પ્રકાશક પેજ -ઇ મેગેઝીન
આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના
'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક - ૫
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'
ભરુચ
મો: 7405544547
એડિટર ટીમ:
નિષ્ઠા વછરાજાની
હિમાંશુ ભારતીય
ઝરણા રાજા 'ઝારા'
ગ્રાફિક્સ : ઝરણા રાજા 'ઝારા'
ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.
સંપાદકની કલમે✍️
નમસ્કાર મિત્રો,
*વાર્તા વિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયયિકનો પાંચમો અંક એટલે દેશના અલગ અલગ પ્રાંતને તેની વિશેષતાઓ સાથે વાર્તામાં વણી પંચામૃત રૂપે વાચકો સામે ધરવાનો એક સુંદર પ્રયાસ.
વિવિધ રાજ્યોની સફરે લઈ જતી કલમ આપ સૌને ગમશે તેવી શ્રદ્ધા છે.
સૌ સર્જકોને અભિનંદન.
અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7405544547
પ્રસ્તાવના
પાંચ મહાભૂત, પાંચ તત્વ, પાંચ ઇન્દ્રિય, પાંચ પાંડવ, પાંચ આંગળી, વસંતપંચમી, લાભપાંચમ, અને વાર્તાવિશ્વ કલમનું ફલક ઈ-મેગેઝિનનો આ પાંચમો અંક. ધીમે ધીમે ડગલી ભરતાં ભરતાં આ પાંચમે પગલે પહોંચ્યાં છીએ. તમારાં જેવાં ભાવકો સાથે હશે તો આપણે બધાં સાથે મળીને બહુ દૂર સુધી જઈશું. જવાનું જ છે. ભારતમાં માત્ર ભાત ભાત કે જ નહીં પરંતુ દાળભાત, દહીભાત, કઢીભાત, રોટલી, ભાખરી, પુરી, પરોઠા, ઢોંસા, ઉપમા, પીઝા, બર્ગર, દાબેલી વગેરેનાં લોકો રહે છે. અલગ રાજય, અલગ, ભાષા, અલગ સંસ્કૃતિ, તેમ છતાં બધાં એક. આ પાંચમા અંકમાં પંજાબી પરોઠાંની મીઠાશની સાથે દલ સરોવરની વેદના પણ છે. કેરળનાં નારિયેળ, ઓરિસ્સાનાં તહેવાર, હિમાચલની સુંદરતા,મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકજીવન અને ઘણું ઘણું છે. આવી પંચરંગી વરતાઓનો રસથાળ આપની સમક્ષ મુક્તા અત્યંત આનંદની લાગણી થઈ રહી છે. વાર્તાવિશ્વ પરિવાર સાથે જોડાયેલાં દરેક ભાવક્ને, વાચકને સર્જકને ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ.
હિમાંશુ ભારતીય
અનુક્રમણિકા
1 યુ ટર્ન - અર્ચિતા દીપક પંડ્યા
2 સંતોષ - સ્વાતિ મુકેશ શાહ
3 તર્પણ - ચિરાગ કે બક્ષી
4 માધવની વેણુ - અંજલિ દેસાઈ વોરા
5 રબ દી મરઝી - કૌશિકા દેસાઈ
6 ફરી એકવાર કાશ્મીર - દર્શના વ્યાસ
7 સ્વપ્ન સિદ્ધિ - રસિક દવે
8 રાજ પર્વ - ભૂમિ પંડ્યા
9 ટ્રાન્સફર - નિષ્ઠા વછરાજાની
10 પલ્લવ-પાવની - વૃંદા પંડ્યા
11 ઘુડલૌ - મેહુલ જોષી
12 વાત એક રાતની - ડૉ વિનોદ ગૌડ
1
શીર્ષક : યુ ટર્ન
લેખન : અર્ચિતા દીપક પંડ્યા
મુંબઈનું ભરચક બજાર, નાનકડી ગલી, એમાં હતી એક વાહન રિપેરિંગની દુકાન. એનો માલિક એટલે સખારામ. કાળો પડછંદ દેહ, વાંકડિયા વાળ. એનો તોર અને તુમાખી જોઈને લાગે જાણે ગુંડો! ભગવાને નાક નકશો પણ ઠીકઠાક આપેલો એટલે લાગે એકદમ ટફ, ડાર્ક ને હૅન્ડસમ! સખારામ જાણતો હતો કે, આખીયે ગલીમાં એ જ સૌથી વધારે સ્માર્ટ લાગતો હતો. મનમાં સપનાંય એટલે તો એવાં જ જોતો કે એને તો આસમાની હુર જ મળવાની છે.
આ હૅન્ડસમ બૉસને પન્ટરીયા પણ ઘેરાયેલા રહેતા ને ચમચાગીરી કરતા રહેતા, કારણ દેખાવ અને પડછંદ દેહને લીધે ગલીના છોકરાઓ તો એનાથી ખૂબ ડરતા. એમાં એના તેવર પણ એવા કે કોઈ આડુંઅવળું બોલે તો બે અડબોથ ખાઈ લે એટલે એ તો વળી આપોઆપ જાણે બૉસ બની ગયેલો. સખારામ પોતે જાણે 'સિમ્બા' હોય એવો વટ રાખતો.
"એય મામુ, દેખ.. પલટ ના!" મંગુએ જરા ધીરેથી બૉલ રમતો મૂક્યો."
"કાયકો? દિમાગ કી નસ મત ખીંચ. તુ મેરા ટાઈમ ખોટી મત કર. જો બોલના હૈ કટ ટુ કટ બતા!"
"યે જો રાપચીક દીખ રેલ્લી હૈ વો દેઢફુટિયા કી છાવી હૈ ક્યા?"
"દિમાગ મત ખા. વો દેઢફૂટિયા મેં અપને કો ક્યા ઇન્ટરેસ્ટ? અભી ધંધે કા ટાઈમ હૈ કામ નિપટાને દે."
"અરે બૉસ, ક્યા માલ લગ રેલ્લી હૈ, વો દેખો તો સહી!"
બૉસે એક નજર એ છોકરી પર ફેંકી ને એક લાફો મારીને મંગુ પન્ટરીયાને પાડી દીધો.
"ખર્ચાપાની બિના તેરા દિન પૂરા નહીં હોતા ક્યા? કલ્ટી માર ઔર કામ પે ધ્યાન દે. અબ રોને મત લગ. યે તેરી હોનેવાલી ભાભી હૈ રે! કુછ ઐસે અલગસે નહીં બજનેકા.. સંભલકર બોલનેકા."
"અરે, ગલતફેહમી હો ગઈ બૉસ પર યે જક્કાસ આઈટમ.."
એક હાથ સખારામનો હવામાં વીંઝાયો કે..
"માફી માફી.. મતલબ ભાભી, હોનેવાલી ભાભી તો ડેઢફૂટિયા કે સાથ.. ભાઈ માફ કરના, જો દેખા હૈ વો હીચ બતા રહા હૂં. રોજ જાતી હૈ ખોપચે મેં. વો તો હૈ સાલા એકદમ મંગ્ગુ. કોઈ ભી લડકી ઉસકે સાથ કૈસે જાયેગી, હજમ નહીં હોતા ભાઈ."
"ચલ મેરે સાથ, વો દેઢફુટિયા કી તો ઐસી કી તૈસી. અભી લાઈન પે લા દૂંગા ઉસે."
સખારામ તો ભયંકર ક્રોધથી ધ્રૂજતો હતો. આંખમાંથી અગનગોળા વરસાવતો એ, પન્ટરિયાને કૉલરેથી પકડીને ડેઢફૂટિયા રમેશ જોડે ઘસડી ગયો.
"અબે.., સચ સચ બતા. તુ કયા બકતા થા?"
મંગુ તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો, પણ સખારામ 'ભાઈ'નો ડર એની જીભને ચલાવવા લાગ્યો.
"રમેશસાંઈ, વો.. બતાઓ તુમ.. વો લડકી હરરોજ.."
"તેરે કો ક્યા? મૈં કિસીકો ભી અપને સ્કુટરપે બિઠાઉં!"
સખારામનો હાથ ઉપડી ગયો. એ સાથે જ રમેશના નાકમાંથી લોહી વહેવા માંડ્યું અને જોરદાર તમ્મર આવી ગયા. સખારામે કોઈ કસર ન રાખી. બરાબર ઠમઠોર્યો રમેશને.
"ભાઈ, વો બાત ઐસી હૈ ના, કિસીકો બતાના નહીં. વો અપને ગુરુ કે લિયે મૈં પહુચાતા હૂં વો છોકરી કો. દાદા કા આદેશ હૈ ઔર લડકી ભી જાન દેતી હૈ અપને દાદા પર. પર કિસીકો કાનોકાન ખબર ન હો ઈસલિયે મૈં લે જાતા હૂં."
"કૌન વો સાંઢ? સા... ઉસકી નજર ભી યહી મુલગીપે હી હૈ? તેરી તો.. અબે સુન, દાદા કો ભનક નહીં હોની ચાહિયે કે યે બાત મૈં જાનને કે લિયે આયા થા... નહીં તો તેરા એક્ટિવા ભી ચોરી હો જાયેગા ઔર તેરી હડ્ડી ભી તોડ ડાલૂંગા. ઠીક હૈ દેઢફૂટ, બતા તેરે કો જ્યાદા લગી તો નહીં? કુછ કામ હૈ તો બતાના, મૈં ઈધરીચ રહેતા. ચલતા હૂં."
સખારામ જાણે સાપ સૂંઘી ગયો હોય એમ પાછા પગે ત્યાંથી ભાગ્યો. મંગુને કંઈ સમજણ ન પડી આજે એનો 'ભાઈ' કેમ ઊભી પૂંછડીએ ભાગ્યો?
"સખુભાઈ, વો રમેશકો તો ઠીક સે પીટ લેના થા. ઉસકી હિંમત કી વો.. "
"અરે! જ્યાદા કુછ નહીં હુઆ રે, જો હુઆ વો અચ્છા હુઆ, નહીં તો વાટ લગ જાતી. અબે, ફજ્જલ કી તરહ મત દેખ, છપ્પન ટિકળી!"
"મામુ, દિમાગકી બત્તી જલી નહીં અભી."
"શેન્ડી સમઝા હૈ ક્યા? વો તો ભાઈ ગુરુ હૈ વો હી હૈ, અપને એરિયા કા ઘેટીયાદાદા. અપને કો કોઈ ઓર જક્કાસ લડકી મિલ જાયેગી પર ઉસકે લિયે જિન્દા રહેના પડેગા રે બાબા! જ્યાદા ખોટી મત હો. અભી કામ કર ચલ!"
"બૉસ, ઘેટીયાદાદા!"
સખારામ ચમક્યો.
"સ.. સ.. સલામ માલિક."
"મૈં ક્યા સુન રેલ્લા હૂં. વો દેઢફૂટિયા તેરે લિયે વો છમ્મકછલ્લો કો ઈધર ખોપચેમેં લાતા હૈ?"
"ગલતફેહમી હો ગઈ હૈ દાદા આપકો."
"કૈસી ગલતફેહમી? વો દેઢફુટિયા કો બહુત મારા તબ્બી તો બતાયા ઉસને."
"વો તો અ.. આપકા નામ.."
ઘેટીયાદાદાએ સખારામના ટાંટિયા લોખંડના સળિયાથી તોડી નાંખ્યાંં. એ પછી, સાંભળવામાં આવ્યું કે દેઢફુટિયો એના ફટફટિયાં પર જ બેસાડીને પેલી જક્કાસ આઈટમને દૂર દૂર ક્યાંક ભગાડી ગયો.
2
શીર્ષક : સંતોષ
લેખન : સ્વાતિ મુકેશ શાહ
"બા, આ બામણા આયા હે, લાગસ, શેરવાળા બાપુના સેઠ."
"અરે છોરા, જા તારા બાપુ ખેતરે જ્યા છે. તરત આવા કૈ ને વળતા પગે આવ."
મેં જોયું તો એક ગર્ભવતી સ્ત્રી ખાટલા ઉપર ગોદડી નાખતી હતી. લાંબી લાજ કાઢેલી હતી એટલે મોં દેખાતું નહોતું. પગ સામું એકાએક નજર જતાં કિલો ચાંદીનાં એક એમ બે સુંદર ઝાંઝર પહેર્યા હતાં. ઘેરદાર ઘાઘરો અને એની ઉપર એજ કાપડનું અંગરખા જેવું બ્લાઉઝ. જુદાં મેચીંગ રંગનું લાજ કાઢેલ ઓઢણું.
હું હજી માટી લીપેલાં ઘરની ઓસરીમાં ખાટલા પર બેઠી આ બધું માણતી હતી ત્યાં જ પેલા દોડતા ગયેલા છોરાનો અવાજ સંભળાયો,"હું નતો કેતો બાપુ! બામણા આઈવા છે."
પ્રતાપભાઈ, જેણે અમારા ઘરે નોકરી કરી હતી તે આવ્યા હતા. "છોરા બામણા ના કહેવાય આ તો મોટા સેઠ આવ્યા છે. આમથી કંઈ નહર્યા? અગાઉથી કહ્યું હોત તો જરા તૈયારી રાખત."
"હેંડ વનુ, ચૂલે ચડાવી એક એક પાલી ચા મેલો. આપણા જેવો ગળો ની હો!" મારી નજર એ ગર્ભવતી વનુ પરથી હટતી નહોતી. હજી તો ચાના પ્યાલા ભરાય ત્યાં વનુને સુવાવડનું વેણ ઉપડ્યું.
મેં કીધું,"નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ." ત્યાં તો એક ગલી દૂર રહેતી સુયાણી આવી.
"ખમો બધાં! હુ ઈસ્પિતાલ લઈ જવા માંડ્યાં? આખા ગામની મુજ હુયાણી. ભાળ કરવા દો જરા. અલી બોન! હિંમત રાખજે થોડી. જો હમણાં રુડો કનૈયો હાથમાં આપું. આ માતાના આસીર્વાદ નકામા ના જાય કદી." આમ બબડાટ કરતી રુમમાં પેઠી.
ખબર નહીં મને યોગ્ય ના લાગ્યું વનુનું પેટ જોતાં જ તેનો આકાર આડો લાગતો હતો. મેં પ્રતાપભાઈને વિનંતી કરી કે, "આપણી ગાડીમાં વનુને સરકારી દવાખાને લઈ જઈએ."
એમના મનમાં રામ વસ્યા તે એમણે હા પાડી. મેં તરત રુમમાં જઈ સુયાણીને એકબાજુથી ખાટલો ઉપાડવા કીધું. એ તો એવી વિફરી,"હુ હમજ પડે તમને પાટલૂન પહેરેલાઓને? આ ભોડું એમ કઈ ધોળું નથ થયુ. હો ઉપર હુવાવડો આ હાથે થઈ સે."
મને લાગ્યું વાતમાં સમય બગાડશે એના કરતાં વનુ પર ચાદર ઓઢાડી, મુકેશને ગાડી નજીક લાવવા કહ્યું. ત્યાં પ્રતાપે પડોશથી જે બામણા જોવા આયેલા તેમની મદદથી ચાર ખૂણેથી ગોદડી ઉપાડી મારા ખોળામાં વનુનું માથું રહે તેમ સુવડાવી ને ગાડી ભગાડી સરકારી હોસ્પિટલમાં.
પ્રતાપ ગાડીની પાછળ દોડયો, બૂમો મારતો,"અલા ડાક્ટર સાહેબ! મારું બૈરું બચાવો. કિયારનું વેણ ઉપર્યુ સે."
ફટાફટ વનુને સ્ટ્રેચર પર લઈ ગયા. અમે એને ધીરજ આપતા પણ એનું એક જ રટણ,"હે, મા, મારી ઘરવાળીને બચાવ મુ પાસ નારીયેળ માવડી તને ચડાવસ."
ડોક્ટરે બહાર આવી કહ્યું,"તમે સમયસર લઈ આવ્યા. રુપાળી દીકરી અવતરી છે. મા અને દીકરી બંને સારા છે. દીકરીને ઓપરેશનથી લીધી નહીં તો બંને જણાં જીવ ગુમાવત."
પ્રતાપ તો છોકરી જન્મી, તે ગાંડો ગાંડો થઈ ગયો. મુકેશના પગ પાસે પાઘડી ઉતારીને બોલ્યો,"આજ તમે લખમી આપી આજ તમુને ના જાવા દિયો. કાલ પોર નીકળજો."
બાજુના બૈરામાંથી એકને બેસાડી બીજી બધીઓને કહ્યું,"તમ ઘેર જઈ હાયેબ હારુ રોટા કરો. મુ જરા લખમીનુ મોં જોઈ હાયેબ હંગાથ આવુ."
"રોટા તૈયાર? અરે! એક એક ગોળનું ઢેફું મૂક, હાયેબને પગલે લખમી માં પધાર્યા સે." ચૂલે શેકેલાં ગરમ રોટલા અને ઘરમાં ફેલાયેલા આનંદમાં અમે સાંજે નીકળવા કરતા સવારે નીકળવાની હા પાડી.
આગલી ઓસરીમાં ખાટલા તણાયા અને ઉપર તારાની જાજમ, કોઈ'દી ની જોઈ હોય તેવી."
ઘેર આવ્યા ત્યાં સુધી એ મીઠી ઊંઘ, પુત્રીના જન્મની ખુશી તથા એક જીવ બચાવ્યાના સંતોષ સાથે આનંદથી વાતો કરતાં રહ્યાં.
3
શીર્ષક : તર્પણ
લેખન : ચિરાગ. કે. બક્ષી
એ દિવસે રાજેન્દ્રન્ અડુર પિલ્લેને ઘરે ખુશીઓ જાણે સમાતી નહોતી. ઈનાપીળ્ળી ગામે રાજેન્દ્રન્ સરને ઘેર પુત્રરત્નનો જન્મ થયો હતો. બેતાલીસ વર્ષે, પુત્રજન્મની ખુશીઓની જાણે એક નવી વ્યાખ્યા બનાવતા હોય એ રીતે ઉજવણી થઈ રહી હતી. લગભગ આખું ગામ જમવા આવ્યું હતું અને પુત્રને આશિષોથી નવડાવી રહ્યું હતું.
એ દિવસોમાં રાજેન્દ્રન્ ગામના નગરપતિ હતા અને ગામના વિકાસ માટે ઘણાં કામો એમણે કર્યા હતા. એક બાજુ ગામનો વિકાસ કરીને ગામ પ્રત્યેની એમની જવાબદારી એ નિભાવતા ગયા અને બીજી બાજુ, ધીમી પણ મક્કમ ગતિથી રાજકારણમાં પગરવના એ મંડાણ હતા. 'કેરાલા પ્રોગ્રેસ પાર્ટી'ની આંખમાં આવવા માટે આટલા પ્રયત્નો પૂરતા હતા.
ગામલોકોના સંતોષને પગલે તથા કામ કરવામાં અને કરાવવામાં પારંગત એવા રાજેન્દ્રન્ ને ચૂંટણીમાં ટિકિટ મળતા વાર ના લાગી અને રાજેન્દ્રન્ પિલ્લે રાજ્યના નાણાંમંત્રી બની ગયા. ફરી વાર ગામમાં ખુશીઓના પૂર વહી રહયા અને લોકહૈયાની આનંદની છોળો આખા ગામમાં ફેલાઈ ગઈ.
રામમાધવન્ પિલ્લેને હવે પિતા રાજેન્દ્રન્ ને મળવા માટે રાહ જોવી પડતી એટલા મંત્રીશ્રી વ્યસ્ત થઈ ગયા હતા. રામમાધવન્ સ્કૂલથી જ પોતાની હોંશિયારીનો ડંકો વગાડતા આવ્યા હતા. કોલેજમાં સ્નાતક થઈને એમ. બી. એ.ની ઉપાધિ પ્રાપ્ત કરવામાં એમને જરાયે વધારાની મેહનત કરવી પડી નહિ. રામ એ વાતનો હંમેશા ખ્યાલ રાખતા હતા કે એમની ઓળખાણ ક્યારેય રાજેન્દ્રન્ પિલ્લે - નાણાંમંત્રીના પુત્ર તરીકે ના થાય. એને માટે તો રામે એક કોલેજ પણ છોડી દીધી હતી. સ્વ-બળે આગળ આવવું એ તો રામનો મક્કમ નિર્ધાર હતો જ અને સાથે સાથે રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે રામના મનમાં એક ગ્રંથિ હતી કે એ લોકોને ખોટું કરવું જ પડે, નહીં તો એ લોકો રાજકારણમાંથી ફેંકાઈ જાય.
એમ. બી. એ. થયેલા રામને નોકરીના ઘણાં પ્રસ્તાવો મળ્યાં. એમાંથી એક કંપની જે ખાણી-પીણીના ધંધામાં હતી એના ઉપર રામે પસંદગી ઉતારી. ખૂબ કામ રહેતું, કારણ કે ઊંચી ગુણવત્તાના આધારે બીજા હરીફો કરતાં થોડી વધારે કિંમત લઈને વેચાણનો ધ્યેય સિધ્ધ કરવાનો હતો. રામ એ કંપનીને એટલા ઊંચા ફલક ઉપર લઈ ગયા કે કંપની એમને એમના ધાર્યા કરતાં વધારે સગવડો અને સવલતો આપવા લાગી. એક હદ પછી રામે એનો સવિનય અસ્વીકાર કર્યો અને કંપનીને જણાવ્યું કે એને એટલું જ જોઈએ કે જેટલું એને સારું જીવન જીવવા માટે જરૂરી છે. ધ્યેય પાર પાડવા માટે આંતરિક શક્તિઓની જરૂર હોય છે જે અમૂલ્ય હોય એની કિંમત કઈ રીતે આંકી શકાય?
આ બાજુ મંત્રીશ્રી થોડી મૂંઝવણમાં રહેવા લાગ્યા. જાણે કોઈ ભીંસ અનુભવતા હોય એવું એમને લાગવા લાગ્યું. એમણે રામને ફોન ઉપર આ વાત કરી. રામના કહેવાથી પિતા, પુત્રને મળવા ગામને ઘેર ગયા. પિતા રાજેન્દ્રન્ એ દિવસે પીગળવા માટે તૈયાર મીણની જેમ વાતો કરવાના મૂડમાં હતા. એમણે કાંઈક આવી વાત કરી. (મલયાલમ ભાષામાં આ વાતચીત થઈ પણ વાંચકોની સરળ સમજણ માટે એને ગુજરાતીમાં રજુ કરી છે.)
"બેટા, આપણી વચ્ચે મૂલ્યો અને સિદ્ધાંતોના મેદાન ઉપર ઘણું અંતર છે. મને ગર્વ છે કે તું, મારો દીકરો, એવું જીવન જીવે છે કે જેને જોઈને કોઈ પણ માતાપિતાને ગૌરવ થાય.(ઈનીકે આરિયામ્ - ની નલ્લા પુલ્લી ઊન્ડો.)
તારી માના સ્વર્ગવાસ પછી તારી દેખરેખ મેં મારાથી બને એવી રીતે રાખી છે પણ મને ખબર નથી કે એમાં હું કેટલો સફળ રહ્યો છું. તને તારા ઉછેરથી કેટલી ફરિયાદ છે કે કેટલો આનંદ છે? એ તને એકલાને જ ખબર છે.
આ એકલતાના પરિણામે હું સાવ એકલો પડી ગયો હતો. દિવસ આખો કામ રહે પણ દિવસ પૂરો થાય ત્યારે એકલતા કોરી ખાતી હતી. બીજા લગ્ન નહિ કરવાના મારા નિર્ણયમાં હું મક્કમ હતો. બસ એ જ દિવસોમાં રાજકારણમાં સક્રિય થયો અને પ્રસિદ્ધિ મળતી ગઈ.
અત્યાર સુધીની વાત તો સામાન્ય છે પણ હવે પછીની વાત સાંભળીને તું મને ધિક્કારવા લાગે તો મને જરાયે માઠું નહિ લાગે.
આ રાજકારણની દુનિયા અટપટી છે બેટા.(વળરે મોશમ્.) પ્રલોભનોથી જેટલા દૂર રહો એટલા જ એ વળગતા અને દોડતા આવે. અંતરના સંસ્કારો જ એક જ એવી ઢાલ છે જે વ્યક્તિને આ પ્રલોભનોથી રક્ષણ આપી શકે. પણ બેટા, આ ઢાલ મારા જીવન માટે ક્યાંક કાચી પડી. હું પ્રલોભનોમાં ફસાતો જ ગયો અને એમાં રહીને ક્યારે મારા થકી ખોટાં કામો થતાં ગયાં એ મને ખબર જ ના રહી. પ્રલોભનોમાં પૈસા સાથે વ્યભિચાર પણ મને ભરડો લઈ ગયો. ખૂબ પૈસા ભેગાં થયાં છે. આ કાગળમાં એ પૈસા ક્યાં છે એ બધું જ લખ્યું છે અને આજે એ હું તને આપી દઉં છું. બીજા દુષણને કારણે હું ગંભીર રોગનો શિકાર થયો છું અને મને પોતાને ખબર છે કે મારી પાસે જીવવાના થોડાં જ દિવસો બાકી છે.
આ તો થઈ મારી વાત પણ તારા વિશે હું જેટલું અને જ્યારે જાણતો ગયો એમ એમ મને તારા પિતા હોવાનો ગૌરવ અનેકગણો વધતો ગયો. બેટા! આજે હું બોલીશ અને તું ફક્ત સાંભળીશ.
મને ખબર છે કે તું તારી નોકરીના સમય પછી પેલા મામાચનઅંકલને મદદ કરે છે. અને એ પણ કેવી ….
……………
પ્લીઝ મને અટકાવીશ નહિ.
………..
તું તારી નોકરીથી પરત આવીને કપડાં બદલીને , સાદો મૂંડ (લૂંગી) પહેરીને માથે કપડું - ફાળિયું બાંધીને કોઈને તું ઓળખાઈ જાય નહિ એ રીતે સાયકલ ઉપર એમનું કોપરેલ વેચવા માટે જાય છે અને એ પણ બાજુના ગામમાં - જ્યાં ખૂબ બધી સ્ત્રીઓ એ તેલનો ઉપયોગ કરીને પોતાના વાળની માવજત કરે છે. અરે! તેં તો આ કામ માટે તારું નામ પણ બદલી નાખ્યું છે.
બેટા, તું કઈ માટીનો બનેલો છે? (ની ઊરુવાડ ઈષ્ટમ્.) મને શ્રદ્ધા છે કે આ તારી દેવી સમાન માના જ સંસ્કારો છે.
અને હું …..? જે જીવન જીવ્યો એને માટે મારા પુત્ર સામે દિલગીરી વ્યક્ત કરું છું.
બેટા, હવે તને જે વાત કહું છું એને ધ્યાનથી સાંભળ.
હું મારા કર્મોને લીધે યાત્રા કરવાને લાયક નથી રહ્યો. કયા મ્હોંએ ભગવાનની સામે ઉભો રહું? મારી ઈચ્છા તો સબરીમલા જવાની હતી પણ એ તો મારે માટે વિચારવું પણ પાપ છે.(એવડે પ્રોગામ્ ઈનીકે પટુ ઈલ્લા.) પછી મારી ઈચ્છા ગુરુવાયૂર જવાની થઈ પણ તબિયત અને શરમને લીધે ત્યાં પણ હું નહિ જઈ શકું. તો મારી એ ઈચ્છા છે કે તું ગુરુવાયૂર જવાના રસ્તે થોડાં થોડાં અંતરે યાત્રીઓને થોડી સુવિધા મળી રહે એવાં સ્થાનકો બનાવ. આ સ્થાનકોમાં ખાવાપીવાની સામગ્રી મળી રહે, એકાદ બે ખાટલા હોય જ્યાં વૃદ્ધ યાત્રિકો આરામ કરી શકે અને વાઈ ફાઈની સુવિધા થકી યાત્રિકો પોતાના સ્વજનો સાથે યાત્રા દરમ્યાન પોતાની કુશળતાની વાત કરી શકે. આ મારું પ્રાયશ્ચિત છે અને મારાથી એ જાતે નહિ થાય એટલે મારો પુત્ર હોવાના સંબંધે એ કામ હું તને સોંપું છું. બેટા મારું આટલું કામ કરીશ..ને?”
પિતા પુત્ર એક બીજાને જોરથી ભેટી પડયા અને પિતા જાણે આ જ ક્ષણની રાહ જોતા હોય એમ એમણે પુત્રથી અને દુનિયાથી વિદાય લીધી.
રામે નોકરીમાંથી રાજીનામું આપીને ગુરુવાયૂર જવાના રસ્તાનો અભ્યાસ કરી લીધો અને ક્યાં ક્યાં પિતાજીની ઈચ્છા પ્રમાણે સ્થાનકો બનાવવા એ નક્કી કરી લીધું.
પિતાજીની ઈચ્છાને પૂરી કરવા માટે રામે એક વાત એમાં ઉમેરી. ગુરુવાયૂર તો આખા ભારતમાંથી યાત્રિકો આવે એટલે રામે દરેક સ્થાનક ભારત દેશના દરેક રાજ્યની સંસ્કૃતિ ઉપર આધારિત બનાવવાનું નક્કી કર્યું. એમાં એ રાજ્યની ખાણીપીણી આપી, રીતરિવાજો અને તહેવારોની ઉજવણીની ફિલ્મ સ્ક્રીન ઉપર ચાલ્યા કરે એ વ્યવસ્થા કરી અને દુનિયાના સૌથી સારામાં સારા વાઈ ફાઈની સુવિધા આપી અને આ બધું વિના મૂલ્યે!
આ એક પાપી પિતાને તર્પણ હતું કે પછી રામનું એક પરોપકારી પગલું હતું કે પછી બીજું કાંઈ….?
4
શીર્ષક : માધવની વેણુ
લેખન : અંજલિ દેસાઈ વોરા
રાજસ્થાનની રેતાળ સુક્કીભઠ્ઠ ધરતી. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ચોમેર ફેલાયેલી ઉની ઉની રેતી. જે હાથમાં લઈએ તો દાઝી જવાય અને છોડી દઈએ તો સમયની જેમ હાથમાંથી સરકી જાય. વાદળ વિનાનું કોરુંધાકોર આકાશ. વર્ષાના આગમનની રાહમાં તપતી ધરતી ગરમ નિસાસારુપી વરાળ ઓકી રહી હતી.
રાજસ્થાનના નાનકડાં એક ગામ, મેરવાડામાં વસતી વેણુની પણ બસ કઈંક આવી જ હાલત હતી. પિયુમિલનની આશમાં તડપતી વેણુનો મિજાજ પણ ધરતી જેવો જ હતો ગરમ પણ નિ:સહાય. આજે માધોને શહેર ગયાને બે વરસ થઈ ગયા. આકાશમાં વાદળનો કોઈ અણસાર નહોતો અને અહીં ધરતી પર માધોના આગમનનો કોઈ અણસાર નહોતો. હવે તો માધોની રાહ જોઈ જોઈ ને વેણુ થાકી હતી. આંખોમાંથી આંસુનાં પૂર વહાવી દીધાં પછી વેણુની આંખો પણ સુક્કીભઠ્ઠ થઈ ગઈ હતી, અદ્દલ રાજસ્થાનની ધરતી જેવી જ. વેણુના મનમાં માધોની યાદોના કેટલાંય વમળો રચાતાં અને વિખાઈ જતાં. મનની વાત કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી વિકટ પરિસ્થિતિ હતી.
માધો- ગામનો અનાથ છોકરો. નાનપણમાં જ મા-બાપ ગુમાવી ચૂકેલો, એકલો અટૂલો યુવાન. ધનનો ગરીબ પણ સૂર, લય, તાલનો અમીર. એનું સૂરીલું, કેળવાયેલું ગળું ઈશ્વરીય ભેટ હતી. ન કોઈ કેળવણી, ન કોઈ તાલીમ. પરંતુ, માધોના ગળામાં મા સરસ્વતી વાસ કરતી હતી. આખું ગામ માધોના સૂર પર આફરીન હતું. ગામમાં સૌનો લાડકો માધો લોકોના નાનાં મોટાં કામ કરી આપતો. બદલામાં જે થોડાં ઘણાં પૈસા મળે એમાંથી એનું જીવન ચાલ્યું જતું. પોતાની ધૂનમાં મસ્ત ગીતો ગાતો જાય ને ખુશીથી કામ કરતો જાય. માધો જેવો સીધોસાદો, નિર્દોષ યુવાન પહેલી દ્રષ્ટિએ જ નજરમાં વસી જાય એવો હતો. સોળ વરસની વેણુ પણ એમાંથી બાકાત નહોતી. માધોના સૂર-તાલમાં એ ગુલતાન થઈ જતી. કાચી ઉંમરમાં જ વેણુએ, માધોને મનમાં સમાવી દીધો હતો એટલે પોતાના બાપુસા, ગામના ધના શેઠને લાડથી દિકરી વેણુએ મનાવીને માધોને પોતાની કરિયાણાંની દુકાનમાં નોકરી અપાવી દીધી હતી.
બસ પછી શું? છોરીને દોડવું'તું ને ઢાળ મળ્યો. રોજ સવારે રંગબેરંગી ઘાઘરોચોળી પહેરી, લહેરિયાનું ઓઢણું ઓઢી, પગનાં પાયલ છનકાવતી, હાથની ચૂડીઓ ખનકાવતી, બાપુસાની દુકાને કોઈ વસ્તુ લેવાને બહાને પહોંચી જતી અને જાણે આંખોથી માધોને હ્રદયમાં ઉતારી દેવા તલપાપડ થઈ જતી. માધોને પણ વેણુ માટે મનમાં કુણી લાગણીઓ હતી. પરંતુ, 'ધના શેઠ તો માઈંબાપ કે'વાય. શેઠની છોરી હારે કાંઈ પ્રીત કરાતી હશે?' આવી ઉચ્ચ સંસ્કારિતા અને નિશ્ચલ વ્યક્તિત્વનો ધની એવો માધો વેણુના વિચારોથી અળગો થઈને પોતાનું મન કામમાં પરોવી દેતો અને એક દિવસ સવારમાં વેણુ ઉછળતી, કૂદતી આવીને બોલી,"બાપુસા-માડી, ટેલિવિઝન પર જે હારું ગાઈ હકતા હોય એને ગાવા જાવાનું નોતરું આયુ સ. બૌ મોટું સે'ર છેને, મુંબઈ ન્યા. માધોને ન્યા મોકલવો સ!!" છોરીના ચહેરાનો ગુલાબી રંગ અને ચાલમાં છલકાતો ઉમંગ શેઠ-શેઠાણીથી છૂપો ન રહ્યો. એકની એક લાડકી છોરી વેણુના મનની વાત એનાં માવતર સમજતાં હતાં. અને ધના શેઠે વેણુની વાતમાં હામી ભરી દીધી.
નવાનક્કોર કપડાંની બે જોડી, થોડાં ઘણાં પૈસા અને ખૂબ બધી શુભેચ્છાઓ સાથે માધોને મુંબઈ વિદાઈ કરવામાં આવ્યો.
ટેલિવિઝન પર આવતા બહુ પ્રખ્યાત કાર્યક્રમ 'ઈન્ડિયન આઈડોલ'માં ભાગ લેવા. ભારતના દરેક પ્રદેશોમાંથી કેટલાંય કલાકારો આવ્યાં હતાં. ભાગ લેનાર બધાં જ કલાકારો સૂર-સાધનામાં પ્રવીણ હતાં. પરંતુ, આ સંગીત ખેરખાંઓની વચ્ચેથી પણ માર્ગ કાઢીને માધોએ પ્રથમ બાર કલાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું.
ટેલિવિઝન દ્વારા માધોની ઝળહળતી સફળતાના સમાચાર જ્યારે મેરવાડા પહોંચ્યા ત્યારે ગામલોકોની ખુશીનો પાર ન રહ્યો. વેણુ તો જાણે સાતમે આસમાને જ પહોંચી ગઈ. રસોઈઘરમાં જઈને માડીને કહ્યું,"માડી, આજ કંસાર બનાવને!“ માડીએ પણ મીઠી મજાક કરતાં છોરીને કહ્યું,"કાં..? અલી બાવરી, અહીં કંસાર ખાઈસ તો ન્યા માધોનુ મ્હોં મીઠું થઈ જાહે..?" અને વેણુનાં મુખ પર શરમનાં શેરડાં ઉપસી આવ્યાં.
કાર્યક્રમની શરૂઆતથી જ માધોની ગાયકીએ લોકો ઉપર જબરો જાદુ ફેલાવ્યો હતો. લોકો માધોના એક એક સૂર ઉપર, એક એક ગીત ઉપર ડોલી ઉઠતાં. મેરવાડાનો માધો હવે ઘરઘરમાં '"માધવ"ના નામથી ઓળખાવા લાગ્યો હતો. "ઈન્ડિયન આઈડોલ" નો મહામૂલો ખિતાબ જીતીને માધવે આખા ભારતમાં મેરવાડા ગામનું નામ રોશન કર્યું હતું. પછી તો શરું થઈ માધવની સંગીતમય સફર. કેટકેટલાં સ્ટેજ શો, કેટલાંય ફિલ્મી ગીતોના રેકોર્ડિંગ્ઝ, અધધધ... મળતા પૈસા! માધવ આકાશની ઊંચાઈને આંબવા લાગ્યો હતો. ખોબલે ખોબલે મળતી લોકપ્રિયતા, પ્રસિદ્ધિ છતાંય માધવને મેરવાડા ગામ અને વેણુની યાદ વારંવાર આવી જતી. માધોનો હાલ પણ વેણુ જેવો જ હતો. પ્રેમઅગનમાં એ પણ તપતો હતો.
અહીં ગામમાં પણ માધવના વિરહમાં વેણુનું જીવન દુષ્કર થઈ ગયું હતું. મારવાડી માવતર છોરી અઢારની થાય ત્યાં તો એનાં હાથ પીળા કરવા અધીરાં થઈ જાય. છોરીને જલ્દી સાસરે વળાવવા ઉતાવળાં થઈ જાય. વેણુના માવતર પણ હવે એવાં જ અધીરાં થઈ રહ્યાં હતાં.
હંમેશા હસતી નાચતી રહેતી વેણુનાં મુખ પર વિષાદના વાદળો ઘેરાયેલાં રહેતાં. ઘરનાં ગોખલામાંથી સૂનો પંથ નિહાળ્યા કરતી. ઈંતઝારની ઘડીઓ ગણતાં ગણતાં જેઠનો ધોમધખતો તાપ પણ ઓસરી ગયો અને અષાઢ આવી ચડ્યો. આજે સવારથી જ વાતાવરણમાં અજીબ ફેરફાર થઈ રહ્યો હતો. રાજસ્થાનના રેતાળ રણપ્રદેશ ઉપર આજે ક્યાંકથી વાદળો ભૂલા પડીને આવી પહોંચ્યાં હતાં. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. પરંતુ, વેણુને હવે પ્રકૃતિમાં આવેલા ખુશનુમા બદલાવમાં કોઈ જ રસ પડતો નહિ. માધોના પ્રેમ અને વિરહમાં બહાવરી બની ગયેલી વેણુ સૂધબૂધ ખોઈ બેઠી હતી.
ત્યાં તો અચાનક જ વેણુએ દૂરથી એક મોટર આવતી જોઈ. 'મેરવાડા ગામમાં મોટર? કોણ આ બાજુ ભૂલું પડયું હશે?' વેણુ વિચારી રહી અને મોટર વેણુના ઘર પાસે આવીને ઊભી રહી.
"માધો..!" ધનાશેઠ અને શેઠાણી તો માધોના અચાનક આગમનથી આશ્ચર્યચકિત થઈ ગયાં. માધોમાંથી માધવ બની ગયેલા સૂરસમ્રાટનો રંગઢંગ જરૂર બદલાઈ ગયો હતો. કેડિયું, ધોતી અને બાંધણીનો સાફો ત્યજીને હવે એ સૂટ-બૂટમાં સજ્જ થયેલો હતો છતાંય હજી મેરવાડા ગામલોકો માટે એ નિર્દોષ સાફદિલ માધો જ હતો.
માધોનો અવાજ સાંભળી વેણુ સફાળી દોડી. જાણે વેણુનાં નિશ્ચેતન મનમાં ચેતનાનો સંચાર થયો. માધોના નવા રૂપને જોઈને એની છાતી ધમણની જેમ ધક-ધક થઈ રહી હતી. આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહી રહી હતી. માધોને કેટલુંય કહેવું હતું, કેટલીય ફરીયાદો કરવી હતી, રીસાવું હતું, ખીજાવું હતું.... એની પાસે પોતાનું અંતર ઉલેચી નાખવું હતું પણ આનંદ અને આધાત મિશ્રિત લાગણીઓમાં વેણુની તો વાચા જ હણાઈ ગઈ હતી.
યુવાન હૈયાની લાગણીઓ ધનાશેઠ અને શેઠાણી જાણતાં જ હતાં. માધો અને વેણુનાં ઘડિયા લગન લેવાનું નક્કી થઈ ગયું. હરખની હેલી છેક આકાશે ચડી અને વાદળો આજે મન મૂકીને ધરા ઉપર વરસી પડ્યાં. ધરતીની તપન શાંત થઈ. ચોમેર હર્ષોલ્લાસ છવાઈ ગયો. ધૂમધામથી લગન સંપન્ન થયા ને માધવ પોતાની દુલ્હનિયાને મોટરમાં બેસાડીને મુંબઈ રવાના થઈ ગયો.
5
શીર્ષક: રબ દી મરઝી
લેખન : કૌશિકા દેસાઈ
જસવંત કૌર એક ઝાડ નીચે ઊભી રહી આંખોને ઠંડક આપે એવું દૃશ્ય જોઈ રહી હતી. દૂર દૂર સુધી પીળા રંગના સરસવનાં ફૂલો હવામાં લેહરતાં હતાં જાણે લીલુડી ધરતી પર કોઈએ પીળા રંગની ચાદર પાથરી હોય! જસવંતનો હરખ હૈયામાં જાણે સમાતો ન હતો. તે પોતાના પતિને નિહાળી રહી હતી. જસવંતનો પતિ એટલે કુલદીપ સિંઘ. એ જુવાન, ઊંચો, દેખાવે રૂડો અને મજબૂત બાંધાનો માણસ હતો. સૂરજના તાપને લીધે એનું રૂપાળું શરીર પરસેવાથી તરબતર સોનાની જેમ ચળકતું હતું. જસવંત તો એને જોતી જ રહી. થોડી વારમાં કુલદીપની નજર તેના પર ગઈ. એને નવાઈ લાગી કે આ ક્યારની હાથમાં ખાવાનું લઈને ઉભી છે, પણ એણે બૂમ કેમ ના પાડી?
તે ધીરે રહીને તેની નજીક આવ્યો અને તેનાં કાનમાં બોલ્યો,"અરે! મેરે દિલકી રાની મુજપે ડોરે ડાલતી રહેગી કી રોટી શોટી ભી ખીલાઓગી, ભૂખકે મારે જાન નિકલી જા રહી હૈ."
જસવંત એકદમ ચોંકી ગઈ, એને યાદ આવ્યું કે એ એના પતિ માટે જમવાનું લઈને આવી હતી અને પછી અહીં આવી ખેતને અને કુલદીપને જોતી રહી ગઈ હતી.
"આપકે લિયે તો લાઈ હું ગરમ ગરમ મક્કે કી રોટી ઔર સરસૌ દા સાગ ઔર ઠંડી લસ્સી ઈસ ગરમી મૈં ચેન મિલેગા."
આમ કહી તે મલકાતી મલકાતી એક મોટા આંબાના ઝાડ નીચે જઈ બેઠી અને જમવાનું ખોલ્યું. કુલદીપ પણ હાથ ધોઈ મોંઢા પર પાણી છાંટી ભીનાં હાથે જ ત્યાં આવ્યો અને જસવંત પર છાંટા ઉડાડ્યાં. જસવંતની ગોરી લિસ્સી ચામડી પર જાણે પાણી તો રહેવા જ ન માંગતું હોય એમ વહી ગયું. તે શરમાઈ ગઈ. કુલદીપને જમવાનું આપ્યું અને તે ધીરે ધીરે એક પૂઠાંથી પંખો નાખવા લાગી. કુલદીપ એની સુંદરતાનો રસપાન કરતો કરતો જમતો હતો. અચાનક જસવંતના મોંઢા પર દુઃખના ભાવો ઉપસી આવ્યાં. આ જોઈ કુલદીપ સમજી ગયો કે જસવંતને શું યાદ આવી ગયું!
"તું ફીર વહી સોચને લગી? તું જાનતી હૈ ના કી મૈં તુજે ઉદાસ નહી દેખ સકતા, ફિકર મત કર રબ દી મરજી હોગી તો સબ ઠીક હોગા, તું યે ખેત દેખ, યે હમારે પૂતર જેસે તો હૈ."
જસવંતની આંખમાં આંસુ આવી ગયાં પણ તેને ઝડપથી લૂછી નાખ્યાં અને ખેતરને જોઈને હરખાઈ ગઈ.
જસવંત અને કુલદીપ બંનેનાં લગ્નને આંઠ વર્ષ થયા હતા, તેમનાં જીવનમાં સુખ અને સમૃદ્ધિ હતી, બંનેની જોડી એટલી સરસ હતી કે આખા પિંડમાં તેમનાં વખાણ થતાં હતાં અને બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને એક બીજા માટેનું માન તથા એકબીજાને સમજવાની સમજણ અનોખી હતી. બસ, એક દુઃખ હતું કે તેમને હજી કોઈ સંતાન ન હતું. બહુ માનતા રાખી જોઈ અને ઘણાં વ્રતો કર્યા પણ કંઈ ફળ મળ્યું નહિ. ઘણાં બધાં મોટા ડોક્ટરોને પણ બતાવી જોયું, કશું કામ ના આવ્યું. કોઈ વખત જસવંતનું દિલ રડી ઉઠતું પણ કુલદીપને દુઃખ ના થાય એટલે મન મારી બેસી જતી. કુલદીપ તો ભગવાનનો માણસ હતો એણે તો બધું વાહે ગુરૂને સોંપી દીધું હતું અને તે પોતાનું દુઃખ ક્યારેય જસવંતની સામે આવવા દેતો નહીં.
જમી લીધાં પછી કુલદીપ આરામ કરતો હતો, જસવંત એની સામે જોઈને બોલી,"આ વખત ખેતી ખૂબ સરસ થઈ છે. એક વાત મારી માનશે?"
"તારે તો હુકમ કરવાનો હોય બોલ શું કહેવું છે?"
"કુલદીપ, આ ફસલ મંડીમાં વેચીશને તો ખૂબ પૈસા આવશે. એનાથી આપણે આપણું મકાન નવું કરાવી દઈએ અને એક બીજો રૂમ પણ તૈયાર કરીએ."
"અચ્છા તો હમારી રાનીકો નયા ઘર ઔર બડા કમરા ચાહીયે! હો જાયેગા, બોલો ઔર કોઈ ખ્વાહીશ?"
પછી જસવંત ધીરેકથી બોલી,"પછી તું બીજા લગ્ન કરી લે."
આ સાંભળતાં જ કુલદીપ ગુસ્સામાં લાલ થઈ ગયો અને એણે જોરથી જસવંતને એક તમાચો માર્યો. જસવંતને ખબર જ ન પડી કે આ શું થયું? એણે કોઈ દિવસ સપનામાં પણ નહતું વિચાર્યું કે કુલદીપ કોઈ દિવસ એને તમાચો મારશે. અરે! એ તો કોઈ દિવસ મોટેથી પણ બોલ્યો નહતો. આજે તે બહુ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. તે ત્યાંથી જવાની જ હતી કે કુલદીપે તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને પોતે ચોધાર આંસુએ રડી પડ્યો. એણે જસવંતને કહ્યું,"પગલી! તું તો મેરી જાન હૈ, તેરે સિવા મૈં કિસીકે બારેમેં સોચ હી નહી સકતા, તેરે બિના જીના મેરે લિયે મુમકિન નહીં હૈ ,ઓલાદ કે લિયે મેં તેરા સાથ છોડ દું, ઐસા તું સોચ ભી કેસે સકતી હૈ? દેખ વાહે ગુરુકી મરજી હોગી તો તું જરૂર મા બનેગી. ભરોસા રખ રબ પર, મૈંને ઈસ ઇત્વાર કો ગુરૂદ્વારામેં પાઠ રખવાએ હૈ. સુના હૈ કોઈ બડે ગુરૂ આનેવાલે હૈ ઔર વે બહુત અચ્છા પાઠ કરતે હૈ દેખના રબ હમારી અર્દાસ જરૂર સુનેગા."
બંને ખૂબ રડ્યાં અને પછી એકબીજાને સાંત્વન આપતાં પોતાના કામે લાગી ગયાં.
રવિવારે ગુરુદ્વારામાં જસવંત અને કુલદીપ અર્દાસ કરવા ગયાં, પણ આ વખતે કુલદીપે પ્રાર્થના કરતા કહ્યું,"હે વાહેગુરુ! આ વખતે તમે મારું સાંભળી લેજો. મારે માટે સંતાન સુખ કરતાં પણ વધારે જસવંત છે. એની મારા બીજા લગ્ન કરવાની ઈચ્છાને જીદમાં પરિવર્તિત થતાં પહેલાં એની કોખ ભરી દેજો. હું એને દુઃખી નથી જોઈ શકતો અને એને ના પાડીને હું એને દુઃખી પણ નહીં કરી શકું અને આ જનમારે હું એનાં સિવાય નહીં રહી શકું એટલે જો તું એની કોખ નહી ભરે તો મારે બીજા જનમની તૈયારી કરવી પડશે."
આ તરફ કુલદીપ પ્રાર્થના કરતો હતો ત્યાં જ બીજી તરફ જસવંત ને ચક્કર આવ્યાં અને તે અર્દાસ કરતાં કરતાં જમીન પર ઢળી પડી.
કુલદીપની આ પ્રાર્થનાથી ભગવાન પણ પીગળી ગયા.
"જો બોલે સો નિહાલ સતશ્રી અકાલ"
6
શીર્ષક : ફરી એકવાર કાશ્મીર
લેખન : દર્શના વ્યાસ
ભીનાં વૃક્ષો સૂર્યનાં કિરણોથી કાશ્મીર નવપલ્લવિત દેખાઈ રહ્યું હતું. પર્વતની ખીણો ઝાડની ઘટાઓથી અદ્દભુત દ્રશ્ય ખડું થઈ રહ્યું હતું. પર્વત પર બરફનો ચળકાટ, પાણીના ધોધની સુંદરતા વધારી રહ્યો હતો. આકાશ અને વાદળોના રંગનું સૌંદર્ય એક નજરે જ હૃદય સુધી ઉતરી જાય તેવું હતું. પક્ષીઓના કલબલાટ સાથે અનેક રંગનાં ફૂલો ખીલી પોતાની સુવાસથી ટહુકા સાથે તાલ મિલાવતા હતાં ને ત્યાં જ ગમતીલી ટાઢ એકદમ વીંટળાઈ વળી. આ અદ્ભૂત દ્રશ્ય એક પળમાં જ ઝીલતાં તે બોલી ઉઠ્યો,
"હાતાવાયેન..કુશતવાન..!!
(અહો..!! કેટલી સુંદર પહાડી છે.)અને એ "પેઠવાંગુંન"(નક્કામો માણસ) હજુ અહીં રહે છે! બસમાંથી ઉતરી આજે આઠ વર્ષે ફરી કાશ્મીરની ધરતી ઉપર પગ મૂકતાં જ આંખોમાં કાશ્મીરની પહાડીઓની સુંદરતા પડઘાઈ ઉઠી અને કશ્મીરી ઉદ્દગાર અનાયાસે વર્ષો પછી મોંઢેથી સરી પડ્યાં ને સાથે સાથે કડવી યાદોએ મનને ટકોર કરી. એ નકામો માણસ તે બીજું કોઈ નહિ પણ મારા પિતાના પરમ મિત્ર કૈલાશ પંડિત.
પિતાના સ્મરણ સાથે પીઠ પર ટાંગેલી હેન્ડબેગને આગળ લાવી એણે છાતી સરસી ચાંપી. પિતાને અસ્થિ કળશમાંથી જ નહીં પણ આ જીવનમાંથી પણ મુક્તિ ડાલ સરોવર જ અપાવી શકે અને એટલે જ તો અહીં આવ્યો હતો.
'ચૌદ વર્ષની ઉંમરે કાશ્મીર છોડ્યું હતું. આજે બાવીસ વર્ષની વયે પણ એ ગલી, એ હવા, પહાડીઓ, એ ચિનારના વૃક્ષો બધું પોતાનું થઈ તેને વળગી રહ્યું હતું. પગ સહજપણે ડાલ સરોવર તરફ વહી રહ્યાં પણ મન તો એ આઠ વર્ષ પહેલાંના એ ગોઝારા દિવસ પર જઈ અટકી ગયું.
એ દિવસોમાં કાશ્મીરી પંડિતોને ફરજિયાત ધર્મ પરિવર્તન કરવા અથવા કાશ્મીર છોડવા મજબૂર કરાતાં હતાં.
'બાબા જયપ્રકાશ પંડિત પ્રખર પંડિત ગણાતા. નાનકડી સ્કૂલમાં શિક્ષણ સાથે વેદોનું જ્ઞાન આપતાં. તેમને બે જ વાતનું અભિમાન હતું કે કાશ્મીર જેવી સુંદર મા ભોમમાં જન્મ અને બીજું તે, પંડિત પરિવારમાં જન્મ. આ બંનેમાંથી કંઈ પણ છોડવા કરતાં મોતને વહાલું કરવું પસંદ કરે. જો કે એ છૂટ્યાં પછી જીવાયું જ ક્યાં હતું? તેમના માટે તો સમય ત્યાં જ થંભી ગયો હતો જ્યારે વિધર્મીઓ ધર્મ પરિવર્તન માટે ઘરમાં ઘુસ્યા હતા.
બાબા સવારની પૂજા કરી રહ્યા હતા. મા બેનના વાળ ઓળી રહી હતી અને હું ઉપલા માળે હતો.
બાબાની ધોતી ઉપર ખુલ્લી છાતી પર રહેલી જનોઈ પર વાઢ કરતાં વિધર્મીઓ સામે બાબાએ પડકાર કર્યો. હું એ સાંભળીને ધ્રુજી ઉઠ્યો દોડીને લાકડાનાં દાદર પર બેઠો, તો જોયું કે બાબાને ચાર જણાંએ પકડ્યા છે. મા બેભાન થઈ પડી છે. મારામાં જોમ આવ્યું. મેં દોડીને પગથિયાં ઉતરી બાજુમાં પડેલ લસોટીયાને ઉપાડી એક વિધર્મીને માથે જડી દીધો.
તે સાથે બાબાની બૂમ સંભળાઈ, "ટેસા..નાર.."(જા ભાગ)
અને હું ભાગ્યો.. બસ ભાગતો જ રહ્યો.
બપોરના તપીને સોનવર્ણ લાગતી ચિનારે, ઢળતી સાંજે મારા જીવનની જેમ કથ્થઈ રંગ ઘર્યો તે વેળા, હું થાકીને ઘરે આવ્યો ત્યારે પિંખાઈને પડેલી બેન, દિગ્મૂઢ થઈ અવાચક થયેલા બાબા અને ચોઘાર આંસુએ રડતી મા મને જોઈ વીંટળાઈ વળી. તે ઘડીથી બાબા માટે દુનિયા ત્યાં જ સ્થગિત થઈ ગઈ. મા વેરવિખેર થયેલી દુનિયા બચાવવા બાબાના મિત્ર કૈલાશ પંડિતને ત્યાં મને લઈને ગઈ પણ તેમણે વિધર્મીઓ આગળ નમતું જોખી જનોઈ, શિખા વાઢી દીધી હતી અને અમને જોઈ એમણે દરવાજા બંધ કરી દીધાં.
આખા એ ગુલીસ્તામાં અમારું બાગબાન લૂંટાયુંના ખબર ફરી વળ્યાં હતાં. મેં અને માએ સમેટાયું એટલું સમેટી કાશ્મીરને રામ-રામ કરી રાતના અંધકારમાં દિલ્હીની વાટ લીધી. બાબા સાવ શૂન્ય થઈ ગયા હતા. બસ, તેમની આંખોમાંથી આંસુ સરે અને ક્યારેક કાશ્મીરી ભાષામાં કંઈ બબડે. બાકી, જીવતી લાશ બની ગયા હતા. બેનને ફરી જીવંત કરતાં મા અધમુઈ થઈ. મજબૂરીએ માને મજૂરી કરતાં શીખવી પણ માએ હાર ન માની. મને અને બેનને પગભર કર્યા.
બાબાએ છેલ્લાં શ્વાસ લીધાં ત્યારે,"સુંન ધર કાશ્મીર"(આપણું ઘર કાશ્મીર)બોલ્યા હતાં. એ અંતિમ શબ્દોને યાદ રાખી, બાબાને કળશમાં ભરી માએ મને આજે અહીં મોકલ્યો.'
ત્રણ તરફ પહાડીઓથી ઘેરાયેલું, સહેલાણીઓ, હાઉસ બોટ અને શિકારાઓથી ઉભરાતાં ડાલ સરોવર પર પહોંચ્યો. તેનાં ટાઢાબોળ પાણીમાં બાપુના અસ્થિ સાથે મારા ગરમ આંસુ વહ્યાં. નજીકના શિકારામાં બેઠેલો માણસ મને જોઈ રહ્યો હતો. તે નજીક આવ્યો. મેં તેને કૈલાસ પંડિતની વાત કરી તેના વિશે પૂછ્યું. તેણે મને ચૂપ રહી પાછળ આવવા ઈશારો કર્યો. હું તેની પાછળ દોરાયો ત્યારે દૂરથી એક અત્તર અને કેસરની નાનકડી દુકાન તરફ ઈશારો કરી એ ચાલ્યો ગયો. હું દુકાનમાં ગયો ત્યારે દાઢી અને લીલા પારાની ગળામાં માળા હોવા છતાં તેમને આંખો પરથી ઓળખતાં મને વાર ન લાગી.
"જયપ્રકાશ મારા બાબા.." એટલું સાંભળતાં જ તેમની આંખોમાં ચમક આવી. મને વળગી પડ્યા પછી તરત સાવધ થઈ પાછળ નાનકડા ઘરમાં લઈ ગયા.
દરાજ ખોલી કેસરી ખેસમાં રાખેલાં રૂપિયા મારી સામે ધરતાં કહ્યું,"આ મારા પરમ મિત્ર જયપ્રકાશના ઘરનાં રૂપિયા, તેની અમાનત છે. કેમ છે મારો ભાઈબંધ..? મારે તેની માફી માંગવી છે."
"ધર્મ મૂકીને, સાથ મૂકીને હવે આ રૂપિયાનો શું અર્થ બાબા ગયા તેના અસ્થિ ડાલ સરોવરમાં નાખી તેમને મુક્તિ આપી, અહીં આવ્યો છું."
હાથથી માથું ઝાલતાં એમણે કહ્યું, "એ..ગયો..ને હું અભાગિયો આ ખોળિયું સાચવું? એ રૂપિયા જો હજુ કેસરી સાફામાં સાચવ્યાં અને આ .." કહી નમાઝની ચાદર પર લીલા કપડામાં વીંટાળેલી ભગવદ્દ ગીતા કાઢી અને બાજુમાં ઉભેલી દીકરીનો હાથ ખેંચી કહે,"આ દીકરી..મેં તેને વટલાવા નથી દીધી. જયપ્રકાશને મેં કોલ આપેલો એનો હાથ તને સોંપી મારી વરસોની તપસ્યા પૂરી કરું. દીકરીનો બાપ ખોળિયું બદલી શકે આતમ નહિ.. જા લઈ જા મારી સોન ચીરઇને..મુક્ત કર મને વચનથી. નાસી જાઓ અત્યારે જ..."
દીકરી સાથે મને ઘરમાંથી હડસેલી તેમણે જોરથી કમાડ ભીસી દીધાં.
મારી નજર સોના સામે સ્થિર થઈ અને ચૌદ વર્ષની ઉંમરે પહેલીવાર જાગેલાં તરંગો ફરી ઉઠ્યાં. મેં સોનાનો હાથ પકડયો અને તેની આંખમાં વિશ્વાસ ઝળકયો. અમે બસ સ્ટોપની વાટ પકડી.
7
શીર્ષક : સ્વપ્ન સિદ્ધિ.
લેખન : રસિક દવે.
“જો વિશાલ તારી એક પણ વાત હું માનવા તૈયાર નથી. તારું કોઈ બહાનું હું ચલાવી નહીં લઉં.'ચંદનના લગ્નમાં તો તું ન આવ્યો. તને ખબર છે મને તારી કેટલી ખોટ સાલી હતી.
અને હા તારે શક્ય હોય એટલું વહેલું આવી જવાનું છે. “
“જો સોહન!”
“મારે કંઈ સાંભળવું નથી” કહી સોહને વિશાલની વાત અધવચ્ચે અટકાવી દીધી.
“હું તને એ જ કહું છું કે આ વખતે હું પણ પ્રસંગને બરોબર માણવાના મૂડમાં છું. આખરે મારો મિત્ર દામ્પત્યની દહેલીજ પર પગલાં ભરવાનો છે અને ભાભીસાને પણ મારે મારી ઓળખાણ કરાવવાની છે. અમે માત્ર મોબાઇલથી જ મળ્યા છીએ. એટલે આ દેવર પણ આતુર છે લગ્ન માણવા.”
“જો વિશાલ મારા એમ.બી.બી.એસ.ના અભ્યાસ દરમિયાન કોઈના ટેકાથી ટકી ગયો હોઉં તો તે એક માત્ર તું અને તારો પરિવાર છે. જેણે મારા જેવા હોમસિકનેસવાળા માણસને પરિવારની ખોટ પડવા નહોતી દીધી.”
સોહને વિડિયો કોલમાં વિશાલના માતપિતાને પણ ખૂબ આગ્રહ કર્યો. અને આભાર પણ માન્યો કે મારા જેવા એક ગરીબ દલિત પરિવારના છોકરાને પ્રેમ અને વાત્સલ્ય આપી જીવનસંઘર્ષમાં ટકી રહેવાની હૂંફ અને હૈયાધારણ આપી. જેના લીધે પોતે મેડિકલ અભ્યાસ પૂરો કરી શક્યો. વિશાલના માતપિતાએ પણ પોતાની શુભેચ્છાઓ આપી થોડી શારીરિક તકલીફોને લીધે પ્રવાસની અક્ષમતા દર્શાવી. અને સાથે એ પણ કહ્યું કે “બેટા, આ જગતનિયંતાએ સૌને માનવી બનાવ્યા છે. ઊંચનીચના કાટલા તો આપણે માનવીએ બનાવ્યા છે. આથી ક્યારેય પોતાની જાતને નીચી ના ગણવી. હા શકય હોય ત્યાં સુધી ખરા અર્થમાં માનવ બની રહેવું.”
વિશાલ પણ લગ્નના બે દિવસ અગાઉ મારફતે જોધપુર પહોંચી ગયો અને ત્યાંથી સોહન તેને પોતાના ગામ લઈ ગયો.
આ બે દિવસમાં નાનામોટા કામમાં વ્યસ્ત હોવા છતાં વિશાલે જોયુ કે -
સોહનના દાદા અને બાબા પારંપરિક પહેરવેશ, આખું પહેરણ કે અંગરખુ અને નીચે સુતરાઉ ધોતી ખભા પર ગમછો અને માથે રાજસ્થાની રંગબેરંગી પાઘડીમાં હોય છે. જ્યારે દાદી અને બા ઘેરદાર ઘાઘરો, કમર સુધીની ચોળી કે જે પીઠ અને પેટને સંપૂર્ણ આવરી લે અને ઉપર રંગીન ઘેરા રંગની ચૂંદડી કે જેનો એક છેડો ઘાઘરામાં ખોસી અને પાછળથી આગળ વક્ષને આવરી લે તેમ પહેરે છે. સાથે માથા પર વાળમાં બોર ટીકો, નાકમાં મોટી નથ, ગળામાં ચાંદી કે સોનાની હાંસડી, હાથમાં ચૂડો કે જે ખભા સુધી વધતી પહોળાઈવાળો, રંગીન કાચ, ધાતુ અને હાથીદાંત કે પ્લાસ્ટિકનો પહેરેલ છે. તો પગમાં આંગળીમાં વીંછીયા અને ઘૂંટીથી ઉપરના ભાગે ચાંદીના મોટા વજનદાર કડા કે પાયલ પહેરે છે. એકંદરે આ બધુ સ્ત્રીઓના સૌંદર્યને આગવો નિખાર આપે છે. જ્યારે નવું જનરેશન આધુનિક પહેરવેશમાં પોતાને ગમે તે છતાં મર્યાદા ન લોપાય તેવા પેન્ટ, ટીશર્ટ, કૂર્તી, લેંહગો, પ્લાઝો કે પંજાબી ડ્રેસ પણ પહેરે છે.
બીજે દિવસે સવારે મંડપારોપણમાં તેના મોસાળપક્ષમાં મામા, મામી અને તેની એક માત્ર સંતાન સોના આવ્યા.
રીતરિવાજ મુજબ આનંદમંગલ ગીતો સાથે દિવસભર પ્રસંગો થતા ગયા અને સૌ મહાલતા રહ્યાં. આગલી સવારે જાન બાજુના ગામે ખાનગી બસમાં ગઈ.
બિંદ અને બિંદડીની જોડી જુગતે જગદીશે બનાવી હોય તેમ મંડપમાં શોભી રહી હતી.
કામિની બિંદણી કોઈ અપ્સરા ઉતરી આવી હોય એમ લાગી રહી હતી. કોમળ ભરાવદાર ચહેરા પર નાજુક વળાંક ધરાવતું પ્રમાણસર નાક, ગોરોવાન, નમણી પાતળી ડોક અને લગ્નના લાલ જોડામાં આકર્ષક લાગતી હતી.
સાંજ થતાં પહેલા સાજનમાજન નવદંપતિસાથે ઘેર આવી ગયા. જમી પરવારી સોહન અને નવવધૂ કામિની પરિવાર સાથે બેઠા ત્યારે દાદાસા આશીર્વાદ આપતા બોલ્યા, “સોહન છોરા, કામિની આ ઘરમાં નવાગંતુક છે પણ એને આ ઘૂંઘટાની પ્રથામાંથી હું મુક્ત કરું છું. હા લાજ કાઢવાની નહીં પાળવાની હોય છે. જેમ દીકરી માતપિતા અને વડીલોની આમન્યા જાળવે છે તેમ. કામિની પણ આ ઘરની દીકરી જ છે. તેણે બે ઘરને ઉજાળવાની જવાબદારી સંભાળવાની છે.”
“' અને હા આજથી આ ઘરમાં તારા માસ ને પણ ઘૂંઘટમાંથી છૂટી.” દાદીસાએ પણ ધમાકેદાર વાત કહી.
બધા દાદાસા અને દાદીસાની વાત સાંભળી આશ્ચર્ય અનુભવી રહ્યાં. જે દાદા રૂઢિચુસ્ત હતા તેમના મોંએ આ વાત સૌને માટે આશ્ચર્ય ઉપજવે તેવી હતી.
બીજા દિવસે નાસ્તાના સમયે વિશાલે કામિનીને પૂછ્યું,” ભાભીસા તમે તો આવતાવેત એવું તે શું કામણ કર્યું કે દાદાસા રૂઢિ તોડવા તૈયાર થઈ ગયા?”
“કંઈ નહીં , એ અમારી સગાઈ અગાઉ બિમાર થયા ત્યારે હું જોધપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં મદદનીશ ડોક્ટર તરીકે કામ કરતી હતી ત્યારે દાખલ થયેલા. મારી ફરજ મુજબ હું વડીલોની જે રીતે સહજ માનભેર પ્રેમથી સેવા કરતી જોઈ અને એક જ જ્ઞાતિ ના હોઈ આ તમારા મિત્ર માટે મનમાં જ પસંદ કરી લીધી.અને હા મારી અભ્યાસની કહાણી પણ તમારા મિત્રથી કંઈ કમ નથી. મારે પણ કૈંક પાપડ વણવા પડ્યા છે.મારા ઘરમા પણ બધા મારા વધુ ભણવાના વિરોધમાં હતા.મેં સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છા દર્શાવી તો, 'છોરીયોં કો આગે પઢકર ભી તો ઘર હી તો ચલાના હૈ તો કાહે કી પઢાઈ? ઔર હાં તૂં બહોત પઢકર ક્યા કરોગી, તેરી સગાઈ તો હમને બચપનમેં હી કર રખી હૈ. ઔર વો તો પઢા લીખા નહીં હૈ. તું પઢકર કૌન સા તીર મારેગી!? '
મેં મક્કમ થઈ કહ્યું, 'બાબાસા મોહે યે રિસ્તા મંજૂર નહી. દેખો બાબાસા જમાના કહાં સે કહાં તક પહૂંચા હૈ. ક્યા બેટી હોના પાપ હૈ?'
' બેટી બચાઓ બેટી પઢાઓ કે તહેત સભી ખર્ચા સરકાર ઉઠાતી હૈ. આપ પર બોજ નહીં બનુંગી'.
આખરે બાબા માની ગયા. સારા ટકાએ પાસ થઈ અને મેડિકલમાં એડમીશન પણ થયું. અને એમ.બી.બી.એસ.પણ થઈ.
બાબાસાએ સમાજના વિરોધ સાથે સગાઈ રદ કરી. અને આજે હું આપ સૌની સાથે છું.”
સોનાએ પણ પોતાની આવી જ પરિસ્થિતિની વાત કરી.
વિશાલ, સોહન અને કામિની એ મામા-મામીને સમજાવી સોનાના ઉચ્ચ અભ્યાસ માટે મંજૂરી અપાવી..
8
શીર્ષક - રાજપર્વ
લેખન : ભૂમિ પંડ્યા
ચારધામ યાત્રા જેના વગર અધૂરી ગણાય એવી નગરી પુરીમાં અમે આવી પહોંચ્યા.રસ્તામાં જોયેલી મોહક હરિયાળી, નવા લોકો, નવી ભાષા, અને નવું ખાનપાન, એ સ્થળ વિશે હજી નવું જાણવાની ઈચ્છાને વધારે તીવ્ર બનાવી રહ્યું હતું.અમે મંદિરની ભીતર પ્રવેશ કર્યો. થોડીવારે દર્શન થયા. પ્રસાદમાં ત્યાંના રસગુલ્લાએ મનમાં વધારે મીઠાશ ઘોળી.
કોઈ ખાસ તહેવાર ન્હોતો છતાં ત્યાંનો માહોલ જોતાં લાગ્યું કે કોઈ તહેવારની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. હું જે સ્કૂલમાં જોબ કરતી ત્યાંના જ મારા કલીગ લક્ષ્મીપ્રિયા મારી સાથે હતાં. મેં તેમને પૂછ્યું, "કોઈ તહેવાર છે તમારે ત્યાં કે આ બજારો આવી સુંદર શણગાર સજીને રોજ અહીં આવતા લોકોના મન મોહી લે છે?" લક્ષ્મીપ્રિયા બોલ્યાં, "હા,તહેવાર છે એટલે જ તો આપણે ખાસ આ મહિનામાં અહીં આવ્યાં છીએ." ત્યાંથી નીકળીને અમે તેમનાં ગામ ઉતર્યા, ત્યાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો. લક્ષ્મીપ્રિયાના સાસુ-સસરા, બાળકો અને તેમના પતિએ અમારું સ્વાગત કર્યું.ફ્રેશ થઈને અમે જમવા બેઠાં. થાળીમાં ભાત અને દલમા (તુવેર કે અડદ દાળનો સાંભાર) પીરસવામાં આવ્યાં. જમ્યા પછી થોડી વાર અમે બધાં બેઠાં.એ લોકો એમની ભાષામાં જે વાતો કરતાં એમાંથી જરૂરી વાતો લક્ષ્મી પ્રિયા મને સમજાવતાં હતાં.
બીજા દિવસે વહેલી સવારે ઘરમાં થતી ચહલપહલ સાંભળીને મારી ઊંઘ ઊડી. મેં જોયું તો ઘરમાં સજાવટ ચાલી રહી હતી.સજાવટ પૂરી કરી બપોરનું ભોજન લઇ હું અને લક્ષ્મીપ્રિયા બેઠાં. મેં પૂછ્યું,"મને તમારા તહેવાર વિશે માહિતી જોઈએ છે."લક્ષ્મી પ્રિયાએ સસ્મિત નજર મારી તરફ કરી અને વાત શરૂ કરી...
"રાજ પર્વ" અમારા તહેવારનું નામ.આ તહેવાર જૂનના મધ્ય ભાગના દિવસોમાં મનાવવામાં આવે છે.તેમાં પહેલો દિવસ એટલે કે ‘પહીલી રાજા’. બીજો દિવસ મિથુન સંક્રાંતિ’ અને ત્રીજો દિવસ ‘વાસી સંક્રાતિ’ પણ અમે લોકો ‘ભૂદાહા’ અથવા ‘બાસી રાજા’ તરીકે ઓળખીએ છીએ. ચોથો દિવસ એટલે કે ‘બાસુમતી સ્નાન’.અહીંયા અમે પરંપરાગત વાસણો જ કોઈ પણ વસ્તુ ખાંડવા કે એનો ભૂકો કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ.
ઓરસિયો, ખાંડણી,દસ્તો વગેરે જે કંઈ પણ આપણને પ્રકૃતિએ આપેલું છે એ બધું સ્વચ્છ કરીને મૂકવાનું. મસાલા, અનાજ જેવી વસ્તુઓ પણ અગાઉથી સાફ થઈ જાય છે.પછીના ત્રણ દિવસ સ્ત્રીઓએ ફક્ત અને ફક્ત આરામ કરવાનો. નવી નવી સાડીઓ પહેરવાની,નવા ઘરેણાં, ન કોઈ રોકટોક રાણીની જેમ રહેવાનું. આ તહેવારમાં સ્ત્રીને ધરતીનું રૂપ સમજીને તેને માનપાન આપવામાં આવે છે.તેને માટીમાં હળદર અને સુગંધી ફૂલો મિશ્રિત લેપ કરીને સ્નાન કરાવવામાં આવે છે.આ તહેવારની સીઝનમાં મળતાં ફળો અને કાચો ખોરાક જ આપવામાં આવે છે. અને આ બધું લઈ આવવું જમાડવું બધું ઘરના પુરુષો દ્વારા થાય છે. મને થયું કે સંક્રાંત શબ્દ આવતા આ તહેવાર સૂર્ય કે ખેતીને લાગતો હોવો જોઈએ પણ આમાં તો સ્ત્રીઓને રાણીને જેમ રાખવામાં આવે એવી પણ વાત છે તો આ ખરેખર છે શું? વિચારતી હતી ત્યાંજ લક્ષ્મીપ્રિયા મારો હાથ પકડીને મને આંગણામાં લઈ ગયાં. ત્યાં સરસ વડવાઈઓવાળો વડલો બતાવતાં કહે, “જો આ ઝાડ પર અમે હીંચકો બાંધીએ છીએ હું મારા સાસુ અને મારી દીકરી મન ભરીને હીંચીએ." “અરે પણ તમે અચાનક આ હીંચકો બતાવવા લઇ આવ્યા? રાજપર્વની વાત પૂરી?" ટોપિક બદલાય અને બાળકને કુતુહલ થાય એમ જ મને થયું. લક્ષ્મીપ્રિયા ખડખડાટ હસી પડ્યાં અને બોલ્યાં,"જો આ સફેદ રંગમાં લાલ લાઈનોવાળી અમારી પરંપરાગત સાડી કેવી લાગે છે મને?" હું અકળાઈ પણ સાડી ખરેખર ગમી હોવાથી મેં મિથુનદાના શબ્દો ઉચ્ચાર્યા,"ક્યા બાત." "એમણે લઈ આપેલી, ગયા વરસે. એમ કહીને કે... એ હીંચકાવે ત્યારે આ જ પહેરું."
કહી લક્ષ્મીપ્રિયા વડવાઈ સાથે રમત કરવા લાગ્યા. "જીજુ હીંચકાવે તમને? લાગતું નથી કે જીજુ એટલા રોમેન્ટિક હોય." મેં મજાક કરી ."જીજુ મને, અને બાબા મારા સાસુને હીંચકાવે.”
રિવાજ છે આ તહેવારમાં."લક્ષ્મીપ્રિયાની વાત સાંભળી મને સવાલ થયો. "આ તહેવાર અહીંયા ક્યારથી ઉજવાય છે?અને શા માટે?" “આપણે પુરી મંદિરમાં દર્શન કર્યા ત્યાં એક દેવીની મૂર્તિ વિશે તે મને પૂછ્યું હતું યાદ છે?" લક્ષ્મીપ્રિયાએ મને યાદ અપાવ્યું. "હા,દેવી ભૂદેવી. વિષ્ણુની આઠ પત્નીઓમાં તેઓ પણ એક છે." મેં કહ્યું. "કહેવાય છે આ તહેવાર દરમિયાન દેવી ભૂદેવી રજસ્વલા થાય છે." મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. દેવી એટલે સમગ્ર સૃષ્ટિ અને દેવી એટલે સ્ત્રી! આવો સમન્વય! પણ મને પ્રશ્ન થયો કે સ્ત્રીને સમર્પિત તહેવાર તોય નામ "રાજ પર્વ"? લક્ષ્મી પ્રિયા મને સમજાવતા બોલ્યાં, "હા,અહીંયા રાજ એટલે સંસ્કૃતનું ‘રજ’. રજ શબ્દ રજસ્વલા સાથે સંકળાયેલો છે અને પર્વ એટલે તેની ઉજવણી માટે રાજ પર્વ." "મેં સાંભળ્યું તો હતું કે તમે આ પ્રકારના ઉત્સવો ઉજવો છો પણ તેને અને આ સંક્રાતિ ને શું લેવા દેવા?” મારા પ્રશ્નો વધતાં જતાં હતાં. "જેમ સ્ત્રીને નવા જીવ માટે તેના શરીરને પોષણ આપવું પડે છે એમ ખેતર ખેડતાં પહેલા તેનો પણ આદર વ્યક્ત કરવો પડે છે. જેનાથી ધરતી પણ પોતાના ઉત્તમ પ્રકારના પાક ઉત્પન્ન કરી સૃષ્ટિસંચાલનમાં મદદ કરે. ભારતનાં લગભગ દરેક રાજ્યમાં વાવણી પહેલા આ પ્રકારની પૂજા થાય છે તેનું કારણ પણ આ જ હશે? ક્યાંક કોઈ વસ્તુ ટેબૂ છે તો ક્યાંક તેને જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે! હું વિચારી રહી હતી ત્યાં જ..."ક્યાં ખોવાઈ ગઈ?"લક્ષ્મીપ્રિયાએ પૂછ્યું અને ઉમેર્યું. "આજે સાંજે તારી ગમતી વસ્તુઓ અને સાડીઓ લઈ આવીશું. આ વખતે તું પણ મજા લે અમારા તહેવારની”. “સારું બસ. પણ મને એ કહો તમારા હીંચકા અને હીંચકાવવાવાળા બધું તૈયાર થઈ જશે છે. મને કોણ હીંચકાવશે?” મેં પૂછ્યું. "અરે હું છું ને." કહેતા કમલ આંગણામાં પ્રવેશ્યો." કમલભાઈ તમે! અચાનક રજા મળી ગઈ?" લક્ષ્મીપ્રિયાએ કમલને પૂછ્યું. “રજા તો લેવી પડી. આ વખતે અમ્માનો ઓર્ડર છે કે હવેથી તમારી બહેનપણીને દર વર્ષે હું હીંચકાવું." “થેંક યુ ભાભી" કહેતા હું અને કમલ લક્ષ્મીપ્રિયાને વળગી પડ્યાં.
9
શીર્ષક - ટ્રાન્સફર
લેખન : નિષ્ઠા વછરાજાની
શ્રાવણ માસની એ વહેલી સવારે આકાશમાં વાદળોની ફોજનું આગમન થઈ ગયું હતું. કયારેક સૂરજ વાદળોની પાછળ છુપાઈ જતો તો ક્યારેક વાદળોની પાછળથી ખિલખિલ હસીને ડોકિયાં કરતો. પોતાના આલીશાન પેન્ટહાઉસની અગાસીમાં હિંડોળે બેસી મયંક આ ખુશનુમા સવારની સુંદરતાને જાણે આંખેથી પી રહયો હતો ને એટલામાં જ ચાની ટ્રે હાથમાં લઈને કાવ્યાએ પ્રવેશ કર્યો. આ તેમનો રોજનો નિત્યક્રમ હતો. એ બંનેજણાં નોકરી કરતાં હોવાથી સવારનો આ સમય જ તેમનાં માટે પરસ્પર આપેલો કવૉલિટી ટાઈમ હતો.
પણ, આજે ચા પતાવીને કાવ્યા હિંડોળા પરથી ઝડપથી ઉભી થવા ગઈ ત્યાં જ મયંકે એકદમ રોમેન્ટિક અંદાજમાં એનો હાથ પકડીને ગીત ગાવાનું ચાલુ કર્યું,
"હો..! આજ મૌસમ..બડા બેઈમાન હૈ..
બડા બેઈમાન હૈ..આજ મૌસમ.."
હળવેકથી પોતાનો હાથ છોડાવતાં કાવ્યાએ કહ્યું, "મયંક, મારે ઑફિસ જવાનું મોડું થઈ રહ્યું છે ને તને અત્યારે આ 'વેવલાવેડાં' સૂઝે છે! એક તો ઑફિસ પહોંચવાનું ટેન્શન ને ઉપરથી માથે ઝળુંબતી ટ્રાન્સફરનું ટેન્શન! ક્યારેક તો થાય છે કે નોકરી જ છોડી દઉં! આ પેન્ટહાઉસ લીધું એની લૉન જો માથા પર ન હોત ને તો કયારનીયે નોકરી છોડી દીધી હોત! પૅન્શન ના મળે તો ભાડમાં ગયું!" એ એકદમ અકળાઈ ગઈ. મયંકે પરિસ્થિતિ પામી જતા મૌન રહેવું જ ઉચિત માન્યું. કાવ્યા ઝડપથી ઘરમાં જતી રહી અને તૈયાર થઈને બસ સ્ટેન્ડ પર પહોંચી પણ એની સ્ટાફ બસ નીકળી ગઈ હતી. એ સ્ટેન્ડની બાજુમાં ઉભેલી રિક્ષામાં જઈને બેસી ગઈ. રિક્ષાવાળો જાણીતો હતો એટલે એણે સીધી રિક્ષા ઓફિસ તરફ મારી મૂકી. રિક્ષા ખૂબ જ વેગથી આસ્ફાલ્ટની કાળી સડક પર દોડી રહી હતી ને એનાથીયે તીવ્ર ગતિએ એનાં મગજમાં વિચારો!
અત્યાર સુધી તો 'છોકરાં નાનાં છે.' એ બહાનાં હેઠળ એની ટ્રાન્સફર ગુજરાતનાં જ શહેરોમાં થઈ હતી, પણ જે નવા મેનેજિંગ ડાયરેક્ટર આવ્યા તે બહુ જ કડક હતા એટલે આ વખતે એની ટ્રાન્સફર ગુજરાતની બહાર થવાની વકી હતી.
છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં એનું જીવન ઠરીઠામ થયું હતું ત્યાં પાછાં ઉચાળાં ભરવા પડશે! નવા શહેરમાં ઘર, બાળકોના એડમિશન અને મયંકને નોકરીમાં ટ્રાન્સફર મળે તો ઠીક નહીં તો એણે નવી નોકરી શોધવી પડશે. આ બધું વિચારતા એનું મન વિચારોને ચગડોળે ચઢ્યું. ત્યાં અચાનક રિક્ષાને બ્રેક વાગી એણે જોયું તો એની ઓફિસ આવી ગઈ હતી.
હજુ, તો એ ઓફિસમાં જઈને પોતાનું કોમ્પ્યુટર ઑન કરે, ત્યાં તો તેની સ્ક્રીન પર એક ઈ-મેઈલ પૉપ-અપ થયો. એ ઈ-મેઈલ ખોલતાં જ એને ખ્યાલ આવ્યો કે, એને બ્રાન્ચ મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું અને સાથે સાથે એની ટ્રાન્સફર પૂહતી થઈ છે. એણે આવતાં અઠવાડિયાથી હવે ત્યાંની ઓફિસમાં બેસવાનું હતું. એણે તરત જ મયંકને ફોન કરીને આ સમાચાર આપ્યાં. મયંકે એને અભિનંદન આપતા કહ્યું, "આઈ એમ પ્રાઉડ ઓફ યુ, માય ડિયર! સાંજે સાથે મળીને સેલિબ્રેટ કરીશું."ઓફિસમાં જેમ-જેમ બધાંનેતેનાં પ્રમોશનની જાણ થતી ગઈ તેમ-તેમ કાવ્યા પર જાણે અભિનંદનની વર્ષા થતી રહી. મનનાં અજાણ્યાં ખૂણે ચિંતા હોવા છતાં ઓફિસનાં સહકાર્યકરો અને મિત્રોની માંગણીને વશ થઈ એણે પ્રમોશનની પાર્ટી આપી.
સાંજે ઓફિસેથી પાછાં ફરતાં અચાનક જ કાવ્યાને યાદ આવી ગયું કે એની જ સોસાયટીમાં રહેતાં વીણા અને હીના જ્યારે શાકની લારીએ કે સોસાયટીના કોમન ફંકશનમાં ભેગાં થાય ત્યારે એકબીજા સાથે મરાઠીમાં જ વાત કરવાનું શરૂ કરી દેતાં. એક દિવસ તો કાવ્યાએ એ બંનેને કહ્યું પણ ખરું, "વીણા, મરાઠીમાં અમને ગાળો આપશો ને.. તો પણ અમને ખબર નહીં પડે! અમને સમજાય એવી ભાષામાં વાત કરો ને!" એણે આમ કહ્યું એટલે કાવ્યાની પડોશી સીમાએ પણ એમાં ટાપશી પૂરાવી,"આવું ના ચાલે હોં..! અમારી સામે જ અમારાથી ખાનગી વાતો કરવાની?" આ સાંભળીને એ બંને કાવ્યા ને સીમા સામે જોઈને હસી પડ્યાં ને એકીસાથે બોલી ઉઠ્યાં,
"અગ અસ કાંઈ નાઈગ.(અરે! એવું કંઈ નથી.) આ તો અમસ્તી જ વાતો કરતાં હતાં."
થોડીવાર ગુજરાતીમાં વાત કરીને પાછાં મરાઠીમાં વાતો કરવા લાગ્યાં જાણે આજુબાજુ કોઈ છે જ નહીં! ત્યારે કાવ્યાએ સીમાને કહ્યું, ”ખરાં છે આ તો! આવું થોડું કરાય? એ બંને જણાં જાણે એકલાં હોય તેવું વર્તન કરે છે. આપણને અપમાન જેવું ના લાગે!" સીમાએ હસીને કહ્યું,"જવા દે ને..!"
એ આમ યાદ કરતી હતી ત્યાં સોસાયટીના ગેટ પાસે જ એને વીણા મળી. એને હાય, હલ્લો કરીને એણે વાત કરી કે તેની ટ્રાન્સફર પૂણે થઈ છે ને હવે અઠવાડિયામાં એને ત્યાં હાજર થવું પડશે. આ સાંભળીને વીણા તો ખુશ ખુશ થઈ ગઈ. પૂણે તો એનું વતન હતું. એના પતિની નોકરીને લીધે જ એ અહીં આવી હતી. એણે તરત જ કહ્યું ,"પાર્ટી આપો. હવે તો તમે પણ 'મરાઠી મુલગી' બની જશો." એને મનોમન વિચાર આવી ગયો, 'અરે! 'મરાઠી મુલગી' ક્યાંથી બનીશ?મરાઠી તો આવડતી નથી!'
મયંકે ઓનલાઈન રેન્ટલ હોમ અને બાળકોનનાં એડમિશનની વ્યવસ્થા કરી દીધી. પૂણે પહોંચીને કાવ્યાએ ઘર તો સરસ સેટ કરી લીધું અને સોસાયટીના વોચમેનને કોઈ સારાં કામવાળા બેન શોધી આપવા કહ્યું. સવારે આશરે સાડા સાત વાગ્યે એનાં ઘરનો ડોરબેલ વાગ્યો. એણે દરવાજો ખોલ્યો તો વોચમેન કામવાળી બાઈને લઈને આવ્યો હતો. કાવ્યાએ કામવાળી બાઈ તરફ નજર કરી. એ નાહી ધોઈને સુઘડ તૈયાર થઈને આવી હતી. તેણે મરાઠી ઢબે બોડૅરવાળી સાડી પહેરી હતી , કપાળમાં સાડીને મેચિંગ સરસ મોટો ચાંદલો કર્યો હતો અને વાળ ઓળીને સરસ અંબોડો વાળ્યો હતો અને પાછો ગજરો પણ લગાવેલો હતો. ગળામાં બે નાની નાની વાટકીઓ વાળું સરસ મંગળસૂત્ર પહેર્યું હતું ને પગમાં ઝાંઝર ને હાથમાં લીલી કાચની બંગડીઓ! કાવ્યાને થયું, 'આ કામવાળી છે તો પણ કેવી સરસ તૈયાર થઈને આવી છે ને હું તો હજી ગાઉનમાં લઘરવઘર ફરું છું.' એને શરમ આવી ગઈ.
બાઈએ આવતાંની સાથે જ બોલવા માંડ્યું,
"માજ નાવ સરિતા આહે.(મારું નામ સરિતા છે.)
તુજ નાવ કાય આહે?(તમારું નામ શું છે?) "
કાવ્યાએ તેની સાથે હિન્દી અને ઈંગ્લિશમાં વાત કરવાની કોશિશ કરી જોઈ પણ બધું વ્યર્થ! એટલે કાવ્યાએ વોચમેનને કહ્યું કે સરિતાને પૂછે ,"એ ક્યાં ક્યાં કામ કરે છે? તે કેટલો રૂપિયા લે છે? ને એને સવારે સાત વાગ્યે આવવાનું ફાવશે?" એટલે વોચમેને એને એ પ્રમાણે મરાઠીમાં પૂછવા માંડ્યું,
"તુ કુઠે કુઠે કામ કરતે? તુલા પગાર કિતી દેતાત? તુલા સકાલી સાત વાસ્તા યેઈલા જમેલ કા?"
એ બંને મરાઠીમાં જે બોલ્યાં, એમાંથી કાવ્યાને બાઈનું નામ સરિતા છે એટલું જ સમજાયું. રહેતાં રહેતાં ધીરે ધીરે એ પણ નવાં નવાં મરાઠી શબ્દો અને નાનાં નાનાં વાક્યો શીખવા લાગી. 'લવ કર', 'ઈકડે આ', 'પાઉસ આલા', 'માજ નવરા' વગેરે વગેરે..એમ કરતાં કરતાં છ મહિનામાં તો એ પણ ઘણું મરાઠી બોલતા શીખી ગઈ. હવે, એને સરિતા સાથે, ઓફિસમાં મિત્રો સાથે ને પડોશીઓની સાથે મરાઠીમાં વાત કરવાનું ફાવી ગયું હતું. આ સમય દરમિયાન મયંક પણ નવી નોકરી શોધીને પૂણે આવી ગયો હતો.
એવામાં 'ઉત્તરાણ' આવી, પણ આજે સવારથી બાળકો ઉદાસ હતાં કેમ કે, ઉત્તરાણનો તહેવાર હોવા છતાં પણ અહીં તો ક્યાંય પતંગ પણ મળતાં નહતાં ને આજુબાજુ કોઈ પતંગ ચગાવતું પણ નહોતું. કાવ્યાએ તલની ને શીંગની ચીકીઓ બનાવી હતી અને માર્કેટમાંથી શેરડી, બોર વગેરે પણ લઈ આવી હતી, પણ 'એ ધાબે ચઢીને પતંગ ચગાવવાની મજા ક્યાં?' મયંક પણ બાળકોની જેમ જ મોઢું લટકાવીને ફરતો હતો. એણે મયંક અને બાળકોને સમજાવતાં કહ્યું, "તમે જ્યાં રહેતા હોવ તે પ્રદેશના તહેવારો, કલા ને ખાનપાન અપનાવો તો તમે જલ્દીથી જે-તે પ્રદેશના લોકો સાથે ભળી શકો છો અને આત્મિયતા કેળવી શકો છો માટે હંમેશા સંકુચિતતા છોડીને વિશાળતા અપનાવવી જોઈએ."
એમની વચ્ચે આમ વાતો ચાલતી હતી ત્યાં જ એની બાજુમાં રહેતા સુમિત્રાબેને એને 'હલ્દી-કુમકુમ' માટે પોતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. 'એને થયું આ શું હશે?' સાંજે જ્યારે એમનાં ઘરે ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ એક મરાઠી પરંપરા છે તે દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓનેબોલાવીને તેમને હળદર ને કંકુનો ચાંદલો કરીને કોઈ નાની મોટી ગિફ્ટ આપવામાં આવે છે. એને આ પરંપરાનો હિસ્સો બનવાનો આનંદ થયો.
આમ ને આમ દિવસો પસાર થતાં હતાં. ત્યાં ચૈત્ર મહિનો આવ્યો. એણે ચૈત્રી નવરાત્રીની તૈયારીઓ કરવા માંડી. બજારમાં પણ રોનક દેખાવા લાગી. એને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ચૈત્રી એકમ એ મરાઠી નવું વર્ષ ચાલુ થાય એ દિવસ તેઓ 'ગુડીપડવા' તરીકે ઉજવે છે.એણે 'ગુડી પડવા'ને દિવસે દરેક ઘરની બહાર 'ગુડી' લટકતી જોઈ. તેમાં એક લાકડાંના ડંડા પર પંચધાતુનો લોટો, નાળિયેર, કોરી(નવી) સાડી લટકાવીને તેની પૂજા કરી ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. એને આ બધું જાણવા જોવાની મજા પડતી.
હવે, તો એ ગુજરાતી તહેવારોની સાથે સાથે મહારાષ્ટ્રીયન તહેવારો જેવાં કે 'હલ્દી-કુમકુમ', 'ગુડીપડવો' ઉજવતી થઈ ગઈ હતી ને ગણેશચતુર્થી પર ગણેશજીની નાની સરખી મૂર્તિ લાવી તેની દસ દિવસ સ્થાપના કરી ને પૂજા-આરતી કરી એ ગણેશજીનો તહેવાર પણ ઉજવતી. એ પોતે હવે અન્ય મરાઠી સ્ત્રીઓની જેમ દરરોજ પોતાના વાળમાં ગજરો નાંખતી થઈ ગઈ હતી. આમ, એ પૂરેપૂરાં મહારાષ્ટીયન રંગે રંગાઈ ગઈ હતી.
એવામાં એનાં સામેના ફ્લેટમાં એક ગુજરાતી પટેલ ફેમિલી રહેવા આવ્યું. એમને મળીને તો કાવ્યા ખુશ ખુશ થઈ ગઈ. એ તેમની સાથે ગુજરાતીમાં જ વાત કરતી. બહુ ઝડપથી એ પટેલ ફેમિલી સાથે એનો ઘરોબો બંધાઈ ગયો. એકવખત, કાવ્યાને ઘરે સામેવાળા પટેલ આન્ટી આવ્યાં એટલે કાવ્યા અને એ પટેલ આન્ટી ગુજરાતીમાં વાત કરવા માંડ્યા. આ સાંભળીને ઘરમાં કામ કરતી સરિતા બોલી,
"તુમ્હી આષ બોલાતાત માલા કાહીય કલત નાહીં.(તમે શું બોલો છો મને કંઈ સમજાતું નથી.)”
“માજ વાઈટ બોલતાત કા?(શું મારા માટે ખરાબ બોલો છો?)”
આ સાંભળીને કાવ્યાને તરત જ યાદ આવી ગયું કે તે પણ વીણા અને હીનાને આ જ રીતે ટપારતી, પણ હવે એને સમજાયું કે પોતે કેટલી ખોટી હતી! પારકાં પ્રદેશમાં કોઈ તમારી માતૃભાષામાં વાત કરે તો એ તમને કેટલું પોતીકું લાગે! એની સાથે વાત કરીને કેટલું સારું લાગે!
કાવ્યાને એ વાતનો ખ્યાલ આવી ગયો કે, આપણા જીવનમાં માતૃભાષાનું સ્થાન કેટલું અદકેરું હોય છે! એને 'માતૃભાષા દિવસ'ને દિવસે સ્કૂલમાં ગવડાવતા તે ગીત યાદ આવી ગયું.
"માએ ધાવણ સંગ સીંચેલી કદી,
નસેનસમાં લોહી બનીને દોડતી,
હેત નીતરતાં એ હાલરડાં સમી,
મીઠડી ભાષા એ ભૂલાતી નથી."
10
શીર્ષક : પલ્લવ - પાવની
લેખન : વૃંદા પંડ્યા
"અરે ! માધવ,મેં તને ના કીધુને મારે નથી આવવું"
વધુ પડતા આગ્રહથી પલ્લલવ ચિડાયો.
"સાંભળ,મને એમ પણ લગ્ન, પ્રેમ અને વચન જેવા ખોખલા શબ્દો પર કોઈજ વિશ્વાસ નથી. અરે! મને તો વિશ્વાસ પર જ વિશ્વાસ રહ્યો નથી. આવા શબ્દો લોકો પોતાના મતલબ પ્રમાણે વાપરતા હોય છે અને એનુ મૂલ્ય વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે બદલાતુ હોય છે.”
"અરે ભાઈ પલ્લવ! ના આવીશ, પણ તારા ભૂતકાળના ત્રાજવાથી બધાજ સંબંધોને ના તોળીશ., આ તો અંગત મિત્રના લગ્ન, આપણા શિવરાજના લગ્ન છે બાકી તારું તો મને ખબર છે ને!”
પલ્લવ થોડો નરમ પડ્યો. મિત્રના લગ્ન સામે એણે એની જીદ પડતી મૂકી.
"સારુ ચાલ આવીશ પણ જાનમાં નહીં આવુ સીધો લગ્ન સ્થળે પહોંચીશ.આપણા શિવાના લગ્ન છે તો આવવું જોઈએ ને?”
શિવરાજ, માધવ અને પલ્લવ સંઘર્ષથી લઈને સમૃદ્ધિ સુધીની સફરના અફર મિત્રો હતા.સમય બદલાયો, સંજોગો પણ બદલાયા પણ એમની દોસ્તી બદલાઈ નહીં.
નિર્ધારિત સમય કરતા પલ્લવ એના સ્વભાવ પ્રમાણે વહેલો પહોંચી ગયો. એના ચહેરા પરનો કંટાળો કોઈ અંધ પણ વાંચી શકે એટલો સ્પષ્ટ હતો પણ નાકમાં નથ, થુશી,સાજ,બાજુબંધ (વાકી), બેલપન, નવ્વારી સાડીમાં સજ્જ દુલ્હન અને એની સખીઓએ એનું આકર્ષણ વધાર્યું.
ત્યાંજ એક કર્ણપ્રિય અવાજે એનું ધ્યાન ખેંચ્યું.
"ચાલો ચાલો, એકવાર તૈયારી કરી લઈએ વરઘોડામાં આપણુ નૃત્ય આગવુ હોવું જોઈએને.આપણી સખીના લગ્ન છે."
આખા મોઢાંને આવરી લેતો ઘૂંઘટ, લીલીપીળી નવ્વારી સાડી, માથામાં ગજરો ને નાકમાં નથ પહેરી ઢોલકીના તાલે વાગી રહેલા ભાતીગળ ગીત પર કમર અને પગ થિરકાવી તાલબદ્ધ નૃત્ય કરી રહેલી એ સ્ત્રી પલ્લવ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ ને જ્યાં એના ચેહરા પરથી ઘૂંઘટ હટ્યો ત્યાં જ પલ્લવની આંખો ફાટી ને ફાટી રહી ગઈ અને વીસ વર્ષ પહેલાના ભૂતકાળમાં જઈને ખૂલી.
સુંદર ડુંગરાળ પ્રદેશ ને કુદરતના ખોળે વાસ કરતુ નાનકડુ નિર્દોષતાથી છલોછલ ભરેલુ એ ગામ, ને ગામમાં પલ્લવનું ઘર. અરે એ ઘર ક્યાં હતું એ તો ઝૂંપડું હતું! ઘરનો સૌથી મોટો દીકરો એટલે પલ્લવ. સૂર્યના નવપલ્લવિત કિરણોની લાલિમા જેવો એનો દેહ પહાડો વચ્ચે પલવાયો હતો એટલે શરીર મજબૂત હતું પણ કપડાં ગરીબીની ચાડી ખાતા.
દરરોજ નિયમ પ્રમાણે કાન્તિસાહેબના ઘરે પલ્લવનો અવાજ ગુંજે.
"એય બુન ! પૂણી લેહો કે નઈ" એદમ તાજી લાયોસ"
પલ્લવ રોજ પતરવેલનાં પાના તોડી એની પૂણી બનાવી વેચવા આવતો. પિતાના મૃત્યુ પછી કુટુંબ અને નાના ભાઈ બહેનની જવાબદારી આવતા આઠ ચોપડી ભણી વચ્ચે જ ભણવાનું છોડી દીધું.
"મા પૂછે છે કે પૈહાની પૂણી આલસે?” આષાઢ માસના પહેલા વરસાદ જેવુ, યૌવનના ઊંમરે પગલુ મૂકવાં આતુર એવુ શૈશવ એની સામે ઉભું રહી ગયું. એનું નામ પાવની. એ કાન્તિમાસ્તરની એકની એક દિકરી. કાન્તિમાસ્તર ગામની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા એટલે માસ્તર સાહેબથી પ્રખ્યાત હતા.
નામ પ્રમાણેના ગુણ ધરાવતી પાવની પલ્લવને ક્યારે પ્યારી લાગવા લાગી એની પોતાને પણ જાણ થઈ નહીં. જયારે પણ સાહેબના ઘરે પાવની ના દેખાય એ દિવસે એને ચેન પડતું નહીં.
પલ્લવના મિત્રો એને ચીડવતા પણ ખરા .
"અલ્યા પલ્લા! હું સે પેલા બડા માસ્તરની ઘેર? તાર ત્યાં રોજ રોજ કેમ જવુસ? હમજયા એ બડા માસ્તરની પોરી જબ્બર કોલી છ પણ હમજ, માસ્તર જાણહે તો જબ્બર ડંડા લગાવહે."
"મારે કઈ એને થોડું નુકશાન કરવું છે.બસ એ પોરીને જોઈને હરખાવ છું.એમાય માસ્તર સાહેબને વાંધો પડ. ને એ બધું છોડ પણ તારા પેટમાં કેમ બળાપો ઉપડ છ.”
જેવી પલ્લવની હાલત હતી. બીજી બાજુ પાવનીને પણ પલ્લવ ગમવા લાગ્યો હતો.પાવની પણ બહાનું શોધી પલ્લવને મળવા પાછળપાછળ જતી ને બંને અલકમલકની વાતો કરતા પલ્લવ પહાડી ગીતો ગાતો ને પાવની મંત્રમુગ્ધ બની એને સાંભળતી. આમ ને આમ સમય પસાર થતો ગયો ને બંને એકબીજાને લગ્નના વચન પણ આપી ચુક્યા હતા. બંને ગળાડૂબ પ્રેમમાં હતા.પણ કુદરતને કઈક અલગ જ મંજૂર હતું.
એ કારમો દિવસ હતો જ્યારે અડધી રાતે પાવની પલ્લવને પ્રેમપત્ર લખતી હતી ને એ પાવનીના બાપુજી એને જોઈ ગયા. ઘરમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ આવી ગઈ.પાવનીના પિતાના આઘાતનો પાર ન રહ્યો.એમણે આટલા વર્ષમાં પહેલી વખત પાવની પર પણ હાથ ઉઠાવ્યો. અચાનક આવેલા તોફાનથી પાવની ડઘાઈ ગઈ છતા હિંમતથી બોલી,
"બાપુ, હું એને પ્રેમ કરું છું ને મેં એને લગ્ન કરવાનું વચન પણ આપ્યું છે"
"તો હવે એક વચન મને પણ આપ કે આજ પછી તું એને નહી મળે ને હું જ્યા કહીશ ત્યાં તું લગ્ન કરીશ, નહીતો તો તું મારા મૃત્યુનું નિમિત્ત બનીશ.”
આમ બોલતાની સાથે એમણે જંતુનાશક દવાની બોટલ ઉઠાવીને પીવા તૈયાર થઈ ગયા. ગભરાઈ ગયેલી પાવનીએ વચન આપી દીધું પણ એકવાર મળવાની રજા પણ માગી લીધી.
બીજા જ દિવસે એ પલ્લવને મળી.
"પલ્લવ, હું તારી સાથે મારુ ભવિષ્ય ઉજળું નથી જોઈ શકતી મારા પ્રેમને મારી નાદાની સમજી માફ કરજે અને બને તો જીવનમાં આગળ વધી જજે”.
પલ્લવ કઈ બોલે એ પહેલા પાવની ત્યાંથી ચાલી ગઈ.
પલ્લવને હવે ગામમાં ગમતું નહીં એ શૂન્યમનસ્ક બેસી રહેતો એના મિત્રો વાવડ પણ લાવ્યા કે બડા માસ્તરની પોરીના લગન થઈ ગયાં. એ જાણીને એ વધારે તૂટી ગયો.
દિકરાને એકાંતની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયેલો જોઈ પલ્લવની માએ એને મામાના ઘરે મુંબઈ મોકલી દીધો.
માહોલ ને સમય બદલાયો. પલ્લવ ગગનચુંબી બિલ્ડીંગ જોઈ અચંબામાં પડી ગયો. ગણપતી વિસર્જનમાં થતી ભીડમાં ઉભરાતા માનવમહેરામણ અને લેઝીમના તાલે પગ થિરકાવતી ને લાવણ્યથી છલોછલ ઉભરાતી લાલ લીલી પૈઠણી સાડીમાં સજ્જ ને સફેદ કુર્તા, ધોતી ને માથે ટોપી પહેરેલા સ્ત્રી પુરુષો પલ્લવ માટે આશ્ચર્ય વધારતા.
સમયે સમયનું કામ કર્યુ. પલ્લવ પોતાના જીવનમાં આગળ વધી ગયો. સમયનો સાથ અને એના ખંતીલા.સ્વભાવને કારણે પલ્લવ સફળ ધંધાદારી બની ગયો. ભાગદોડવાળી જિંદગી જીવતા શહેરી માણસો માટે એમને અનુકૂળ આવે એ રીતે શાકભાજી ને અન્ય સામાન પહોંચાડવાનો ધંધો શરૂ કરી એની શૃંખલા શરૂ કરી દીધી અને માધવ શિવરાજ જેવા મિત્રોના સહકારથી એ સફળ પણ બની ગયો.
"પલ્લવ, વહેલો આવી ગયો લા?” માધવના અવાજે એની વિચાર તંદ્રા તોડી.
"અલ્યા ક્યાં ખોવાયો છે? કોઈ ગમી ગઈ કે શું?”
"આ છોકરી કોણ છે? જે હમણાં લાવણી કરતી હતી. એની તાપસ કરાવ, કોણ છે? ક્યાંની છે?શુ કરે છે ?”
“થાંબ ભાઉ થાંબ મને ખબર છે.એ આપણા શિવરાજની પત્નીની મિત્ર છે. એનો પતિ ગંભીર બીમારીને કારણે થોડા વર્ષે પહેલાજ મૃત્યુ પામ્યો છે ને બે દીકરીઓની જવાબદારી એને માથે છે. એટલે એ બધાના ઘરોમાં જઈને જમવાનું બનાવે છે. વાહ! એનું જમવાનું એના જેટલું સ્વાદિષ્ટ હોય છે. યાર! મને તો એમ થાય છે કે…”
"ચૂપ રે માધવ! તારી જીભને લગામ આપ, તને ખબર નથી એ કોણ છે? એ મારી...” બોલતા બોલતા અટકી ગયો.
પણ માધવ બધુજ સમજી ગયો.
"ચાલ ભાઈ ચાલ તારું ચોકઠું ગોઠવી આવું.એને કાલે તારા ઘરે મોકલું આમ પણ રાંધવાવાળીની તારે જરૂર છે ને?”
પલ્લવ બીજા દિવસની ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યો.પાવનીના પાવન પગલાની રાહ જોવામાં મોડી રાત સુધી એને ઊંઘના આવી.આટલા વર્ષો પછી એનો પહેલો પ્રેમ એને મળશે અને એને જે બહાને મને છોડ્યો હતો એ બહાનું પણ રહ્યું નહતું. એટલે હવે અસ્વીકારનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. કાલે નવા વર્ષની સવારે નવનિર્માણ થશે. સૂરજના નવપલ્લવિત કિરણો પાવનીને પલ્લવની બનાવશે. પલ્લવ અને પાવની હવે એક થઈ જશે.આમ કઈ કેટલા સુખદ વિચારોમાં એણે રાત વિતાવી.
વહેલી સવારે જાગી જતા એને વિચાર આવ્યો ‘ચાલને બગીચે લટાર મારી આવુ.પછી તો હું અને પાવની જોડે જઈશું.’
આમ કઈ કેટલા વિચાર કરતો કરતો એ ગાડીમાંથી ઉતરી ચાલતો હતો ત્યાં જ ધડાકા સાથે એક કારમાં બેઠેલો નવયુવાન પાર્ટીની મજા લૂંટી દારૂના નશામાં ચૂર એ યુવાને સ્ટીએરિંગ પરનો કાબુ ઘુમાવી દેતા એક સ્ત્રીને અડફેટમાં લઈ લીધી ને પલ્લવ ત્યાં દોડી ગયો ત્યાં તો એ સ્ત્રીએ પોતાના પ્રાણ છોડી દીધા ને એ સ્ત્રીને જોતાજ પલ્લવ અધમૂવો થઈ ગયો.
કુદરતને કદાચ આ જ મંજુર હશે મારી એક નહીં બે પાવની સાથેની મુલાકાત... ને ધ્રુજતા હાથે એણે દત્તક લેવાના કાગળ પર સહી કરી.
11
શીર્ષક : ઘુડલૌ
લેખન : મેહુલ જોષી
રાજસ્થાનના એ મેવાડ પ્રદેશનો રાજસમંદ જિલ્લો એની પોતાની એક આગવી ઓળખ અને આગવો ઇતિહાસ. આ રાજસમંદના દેવગઢ ગામના પાદર પાસે આવેલા ફળિયામાં માંગીરામના આંગણે શરણાઈ અને ઢોલ ધબકારે વાગી રહ્યા હતા.
સાવૌ (લગ્નનું મુહૂર્ત) નક્કી કરી આપી દક્ષિણા લઈ પંડિતજી રવાના થયા પછી વેવાઈ ધનીરામેં દહેજની વાત કરી રોકડા રૂપિયા પચાસ હજાર પીળી કંકોત્રી લઈને આવો ત્યારે અને બીજા પચાસ હજાર સામૈયા પહેલા આપવા એવું નક્કી થયું હતું.
દેવગઢમાં રહેતા માંગીરામને સંતાનમાં બે દીકરીઓ જ હતી મોટી દીકરી દિવ્યાકુમારી અને નાની દીપ્તિકુમારી, જ્યાં દસ દસ વર્ષની ઉંમરે દીકરીઓના લગ્ન કરી દેવામાં આવે એ સમાજમાં માંગીરામની પત્ની કલ્પનાદેવીએ માંગીરામને સ્પષ્ટ કહી દીધું હતું કે તે કોઈપણ સંજોગોમાં દીકરીઓને ઉંમર થયા વગર નહીં પરણાવે, બાળપણમાં લગ્ન અને મોટી થયે આણું એ પ્રથાથી વિરુદ્ધ જતા કલ્પનાદેવી કુટુંબમાં અળખામણી થઈ પડી હતી. જ્યાં સમાજ દીકરીઓને મૂળાક્ષર પણ શીખવા નૉહતો દેતો એ સમાજ સામે બાથ ભીડીને કલ્પનાદેવીએ દીકરીઓને ભણવા મૂકી હતી. દિવ્યાને સારું ઘર અને સારો છોકરો મળતા તે દિવ્યાના લગ્ન માટે રાજી થઈ હતી પરંતુ દીપ્તિને ભણાવી ગણાવી ઑફિસર બનાવવા માંગતી હતી. માંગીરામે પણ દિવ્યાના લગ્ન થઈ જાય એટલે દેવગઢ છોડી ને શહેરમાં આવી કોઈ નાનોમોટો ધંધો કરી લેશે પણ દીપ્તિને ભણાવશે એવો દ્રઢ નિશ્ચય કરી દીધો હતો.
લગ્નના દિવસો નજીક આવતા, ઘેવર માતાના આશીર્વાદ લઇ પીળી કંકોત્રી અને પચાસ હજાર રૂપિયા લઈને માંગીરામ વેવાઇ ધનિરામને વેળાસર જાન લઈ પધારવાનું આમંત્રણ આપી આવ્યા હતા.
બનડો (વરરાજા) જાન જોડીને ઊંટ પર સવાર થઈ આવી પોહચ્યો હતો, સાસુ જમાઈને પોંખવાની તૈયારી કરતા હતા,તો અન્ય સ્ત્રીઓ પણ સામૈયું ભરવા હરખઘેલી થઈ હતી, આનંદના ગીતો ગવાતા હતા, વરરાજાનું સામૈયું ભરવામાં આવ્યું, તે ઊંટ પરથી નીચે ઉતર્યા, આંબાના પાનના તોરણની વચ્ચે રહી જાનડીયાઓ તેમને ઉતારે લઈ જવા લાગ્યા.
ખુલ્લા ખેતરમાં ખાટલા ઢાળીને જાનના ઉતારાની સગવડ કરવામાં આવી હતી. કન્યા પક્ષે મામેરું ભરવાની વિધિ ચાલુ હતી એ દરમિયાન જાનના મહેમાનોના સ્વાગત માટે કન્યાપક્ષના કેટલાક યુવાનો. આગલા દિવસથી ઠંડો કરવા મુકેલો દારૂ બહાર કાઢી જાનઉતારે પહોંચાડી રહ્યા હતા.ખીચડી પહેલા મહેમાનોને પુષ્કળ દારૂ પીરસવામાં આવ્યો, ખીચડીમાં પણ માંગીરામે વેવાઈના કહેવા મુજબની વાનગીઓ રાખી હતી.
જમણવાર શરૂ થઈ ગયો હતો ત્યાં કન્યાપક્ષની સ્ત્રીઓ દિવ્યાને તૈયાર કરી રહી હતી, દીપ્તિ અને દિવ્યા બંને બહેનોએ ભેગા મળીને એકબીજાની પસંદગી ધ્યાનમાં રાખીને દુલ્હનની સજાવટ માટેની બધી વસ્તુઓ ખરીદી હતી, ખરીદી દરમિયાન દીપ્તિ વારંવાર દિવ્યાને કહેતી "બન્ની મારી ફિકર મત કરીઓ, મેં અપણી શાદી તભી કરૂંગી જબ મૈ કુછ બણ જાઉંગી, ઔર હા! મૈં અપણે પૈસે સે યે સબ શોપિંગ કરૂંગી." આમ દિવ્યા માટે દીપ્તિએ ખાસ ગુલાબી રંગની રાજસ્થાની ચોંલી, ગળા માટે જોધપુરી હાર, જયપુરી ચુડા, ભરતકામ કરેલ મોરલો બાજુબંધ, મોટી નથણી આ બધી વસ્તુઓ ચીવટથી ખરીદી હતી, દુલ્હનના ડ્રેસમાં દિવ્યાકુમારી તે દિવસની તેમની કલ્પના કરતા પણ વધુ ખૂબસૂરત લાગી રહી હતી. દિવ્યાની નજર ઉતારી, દીપ્તિ જીજાજીને દુલ્હાના ડ્રેસમાં જોવા જાન ઉતારે પહોંચી ગઈ.
બનડાને જોધપુરી ધોતી અને કુર્તી પહેરાવી માથે પરંપરાગત પાઘડી મુકાવી એ પાઘડીમાં મોરપીંછ કલરની કલગી ખોંસીને એના મિત્રોએ તૈયાર કર્યો હતો, દુલ્હાને જોઈને દીપ્તિ મનોમન રાજી થઈ, અને 'જયપુર સહર ઘુમાદ્યો જીજા' જેવા ગીતો ગાઈને મસ્તી કરતી પાછી દિવ્યા પાસે આવી.
જમણવાર પૂરો થયો વરરાજા તોરણે ચડ્યા, સાસુ કલ્પનાદેવી બનડાનો ખેસ પકડીને માયરા તરફ લાવી રહ્યા હતા, બીજી તરફ જાનના ઉતારે બે ગામના મુખીઓ અને વર તેમજ કન્યાપક્ષના સબંધીઓ વચ્ચે લગ્નના નક્કી કરેલ રૂપિયાને લઈને મતભેદ સર્જાયો, વાત વણસી ગઈ, અને વરપક્ષના લોકો જીદ પર આવી ગયા હતા, ગણી દલીલો ચાલી અને છેવટે લીધેલા લગ્ન અટકે નહીં, વર લીલા તોરણે કન્યા લીધા વિના પાછો જાય નહીં એટલા માટે વધારાના વીસહજાર રૂપિયા કન્યાવિદાય પહેલા વરપક્ષને આપવા આવું નક્કી થયું અને સમાધાન થયું.
માંગીરામ આ નિર્ણય સાંભળીને ભાંગી પડ્યો, એની પાસે હવે વધારાના હજાર રૂપિયા પણ નહોતા જે આ રીતે આપી શકે. બાપદાદા તરફથી વારસામાં મળેલું એક નાનકડું ખેતર જે વેચીને તેણે પચાસ હજાર ભેગા કર્યા હતા, હવે વીસહજાર રૂપિયા તે કોઈ સંજોગોમાં ચૂકવી શકે એમ નહોતો.
માંગીરામને સબંધીઓએ સમજાવી લગ્નમંડપમાં વિધિ પુરી કરવા મોકલ્યો, બનડો બનડી આ વાતથી અજાણ પોતાના ભાવિ સંસારની સુખદ કલ્પના કરતા માયરામાં બેઠા હતા, દીપ્તિકુમારી બેન જીજાની જોડી જોઈ પ્રસન્ન હતી.
યજ્ઞવેદીમાં ચાર ફેરા ફરીને દિવ્યાકુમારી અને રાજેન્દ્રકુમારના લગ્ન સંપન્ન થયાં, હવે વરવધૂ ઘરમાં ભગવાન આગળ પગે લાગવા આગળ વધી રહ્યા હતા, ત્યાં દીપ્તિકુમારી બારણું રોકીને ઉભી રહી. સાળી જીજા વચ્ચે પૈસાની રકઝક સ્નેહી સ્ત્રીઓ માણી રહી હતી, ત્યાં મંડપમાં માંગીરામનો બનેવી એમને શોધતો આવ્યો, નવદંપતીને આશિષ આપી માંગીરામ પંચ સમક્ષ હાજર થયો.
કન્યાપક્ષેથી માંગીરામના કાકાએ માંગીરામને જણાવ્યું "વીહ હજાર સો બંદોબસ્ત હો ગીયો હૈ, અપણા શેઠ કિરોડીમલ થારે કો બીસ હજાર રૂપિયા દેગા, થારે કો અબ કોનો ફિકર કરનેકી જરૂરત નાહી હૈ."
માંગીરામ આભારવશ ગામના ધનાઢ્ય કિરોડીમલ શેઠ સામે જોઈ રહ્યો હતો. ત્યાં પંચના મુખીએ એના કાકાને કહ્યું " રામલાલ, શેઠ કી શરત ભી તો સુણવા દ્યો." રામલાલ આગળ બોલ્યો, "હા ભાયા નક્કી ઇ હોયો હૈ કી થારી બેટી દીપ્તિ સાગડી મેં કિરોડીમલ શેઠ કે સાથ જાવેગી, મતલબ આજસે થારી દીપ્તિ શેઠકી હુઈ, કિરોડીમલ યે બારાત બિદાઈ હોણે કે બાદ દીપ્તિકુમારી કો સાગડી મેં અપણે સાથ લે જાવેગા, ઇ પંચોસા ફેંસલો હૈ."
માંગીરામના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેમ તે ફસડાઈ પડ્યો, સાગડીમાં એ સાઠ વર્ષના વૃદ્ધ વિધુર સાથે પોતાની અરમાનો ભરેલી દીકરી મોકલવાનો વિચાર આવતા જ માંગીરામની આંખો મીંચાઈ ગઈ.
પંચો અને વડીલો કલ્પનાદેવી અને તેની બે દીકરીઓને આ ખબરથી બેખબર રાખી વિદાયની તૈયારી કરી રહ્યા હતા.
સ્ત્રીઓ મોટેથી ઘુડલૌ (લગ્નગીત) ગાઈ રહી હતી....
બનડી છોડ બાપુજી રી આંગલી,
લાડલી છોડ બાબુજીરો હેત.
12
શીર્ષક : વાત એક રાતની
લેખન : ડૉ વિનોદ ગૌડ઼
ભારતની ઉત્તરી સરહદના રખેવાળ પર્વતરાજ હિમાલય અને તેના આંચળમાં વસે છે એટલે જ કદાચ તેનુ નામ હિમાચલ પડ્યું. સાચુ ખોટુ શું છે તે જાણકારી ઈતિહાસવિદો પાસે હશે પણ હુઁ તો આ જ માનું છું.
સીધા, સાદા, સરળ અને નિષ્કપટ લોકો, પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિથી ભરપૂર પ્રદેશ. ઉંચી ઉંચી લીલોતરીથી આચ્છાદિત પર્વત શ્રુંખલાઓ અને ઉંડી ઉંડી ખીણોં, મનમાં થોડો ભય તો ઉપજાવે પણ સાથે સાથે કુદરતના અસ્પર્હ્ય રુપની ઝાંખી કરાવી પોતાના પ્રેમમાં પડવા વિવશ કરી દે .
કુલૂ , મનાલી, ડેલહાઉજી, મેક્લોઈડગંજ, ધર્મશાળા, દલાઈલામા મઠ, જ્વાલાદેવી, નયનાદેવી જેવા અનેક દર્શનીય અને ધાર્મિક સ્થળોની મુલાકાત સહેલાણિયો માટે જીવનની એક અવિસ્મરણીય યાદ બની જાય છે. હિમાચલ પ્રદેશનુ ઐતિહાસિક ભૂતકાળ પરંપરાઓં અને કિવદંતિઓથી ભરપુર રહ્યુ છે. હું કોઈ પ્રવાસ ગાથા નથી વર્ણવી રહયો પણ મારી સાથે ઘટેલ એક રાતની વાત સાઝી કરી રહ્યો છું.
નાલાગઢ઼ ,સોલન જિલ્લામાં આવેલ એક સુંદર શહેર. બહુ મોટુય ના કહેવાય તો સાવ નાનુય ના ગણાય. પર્વત શ્રૃંખલાઓ અને ઉંડી ખીણોંની હરિયાળી વચ્ચે સ્વચ્છ અને સાફ હવામાં શ્વાસ લેતું એક જીવંત નગર . થોડાક ઔધોગિક એકમો ત્યાંના સ્થાનિક લોકોની આજીવિકાનું સાધન.
મારી કંપનીના કામ અર્થે એક વાર નાલાગઢ઼ જવાનુ થયુ. અમદાવાદથી ચંદીગઢ ફલાઈટમાં અને પછી ચંદીગઢથી નાલાગઢ઼ સુધી ટેક્સીમાં જવાની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવી હતી. રહેવાની વ્યવસ્થા ‘ફોર્ટ નાલાગઢ રિસોર્ટમાં ‘ હતી. અમદાવાદથી ફલાઈટમાં બપોરે લગભગ બે વાગે ચંદીગઢ પહોંચી ગયો. લગેજમાં એક બ્રીફકેસ સિવાય કાંઈ હતું નહીં એટલે બહાર આવતા બહુ મોડું ના થયુ. એરપોર્ટથી બહાર આવતાં લૉબીમા, હાથમાં મારા નામનું ડિસપ્લે કાર્ડ લઈને ઉભેલ ટેક્સીડ્રાઇવરને જોયો.
ટેક્સીમાં બેઠા રસ્તાના નયનરમ્ય દૃશ્યો જોવામાં એટલો બધો મશગૂલ થઈ ગયો કે નાલાગઢ પહોંચ્યા ત્યા સુધી માંડ એક બે વાક્યોંની આપલે ડ્રાઇવર સાથે થઈ.
ફોર્ટ નાલાગઢ રિસોર્ટનાં રસ્તે ગાડી વળી ત્યારે ખ્યાલ આવ્યુ કે તે શહેરથી થોડે દુર પહાડી પર સ્થિત હતું. પહાડોંના વળાંકદાર સાંકડા માર્ગ પર થઈને અમારી ટેક્સી એક વિશાળકાય ગુંબજાકાર દરવાજે જઇને ઉભી રહી. ડ્રાઇવરે હૉર્ન વગાડયુ . થોડીવારમાં ડોકાબારી ખોલીને ટૉર્ચની લાઇટનો શેરડો ગાડી પર નાખીને અપેક્ષિત મહેમાનના વાહનની ખાતરી કરીને તોતિંગ દરવાજાનો અડધો ભાગ ખોલવામાં આવ્યી.
અંદર જતા સમયે મારી નજર એક ઉમરદરાજ પણ સશક્ત વ્યક્તિ પર પડી જે પૂરા દરબારી પરિવેશમાં મસ્તક નમાવીને અભિવાદન કરી રહ્યો હતો “સૌઆણ મારાજ “. (આપનુ સ્વાગત છે શ્રીમાન, જે મને પછી ખબર પડી)
ડ્રાઇવરે કહ્યુ કે આ બુઝુર્ગના વડીલોં રજવાડાના સમયથી આ ડ્યોઢી પર દરવાનનું કામ કરતા હતાં તો હોટલ મેનેજમેન્ટે તે પ્રથા જાળવીને આમને નોકરીમાં બહાલ કર્યા છે.
રિસેપ્શનમાં જુના સમયના રજવાડી એન્ટીક ફર્નીચર , ફાનસ , તસવીરોંથી રાજવી વાતાવરણનો આભાસ થયો.
રિસેપ્શનમાં હિમાચલ પ્રદેશની પારંપરિક વેશભૂષા અને શ્રૃંગાર સજેલી યુવતીઓ દ્વારા મધુર મુસ્કાનસહ દરબારી સ્વાગત થયુ “સૌઆણ મારાજ “, ઘડી ભર તો લાગ્યુ જાણે હું એક રાજવી છું અને મારા મહેલમાં મારુ સ્વાગત થઈ રહ્યુ છે.
ફોર્ટ નાલાગઢ રિસોર્ટ જે પહેલાં રાજમહેલ હતુ , હવે હોટલમાં તબદીલ કરી દેવાયુ હતું.
રાજા મહારાજાના સાલિયાણા ભારત સરકારે બંધ કર્યા પછી મોટા ભાગના રાજવીઓએ પોતાના ખપ પુરતો ભાગ રાખી મહેલના બાકી હિસ્સાનો હોટલ વ્યવસાયમાં ઉપયોગ કર્યો.
રિસેપ્શન એરિયામાં કલાત્મક ફાનસ થકી એક પ્રકારનુ ઘેરુ અજવાળું ફેલાએલુ હતું.
“ક્યા બાત હૈ લાઈટ નહીં હૈ કયા “
“સર પહાડી ઇલાકા હૈ બિજલી આતી જાતી રહતી હૈ,થોડી દેર મેં આ જાયેગી ,વૈસે જનરેટર કી વ્યવસ્થા ભી હૈ. આપકા રોયલ ડીલક્ષ રુમ તૈયાર હૈ , આપ થક ગયે હોંગે થોડા આરામ કર લિજીયે. મૈં ચાય નાશ્તા ભિજવાતા હું “.
એક માણસ ચાવી લઈને મને રુમ સુધી મુકવા આવ્યો. જૂની દિવાલોં , સાંકડા દાદર અને વંળાકોવાળી ભુલભૂલામણી જેવી રાહદારીમાંથી પસાર થતાં મનમાં વિચાર આવ્યો , આવા જુનવાણી લાગતા મહેલમાં કહેવાતુ ‘રોયલ ડીલક્ષ રુમ ‘ કેવુ હશે . રુમના નક્કાશીદાર બારણાની બન્ને બાજુ વિશાળ હરણના માથા લગાડેલા હતાં . રુમનુ બારણું ખોલતાં જ વીજળીદેવીએ પણ પદાર્પણ કર્યુ અને જુની હવાની એક લહેરખી નસકોરામાંથી પસાર થઇ ગઈ.
રોયલ ડીલક્ષ રુમ ખરેખર રોયલ હતું , વિશાળ ડ્રોઈંગરુમ , નક્કાશીદાર રાચરચીલું, મોટુ ઝૂમર, રેશમી પરદા , દિવાલોં પર રુઆબદાર રાજવીઓની આદમકદ તસવીરો. બાલકનીમાંથી દેખાતા પહાડો અને વનરાઈ મનને મોહી રહ્યા હતા.
બાથરુમની વિશાળતા તો ઉડીને આંખે વળગે તેવી હતી. બધા પ્રકારની આધુનિક સગવડ અને પ્રાચીન સહુલિયતોંનુ મિશ્રણ. બાથટબ જોઇને વિચાર આવ્યો તેમાં એક સાથે પાંચ લોકો તો આરામથી નહાઈ શકે. મહારાજા તેમની રાણીઓ સાથે સ્નાન કરતા હોય તેવુ કાલ્પનિક ચિત્ર પણ મનમાં ઉપસી આવ્યુ .
બેડરુમ જોઇને તો મન એકદમ રોમાંચિત થઈ ગયુ. શ્વેત રેશમી ચાદરથી આચ્છાદિત ગોળાકાર મોટો પલંગ , નાની નાની મસનદ , છતમાં લાગેલ અરીસાઓ અને ભીંતચિત્રો, શાહીકાળની અનુભૂતિ કરાવી રહ્યાં.
કંપનીનું કામ બીજા દિવસે જ થવાનુ હતું , તો તે રાત સંપૂર્ણ આરામ કરી લેવાનુ મન બનાવ્યુ.
નહાઈને માત્ર બાથરોબ વિંટાળીને પંલગમાં લંબાવ્યુ. રાતનુ જમવાનુ રુમમાં લાવવાનુ કહી તેની વાટ જોતો હતો , ત્યાં તો નજર પલંગની બરોબર સામેની ભીંત પર લગાવેલ બૅ ભીંતચિત્રોં પર ગઈ.
એક ચિત્રમાં રાજવી યુગલની તસવીર હતી , બીજા ચિત્રમાં સિંહાસન પર બેઠેલ રાજવી અને તેમના ગોઠણ પર હડપચી ટેકવીને આંખોંમાં તૃષ્ણાના ભાવ અને માત્ર કંચુકી અને સફેદ સાડી પહેરીને જમીન પર બેઠેલ એક સપ્રમાણ કાયા ધરાવતી યુવતી દૃષ્ટિગોચર થઈ. બીજી તસવીરે મનમાં કુતૂહલ જગાડ્યુ. આ યુવતી કોણ હશે ? રાજવી પરિવાર સાથે શું સંબંધ ધરાવતી હશે ?
તસવીરમાંની આંખોં જાણે આંમત્રણ આપી રહી હોય એવુ લાગ્યુ. એક વિચિત્ર પ્રકારની તૃષા ગળામાં શોષ ઉત્પન્ન કરી રહી. ઉઠીને થોડુ ઠંડુ પાણી પીધુ ,ગળાની તરસ ઓછી થઇ પણ મનની ઝણઝણાટી વધારે ઉદ્વેલિત થવા લાગી .
જમવાનુ બેડરુમમાંજ પતાવ્યુ , ખાલી વાસણ લેવા આવેલ વેઈટરને પુછ્યુ “સુનો દોસ્ત, કૈસે હો ? તુમ્હારા નામ કયા હૈ ?
“ઠીક સાજી ,મેરા ના હમીર સાજી.”
“હમીર ,ઇન દો તસવીરોં કે બારે મેં કુછ બતા સકતે હો”
“હાં મારાજ , યે પહલી તસવીર મહારાજા શાબ ઔર મહારાની શાહિબા કી હૈ. દુસરી તસવીર મહારાજા શાબ ઔર સુંદરી કી હૈ”
“સુંદરી ? મહારાજા કી કોઈ રિશ્તેદાર થી ? “
“ના મારાજ ,સુંદરી મહારાજા શાબ કી ખાસ દાસી થી, ઉનકા બહોત ધ્યાન રખતી થી, સુંદરી સે મસાજ કરવાએ બિના મહારાજા શાબ કો નીંદ નહીં આતી થી. કબી કબી તો મહારાજા શાબ મસાજ કરવાતે કરવાતે ઈસી કમરે મેં સો જાયા કરતે થે , ઔર મહારાની શાહિબા રાતભર અપને કમરેમેં ઉનકા ઈંતજાર કરતી રહતી થી . મહારાની શાહિબા ઉસે બિલ્કુલ ભી પસંદ નહીં કરતી થી લેકિન મહારાજા શાબકે ડર સે કુછ નહીં બોલતી થી. ફિર એક દિન સુંદરી કહીં ગુમ હો ગઈ કિસી કો પતા નહીં કહાં ગઇ . મહારાજા શાબ કઈ રાત સોયે હી નહીં ઔર ના હી મહારાની શાહિબા કે કમરે મેં ગયે. ”
“સુનો હમીર ,મૈં બહોત થક ગયા હું , મૈને રિસેપ્શન પર દેખા થા યહાં મસાજ કી સુવિધા હૈ , કિસી કો યહીં ભેજ દો તો ઠીક રહેગા”
“જી મારાજ ,વ્યવસ્થા કરતા હું , અચ્છાજી હોણ ચલવુ એવ (હું હવે જાઉં)”
મુખવાસ ખાઇને મેં પાછુ પંલગમાં લંબાવ્યુ. મારી નજર સુંદરી ની ઘટાદાર કેશાવલીથી શરુ થઈને આમંત્રણ આપતી મોટી મોટી મારકણી આંખોં, ગુલાબી હોઠ, સુરાહીદાર ગર્દન, સુડોળ ખભા, ઉન્નત ઉરપ્રદેશ ,પાતળી કમર ,ભરાવદાર નિતંબ ,માંસલ સાથળ અને નાજુક પાનીઓ સુધીનો પ્રવાસ કરી રહી.
અચાનક લાઈટ ગઈ અને એક સુગંધીદાર શીતળ હવાની લહેરખી આખા કક્ષમાં ફેલાઇ ગઇ . મારા શરીરને એક પ્રકારની માદકતા વિંટળાઈ વળી.
જાણે કોઈ મંદ મંદ ડગલા ભરતુ મારા પલંગ ભણી આવી રહ્યુ હતું તેવો આભાસ થયો.
“કૌન હૈ ? “ ભયમિશ્રીત અવાજમાં મેં પુછ્યુ.
ઘુઘરાની જેમ રણકતો મધુર સ્ત્રીસ્વર મારા કાને પડ્યો “મારાજ મસાજ “
જીદંગીનો પહેલો મસાજ તે પણ એક સ્ત્રી દ્વારા ! મનમાં થોડો ક્ષોભ, થોડો સંકોચ ,સાથે એક રોમાંચકારી અનુભવ મેળવવાની ઉત્કંઠા. ઉત્તેજનાનું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયુ.
“બિજલી આ જાને દો ફિર કરના”
“મારાજ, અંધેરે મે ભી મસાજ હો જાએગા , હમેં આદત હૈ”.
“બઢિયા, જૈસા તુમ્હે ઠીક લગે“
બે નાજુક હાથોએ મારો બાથરોબ શરીરેથી અળગો કર્યો . માદક સુગધીંદાર તેલનો મારી પાનીને સ્પર્શ થયો. અને ધીમે ધીમે મસાજની શરુઆત થઈ . જેમજેમ હાથોનો સ્પર્શ આગળ વધતો ગયો તેમતેમ એક પ્રકારનુ ઘેન ચઢવા લાગ્યુ, શરીર હળવુ ફૂલ થઈ ગયુ . રગેરગમાં ઉત્તેજના વ્યાપ્ત થવા લાગી. મારા હાથોએ બંડ પોકાર્યુ અને એક સ્ત્રી તનને ફંફોસી રહ્યાં. મને લાગ્યુ થોડી વાર પહેલા જે મારી નજરોએ અનુભવ્યુ તે જ આ સુંદરી . મારા હોઠ તેના ગુલાબી હોઠો તરફ વધ્યાં, અને હું કાંઈ કરી શકું તે પહેલાં એક મીઠો ચિત્કાર સંભળાયો અને લાઈટ આવી ગઇ.
પલંગ ઉપર હું પરસેવે રેબઝેબ, નિર્વસ્ત્ર ,એકલો હતો. રુમમાં હજુય માદક સુગધં ફેલાયેલી હતી .
બારણે ટકોરા પડ્યા અને હમીરનો અવાજ આવ્યો “મારાજ ,મસાજ કે લિએ બંદા લાયા હું”