રવિનું મૌનવ્રત તૂટતાની સાથે જ સોનલની ટુકડી સામે તે વ્યક્તિની એક ઓળખાણ હતી. તે હતો ડ્રાઇવર કુલવંતનો ભાઇ. વધારે જાણકારી માટે રવિને કાર્યાલયના બીજા કક્ષમાં લઇ જવામાં આવેલો. ચિરાગ તેની પૃછા કરી રહેલો. ચિરાગની સખતાઇને કારણે રવિ પાસેથી ઘણું બધું જાણવા મળેલું. રવિ તેને જે બ્રાઉન કવર આપતો હતો, તેમાં ઘણા ખરા પૈસા રહેતા હતા. તે કવર સમીરા રવિને આપતી હતી. હવે તેનું તે વ્યક્તિ શું કરતો? તે રવિને ખબર નહોતી. વળી, સમીરા કેમ કવર આપતી હતી? તે પણ રવિ જાણતો નહોતો, ના તો તેણે કોઇ દિવસ જાણવાની તસ્દી લીધી. તે ફક્ત તેની માતાના કહ્યા મુજબ જ કરી રહેલો. વધુમાં તે વ્યક્તિ ખાવાનો શોખીન હતો. ક્યાં શું વખણાય છે? તેની માહિતી તે વ્યક્તિના લોહીમાં વહેતી હતી. વળી, તે ભોમિયો હતો. અમદાવાદની હરેક ગલી, માર્ગ તેના મગજમાં વસી ચૂક્યા હતા. રાજનીતિ, ઐતિહાસીક, સાંસ્કૃતિક, કોઇ પણ વિષયની વાત કરો, તે વ્યક્તિ પાસે તે બાબતે કંઇક તો જાણવા મળે જ. પરંતુ રવિ તેનું નામ ન જણાવી શક્યો. અલબત, રવિએ કોઇ દિવસ તેને નામ પૂછ્યું જ નહોતું. તે બાબતે સમીરા જ જાણતી હશે, તેવું રવિનું કહેવું હતું. હવે વ્યક્તિ વિષેની આટલી માહિતી ચિરાગ જાણતો હતો. ચિરાગે સોનલને સમીરાની હાજરીમાં જ રવિની પૂછગાછનો અહેવાલ કહી સંભળાવ્યો.
સોનલના ઇશારા માત્રથી જ મેઘાવી અને રમીલાએ સમીરા સાથે થોડી કડકાઇથી વાત કરી. સખતાઇ દર્શાવી. ગુસ્સો દેખાડ્યો. આંખો લાલ કરી. હાથ ઉપાડવા માટે તૈયાર કર્યા. આખરે સમીરા ભાંગી પડી. જે ગોળીના અવાજથી રવિની ઊંઘ ઉડી હતી, તે જ ધડાકાએ સોસાયટીના રહીશોને પણ ચમકાવ્યા હતા. પરંતુ વાત ઘરની બહાર જવા પામી નહોતી. રાજપૂતે રહીશોને એવી વાત મનાવી કે તેની પિસ્તોલમાંથી ગોળી ભૂલથી છુટી ગઇ હતી. હાર્દિકના મડદાંને પટેલના ઘરને શોભાવતા નાનકડા બગીચામાં જ દાટી દેવામાં આવેલ, અને કુલવંતના મડદાંને પણ. તે જ અઠવાડિયામાં બીજી ગોઝારી ઘટના હતી, દિપલ અને રોહનની મૃત્યુ. તે બન્નેના મૃતદેહને પણ પટેલના બેડરૂમમાં પલંગની નીચેના ભાગમાં દાટવામાં આવેલા. આ સમયગાળા દરમ્યાન જ પટેલે ઘરનું નવીનીકરણ કરાવ્યું હતું. જેથી હરેક પુરાવા નષ્ટ થઇ જાય. રવિને તો પુના મોકલી દીધો હતો. સમીરા આખો દિવસ ઘરમાં એકલી જ રહેતી. તેની આંખો સામે વારંવાર ઘરમાં બનેલી ઘટનાઓ ફર્યા કરતી હતી. તેને મનોચિકિત્સકનો આશરો લેવો પડ્યો. સામાન્ય રીતે મનોચિકિત્સકની દવાઓમાં ઊંઘ માટેની ગોળીઓ પર વધુ ભાર હોવાને કારણે સમીરાના તનમાં સુસ્તી રહેવા લાગી. દિવસો પસાર જ થતા નહોતા. સમીરાએ દિપલની માતાનો સંપર્ક કર્યો. તેઓ અઠવાડિયામાં એકાદવાર મળવા લાગ્યા. દિપલની માતાને જ્યારે સમીરાએ પૂરી વાત કહી, ત્યારે તેની આંખોમાં ક્રોધ રક્તરંગે ભભૂકવા લાગ્યો. દિપલની માતા તે વાત પર વિશ્વાસ જ ન કરી શકી કે બારોટે, દિપલના પિતાએ જ તેની હત્યા કરી નાંખી હતી. તેણે સમીરાની વાતની પુષ્ટિ કરવા બારોટને જ પૂછી લીધેલું. બારોટે પટેલને જણાવ્યું. જેના કારણે પટેલે સમીરાને પણ સાતમા આકાશે મોકલી દેવાની ધમકી આપી હતી. સમીરા જાણી ચૂકેલી કે પટેલ પૈસા અને પ્રસિદ્ધિ પાછળ પાગલ બની ચૂક્યો હતો. તેની પાછળ તેણે હત્યાઓની હારમાળા રચી નાંખેલી.
ઘરના કામ અને દિપલની માતા સાથેની મુલાકાતો દ્વારા સમીરાનો સમય પસાર થવા લાગ્યો. બે વર્ષ પસાર થઇ ગયા. એક દિવસ શાકમાર્કેટથી ઘરે જવા સમીરાએ રિક્ષા કરી. રિક્ષાનો ડ્રાઇવર સમીરાને ઓળખતો હતો. પરંતુ સમીરા તેને ઓળખતી નહોતી. વાતવાતમાં તેણે સમીરાને કુલવંત વિષે પૂછ્યું અને સમીરાની આંખો પહોળી થઇ ગઇ. સમીરાએ તેની વાતને સાંભળી ન સાંભળીને રિક્ષા છોડી દીધી. પરંતુ તે વ્યક્તિ તેની પાછળ પડી ગયેલી. અંતે સમીરાએ હારીને બધી વાત જણાવી. તે રિક્ષા ડ્રાઇવરે સમીરાને સમજાવી કે આ ઘટનાઓમાં તેણે તેના દિકરાને પણ ગુમાવેલો, તેમની મિત્રએ દિકરી ગુમાવેલી, અને કોઇ માતા-પિતાએ તેમના બે જુવાનજોધ દિકરાઓ ગુમાવ્યા હતા. તો શું આવા નરાધમોની કોઇ સજા ન હોય? જ્યારે ઘરમાં જ રાક્ષસો હોય તો દુનિયા બચાવવા પ્રભુના અવતારની રાહ જોવી કેટલી હદે યથાર્થ હોય? તમે તમારા જ સંતાનનો જીવ ન બચાવી શક્યા, તો આ લોકોએ ઘરની બહાર તો શું નહિ કર્યું હોય? વ્યક્તિના આકરા પ્રશ્નોનોએ સમીરાને વિચારતી કરી દીધી હતી. સમીરાએ દિપલની માતાને પણ વાત કરી. સમીરા અને દિપલની માતાને સંતાનધર્મ, સમાજધર્મ, સત્યધર્મની વાતથી ઉશ્કેરવામાં તે વ્યક્તિનું શું પ્રયોજન હતું? તે પ્રશ્નએ સોનલ અને ચિરાગને વિચારતા કરી દીધા. સમીરાએ જણાવ્યું તે વ્યક્તિ પણ એક ધર્મ નિભાવી રહ્યો હતો. તે ધર્મ હતો, ભ્રાતાધર્મ. કુલવંત સાથે અજાણતા થયું, પણ થયું તો હતું જ. જેનો પાઠ ભણાવવો તે વ્યક્તિના મતે જરૂરી હતો. સમીરા રવિ મારફ્તે તે વ્યક્તિને જે બ્રાઉન કવર આપતી હતી, તે પૈસા ભાવિન અને હાર્દિકના વૃદ્ધ માતાપિતા સુધી પહોંચતા હતા. તેમની એક નાની મદદરૂપે.
પટેલના મૃત્યુ વખતે સમીરા ભાઇના ઘરે મુંબઇ હતી તે સંજોગ નહોતો, પૂર્વયોજિત હતું. ભટ્ટનું નામ જ્યારે સ્ટેશનમાં સમીરાના મોંઢે આવ્યું, તે પૂર્વયોજિત હતું. કયા સમયે તે નામ પોલીસ સામે બોલવું તે પૂર્વયોજિત હતું. બારોટની હત્યા સમયે કેમ પોળમાં કોઇને જાણ ન થઇ? કારણ કે દરેકને તે દિવસે દિપલની માતા તરફથી, તે સમયે સુપરહીટ થયેલી ફિલ્મ “તાનાજી”ની ટીકીટ વહેંચવામાં આવી હતી. પોળના પ્રત્યેક યુવાન-યુવતી ફિલ્મ જોવા ગયેલા. વડિલો માટે ખીચડી-કઢીનો કાર્યક્રમ રાખવામાં આવેલો. કઢીમાં દિપલની માતાએ ઘેનની દવા ઘોળી દીધેલી. જેથી વડિલો શાંતિથી સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા ગયા. આ પણ પૂર્વયોજિત હતું. બધું આયોજિત હતું. એક વ્યક્તિ, બે વ્યક્તિ, નહીં પણ વ્યક્તિઓનું આયોજન. સમીરા, દિપલની માતા, રવિ અને તે રિક્ષા ડ્રાઇવર દ્રારા આયોજિત. આટલી બધી જાણકારી આપવા છતાં સમીરા અંત સુધી તે રિક્ષા ડ્રાઇવરનું નામ જણાવતી નહોતી.
‘સમીરાબેન, અમારી ધીરજની પરીક્ષા લેશો નહિ... તે રિક્ષા ડ્રાઇવરનું નામ જણાવો...’, મેઘાવીએ સમીરાના વાળ પાછળ તરફ ખેંચી સમીરાનો ચહેરો ઉપર તરફ કર્યો.
‘મરી જઇશ… પણ તેનું નામ મારા મોંઢે નહિ લાવું. તમે અમને સજા કરી શકો છો. તેને નહીં. તેણે તો અમને સાચો માર્ગ દર્શાવ્યો. અધર્મનો નાશ થવો જ જોઇએ અને અમે તે જ કર્યું છે...’, સમીરાના ચહેરા પર અજબનો આત્મવિશ્વાસ ચમકવા લાગ્યો. આંખો હસી રહી હતી. હોંઠ જરાક લંબાયા અને નાનકડું સ્મિત ફર્યું. સમીરા ખડખડાટ હસવા લાગી, ‘ધરતી પર થતી પ્રત્યેક શોધ પ્રજાના ઉદ્ધાર માટે હોવી જોઇએ, નહિ કે કોઇ એક વ્યક્તિ માટે... પટેલ, શોધ મારા પતિની અને રોહનની રાજસ્થાનની જમીનમાં રહેલા યુરેનિયમના ખજાના બાબત હતી. રોહન અને તે પીએચ.ડી.નો વિદ્યાર્થી, ભાવિન, બન્નેના વિચારો એકસરખા હતા. પ્રજાનો વિકાસ, પ્રજાનું હિત, પરંતુ મનહર અને તેના મિત્રો, એકલા જ કમાવા ઇચ્છતા હતા. એટલે પ્રજાનું અહિત. તે અધર્મ છે, અને અધર્મનો નાશ...’, સમીરા હસતી જ રહી.
‘આ ૨૦૧૭માં એક પ્રસ્તાવ હતો. તેવી કોઇ મોટી શોધ હજુ સુધી વિશ્વ સમક્ષ આવી નથી.’, ચિરાગે સમીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘શોધ વિશ્વ સમક્ષ આવી નથી, એવું નથી. લાવવામાં આવી નથી. પ્રસ્તાવના નામે એવોર્ડ લીધો. શોધ સરકારને સોંપવાની જગાએ રાજસ્થાનની શૈક્ષણિક સંસ્થા સાથે કરાર કરી લાભ લેવાનો આશય હતો. મેં શૈક્ષણિક કરાર માટે પટેલે લખેલ કાગળની સોફ્ટ કોપી પણ તે વ્યક્તિને આપી હતી. ભાવિન તો બચારો શોધને વિશ્વ સમક્ષ લાવવા માંગતો હતો...અને રોહન પણ.’, સમીરાની આંખો ભીની થઇ.
સોનલ, મેઘાવી અને ચિરાગ તેની સામે સ્તબ્ધ બની જોઇ જ રહ્યા.
*****
સમીરા અને રવિને, તેમના જ ઘરે નજરકેદ કરી. સોનલ સુજલામમાં તેના ઘરે પહોંચી હતી. વિશાલ અને જયને સમીરાના ઘરનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. મેઘાવી પણ નારણપુરામાં, તેના ઘરે પહોંચી ચૂકી હતી. ચિરાગ રેડના કાર્યાલયમાં હતો. સોનલે સોફા પર લંબાવ્યું હતું. મેઘાવીએ કડક ચા બનાવી અને ચાના કપ સાથે ગેલેરીમાં આવીને ઊભી હતી. ચિરાગ બન્ને હથેળી વચ્ચે ચહેરાને સંતાડી ખુરશી પર બિરાજેલો. સોનલની આંખો છત પર ફરી રહેલા ત્રણ પાંખિયાઓ પર મંડાયેલી હતી. મેઘાવીની નજર ગેલેરીમાંથી દેખાતી મંદિરની પતાકા પર સ્થિર થયેલી. ચિરાગની આંખો બંદ હતી અને કંઇક શોધવાનો પ્રયત્ન કરી રહેલી. ત્રણેય જણાની આંખો શાંત, એકચિત્ત, કેન્દ્રિત થવાનો પ્રયાસ કરી રહી હતી.
ઝબકારો. પટેલનો મૃતદેહ... પટેલના જ બેડરૂમમાં... સમીરાના કહેવા મુજબ તે જ રૂમમાં પલંગની નીચે દિપલ અને રોહનના મૃતદેહ... ઝબકારો. હાર્દિકની હત્યા... ચાર સિંહોની વાત... ઝબકારો. સમીરાનું ભટ્ટનું નામ લેવું. ઝબકારો. ભટ્ટની હત્યા તે જ સથળે જ્યાં ભાવિનની હત્યા થઇ. ઝબકારો. બારોટની હત્યા... દિપલે કરેલ કેસનું સામે આવવું… ઝબકારો. સમીરાને કોઇ અજાણ્યા વ્યક્તિનું મળવું. ઝબકારો. કુલવંતની હત્યા, તે વ્યકિત તેનો ભાઇ... ઝબકારો. સંદિગ્ધનો સંદેશ... રવિવારીની મુલાકાત. ઝબકારો. રવિને મળનાર વ્યક્તિની સીસીટીવીમાં તપાસ... ઝબકારો. ચોથો સિંહ પોલીસ... ઝબકારો. વિક્રાંત ઝાલાનુ અકસ્માત કે હત્યા... ઝબકારો. રાજપૂત મદનસિંહનું નામ આવવું... ઝબકારો રવિ, સમીરાને મળનાર વ્યક્તિની સામાન્ય આદત... ઝબકારો... ખાવાનો શોખીન... ઝબકારો. ભોમિયો, રિક્ષા ડ્રાઇવર. ઝબકારો...પ્રત્યેક મુલાકાતે સફેદ શર્ટ અને આછું વાદળી ડેનીમ પહેરનાર... ઝબકારો... બગલમાં પાકીટ દબાવનાર.
સોનલની સ્થિર આંખો ફોનના રણકારને કારણે ફોન તરફ ફરી, ‘સોનલ... ચોથો વ્યક્તિ, એટલે કે રાજપૂત સાહેબ... અમદાવાદ ક્યારે આવવાના છે?’, અવાજ ચિરાગનો હતો.
‘તેઓ, બધો જ બંદોબસ્ત કમિશ્નરશ્રીની કચેરીએથી વાયરલેસથી જ નિયંત્રીત કરવાના છે. દસેક દિવસમાં જ આવશે.’
‘તો પછી તેમને કચેરીમાં તો મારવું મુશ્કેલ છે. કેમ?’, ચિરાગે બીજો પ્રશ્ન મૂક્યો.
‘હા, ઘણું મુશ્કેલ... તું કહેવા માંગે છે કે, તેમની હત્યા તે બહાર નીકળશે ત્યારે જ થશે?’, સોનલે અનુમાન લગાવ્યું.
‘હા, અને તેઓ કચેરીમાંથી બહાર ક્યારે આવવાના છે?’
‘જે દિવસે રાષ્ટ્રપતિ આવવાના છે.’, સોનલે કેલેન્ડર સામે જોયું, ’૨૪ ફેબ્રુઆરી...’
‘એક્ઝેટલી... ૨૪ ફેબ્રુઆરી, સમીરાના મતે અધર્મી રાજપૂતની હત્યા પ્રજાની સમક્ષ ધર્મના વિજયરૂપે થશે. તેવું મારૂ માનવું છે.’, ચિરાગે તેની ધારણા જણાવી.
‘મને પણ એવું જ લાગે છે... કાલે મળીને ચર્ચીએ...’,સોનલે ફોન કાપ્યો. આંખો બંદ કરી પછી વિચારોમાં ખોવાઇ.
જય અને વિશાલની મોબાઇલ બાબતની તપાસ અનુસાર એક મોબાઇલ હંમેશા, દરેક હત્યાના સ્થળે જ એક્ટિવ થતો હતો. સોનલને બે-એક વાર ફોન આવ્યા હતા, તેનો આઇએમઇઆઇ નંબર પણ એક જ હતો. મેઘાવી ચાની ચૂસ્કી લઇ રહી હતી. ચિરાગ પણ વિચારોમાં ખોવાયો.
ઝબકારો... ફોન રવિવારીમાં એક્ટિવ હતો... ઝબકારો... સોનલ અને વિશાલની ચર્ચા દરમ્યાન બગલમાં પાકીટ રાખનાર વ્યક્તિ હાજર હતો. ઝબકારો. સોનલના કાર્યાલયમાં દાખલ થનાર વ્યક્તિના બગલમાં પાકીટ દબાવેલ હતું. ઝબકારો. રવિને મળનાર વ્યક્તિ બગલમાં પાકીટ દબાવતો હતો. ઝબકારો. રવિવારીમાં પાણીપુરીની હાટડીએ ઊભેલ વ્યક્તિની બગલમાં પાકીટ દબાવેલ હતું. ઝબકારો... તે વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો... ઝબકારો. ભોમિયો હતો. ઝબકારો. વાતોમાં માહેર...
સોનલની આંખો અચાનક ખુલી. બગલમાં પાકીટ દબાવનાર એટલે “જસવંત”.
ચિરાગની આંખો ઝબકી. પાણીપુરીની હાટડી સંભાળનાર વ્યક્તિ એટલે “જસવંત”.
સોનલ સોફા પરથી ઉઠીને ગેલેરીમાં આવી, રિક્ષા ચલાવનાર, ભોમિયો એટલે “જસવંત”.
મેઘાવીની ચાની મજા અટકી. વાતોમાં માહેર વ્યક્તિ એટલે “જસવંત”.
સોનલે ગેલેરીમાં આવી આકાશ તરફ મીટ માંડી. સફેદ શર્ટ અને અને આછું વાદળી ડેનીમ પહેરનાર વ્યક્તિ એટલે “જસવંત”.
*****