી ગયો ?
‘એ ડો. પંડ્યાને મળીને હમણાં આવે છે, એમ કહ્યું.’ મનન બોલ્યો.
થોડીવાર પછી મૌલિક આવતાં વ્હેત જ અધ્ધર જીવે પ્રતિક્ષા કરતાં સુભદ્રાબેને પૂછ્યું..
‘હેં.. મૌલિક શું કહે છે, પંડ્યા સાહેબ ?’
થાક અને તણાવના કારણે પાંચ- સાત સેકંડ આંખો મીચીને બેસી રહ્યાં પછી મૌલિક બોલ્યો..
‘મમ્મી..મારે પંડ્યા સાહેબ સાથે વાત થઇ છે, એ આવતીકાલ સુધીમાં કંઇક યોગ્ય જવાબ આપશે.’
‘પણ, તું એમને કહેને કે, મારી મમ્મીને દાસજીને મળવા જવું છે, તો કેમ ન જવા દે ?’
સુભદ્રાબેનની અતાર્કિક વાત સાંભળીને મૌલિક મનોમન બોલ્યો..
‘હવે મમ્મીને આ અતિ ગંભીર પરિસ્થિતિથી કઈ રીતે વાકેફ કરાવું ?
છતાં માનસિક સંતુલન જાળવી ટૂંકમાં વાત વાળતાં મૌલિક બોલ્યો..
‘અચ્છા.. હું વાત કરીશ.’
થોડીવાર બાદ મૌલિકે, મનનને ઈશારો કરતાં બન્ને ઘરની બહાર આવ્યાં..
એટલે કયારના આતુરતાથી અકળાયેલા મનને અધીરાઈથી પૂછ્યું..
‘ડો. સાહેબ, મળ્યાં ? શું વાત થઇ ?’
નિસાસો નાખતાં મૌલિક બોલ્યો..
‘જે જેટ સ્પીડથી કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં રીતસર ઠલવાઈ રહ્યાં છે, તેના પરથી વોર્ડના અંદરની વ્યવસ્થા અકલ્પનીય છે. કોઈને એક સેકન્ડનો પણ સમય નથી. છતાં સાહેબે કહ્યું કે, હું મારી રીતે પ્રયત્ન કરું છું.’
વિકટ પરિસ્થિતિનું મનોમન વિશ્લેષણ કરતાં મનન પણ મૂંઝાયો..
છેક મોડી રાત્રે અગિયાર વાગ્યે ડો. પંડ્યા સાહેબનો મૌલિકના મોબાઈલમાં સંદેશ આવ્યો.. જેમાં એક મોબાઈલ નંબર સાથે નામ હતું મનસુખ વાઘેલા, અને સૂચન હતું કે સવારે આઠ વાગ્યાં પછી આ વ્યક્તિ સાથે વાત કરીને મળી લેજો.’
સૌએ અજંપા ભરી રાત વીતાવ્યા પછી.. મોર્નિંગમાં આઠ વાગ્યાં પહેલાં મૌલિક અને મનન હોસ્પિટલ તરફ રવાના થઇ ગયાં. મનસુખ વાઘેલા સાથે ડો.પંડ્યાનો રેફરન્સ આપીને વાત કરતાં મનસુખે એક સુચવેલી જગ્યા પર આવવાનું કહ્યું,
ત્યાં જઈને મનસુખ વાઘેલાએ ગલોફામાં ભરાવેલા પાનનો આસ્વાદ માણતાં કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યાં વગર દર્દીને રૂબરૂ મળવા સિવાયની દરેક ‘સેવા’ નું પ્રાઈઝ લીસ્ટ સાથે મેન્યુ જાણવી દીધું...
‘દર્દીને નાસ્તો-પાણી પહોંચાડવાનો ચાર્જ પાંચસો રૂપિયા, દિવસમાં બે વાર મેડીકલ રીપોર્ટસના સ્ટેટ્સ જાણવાના એક હજાર રૂપિયા.’ બોલો શું સેવા કરી શકું ?
ઉઘાડા છોગે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને મિજબાની માણતાં મનસુખ પર બન્ને ભાઈઓને ફિટકાર સાથે તમાચો ચોડી દેવાનું મન થયું. પણ, લાલચોળ ચહેરે લાચારી ગળી જઈને મૌલિક વોલેટમાંથી પાંચસોની નોટ મનસુખને આપતાં બોલ્યો..
‘કેટલાં સમયમાં મેડીકલ રીપોર્ટસ મળશે ?
‘બસ અડધો કલાકમાં, મને પેશન્ટની પૂરી ડીટેઇલ આપી દયો એટલે તમને હમણાં અડધો કલાકમાં રીંગ આપું છું.’ પાનની પિચકારી મારતાં મનસુખ બોલ્યો.
‘જી ઠીક છે, અમો અડધી કલાકમાં આવીએ છીએ.’
એમ કહી બંને મૌલિક અને મનન ઘર તરફ રવાના થયાં.
‘આ ઇન્સાન છે કે કસાઈ, આનામાં ઈન્સાનિયત જેવી કોઈ ચીજ છે કે નહીં ? ભારોભાર ગુસ્સામાં દાંત કચકચાવતાં મનન બોલ્યો.
‘મનન, તે તેની પ્રકૃતિ મુજબ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે, અને અત્યારે આપણને તેની ગરજ છે, એને નહીં.’
ઘરે આવ્યાં પછી મૌલિક, મનન અને ઘરના સૌ સભ્યોએ સુભદ્રાબેનને ખુબ સમજાવ્યાં કે.
‘દાસજીને મળવું તો શું પણ ત્યાં કોરોના વોર્ડની આસપાસ કોઈને ફરકવા પણ નથી દેતાં. હાં.. તેમને ભાવતું કંઇક મોકલવું હોય તો એ વ્યવસ્થા થઇ જશે.’
એટલે હરખના માર્યા સુભદ્રાબેન બોલ્યાં...
‘એએ...એ તો.. તો.. હું દાસજીને ભાવતી સુખડી.. પુરણપોળી અને મેથીના થેપલાં બનાવી દઉં.’
એમ કહી ઊભા થવા ગયાં પણ શરીરનું સંતુલન ન જળવાતાં સોફા પર ફસકી પડ્યાં.
એટલે મૌલિક બોલ્યો
‘અરે..રે..રે..આરામથી મમ્મી, આટલી બધી ઉતાવળ શેની છે ?
ભીની આંખોની કોરે ઓશિયાળા બની આંખે આવેલાં ઝળઝળિયાં લૂંછતાં બોલ્યાં..
‘આજે બે દિવસથી ગળચી ગળચીને માંડ માંડ મારાં ગળેથી કોળિયા ઉતારું છું, અને તું પૂછે છે, શેની ઉતાવળ છે ? એ કેમ છે ? કઈ દશામાં છે ? એ શું, શું, અને કેટકેટલું સહન કરે છે ? હું અભાગી એ’ય જાણી નથી શકતી. દીદી..દીકરા એ...એ દાસજીનો જીવ મારી ગેરહાજરીમાં કેવો ગૂંગળાતો હશે ? મારા દાસજી દુનિયાદારી બહુ શીખ્યાં પણ હજુ મારા દાસજીને મારા વગર જીવતાં ન આવડ્યુ.’
પરિસ્થિતિ પરિતાપની પરિસીમા પર કરી ચુકી હતી.. સુભદ્રાબેનની મોહતાજી મહેસૂસ કરતાં મૌલિક અને મનન સાથે સૌની આંખો નીતરવાં લાગી.
‘અચ્છા, ઠીક છે, પપ્પાને ભાવતી બધી જ વાનગી આપણે પહોંચાડી દઈશું બસ.’
‘પણ તને શું થાય છે ? અને તારું શરીર કેમ આટલું ગરમ છે ? તાવ ચડ્યો છે કે શું ? સુભદ્રાબેનના કપાળ પર હાથ મૂકતાં મૌલિકે પૂછ્યું
એટલે વાતને હસવાંમાં કાઢી નાખતાં સુભદ્રાબેન બોલ્યાં..
‘એ તો મારા દાસજીના અભાવનો તાવ છે.’
ત્યાં જ મૌલિકના મોબાઈલની રીંગ વાગી..કોલ રીસીવ કરતાં સામા છેડેથી અવાજ આવ્યો..
‘એ... મનસુખ વાઘેલા બોલું છું... મૌલિકભાઈ વાત કરો છો ?
‘હાં. જી બોલો.’
‘તમારું વ્હોટ્સઅપ ચેક કરી લો. લેટેસ્ટ અપડેટની ઇન્ફોર્મેશન સેન્ડ કરી છે. અને બીજું કંઇ કામ હોય તો યાદ કરજો.’
‘જી ઠીક છે, આભાર.’
આટલું બોલતાં તરત જ કોલ કટ કરી. મેસેજ વાંચતા મૌલિકે તન અને મન પર સ્વસ્થતા જાળવી અને, એ મેસેજ સેન્ડ કર્યો ડો.પંડ્યાને.
દસ મિનીટ પછી પંડ્યા સાહેબનો સામેથી કોલ આવ્યો...
‘ક્રીટીકલ સિચ્યુએશન છે, ઓક્સિજન લેવલ અને પ્લેટલેટ બન્ને ડાઉન થતાં જાય છે. હું કન્સલ્ટ ડોકટરની જાણકારી મેળવીને તને કોલ કરું છું.’
‘એએ...એક મિનીટ સર, મમ્મીને પણ તાવ છે તો...’
મૌલિક હજુ તેની વાત પૂરી કરે પહેલાં ડો. બોલ્યાં
‘અરજન્ટ, સુભદ્રાબેન અને તમે બંને ભાઈઓ પણ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવી લો પ્લીઝ.’ એમ કહી ડોકટરે કોલ કટ કર્યો.
મૌલિકની મનોદશા એક સાંધે ત્યાં તૂટે એવી થઇ ગઈ હતી. ચિત્ર-વિચિત્ર વિચાર વંટોળ તેની મનોસ્થિતિને ઘેરી વળે એ પહેલાં સુભદ્રાબેનને તેની પ્રકૃતિ અનુસાર સમજાવીને લેબ પર લઇ આવ્યાં. સુભદ્રાબેન સાથે બન્ને ભાઈ, ત્રણેય જણાએ ટેસ્ટ કરાવ્યાં.
મોડી સાંજે...જેનો ભય હતો એ નગ્ન અને કડવા સત્ય જેવો મેસેજ આવતાં મૌલિક અને મનનના ધીરજનો બાંધ તૂટી પડ્યો. સુભદ્રાબેન કોરોના પોઝીટીવ ડિટેકટ થયાં.
મૌલિકે તેની કોઠાસૂઝથી પૂર્વ માનસિક કવાયત કરી જ લીધી હતી. ચાર-છ કલાકની જહેમત બાદ સુભદ્રાબેનને પણ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરાયા.
હોસ્પિટલના અંદરના કમકમાટી ભર્યા દ્રશ્યો જોઇ, દાસજીની કલ્પના કરતાં સુભદ્રાબેનનો અંતરઆત્મા ખળભળી ઉઠ્યો.
સુકલકડી શરીરનો બાંધો, ઉપરાંત કોરોના સંક્રમિત સુભદ્રાબેન ખુદની પારાવાર પીડામાં પણ અવિરત દાસજીનું સ્મરણ કરતાં રહ્યાં..
અંતાવ્સ્થા એટલી વિકટ હતી કે, કોરોના મહામારીની આંતરિક અસર કરતાં મમ્મી-પપ્પાને પરસ્પરનો વિયોગયોગ વિષથી પણ વિશેષ ઘાતક સાબિત ન થાય એવો ભયંકર ભયનો ભરડો સતત મૌલિક અને મનનને ભીંસી રહ્યો હતો.
-વધુ આવતાં અંકે