Scene of Story World - Issue 16 - Editing - View Vyas books and stories free download online pdf in Gujarati

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 16 - સંપાદન - દર્શના વ્યાસ


















વાર્તાવિશ્વ -કલમનું ફલક ઇ - સામાયિક અંક –૧૬

સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'


આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જનછે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધ રૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓ ના
'વાર્તાવિશ્વ-કલમનુંફલક' ઇ - સામાયિકઅંક -૧૬
સંપાદક:
દર્શનાવ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com
એડિટર ટીમ:
રજૂઆત ભૂમિ પંડ્યા, શૈલી પટેલ
રસિક દવે, નંદિની શાહ મહેતા , હિમાંશુ ભારતીય
ગ્રાફિક્સ:
ઝરણા રાજા, અનિરુધ્ધ ઠાકર, ચિરાગ કે બક્ષી
ચેતવણી:આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. 

સંપાદકની કલમે
નમસ્કાર મિત્રો,
'વાર્તાવિશ્વ-કલમનું ફલક' ઈ-સામાયિક એટલે વાર્તાનો વૈવિધ્ય સભર રસથાળ. નવી કલ્પના,સમજ,અને સમાજનો અનેરો આયનો જે વાર્તા દ્વારા સર્જકો સુપેરે પ્રગટ કરે છે. વાર્તા દ્વારા નવી દિશા અને નવું જગત ખડું કરે છે.જે અનેક વાચકનો પ્રતિસાદ બની ઉભરી આવે છે. સૌ સુજ્ઞ વાચકો સાથે વાર્તાવિશ્વ-કલમનું ફલકનાં
સૌ કલમનિષ્ઠ સર્જકોને વંદન.
અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
7984738035
Email: darshanavyas04@ gmail.com






પ્રસ્તાવના

या देवी सर्वभूतेसु विद्या रूपेण संस्थिता ।
नमस्तसये नमस्त्सये नमस्त्सये नमो नम : ।
મા શારદાના આશિષથી પંદર ઈ- સામયિકોની ભવ્ય સફળતા બાદ વાર્તાવિશ્વ સોળમા અંક તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે એક કહેવત પ્રમાણે સોળે શાન આવે તેવી જ રીતે અંક સોળ સાથે વાર્તાવિશ્વના ૨૯ વાર્તાકારોનું એક સહિયારું પુસ્તક પણ પ્રગટ થઇ ચૂક્યું છે. "વાર્તાવિશ્વ - કલમનું ફલક" પુસ્તક પ્રગટ થયાનો અનેરો આનંદ છે.

આ એક નવા આયામ માટે વાર્તાવિશ્વ પરિવારને હૃદયના ઊંડાણથી અઢળક શુભેચ્છાઓ.

ઝરણા રાજા "ઝારા"


અનુક્રમણિકા

દર્શનાવ્યાસ - હાશ..!
રસિક દવે - નિત્ય સંગાથે
ચિરાગ બક્ષી - ગતિ સમયની અને જીવનની
નિમિષા મજુમદાર - સમિધ
ઋતંભરા છાયા - ધુમ્મસનું પરોઢ
વૃંદા પંડ્યા - ડાઘ
અર્ચિતા દીપકપંડ્યા - અનુસંધાન
જાગૃતિ 'ઝંખના મીરાં' - સ્વપ્નનું સરનામું'
નિષ્ઠા વછરાજાની - સેન્ક્ચ્યુઅરી
૧૦ અંજલિ દેસાઈ વોરા - સંગાથ
૧૧ કૌશિકા દેસાઈ - જિજીવિષા

૧.
શીર્ષક - હાશ..!
લેખક – દર્શના વ્યાસ 'દર્શ'
ઈ-મેઈલ: darshanavyas04@gmail.com

હજુ તો સવાર સાથે પથારીમાં આળસ મરડીને સપ્તર્ષિ બેઠી ત્યાં સૂરજનું અટકચાળું કિરણ તેની આંખ સાથે અડપલાં કરી ગયું. કોયલનો ટહુકો કાને પડ્યો એ તરફ ધ્યાન ખેંચાય ત્યાં જ શાર્દુલે તેને તેનાં તરફ ખેંચી તેના ઉપર વહાલ વરસાવતાં સવારને તેના ઉન્માદથી ભરી રહ્યો. બરાબર એ જ વેળાએ સપ્તર્ષિનું ધ્યાન સામે સ્ટડી ટેબલ પર પડેલા લેપટોપ ઉપર પડ્યું. શાર્દુલને હડસેલતી તે સફાળી વાળને બાંધતી પથારીમાંથી બાથરૂમ તરફ દોડી. શાવરમાંથી પડતું એકધારું પાણી તેના શરીરને જેટલી ગતિથી ભીંજવી રહ્યું હતું તેથી બમણી ગતિએ તેના મનમાં વિચારો વહી રહ્યાં હતાં. દિવસ-રાત એક કરીને સતત પ્રોજેકટને સફળ બનાવી એક પ્રમોશન અને પછી આ ભાડાનું એપાર્ટમેન્ટ મૂકીને એક પોતાનું ઘર. આજે પ્રેઝન્ટેશનનો દિવસ હતો. મધરાત સુધી લેપટોપ સાથે રહ્યાં પછી પથારીમાં થાકીને પડી ત્યારે શાર્દુલે પોતાની એક ઉંઘ ખેંચીને સપ્તર્ષિને પોતાનામાં ઓગાળવા કોશિશ કરી ત્યારે સપ્તર્ષિ ગુસ્સે થઈ ગઈ, "શાર્દુલ પ્લીઝ..સ્ટોપ ઈટ..! ટાઈમ જો હું થાકી ગઈ છું.મને સુવા દે."
"હું પણ તને એ જ કહું છું સમય જો. તને કામ સિવાય કંઈ દેખાય છે? તને મારા માટે ટાઈમ છે ખરો?"
શાર્દુલની નારાજગીની દરકાર કર્યા વિના સપ્તર્ષિ પડખું ફરી સુઈ ગઈ.
સવારે ઉઠતાં જ શાર્દુલનાં વહાલને વધુ એકવાર હડસેલી ઉભી થયેલી
સપ્તર્ષિને એ ક્ષણ ખોયાનો અફસોસ કરવાનો પણ ક્યાં સમય હતો..! હાથમાં બ્રેડ બટરનો રોલ લઈ જેમતેમ મોઢામાં મુકતા તે ઓફિસબેગ લઈ શાર્દુલને હળવી હગ આપતાં બાય કરીને ઓફીસ જવા નીકળી ત્યારે શાર્દુલની નારાજગી જોવાનો પણ ક્યાં સમય હતો ...!
આજે લોકલ ટ્રેનમાં જઈ પ્રેઝન્ટેશન આપવામાં મોડું થશે કે પછી ટ્રેનની ભીડના ધક્કા વચ્ચે ઉભી ન શકાય તેવી સ્થિતિમાં લેપટોપ ખોલીને પ્રેઝન્ટેશન પર નજર નાખવાનું શક્ય જ ક્યાં હતું. તેણે કેબ બોલાવી. મુંબઈના ટ્રાફિકને ચીરતી કાર ઓફીસ તરફ દોડતી હતી અને સપ્તર્ષિની આંખો લેપટોપની સ્ક્રીન ઉપર દોડતી હતી તેથી વધુ ગતિએ તેની આંગળીનાં ટેરવાં કી-પેડ પર ફરતાં રહ્યાં. કાર ડ્રાઈવર શહેરમાં થયેલા કોમી તોફાનમાં બસ,ટ્રેન સળગાવવાની વાત કરી રહ્યો હતો તે તરફ કોઈ પ્રતિક્રિયા ના આપતાં તે ચુપચાપ પોતાનાં કામમાં ગરકાવ હતી.
"મેમસાહબ યે દેખો કલ યે ઘર ભી ફૂંક દિયા ઝાલીમો ને.."ડ્રાઈવરનું વાક્ય પૂરું થાય પહેલાં તેનાં કી-પેડ પર ફરતાં હાથ થંભી ગયાં. સ્વગત બોલતી હોય તેમ બોલી રહી,"ઘર નહિ જલાના થા..બહોત કુછ છૂટતાં હૈ તબ ઘર બનતા હૈ." અને બધી જ સંવેદનાનું પડીકુવાળીને ઊંચું મૂકતી હોય તેમ ઉંડો શ્વાસ લઈ ફરી કામે લાગી.
ઓફિસમાં નવ કલાક ક્યાં નીકળી ગયાં તે વિચાર્યા વિના સતત પ્રોજેકટને સફળ બનાવવા લાગી રહી. ક્લાયન્ટનાં મિશ્ર પ્રતિસાદે વિચારવા સમય લીધો ત્યારે એક ક્ષણમાં સપ્તર્ષિ થાકીને લોથ થઈ ગઈ હોય તેવું અનુભવી રહી. દિવસોની મહેનત સાથે રોળાતાં સપનાંનો ભાર હવે વધુ જીરવી શકે તેમ નોહતી.તેણે અધિરાઈથી ઉપરી અધિકારીને કહ્યું,"સર, આ પ્રોજેકટ તેઓને ગમશે જ ડિલ થશે જ ક્યાંય કશું ખૂટતું હશે તો હું ફુલફિલ કરીશ પણ પ્લીઝ મને કલાઈન્ટનો જે પણ જવાબ આવે તે તરત જ જણાવજો.હું તેમની જરૂરિયાત મુજબ ફરી સુધારો કરીશ."
"મિસિસ સપ્તર્ષિ આપને એ તક મળેલી જ હતી. અત્યારે હવે તમે ઘરે જાઓ હવે એ બધું વિચારવાની જરૂર નથી." ઉપરી અધિકારીના આ જવાબ સાથે હતાશ મને અને થાકેલાં પગે તેણે દોડીને લોકલ ટ્રેન પકડી ત્યારે તે હાંફી રહી હતી, પોતાનાં સપનાં જેમ જ... અસ્તવ્યસ્ત થયેલા દુપટ્ટાને સરખા કરવાની કે પરસેવો લુછવાની પરવાહ વિના તે ઉભી હતી. ત્યાં જ શાર્દુલનો ફોન આવ્યો તે ફોન ઉચકયા વિના મોબાઈલને તાકી રહી. અત્યારે એક સાથે આટલા દિવસોની મહેનત પાછળ શાર્દુલના પ્રેમની અવગણના, તેની કાળજી પ્રત્યેની બેપરવાહી તેના સવાલોનો કોઈ જવાબ આપ્યા વિનાની તમામ ક્ષણો બધું જ પીડા બની તેની આંખમાંથી વહી રહ્યુ. બરાબર ત્યારે જ ઉપરી અધિકારીનો મેસેજ મોબાઈલની સ્ક્રીન ઉપર ઝળકયો.
'કોંગ્રેચ્યુલેશન ડિલ ડન'
સપ્તર્ષિનાં મોઢા ઉપર હાશ રેલાયું. તેણે દુપટ્ટાનાં છેડે પરસેવો લૂછયો. બારીમાંથી આવતી પવનની લહેરખી અનુભવતા તેણે વાળની આડી આવતી લટ કાન પાછળ નાંખી, તેણે ફોન જોડયો "શાર્દુલ પ્રોપર્ટી બ્રોકરને હા કહી દે. હું આવું છું તારી જ પાસે."




શીર્ષક : નિત્ય સંગાથે
લેખન : રસિક દવે.
ઈ-મેઈલ: rasikdave53@gmail.com

મેં આજે મારી ડાયરીના પાનામાં માને લખ્યું :
'મા,
આજે હું જાગ્યો ત્યારે આ પરોઢ પોતાનું ધૂંધળુ પ્રકાશિત મોં ફાડી મને તાકી રહ્યું હોય એમ બારી બહાર લટકી રહ્યું હતું. તને તો જાણ છેને કે મને જ્યારથી સભાનતા આવી છે જીવનની ત્યારથી તારી માફક હું પણ આયુર્વેદના નિયમને અનુસરી "રાત્રે વહેલા જે સુવે વહેલા ઊઠે વીર બળ બુધ્ધિ વિદ્યા વધે સુખે રહે શરીર" મુજબ નિયત સમયે પથારીને આધિન થઈ જાઉં છું. અને આ ક્રમ છેલ્લા બાંસઠ વરસથી અતૂટ છે.
બહાર રસ્તા પરના લેમ્પપોસ્ટ પર એક ચકલી મારી જેમ વહેલી ઊઠી, આવીને બેસી તેના ચીં.. ચીં..ના અવાજમાં કોઈ મધુર ગીત લલકારે છે. હું તેના સૂરિલા ગાનમાં તારા પરોઢી પ્રભાતિયાને પામવા પ્રયત્નું છું.
તું પેલું નરસિંહ મહેતાનું "જાગને જાદવા" ગાઈ મારા માથામાં તારી કોમળ કરાંગુલિઓ હળવે ફેરવતી ફેરવતી 'જય શ્રીકૃષ્ણ' કે 'મહાદેવ હર' કહેતી મને જગાડતી તેમ આ ચકલી પણ જાણે કે મને પૃચ્છા કરે છે : 'જાગ્યો ભાઈ'!?
એમાં જાણે કે તારો લહેકો છૂપાયો હોય.
એનો આ નિત્ય ક્રમ છે. એને પણ જાણે કે 'હું જાગી ગઈ કહી, સુપ્રભાત કહેવાનો ઉમળકો હોય તેમ બારી ખૂલ્લી જોઈ સતત ચીં.. ચી.. કરી અભિવાદન કરે છે. મને ઘરમાં આંટાફેરા કરતો જોઈ, એ આનંદમાં આવી બારી બહાર પાળીએ બેસે છે ને પોતાનું માથુ હલાવી મને પોતાની આત્મિય નજરે, તું મને આલિંગી પ્રેમ કરતીને એમ આલિંગે છે. મને ત્યારે તું મારી આસપાસ હોય એમ લાગે છે.
જોકે તારાથી વિખૂટો પડ્યાને પણ પૂરા અડતાલીશ વરસ થયા.
મા મને યાદ છે કે, હું બીમાર રહેતો ત્યારે તું કૈંક બાધા આખડી રાખતી. એ સમયે તો આટલી વૈદકીય સારવાર પ્રણાલી પણ ક્યાં અસ્તિત્વ ધરાવતી હતી. તું આયુર્વેદના વૈદ્ય પાસેથી જરૂરી દવા લાવતી અને ઘરગથ્થું ઉપચારથી મને સાજોસારો કરી આપતી. પરંતુ તું એ દિવસોમાં સુકાય જતી. પડોશી વૃદ્ધાઓ તો કહેતી પણ ખરી, 'એલી આમ શું મુંઝાય છે? છોકરા તો સાજામાંદા થાય. એમ કંઈ ચિંતા કર્યે થોડું ચાલે' . પરંતુ તું કહેતી: 'માડી ઈ તમને નઈ સમજાય! આ મારી ઉતરતી ત્રીસીએ ને કેટલીએ માનતાનો માંડ મળેલો પ્રભુ પ્રસાદ છે. પથ્થર એટલા દેવ કર્યા છે મારી મા! વળી આના જનમ પછી મારે બાકી હતુ તે વૈધવ્યનો માર પણ પડ્યો એ ઓછું છે? એના બાપા તો મોટા ગામતરે અચાનક નખમાય રોગ નહોતો ને અમને એકલા મૂકી વયા ગયા. હવે તો એના માબાપ જે ગણો ઈ હું અને મારા જીવતરનો આધાર આ મારો છોરો છે. ચિંતા તો થાયને? '
પછી તો તું અને હું કાયા-પડછાયા માફક જીવતા રહ્યા.
તને તો ઘણા નાતીલાએ નવું ઘર માંડવાની વાતો કરવા સમજાવી પરંતુ તેં કહેલું:' મારે એકભવમાં બે ભવ નથી કરવા. હમણા આ ઘોડાવાળતો થઈ જાશે. પછી તો મારે એય..ને રાજપાટ છે'.
હું જે દિ બોર્ડિંગમાં રહી શહેરમાં ભણવા ગયો તે દિ તેં તારા આંસુ પાપણમાં પાછળ સંતાડી દીધેલા. હું એ જાણતો હતો કે એક મા માટે જાત ઉતરડી જણેલા જણ્યાને આમ વેગળો કરવો એ કેટલી પીડા દાયક ઘટના હોય છે. પરંતુ તું ઢીલી પડે અને હું આગળ ભણવાનું માંડી ના વાળું એટલે હું પણ મન મક્કમ કરી હૈયા પર પથ્થર મૂકી, હસતા મુખે અને રડતા, હિબકતા હૃદયે મનોમન સોસવાતો શહેરની બોર્ડિંગમા જતો રહ્યો.
એ ચાર વરસ તેં ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા કોઈના કચરા-પોતા- વાસણ કર્યા. તાપ, ટાઢ અને વરસાદમાં ખેતરની મજૂરી કરી. આપણી પાસે આ સિવાય ક્યાં કોઈ વિકલ્પ કે મૂડી હતી!
મને તારાથી વિખૂટા પડી જરાય ગમતું નહીં. તું સતત મને યાદ આવતી. હું ક્યારેક ભણતર છોડી તારો હાથવાટકો બની મજૂરી કરવાનું વિચારતો પણ તારી, મારી જીંદગી બનાવવાની હોંશને હું મૂરઝાવા દેવા ઈચ્છતો નહોતો. મને ઉંઘ ના આવતી ત્યારે તને યાદ કરી સૂવાનો પ્રયત્ન કરતો.
તારો સુગંધી પાવડરનો ખાલી પતરાનો બેઠાઘાટનો ડબ્બો હું ભેગો રાખી સૂઈ જતો.
તારો હેતાળવો મલકતો ચહેરો સામે તરી જતો અને હું તારા મમતા ભર્યા સ્પર્શને મનોમન માણતો ઉંઘી જતો.
તું સપનામાં આવી મને કહેતી: '' જો ગગા નરસિંહ મહેતા કહી ગયા છે 'સુખદુઃખ મનમાં ન આણિયે રઘુનાથના ઘડિયા...'
ઈ તો વેળાવેળાની તડકીછાંયડી છે. ઈ તો આવે ને જાય. આપણે હરેરી ના જાવું. ઉપરવાળો જે કરે ઈ સારા માટે જ હોય. એની ઇચ્છા પ્રમાણે જીવી જાવું. આ પાણીના ધોધ ઊંચેથી નીચે પટકાય છે તોય કેવો પ્રભાવ પાડે છે. એના પતનમાંય એક નવી ખુમારી પ્રગટે છે. એનીય એક અલગ આભા છે. માણસો એમાં કેવી કુદરતની કરામત જૂએ છે.
એનાથી કેવા મોહાય છે!''
મા,તારી એવી વાતોથી હું ધીરજ રાખી ભણ્યો. મેટ્રિકની પરીક્ષા સારા માર્કસથી પાસ કરી. તેં મને પી. ટી. સી. કરાવ્યું. બે વર્ષ બાદ હું બાજુના ગામે શિક્ષક તરીકે નિમણૂક પામ્યો ને આપણો સુખનો સારો સમય આવ્યો. મારા લગ્ન થયા. મારે ત્યાં એક વર્ષ બાદ તારા પૌત્રનો જન્મ થયો તારી બધી મનોકામના ફળીભૂત થઈ.
એકવાર તેને શરદી થઈ અને તેં તુરત જ લવિંગ બાળી તેની રાખને તેલમાં કાલવી એનો ખરડ તેની છાતીએ અને હાથપગે કરી આપ્યો મને નાનપણમાં વરસાદથી ભીંજાયને શરદી થતા કરતી એમ. બીજે દિવસે તો એ રમતો થઈ ગયેલો.
કુદરતને આપણો આ સુખનો વૈભવ ના ગમ્યો ને એક વરસના ગાળા પછી તને સિવિયર હાર્ટ એટેક આવ્યો ડૉક્ટર પાસે પહોંચવાનો સમય પણ ના રહ્યો. તું ભગવાનના ધામમાં પહોંચી ગઈ.
મને એ જ અફસોસ રહ્યો કે તું મને આમ છોડી ગઈ.

તારા દેહવિલય બાદ મને ઘણીવાર ઊંધ વેરણ બની જતી.
ત્યારે વહેલી સવારે આવેલા ઝોંકામાં તું આવતી મારા માથે હાથ પસવારતી ને કહેતી : '' ભાઈ! આ બધા ઋણાનુબંધના ખેલ છે. જેનું જેટલું લેણદેણ હોય એટલુ પૂરૂં થાય એટલે જવાનું થાય. જેટલા શ્વાસ લખ્યા હોય એથી એક પણ વધારે ના લેવાય. અને ગીતામાં કૃષ્ણ પણ કહે છે કે 'જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુ' .
આ સંસારનો અફર નિયમ છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. નામ એનો નાશ. એટલે કાંઈ અફસોસ ના કર ગગા!''
હું આંખ ખોલતો ને તું હમણા જ ગઈ હો તેવો અણસાર થતો. તું સતત મારી ખેવના કરતી જાણે કે મારી સાથે જ હો એમ હું શાતા પામ તો.
હવે તો નિવૃત્ત થઈ ને પૌત્રને રમાડું છું તો પણ તારી હેતાળવી મમતા હજુ મારી સાથે અવિનાભાવે ગૂંથાયેલી છે.
મા તું જે અફઘાન સ્નો અને અફઘાન પાવડર વારતહેવારે પ્રસંગોપાત લગાવતીને ઈ ડબ્બા મેં મારા આયખાના ઈસ્કોતરામાં સાચવી રાખ્યા છે.
આ સિત્તેરની ઉંમરે આયુષ્યના અવશેષે હું મુંઝવણ અનુભવું છું ત્યારે એની સુગંધને ઊંડા શ્વાસમાં ભરૂં છું મારા ફેફસામાં. ને હળવો ધબ્બો હિંમત આપતો પડે છે તારો મારી પીઠ પર ને હું ફરી પાછો તારા એ સ્પર્શથી વાસંતાઈ જાઊં છું ને એક નવા જોમ સાથે જીવતરના માર્ગ પર ચાલવા માંડું છું.
તું સતત મારી છત્રછાયા બની હોય છે સંગાથે.
— રસિક દવે.
(ચલા-વાપી)



શીર્ષક :- ગતિ સમયની અને જીવનની
લેખન : ચિરાગ કે બક્ષી
ઈ-મેઈલ: aumchirag@gmail.com
અમિર પિતા ગુણવંત તોમરનુ ખમીર એટલે રોની. રોનીને પોતાની જાતને રોની મેટર તરીકે ઓળખાવું પસંદ છે.
બાળપણથી યુવાની સુધી રોનીમાં જે ના બદલાયું એ એનુ ગતિ પ્રત્યેનુ સખત ખેંચાણ. ગતિ એને ખુબ જ પ્રિય. બાળપણમાં ત્રણ પૈડાની સાયકલ ઉપર એ ગુણવંત પિતાજી કરતા પહેલા બારણાં પાસે પહોંચી જાય અને ઓફીસ જવા માટે નીકળતા પિતાની પપ્પી લઈને સાયકલ ઉપર ઘરમાં ફરીથી અદ્રશ્ય થઈ જાય.
તરુણાવસ્થામાં સાયકલ આવી અને પછી તો બસ રોની અને સાયકલ જાણે પરસ્પર પર્યાય બની ગયા. યુવાનીના પૈંગડામાં પગ મુક્યો અને પિતા તરફથી મોટર સાયકલ ભેટ મળી. એ પણ હાર્લે ડેવિડસન ! સ્પીડોમિટરના બધા જ આંકડા છેલ્લે સુધી ચેક થઈ ગયા, ત્યારે રોનીને જંપ વળ્યો છે.
રોનીનું તકિયા કલામ એટલે 'ગોન વિથ ધ વિન્ડ' ઈંગ્લીશ ભાષાનું આ પ્રખ્યાત ગીત જાણે એણે દરેક શ્વાસમાં જીવવાનું ના nક્કી કર્યું હોય ! એ દ્રઢપણે માને કે, કોઈ પણ ઘટના, કોઈ પણ યાદ, કોઈ પણ સ્મૃતિ - પછી ભલે એ સુખદ હોય કે દુખદ - એને સમય સાથે વહી જ જવા દેવી જોઈએ. એને પકડી રાખીએ તો એના આનંદમાં કે વિષાદમાં જીવ્યા કરીએ. પાણી ભરેલો પ્યાલો લાંબા સમય સુધી પકડી રાખવાથી જેમ હાથ દુ:ખવા લાગે એમ, એ ઘટનાનો ભાર પણ લાગે જ. એણે ગતિને પણ અહીં સાંકળી લીધી છે. જેટલી ઝડપથી આગળ જવાય એટલી જ ઝડપથી ઝાડ- પાન , પશુ-પક્ષી ઘટનાઓ કે માણસો પાછળ જ જાય.

આજે 'ક્રોસ કન્ટ્રી એડવેન્ચર બાઈકિંગ'ની સ્પર્ધા છે. આજની સ્પર્ધાનું એક વિશેષ આકર્ષણ 'ચિયર લીડર'. દરેક બાઈકર માટે એક ચિયર લીડર છે. રોની માટે નિશા ચિયર લીડર છે.
'રોનીશા'ની વાત ન્યારી છે. રોની બાઈકની ઝડપ માણે અને નિશા ભણવામાં અગ્રેસર. ગણિતના વિષયમાં તો હજુ દાખલો પુરો લખાયો કે વંચાયો પણ ના હોય ત્યાં નિશા એના જવાબ સાથે તૈયાર હોય. બંને કોઈ 'નોલેજ મેરેથોન'માં મળી ગયા. નિશા ભાગ લેવા માટે અને રોની મેરેથોનમાં નામે અહીં આવેલ. ઔપચારિક મુલાકાત પણ ઝડપથી આગળ વધી અને બંને ખાસ્સા નજીક આવી ગયા. ચિયર લીડરની પસંદગીની તક દરેક બાઈકરને આપેલી હોવાથી સ્વાભાવિક રીતે જ 'રોનીશા'. વળી અહીં ચિયર લીડર પોતાના સાથીદારોને ચિયર અપ કરવા માટે છે. કોઈ છીછરી વાતો માટે નથી.
"ઓન યોર માર્ક... ગેટ... સેટ... ગો..."
ગનમાંથી ગોળી છુટવાની સાથે દરેક બાઈકર સપાટો બોલાવવા નીકળી પડ્યા છે. ખાડા, ટેકરા, ખાબોચિયાં વગેરેમાંથી, દરેક બાઈકર નિયમાનુસાર બાઈક દોડાવી રહ્યાં છે. રોની એની આવડતથી પહેલા પાંચમાં પોતાની બાઈક રાખી શકે છે. નિશા મોટા સ્ક્રીન ઉપર રોનીને બાઈક સાથે ઉડતા જોઈ શકે છે. મનમાં ખુબ રાજી થાય છે. સ્વગત જ 'ગોન વિથ ધ વિન્ડ' ગીતનો પુર્વાર્ધ ગાયા કરે છે,'લેટ ઈટ ગો... લે...ટ...ઈ...ટ...ગો...'
છેલ્લાં ત્રણ કિલોમીટર શરુ થઈ ગયા છે. નિશા અને બીજા બધા જ ચિયર લીડર એમના સાથી બાઈકરને ગમતાં ગીતો માઈકમાં ગાઈને એમનો ઉત્સાહ વધારે છે.
રોની બીજા નંબરે છે, પણ વાંધો નહિ. હજુ તો સવા કિલોમીટર બાકી છે ! નિશા હજુ જોરથી 'લેટ ઈટ ગો' ગાય છે.જાણે, રોનીને ના કહેતી હોય, આ સવા કિલોમીટરને જલ્દીથી 'લેટ ઈટ ગો'...
રોની બાઈક ઉપર જાણે સુઈ જ જઈને પુરા જોશથી છેલ્લા રાઉન્ડમાં બાઈક ભગાવે છે. જીવસટોસટનીની બાજી જાણે મંડાઈ ચુકી છે.

નવ...
સાત...
પાંચ...
ત્રણ...
બે...
એક...

જોરથી નિશા બંને હાથ ખેંચીને કુદી પડે છે. રોની પ્રથમ ક્રમે છે, એ ખાત્રી થઈ ગઈ છે. જોરથી ગીત ગાતી ગાતી રોની સામે ફ્લાઈન્ગ કિસ આપે છે.
હેં..?
આ શું..?
રો...ની...!
બીજા નંબરે આવનાર બાઈકર રોની સાથે જોરથી ટકરાય છે. રોની એની બાઈક સાથે હવામાં ઉછળીને નીચે પડે છે. નિશાનું ગીત...'ગોન વીથ ધ વિન્ડ' રોનીને નિશાથી શ્વાસો દૂર લઈ જાય !
ગતિ જીવનની અને સમયની ! બસ, બાય...રોની.

શીર્ષક:- સમિધ
લેખન : નિમિષા મજમુંદાર
ઈ-મેઈલ: nimishamajmundar@gmail.com

સવારે વહેલું એલાર્મ વાગ્યું. અંદરથી જાણે અવાજ આવ્યો, "માનસી..આજે છેલ્લું પેપર.. બસ, પછી કાલે હોસ્ટેલનો રૂમ ખાલી કરીને પાછા અમદાવાદ..!" સ્પ્રીંગની જેમ ઊભી થઈ અને બાથરૂમમાં દોડી. નાહીને તૈયાર થતી હતી ત્યારે યાદ આવ્યું કે જતાં પહેલાં દેસાઈ અંકલને ઘેર બધાંને મળીને પછી ટ્રેઈન પકડવાની થશે, કારણ કે હવે પછી હું પાછી ચંદીગઢ ક્યારે આવવાની? દેસાઈ અંકલ અને અનિતા આન્ટી યાદ આવવાની સાથે જ સંકેતનો ચહેરો નજર સામે ખડો થઈ ગયો.
મને ચંદીગઢની કોલેજમાં, હોટલ મેનેજમેન્ટના ડીપ્લોમા કોર્સમાં એડમિશન મળ્યું ત્યારે હું ખુશ હતી. મારે અમદાવાદથી અને મને ચૂંટી ખાતા સમાજની નજરોથી દૂર જતા રહેવું હતું. બે મહિનાના ટૂંકા લગ્નજીવનના ભંગાણને કારણે માનસિક રીતે સાવ નંખાઈ ગયેલી હું, ભાગી છૂટવા જ ચંદીગઢ આવી હતી.
ચંદીગઢ રેલ્વે સ્ટેશન પર મને દેસાઈ અંકલ લેવા આવ્યા હતા. મારા પપ્પાના એ બાળપણના મિત્ર, વર્ષોથી ચંદીગઢ રહેતા હતા. એમનું જીવન પણ ખૂબ દુઃખી હતું. એકનો એક દીકરો આર્મીમાં હતો. કાશ્મીર પોસ્ટીંગ દરમ્યાન એક આતંકવાદી એટેકમાં એ મૃત્યુ પામ્યો હતો. અનિતા આન્ટી એ સમાચાર સહન ના કરી શક્યાં અને એક મહિનો કૉમામાં રહ્યા પછી ભાનમાં આવ્યાં. મને વધારે ખબર નહોતી કારણ કે, 'જેમના ઉપર આટલું વીત્યું હોય એમને વધારે પૂછીને દુઃખી ના કરવા જોઈએ' એવું માનનારા મારા પપ્પા, દેસાઈ અંકલને ફોન કરે તો પણ આન્ટી વિશે બહુ પૂછપરછ કરતા નહિ.
અંકલની કાર સ્ટેશનથી સીધી ચંદીગઢના સબર્બ જેવા એરિયામાં પહોંચી. બેઠા ઘાટના બંગલા પાસે અંકલે કાર ઊભી રાખી ત્યારે અંધારુ થઈ ગયું હતું. અંદરથી દોડતાં દલજીત કૌર આવ્યાં. મારો સામાન લઈને મને પ્રેમથી અંદર લઈ ગયાં. અંકલે કહ્યું, "માનસી, આ દલજીત કૌર આપણું આખું ઘર સંભાળે છે. હવે તો એ ગુજરાતી રસોઈ પણ બનાવે છે અને ભાંગ્યું તૂટ્યું ગુજરાતી બોલે પણ છે."
ત્યાં જ અનિતા આન્ટી પણ આવ્યાં. "માનસી, આવી ગઈ બેટા?" સાંભળીને હું નજીક ગઈ, જોયું તો આન્ટીના હાથમાં 'વ્હાઈટ કેન' હતી. હું સમજી ગઈ કે એમની દ્રષ્ટિ ચાલી ગઈ હતી. હું પગે લાગી. એમણે હાથેથી ફંફોસીને મને પકડી અને મારા ચહેરા પર હાથ ફેરવ્યો. બોલ્યા,"બેટા, આને તારું જ ઘર સમજજે." ઘરનાં બધાં ખૂબ પ્રેમાળ હતાં.
દલજીત કૌર મને ઉપર મારા રૂમમાં લઈ ગયાં. ફ્રેશ થઈ ને બાથરૂમની બહાર આવી સામાન સરખો કરતી હતી ત્યાં મારી નજર બારી પર પડી અને હું છળી ગઈ. બારીમાં હાડપીંજર લટકતું હતું. હું ચીસ પાડીને નીચે દોડી ગઈ. હાંફતી-હાંફતી સીધી દલજીત કૌર પાસે જઈને બોલી, "હાડપિંજર... કંકાલ.." મારું હ્રદય એટલું જોરથી ધબકતું હતું કે મારા ધબકારા મને સંભળાય.
મારા આશ્ચર્ય વચ્ચે એ હસી પડ્યાં,"તો તુ ભી આ ગઈ ઉસકી ઝપેટ મેં? ઠહેર, અભી ઉસે મજા ચખાતી હું." કહેતા એ ઉપર જઈને કાન પકડીને એક યુવાનને નીચે ખેંચી લાવ્યાં. મારી સામે ઊભો કરીને બોલ્યાં, "ઈનસે મિલો. યે હૈ હમારે સંકેત ભૈયા. બડા હી શૈતાનોંવાલા દિમાગ પાયા હૈ. આજ પહેલે હી દિન તુઝે ભી ઝપેટમેં લે લીયા."
પહેલાંના ડરનું સ્થાન હવે આઘાતે લીધું, 'આ શું બોલે છે? સંકેત તો શહીદ થઈ ગયો હતો!'
સંકેત, "સોરી.. તમને હેરાન કર્યા પણ અહીં આ ઘરમાં રહેનારા બધાએ મારા તોફાનો સહન કરવા જ પડે. બાય ધ વે, હું સંકેત."
એ હેન્ડસમ, તોફાની હીરો સાથેની, મારી એ પહેલી મુલાકાત. આન્ટીને એ ખૂબ વ્હાલ કરતો. અંકલ-આન્ટીનો પડ્યો બોલ ઝીલતો. એને મ્યુઝીકનો ગાંડો શોખ હતો. એના રૂમમાંથી હંમેશાં વેસ્ટર્ન મ્યુઝિકની સૂરાવલિઓ વહેતી રહેતી. વળી એ એક સોફ્ટવેર કંપનીમાં એન્જીનીયર હતો. પણ આ બધાથી સાવ વિરુધ્ધ એવાં એના તોફાનો? એ તો તોબા તોબા પોકારી જવાય એવું હતું.
'જે ઘરનો જુવાનજોધ દીકરો શહીદ થયો હોય એ ઘરનું વાતાવરણ કેવું ગંભીર હોય!' એવું માનીને અહીં આવેલી હું, એક અઠવાડિયું અહીં રહી એ દરમ્યાન સતત સંકેતના આવા વર્તનને, મનમાંને મનમાં ભાંડતી રહી. મારા મતે સાવ આવા બાળક જેવાં તોફાનો કરનાર વ્યક્તિ બિલકુલ બેજવાબદાર અને ઉછ્રંખલ ગણાય. જો કે હજી એના વિશે બીજા અનેક પ્રશ્નો પણ પીછો નહોતા છોડતા, જેના જવાબો પણ એક દિવસ સાંજે મળી ગયા.
એક સાંજે અમે એકલા હતા ત્યારે અંકલે દિલ ખોલીને વાતો કરી,"માનસી, હું જાણું છું તને અનેક પ્રશ્નો મુંઝવતા હશે. ખાસ કરીને સંકેત વિશે. તો તને જણાવી દઉં કે આ સંકેત, એ અમારો દીકરો નથી. એનું નામ સમિધ છે. મારા દીકરા સંકેતનો એ જીગરી દોસ્ત. એ જ્યારે ઓગણીસ વર્ષનો હતો ત્યારે કાર એક્સિડન્ટમાં એના પેરેન્ટસ મૃત્યુ પામ્યા. સંકેત અને એ સાથે જ ભણ્યા. સંકેત આર્મીમાં ગયો અને સમિધ સોફ્ટવેર કંપનીમાં જોડાયો. સંકેત જ્યારે શહીદ થયો ત્યારે એ આઘાત તારી આન્ટી સહન ના કરી શકી. દિવસો સુધી કૉમામાં રહી પછી જ્યારે ભાનમાં આવી ત્યારે હેમરેજને કારણે એની દૃષ્ટિ ચાલી ગઈ હતી. 'દીકરો હવે નથી રહ્યો' એ વાત તો એ સ્વીકારવા જ તૈયાર નહોતી. માનસિક સંતુલન લગભગ ખોઈ બેઠી હતી. ડોક્ટરોએ કહી દીધું હતું કે એના મનને વધારે સ્ટ્રેસ પહોંચે એવું કંઈ બોલવાનું નહિ."
સ્હેજ અટકીને એ આગળ બોલ્યા,"એવામાં એક દિવસ સમિધ હોસ્પિટલમાં આવ્યો, ત્યારે એનો હાથ પકડીને અનિતા બોલી ઊઠી, "આવી ગયો..મારો સંકેત આવી ગયો..હવે નહિ જવા દઉં.." અસંબદ્ધ બબડાટ કરતી એ આખી રાત એનો હાથ પકડીને બેસી રહી. સમિધ પણ પરિસ્થિતિ સમજી ગયો. એણે સંકેતનું સ્થાન લઈ લીધું. એના આવવાથી આન્ટીની રિકવરી પણ ઝડપથી થવા માંડી. બસ ત્યારથી એ અમારો દીકરો હોય એમ જ જીવે છે. તારી આન્ટીને કારણે અમે એને સંકેત જ કહીએ છીએ. હવે તો કદાચ અનિતા પણ સમજતી હશે કે આ સંકેત નથી, પણ એ વિશે વાત કરવા એ જરા પણ તૈયાર નથી; અને અમે પણ આ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. યજ્ઞમાં હોમાતા સમિધની જેમ, આ સમિધ અમારા જીવનમાં સમાઈ ગયો છે."
જેને હું સાવ બેદરકાર, બેજવાબદાર અને ઉછ્રંખલ માનતી હતી એ તો અતિશય લાગણીશીલ અને બીજાના દુઃખે દુઃખી થનારો નીકળ્યો. આ બે દુખિયારા જીવને, જીવવાનું કારણ મળે, એટલે જ એ આવાં તોફાન કરતો હતો. એના પ્રત્યે મનમાં અનહદ માનની ભાવના જાગી.
------------
આજે છેલ્લીવાર દેસાઈ અંકલને ઘેર આવી છું. અંકલ-આન્ટીની સાથે ખૂબ વાતો કરી, દલજીત કૌરને પણ મળી લીધું. ફક્ત સંકેત બાકી હતો. ઉપર એના રુમમાંથી 'ઝખર વલાહા'નું ફેમસ કમ્પોઝીશન "ઓલવેઝ વીથ મી, ઓલવેઝ વીથ યુ" ની ઘૂન હવામાં રેલાઈ રહી હતી.
રૂમમાં ડોકિયું કર્યું તો એ આંખો બંધ કરીને સંગીતમાં ડૂબેલો હતો. હળવેથી ખભા પર હાથ મૂક્યો. એ ઝડપથી ઊભો થયો,"અરે! ક્યારે આવી?"
હું,"બસ થોડી વાર પહેલાં જ આવી અને હવે કાયમ માટે જઉં છું એવું કહેવા જ આવી છું."
એનો કાયમનો તોફાની ચહેરો આજે ગંભીર હતો. મારો હાથ પકડીને એ બોલ્યો, "માનસી, મારે તને ક્યારનું કંઈક કહેવું છે. જો આજે ના બોલી શક્યો તો હવે ક્યારેય ચાન્સ નહિ મળે. મારી સાથે લગ્ન કરીશ?"
મારાથી બોલાઈ ગયું, "પણ.. હું તો ડિવોર્સી.."
મને વચ્ચે જ અટકાવતો એ બોલ્યો, "મને કંઈ ફેર નથી પડતો. હું ખરેખર તને ચાહું છું. હા કે ના નો જવાબ આપ!"
હવે મારાથી કેવી રીતે મૂંગા રહેવાય? હકારમાં ડોકું હલાવી હું નીચું જોઈ ગઈ.
એના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો, "પણ એક વાત કહી દઉં, લગ્ન પછી આપણે અહીં જ, આ લોકોની સાથે જ રહીશું. હું આ લોકોને છોડીને ક્યાંય નહિ જઉં. તને વાંધો નથી ને?"
હું કંઈ બોલું એ પહેલાં પાછળથી અંકલનો અવાજ સંભળાયો, "અરે! એ શું જવાબ આપશે? હું જ આપીશ. અમને દીકરા સાથે વહુ પણ જોઈશે ને?"
મારા તન-મનને ઝંકૃત કરતી "ઓલવેઝ વીથ મી, ઓલવેઝ વીથ યુ" ની ધૂન વાતાવરણમાં છવાઈ ગઈ.


શીર્ષક : ધુમ્મસનું પરોઢ.
લેખન : ઋતંભરા છાયા
ઈ-મેઈલ: rkchhaya2001@gmail.com
મુંબઈના પ્રખ્યાત સર્જન ડૉ.આશિષ, એક 85 વર્ષનાં માજીના થાપાના બોલનું અટપટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી પોતાની કેબિનમાં નિરાંતની પળે બેઠા હતા.જ્યારે જ્યારે કોઇ વૃદ્ધાનું ઑપરેશન સફળ થાય ત્યારે ભગવાનનો ખુબ આભાર માની,ઘેર જઈને પોતાની અંગત ડાયરીમાં નોંધ જરુર લખે.આજે પણ ઘેર જઈ પોતાની ડાયરી હાથમાં લીધી અને ખોલી, જોઇતી નોંધ ટપકાવી બંધ કરતા હતા,ત્યાં તેમની આંગળી ડૉક્ટરીના શરુઆતના વર્ષોમાં અનુભવેલ બનાવોની નોંધ જે પાનાંઓમાં લખાયેલી હતી તે પાનાં વચ્ચે તેમની આંગળી અટવાઈ….
ડો.આશિષની ધીકતી પ્રેક્ટિશને આજે પચ્ચીસેક વર્ષ થઈ ગયાં.આજે અનાયાસે પોતે જ લખેલી પોતાની ડાયરી વાંચવાનુ શરુ કર્યું.”દાક્તરીના છેલ્લા વર્ષનાં પરિણામ વખતે
પ્રમાણિક્તા અને માનવતાના સોગંદ લઈને હું ત્રણ મેડલ સાથે બહાર નીકળ્યો.મારી ઉમ્મર નાની હતી પણ સમાજમાં સેવા કરીને મારા ભણતરને ઉજાળવાની હોંશ હતી.ડૉક્ટરની ડિગ્રીના ભાગરૂપે મારે દોઢ વર્ષ ગામડાંમાં સેવા આપવાની હતી.મેં લાઠી પાસેના સરકારી દવાખાનામાં સેવા આપવાનું સ્વીકાર્યુ.
છ મહિના કામ કર્યા પછી ગામડાંના માણસોનું માનસ મને સમજાઈ ગયું હ્તું.જીદ્દી પણ લાગણીવાળા લોકો હતા.ધીરે ધીરે મારી ધીરજ અને રોગ પારખવાની ચોક્સાઈએ લાઠી અને આસપાસના ગામના લોકોને મારી પર શ્રદ્ધા બેસવા લાગી.હું પણ મન લગાવીને મારી ફરજ નીભાવતો હતો… પણ એક સાંજે એવું બન્યું કે હું મારી બાઈક પર એક પેશન્ટને તપાસીને આવતો હતો ત્યાં બાજુના ટોડા ગામથી એક ભાઈએ મને ઉભો રાખી પૂછ્યું”ડૉક્ટર સાહેબ છોને?એક કામ છે.મારી માં ઘરે સખત બીમાર છે, તમે ઘડીક જોવા આવોને. ”ચાલ, મારી બાઈકમાં બેસી જા.હું તપાસી લઈશ.” મેં જવાબ આપ્યો.મારી પાછળ સોમો બેસી ગયો. સોમો અને હું એક ઝુપડા જેવા ઘર પાસે પહોંચ્યા. ઘરમાંથી તરત આધેડ વયની સ્ત્રી બહાર આવી.તે હતી ચમરી. સોમાની બહેન. ગાભા જેવાં લૂગડાં અને વિખરાયેલા વાળ.મારી સામે હાથ જોડીને ઉભી રહી ગઈ.
બન્ને ભાઈ બહેન હતાં.એમની માં પાસે લઈ ગયાં.એક ભાંગલા ટુટલા પલંગમાં કૃષકાય શરીર પડ્યુ હતું. આંખો ઉંડી ઉતરી ગઈ હતી.મોમાં દાંત નહિ અને માથે વાળ નહિ.
ઉંમર પંચ્યાસી કે નેવુની આસપાસની લાગી રહી હતી. ઝાડો પેશાબ બધું જ પથારીમાં જ થતું હતું.આવું લગભગ દસેક વર્ષથી ચાલતું હતું. હાડપિંજર જેવા શરીરમાં પ્રાણ જાણે હાંફતો હતો.
માજી રોતી આંખે હાથ જોડતા હતાં.બોલી શકતા નહોતાં .મેં તપાસ્યાં પણ ઉંમરને કારણે થતી બિમારી અને નબળાઈ લાગ્યાં. તેમ છતાં મેં પૂછ્યું”શું થયું છે?”ત્યારે સોમો બોલ્યો
“સાહેબ,કશું નહિ પણ આ પરિસ્થિતિ મારી માંની છેલ્લા પંદરેક વર્ષથી છે.અમે સેવા કરીને થાક્યા છીયે.હું અને મારી બેન ચમરી પરણ્યાં નથી.ઘરમાં આ ખોરડું સિવાય કાંઈ છે નહિ.”
“પણ,એમાં તમે મને શા માટે બોલાવ્યો છે?""
"ડૉક્ટર સાહેબ, તમે કંઈક કરો..ઇન્જેકશન આપી દ્યો.માંને શાન્તિથી સુવાડી
દ્યો અને અમને છુટકારો આપો.”
"અરે! મારાથી આ કામ ન કરાય..અને ગુસ્સામાં હું નીકળી ગયો”.
હું ઘેર તો પહોંચી ગયો પણ આખી રાત સુઈ ના શક્યો.એક બાજુ તરફડતી,લાચાર,આજીજી કરતી માં દેખાતી તો બીજી બાજુ લાચાર ભાઈ બહેન જેમને પોતાની જિંદગીનો ભરોસો નથી તે હવે હાથ જોડે છે.હવે સહન નહિ કરી શકીયે. હું સખત મુંઝાઈ ગયો હતો.મારું મન સતત સવાલ કરતું હતું કે આવું ભણવામાં નથી આવ્યું.મને ગોલ્ડ મેડલ આવા કામ માટે નથી મળ્યો. હું કોને વફાદાર રહું? મારા પ્રોફેસનને કે માનવતાને?અનેક સવાલો થયા.આને માનવતા કહેવાય?
મારાં દિલ અને દિમાગ પ્રભુને સોંપ્યા. કંઈક રસ્તો
બતાવશે.આ બાજુ ચમરી અને સોમાના ધક્કા રોજ ચાલુ થઈ ગયા. ગામના પડોશીઓ પણ મનાવવા આવ્યા. એકાદ મહિનો પસાર થઈ ગયો. અને એક દિવસ ચમરી અને સોમાએ આવીને કીધું કે "સાહેબ હવે બહુ થયું કાલે અમે કુવા કે નદીમાં ઝંપલાવી દેશું..હવે અમારામાં તાકાત નથી.અમારી માં પણ આમને આમ લાચાર તરફડ્યા કરે છે.કોઇ રસ્તો સુઝતો નથી.ડૉક્ટરસાહેબ,તમારા ભણતરને કોઇ બટ્ટો નહિ લાગે.એક લાચાર અને તરફડતા જીવને મુક્તિ આપી, તમે અમને જીવતદાન આપશો.નહિતર હવે અમારી પાસે આપઘાત સિવાય કોઇ રસ્તો બચ્યો નથી."
સતત આ શબ્દોઍ મારું માથું ભમવી નાખ્યું. મારા મગજમાં ચાલતા વિચારોના ત્સુનામીએ મને ઘમરોળી નાખ્યો.દિલ અને દિમાગ જવા માટે ધક્કો મારતાં હતાં. અને આખરે મોડી રાતે એક નિર્ણય સાથે ચમરીને ઘેર ઉપડ્યો.બારણું ખટખટાવી અંદર જઈ અને માત્ર દોઢ મીનીટમાં જ ઘરની બહાર નીકળી ગયો.કોઇ જ શબ્દોની આપ- લે વગર ઘેર આવીને સુઈ ગયો. બરાબર બાર કલાકે સોમા અને ચમરીની મા ના મૃત્યુના સમાચાર આવ્યા.મેં ચૂપચાપ અંતિમયાત્રામાં હાજરી આપી.તે પછી બન્ને ભાઈ બહેનને કયારેય જોયાં નહિ. સાંભળ્યું હતું કે પોતાનું ખોરડું દાનમાં આપી એ લોકો ક્યાંક જતાં રહ્યાં.હું આ બનાવને ભૂલી શકીશ ખરો?”..
ડૉક્ટર આશિષના ત્યારપછીના ઉદયનું પરોઢ સોનેરી આકાશ સાથે ઉગ્યું. સમૃદ્ધિના શિખર પર હોવા છતાં કોઇ પણ વૃદ્ધાના સફળ ઓપરેશન પછી અચૂક ડાયરીમાં નોંધ લખતા રહે છે કદાચ માફીપત્ર હશે!

શીર્ષક : ડાઘ
લેખન : વૃંદા પંડ્યા, ભરૂચ
ઈ-મેઈલ: vrundapandya1984@gmail.com
"બેટા, તારા પપ્પા તો તારા પ્રેમ લગ્ન કરાવવા સહમત જ ન હતા. આ તો પાવને તને આ ડાઘ સાથે અપનાવવાની હા પાડી એટલે જ બાકી એ પ્રેમ લગ્ન કરાવે ખરા? છોકરી જેવી છે, એવી જ અપનાવે એનાથી વધારે પાવનના પાવન પ્રેમનું પારખું શું હોય શકે? બાકી આપણી નાતમાં પણ કઈ સારા છોકરા ન હતાં એવુ થોડું હતું ! આ તો તારી સાથે બનેલાં એ બનાવે અમારા સિદ્ધાંતોને તોડવા મજબૂર કરી દીધાં."
મમ્મી પપ્પાની આ વાતે પાવીને હલાવી નાખી.
'મારા પ્રેમનું પારખું - આ ડાઘ' શું મને જો આ ડાઘ ના હોત તો પાવનનો પ્રેમ, પ્રેમ ના હોત? અમારા લગ્ન આ ડાઘની દેન છે?
"પાવી! યાર તારા ચહેરા પરનો આ ડાઘ તને કયારેય પેલાને ભૂલવા નહીં દે. એ તારી અને પાવન વચ્ચે નહીં હોય તો પણ હંમેશા રહેશે જ. ગજબ ખેલ થઈ ગયો તારી સાથે યાર! તું બને એટલી જલ્દી આ ઘટનાને ભૂલવા પ્રયત્ન કરજે ડિયર, નહીં તો તારી જિંદગી નર્ક બની જશે."
'એક બાજુ કહે ભૂલી જજે અને બીજી બાજુ એ જ કહે છે કે , તમારી વચ્ચે ના હોવા છતાં પણ એ કાયમ માટે આ નિશાની રૂપે રહેશે જ.'
પાવી પોતાની અંગત મિત્રની વાત સાંભળી મનથી સાવ નંખાઈ જ ગઈ.
"કોઈ સમજે નહીં તો વાંધો નહીં પણ મિત્ર જે બધું જ જાણે છે. એ પણ સાવ આવી વાત કરી ગઈ".

'પાવી વહુ, તું ખરેખર નખશિખ સુંદર છે પણ નખથી જોઈએ તો સુંદરતાના પર્યાય જેવી છે પણ આ ચહેરા પરનો ડાઘો એને ગ્રહણ લગાડે છે બેટા! એનું કઈ થઈ ના શકે? કોઈ ઈલાજ? કોઈ દવા? એને છૂપાવી ના શકે ? કેમ કે એ તારા નામને જ સાર્થક નથી કરતો. તારા તો નામનો મતલબ જ પ્યોર, શુદ્ધ, બેદાગ એવો થાય છે પણ આ ડાઘ! ચાલ છોડ તું સ્વભાવની તો ખૂબ જ સારી છે અમારા માટે તો ગુણ અને મારા પાવનની પસંદગીનું જ મહત્વ છે. તું કઈ પણ મન પર ના લઈશ.'
પાવીને સાસુમા આ શબ્દો ભાલા અને તીરની જેમ હૈયા સોંસરવા ભોકાયા હતા.
"મધ ચોપડીને કેટલી કડવી મેડિસીન એમણે આપી હતી! "
'ભાભી મેડમ, જ્યારે તમારાં મોઢા પર આ નિશાન ન હતું, ત્યારે તમે કેટલા સુંદર લાગતા હશો ! ભાઈ એ તો તમને એવા પણ જોયા જ હશે ને ! પ્રેમ તો કદાચ એમણે એ ચેહરાને જ કર્યો હશે? એટલે આમ પણ તમે સુંદર જ લાગો છો પણ આ તો ખાલી વિચાર આવ્યો.'
બટકબોલી કામવાળી એ પણ કોઈ કસર બાકી છોડી ન હતી.
વિચારોનું વંટોળ એને ઘેરી વળ્યું હતું. ના ચાહવા છતાં એ ઘટનાથી બહાર આવી શકતી ન હતી. વારંવાર અલગઅલગ સમય અને સંજોગોમાં બોલાયેલો ડાઘ શબ્દ એના કાનમાં સીસાંની જેમ રેડાતો હતો. ક્યાંક એ મ્હેણાં સ્વરૂપે, તો કયારેક કાળજી સ્વરૂપે, ક્યારેક એ દયાના રૂપમાં, તો કયારેક છુપા વ્યંગ સ્વરૂપે..! દરરોજ એના અસ્તિત્વને અને આત્મવિશ્વાસને તારતાર કરતો હતો. બહારથી સાવ સામાન્ય લાગતી પાવી અંદરને અંદર તૂટતી હતી. એક અજીબ પ્રકારનો દબાવ અને ગૂંગળામણ અનુભવતી હતી.
"ડાઘ...ડાઘ...! લોહી પી ગયો આ ડાઘ..! મારા મગજનું દહીં કરી નાખ્યું છે. જયારે હોય ત્યારે અને જ્યાં હોય ત્યાં આ ડાઘ ભગવાન એ પણ મને કોઈપણ જાતના વાંક વગર આ કેવી સજા આપી છે. શું કુદરત તારી અદાલતમાં નિર્દોષને સજા અપાય છે?"
પાવીના મન પ્રદેશમાં પડતા આ પડઘા શાંત થવાનું નામ લેતા ન હતા. એને ખૂબ જ જોરજોરથી ચીસો પાડવી હતી. ઘરની હાથમાં આવતી દરેક વસ્તુ એને તોડી નાખવી હતી, પણ શું થાય ? એમ કરી શકતી ન હતી. આમ જોવા જાય તો એના વિચારો સિવાય એનું કોઈ દુશ્મન હતું પણ ક્યાં? એના વિચારો જ એને જંપવા દે તો ને? બહારથી એકદમ સામાન્ય વ્યવહાર કરતી એ અંદરથી તૂટતી હતી. સીધેસીધી એ કોઈને દોષ પણ આપી શકતી ન હતી. એક બે વાર પાવન એના ગુસ્સાના લપેટામાં ચોક્કસ આવી ગયો હતો.
'તે મને આ ડાઘ સાથે અપનાવીને ખૂબ મોટો ઉપકાર કર્યો છે એમ ને ? આપણી વચ્ચે પાંગરેલો એ પ્રેમ તો આ ઘટના પછી પાછલી બારીમાંથી બહાર ભાગી ગયો હશે? ખરું ને! એટલે જ તને હવે મારામાં કોઈ રસ નથી.'
પાવનને લાગ્યું કોઈ ચિંતા હશે અથવા દુઃખી હશે એટલે અથવા નવા વાતાવરણમાં સમાવેશ કરતી દરેક યુવતીને થતી સામાન્ય અડચણોને કારણે થોડી ચિડાઈ ગઈ છે. શાંતિથી સમજાવી પટાવી એણે એને શાંતતો પાડી પણ અંદરના ઉકળતા લાવરસને ઠંડો કરી શક્યો નહીં.
મન જયારે નકારાત્મકતાથી ઘેરાયેલું હોય ત્યારે એને કોઈપણ હકારાત્મક કે સારા વિચાર આવતા જ નથી.
અંદરઅંદર ગૂંગળાતી અને નકારાત્મક વિચારો વચ્ચે સતત ઝઝૂમી રહેલી પાવી જ્યારે અવારનવાર ફોન કરવા છતાં પાવને ફોન ઉઠાવ્યો નહીં ત્યારે એકલતાની આગમાં સળગતી એને એક વાર પણ એવો વિચાર આવ્યો નહીં પાવન વ્યસ્ત પણ હોય શકે છે.
પોતાની જાત સાથે સતત ચાલતા સંઘર્ષ વચ્ચે પાવીને બધા જ મહેણાં ને વાતો જે એને જાણતા અજાણતા હૃદય ચીરીને આરપાર નીકળી જતાં ને,એક પછી એક યાદ આવવા લાગી. વિચારોના વંટોળ અને એકલતાની સોળ અને સુંદરતા ખોઈ બેઠેલી એ યૌવનાને જીવન ખૂબ જ આકરું લાગવા લાગ્યું. ઘણા સમયથી મનમાં ચાલતી કશ્મકશને એણે અંજામ આપી દીધો. એક ચમકતી બ્લેડ લઈને પુરા આક્રોશ સાથે જીવનનો અંત લાવવાના હેતુથી એના કાંડા પર ફેરવી દીધી. એક કાળજું કંપાવતી ચીસ, પરસેવે રેબઝેબ શરીર અને લોહીના ખાબોચિયામાં એક નિર્દોષ યૌવન તડફડિયાં ખાતું બેભાન પડ્યું હતું. વહેતી લોહીની ધાર સાથે શરીર નિસ્તેજ અને ફિક્કું પડી ગયું હતું. ઘરમાં આમ તો કોઈ હતું જ નહીં પણ અચાનક સાફસફાઈ કરવા આવી લોહીમાં લથપથ થયેલી પાવીને જોઈને હેબતાઈ ગયેલી પાવનને ફોન કર્યો અને તરતજ એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અધ્ધર શ્વાસે જ્યારે પાવન પહોંચ્યો. ત્યારે સમય અને લોહી બંને વહી ગયા હતાં.
પાવી તે મારા પ્રેમની આટલી જ કિંમત કરી. તું પેલા એકતરફી પ્રેમમાં પાગલ રેહાનની નફરતને ગળે વળગાડીને મૃત્યું વહાલું કર્યું. મારા પ્રેમને પામીને પણ જીવી શકી તું !સમજાવી સમજાવીને થાક્યો કે એણે આક્રોશમાં પ્રેમ નહીં પામ્યાંના પ્રત્યાઘાતમાં જ
"તું મારી નહીં બને તો કોઈની નહીં થવા દઉં"
'ઝનૂની રેહાને ચપ્પુનો વાર તારા ચહેરા પર કર્યો.તારા ચહેરાને એણે કદરૂપો બનાવી દીધો. હું તારી સાથે અંતરના ઊઁડાણથી જોડાયેલો હતો. ચહેરો મારા માટે ક્યાં મહત્વનો હતો. જો તને એટલી જ લઘુતાગ્રંથિનો અનુભવ થતો હતો! તો મને કહેવું તું આપણે એનો પણ ઈલાજ કરી શક્યા હોત.'
"હે મારા ભગવાન ! ક્યાં તે આને આવી બુદ્ધિ સુઝાડી ! આટલી ભણેલી તને એટલું પણ ના સમજાયું કે કોઈપણ સમસ્યાનું સમાધાન મૃત્યું નથી હોતું."
આઘાત અને આક્રોશથી આકુળવ્યાકુળ પાવન જાણે ગાંડાની જેમ બબડાટ કરવા લાગ્યો.
માંડમાંડ શાંત પડ્યો પણ એકધારી અસ્થિર અને બહાવરી આંખે એ નિસ્તેજ રાત, નિસ્તેજ પાવીનું શરીર અને હવે પછીની નિસ્તેજ બની ગયેલી જિંદગીને જોતો રહ્યો.

શીર્ષક : અનુસંધાન
લેખન : અર્ચિતા દીપક પંડ્યા
ઈ-મેઈલ: archiradeepak@gmail.com
મારી વ્યાવસાયિક વ્યસ્તતા છોડીને કુદરત સાથે મહામૂલી પળોને માણવાની મારી ઈચ્છા પૂરી કરવા હું સાઉથગોવા આવ્યો. બનવાજોગ, ફ્લાઈટ એવી બુક થઈ હતી કે ચેકઈનનાં સમય કરતાં વહેલો રીસોર્ટ પર પહોંચી ગયો. રૂમ તો મોડી મળે એમ હતી. હું બીચ પર લટાર મારવા નીકળ્યો. દરિયાના મોજાંની એકધારી ગૂંજ મને એની તરફ ખેંચી રાખતી હતી. હું તો રેતીમાં જ બેસી ગયો, અને ભૂરાં મોજાં પર વળતાં સફેદ સમુદ્રીફીણ, અગાધ દરિયાની પવિત્રતાનું માપ હોય એમ એને જોયાં કરતો હતો. એવામાં પવનની આછી લહેરે મારા વાળમાં આંગળી પરોવી, અદ્લ મારી મમ્મીની જેમ!
મમ્મી યાદ આવે એટલે ઘર યાદ આવે. બંને એકબીજાનાં પર્યાય જાણે! દૂરથી ક્યાંકથી ખરેખર રસોઈની સોડમ પણ આવી કે પછી મારું નાક માનાં હાથની રસોઈની યાદમાં તરબતર હતું? મોંમાં રસનો સ્રાવ પણ થયો. ફરી એવી જ, માનાં હાથની વાનગીઓ ક્યારે જમવા મળશે? હું મારા વતન અને માનાં ખોળાની યાદમાં હતો ને એક માછીમાર આવ્યો.
-"કાયકિંગ કરોગે સાબ?"
મેં આંખથી ભાવ બતાવ્યા વગર મોં ધૂણાવીને ના પાડી. એ આગળ વધી ગયો. એનાં પગલાં આગળ જતાં હતા અને મારું મન ભૂતકાળનાં સ્મરણોની કેડી પર!
માને ખાવાનું બનાવવાનો ખૂબ શોખ. હું પણ ખાવાનો ખૂબ શોખીન. રસોઈ તો માની જ ભાવે હોં!
કાકી મેણાં મારતાં ને માસી ઘરે આવ્યા હોય ને પોતે રાંધ્યું હોય ત્યારે જરા દબાવીને કહેતાં,
"તારા મમ્મી જેવું નહિ તો નહિ, પણ અમારુંય રાંધણું તો સારું જ છે હોં!" પછી વહાલથી મને ધર્મસંકટમાં મૂકી થોડું વધારે જમાડી દેતાં. એ દિવસો કેમ ભૂલાય? સાગરનાં અસ્તિત્વનો એકધારો લય મને ઘર જોડે જોડી રહ્યો હતો. એ હતું સ્મરણનું સંગીત. ઘર સાથે ઘણાં પ્રસંગો અને વ્યક્તિઓ, બધું જોડાઈને મારાં મનમાં સાથે આવતું! સ્મરણની સરગમ આ એકાંતમાં મને એક સંગીતમય સ્વરૂપમાં જાણે રૂપાંતરિત કરી રહી હતી. મારા મનમાં સંભળાતું હતું, પડઘાતું હતું, ગવાતું હતું, દેખાતું હતું મારું ઘર!
હું કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં પ્રવેશ્યો એ દરમિયાન ઘરથી દૂર રહ્યો. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછીના દસ વર્ષ! મને હતું કે ઘર તો મારા માટે એક સ્થળ છે ખાલી. અઠવાડિયામાં બે - ત્રણવાર મમ્મી-પપ્પા જોડે ફોન પર વાત કરી લઉં એ જ મારે મન ઘર! મને તો 'ભૌતિક વસ્તુઓ કે સ્થાનનો કોઈ મોહ નહિ' એવો મનમાં થોડો ફાંકો પણ ખરો! વળી દસ વર્ષમાં ચાર મહાનગરોમાં ચાર ઘર બદલ્યા, પ્રગતિ પણ કરી, નજર હજુ ઊંચે દોડતી હતી એટલે કોઈ જગ્યાનો મોહ નથી એમ જ લાગે! હું ઘરથી નીકળ્યો પછી હજુ ક્યાંય સ્થાયી થયો નહોતો. ઘર છૂટી ગયું છે એમ જ માનું! આટલા વર્ષે મારા જ ઘરે અઠવાડિયાથી વધારે રહું તો પણ મને ગોઠવાતા વાર લાગવાની હતી. સતત નિવડવાનો સંઘર્ષ પણ મારી દ્રષ્ટિમાં ફરક લાવી રહ્યો હતો. એ અહીં મોજાંનાં સંગીતમાં થોડી મારી જાત મને મળી એટલે સમજાયું. મારી આકાંક્ષાઓમાં અંદરની એક ઝંખના મહોરે છે, જેને હું ઉછેરી શકતો નહોતો. હું મારું જ ઉત્ખનન કરી રહ્યો હતો ને પેલો માછી ફરી આવ્યો.
-"કાયકિંગ કરલો ના સા'બ! એક સ્પોર્ટ ખેલો. યહાં સાઉથગોવા મેં ઓર કુછ નહિ હૈ.. યહાં સિર્ફ બૈઠે હો તો કાયક લેકે ઘૂમ આઓ.. સબ સેફ્ટી હૈ.. વાપસ ઈધર હી મિલૂંગા. આધા ઘંટા બસ. જ્યાદા રૂપિયા ભી નહિ લેતા મૈં."
માછીમારની વાત સાચી લાગી. હું એકદમ બેઠો થઈ ગયો. ઘણાં વખતે ઘરના સ્મરણથી લિપ્ત હતો એને ખંખેરીને તટની રેતમાં ઉમેર્યું. કાયક ચલાવવાનું શિક્ષણ માછી પાસે જ લીધું. લાઈફ જેકેટ પહેર્યું. સામાન તો હોટેલ પર મૂકેલો પણ.. 'મારા મોબાઇલ, વોલેટ વગેરેનું શું?' મેં પૂછ્યું.
-"ચિંતા મત કરો સાબ. યે મેરે પાસ બેગ હૈ. પાનીમેં ગિર જાય તો ભી તૈરતી હૈ. આપ કી સબ ચીજેં ઈસમેં સેઈફ રહેગી."
મને આ વિચાર ગમ્યો. બેગમાં કિંમતી વસ્તુઓ મૂકી હું કાયકમાં ઉતર્યો. બંને હાથ હલેસાં ચલાવવામાં અને ખુલ્લી નાનકડી નાવમાં આ ફ્લોરોસન્ટ બેગ ખુલ્લી રાખું તો સુરક્ષિત નથી એમ માનીને એને મેં પગે બાંધી. થોડી જ ક્ષણોમાં દરિયાખેડુઓના જીવનને અહોભાવથી જોવા લાગ્યો. હું કુદરતી સંગીતમાં ખોવાઈ ગયો. મારાં હાથ હલેસાં મારીને, નાવને ગતિ આપતાં સફર કરાવતા જતાં હતા અને મન પણ કેટલાયે મોટાં મોટાં પ્રવાસ કરી રહ્યું હતું. પપ્પાએ શીખવાડેલો સ્વિમિંગ લેસન! મમ્મીની દરકાર અને તકેદારી. પપ્પાના શિસ્તમય નિયમો! બધું મારી સાથે આ નાના કાયકમાં સમાયું હતું. હું અને મારું વિશ્વ! મારું કાયક સરકતું, મોજાં પર કૂદતું આગળ વધી રહ્યું. મને આ જાતમહેનતમાં મજા આવવા લાગી. પાણી અને એમાંય દરિયો મને બહુ ગમે! વહેણ પણ હતું અને પવન પણ. મારી નાવ ખેંચાતી હતી. પંદરેક મિનિટની સફર ખૂબ સરસ રહી. ત્યાં મને સામે દરિયામાંથી બહાર આવતા પથ્થર દેખાયા. નાવ એ બાજુ જ ખેંચાતી હતી. પેલા માછીમારના બધાં પાઠ યાદ કર્યા. એણે કાયકને 'રિવર્સ' લેતાં પણ શીખવ્યું હતું. મેં દમદાર પ્રયત્નો કર્યા પણ મારી નાવડી તો એ પથ્થરોને ભેટવું હોય એમ ધસી રહી હતી. અકસ્માત થઈ જ ગયો.. હું અને મારી નાવ એકસાથે એ શિલાઓ પર ચડી બેઠા. બચી ગયાનાં બે શ્વાસ લીધાં હશે કે મેં એક મોટું દરિયાઈ મોજું મને હાર પહેરાવવા આવતું હોય એમ આવી લાગ્યું. અને સમજું, કંઈ વિચારું એ પહેલા અમને તાણી ગયું. મારું કાયક ઊંધું અને હું દરિયામાં. આવા બહોળા દરિયામાં મને હું એક કણ જેવો લાગ્યો. પછી ઘર સાંભર્યુ. જ્યાં હું રાજકુમાર હોઉં. મને જોરથી રડવાનું મન થયું, હું પાણીમાં ડૂબી ગયો હતો. હાથ પગ ઉછાળ્યા. બહાર આવી ગયો, પણ પાણીમાં કાયક ચત્તું કરવું કોઈ સહેલી વાત નહોતી.
લાઈફ જેકેટનો સહારો હતો. તરવાનું પણ જાણતો હતો એટલે પાણીથી ઉપર હું, નાવને ચત્તી કરવા મથી રહ્યો. જીવ ઉપર આવી ગયો. મા-બાપુનાં આશીર્વાદ ફળ્યાં હોય એમ કપરી મહેનત પછી હું સફળ થયો. નાવ પર ચડી બેઠો. રમતવીર તરીકે જીવાયેલા કિશોરાવસ્થાનાં મારા જીવનનાં નાના હિસ્સાનો આભાર માનતો હું કાયક પર બેઠો તો ખરો. મેં જોયું,હલેસું તો થોડે દૂર તરતું હતું. નસીબ સારું હતું તે એ ફસાયું એક જગ્યાએ. કાયક ખેંચીને હું તરતો તરતો ત્યાં ગયો. પાણીની ધારાએ ત્યાં સુધી પહોંચવા મદદ કરી. હલેસું હાથમાં આવ્યું ત્યારે કેવો ભાવ થયો ખબર છે? નિબંધની નોટમાં હોમવર્ક કર્યું હોય અને ત્રણ દિવસ પછી પિરિયડ હોય ત્યારે જ ખોવાઈ ગઈ હોય, પછી તો પપ્પાની ગુસ્સાવાળી નજર વચ્ચે ઘરમાં આમતેમ એને શોધતાં ફંગોળાતાં હોઈએ, આપણને બચાવવાનાં માનાં બધાં નુસખા પૂરા થતાં હોય ત્યારે, અડધો કલાકે પણ મળી જાય ત્યારે હાશ થાય, એવી હાશ થઈ.
હજુ મારું સિંહાસન ગ્રહણ કરતો હોઉં તેવા ઉત્સાહમાં કાયક પર બેઠો અને મને જ્ઞાન થયું કે પેલી બેગ! બેગ ક્યાં? મારા પગ સાથે બાંધેલી એ? બધી અગત્યની વસ્તુઓ એમાં હતી! હું અને મારું સકળ અસ્તિત્વ એટલે એ મારી બેગ. આધારકાર્ડ, મોબાઈલ, ક્રેડિટ-કાર્ડ, ભાડે રહેતો હતો એ ફ્લેટ- મારા હંગામી ઘરની ચાવી, રોકડ.. બધું જ અતિ મહત્વનું. ઓ બાપરે! એક નોટબુક ખોવાય તો રાડારાડી કરતા પપ્પા આ જાણે તો શું થાય? અને આ જળભંડાર વચ્ચે ખોવાયેલી વસ્તુઓ જ મને ડરાવી રહી હતી કે અહીંથી બહાર નીકળું તો જાણે મારી આઈડિન્ટીટી હું જ દરિયામાં મૂકીને નીકળ્યો કે શું?
મેં કાયક ચલાવ્યું. જીવ પર આવી જઈને. વહેણથી વિરુદ્ધ દિશામાં. જ્યાંથી નીકળ્યો હતો ત્યાં પહોંચવા.
દૂરથી માછી દેખાયો. એકમાત્ર તારણહાર. મેં મોટેથી બૂમ પાડી. એને કહેવા માંડ્યું.
-"મારી બેગ પડી ગઈ પાણીમાં!"
એણે ફોન કરીને બીજા કોઈને બોલાવ્યો. એમની ભાષામાં મને સમજણ ન પડી પણ એટલી ખબર હતી કે એ લોકો મદદ કરવાના હતા. બંને જણા દરિયામાં કૂદી પડ્યા. ખાસી મહેનત કરી પણ કંઈ મળતું નહોતું. હું કિનારે કિનારે ચાલ્યો અને એ લોકો મારી નાવ ઊંધી પડી હતી ત્યાં સુધી દરિયામાં તરીને અંદર શોધવા લાગ્યા. સારું હતું કે અહીં બહુ લોકોની અવરજવર રહેતી નથી. દરિયાનું પાણી પણ ચોક્ખું. વધારે શબ્દોમાં વર્ણન પણ ન કરી શકું એટલી હદે મારો જીવ તાળવે ચોંટી ગયેલો હતો. હું ચિંતિત હતો પણ મજબૂર હતો. મારી વસ્તુઓ મળે એ માટે બધો આધાર પેલા માછીમારો પર હતો. મેં ભારપૂર્વક વિનવણી કરી કે મેં મારી બધી અગત્યની વસ્તુઓ આ તમારા કાયકિંગને લીધે ગુમાવી છે. તમે મદદ નહિ કરો તો નહિ ચાલે.
એક લાંબા સમય પછી એક જાંબલી વસ્તુ તરતી હોય એવું લાગ્યું. પણ એ બેગ નહોતી. અમારે બીજો રંગ શોધવાનો હતો, બેગ તો ફ્લોરોસન્ટ હતી. દરિયાનાં ભૂરા ચોક્ખા પાણીમાં ફ્લોરોસન્ટ બેગ મળવી જ જોઈએ. માછીમારોની તનતોડ મહેનત પછી આખરે ફ્લોરોસન્ટ બેગ તરતી દેખાઈ. માછીમારો એને ઝડપીને લાવ્યા. મારા જીવમાં જીવ આવ્યો. ફોન વોટરપ્રુફ આઈફોન હતો એને કંઈ નહોતું થયું. પણ મારું વોલેટ? વોલેટ જ નહોતું! હવે મારે સંયમ ગુમાવ્યા વગર કડક હાથે કામ લેવાનું હતું. મને થયું કે હવે મારા પપ્પાનાં ગુણધર્મો મારામાં પ્રવેશેલા તો છે જ, પણ એ દરિયાનાં પાણીએ મારામાં વિકસાવ્યા. હું કઠોર બન્યો પણ અવિવેકી નહિ. મેં ભાર મૂક્યો કે કાયકિંગના રૂપિયા ચૂકવ્યા છે તો મદદ તો કરવી જ પડશે. વોલેટમાં જે રૂપિયા છે એ રૂપિયા એમને આપીશ એવી લાલચ આપીને એ દરિયાખેડુઓને મેં પ્રવૃત્ત રાખ્યા. મનમાં ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. કારણ મમ્મી-પપ્પા પણ એવું જ કરે. દરિયાકિનારાની રેતમાં મને મારા ઘરનાં દ્રશ્યો દેખાયા. મને ઘર કેવી સુરક્ષા અને હૂંફ આપે છે, એની અનેકગણી કિંમત થઈ. આવા સમયે મારી મનોદશા જોઈને મમ્મીએ મને કેટલું વહાલ કર્યું હોત એવો વિચાર આવ્યો.
માછી ભાઈઓએ રૂપિયાની લાલચે કે પછી માનવતા સમજીને કે પછી મારું આકરાપણું જોઈને ઘણી ના-ના કર્યા પછી પણ દરિયામાં જવાની તૈયારી બતાવી. એ લોકોના હાથ અને મારી નજર દરિયો ઢંઢોળી રહ્યા હતાં. અચાનક મને એક વસ્તુ તરતી હોય એવું લાગ્યું. પે.. લો... જાંબલી રંગ... બહુ જાણીતો આ રંગ.. શેનો? શેનો?.. અરે આ જ તો મારું ક્રેડિટ-કાર્ડ! મારા વોલેટમાં ફસાવીને રાખેલું.
મારું વોલેટ મળ્યું. દરિયામાંથી છીપ અને છીપમાંથી મોતી પણ મળ્યું. અહા! આ વડીલોનાં આશીર્વાદ નહિ તો શું? હું અત્યારે ઘરને ખૂબ યાદ કરું છું. મમ્મી - પપ્પા પણ એટલો જ મને યાદ કરતા હશે? વોલેટની બધી કેશ મેં માછીઓને આપીને વિદાય કર્યા.
હા, કડક લાગતાં આપણાં વડીલો ખરેખર તો હિત જ ઈચ્છતા હોય છે. ભલે ને એક ઘરની કેદમાં પૂરવા મથતાં એ લોકો પણ એમનાં અનુભવનાં દરિયાની દરેક લહેર આપણાં સુધી પહોંચે એવી તકેદારી રાખતાં હોય છે. મારો જીવ અને જોખમ બંને બચ્યાં એટલે ખાલી યાદ કરવા નહિ, પણ મારે મારા બાળપણનાં ઘરમાં સાચે જ થોડો સમય વિતાવવો છે. મારી કંપનીમાં દિવસ-રાત એક મોટાં પ્રોજેક્ટ પર કામ કરીને મેં ઘરને બદલે કુદરતના ખોળે શાંતિ મેળવવા જવા વિચાર્યું. પણ આ પ્રસંગે મને સમજાવ્યું કે મૂળથી કોઈ વ્યક્તિ ક્યારેય અલગ નથી થઈ શકતી. સ્થળ એ માત્ર સ્થળ નથી, સ્પંદનો છે. પ્રેમનાં તરંગો જ્યાં સતત વહે છે એ જગ્યા છે. માતા-પિતા ન હોય કે હું પણ નહિ હોઉં તો, વીતેલી ક્ષણો એક આંદોલન જગાવતી રહેશે એ જ જગ્યા પર! એ મારું ઘર છે, અમારું ઘર છે. મને તીવ્રતાથી ખેંચાણ થઈ આવ્યું એ જગ્યાનું, જ્યાં હું ચાલતા શીખ્યો હોઈશ, ગબડ્યો હોઈશ, રડ્યો હોઈશ. એ જગ્યાએ મને સાચવ્યો છે. મારું ઘર એ મારી હયાતીનો જ એક ભાગ છે. બસ, પહેલા મારે ઘરે જવું છે, ઘરે જ જવું છે. કુદરત પણ કદાચ આવું જ શીખવે છે. દરિયાના પાણીમાં રહીને પણ કામ આપતા ફોન પર સૌથી પહેલા મારા વતનની ટિકિટ બુક કરવા મેં મોબાઈલ ખોલ્યો.

શીર્ષક : સ્વપ્નનું સરનામું'
લેખન : જાગૃતિ,'ઝંખના મીરાં'
ઈ-મેઈલ: kishanmuliya2@gmail.com
"ઑહ માય ગોડ! ક્યાં અમદાવાદ અને ક્યાં જૂનાગઢ! આરુષિ, યાર તું કેવી રીતે એડજસ્ટ થઈ શકીશ એ નાનકડા શહેરમાં અને એ પણ એક જૉબ કરતા વ્યક્તિના મિડલ ક્લાસ ફેમિલી સાથે!" શીખા બોલી ઊઠી.
ત્રણ છોકરીઓ, શીખા, આરુષી, રીયા અને બે છોકરાઓ કશ્યપ અને શૈલ આ પાંચની દોસ્તી કોલેજમાં ફાઈવસ્ટાર ગૃપ તરીકે જાણીતી હતી. છેલ્લાં સેમેસ્ટરનો છેલ્લો દિવસ હતો. હવે દરેકે પોતપોતાની મંજિલ તરફ દોટ મૂકવાની હતી. જેમાં આરુષીએ આજે અચાનક એ જાહેર કર્યું કે ચાર દિવસ પછીના રવિવારે તેની સગાઈ જૂનાગઢ થવા જઈ રહી છે.
ઉચ્ચ મધ્યમ વર્ગનાં પરિવારની આરુષી માતા-પિતાએ પસંદ કરેલાં એક છોકરા સાથે આટલાં નાનાં શહેરનાં સામાન્ય નોકરિયાત પરિવારની રહેણીકરણી સાથે કેવી રીતે પોતાને ગોઠવશે? એ એનાં દરેક મિત્રને થતો સવાલ હતો. શીખા આમ સીધો શાબ્દિક હુમલો કરી બેસશે એવું કોઈને મનમાં ન હતું.
'લુક શીખા, મારે મન મોટું શહેર, ગાડી-બંગલા, નોકર-ચાકર અને અતિશય પૈસો, ફક્ત આ બધું જ સુખની વ્યાખ્યામાં નથી. મને ભરોસો છે, મારા મમ્મી-પપ્પાએ મારા માટે કંઈક સારું જ વિચારીને આ નિર્ણય લીધો હશે એન્ડ આઈ એમ હેપી વિથ ધેટ. આમ પણ મને ઘરથી બહુ દૂર રહેવું ન ગમે.' આરુષીએ આમ કહ્યું તો કાયમ હસતું રહેતું મિત્ર મંડળ થોડીવાર ગંભીર બની ગયું.
વાતાવરણ હળવું કરવા શૈલ બોલ્યો,"અરે હા, રાતે આરુષી બસમાં તો સવારે ઘરે...!ચાલો તો આજે ડબલ પાર્ટી વિથ ડબલ આઇસક્રીમ ફ્રોમ આરુષી."

સૌએ પસંદગીનો આઇસ્ક્રીમ મંગાવ્યો. પછી રીયા બોલી,"તો શીખા, તું બોલ હવે. મારે તો અમદાવાદમાં જ લગ્ન કરવા છે. યુ નો હોમસિક! અહીંથી દૂર નથી જવું. તારે કેવો છોકરો જોઈશે? આકાશમાંથી ઉતરેલો રાજકુમાર કે પછી..." જાણીજોઈને કશ્યપ તરફ એક સુચક નજર ફેરવી તે બોલતી અટકી.
' ઓફ્કોર્સ યાર! પહેલી વાત તો એ કે મારે ઈન્ડિયામાં રહેવું જ નથી. લગ્ન કરીશ તો કોઈ એનઆરઆઈ અમેરિકન સિટીઝન સાથે. જે આખું વીક ખૂબ ડોલર છાપે મારા માટે અને વીક એન્ડમાં વાપરે પણ મારા માટે!' એની સાથે આ વાત પર સૌ હસી પડ્યાં સિવાય કે કશ્યપ.
એ પછી બે મહિનામાં શૈલને એના પપ્પા સાથે શોરૂમ પર બેસવું પડ્યું. આરુષી પરણીને જૂનાગઢ જતી રહી. રીયાએ એક મોટી કોર્પોરેટ કંપની જૉઇન કરી. કશ્યપ તે દિવસે શીખાની માનસિકતા જોઈ મન મક્કમ કરી તેનાથી દૂર રહી એક બેંકમાં ડેપ્યુટી મેનેજર બની ગયો. શીખા, કશ્યપની લાગણીઓ નજરઅંદાજ કરી પોતાની સ્વપ્ન દુનિયામાં વ્યસ્ત રહી.
**
શીખાનાં ઘરમાં વાતાવરણ એકદમ નિખાલસ હતું. શીખાનાં પપ્પા પ્રકાશભાઈએ પોતાના સારા કહી શકાય તેવા પગારમાં શીખા અને તેના ભાઈ વ્રજનાં ઉછેરમાં કોઈ ભેદભાવ ન્હોતો રાખ્યો. શીખાના મમ્મી અનસુયાબેન પૂર્ણતયા ભારતીય નારી હતાં. એમને માટે સામાજિક સંબંધો બહુ મહત્ત્વ ધરાવતાં. જેને કારણે ઘરનું વાતાવરણ એકદમ જીવંત રહેતું. તેમને ભારતીય રીત-રિવાજો, ધાર્મિક સંસ્કાર વગેરે જળવાય, એ ખૂબ ગમતું. એમને મન આધુનિકતા અપનાવવી ખોટી ન હતી પણ એનાં નામે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવું ખોટું હતું. ભારતીય સંસ્કારમાં રહેલી ખુબીઓ સમાજ જીવનનો પાયો છે, એમ તેઓ દ્રઢપણે માનતા.
અનસુયાબેન શીખાને આ બધી વાતોનું મહત્ત્વ સમજાવતાં પણ શીખા પર એમની વાતોની અસર ન હતી. જોકે શીખા પ્રકાશભાઈ અને અનસુયાબેનને અનહદ પ્રેમ કરતી. વ્રજ સાથેનાં સંબંધ પણ ભાઈ કરતા મિત્ર જેવા વધારે રહ્યાં.
"શીખા બેટા, આવતા અઠવાડિયે મારો એક જૂનો મિત્ર કિરીટ વીસ વર્ષ પછી અમેરિકાથી અહીં એના એક માત્ર દીકરા આરવના લગ્ન કરાવવાનો હેતુ લઈને આવે છે. એના સંબંધીઓએ બતાવેલી ઘણી છોકરીઓ જોશે. ઉપરાંત એણે એફબી પર આપણાં ફેમિલી ફોટામાં તને જોઈ હશે તો એને રસ હોય એવું મને લાગ્યું." ઠરેલ સ્વભાવના પ્રકાશભાઈએ ટૂંકી અને સ્પષ્ટ વાત દ્વારા શીખાનું મન જાણવા અટક્યા.
અનસુયાબેન તરત બોલી ઊઠ્યા,' શું તમે પણ! સોનાની નગરી કેમ ન હોય? પારકા પરદેશમાં, ઘરથી, મારાથી આટલે દૂર મારે દીકરી નથી આપવી હો.'
વ્રજે વાતનો દોર સંભાળતા કહ્યું, " મમ્મી પ્લીઝ, પપ્પાએ ક્યાં કોઈ નિર્ણય જાહેર કર્યો છે? શીખાની જિંદગી છે. શીખાને પૂછીએ."
શીખાને તો જાણે અચાનક એના સ્વપ્નને સાચું સરનામુ મળ્યું હોય એમ મનમાં પતંગિયા ઉડાઉડ કરવા લાગ્યા હતાં. પ્રકાશભાઈએ બધી ઔપચારિક માહિતી કહી. જે આ ઇન્ટરનેટ યુગમાં કાફી હતી. સામુહિક રીતે તો 'મળ્યા પછી અનુકૂળ આવશે તો' એવો નિર્ણય લેવાયો પણ અનસુયાબેન આ વાતથી નારાજ અને હતાશ હતા.
જ્યારે વ્રજ જાણતો હતો કે શીખાને આરવ ગમી જ જશે. તેણે તે રાતે શીખાને કહ્યું પણ ખરા, 'શીખા સમજીને નિર્ણય કરજે. પિયરથી દૂર થવું એ તો દરેક સ્ત્રીની તકદીર છે પણ આ આપણાં ઘરથી, વતનથી દૂર થવાની વાત છે. જે સરળ નથી.'
"ભાઈ, મને નથી લાગતું કે હું કંઈ ખાસ ગુમાવીશ, હા, તને જોવા વિડીયો કૉલ કરવો પડશે એ સાચું." શીખાએ વાત હસી કાઢી.
અનસુયાબેન પણ સમજાવી ગયા,'શીખા, બેટા ઉપરથી તને ત્યાંનું જીવન જેટલું સરસ અને સરળ લાગે છે એટલું હોતું નથી અને હશે પણ નહીં. અહીંની જિંદગીમાં જે સુકૂન છે, તે તને ત્યાં નહીં મળે.'
"ઓહ મમ્મા, નહીં ગમે તો તને બોલાવી લઈશ." ફરી એકવાર શીખા ખડખડાટ હસીને આરવ સાથે વાત કરતી ચાલી ગઈ.
**
એ પછીનાં પખવાડિયે આ ફાસ્ટ યુગમાં શીખા અને આરવના કોર્ટ મેરેજ નક્કી થયાં. એ દરમિયાન રીયાએ એકવાર શીખાને કહ્યું પણ ખરા,' શીખા, જિંદગીનો બહુ મહત્ત્વપૂર્ણ નિર્ણય તું બહુ ઝડપથી લઈ રહી છે. આરવને તું એકબીજાને પૂરું સમજ્યા પણ નથી. કશ્યપની આંખો તે વાંચી છે કદી? એમાં તારા માટે જે છલકે છે, પુરુષની આંખોમાં એ પ્રેમ જોવા માટે સ્ત્રી તરસે છે. તું...'
"આરવ કોલિંગ".. ને શીખાએ એક્સક્યુઝ મી રીયા. હું પછી કોલ કરું, કહીને કોલ કટ કર્યો.
એ પછી તરત રજિસ્ટર મેરેજ અને ધામધૂમથી લગ્ન. આરવ ખૂબ જ શોખીન દેખાતો. તેની દરેક અદા પર શીખા ફિદા હતી. થોડા સમયમાં તો શીખા ડોલરિયા દેશમાં સપનાની પાંખો લઈ આરવ સાથે ઊડી ગઈ.
ફળ પાકે પછી જ સ્વાદ અને સત્વ આપે. એમ સપનાં જોવા ખોટું નથી પણ તેને પરિપક્વ થવા દેવા જરૂરી છે. સ્વપ્ન જોઈ તે પામી લેવાથી જિંદગીમાં શું પામશું? એ જ સ્વપ્ન આજીવન આનંદનું કારણ બની શકશે કે કેમ? આ તમામ વિચારો કરવાના સમય હતો ત્યારે શિખાએ ત્વરિત સ્વપ્ન સાકાર કરી લીધાનું સુખ પસંદ કરી લીધું.
અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતમાં તો શિખા સમયનો રાતદિવસનો તફાવત જ માંડ પચાવતી થઈ. તદ્દન અલગ વાતાવરણ માત્ર ભૌગોલિક જ નહીં પણ સામાજિક, ધાર્મિક અને માનસિક રીતે પણ!
"લુક શીખા, આ ઇન્ડિયા નથી. ઑકે? એક-એક મિનિટની અહીં વેલ્યુ છે. ટિફિન શાર્પ આઠ વાગ્યે રેડી રાખજે અને દરેક દિવસે મોમ કહે તે પ્રમાણે મારો બ્રેકફાસ્ટ વિથ જ્યુસ." રજાઓ ઈન્ડિયામાં જ પૂરી થઈ ગયેલી, એટલે અમેરિકા પહોંચ્યા પછી બીજા દિવસથી આરવની જૉબ ચાલુ થઈ ગયેલી.
આઠને દસ થઈ જતા સવારમાં આટલું બધું સાંભળવું પડ્યું એ પણ પહેલા જ દિવસે! આ ઈન્ડિયા નથી એ વાત શીખાના મગજમાં એકદમ હથોડાની જેમ પછડાતી રહી. પહેલા જ દિવસે તેને પોતાનું ઘર સાંભળી આવ્યું આ હાઉસમાં!
એ પછીનાં દિવસો લગભગ એકસરખા જ રહેતાં. ન ઘરમાં કોઈને સાથે બેસી જમવાનો સમય હતો કે ન ઈચ્છા. આરવનાં મમ્મી-પપ્પા મોટાભાગનાં સમયમાં મોબાઇલ અને ટેલિવિઝન સાથે વ્યસ્ત રહેતાં. હા, એ સિવાય એક ત્રીજું કામ હવે તેમને મળ્યું હતું, શિખા પર, તેનાં કામ પર સતતપણે દેખરેખ રાખી, તેને ટોર્ચર કરવાનું!
છેક મોડી સાંજે આરવ આવતો. ત્યારે શીખા વધારે તણાવ અનુભવતી. જાણે આખો દિવસ તેણે કશું કર્યુ જ ન હોય તે વાતનો અહેસાસ આરવ કરાવવા ઈચ્છતો. આખરે આવા વર્તન પાછળનું કારણ પણ એક સાંજે સામે આવ્યું.
"મને એ નથી સમજાતું કે આખો દિવસ તું કરે છે શું? તારી ઈન્ડિયાની ડીગ્રી પર તો તને અહીં સારી જૉબ મળવાથી રહી. તું કોઈ સુપર માર્કેટમાં સેલ્સ ગર્લની જૉબ કર. આ અમેરિકા છે. બેટર વીક એન્ડ માટે આખું વીક કામ કરવું પડે ન કે મોબાઈલમાં ટાઈમપાસ!"
શીખાને સખત લાગી આવ્યું. મમ્મીએ આખી જિંદગી ભણેલી હોવા છતાં ગૃહસ્થ જીવન જીવ્યું પણ પપ્પાએ તેને કદી કમાવા જવા દબાણ ન્હોતું કર્યું. શીખાને આરવની આ માનસિકતા બહુ વિચિત્ર લાગી. પોતે જોયેલાં બિન્દાસ્ત જિંદગી માણવાના સ્વપ્ન છિન્ન ભિન્ન હતાં.
આખરે કમને તેણે આરવે અપાવેલી એક જૉબ સ્વીકારી. એ પછી તો વીક આખું જાણે વૈતરું અને વીક એન્ડ એટલે અધૂરા કામ પૂરા કરવાની યાદી! દિવસ આખો જૉબ અને ઘરકામ કરવાનું તો રાત થતાં એકાદ કટાક્ષ સાંભળી આરવનું મનપસંદ રમકડું બનવાનું. ભારતમાં આવ્યો હતો તે આરવ અમેરિકામાં શીખાને દૂર સુધી ન દેખાયો. શીખાને હવે પોતાના ઘરથી દૂર થઈ, વતનથી દૂર થઈ તેણે શું ગુમાવ્યું એ અભાવ સતત ફાંસની જેમ ખટકવા લાગ્યો.
એક રવિવારે આરવે મિત્રો સાથે એકલા ફરવા જવાનો પ્લાન બનાવ્યો. શીખાને હવે આવી કોઈ વાતથી ફરક ન પડતો. પોતે શું હતી? શું ઈચ્છતી હતી? એ બધી વાતો વિચારીને તે અકળાતી પણ હવે તે બધી વાતોનો કોઈ મતલબ ન હતો. સમયે-સમયે તેને સૌનાં શબ્દો યાદ આવતાં અને પછી તેના વિચલિત થઈ જતા મનને માંડ મનાવતી.
તેણે નવરાશ મળતા લાંબા સમયે ફેસબુક ખોલ્યું. ફાઈવસ્ટાર ગૃપથી તે હવે સ્વેચ્છાએ દૂર રહેતી કેમકે તે પોતાનો નિર્ણય ખોટો સાબિત થયાની જાણ કોઈને પણ થાય એવું ન્હોતી ઈચ્છતી. ઘણીવાર તેને રીયાનાં શબ્દો અને કશ્યપની આંખો યાદ આવી જતી.

અચાનક આજે ફરી બધું તીવ્રત્તમ રીતે તેને ઘેરી વળ્યું. મેસેન્જર બોક્સમાં રિયાનાં ઘણાં મેસેજીસ હતાં. આઠ દિવસ પછી કશ્યપ સાથે એની સગાઈ હતી ને ફરી એકવાર શીખાને એ લાગણી ઘેરી વળી કે એ તે ખરેખર ઘરથી બહુ દૂર છે!

શીર્ષક : સેન્ક્ચ્યુઅરી
લેખન : નિષ્ઠા વછરાજાની
ઈ-મેઈલ : nishthadv05@gmail.com
માર્ચ મહિનો એના અંત તરફ આગળ ધપી રહ્યો હતો. અમદાવાદના સપાટ, ભૂખરાં રસ્તા પર સાંજે એક બ્લૂ કલરની હૉન્ડા સીટી કાર સડસડાટ દોડી રહી હતી. ત્યાં જ સિગ્નલ પડ્યું ને લાલ લાઇટ ચાલુ થતાં બધાં જ વાહનોને અચાનક બ્રેક લાગી અને રસ્તા પર સતત આમ-તેમ દોડતાં વાહનોની વણઝાર જાણે થંભી ગ‌ઇ! વાહનોની આ જ ભીડમાં ડૉ.ગાથાએ પણ‌ મને-કમને તેની હૉન્ડા સીટીને બ્રેક મારી અને ઊભા રહી જવું પડ્યું. એમને મનોમન વિચાર આવી ગયો કે, 'આ સિગ્નલ એક સેકન્ડ મોડું પડ્યું હોત તો હું નીકળી જાત! હવે! તો ઊભા રહ્યાં વગર છૂટકો નથી. અહીંથી કવાટર્સ સુધી પહોંચતાં માંડ દશ મિનિટ થાય પણ આ સિગ્નલ અને ટ્રાફિકને લીધે નક્કી પચ્ચીસેક મિનિટ તો થઈ જ જવાની!' આ વિચાર આવતાં જ કંટાળો, થાક અને અણગમાના મિશ્ર ભાવો તેનાં નાજુક અને ગૌર ચહેરા પર ઉભરી આવ્યાં. થોડીજ વારમાં, કારમાં એ.સી. ચાલું હોવા છતાં તેનાં ગૌર ચહેરા પર ઝાંકળ જેવાં પ્રસ્વેદ બિંદુઓ ચમકવા લાગ્યાં. તેણે કારનાં ડૅસ્કબોર્ડ પર પડેલ ટિસ્યુ બોક્સમાંથી એક ટિસ્યુ હળવેકથી કાઢ્યું અને ચહેરા પરથી ગૉગલ્સ હટાવી, માથાં પર ચઢાવી દીધાં અને હળવે હાથે ટિસ્યુથી ચહેરો સાફ કર્યો. ત્યાં તો, રેડ સિગ્નલ ગ્રીન થયું અને એણે પોતાનાં કવાટર્સ તરફ જવા માટે ગાડી સ્ટાર્ટ કરી.
એને થોડાં મહિનાઓ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો કે, જ્યારે એણે ઘર છોડીને સ્ટાફ કવાટર્સ પર રહેવા જવાનો
અણગમતો અને કઠિન નિર્ણય લેવો પડ્યો હતો. એ દિવસે
સવારથી જ એનું શિડયુઅલ બહુ જ બિઝી રહ્યું હતું. સવારે જેવી એ કોલેજ પહોંચી કે તરત જ એનાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. પ્રણવ ખારોડે તેને પોતાની કેબિનમાં બોલાવીને સેકન્ડ ઇયર બી.એસ. સીમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ એક્ઝામ લ‌ઇ, તેમની જર્નલ્સ ચેક કરી અને તેમનાં ઇન્ટરનલ વાય વા લેવાનું કામ સોંપ્યું. એણે નોંધ્યું કે, 'લગભગ પાંત્રીસેક વિદ્યાર્થીઓ હતાં.' તેણે એક પછી એક બે બૅચમાં વિધાર્થીઓને બોલાવી, તેમની પ્રેક્ટિકલ એક્ઝામ લ‌ઇ, જર્નલ્સ ચેક કરી અને વાય વા પણ લઈ લીધાં, પણ તે આ ઓવર વર્ક લૉડને લીધે ખૂબ જ થાકી ગ‌ઈ હતી. એકધારું સતત એક જ જગ્યાએ બેસી રહેવાને લીધે તેને બૅકપૅઇન ચાલુ થઇ ગયું હતું અને તેમાં ઘર તરફ પાછાં ફરતી વખતે આ જ રીતે,ચાર રસ્તે સિગ્નલ પડવાથી તેણે ગાડીને બ્રેક મારી ઊભા રહેવું પડ્યું હતું. જો કે, તે જાણતી હતી કે, 'ભલે.. ને! ઘર પર કોઈ એની રાહ જોતું ન હોય, પણ પૃથ્વીનો છેડો તે ઘર!'
ત્રીસીની સરહદ વટાવી ચૂકેલી અને છતાંયે અપરણિત રહેલ
ડૉ.ગાથા મહેતા, અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં કેમિસ્ટ્રીની જાણીતી પ્રોફેસર હતી. તે વિધાર્થીઓના ખૂબ માનીતી હતી. કોઇપણ અઘરામાં અઘરો ટૉપિક એ એટલી સરળતાથી અને રમતાં રમતાં શીખવાડી દેતી કે વિદ્યાર્થીઓને તરત જ એ યાદ રહી જતું. તેનાં લેક્ચરમાં વિદ્યાર્થીઓની લગભગ ફુલ હાજરી જોવા મળતી. સહુ વિધાર્થીઓ સાથે મિત્રતભર્યો વ્યવહાર તેને કોલેજનાં અન્ય પ્રોફેસર્સથી અલગ પાડતો હતો. તેનાં સરળ અને હેલ્પિંગ નૅચરને લીધે એનાં સહ-કાર્યકરો પણ તેનું ઘણું રિસ્પેકટ રાખતાં, પણ એનાં પોતાનાં જ ઘરમાં એની કિંમત ઝીરો હતી.
ભાઇ-ભાભીને‌ મન ઘરમાં એ વધારાનો મેમ્બર હતી. એનાં મમ્મી લેખાબેનને મન એ બોજ હતી. હા..! એનાં પપ્પા કિરાતભાઇના સપોર્ટને લીધે જ એ પી.એચ.ડી. કરીને ડૉકટરેટની ડિગ્રી મેળવી શકી હતી, પણ છેલ્લાં થોડાં સમયથી એને લાગતું કે,' પપ્પા પણ એને સપોર્ટ કરીને જાણે કે પસ્તાઇ રહ્યા હોય!'
ચાર રસ્તા પર લીલું સિગ્નલ થતાં જ એણે ગાડીને ઘરની દિશામાં વાળી અને અમદાવાદના ભરચક ટ્રાફિકને ચીરતી તેની કાર થોડી જ વારમાં એને ઘરે પહોંચી ગ‌ઇ. ઘરનાં શૂ રૅક પાસે અજાણ્યાં ચંપલ જોતાં જ એને ઘરે મહેમાન આવ્યાનો ખ્યાલ આવી ગયો. એણે અંદર જ‌ઇને જોયું તો એમનાં ઘરે લેખાબેનના મામાની દીકરી દુર્ગામાસી આવ્યાં હતાં. એમની સાથે થોડી ઘણી ઔપચારિક વાતો કરી એ પોતાના રૂમમાં ગ‌ઇ. હજી એને વિધાર્થીઓની જે એકઝામ એણે લીધી હતી તેને આધારે એકસએલમાં માર્કશીટ તૈયાર કરી, ડૉ. ખારોડ સાહેબને કાલ સવાર સુધીમાં મોકલાવી દેવાની હતી. આ કામ કરવા જ્યાં એણે પોતાનું લૅપટોપ ઑન કર્યું ત્યાં જ પાછળથી આવીને માંડ છ-સાત વર્ષની એની ભત્રીજી મેઘાએ એની આંખો જોરથી દાબી દીધી ને 'ફિયાઆઆ...' કરતી એનાં ખોળામાં આવીને બેસી ગઈ ને કહેવા લાગી. 'ફિયા, મારી એકઝામ નજીક છે. તમે મને જોગ્રોફીનો એક ચેપ્ટર સમજાવો ને!"
ગાથાએ પણ વ્હાલથી એને ભેટી , એને પપ્પી કરીને જોગ્રોફીની બુક લ‌ઇ આવવા કહ્યું ને તેમાંથી એણે કેરાલાની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ, લોકબોલી વગેરે વિશે મેઘાને સમજાવ્યું ને ત્યાં હાથીની સેન્ક્ચ્યુઅરી પણ છે તેમ જણાવ્યું. નાનકડી મેઘા વિસ્ફારિત નયનોથી ગાથાને તાકી રહી ને પૂછ્યું,"સેન્ક્ચ્યુઅરી...! સેન્ક્ચ્યુઅરી એટલે શું?"
તેની સામે જોતાં જ ગાથાને સ્હેજ હસવું આવી ગયું. તેણે કહ્યું,"સેન્ક્ચ્યુઅરી એટલે લુપ્ત થઈ રહેલાં વન્ય-પ્રજાતિઓને બચાવવા માટે સંરક્ષિત વિસ્તાર છે, જ્યાં પ્રાણીઓ મુકત રીતે વિહરી શકે છે અને આ વિસ્તારમાં તેમના શિકારની મનાઇ ફરમાવવામાં આવી હોય છે." આ સાંભળીને મેઘા ખુશ થઈ ગઇ ને એણે પૂછ્યું,"ફિયાઆઆ..! આપણે સેન્ક્ચ્યુઅરી જોવા જઇશું ને?" ગાથાએ હસીને હા કહી ત્યાં બહારના રૂમમાંથી એને દુર્ગામાસી જોર જોરથી કંઇ મમ્મી-પપ્પા સાથે વાત કરતા હોય તેવું લાગ્યું એટલે એ કુતૂહલવશ જ ઊભી થઈને બહારના રૂમમાં આવી.
તેણે જોયું કે, લેખાબેને દુર્ગામાસી સાથે વાત વાતમાં જ
ગાથા માટે યોગ્ય મુરતિયો શોધવા કહ્યું. આ સાંભળીને દુર્ગામાસીએ તરત મ્હેંણાં- ટોણાં મારવાનું ચાલુ કરી દીધું, "અરે! લેખાબેન, તમે ગાથાને આટલી બધી કેમ ભણવા દીધી? હવે, એણે પીએચડી કર્યું છે તો આપણી નાતમાં આટલું બધું ભણેલો મુરતિયો ક્યાં મળવાનો?"

આ સાંભળીને કિરાતભાઇએ કહ્યું,"દુર્ગાબેન, મારી ગાથા તો મહિને બે લાખ રૂપિયા કમાય છે એટલે એને લાયક મુરતિયો શોધવામાં વાર તો લાગવાની ને! કંઇ દીકરીને જ્યાં-ત્યાં થોડી ફેંકી દેવાય?"
આ સાંભળીને દુર્ગામાસીએ કિરાતભાઇને રીતસરના તતડાવતાં કહ્યું, "તો બનેવીલાલ! ગાથાને બેસાડી રાખજો તમારા ઘરમાં! તમારા આ વધુ પડતાં લાડ-પ્યારને લીધે જ એનું ભવિષ્ય બગડ્યું છે."
આ સાંભળતાં જ ગાથાનો પિત્તો ગયો. એણે દુર્ગામાસીને ઉદ્દેશીને કહ્યું, "તમને કોણે કહ્યું કે મારે લગ્ન કરવા છે? જો મારા નસીબમાં કોઇ સારો ને ભણેલો મુરતિયો હશે તો મને મળશે. મારા નસીબનું કોઇ છીનવી નહીં શકે ને જો નસીબમાં નહીં હોય તો નહીં મળે! પણ તમારે મારી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. હું લગ્ન ન કરીને જરાપણ દુ:ખી નથી અને તમને મારા કે મારા ફેમિલી વિશે ઘસાતું બોલવાનો કોઈ અધિકાર નથી. તમે અમારાં મહેમાન છો તો મહેમાન બનીને રહો. અમારાં ઘરમાં તમારૂં ઇન્ટરફિયરન્સ હું જરાપણ સાંખી નહીં લ‌ઉં!" આમ કહીને ગાથા પોતાના રૂમમાં જતી રહી ને એણે જોરથી દરવાજો પછાડયો.
ગાથાનું આ રૌદ્ર રૂપ જોઈને દુર્ગામાસી તો રીતસરના ડઘાઈ ગયા ને તેમના હોંઠ જાણે કે સિવાય ગયા. એમને નીચી મુંડીએ ત્યાંથી નીકળી જવામાં જ સાર લાગ્યો.
એ આખી રાત ગાથાએ પડખાં ઘસવામાં જ કાઢી. એને ખૂબ જ ગુસ્સો આવતો હતો કે,'પોતાનામાં શું કમી છે? આટલું સારું ભણી છે, આટલું સારું કમાય છે પણ મેરેજ નથી થતાં એ શું એનો વાંક છે? શું કોઇપણ સ્ત્રીને સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે હંમેશા પુરુષનો સહારો લેવો જ પડે? એ એકલી પગભર ન રહી શકે? એને ખુશ રહેવાનો અધિકાર નથી? સમાજ હંમેશા કેમ મારા જેવી કેપેબલ છતાં એકલી સ્ત્રીઓને ત્રાંસી નજરે જોવે છે? રહી રહીને તેના મનમાં મેઘાનો એક જ સવાલ ઘુમરાયા કરતો હતો, 'સેન્ક્ચ્યુઅરી એટલે શું?'
એ વિચારવા લાગી કે,' પશુ-પંખીઓની જેમ સ્ત્રીઓને રહેવા માટે પણ સેન્ક્ચ્યુઅરી હોવી જોઈએ. જ્યાં તેઓ પોતાની મરજી મુજબ શાંતિથી જીવી શકે, જ્યાં સમાજની વક્ર દૃષ્ટિનો સામનો કરવાનો ન રહે!' આમ બધું વિચારતાં એને યાદ આવ્યું કે એકવાર એમના ડિપાર્ટમેન્ટ હેડ ડૉ. પ્રણવ ખારોડે તેને કહ્યું હતું કે એ કોલેજ તરફથી કવાટર્સ મેળવવા માટેની લાયકાત ધરાવે છે પણ એને એ સમયે મમ્મી-પપ્પાથી અલગ કોઈ કવાટર્સમાં રહેવા જવાનું સ્વીકાર્ય ન હતું પણ અત્યારે પરિસ્થિતિ અલગ હતી. આખી રાતના ખૂબ જ મનોમંથન બાદ તેણે પોતાના માટે સેન્ક્ચ્યુઅરી એટલે કે કોલેજ કવાટર્સમાં જવાનો નિર્ણય લીધો.
બીજે દિવસે સવારે ઊઠીને તેણે પોતાનો આ મક્કમ નિર્ણય ઘરનાં સભ્યો સમક્ષ જાહેર કર્યો અને એક બેગમાં થોડો સામાન ભરી એ સ્ટાફ કવાટર્સમાં રહેવા જતી રહી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યાં. હવે તો આ સ્ટાફ કવાટર્સ જ તેનાં માટેની સેન્ક્ચ્યુઅરી બની ગયું હતું. જ્યાં તે કોઈની રોક-ટોક વગર, પોતાની ઇચ્છા મુજબ, શાંતિથી અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકતી હતી.
એ આ રીતે, પોતાનું જીવન સારી રીતે જીવી રહી હતી જેથી કોલેજના સ્ટાફમાં પણ લોકો તેનાં અંગત જીવનની ચર્ચા અને સાથે સાથે ઇર્ષા પણ કરતાં. ગાથાની સાથે, તેની જ કોલેજમાં કામ કરતી અને તેની ખાસ સહેલી, પ્રોફેસર ઘટનાને તેનાં પતિ દર્શન સાથે અને સાસુ-સસરા સાથે સતત અણબનાવ અને ખટરાગ થતાં રહેતાં. એકવખત, ઘટના અને દર્શન વચ્ચે ખૂબ ઝઘડો થ‌ઈ ગયો અને દર્શને ગુસ્સામાં આવી જ‌ઇને ઘટનાને જોરથી એક લાફો મારી દીધો અને ઘટનાને રુંએ-રુંએ જાણે કે આગ ચંપાઈ ગ‌ઈ. એ પોતાનું આવું હડહડતું અપમાન સહન ન કરી શકી! તેણે તે જ પળે, પતિ અને ઘરનો ત્યાગ કરવાનો નિર્ણય લ‌ઇ લીધો પણ જવું ક્યાં? એ મોટો યક્ષ પ્રશ્ન હતો!
તેણે ઘરની બહાર નીકળીને સીધો જ ગાથાને ફોન કર્યો અને તેના કોઇ વાંક વગર તેની સાથે થયેલ દુર્વ્યવહારની વાત કરી અને એણે ગાથાને પૂછ્યું કે,' શું તે ગાથાની સાથે થોડાં દિવસો માટે રહી શકે?' ગાથા તરતજ ઘટનાની પરિસ્થિતિ પામી ગ‌ઇ અને તેણે ઘટનાને તરત જ પોતાની સાથે રહેવાની પરમિશન આપી દીધી. હવે, ઘટનાએ પણ ગાથાની સાથે તેનાં કવાટર્સમાં રહીને પોતાના માટે સેન્ક્ચ્યુઅરીની વ્યવસ્થા કરી લીધી હતી.
એકવખત, ગાથા અને ઘટના એમ જ વાત કરતાં બેઠાં હતાં. ત્યારે તેમને વિચાર આવ્યો કે, 'સમાજમાં એવી ઘણી સ્ત્રીઓ છે કે જે ડરેલી, તરછોડાયેલી અને કચડાયેલી છે. આવી સ્ત્રીઓ માટે આપણે કંઈક નક્કર કામગીરી કરવી જોઈએ. આ વિચાર આવતાં જ તેમણે પોતાની જેમ એકલવાયું જીવન જીવતી અપરણિત, ત્યકતા, વૃધ્ધા અને વિધવાઓ માટે 'સેન્ક્ચ્યુઅરી' નામના એક એનજીઓની સ્થાપના કરવાનું નક્કી કર્યું કે જેથી તેઓ પોતાનું જીવન મુક્ત રીતે જીવી શકે અને સમાજના ડરે તેમને ગભરાઇને કે ડીપ્રેશનમાં જીવન ન કાઢવું પડે!
આ કામ માટે તેમણે પોતાનાં મિત્રોની તથા સોશિયલ મીડિયાની મદદ લીધી અને આવી સ્ત્રીઓ માટે 'સેન્ક્ચ્યુઅરી' નામના એનજીઓની સ્થાપના કરી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ એનજીઓનો પ્રચાર કરવા માંડયો અને મહિલાઓના ઉત્કર્ષ માટે ફંડ રેઇઝિંગની અપીલ કરી. આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા પરદેશથી પણ લોકો ડૉનેશન મોકલાવવા લાગ્યાં.
એમનાં આશ્વર્ય વચ્ચે જોતજોતામાં તો લાખોનું ડૉનેશન તેમને મળવા લાગ્યું. ડૉનેશનના રૂપિયામાંથી તેમણે જમીન અને ઓફિસ પણ ખરીદ્યાં અને સ્ત્રીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી. તેમણે આ એકલવાયી સ્ત્રીઓ કે જે પગભર ન હતી તેમને પગભર કરવા માટે અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી અને આજે આ સેન્ક્ચ્યુઅરીમાં તમામ સ્ત્રીઓ નિર્ભય રીતે પોતાનું જીવન જીવી રહી છે.
આમ, ગાથાએ પોતાનાં માટે તેમ જ, સમાજથી ડરેલી, તરછોડાયેલી કે કચડાયેલી તમામ સ્ત્રીઓ માટે ખરાં અર્થમાં
સેન્ક્ચ્યુઅરીની વ્યવસ્થા કરી. જેથી તેઓ પણ સન્માનભેર અને ઉન્નત મસ્તકે પોતાનું જીવન જીવી શકે!
- નિષ્ઠા વછરાજાની
- વડોદરા

૧૦
શિર્ષક : સંગાથ
લેખન : અંજલિ દેસાઈવોરા
ઈ-મેઈલ : anjalivora2001@gmail.com

"ધબ્બબબબબબ" રસોડામાંથી જોરથી અવાજ આવ્યો અને હું હાંફળોફાંફળો રસોડા ભણી દોડ્યો. જોયું તો માધવી રોટલી બનાવતાં પડી ગઈ હતી. હાથમાંથી છટકી ગયેલું વેલણ અને લાલચોળ લોઢીથી બેખબર માધવી શ્વાસ લેવા માટે છટપટી રહી હતી. એની આંખો ચકળવકળ થઈ ગઈ હતી, ચહેરો સાવ ફિક્કો અને શરીર ઠંડુ પડી ગયું હતું "મધુ, શું થયું તને?" માધવીની હાલત જોઇને મારા ધબકારા તેજ થઈ ગયા હતા. માધવીના પડવાનો અવાજ સાંભળીને પડોશીઓ પણ દોડી આવ્યાં. અમે સહુએ મળીને માધવીને ગાડીમાં બેસાડી અને મેં પૂરપાટ વેગે ગાડી હોસ્પિટલ તરફ ભગાવી. તાત્કાલિક માધવીને ઈમરજન્સી વોર્ડમાં લઈ લેવામાં આવી અને એની સારવાર શરુ થઈ ગઈ. માધવીને હાર્ટએટેક આવ્યો હતો. એન્જીયોગ્રાફી બાદ એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. હ્રદયને લોહી પહોંચાડતી બે નળીઓમાં સ્ટેન્ટનું આરોપણ કરવામાં આવ્યું અને વધુ દેખરેખ માટે માધવીને આઈસીયુમાં ખસેડવામાં આવી.
માધવીની પરિસ્થિતિ ભયમુક્ત થતાં બધા સંબંધીઓનો આભાર માનીને મેં તેઓને વિદાય કર્યા. મારો ખાસ મિત્ર તારક મારી સાથે હતો. "મન્મત, શું થયું ભાભીને? અચાનક હ્રદયરોગનો હૂમલો? ભાભીને કઈ ચિંતા સતાવે છે?" આ જ સવાલોએ મારા મન ઉપર પણ ભરડો લીધો હતો.
આજે સવારથી માધવી થોડી બેચેન, અકળાયેલી, ખીજાયેલી હતી. આજે સવારે હું લેપટોપ ઉપર મારું કામ કરી રહ્યો હતો અને સાથે સાથે મોબાઈલમાં મારી દિકરી ઈવાએ મોકલાવેલું ઈંગ્લીશ ગીત સાંભળી રહ્યો હતો. "I wish one day I lift not one but both of us". "Both of us" આલ્બમના આ ગીતના શબ્દોને સમજવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં જ માધવીના પડવાનો અવાજ સંભળાયો. "શું થઈ ગયું મારી મધુને? " આ એક સવાલનો જવાબ શોધતાં શોધતાં હું ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો અને મને એક નહીં, હજારો જવાબો મળી આવ્યાં.
હંમેશા ખુશ અને હસમુખી રહેતી માધવી છેલ્લાં છ મહિનાથી કંઈક બદલાયેલી લાગી રહી હતી. હતાશ, નીરાશ, બેચેન માધવીને જાણે જીવનમાં કોઈ જ રસ રહ્યો નહોતો. માધવીનું જીવન એકલવાયું અને નીરસ થઈ ગયું હતું. અમારાં લગ્ન થયાં ત્યારથી માધવીએ અમારો ઘરસંસાર બહુ જ કુશળતાથી ચલાવ્યો હતો. સાસરા અને પિયર વચ્ચે સંતુલન જાળવવામાં, બન્ને ઘરનાં વડીલોની સેવા-સુશ્રુષા કરવામાં, મારી બેન્કની કારકિર્દીને ઉચ્ચ પાયદાન પર પહોંચાડવામાં, અમારા બન્ને બાળકોના ઉછેરમાં, એમના વિદ્યાભ્યાસમાં, એમની વિવિધ ફરમાઈશો પૂરી કરવામાં માધવી અતિવ્યસ્ત રહેતી છતાંય કામકાજના બોજા હેઠળ દબાયેલી માધવીને જ્યારે હું "મધુ" કહીને સંબોધતો ત્યારે હંમેશા એના ચહેરા ઉપર નવોઢા જેવી શરમ છલકાઈ ઉઠતી. જીવનરસથી તરબતર અને ઉત્સાહથી ભરપૂર માધવીને જીવનથી કોઈ જ ફરીયાદ નહોતી.
પરંતુ સમય રેતીની જેમ હાથમાંથી સરતો ગયો અને પરિસ્થિતિઓમાં ફેરફાર થતો ગયો. કાળક્રમે અમે અમારા ચારેય વડીલોની છત્રછાયા ગુમાવી. બન્ને સંતાનોને પણ પાંખો આવતાં પોતાના મનગમતા આકાશને આંબવા માળામાંથી ઉડી ગયાં. મારી નિવૃત્તિ બાદ મને સમયસર બેંકમાં પહોંચાડવાનું કામ પણ બંધ થઈ ગયું. કિલકિલાટ કરતાં ઘરમાં સોપો પડી ગયો. પોતાનાઓથી ઘેરાયેલી માધવી એકાએક એકલી પડી ગઈ. હું મારા નિવૃત્ત જીવનને માણવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માધવીની એકલતાને, એની પીડાને જાણી, સમજી જ ન શક્યો.
માધવીના મનનો ખાલીપો હ્રદયરોગ બનીને એની ઉપર ત્ર્યાટક્યો હતો. પરંતુ હવે માધવીના દિશાશૂન્ય જીવનને દિશા આપવા, એના જીવનને એક લક્ષ્ય આપવા અને માધવીને આ દુ:ખમાંથી બહાર લાવવાનો મેં દ્રઢ્ઢ નિર્ધાર કરી લીધો. સમય જતાં ધીમે ધીમે માધવી હવે સ્વસ્થતા કેળવી રહી હતી. એક દિવસ માધવીને મેં વ્હાલથી કહ્યું, " મધુ, તને કાંઈ થઈ જાત તો મારું શું થાત?, તારી સિવાય કોણ છે મારું? દાંપત્યજીવનના ત્રણ દસકા આપણી ફરજના હતાં અને હવે પછીના વર્ષો એકબીજાનો સાથ અને હૂંફ માણવાના છે.
બાળકો ક્યાં સુધી આપણી સાથે રહી શકે? આપણે જ એમને પાંખો ફેલાવતા શીખવ્યું છે ને....! મધુ, તેં સુધા મૂર્તિનો લેખ વાંચ્યો છે જેમાં તેઓ કહે છે કે સંતાન સાથે "attechment" જેટલું જરૂરી છે એટલું જ "Ditechment" પણ જરુરી છે. આ ditechment જેટલું જલ્દી સ્વીકારી લઈએ એટલા આપણે સુખી રહીશું. બાળકો એના સંસારમાં ખુશ અને આપણે આપણા જીવનમાં ખુશ. સાંસારિક બધી જ ફરજોમાંથી આપણે મુક્ત થયા બસ, હવે ખુદને સ્વસ્થ રાખવાની ફરજ નીભાવવાની છે અને તો જ દુનિયાની દરેક ખુશીઓ આપણે માણી શકશું. અને મધુ, હજી તો તારે મને લાડ કરવાના બાકી જ છે. અત્યાર સુધી બાળકોમાં વ્યસ્ત રહેલી તું હવે આપણા બન્નેમાં મસ્ત થઈ જા."
"શું તમે પણ? " માધવીએ મીઠો છણકો કરતાં કહ્યું. "યસ મધુ ડાર્લિંગ. આવતા મહીને મારા મિત્રો સજોડે પિકનીક પર જવાના છે. મેં આપણું નામ પણ લખાવી દિધું છે. અને હા મધુ, તું કેપ્રી અને ટીશર્ટ પહેરજે, તને બહુ સરસ લાગે છે. "
માધવીએ શરમથી મારી છાતીમાં પોતાનું મોં છુપાવી દીધું. "બધું વ્હાલ અત્યારે જ કરી લઈશ મધુ...!! હજી તો આવનારા વીસ પચ્ચીસ વર્ષ આપણે એકબીજાના સાથનો આનંદ માણવાનો છે" મારી વાતો માધવીને સમજાઈ રહી હતી એ વાતનો મને વિશેષ આનંદ હતો અને આનંદના અતિરેકમાં હું ગીત ગણગણવા લાગ્યો."I wish... નહી, નહી....I can lift not one but both of us".


૧૧
શીર્ષક : જિજીવિષા
લેખન : કૌશિકા દેસાઈ
ઈ-મેઈલ : kaushikadesai2007@gmail.com
"પપ્પા પપ્પા..."
માલવ તેના પિતાની કેબિનમાં જાણે દોડતો જ આવ્યો હોય તેમ આવ્યો. માલવ એટલે સુરત શહેરનાં ન્યુરો સર્જનોમાં મોટું નામ ધરાવતા ડૉક્ટર અનંત નાણાંવટીનો પુત્ર.
ડૉ. અનંત હમણાં જ પાંચ કલાકનું ઓપરેશન કરીને પોતાની કેબિનમાં આવ્યા હતાં. પચીસ વર્ષનાં લાંબા સમયમાં તેમણે મગજના ઘણા ઓપરેશન કર્યા અને આજ સુધી એક પણ નિષ્ફળ નહિ જવાનો શ્રેય એમના ભાગે હતો. ભગવાનના હાથ તેમની ઉપર હોય એમ લાગતું. તેમને એટલે ક્યારેય ઓપરેશન કર્યા પછી ચિંતા નહોતી રહેતી.
આજનું ઓપરેશન જુદું ન હતું પણ આજે થોડીક ચિંતા હતી કારણ, પોતાની જ પત્ની શ્રધ્ધાનું ઓપરેશન કરીને આવ્યા હતા.
આજે સવારે એક સર્જરી હોવાથી તે હોસ્પિટલ વહેલાં આવ્યા હતા. સર્જરી પત્યા પછી હજી રાઉન્ડ પર હતા. ત્યાં એક નર્સ દોડતી આવી અને કહ્યું કે, " સાહેબ મેડમ આવ્યા છે."
અનંત સાહેબને નવાઈ તો લાગી કે, લગ્નના વીસ વર્ષમાં શ્રઘ્ધા કદી હોસ્પિટલ આવી નથી. આજે અચાનક !
'અરે ! સાહેબ જલ્દી ચાલો ઈમરજન્સી છે.'
ડૉ.અનંત ગભરાયા અને દોડતા ત્યાં પહોચ્યા. શ્રઘ્ધાને જોતાંજ, પળવારમાં જ એની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેમણે સર્જરીની સૂચના આપી અને પોતે સ્વસ્થ થઈ ગયા. બીજા ડોક્ટરોએ તેમને પોતે ઓપરેશન ન કરવાનો આગ્રહ કર્યો. તેમને પોતાના પર પૂરો વિશ્વાસ હતો અને તેમણે જ ઓપરેશન કર્યું. ઓપરેશન સારી રીતે પૂર્ણ થયું. કુટુંબ મોટું હતું એટલે સૌ આવી ગયાં. બસ, શ્રઘ્ધાનું હૈયું એટલે કે તેનો પુત્ર માલવ નહતો. માલવ બારમાનું વેકેશન હોવાથી મિત્રો સાથે ફરવા ગયો હતો.ખબર મળતાં જ પહેલી ફલાઈટમાં આવી ગયો. આવીને સીધો હોસ્પિટલ આવ્યો પણ ઓપરેશન પૂરું થઈ ગયું હતું,એટલે અનંતની કેબિનમાં દોડી ગયો.
"પપ્પા આ શું થઈ ગયું ? અચાનક મમ્મીને બ્રેઈન સ્ટ્રોક...!"
એમ કહી તે અનંતને વળગી રડી પડ્યો. અનંતે પણ અત્યાર સુધી હિંમત રાખી હતી,પણ દીકરાને જોતાંજ રડી પડ્યો. બન્ને ખૂબ રડ્યાં. અંતે માલવને હિંમત આપતા કહ્યું કે ,
'ચિંતા ના કરીશ મમ્મીને સારુ થઈ જશે કાલે તો એ ભાનમાં આવી જશે. તને મારી ઉપર વિશ્વાસ નથી?'
"પપ્પા તમારી ઉપર તો વિશ્વાસ છે. મને એ પણ ખબર છે કે, મમ્મી આ આવેલો મોકો નહિ જવા દે. "
અનંતે આશ્ચર્યથી પૂછ્યું ,'એટલે!'
"કંઈ નહીં". એમ કહી તેણે વાત પતાવી પણ એ જાણતો હતો કે એની મમ્મીને જીવવાની કોઈ ઈચ્છા જ નહતી અને જીજીવિશા વગર માણસ આટલી મોટી લડાઈ નથી લડી શકતો.
અનંતે સર્વેને ઘરે જવા કહ્યું અને પોતે પણ ઘરે જઈ જમી ફ્રેશ થઈ પાછું આવવાનું વિચાર્યું.
માલવએ રસ્તામાં અનંતને પૂછ્યું કે, "આ બે ત્રણ દિવસમાં તમારે મમ્મી જોડે કાઈ બોલવાનું કે મમ્મી દુઃખી થાય એવું કંઈ નથી થયું ને!"
અનંત પ્રશ્ન સાંભળી ચમકી ગયો પણ તેણે કહ્યું કે એવું કંઈ થયું ન હતું.
ઘરે પહોંચી સ્નાન કરી, જમી લીધાં પછી તે પાછો જવા નીકળતો જ હતો. અને એને કશુંક લેવાનું યાદ આવતાં તેણે કબાટ ખોલ્યું. પોતાની જોઈતી વસ્તુ કાઢતાં તેને એક ડાયરી દેખાઈ , ઉપર શ્રધ્ધાનું નામ હતું. તેણે કોઈ દિવસ આ ડાયરી જોઈ ન હતી. કારણ તેને ક્યારેય કોઈ વસ્તુ જાતે લેવી ન પડતી બધી વસ્તુ શ્રધ્ધા હાજર કરી દેતી. અનંતને ડાયરી વાંચવાની ઉત્સુકતા થઈ એટલે તે ડાયરી લઈ હોસ્પિટલ પહોચ્યો. નીકળતા પહેલા ઘરના દરેક સભ્યોને ધીરજ અને હિંમત રાખવાનું કહ્યું અને માલવને શાંતિથી સૂવાનું કહ્યું.
અનંતને મનમાં ઓપરેશનને લઈને કોઈ ચિંતા ન હતી પણ તે પછીના આકરા સમયની ખબર હતી એટલે મગજ એ દિશામાં દોડી રહ્યું હતું.
હોસ્પિટલ પહોચી આઈસીયુમાં શ્રધ્ધાને જોવા પહોંચી ગયો. તેને જોઈ શરીરમાંથી જાણે બધી તાકાત જતી રહી હોય એવું તેને લાગ્યું. પોતાની જાતને સંભાળીને તે બીજા દર્દીઓને જોવા રાઉન્ડ પર નીકળ્યા.
રાતના અગિયાર વાગી ગયા હતા, હોસ્પિટલમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી, થોડા ઘણા લોકો દેખાઈ રહ્યાં હતાં
અનંત એની કેબિનમાં ગયો તેણે ત્યાં સૂવાની વ્યવસ્થા રાખી હતી. આજનો દિવસ ખૂબ જ અઘરો વિત્યો. તે આવીને થોડો રિલેક્સ થયો કે,એને શ્રધ્ધા યાદ આવી ગઈ. તરત જ તેને પેલી ડાયરી યાદ આવી. તેણે ઉત્સુકતાથી ડાયરી ખોલી. ઘણાં પાના ભરેલા હતાં એટલે એણે પાછળથી જોવાની શરૂ કરી તો એના નામનો શ્રઘ્ધા દ્વારા લખાયેલો પત્ર જ હાથમાં આવ્યો. એણે આશ્ચર્યની સાથે પત્ર વાંચવાનો શરૂ કર્યો.
" અનંત આ પત્ર જોઈ તને આશ્ચર્ય થયું હશે નહીં? શું કરું તારી જોડે ખૂબ વાતો કરવી છે પણ આપણા વચ્ચે એવી નિખાલસતા જ નથી કે હું મારી મનની વાત કરી શકું. તારી જોડે વાત કરવા માટે મારે ખૂબ વિચારવું પડે છે, તને હું વાત કરું એજ નથી ગમતું એટલે જો જરૂર ના હોય તો ટાળી દઉં. આપણે પતિ પત્ની છીએ પણ આપણા વચ્ચે વાત કરવાના સંબંધ નથી એવું કહી શકાય. તમને મારી કોઈ વાત ગમતી નથી અને તમે મને ગમે એવી વાત ક્યારેય કરતા નથી. એટલે આજે આ પત્ર લખી રહી છું. અનંત તમે ખૂબ મોટા ડોક્ટર છો પણ ક્યારેક મને આવું કંઇ થાય અને ઓપરેશન કરવું પડે તો ના કરતા મને જવા દેજો મારાથી એ સંઘર્ષ નહિ ખેડાય.
મને ખબર છે, કેવી સ્થિતિ હોય છે. મગજનું ઓપરેશન થયા પછી. એ વિવશતા અંદર ને અંદર કોરી ખાતી હોય છે. માણસ એટલો પરવશ બની જાય કે સરતા આંસુ પણ જાતે ના લૂછી શકે. પોતે ઘણું કહેવુ હોય પણ કોઈ સમજે નહિ. બીજા પર કેટલા આધારિત થઈ જવાય. સેવા કરનાર હોય તો પણ સેવા કરતા જોઇને દુઃખ થાય. દરેક વ્યક્તિ આવીને સલાહ આપી જાય, મન ફાવે તે કહી જાય અને આપણે કહીએ તે કોઈ ન સમજે. દિવસ તો જેમ તેમ નીકળી જાય પણ રાતનું અંધારું જાણે ખાવા દોડતું હોય એવું લાગે. ના જાતે ખવાય, ના નવાય, ના બેસાય , ના સુવાય અરે શ્વાસ જાતે ના લેવાય એનાથી મોટી પરવશતા શું હોઈ શકે ? આ પરવશતા મારાથી સહન નહિ થાય.
અનંત એમાં પાછી એક સ્ત્રીની વાત જ શું કરવી. તમને ખબર છે સ્ત્રીના જીવનમાં શારીરિક અને માનસિક કેટલા સંઘર્ષો આવે છે. આખી જીંદગી તે ફક્ત થોડા પ્રેમ અને માનની આશા રાખે પણ, તિરસ્કાર સિવાય કંઈ મળતું નથી.
કોઈ પ્રેમથી વાત સુધ્ધાં કરતું નથી. તેમા મારા જેવી ગૃહિણીની કિંમત તો દુનિયામાં ક્યારેય થઈ જ નથી. તમે જ દિલ પર હાથ રાખી સાચું બોલજો કે, તમે ક્યારેય પણ મને માન આપ્યું છે? ના કોઈ માન નહિ અને કોઈ પ્રેમ નહિ. તમે તો મારી જોડે કોઈ દિવસ હસીને પણ વાત નથી કરી. સમજુ છું કે મારી ઉપર લગ્ન માટે પસંદગી ઉતારવાની પાછળનું કારણ જ એ હતું કે, તમારે એક કહ્યાઘરી સ્ત્રી જોઈતી હતી. જે તમારા કુટુંબનું ધ્યાન રાખે અને તમે રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ. બસ મારું જીવન પણ આમ જ વીત્યું. હવે આવા સંજોગોમાં તમે જ કહો કે આમ પરવશ થઈને જીવવાનું કેમનું ગમે ? આખી જિંદગી તમે જે લાગણી માટે તરસ્યા હોય, તે લાગણી લોકો તે સમયે વ્યક્ત કરે જ્યારે તમને કોઈ પણ પ્રકારનું ભાન ના હોય ! તમે જીવનમૃત્યુ વચ્ચેની લડત લડી રહ્યાં હોય, તમે અર્ધબેભાન સ્થિતિમાં જીવી રહ્યાં હોય ! ત્યારે કોઈ તમને કહે કે, "તે તમને ખૂબ પ્રેમ કરે છે તો કોઈ અર્થ ખરો? " જીવન દરમ્યાન એ નિખાલસતા હોવી જોઇએ. એક મિત્રતા હોવી જોઈએ,જે આપણી વચ્ચે ક્યારેય થઈ જ નહિ.
આ વાંચતા વાંચતા તો ડૉ. અનંતની આંખો સામે આખું જીવન જાણે ખડું થઈ ગયું. તેમને કલ્પના પણ ન હતી કે શ્રધ્ધા આમ અંદર ને અંદર તુટતી હતી. તેમણે પત્ર આગળ વાંચ્યો
' અનંત, તમે વિચારતા હશો કે, મને એવું કેમ લાગ્યું કે મારું બ્રેઈનનું ઓપરેશન થશે. તો તમને ખબર નથી આ વીસ વર્ષમાં હું ખૂબ જ ડિપ્રેશનનો શિકાર થઈ છું. એટલા વર્ષ ઘર સાચવવા માટે પોતાની જાતને ભૂલી જવું, આપણી આસપાસ બધાજ લોકો પાસે પોતાના જીવન જીવવાની એક પદ્ધત્તિ હોય અને મારે સદાય તે લોકો મુજબ પોતાનું જીવન જીવવાનું , કોઈ ઈચ્છા પ્રકટ નહિ કરવાની, હવે તો કોઈ પૂછે કે તને જીંદગી તારી રીતે જીવવાનો મોકો મળ્યો હોય તો કેવી રીતે જીવે તો ? તો સાચું કહું મારી સ્થિતિ એક પિંજરામાં પૂરેલા પંખી જેવી કે, પીંજરું ખુલ્લું મૂકવામાં આવે તો પણ ખુલ્લા ગગનમાં ઉડવાની ઈચ્છા ન થાય. કેમકે ખબર જ નથી કે કરવાનું શું બહાર જઈને. અનંત ખબર છે,જો માલવ ના હોત તો હું ક્યારની ગાંડી થઈ ગઈ હોત અથવા મે આત્મહત્યા કરી હોત અથવા મને ખબર નથી કે શું પગલું ભર્યું હોત. તમારે તો માલવ ના આભારી હોવું જોઈએ
એ જો મારું તમારા જીવનમાં હોવું મહત્વનું હોય તો. અનંત એક વાત કહું તમારે છેને મગજ રિપેર કરવાની જોડે મગજ સ્વસ્થ કેવી રીતે રાખી શકાય તે પણ લોકોને કહેવું જોઈએ. તમારી પાસે જો એનો ઉપાય હોય તો મને ચોક્કસ કહેજો કે મારે ઓપરેશનનો વારો ન આવે. અને જો આવે તો મને બચવવાના પ્રયત્ન ના કરતા મારાથી તમારી જોડે ઘરડા થયા પછી નહિ રહેવાય કારણ ત્યારે ના શરીરમાં તાકાત હશે ના મન પણ કોઈ પણ જાતનો થાક સહન કરે. અનંત એવું ના સમજતા કે હું તમને પ્રેમ નથી કરતી. ખૂબ પ્રેમ કરું છું પણ પોતાની જાતને તમારી આગળ સાબિત કરીને હું થાકી ગઈ છું, તમે મારાથી ખુશ રહો તે માટે પ્રયત્ન કરીને કંટાળી ગઈ છું. તમે મને ચોક્કસ ઘડી છે પણ ખબર છે શિલ્પકારે મૂર્તિને એક સીમા સુધી જ ઘડવી જોઈ પછી એવું બને કે મૂર્તિ ઓજારોના ઘા સહન ના કરી શકે અને તૂટી જાય. બસ મારી જોડે પણ કઈક એવુજ થયું છે.
ચાલો અનંત હું હવે પત્ર પૂરો કરું, ઘણું કહેવુ છે પણ તેનો અર્થ નથી.
તમારે મન સદાય મૂર્ખ અને અણઘડ રહેવાવાળી તમારી શ્રધ્ધા."
પત્ર પૂરો થતાંજ અનંતે આઈસીયુ તરફ દોટ મૂકી. તેને કોઈ હોશ જ ન હતાં. તેને લાગ્યું કે તે શ્રધ્ધાને હંમેશ માટે ખોઈ દેશે. તે ત્યાં જઈ જમીન પર ફસડાઈ પડ્યો. તે આખી રાત આઈસીયુમાં જાગતો રહ્યો અને તેના આંખમાંથી આંસુ વેહતા રહ્યાં. આજે તેને પોતાની ઉપર જરાક પણ વિશ્વાસ નહતો રહ્યો. ડાયરી તેની પાસે જ પડી હતી અને તેના પાના ઊડી રહ્યાં હતાં. તે એક જ પ્રાર્થના કરતો હતો કે,"ભગવાન આજે તું સાચવી લેજે વાત મારા હાથમાં નથી રહી."
સવાર થયું અને શ્રધ્ધાને થોડું ભાન આવ્યું અને બાકી બધું નોર્મલ હતું. તે જોતાં અનંત જમીન પરથી ઉઠ્યો અને તેજ વખતે પત્ર પૂરો થયા પછીની એક લીટી પર નજર પડી જે તેને રાત્રે અશ્રુ ભીની આંખે નહતી વંચાઈ. તેમા લખ્યું હતું કે,"અનંત ચિંતા ના કરશો જ્યાં સુધી માલવ સરસ સેટ નહિ થઈ જાય તેના જીવનમાં ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી . બધી લડાઈ લડી લઈશ અને તેને માટે જીવતી રહીશ."
આ વાંચતા જ જાણે અનંતને હાશ કારો થયો.
અનંતના ફોનમાં રીંગ વાગી સામે છેડે માલવ હતો.
" પપ્પા કેવું છે મમ્મીને?"
'સારુ છે બેટા ચિંતા ના કરીશ. તારી મમ્મી મને છોડીને જઇ શકે છે પણ તારો સાથ ક્યારેય નહી છોડે.'
માલવને કંઈ ખબર ન પડી.
તેને પપ્પાની ચિંતા થઈ એટલે તેણે પૂછ્યું,
"રાત્રે સુઈ ગયા હતા ને? "
અનંતે ધીરેથી કહ્યું,
'બેટા, ખુલ્લી આંખે !'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED