લવ રિવેન્જ-2 Spin Off - Chapter 18 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 18

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-18



ત્રીજા નોરતે....! (સગાઈના દિવસે) વહેલી સવારે....

“તું મેહતાં ડેરીવાળાંને પૂછીલે કે મોહનથાળ કેટલાં વાગે મોકલાવે છે..!?” કરણસિંઘ સિદ્ધાર્થને ઇન્સટ્રકશન આપી રહ્યાં હતાં “અને દૂધીનો હલવો પણ કીધો છે...!”

“હાં...! હું....વાત કરી લવ છું...!” સિદ્ધાર્થ બોલ્યો.

ડ્રૉઇંગરૂમમાં સોફાં પાસે ઊભાં રહીને કરણસિંઘ ઘરમાં સગાઈના ફંક્શનની તૈયારીઓ મેનેજ કરી રહ્યાં હતાં.

“અને આ લાટ સાહેબને જગાડો હવે..!” કરણસિંઘ સોફામાં સૂતેલાં આરવને જોઈને ચિડાયેલાં સ્વરમાં બોલ્યાં.

“અમ્મ...! પપ્પા એ હમણાંજ અમદાવાદથી ડ્રાઇવ કરીને આયો છે...!” સિદ્ધાર્થ બોલ્યો “બે-ત્રણ કલ્લાક ઊંઘી લેવાંદો એને...! એમ પણ મે’માન તો હજી બપોરે આવાનાં છેને...! હજીતો સાતજ વાગ્યા છે...!”

વહેલી સવારે અમદાવાદથી આવી પહોંચેલો આરવ થાકીને સોફાંમાંજ સૂઈ ગયો હતો.

“હાં...સા..!”

“ટ્રીન...ટ્રીન...ટ્રીન...!”કરણસિંઘ બોલવાજ જતાં હતાં ત્યાંજ સિદ્ધાર્થના મોબાઈલમાં રિંગ વાગી.

મોબાઈલ હાથમાં લઈને સિદ્ધાર્થે નંબર જોયો.

“અજાણ્યો નંબર છે...!” કરણસિંઘ સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

કૉલ કરનારનો નંબર સિદ્ધાર્થના કૉન્ટૅક્ટ લિસ્ટમાં સેવ નહોતો કરેલો.

“મહેતાંવાળો હશે...!” કરણસિંઘ બોલ્યાં.

“હેલ્લો...!” સિદ્ધાર્થ કૉલ રિસીવ કરીને બોલ્યો.

“હેલ્લો …! સિદ્ધાર્થ બોલે...!?”સામેથી એક મધુર સ્ત્રી સ્વર સંભળાયો.

“અમ્મ...! હં...હાં....! કોણ...!?” સિદ્ધાર્થે નવાઈ પામીને પૂછ્યું અને કરણસિંઘ સામે જોઈ રહ્યો.

“સંભવી બોલું...!” સામેથી જવાબ આવ્યો.

“ઓહ...! તમે...!?” સિદ્ધાર્થ બોલ્યો “શું હતું બોલો...!?”

“હી...હી....તમે એટ્લે...!?” સામે છેડેથી સંભવી હસી પડીને બોલી “તારી ફિયાન્સને તું તમે કઈને બોલાઈશ..!?”

“અમ્મ...! હજી આપડી સગાઈ થઈ નથી....!” સિદ્ધાર્થ શક્ય એટલું ધીમેથી બોલ્યો જેથી કરણસિંઘને સંભળાય નહીં.

“હાં યાર...! યાદ છે મને...!” સંભવી જાણે સિદ્ધાર્થની જૂની ફ્રેન્ડ હોય એમ બોલી “આજે બપોરે છે...! બટ આઈ વોન્ટ ટુ મીટ યુ....! લાઈક...! રાઈટ નાવ...!”

“what….!? અત્યારે...!?” સિદ્ધાર્થ ચોંકીને બોલ્યો.

“સંભવી છે...!?” સામે ઉભેલાં કરણસિંઘે અંદાજો લગાવીને પૂછ્યું.

સિદ્ધાર્થે છોભીલાં ચેહરે મોબાઈલ કાને ધરી રાખીને હકારમાં માથું ધૂણાવ્યું.

“મલવાનું કે’ છે...!?” કરણસિંઘે પૂછ્યું.

સિદ્ધાર્થે ફરીવાર એજરીતે માથું ધૂણાવ્યું.

“તો જતો આય...!” કરણસિંઘ આદેશ આપતાં હોય બોલ્યાં “હું ભૂલી ગ્યો’તો તને કે’વાનું...! એણે સગાઈ પે’લ્લાં એકવાર તારી જોડે રૂબરૂ મલવાની ડિમાન્ડ કરી છે..! અને આવતી વખતે મેહતાવાળાંને ત્યાં પણ જતોજ આવજે...!”

આદત મુજબ પોતાની વાત આદેશાતમક સ્વરમાં કહીને કરણસિંઘ કિચન તરફ ચાલતાં થયાં. કાને મોબાઈલ માંડી રાખીને સિદ્ધાર્થ નવાઈપૂર્વક તેમને જતાં જોઈ રહ્યો અને વિચારી રહ્યો કે મોટેભાગે ટ્રેડિશનલ વિચારધારા ધરાવતાં કરણસિંઘ સગાઈની જસ્ટ પહેલાં આવી મુલાકાત માટે કેમના તૈયાર થયાં. એમાંય સિદ્ધાર્થને તો માત્ર ઔપચારિકતા ખાતર સંભવી જોડે સગાઈનું તેણીનો ફોટો વગેરે બતાવીને કહેવામા આવ્યું હતું. સિદ્ધાર્થે “હાં” કહી દીધીછે એવું માનીને આખું ફંક્શન પણ ગોઠવી દેવાંમાં આવ્યું હતું.

“હેલ્લો...!? સિદ્ધાર્થ...!?” સામેથી સંભવીનો અવાજ આવ્યો.

“હં....હાં....!” સિદ્ધાર્થ જાણે વિચારોમાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો.

“સીસીડી મળીએ...!? અડધો કલ્લાકમાં...!?” સંભવીએ પૂછ્યું.

“હાં...અ....હાં...સીસીડી મળીએ..!” સિદ્ધાર્થ પરાણે બોલ્યો “હું પોં’ચું છું...!”

એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાનાં જીન્સના પોકેટમાં સરકાવ્યો. થોડીવાર સુધી ત્યાંજ ઊભાં રહી સિદ્ધાર્થ વિચારતો રહ્યો. છેવટે એક ઊંડો નિ:શ્વાસ નાંખી સિદ્ધાર્થ સીસીડીમાં જવાં ચાલતો થયો.

***

થોડાં દિવસ પહેલાં...

“હેલ્લો....! સુરેશભાઈ....! વિજય બોલું...!” નેહાના પપ્પા વિજયસિંઘ સુરેશસિંઘ સાથે ફોન વાત કરી રહ્યાં હતાં.

“હાં...વિજય...બોલ...!” સામેથી સુરેશસિંઘે પૂછ્યું.

“મને મારી નેહા માટે છોકરો મલી ગ્યો છે....!” બાલ્કનીમાં નેહાની જોડે ઉભેલાં સિદ્ધાર્થ તરફ જોઈને વિજયસિંઘ મલકાઈને બોલ્યા.

વાતોમાં પરોવાયેલાં નેહા-સિદ્ધાર્થનું જોકે નીચે ઓટલાં ઉપર ઉભેલાં વિજયસિંઘ તરફ ધ્યાન નહોતું.

“હવે તમે કો’….ત્યારે આપડે સગાઈનું ગોઠવી દઈએ...!” વિજયસિંઘ એજરીતે મલકાઈને બાલ્કનીમાં ઊભાં રહીને વાતો કરી રહેલાં સિદ્ધાર્થ અને નેહા સામે જોઈને બોલ્યાં પછી મનમાં બબડયાં “કેટલાં સરસ લાગેછે બેય...!”

“આ તો ખૂબ સરસ વાત કે’વાય...!” સુરેશસિંઘ બોલ્યાં “મને પણ આરવ માટે છોકરી મલી ગઈ છે...!”

“ઓહો...! વાહ... વાહ..!” વિજયસિંઘ પણ ખુશ થઈને બોલ્યાં “તો એક કામ કરીએ...! જમીને હું મલું તમને...! તમારાં ઘેર...! પછી બધું નક્કી કરીએ...!”

“એક કામ કર વીજય...!” સુરેશસિંઘ બોલ્યાં “હું અમદાવાદ આવું...! એટ્લે મલીએ...! અત્યારે બરોડાં છું...!”

“ક્યારે આવો છો તમે...!?” વિજયસિંઘે પૂછ્યું.

“પે’લ્લાં નોરતે રાખ..! હું પે’લ્લાં નોરતે મલું તને...! સાંજે..!”

“પણ સાંજે તમારે કોલેજમાં ગરબાનું ઓપનિંગ નથી...!?” વિજયસિઘે પૂછ્યું.

“હાં પણ ઓપનિંગ પછી મારી ત્યાં શું જરૂર હોય...!?” સુરેશસિંઘ બોલ્યાં “યુવાનિયાઓ ગરબા ગાય...! આપડે તો જ્યાં સુધી જોવું હોય ત્યાં સુધી જોવાનું...! પછી ઘેર વળી...!”

“હમ્મ...! તો રૂબરૂજ વાત કરશું...!?” વિજયસિંઘે પૂછ્યું “હું નેહાને કઈશ...! કે એ દિવસે ગરબામાં ના જાય..!”

“અરે છોને જતી...!” સુરેશસિંઘ બોલ્યાં “કોલેજથી આવતી વખતે હું નેહાને લેતો આઈશ...! તું ખાલી નેહાને કઈ દેજે...!”

“તો પછી જમવાનું અહિયાંજ રાખજો...!” વિજયસિંઘ આગ્રહપૂર્વક બોલ્યાં “મારાં ઘરે...!”

“અરે ના ના વિજય...! નોરતાંમાં મારે ઉપવાસ હોય...!” સુરેશસિંઘ બોલ્યાં.

“ઓહ...! તો..!?”

“તું એક કામ કર...!” સુરેશસિંઘ વચ્ચે બોલ્યાં “તુંય ગરબા જોવાં આય..! પછી ત્યાંથી આપડે નેહાને લઈને મારાં ત્યાં જમવાનું રાખીએ...!”

“પણ નેહા તો એનાં ફ્રેન્ડ્સ જોડે જવાનું કે’તી ‘તી...!” વિજયસિંઘ બોલ્યાં.

“હાં તો જવાંદેને...!” સુરેશસિંઘ બોલ્યાં “છેવટે તો કોલેજમાંજ આવાનીને...! ગરબા માટે..!”

“પણ એ લોકોતો ગરબા લેટ સુધી ગાશેને..!?”

“અરે પે’લ્લું નોરતું છે...! કઈં લેટ નઈ ગાવાનાં...! અને મોડું થાય તો છોને થતું...! એક દિવસ લેટ જમશું...! એમપણ હું ત્યાં આરતી કર્યા વગર જમવાનો નથી...!”

“ભલે...!” વિજયસિંઘ બોલ્યાં “જેમ તમે કો’ એમ..!”

બાલ્કનીમાં ઉભેલાં નેહા અને સિદ્ધાર્થને વિજયસિંઘ ખુશીથી મલકાઈને જોઈ રહ્યાં.

***

પહેલાં નોરતે....!

“અરે અંકલ...કઢી તો લો...!” નેહાએ આગ્રહપૂર્વક સુરેશસિંઘને કહ્યું.

પહેલાં નોરતે ગરબા પછી નેહા તેનાં પપ્પા વિજયસિંઘ સાથે સુરેશસિંઘના ઘરે આવ્યાં હતાં. કોલેજથી સીધાં સુરેશસિંઘનાં ઘરેજ જમવાનું અગાઉથી નક્કી કર્યું હતું. સુરેશસિંઘનાં ઘરે આવતાંવેંતજ નેહા કિચનમાં સરગુનબેનની હેલ્પ કરવાં લાગી ગઈ હતી.

“અરે બસ બસ બેટાં...! હવે મારું પૂરું થઈ ગ્યું..!” જમવાની થાળી ઉપર હથેળી ધરીને સુરેશસિંઘ સસ્મિત બોલ્યાં પછી વિજયસિંઘ સામે જોયું “તું વિજયને આપ…!”

વિજયસિંઘે સ્મિત કરીને નેહા સામે નકારમાં માથું ધૂણાવ્યું.

નેહા સ્મિત કરીને કિચન તરફ જવાં લાગી.

“તમે આરવનું કે’તાં’તાં...!” ડાઈનિંગ ટેબલની ચેયરમાં સુરેશસિંઘ જોડે બેઠેલાં વિજયસિંઘ બોલ્યાં.

આરવનું નામ સાંભળીને નેહાનાં કાન સરવા થયાં અને તે કિચનનાં દરવાજામાં ઊભી રહી.

“તું નેહાનું શું કે’તો ‘તો..!” સુરેશસિંઘે સામે પૂછ્યું “પે’લ્લાં...તું કે’…!”

“અમ્મ..! એ તો હું નેહા અને સિદ્ધાર્થનું કે’તો’તો....!” વિજયસિંઘ બોલ્યાં “મારે કરણભાઈ જોડે વાત થઈ’તી...! એ સિદ્ધાર્થ માટે સગું ગોતતા ‘તાંને....!?”

“મારી અને સિદ્ધાર્થની સગાઈ...!?” નેહા ચોંકી ગઈ અને આંખો મોટી કરીને વિજયસિંઘ અને કરણસિંઘને વાત કરતાં સાંભળી રહી “હે ભગવાન....!”

“પણ સિદ્ધાર્થનું તો ઓલરેડી નક્કી થઈ ગ્યું છે...!” સુરેશસિંઘ બોલ્યાં.

“ઓહ..! કોની જોડે...!?” વિજયસિંઘને આશ્ચર્ય થયું.

“હાશ...!” દરવાજે ઊભેલી નેહાએ હાશકારો અનુભવ્યો અને મનમાં બબડી“પણ સિડે તો મને કશું કીધુંજ નઈ...!?”

“સંભવી જોડે...!” સુરેશ બોલ્યાં “આપડા ક્ષત્રિય મંડળના પ્રમુખ છેને....! ધનુષસિંહ એમની છોકરી જોડે..!”

“ઓહો...! મારી કરણભાઉ જોડે વાત થઈ...! ત્યારે તેઓ સગું શોધતાં ‘તા...!” વિજયસિંઘ નિરાશ સ્વરમાં બોલ્યાં “અને સિદ્ધાર્થ તો કશું ના કીધું અમને..!”

“હજી સિદ્ધાર્થને ખબર નથી...!” સુરેશબોલ્યાં અને નેહા અને વિજયસિંઘ બેય ચોંકી ગયાં.

“આરવ અને સિદ્ધાર્થની સગાઈ જોડેજ કરવાની છે..!” સુરેશસિંઘ આગળ બોલ્યાં “સંભવી જોડે સિદ્ધાર્થનું નક્કી થયું છે...! પણ હજી બેય મળે અને ફાઈનલ કરે એ પછી સગાઈની વાત ચાલશે..!”

“અચ્છા..!”

“આમતો બધું ફિક્સ જ છે..!” સુરેશસિંઘ બોલ્યાં “કરણભાઉ તરફથી તો હાં જ છે...! અને ધનુષસિંહની પણ....! ખાલી સંભવીને સગાઈ પહેલાં સિદ્ધાર્થ જોડે એકવાર મળવું છે..! ફોર્મલિટી પૂરતું...! બાકી બધું પાકકુંજ છે..!”

“બિચારો સિડ...!” નેહાને સિદ્ધાર્થ ઉપર દયા આવી ગઈ.

“તો સિદ્ધાર્થને પૂછ્યા વગર કરણસિંઘે હાં પાડી દીધી...!?” વિજયસિંઘને નવાઈ લાગી.

“એમાં પૂછવાનું શું હોય..!?” સુરેશસિંઘ ભવાં સંકોચીને બોલ્યાં “માં-બાપ પોતાનાં છોકરાઓ માટે ખોટું થોડી ગોતે...!?”

“હાં પણ...!”

“તું એ બધું છોડ..!” સુરેશસિંઘ વચ્ચે બોલ્યાં “તું મને એમ કે’…! કે નેહા માટે આરવ કે’વો રે’શે...!?”

“એટ્લે તમે..!?”

“હાં...! નેહા અને આરવની સગાઈની વાત કરું છું...!” સુરેશસિંઘ શાંતિથી બોલ્યાં “મેં જ નેહાનું આરવ સાથે કરવાં માટે કરણભાઉને વાત કરી દીધી ‘તી...! ઝીલનાં મેરેજ વખતે...!”

“ઓહ...!” વિજયસિંઘને નવાઈ લાગી.

દરવાજે ઊભેલી નેહા મલકાઈ ઉઠી.

“રાગુને તો નેહા ત્યારેજ ગમી ગઈ ‘તી...! જ્યારે મેં એને ત્યાં બતાઈ ‘તી” સુરેશસિંઘ બોલ્યાં “એમાંય નેહા બઉ સમજુ છોકરી છે..! ત્યાં આવી હતી...! ત્યારે પણ રાગુની કેટલી મદદ કરતી ‘તી...!”

નેહાનાં વખાણ સાંભળીને વિજયસિંઘ મલકાઈ રહ્યાં.

“એક મિનિટ પણ ઝપીને બેસતી ન’….!” સુરેશસિંઘ બોલ્યાં “કરણભાઉને પણ નેહા આરવ માટે ગમી ગઈ’તી...! પણ સિદ્ધાર્થની વાત સંભવી જોડે ચાલતી’તી...! એટ્લે મેં તમને ન’તું કીધું...!”

વિજયસિંઘ મૌન થઈને સાંભળી રહ્યાં.

“તો બોલ..!” સુરેશસિંઘ બોલ્યાં “ગોઠવી દેવું છે...!? આરવ અને નેહાનું..!?”

“પ..પણ મારે નેહાને પૂછવું પડે...!” વિજયસિંઘ બોલ્યાં.

“એમાં એને શું પૂછવાનું...!?” સુરેશસિંઘ મોઢું બગાડીને બોલ્યાં.

“આરવ એને ગમે છે કે નઈ..! એ તો મારે એને પૂછવું પડેને..!?”

“તો તું એનું સિદ્ધાર્થ જોડે નક્કી કરવાનું હતું...! એ એને પૂછીને કરતો ‘તો...!? એમ..!?” સુરેશસિંઘે સામે સવાલ કર્યો.

વિજયસિંઘ મૌન થઈને વિચારી રહ્યાં.

“અરે વિજય...! બેય જોડેજ ભણે છે મારી કોલેજમાં...!” સુરેશસિંઘ બોલ્યાં.

“તો પણ હું એકવાર..!”



“પપ્પા...!” ત્યાંજ દરવાજે ઊભેલી નેહા ધીરેથી ગભરાઈને બોલી.

સુરેશસિંઘ અને વિજયસિંઘે તેણી તરફ જોયું.

“મને આરવ ગમે છે...!” મલકાઈને નેહા એટલું બોલી અને શરમાઈને દોડીને કિચનમાં ભાગી ગઈ.

***

“પણ ત્રીજા નોરતે બધું કેમનું થઈ જશે...!?” વિજયસિંઘે ચિંતાતુર સ્વરમાં કહ્યું “સગાઈની બધી તૈયારીઓ..!? નેહાના કપડાં વગેરે..!?”

ફોન ઉપર કરણસિંઘ વિજયસિંઘ સાથે આરવ અને નેહાની સગાઈ વિષે વાત કરી રહ્યાં હતાં. જમ્યા પછી ડ્રૉઇંગરૂમના સોફામાં બેસીને સુરેશસિંઘે વિજયસિંઘને ત્રીજા નોરતે સિદ્ધાર્થ-સંભવીની સાથે આરવ-નેહાની સગાઈ ગોઠવી દેવા વિષે સુરેશસિંઘએ વિજયસિંઘને પૂછ્યું હતું. નેહા હજીપણ કિચનમાં બાકીનું કામ પતાવામાં સરગુનબેનની મદદ કરી રહી હતી.

“અરે એમાં શું તૈયારીઓ..!? ફંક્શન મારાં ઘરેજ છેને..!?” કરણસિંઘ બોલ્યાં “બધી તૈયારીઓ અહિયાં મારે કરવાની છે..! તારે તો તારાં નજીકના મે’માનોને કે’વાડાવાનું છે..! અને રઈ વાત કપડાંની...! તો હજીતો કાલનો આખો દિવસ પડ્યો છે..!”

“હમ્મ...!” વિજયસિંઘ ચિંતાતુર ચેહરે વિચારી રહ્યાં.

“જો વિજય..! સંભવીને નવરાત્રિ પછી એક્ઝામ ચાલુ થાય છે..!” કરણસિંઘ બોલ્યાં “અને નેહા, સિદ્ધાર્થ અને આરવને બધાને પણ...! પછી એક્ઝામ પાટે ત્યાં સુધી રાહ જોવાની થાય...! એટ્લે સગાઈનું નોરતાંમાં પતી જાય તો સારું....!”

“હાં...! એ વાત તો ખરી...! પછી તો વાત છેક દિવાળીએ જશે..!” વિજયસિંઘે સૂર પુરાવ્યો અને સોફામાં સામે બેઠેલાં સુરેશસિંઘ સામે જોયું “પણ ઉતાવળ નઈ થઈ જાય..!?”

“અરે એવું કઈં નઈ થાય વિજય..! તને ભરોસો નથી મારી ઉપર...!?”

“અરે એવું કઈં નઈ કરણભાઉ..!”

“તો પછી...!” કરણસિંઘ બોલ્યાં “તું ખાલી નેહાને જોડે લઈને આવને વિજય...! ત્રીજા નોરતે સુરેશ ‘ને બધાં ભેગાં થઈશું...! અને પછી સગાઈનું પતાઈને બાકીના નોરતાં તમે બરોડાં સેલિબ્રેટ કરજો..!

...આઠમના દિવસે અમારાં ગામડે પણ બધાંને મલી લેવાશે...!” કરણસિંઘ આગળ બોલ્યાં “એ બા’ને તમે અને નેહા પણ અમારું ગામ જોઈ લેશે..! અને બા વગેરેને પણ મલાઈ જશે...! પછી વિથ ફેમિલી જઈએ બધાં પાવાગઢ...ચોટીલા...! તમારાં કુળદેવીના દર્શન થઈ જાય અને અમારાં પણ...! બોલ શું કે’વું..!?”

“હમ્મ...! એટ્લે આખી નવરાત્રિ ત્યાંજ ઉજવી લઈએ એમને...!?” વિજયસિંઘ સ્મિત કરીને બોલ્યાં અને પાછું સુરેશસિંઘ સામે જોયું. પ્રતીભાવમાં તે પણ મલકાયાં.

“અરે વિજય...! તમે દર વર્ષે અમદાવાદ નવરાત્રિ સેલિબ્રેટ કરોજ છોને...!” કરણસિંઘ દલીલ કરતાં હોય એમ બોલ્યાં “અને એમાંય...તારે આઠમ ઉપર બરોડાં તો આવાનુંજ છેને...! કુળદેવીને નૈવેધ ધરાવાં...!”

“હાં...! એ તો ખરું...! સારું..તો...!” વિજયસિંઘ સહમત થતાં બોલ્યાં “તમે કો’ એમ રાખીએ..! સગાઈ પછી...! તમારાં ગામ...! મારે પણ જે ઓલું જમીનનું કામ હતું...! એ પણ થઈ જશે...!”

“સરસ...! તારે એકજ ધક્કે એ પણ પતશે...!” કરણસિંઘ સ્મિત કરીને બોલ્યાં “હું સુરેશને કહીને બધું નક્કી કરું છું....! હમ્મ...!”

“હાં...હાં....! સારું...!” વિજયસિંઘ બોલ્યાં અને વાત પતાવીને કૉલ કટ કર્યો.

“અંકલ...! તમે શરબત કે એવું કઈં પિશો..!?” ત્યાંજ કિચનમાંથી ડ્રૉઇંગરૂમમાં આવીને નેહાએ સ્મિત કરીને સોફાંમાં બેઠેલાં વિજયસિંઘ અને સુરેશસિંઘને પૂછ્યું.

“બેટાં મારે તો ઉપવાસ છે..! પણ તું વિજય માટે બનાય...!” સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં.

“અરે ના ના..! મારે તો જમ્યા ઉપર કશું ના જોઈએ..!” વિજયસિંઘ પણ સ્મિત કરીને બોલ્યાં પછી પૂછ્યું “આરવ હજી નઈ આયો..!?”

“એ તો ગ્રૂપના બધાં ફ્રેન્ડ્સનો ગરબા પછી નાસ્તો કરવાનો પ્રોગ્રામ હતો..!” દીવાલ ઉપર લાગેલી વૉલ ક્લોક સામે એક નજર મારી નેહા બોલી “એટ્લે હજી એમની જોડે હશે...!”

“ઓહ..! તો એને ક્યારે આ ન્યૂઝ આપવાનાં છે..!?” વિજયસિંઘ મલકાઈને બોલ્યાં “સગાઈનું એને પણ પૂછીજ લઈએને.!?”

“અરે જો જો..!” સુરેશસિંઘ તરતજ સોફામાં સીધાં થઈને બોલ્યાં “એને કશું નાં કે’તાં...!”

“કેમ...!?” વિજયસિંઘને આશ્ચર્ય થયું અને તેમણે નેહા સામે જોઈને પાછું સુરેશસિંઘ સામે જોયું.

“અરે તને શું કે’વું વિજય..!” સુરેશસિંઘ ની:શ્વાસ નાંખતાં હોય એમ માથું ધૂણાવીને બોલ્યાં “અગાઉ પણ આરવની સગાઈ નક્કી કરવાની હતી...!”

“ઓહ...!” વિજયસિંઘને હળવો આંચકો લાગ્યો.

નેહાને પણ એવુંજ ફીલ થયું.

“પણ આ છોકરો છેલ્લી ઘડીએ ભાગીને અહિયાં અમદાવાદ આવતો’ર્યો...!” સુરેશસિંઘ બધી વાત કહેવાં લાગ્યાં.

***

“આ છોકરાંએ તો ભારે કરી..!” સુરેશસિંઘની વાત સાંભળીને વિજયસિંઘ ચિંતાતુર નજરે બોલ્યાં અને સામે ઊભેલી નેહા સામે જોયું.

નેહાનાં ચેહરા ઉપર પણ ચિંતાનાં ભાવ હતાં.

“પણ સુરેશભાઈ..! અ...આરવે ફરીવાર એવું કર્યું...તો..!?”

“વિજય...! તું ચિંતા નાં કર..! હું બેઠો છુંને..!?” સુરેશસિંઘ સાંત્વના આપતાં હોય એમ બોલ્યાં.

“ચિતા તો થાયજને...! આજકાલનાં છોકરાંઓનું કશું કે’વાય નઈ...!” વિજયસિંઘ બોલ્યાં “એટ્લેજ કવ છું …! આરવને પૂછીજ લો...!”

“તું એ બધી ચિંતા મારી ઉપર છોડ વિજય..! એવું કઈં નઈ થાય..!” સુરેશસિંઘ બોલ્યાં “એ આ વખતે એવું કઈં નઈ કરે...! સિદ્ધાર્થને સગાઈ કરતો જોશે..! એ પણ માનીજ જશે...! એ જોશે કે સિદ્ધાર્થ જેવો સીધો અને સમજું છોકરો જો સગાઈ માટે રાજી થતો હોય..! તો પછી એણે ના ના પાડવી જોઈએ..!”

“એટ્લેજ તો હું સિદ્ધાર્થ જોડે મારી નેહાનું કે’તો’તો..!” વિજયસિંઘ નિરાશામાં માથું ધૂણાવીને બોલ્યાં “સિદ્ધાર્થ મેચ્યોર છે...! અને આટલી નાની એજમાં પણ કરણસિંઘની બધી જવાબદારીઓ સંભાળે છે...! અને આરવ...! એને શું ખબર સિંગર બનવાનું ભૂત ક્યાંથી સવાર થયું છે...!?”

“પપ્પા એ બવ સરસ ગાય છે....!” નેહાથી બોલી જવાયું “આઈ મીન...!”

“અરે પણ બેટાં એનાં જેવાં કેટલાંય પડ્યાં છે...!” વિજયસિંઘ બોલ્યાં.

“હાં ...એ પણ છે...!” નેહા મનમાં બબડી.

“નેહા માટે સિદ્ધાર્થજ બરાબર હતો...!” વિજયસિંઘ આશાભરી નજરે સુરેશસિંઘ સામે જોઈને બોલ્યાં “આપડા સમાજમાં એનાં જેવાં છોકરાંઓતો બવ નસીબથી મલે છે...! કશું વ્યસન નઈ…! કોઈ બીજી ફાલતું મગજમારી નઈ...! ઘરનાં મોટાંનું કીધું કરવાનું..! બધી જવાબદારીઓ નિભાવાની...! કોઈ ફાલતું છોકરીઓનાં લફડામાં નઈ પડવાનું...! દેખાવામાં પણ ગમે એવો..! આટલાં મોટાં ઘરનો હોવાં છતાં એકદમ ડાઉન ટુ અર્થ...! આટલું બધુ એક છોકરામાં ક્યાંથી મલે સુરેશભાઈ..!”

“વિજય...! કરણસિંઘે ધનુષસિંઘને હાં પાડી દીધી છે...!” સુરેશસિંઘ શાંતિથી બોલ્યાં “અને આપડામાં એકવાર હાં પડે...! પછી કોઈ ઠોસ કારણ વગર નાં નઈ પડતી...! વચન એ વચન...! એમાંય કરણભાઉ તો આ ટ્રેડિશનમાં હજીપણ એટલોજ વિશ્વાસ ધરાવે છે..!”

કોફી ટેબલ ઉપર પડેલાં છાપાં સામે વિજયસિંઘ હતાશ નજરે અને શૂન્યમનસ્ક જોઈ રહ્યાં. નેહા પણ પોતાનાં પિતા સામે દયામણું મોઢું કરીને જોઈ રહી.

“તું કાલે ફ્રી જ રે’જે...!” થોડીવાર પછી સુરેશસિંઘ બોલ્યાં “નેહા માટે અને બધાં માટે કપડાંની શોપિંગ માટે જોડે જઈશું...!”

વિજયસિંઘ પરાણે સ્મિત કરીને શૂન્યમનસ્ક જોઈ રહ્યાં.

***

છેવટે બધુ નક્કી થઈ ગયાં પછી નેહા અને વિજયસિંઘ મોડી રાત્રે ઘરે આવ્યાં. ફાઈનલી નેહાની સગાઈ આરવ જોડેજ ફિક્સ થઈ જતાં નેહાની ખુશી નો પાર ના રહ્યો. એનાં માટે તો “ભાવતું હતું...ને વૈદે કીધું...!” એવો ઘાટ થયો. આરવને પસંદ કરતી નેહા આરવ અને લાવણ્યાને સાથે જોઈને પરેશાન થઈ ગઈ હતી. “લાવણ્યા ફ્રેન્ડજ છે” એવું આરવે કીધાં પછી પણ નેહાનાં ખૂણે લાવણ્યાનો ડર સતાવતો રહેતો હતો.

હવે નેહા જોડે સગાઈ થયા પછી નેહાનાં મનમાંથી એ ડર નીકળી ગયો.

“સિડને ફોન કરું...સિડને ફોન કરું....!” પોતાનાં રૂમની બાલ્કનીમાં દોડાદોડ આવતાં ઉત્સાહથી થનગનતી નેહાએ પોતાનાં મોબાઈલમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં માંડ્યો.

“એક બવજ જોરદાર ન્યૂઝ આપું...!? તું એકદમ હેરાન થઈ જઈશ...! શૉક શૉક થઈ જઈશ...!” બહાર પડી રહેલાં વરસાદ સામે જોઈ રહીને નેહા બોલી.

સુરેશસિંઘનાં ઘરેથી તેઓ જસ્ટ ઘરે પહોંચ્યાજ હતાંને ત્યાંજ વરસાદ ચાલુ થઈ ગયો હતો.

“હવે મને કોઈ પણ વાતે શૉક નઈ લાગતો...!” સિદ્ધાર્થ વ્યંગ કરતો હોય એમ હળવું હસીને બોલ્યો.

“શરત લગાવી છે...!?બે-બે હજારની...!? જો તું શૉક થઈ ગ્યો...! તો એક ગુલાબી નોટ મારી...! અને ના થ્યો...! તો તારી....!”

બાલ્કનીમાં ઊભાં-ઊભાં નેહા સિદ્ધાર્થ સાથે વાત કરવાં લાગી. એ વાતથી તે અજાણ હતી કે તેની સોસાયટીનાં ગેટની સામેજ અંધારામાં કારમાં સિદ્ધાર્થ બેઠો હતો.

“ચલ...! હું મૂકું...!? હું થાકી ગઈ છું હમ્મ...!” સિદ્ધાર્થ સાથે વાત પૂરી કરીને નેહા બોલી “બાય...! ગૂડ નાઈટ...!”

“ગૂડ નાઈટ નેહા...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને કૉલ કટ કર્યો.

કૉલ કટ કરીને નેહા બાલ્કનીમાં ઊભાં પોતાની હથેળી વરસાદમાં પલાળી નાનાં બાળકની જેમ છાંટાં ઉડાડી રહી. ઉત્સાહથી થનગનતી નેહા કુદકા ભરતી રહી.

થોડીવાર સુધી એજરીતે વરસાદ જોડે રમત કર્યા બાદ છેવટે નેહા પોતાનાં રૂમમાં આવી.

“હવે તું મારો...!” પોતાનાં રૂમમાં આવીને નેહાએ બેડ ઉપર પડતું મૂક્યું અને પોતાનાં મોબાઈલમાં whatsappમાં આરવનો DP જોઈને મલકાઈ રહી “હવે ઓલી ચિબરીને તારી જોડે પણ નઈ ફરકવા દવ...! જોજે..!”

લાવણ્યાને યાદ કરીને નેહા ઘૃણાથી એકલાં-એકલાં બબડી. ક્યાંય સુધી નેહા whatsappમાં આરવનાં ફોટોને જોઈને મલકાતી રહી.

***

ત્રીજા નોરતે....! (સગાઈના દિવસે) વહેલી સવારે....

“અમ્મ....! સંભવી...!?” કેફે કોફી ડેમાં સંભવીને મળવા આવી પહોંચેલાં સિદ્ધાર્થે ગ્લાસની વિન્ડો જોડેની બેઠકમાં બેઠેલી એક અત્યંત ખૂબસૂરત છોકરીને પૂછ્યું.

સંભવીનો ફોટો સિદ્ધાર્થે જોયેલો હોવાથી સિદ્ધાર્થ તેણીને કોફીશોપમાં પ્રવેશતાંજ ઓળખી ગયો હતો. લાંબા છૂટાં એકદમ સીધાં વાળ, લંબગોળ ચેહરો, સીધું નાક, આઈલાઇનર લગાવેલી કાળી મારકણી આંખો. સંભવી અનહદ ખૂબસૂરત હતી. જોકે સિદ્ધાર્થે માત્ર એક અછડતી નજર તેણી ઉપર નાંખી અને સીધું તેણી સામેની ચેયરમાં બેસવાં લાગ્યો.

“તું લેટ આયો....!” સિદ્ધાર્થ હજીતો બેઠોજ હતો ત્યાંજ સંભવી પૂરાં ઘમંડથી પોતાની આઈબ્રો ઊંચી કરીને સહેજ તોછડાં સ્વરમાં બોલી.

બેસતાં-બેસતાં સિદ્ધાર્થે સંભવીનાં ચેહરા ઉપર એક નજર નાંખી અને તેણીનાં ચેહરા ઉપરનો એ ઘમંડ પારખી લીધો.

“I’m sorry….!” સહેજ મલકાઈને સિદ્ધાર્થ છેવટે શાંતિથી ચેયરની બેકરેસ્ટ ઉપર પીઠ ટેકવીને બેઠો અને બોલ્યો.

કેટલીક ક્ષણો સુધી સંભવીએ સિદ્ધાર્થ સામે જોયે રાખ્યું. સિદ્ધાર્થે પહેરેલાં ચાઈનીઝ ઈન્ડિગો બ્લ્યુ કલરનાં કૉલરવાળાં શર્ટનાં પહેલાં બે ખુલ્લાં બટનમાંથી તેની ચેસ્ટ લાઈન ઉપરથી ડોકાતી રુદ્રાક્ષની માળાં સામે સંભવીએ બે ક્ષણ જોયું પછી ટેબલ ઉપર ટેકવેલા તેનાં હાથ સામે જોયું. શર્ટની સ્લીવ વાળીને પહેરી હોવાથી સિદ્ધાર્થનાં ફોરઆર્મ્સ ઉપર અનેક નસો ઊપસેલી તેણીએ જોયી.

“જીમ જતો લાગે છે...!” સંભવી મનમાં બબડી.

પૂછવાની ઈચ્છા છતાં તેણીએ કશું નાં કહ્યું.

“તું વૉચ-બોચ પે’રતો નથીને..! એટ્લેજ કદાચ તને ટાઈમની કદર નથી...!” સિદ્ધાર્થના બંને હાથનાં ખાલી કાંડા જોઈને સંભવીએ જાણીજોઇને ટોંન્ટ માર્યો.

સિદ્ધાર્થે બે ઘડી સંભવી સામે જોયું. પોતાની સુંદરતા ઉપરનો ઘમંડ તેણીનાં ચેહરા ઉપર છલકાઈ આવતો હતો.

“હું થોડો કામમાં ફસાયો હતો...!” સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો.

રસ્તામાં આવતી વખતેજ સિદ્ધાર્થ કરણસિંઘે મહેતા ડેરીનો સોંપેલું કામ પતાવીનેજ આવ્યો હતો. આમ છતાંય, સિદ્ધાર્થ માત્ર પંદરેક મિનિટજ લેટ આવ્યો હતો.

“હું પણ કઈં ફ્રી નથી હોં...!” સંભવી ફરીવાર તોછડાં સ્વરમાં આઈબ્રો ઊંચી કરીને બોલી “હું પણ MBBS કરું છું...! અને મારે આજે પ્રેક્ટિકલ હતાં...! એ છોડીને હું આઈ છું...!”

“વેલ...! ઈન ધેટ કેસ...!” ટેબલ ઉપર પડેલાં મેન્યૂને હાથ લેતાં-લેતાં સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “તમારે મલવાનું બીજાં કોઈ ટાઈમે સેટ કરવું’તું...!”

સંભવીનાં ઘમંડી બિહેવિયરને ઈગનોર કરતો હોય એમ શાંત ચેહરે સિદ્ધાર્થ સીસીડીનાં મેન્યૂને જોઈ રહ્યો. પહેલાં ગુસ્સે થયેલી સંભવી થોડીવાર સિદ્ધાર્થનાં ક્લીન શેવ્ડ સપાટ ચેહરા સામે જોઈ રહ્યાં પછી મલકાઈ ઉઠી.

પોતાનાં કરતાં ઓછો દેખાવડો હોવાં છતાં સંભવીને સિદ્ધાર્થ આકર્ષક લાગ્યો. તેનાં ફોરઆર્મ્સ ઉપર દેખાતી નસોને સંભવી પ્રશંસાની નજરે જોઈ રહી.

“સર...! શું ઓર્ડર છે...!?” ત્યાંજ સીસીડીનો યુનિફોર્મ પહેરીને આવેલાં વેટરે પૂછ્યું.

“હોટ કૉફી...!” સિદ્ધાર્થે મેન્યૂ બંધ કરીને વેટર સામે જોયું “અને મેડમને જે જોઈએ એ..!”

“હોટ કૉફી..!” સિદ્ધાર્થ સામે મલકાઈને જોઈ રહીને સંભવી બોલી.

“તો...! સ્ટડી કે જોબ...!?” વેટરનાં ગયાં પછી સંભવીએ પૂછ્યું.

“સ્ટડી...! બિઝનેસ...! અને ખેતી..!” સિદ્ધાર્થ રિલેક્સ થઈને ચેયરમાં પીઠ ટેકવીને બોલ્યો.

“હમ્મ...! હોબીસ શું છે તારી..!?” સંભવીએ પૂછ્યું.

સંભવીનાં ચેહરા ઉપર છલકાતાં એવાંજ ઘમંડને સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો.

“મને ખબર હોત કે મારુ ઇન્ટરવ્યુ છે..!” સિદ્ધાર્થ એવાંજ શાંત સ્વરમાં સંભવી સામે જોઈ રહીને બોલ્યો “તો હું ફોર્મલ્સ પહેરીને આવત...! ટાઈ વગેરે...!”

“હાં...હાં...હાં....! નાઈસ હાં...! સેન્સ ઓફ હ્યુમર..!”

સિદ્ધાર્થ પણ પરાણે હસ્યો.

“મેડમ...! કોફી...!” સીસીડીનો વેટર આવીને કોફી સર્વ કરવાં લાગ્યો.

કૉફી સર્વ કરીને વેટર જતો રહ્યો.

“કો...ઈ.....! ગર્લફ્રેન્ડ...!?” કોફીનો કપ હાથમાં લઈને સિદ્ધાર્થ હોંઠે માંડે ત્યાંજ સંભવીએ પૂછ્યું.

“નોપ...!” કૉફી પીધાં વગરજ સિદ્ધાર્થે કપ પાછો ટેબલ ઉપર મૂક્યો.

“હમ્મ..! બટ આઈ હેવ એ બોયફ્રેંડ હાં....!” સંભવી પોતાની આંખો નચાવીને બોલી અને પોતાનાં કપને હાથમાં ઉઠાવીને કૉફી પીવા લાગી.

કૉફી પીતાં-પીતાં સંભવી મારકણી આંખે સિદ્ધાર્થ સામે મલકાઈને જોઈ રહી.

“મેરેજ પછી પણ બોયફ્રેન્ડ રાખવાનો છે કે પછી...!?” સિદ્ધાર્થે ઠંડા વેધક સ્વરમાં ટોંન્ટ માર્યો અને પોતાનાં કપમાંથી કૉફી પીધી.

“ડોન્ટ પુશ મી સિદ્ધાર્થ...! મેં હજી હાં નથી પાડી...!” સંભવી મલકાઈને બોલી. તેનો સ્વર ફરીવાર તોછડો થયો.

“Well than…you need to be quick….!” કપ પાછો ટેબલ ઉપર મૂકીને સિદ્ધાર્થ એવાજ શાંત સ્વરમાં બોલ્યો “આજે બપોરે તો સગાઈ છે આપડી...!”

સિદ્ધાર્થના ચેહરા ઉપરની એ ઠંડક સંભવીને પરેશાન કરી રહી હતી. કેમેય કરવાં છતાંય સિદ્ધાર્થ સહેજ પણ અકળાયો કે ગુસ્સો નહોતો થયો. જોકે સંભવીએ પણ પોતાનાં ચેહરા ઉપર કોઈજ ભાવ ના આવવાં દીધાં. ઊલટાનું સિદ્ધાર્થનાં એવાં “કોલ્ડ” પણ “સ્ટ્રોંગ” બિહેવિયરને એ મનોમન વખાણી રહી. કોફીશૉપમાં આવ્યાં પછી સંભવી લગભગ બધાજ જેંટ્સનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. કૉફીશૉપમાં એન્ટર થતી વખતે કૉફીશૉપમાં હાજર કેટલાંય જેંટ્સની નજર સંભવીનાં શરીર ઉપર ફરીવળી હતી. સંભવી પણ એ લોકોની નજરો પારખી ગઈ હતી. જોકે ઘમંડ ભર્યું સ્મિત કરીને સંભવીએ ગ્લાસની વિન્ડો પાસેનાં ટેબલની ચેયરમાં આવીને બેઠી હતી અને સિદ્ધાર્થની રાહ જોતી હતી. આવ્યાં પછી સિદ્ધાર્થે હજી માત્ર એક ઔપચારિક નજર સંભવી ઉપર નાંખી હતી. વખાણ કરવાં કે ફ્લર્ટ કરવાં જેવાં કોઈ શબ્દો હજી સિદ્ધાર્થે યુઝ પણ નહોતાં કર્યા. સંભવીની સુંદરતાંને સિદ્ધાર્થે નોટિસ તો કરી હતી પણ તે અન્ય લોકોની જેમ અંજાયો નહોતો એ વાત સંભવીને સમજાઈ પણ ગઈ હતી અને ગમી પણ હતી. આમ છતાં, સંભવીએ કોઈ પ્રકારનાં હાવભાવ પોતાનાં ચેહરા ઉપર આવવાં નહોતાં દીધાં.

“વેલ...! હું મારી જેમ એક એમબીબીએસ જોડેજ મેરેજ કરવાં માંગતી ‘તી...!” સંભવી બોલી “પણ યુ નો..! આપડામાં જબરજસ્તી કેવી થાય છે...! ખાસ કરીને ગર્લ્સ જોડે...!”

“યુ આર લકી...!” સિદ્ધાર્થ એવાંજ શાંત સ્વરમાં બોલ્યો અને કૉફી પીવા લાગ્યો “એટલિસ્ટ તું એમબીબીએસ સુધી તો પહોંચી...!”

ઝીલ યાદ આવી જતાં સિદ્ધાર્થની આંખ સહેજ ભીની થઈ. જોકે સિદ્ધાર્થ તરતજ પોતાની ફીલિંગ્સ ગળી ગયો.

“એગ્રી હાં...!” સંભવી સ્મિત કરીને બોલી અને તેણીએ પણ કૉફીનો શીપ ભર્યો “પપ્પાં તો 12thપછીજ મેરેજ કરાઈ દેવાનાં હતાં...! બટ મેં સ્ટ્રોંગલી ઓપોઝ કર્યો...! એટ્લે માન્યા..!”

“હમ્મ...! સો યુ આર આ સ્ટ્રોંગ ગર્લ...!” સિદ્ધાર્થ ઔપચારિકતા દર્શાવાં સ્મિત કરીને બોલ્યો.

“ઓબવિયસલી...! સ્ટ્રોંગ હોવ...! તો જ સર્વાઈવ કરી શકાયને...!” સંભવી બોલી.

સિદ્ધાર્થ અમસ્તુંજ માથું હલાવી રહ્યો. તેને હજી નહોતું સમજાતું કે સગાઈના જસ્ટ કેટલાંક કલ્લાકો પહેલાં સંભવીએ સિદ્ધાર્થને મળવા માટે કેમ બોલાવ્યો હતો. તેણીએ માત્ર ઔપચારિક મુલાકાત માટે તો સિદ્ધાર્થને નહોતો બોલાવ્યો એ નક્કી હતું. આ વાત સમજી ગયેલો સિદ્ધાર્થ સંભવીના ચેહરાને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“ફ્યુચરનું શું પ્લાન કર્યું છે...!?” થોડીવાર પછી સંભવીએ પૂછ્યું.

“બાર વાગ્યા પછીનું...!?” સિદ્ધાર્થે મજાકીયા સ્વરમાં કહ્યું.

“હાં....હાં....હાં...!” સંભવી હસી પડી.

કૉફી પીતાં-પીતાં બંને વાતો કરવાં લાગ્યાં.

***

“નેહા...! જલદી કર બેટાં...! મોડું થાય છે...!” બરોડા જવાં માટે તૈયાર થઈ રહેલી નેહાને વિજયસિંઘે બૂમ પાડીને કહ્યું.

“હાં..બસ...! થઈ ગયું...!” મીરરા સામે ઊભાં થઈને તૈયાર થઈ રહેલી નેહાએ બૂમ પાડીને કહ્યું “આઈ હોપ આરવને આ ચણિયાચોલી ગમે...!”

ડાર્ક મરૂન કલરની ચણિયાચોલીમાં તૈયાર થયેલી નેહા મિરરમાં પોતાને જોઈને બબડી.

થોડી વધુવાર સુધી મિરરમાં જોઈ બધુ બરાબર છેકે નઈ એ ચેક કર્યા બાદ નેહા છેવટે ડ્રૉઇંગરૂમમાં જવાં સીડીઓ ઉતરી ગઈ.

“આરવને મેસેજ કરું...!?” ડ્રૉઇંગરૂમમાં આવીને સોફાં પાસે ઊભાં રહેતાં નેહા બબડી પછી પોતાનો મોબાઈલ હાથમાં લઈને મંતરવા લાગી.

“અરે નેહા જલ્દી ચલ...! ઘરને લૉક મારવું છે...!” વિજયસિંઘ બોલ્યાં.

પોતાનો ફોન મંતરતાં-મંતરતાં નેહા ઘરની બહાર નીકળી.

“હેય...! ક્યાં છે...!?” નેહાએ whatsappમાં આરવને મેસેજ કર્યો.

જોકે આરવનું નેટ બંધ હોવાથી તેને મેસેજ પહોંચ્યો નઈ.

“અમ્મ...સિડને મેસેજ કરું..!” ગેટ આગળ ઊભેલી કારનો દરવાજો ખોલીને નેહા પાછલી સીટમાં બેઠી.

“અરે નાં...! એને તો સરપ્રાઈઝ આપવાની છે..!” જાતેજ માથું ધૂણાવીને નેહા બબડી પછી whatsapp બંધ કરી નેટ બંધ કર્યું અને પોતાનાં ઈયર ફોન કાનમાં ભરાવી મ્યુઝિક પ્લેયર ઓન કરવાં લાગી.

“તું નઝમ નઝમ સા મેરે...! હોંઠો પે ઠેહર જા...!” ગીતો સાંભળતા-સાંભળતા નેહાએ પોતાનું માથું કારની સીટ ઉપર ટેકવી દીધું.

“વ્રૂમ...વ્રૂમ...!” ઘર લૉક કરીને વિજયસિંઘ કારમાં બેઠાં અને કાર સ્ટાર્ટ કરીને સોસાયટીનાં ગેટમાંથી બહાર લેવાં માંડ્યાં.

નેહાની જોડેની સીટમાં બેઠેલાં તેણીના મમ્મી અને માસી સગાઈમાં જોડે લઈ જવાનાં સામાન વિષે ચર્ચા કરવાં લાગ્યાં. આગળની સીટમાં બેઠેલાં નેહાનાં કાકાં પણ વિજયસિંઘ જોડે વાતોએ વળગ્યાં.

આરવ સાથે થવાં જઈ રહેલી સગાઈની વાતથી નેહા એકસાઈટેડ હતી. સવારથીજ નેહાનું હ્રદય રોજ કરતાં વધું ઝડપે ધડકતું હોય એવું તેણીને લાગી રહ્યું હતું. ગીતો સાંભળી રહેલી નેહાનું હ્રદય જેમ જેમ બરોડા નજીક આવતું ગયું તેમ-તેમ વધુંને વધું જોરથી ધડકતું ગયું.

***

“યુ નો..તારે ખરેખર એક ગર્લફ્રેન્ડ બનાવી જોઈએ...!” સંભવી બોલી.

બંને કલ્લાકેથી કૉફીશૉપમાં વાતો કરી રહ્યાં હતાં. વાતો કરતાં-કરતાંનાં ન ઇચ્છવા છતાં સંભવીની નજર સિદ્ધાર્થની ગૌરવર્ણી ગરદન ઉપર લટકતી અને શર્ટમાંથી બહાર ડોકાઈ રહેલી રુદ્રાક્ષની માળાં ઉપર વારેઘડીએ જતી રહેતી હતી અને તે હળવું મલકાઈ ઉઠતી હતી.



“એટલો ટાઈમ નઈ મલતો...!” સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો.

સિદ્ધાર્થથી ઇમ્પ્રેસ થઈ હોવાં છતાં સંભવીએ પોતાનાં ચેહરા ઉપર એ ભાવો નહોતાં આવવાં દીધાં અને હજીપણ પોતાનું ઘમંડી બિહેવિયર ચાલુજ રાખ્યું હતું.

“તમારો શું પ્લાન છે ફ્યુચરનો...!?” સંભવીના તોછડાં બિહેવિયર કરતાં અલગ સિદ્ધાર્થે એકદમ શાલીન અને શાંત સ્વરમાં પૂછ્યું.

“તમારો...!?” સંભવીથી હળવું હસાઈ ગયું “આપડી સગાઈ થવાની છે...! તમારો-બમારો ના ચાલે...! “તું” જ કે’વું પડે...!”

“અમ્મ...! મને આદત નઈ એ રીતે વાત કરવાની...!” સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો.

“ઓહ પ્લીઝ હાં...!” સંભવીએ મોઢું બગાડીને પોતાની હથેળી આગળ કરીને બોલી “હું તો તને તુંજ કઈને બોલાઈશ..! અને યસ...! તારે પણ એજરીતે બોલાવવી પડશે....!”

“થોડો ટાઈમ લાગશે...!” સિદ્ધાર્થ બોલ્યો “આદત પડતાં...!”

“એમાં આદત શું પાડવાની....!?” સંભવી સહેજ ચિડાઈને સહેજ ઊંચા સ્વરમાં બોલી “હું તને આજે પે’લ્લીવાર મળી...! તોય તને સીધું તું બોલું છુંને...!”

સંભવીએ સહેજ ઊંચા સ્વરમાં વાત કરતાં સિદ્ધાર્થે પોતાની નજર આજુબાજુ ફેરવીને બીજાં ટેબલ ઉપર બેઠેલાં લોકો તરફ જોયું. કોઈનું ધ્યાન જોકે હજુ તેમની તરફ નહોતું.

“મારો ઉછેર આજરીતે થયો છે...!” સંભવી સામે જોઈને સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “હું મારી ઓફિસના પ્યૂનને પણ તમે કઈને બોલાવું છું...!”

“મને નઈ ફાવે આ રીતે...!” સંભવી ફરીવાર એજરીતે બોલી.

સિદ્ધાર્થે પોતાને હજીપણ શાંત જાળવી રહ્યો. ઉલટાનું સંભવીનાં એ ઘમંડી બિહેવિયરમાં રહેલો ઉચાટ તે પારખી ગયો. સંભવી જાણી જોઈને કોઈને કોઈ બહાને સિદ્ધાર્થ જોડે રૂડ બિહેવ કરી રહી હતી.

“કદાચ...! એ ઈચ્છે કે હું પણ એવું બિહેવ કરું ...!” સંભવીને વાંચવાનો પ્રયત્ન કરી રહેલો સિદ્ધાર્થ તેણી સામે જોઈ રહીને મનમાં બબડ્યો “કે પછી હું ગુસ્સે થાવ...! પણ કેમ....!?”

“લૂક...!” સંભવી ફરીવાર સિદ્ધાર્થ સામે હથેળી ધરીને બોલી “કદાચ તને હું રૂડ લાગતી હોઈશ...! પણ હું આવીજ છું...! અને હાં...!”

પોતાની હથેળી સિદ્ધાર્થ સામે ધરી રાખીને સંભવી એજરીતે બોલી રહી હતી.

“હું મારાં બોયફ્રેન્ડ જોડેની રિલેશનશીપ માટે સિરિયસ છું..! એ પણ મારી જોડે એમબીબીએસમાંજ ભણે છે...! અને કદાચ....! તને નઈ ગમે...! બટ હું એની જોડે ફિઝિકલ પણ થઈ ચૂકી છું...!”

સિદ્ધાર્થ શાંતિથી સંભવી સામે જોઈ રહ્યો. સંભવી પણ જાણે હવે છેલ્લું “બ્રહ્માસ્ત્ર” વાપરી ચૂકી હોય એમ સિદ્ધાર્થનાં એક્સપ્રેશન જોવાં વેટ કરી રહી અને તેની સામે જોઈ રહી.

“what do you want સંભવી....!?” એવાંજ શાંત સ્વરમાં સિદ્ધાર્થે છેવટે પૂછ્યું.

“I want કે તું સગાઈ માટે ના પાડી દે...!” સંભવી કોઈજાતનાં હાવભાવ કે સંકોચ વિના બોલી.

“બીકોઝ..! યુ આર નોટ માય ટાઈપ સિદ્ધાર્થ...!” સિદ્ધાર્થની ઇન્સલ્ટ કરતી હોય એવાં સ્વરમાં સંભવી બોલી.

“તો પછી તારે ના પાડવી જોઈને...!” સિદ્ધાર્થ વ્યંગમાં હળવું હસ્યો પછી બોલ્યો.

સિદ્ધાર્થ એવાં શાંત બિહેવિયરથી સંભવી અકળાઈ ઉઠી. એક ઊંડો શ્વાસ ભરીને તેણીએ પોતાનો ગુસ્સો ગળવાનો પ્રયત્ન કર્યો.

“જો પપ્પા આગળ મારું ચાલતું હોત...!” સંભવી શક્ય એટલાં શાંત સ્વરમાં બોલી “તો આપડી વાત અહીં સુધી પહોંચીજ નાં હોત...!”

“એટ્લેજ હું ઈચ્છું....કે તું ના પાડે...!” થોડું અટકીને સંભવી બોલી.

“આઈ થોટ યુ આર અ સ્ટ્રોંગ ગર્લ....!” સંભવીને તેનીજ વાત યાદ અપાવતો હોય એમ સિદ્ધાર્થ ટોંન્ટભર્યા સ્વરમાં બોલ્યો “આઈ મીન...! એટલિસ્ટ ના પાડી શકે એટલી સ્ટ્રોંગ તો તું છેજ....!”

“લૂક સિદ્ધાર્થ...!” સંભવીએ ફરીવાર પોતાનો સ્વર ઘમંડી કર્યો અને પોતાની હથેળી આગળ ધરી “મારાંથી નાં પડાય એવી હોત....! તો પાડી ચૂકી હોત...! એટ્લેજ તને કહું છું..! તું ના પાડીદે...!”

શાંત ચેહરે સિદ્ધાર્થ સંભવી સામે જોઈ રહ્યો. તેણીની આંખોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી. એ લાચારી જોઈને સિદ્ધાર્થને ઝીલ યાદ આવી ગઈ અને સંભવી ઉપર દયા પણ.

“I’m sorry સંભવી...!” સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો અને પોતાનાં જીન્સનાં ખીસ્સાંમાંથી પોતાનો વોલેટ કાઢવાં લાગ્યો “હું નાં નઈ પાડી શકું...!?”

પાંચસો રૂપિયાની એક નોટ અને ટીપ માટે એક સોની નોટ કોફીનાં કપ નીચે દબાવીને સિદ્ધાર્થ મૂકવા લાગ્યો.

“પણ કેમ...!?” સંભવી હવે રઘવાયાં સ્વરમાં બોલી “તું મને ઓળખતો પણ નથી...! અને આવીરીતે એક અજાણી છોકરી જોડે તું...તું....કેમનો મેરેજ કરવાં તૈયાર થયો...!”

“તારાં જોડે સગું નક્કી મારાં પપ્પાએ કર્યું છે..!” ચેયરમાંથી ઊભો થઈને સિદ્ધાર્થ બોલ્યો “આપડામાં એકવાર સગું કરવાનું વચન અપાઈ ગ્યું એટ્લે અપાઈ ગ્યું...! કોઈ મોટાં રીઝન સિવાય ના નાં પડે....!”

સંભવી પણ ઊભી થઈ.

“હું કોઈ બીજાં છોકરાં જોડે ફિઝિકલ થઈ ગઈ છું...!” સંભવ ચિડાઈને બોલી “એ રિઝન પૂરતું નથી ના પાડવાં માટે...!?”

“જો તારાંમાં કોઈ છોકરાં સાથે ફિઝિકલ થવાંની હિમ્મત હોય....! તો પછી તારાં પેરેન્ટ્સને પણ કે’વાની હિમ્મત હોવીજ જોઈએ...! તારે મને નઈ...! તારાં પપ્પાને તારાં બોયફ્રેન્ડ વિષે કે’વું જોઈએ...!”

“પણ તું મને કેવીરીતે એકસેપ્ટ કરી શકે...!?” સિદ્ધાર્થને ચિડાવા સંભવી જાણી જોઈને તોછડું બોલી “તું એ કેમનું એકસેપ્ટ કરી શકે...કે યોર ફ્યુચર વાઈફ ઈઝ સ્લીપિંગ વિથ સમવન એલ્સ..!?”

“યુ નો...! યુ શૂડ ડ્રોપ ધિસ એક્ટ....!” થોડીવાર સંભવી સામે જોઈ રહીને સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “તારો કોઈ બોયફ્રેન્ડ પણ નથી...! અને તું કોઇની જોડે ફિઝિકલ પણ નથી થઈ...!”

“ઓહ રિયલી...!?” સંભવીએ ટોંન્ટ માર્યો “તને કેમની ખબર...!?”

“તું ફિઝિકલ થઈ છું..એ વાત તું એક અજાણ્યાં છોકરાંને આટલી ઇઝીલી નાં કહી શકું...!” સિદ્ધાર્થ બોલ્યો અને આજુબાજુ નજર ફેરવીને પાછું સંભવી સામે જોયું “એમાંય આવાં પબ્લિક પ્લેસ ઉપર તો નઈજ...!”

સંભવીનું જૂઠ પકડાઈ ગયું હોય એમ તે સિદ્ધાર્થ નવાઈપૂર્વક જોઈ રહી.

“તે આ બધી વાતો બનાવી…કેમકે એ સાંભળીને હું ના પાડી દઉં...!”

“નાં...! હું બસ તને સાચું કઈ દેવાં ઇચ્છતી ‘તી...!” પોતાનું જૂઠ પકડાઈ જવાં છતાં સંભવીએ એ નાટક ચાલું રાખ્યું અને અદબવાળીને અદાથી પોતાનાં વાળ ઝાટકીને બોલી “જો તું હાં પાડે...તો સાચું જાણીને હાં પાડે...! અને ના પણ બધુંજ જાણીને પાડે...! એટ્લે..!”

“વેલ...! સાચું બોલવાવાળા લોકો મને પસંદ છે....!” હવે સંભવીને ચિડાવતો હોય એમ સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો “તો..! તે સાચું બોલ્યું...! એટ્લે મારી તો હાં છે...!”

“what…!?” સંભવીને નવાઈ લાગી પછી તે જવાં માટે પાછું ફરી રહેલાં સિદ્ધાર્થને ટોકીને ચિડાઈને બોલી “તો રાજા દશરથ (કરણસિંઘ) કે’શે તો કાલ ઉઠીને તું વનવાસ પણ જતો રઈશ...! એમ..!?”

સંભવી ચિડાઈને તોછડા સ્વરમાં મોટેથી બોલી પડી.

સંભવી સહેજ મોટેથી બોલતાં આજુબાજુનાં લોકોનું ધ્યાન હવે તેમની તરફ ગયું. સિદ્ધાર્થે તેમની ક્રોસમાં બેઠેલાં કપલ સામે જોયું. એ લોકો સિદ્ધાર્થ અને સંભવી સામે જોઈ રહ્યાં હતાં.

“મારાં પપ્પાએ ઓલરેડી હાં પાડી દીધી છે...!” સિદ્ધાર્થ શાંતિથી સંભવી સામે જોઈને બોલ્યો.

“તો...!?” સંભવી ખભાં ઉછાળીને બોલી.

“એમણે આપેલાં વચનને હું એમ નાં તોડી શકું...! કે તૂટવા પણ નાં દઈ શકું...!” સિદ્ધાર્થ હજીપણ શાંતિથી બોલી રહ્યો હતો “સમાજમાં એ વગોવાઈ જાય...!”

“એટ્લે એમનાં વચન માટે તું એ કોઈપણ અજાણી છોકરી જોડે મેરેજ કરવાં કે’શે...!” સંભવીને હવે નવાઈ લાગી હોય એમ બોલી “તો પણ તું કરી લઈશ એમ...!?”

સિદ્ધાર્થ સૂચક મૌન જાળવી રહ્યો. સંભવીને હવે વધુ નવાઈ લાગી.

“કયાં યુગમાં જીવો છે મિસ્ટર રામ....!” સંભવી હસીને ટોંન્ટમાં બોલી “આ સતયુગ નથી...!”

“આપડામાં વચન એટ્લે વચન સંભવી...!” સિદ્ધાર્થ ભાવવિહીન સ્વરમાં બોલ્યો અને પાછું ફરીને જવાં લાગ્યો.

“અને હાં...!” એક ડગલું ભરીને સિદ્ધાર્થ અટક્યો અને પાછું ફરીને ફરી બોલ્યો “રામ ત્રેતાંયુગમાં હતાં...!”

કટાક્ષમાં હળવું સ્મિત કરીને પાછું ફર્યો અને કૉફી શૉપમાંથી બહાર જવાં ચાલતો થયો.

મોઢું ખુલ્લું રાખીને સંભવી નવાઈપૂર્વક સિદ્ધાર્થને જતો જોઈ રહી.

***

“વોટ નોનસેન્સ ધનુષ....!” ફોન ઉપર કરણસિંઘ ગુસ્સે થઈને સંભવીનાં પિતા ધનુષસિંહ જોડે વાત કરી રહ્યાં હતાં “કોઈ સવાલજ નથી ઊઠતો...!”

સંભવીને કૉફી શૉપમાં મળીને સિદ્ધાર્થ ઘરે આવી ગયો હતો. સિદ્ધાર્થ હજીતો ઘરે પહોંચ્યોજ હતો ત્યાંજ કમ્પાઉન્ડમાં બાંધેલાં મંડપની તૈયારીઓ જોઈ રહેલાં કરણસિંઘને સંભવીનાં પપ્પા ધનુષસિંહે ફોન કરીને સગાઈ માટે ના પાડી દીધી હતી. ના પાડવાંનું કારણમાં પણ સંભવીનાં પિતાએ સિદ્ધાર્થને બ્લેમ કર્યો હતો. તેમનું કહેવું હતું કે સિદ્ધાર્થે સંભવી સાથે રૂડ બિહેવ કર્યું હતું. ઘરે આવેલો સિદ્ધાર્થ કરણસિંઘને ફોન ઉપર વાત કરતાં સાંભળી રહ્યો હતો. પોતાને “સ્ટ્રોંગ ગર્લ” ગણાવતી સંભવી નાં પાડવાં માટે આવું ખોટું બોલી શકે એ વાત સિદ્ધાર્થનાં પહેલાં હજમજ નાં થઈ અને પછી તેણી ઉપર ગુસ્સો પણ આવ્યો હતો.

“મેં સિદ્ધાર્થને મોટો કર્યો છે...!” કરણસિંઘ ગુસ્સે થઈને મોટેથી ધનુષસિંહને કહેવાં લાગ્યાં “મારાં ઘરનાં કામવાળાઓ સાથે પણ સિદ્ધાર્થે કોઈ દિવસ ઉદ્ધત વર્તન નથી કર્યું....! તો પછી જેની જોડે એની સગાઈ થવાની છે...! એની જોડે...! એમાંય જ્યારે સંભવી છોકરીછે...! તો સિદ્ધાર્થ એની જોડે રૂડ બિહેવ કરે...!? એવું કોઈ કાળે શક્ય નથી...!”

પિતા કરણસિંઘની વાત સાંભળીને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું. સામે છેડેથી ધનુષસિંહ મૌન રહ્યાં.

“તું ગમે તે...! પણ હું એ કદી ના માનું કે સિદ્ધાર્થ એક છોકરી જોડે રૂડ બિહેવ કરે...!” કરણસિંઘ વધુ ગુસ્સે થઈને બોલ્યાં “તારે નાં પાડવી હોય...! તો સીધે સીધી નાં પાડીદે...! જે પણ વાંધો પણ પડ્યો એ કહીને...! બાકી મારાં છોકરાંને ખોટો નાં વગોવ...!”

સિદ્ધાર્થ માનપૂર્વક કરણસિંઘ સામે જોઈ રહ્યો. તેઓ સિદ્ધાર્થ સામે જોયાં વગર બીજી તરફ જોઈને વાત કરી રહ્યાં હતાં.

“અને જો તારી પાસે જો કોઈ કારણ નાં હોય ના પાડવાનું...!? તો મને કે’...! હું ના પાડી દવ...!” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં “એમાંય જૂઠું બોલવાવાળાઓથી મને સખત નફરત છે...! સબંધ કે સગું તો શું...! હું એવાં લોકોને મારાં ઘરનું પાણી પણ નાં પીવા દવ...!”

મંડપ ડેકોરેશનનું કામ કરી રહેલાં લોકો હવે કરણસિંઘ અને સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં.

“જો તું એમ વિચારતો હોય..! કે સગાઈ માથે છે અને મે’માન આઈ ગ્યાં હોવાથી હું નાં પાડી નઈ શકું... ! કે પછી તને કરગરીશ...! તો ભૂલે છે...!” કરણસિંઘ બોલ્યાં “આ તો સગાઈ છે...! જો મેરેજ માથે હોત...! તો પણ હું ના પાડી દેવાની હિમ્મત ધરાવું છું....! રહી વાત વચનની કે સમાજનાં નિયમોની...! તો હું ખોટાં લોકોની સામે નમવા કરતાં હું નિયમ કે વચન તોડી દેવામાં માનું છું..!”

“કરણભાઈ તમે ખોટાં ગુસ્સે થાવ છો...!” ધનુષસિંહ બોલ્યાં “મારો ઈરાદો તમને તકલીફ આપવાનો ન’તો...! સંભવી ના પાડે...એમાં હું એની ઉપર જોરજબરજસ્તી નાં કરી શકું...!”

“તો તારે મને હાં પાડતાં પે’લ્લાં સંભવીને પૂછી લેવું જોઈતું’તું...!” કરણસિંઘ કડક સ્વરમાં બોલ્યાં “કેમકે મને મારાં છોકરાંની ખબર છે...!”

કરણસિંઘે હવે પાછું ફરીને સિદ્ધાર્થ સામે જોયું.

“હું એને પૂછ્યા વગર કોઈને વચન આપું...! તો એ પોતાનું વચન સમજીને માથે લે એવો છે...!” કરણસિંઘ બોલ્યાં “એટ્લે મારે એને પૂછવાની જરૂર નથી પડતી...!”

“એમ...!? તો પછી આરવ કેમ ભાગી ગ્યો ‘તો..!?” ધનુષસિંહ ટોણો માર્યો.

જવાબમાં કરણસિંહ દાંત ભીંચીને ચૂપ રહ્યાં.

“કરણભાઇ...! સમાજનો પ્રમુખ હું છું... ! પણ ધાક તમારી વધારે છે...! એનો અર્થ એ નથી..! કે તમે બધી જગ્યાએ પોતાની ચલાવશો...!”

“હવે ના પડી ગઈને...!” કરણસિંઘ કડક સ્વરમાં બોલ્યાં “તો છોડ બીજી બધી પંચાત....!”

“કરણભાઈ...! છોકરાંઓને લીધે આપડે સબંધ બગાડવાની જરૂર નથી...!” ધનુષસિંહ બોલ્યાં “મેં પણ ઘણાં મે’માન તેડાવ્યાં ‘તા...! જવાબ મારે પણ આપવાનો છે...! એમાંય હું તો છોકરીનો બાપ છું...!”

“સબંધ તો બગડી ગ્યો ધનુષ...!” કરણસિંઘ સપાટ સ્વરમાં બોલ્યાં “અને હાં....! મે’માનોને જવાબ આપવાં પડે...! એવી પરિસ્થિતી તે ઊભી કરી છે...!”

“કરણભાઈ...! હું ટ્રાય કરું છું સંભવીને સમજાવાનો...!” ધનુષસિંહ નરમ સ્વરમાં બોલ્યાં.

“સવાલજ નથી ઊઠતો ધનુષ...!” કરણસિંઘ એવાંજ કડક સ્વરમાં બોલ્યાં “જેમ હું એકવાર હાં કીધાં પછી કોઈ ઠોસ કારણવિના ના નથી પાડતો...! એમ એકવાર ના પાડ્યા પછી હાં પણ નઇ પાડતો...! સગું તૂટ્યું એટ્લે તૂટ્યું....! હવે વાત પૂરી..!”

એટલું કહીને કરણસિંઘે ફોન કટ કર્યો અને સિદ્ધાર્થ સામે જોયું.

“પપ્પા....! મેં કોઈ રૂડ બિહેવ નઈ કર્યું...!” કરણસિંઘ કઈં પૂછે એ પહેલાં સિદ્ધાર્થ બોલ્યો.

“તારે કશું એક્સપ્લેન કરવાની જરૂર નઈ....!?” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં “હું તનેય ઓળખું છું...! અને ધનુષને પણ...!”

સિદ્ધાર્થ મૌન રહ્યો. કરણસિંઘ પોતાનો ગુસ્સો શાંત કરવાં ભવાં સંકોચિ મોઢું બગાડીને આમતેમ જોઈ રહ્યાં.

“તું પાછળ રસોડે જા...! અને જો...!” કરણસિંઘ બોલ્યાં “કામ કેટલે પહોંચ્યું...! અને મે’માનો માટે ચ્હા બનવાનું પણ એ લોકોને કઈ દેજે...!”

“હમ્મ...!” સિદ્ધાર્થ બોલ્યો અને ઘરની પાછળના ભાગે જમણવાર માટેના રસોડે જવાં લાગ્યો.

“સગાઈ ભલે કેન્સલ થઈ....!” સગાઈ કેન્સલ થવાથી ખુશ થયેલો સિદ્ધાર્થ જતાં-જતાં બબડ્યો “પણ તેડાવેલાં મે’માનોને ભૂખ્યા થોડી પાછાં મોકલાય...!”

***

“સીઈઈઈડ....!” રસોડાંનું કામ પતાઈને સિદ્ધાર્થ ઘરના મુખ્ય દરવાજે હજી પહોંચ્યોજ હતો ત્યાંજ પાછળથી ઝીલ બૂમ પાડતી આવી પહોંચી.

સિદ્ધાર્થ હજીતો તેની તરફ પાછો ફરે ત્યાંજ ઝીલે સિદ્ધાર્થની પીઠ ઉપર જોરથી એક ધબ્બો માર્યો.

“અરે...! તું આઈ ગઈ એમ...!” સિદ્ધાર્થે સ્મિત કરીને પૂછ્યું પછી ઝીલની પાછળ જોયું “કેમ...!? કુલદીપ...!?”

“એમને તો મેળ નહોતો પડે એવો...!” ઝીલ બોલી પછી પાછળ જોયું “એટ્લે હું પપ્પાં-મમ્મી જોડે આઈ...!”

સિદ્ધાર્થે જોયું તેઓ કારમાંથી ઉતરી રહ્યાં હતાં.

“પછી..! કુલદીપ જોડે કોઈ વાત થઈ...!? સ્ટડી માટે...!?” સિદ્ધાર્થે ધીરેથી પૂછ્યું.

“એમણે કીધું કે બારમું પતે પછી જોઈશું...!” ઝીલ સહેજ નિરાશ સ્વરમાં બોલી પછી માથું ધૂણાવીને બોલી “તું એમ કે’ને…! સંભવી કેવી છે..!? તું મલ્યો કે નઈ એકેયવાર....!?”

“બધું કવ છું...! ચલ..! પે’લ્લાં...! બધાંને લઈને અંદર જઈએ..!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

***

“સાહેબ...! આ ઘરને..!?” કારનાં ડ્રાઇવરે તેની બાજુની સીટમાં બેઠેલાં વિજયસિંઘને પૂછ્યું.

“હાં...! હાં...આજ...! મંડપવાળું...!” કરણસિંઘનાં વિશાળ બંગલોની આગળ બાંધેલાં મંડપ સામે જોઈને વિજયસિંઘ બોલ્યાં.

ત્યાંજ નેહાનો મોબાઈલ રણક્યો. નેહા જોકે કાયમ મોબાઈલ વાઈબ્રેટ મોડ ઉપર રાખતી હોવાંથી રિંગ ના વાગી.

“હી..હી...સિડનો ફોન છે..!” સ્ક્રીન ઉપર નંબર જોઈને નેહા સ્મિત કરીને બબડી અને કારમાંથી નીચે ઉતરવા લાગી.

ડ્રાઈવરે કાર સિદ્ધાર્થનાં ઘરનાં ગેટ આગળ ઊભી રાખી હતી. બાકીનાં બધાં પણ કારમાંથી ઉતરી રહ્યાં હતાં.

“હેય...!? ગેસ વૉટ...! આજે હું તને શોકિંગ ન્યૂઝ આપું …!?” નેહાએ કૉલ રિસીવ કરતાંજ સિદ્ધાર્થ ખુશખુશાલ સ્વરમાં બોલ્યો.

વિજયસિંઘ વગેરે કારમાંથી સગાઈ માટે લાવેલાં સામાનને ઉતારી રહ્યાં હતાં ત્યાં સુધી નેહા ઉતાવળા પગલે ઘર તરફ જવાં લાગી.

“તું બીઝી તો નઈ ને..!?” સિદ્ધાર્થે પૂછ્યું “કોલેજમાં...!?”

“ના...! પણ જે પણ શોકિંગ ન્યૂઝ હોય..! રૂબરૂ મલીનેજ આપવાની...! ઓકે...!?” નેહા મૂંછમાં હસતાં બોલી.

“ઓકે...! તો તું કે’…! ક્યારે ફ્રી થઈશ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“અમ્મ...! હું તને પછી કઉતો..!?” નેહા જાણે બનાવટ કરતી હોય એમ બોલી “સામેથી કૉલ કરું...! હમ્મ..! બાય...!”

“બાય...!” સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

નેહા હવે ઘરનાં મેઈન ડોર તરફ જવાં પગથિયાં ચઢીને ઉતાવળા પગલે જવાં લાગી.

ઘરનાં દરવાજામાં પ્રવેશી નેહા હજીતો ઉંબરેજ ઊભી રહી હતી ત્યાં તેણે જોયું કે કરણસિંઘ આરવને જગાડી રહ્યાં હતાં.

“આરવ...! ઉઠ...ઉઠતો...! અરે બધાં મે’માન આવાની તૈયારી છે..!” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં પછી સિદ્ધાર્થને આવતો જોઈને તેની સામે જોઈને એવાંજ સ્વરમાં બોલ્યાં “આને ઉઠાડ અને તૈયાર કર...!”

“ઉમ્મ...!” ત્યાંજ આળસ મરડીને આરવ સોફાંમાં બેઠો થયો.

સિદ્ધાર્થ પણ જોડેજ ઊભો હતો.

“તૈયાર..!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું “શેનાં માટે...!?”

“સગાઈ માટે...!?” કરણસિંઘ એવાંજ સ્વરમાં બોલ્યાં અને પોતાનાં મોબાઈલમાંથી કોઈને નંબર જોડવાં લાગ્યાં.

“ હવે કોની સગાઈ...!?” સિદ્ધાર્થને હવે વધું નવાઈ લાગી.

“હાય...!” નેહા છેવટે બોલી પડી.

એ અવાજને ઓળખતાં સિદ્ધાર્થ અને આરવે ચોંકીને એ તરફ જોયું.

“આરવ અને....!” કરણસિંઘે પહેલાં આરવ સામે જોયું પછી મેઈન ડોરમાં ઉંબરે ઊભેલી છોકરી સામે જોઈને કહ્યું “નેહાની સગાઈ...!”

“સ’પ્રાઈઝ... સ’પ્રાઈઝ.....!” દરવાજાના ઉંબરે ઊભેલી નેહા બોલતાં-બોલતાં દોડાંદોડ પગથિયાં ઉતરીને આવી અને તરતજ નીચે નમીને કરણસિંઘના પગે લાગી.

“ખુશ રહો..!” કરણસિંઘ ઔપચારિક સ્મિત કરીને બોલ્યાં “વિજય ક્યાં છે...!?”

“બા’ર..! હજી બધાં સામાન વગેરે ઉતારે છે...!” નેહા ખુશખુશાલ સ્વરમાં બોલી.

“અરે સિદ્ધાર્થ...!” કરણસિંઘે સિદ્ધાર્થ સામે જોયું.

આઘાતનો માર્યો તે હજીપણ નેહા સામે જોઈ રહ્યો હતો, કરણસિંઘે બોલાવતાં તેણે તેમની સામે જોયું.

“જા જલ્દી બા’ર જા....!” કરણસિંઘ આદત મુજબ કડક સ્વરમાં બોલ્યાં.

આઘાતમાંથી બહાર આવ્યો હોય એમ સિદ્ધાર્થ તરતજ બહાર જતો રહ્યો.

“અરે રાગુ...! રાગિણી..!” કરણસિંઘ મોટેથી બોલતાં-બોલતાં કિચન તરફ જવાં લાગ્યાં “મે’માન આઈ ગ્યાં...!”

“અરે..!? તું હજી તૈયાર કેમ નઈ થયો...!?” સોફાં પાસે ઉભેલાં આરવને જોઈને નેહા સ્મિત કરીને બોલી “જલ્દી જા...!”

“હં...હાં...અ..!” આરવ જાણે આઘાતમાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો અને પછી કરણસિંઘને જોડે વાત કરવાં કિચન તરફ ઉતાવળા પગલે દોડ્યો.

***

વિજયસિંઘ અને અન્ય મહેમાનોને આવકારી સિદ્ધાર્થ ડ્રૉઇંગરૂમમાં દોરી લાવ્યો. મામાં સુરેશસિંઘ પણ આવીને મહેમાનો જોડે બેઠાં.

“સિદ્ધાર્થ..!” સુરેશસિંઘે સિદ્ધાર્થને ધીરેથી કહ્યું “કરણભાઉને બોલાય....!”

માથું હલાવીને સિદ્ધાર્થ કિચન તરફ જવાં લાગ્યો. જતાં-જતાં તેણે એક નજર સોફામાં બેઠેલી નેહા સામે જોયું. સ્મિત કરીને તે મલકાઈ રહી હતી અને સિદ્ધાર્થ સામે જોઈ રહી હતી.

“આરવ અને નેહાની સગાઈ...!?” કિચન તરફ ઉતાવળા પગલે જતાં-જતાં સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો.

“પણ પપ્પાં...! તમે આ રીતે કેમનું નક્કી કરી નાંખ્યું...!?” વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ કિચનમાં એન્ટર થયો ત્યાંજ તેણે જોયું કે આરવ તેમનાં પપ્પાં કરણસિંઘ સાથે આરગ્યુમેંન્ટ કરી રહ્યો હતો.

ઝીલ અને રાગિણીબેન પણ ત્યાં હાજર હતાં.

“ગઈ વખતે પણ તમે આવું કર્યું ‘તું....!” આરવ ચિડાઈને બોલી રહ્યો હતો “અને તમે નેહા જોડે કેમનું ફિક્સ કરી શકો..!?”

“કેમ નેહામાં શું પ્રોબ્લેમ છે...!?” કરણસિંઘે કડક સ્વરમાં પૂછ્યું.

“કોઈ પ્રોબ્લેમ નથી...! પણ..!”

“પણ બણ કઈ નઈ...! કોઈ પ્રોબ્લેમ નથી...! તો સીધોસીધો ઉપર રૂમમાં જા અને તૈયાર થા...!” કરણસિંઘ આદેશ આપતાં હોય એમ બોલ્યાં.

“પણ પપ્પાં...! આરવને નેહા નઈ ગમતી...!” કિચનમાં અંદર આવતાં સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

“હું એજ પૂછું છું...! કેમ નઈ ગમતી...!? એનાંમાં ખામી શું છે...!?” કરણસિંઘ બોલ્યાં.

જવાબમાં સિદ્ધાર્થ મૌન થઈને આડું જોઈ રહ્યો.

“તને પણ સંભવી ન’તી ગમતીને...!?” કરણસિંઘે પૂછ્યું “તો પણ તે માથાકૂટ કરી..!?”

“પણ એ જે કરે …! એ મારે કરવું જરૂરી છે...!?” આરવ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

“તું એ કરી પણ નઈ શકું..!” કરણસિંઘ ટોંન્ટમાં બોલ્યાં “એનાં ભરોસે હું આખું ઘર, આપડો બિઝનેસ, જમીન...! બધું છોડીને જવ છું...! અને તું...!? તારું કશું ઠેકાણું નઈ...! ક્યારે ભાગી જાઉં..! કોને ખબર...!?”

“પણ પપ્પાં એને સિંગર બનવું છે...!” સિદ્ધાર્થ હવે એક ડગલું વધુ તેમની નજીક આવીને બોલ્યો.

“અરે શું સિંગર...!?” કરણસિંઘ વધુ ચિડાયાં “ગિટારનું ડબલું લઈને કેટલાંય લોકો રખડી ખાય છે અવે..!”

કરણસિંઘનો ગુસ્સો જોઈને ઝીલ પણ ડરીને રાગિણીબેન જોડે ઊભાં-ઊભાં ચૂપચાપ સાંભળી રહી હતી.

“અને અહીંથી ભાગીને..! તે શું ઉકાળી લીધું..!? બોલ..!?” કરણસિંઘે આરવ સામે જોયું.

“પણ પપ્પાં હું ટ્રાય તો કરું છુંને..!?” આરવ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“હાં તો કરજેને...! કોણ ના પાડે છે...! મેરેજ પછી કરીશ તો લૂંટાઈ જવાનું છે..!?”

“પણ મને નેહા ના ગમતી હોય..! તો...!?”

“સગાઈ અને મેરેજ પછી બધું ગમી જશે...!” કરણસિંઘ એવાંજ ઊંચા સ્વરમાં બોલ્યાં.

“પણ પપ્પાં તમે મને પણ ન’તું પૂછ્યું...!”નેહાની આરવ સાથે સગાઈની વાતને લઈને ચિડાયેલો સિદ્ધાર્થ સહેજ મોટેથી બોલ્યો “ગઈ વખતે પણ આરવને કશું ન’તું પૂછ્યું..!? અમારી આખી લાઈફનો સવાલ છે..! તમે આમ અમને પૂછ્યા વગર કેમનાં ડીસીઝન લઈ શકો...!?”

સંભવીની સાથે સગું તૂટવાની વાતને લઈને પહેલેથી ચિડાયેલાં કરણસિંઘનો ગુસ્સો તરતજ સાતમાં આસમાને ચઢી ગયો.

“ડીસીઝન એટ્લે..!?” કરણસિંઘ સિદ્ધાર્થ ઉપર ઘાંટો પાડીને બોલ્યાં.

ઝીલ ધ્રુજી ઉઠી. આરવ પણ હેબતાઈને પાછો ખસી ગયો. આજ પહેલાં તેણે કરણસિંઘને સિદ્ધાર્થ ઉપર કોઈ દિવસ ગુસ્સે થતાં નહોતાં. જોયાં એમાંય આટલું મોટેથી તો તેઓ કદી નહોતાં બોલ્યાં.

“તું મોટો થઈ ગ્યો છે ઘરમાં...!? મારે હવે બધું તને પૂછવાનું એમ..!?” એજરીતે બોલતાં-બોલતાં કરણસિંઘ સિદ્ધાર્થ તરફ ધસી ગયાં.

“આમાં નાના મોટાંની વાત ક્યાં આઈ..!? જે ખોટું છે એ ખોટું છે..!” સિદ્ધાર્થ પણ વધુ ચિડાઈને મોઢું બગાડીને બોલ્યો.

“તો હવે તું મને સાચું ખોટું પણ શીખવાડીશ એમ..!?” કરણસિંઘ મોટેથી બોલ્યાં.

“આમાં શીખવાડવાની વાત ક્યાં આઈ..!?” સિદ્ધાર્થ પણ હવે ઉગ્ર સ્વરમાં બોલ્યો.

આરવ, ઝીલ અને રાગિણીબેન ડરીને બંનેને ઉગ્ર દલીલ કરતાં જોઈ રહ્યાં. બેયમાંથી એકેય નમતું ના જોખ્યું. સિદ્ધાર્થે પણ પહેલીવાર કરણસિંઘ સામે ઉગ્ર સ્વરમાં દલીલબાજી કરી. જોકે તેનો સ્વર કરણસિંઘ કરતાં તો ધીમોજ હતો.

“સટ્ટાક.....!” છેવટે કરણસિંઘે સિદ્ધાર્થનાં ગાલ ઉપર એક જોરદાર તમાચો જડી દીધો.

ઝીલ સહિત આરવ આને રાગિણીબેન પણ ઝબકી ગયાં. આરવ તો આંખો મોટી કરીને જોઈજ રહ્યો.

“મેં ભૂલ કરી તને અહિયાં રાખીને...! તારી ઉપર ભરોસો કરીને..!” કરણસિંઘ ઉગ્ર સ્વરમાં બોલ્યાં.

સિદ્ધાર્થની આંખ ભરાઈ આવી. મોઢું સખત રાખી તે પોતાનો ગુસ્સો ગળવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

ડરી ગયેલો આરવ અને ઝીલ કશું પણ બોલ્યાં વગર સિદ્ધાર્થની સામે જોઈ રહ્યાં.

“શું થયું...!?” ત્યાંજ કિચનમાં સુરેશસિંઘ આવ્યાં અને બધાં સામે જોવાં લાગ્યાં.

તેઓ આવીને કરણસિંઘ જોડે ઊભાં રહ્યાં.

“પ...પણ નેહા પણ મને પસંદ નઈ કરતી...!” થોડીવાર આરવ ડરતાં-ડરતાં બોલ્યો.

“નેહાએજ સામેથી કીધું’તું...! કે એને તું પસંદ છે...!” કરણસિંઘ બોલ્યાં અને સિદ્ધાર્થ ચોંકી ગયો.

સિદ્ધાર્થે આરવ સામે અને ઝીલ સામે ભીની આંખે એક નજર જોયું પછી ત્યાંથી બહાર જવાં લાગ્યો.

સિદ્ધાર્થ હજીતો કિચનનાં દરવાજેજ પહોંચ્યો હતો ત્યાંજ નેહા આવી ગઈ.

“હાય..! શું થ...!”

“તું શરત જીતી ગઈ..!” નેહા કઈં બોલે પહેલાંજ સિદ્ધાર્થ પોતાનો સ્વર સખત કરતાં ભીની આંખે ગળગળા સ્વરમાં બોલ્યો.

“હેં શું...!?” નેહા મૂંઝાઈ ગઈ.

નેહાની હથેળી પોતાનાં હાથમાં ઉઠાવીને સિદ્ધાર્થે તેણીનાં હાથમાં ગુલાબી રંગની બે હજારની નોટ મૂકી અને કહ્યું –

“તારું સરપ્રાઈઝ ખરેખર શોકિંગ હતું....!”

એટલું બોલીને સિદ્ધાર્થ નેહાની બાજુમાંથી નીકળીને સીધો પોતાનાં બેડરૂમ તરફ જવાં માટેની સીડીઓ તરફ ઉતાવળા પગલે જતો રહ્યો. ઝડપથી સીડીઓ ચઢીને સિદ્ધાર્થ પોતાનાં બેડરૂમ જતો રહ્યો.

કિચનનાં દરવાજે ઊભેલી નેહા મૂંઝાઈને સિદ્ધાર્થને જતો જોઈ રહી.

***

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19