રેડ અમદાવાદ - 22 Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

રેડ અમદાવાદ - 22

સોનલ અને મેઘાવી સમીરા પાસેથી ૨૦૧૭ની માહિતી મેળવવામાં સફળ રહ્યા હતા. આખરે તેઓની પાસે હત્યાઓ પાછળના ઉદ્દેશ માટે એક આછોપાતળો આધાર હતો. સોનલના કિનાય સાથે જ રમીલા સમીરાનો હાથ પકડીને, તેને રૂમની બહાર લઇ ગઇ. મેઘાવીએ સમીરાના બોલેલા પ્રત્યેક શબ્દને રેકર્ડ કરી લીધેલા. ચિરાગને પણ સંપૂર્ણ માહિતી પહોંચાડવાઆં આવી. જેના આધારે ચિરાગે, જય સાથે સમીરાની મુલાકાત કરી રહેલા વ્યક્તિ વિષે તપાસ અર્થે ચર્ચા કરી. વળી, વિલેજ રેસ્ટોરન્ટના સીસીટીવી રેકોર્ડીંગ માટે પણ તપાસ અર્થે જણાવ્યું. સોનલને કમિશ્નર સાહેબનું તેડું આવ્યું હતું. કમિશ્નર કચેરી, શાહીબાગમાં અત્યંત અગત્યની અને ખાનગી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

મીટીંગનો મુખ્ય મુદ્દો “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમના બંદોબસ્ત બાબતનો હતો. સોનલ અને અન્ય પોલીસ ઓફીસરો તેમને ફાળવેલ જગા પર બિરાજમાન હતા. કમિશ્નર સાહેબના આવતાની સાથે જ દરેકે પોલીસની લાક્ષણિક છટામાં તેમનું સલામ કરી સ્વાગત કર્યું. મીટીંગ દરમ્યાન પ્રત્યેકને અમદાવાદ અને ગાંધીનગર બાબતે બંદોબસ્તના વિસ્તાર અને જગાની વહેંચણી કરવામાં આવી. જેથી કરીને એક મહિના પહેલાથી જ બધા સ્થળો સુરક્ષિત કરી શકાય. વિશ્વની મહાસત્તાના પ્રેસિડન્ટની પધરામણી વખતે કોઇ ચૂક રહી ન જાય.

સાથે સાથે ભારતના પ્રધાનમંત્રી પણ હાજર રહેવાના હતા. આથી જ બંદોબસ્તનો કડક અને ચૂસ્ત પણે પાલન થાય તેવો કમિશ્નરનો આગ્રહ હતો. કેમ કે મુલાકાત પર ભારત અને અમેરીકાના ભવિષ્યના સંબંધ અર્થેનો ઘણો બધો આધાર રહેલો હતો. ઘણી મોટી માનવસભાનું આયોજન હતું. વિશાળ જનમેદનીને સમાવવા વિશાળ જગાની પણ જરૂર હતી. માટે જ મોટેરા સ્ટેડિયમનું નવનિર્માણ શરૂ થવાનું હતું. ૮૦૦ કરોડના ખર્ચે સ્ટેડિયમમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોને બેસાડી શકાય તેટલી ક્ષમતાનું બનાવવાનું હતું. પ્રેસિડન્ટના આગમનના દસેક દિવસ પહેલા તેમના સુરક્ષાકર્મીઓ મોટેરા સ્ટેડિયમની મુલાકાત અને સુરક્ષાની ચકાસણી અર્થે હાજર રહેવાના હતા. પ્રત્યેક સુરક્ષાકર્મી સાથે એક ગુજરાત પોલીસનો અધિકારી રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઘણા મોંઘેરા મહેમાનો સરકારશ્રી દ્વારા આમંત્રિત થવાના હતા. આશરે પાંચેક કલાકના અંતે મીટીંગનું સમાપન થયું. કમિશ્નરની પરવાનગી સાથે દરેક અધિકારી રવાના થયા. કમિશ્નરે સોનલને રોકાવા જણાવ્યું હતું.

‘તપાસ કેટલે પહોંચી છે... પટેલના કેસમાં?’, કમિશ્નર તેમના કાર્યાલયમાં ખુરશી પર બિરાજ્યા, સોનલને પણ સ્થાનગ્રહણ કરવા ઇશારો કર્યો.

‘સર...! અમે ઓલમોસ્ટ નજીક છીએ.’

‘નજીક છીએ, તે નહીં ચાલે, તારી પાસે સમય ઓછો છે...આ બંદોબસ્તના કારણે તારી વ્યસ્તતા પણ વધશે.’

‘સર... આપણી જેમ જ “રેડ” પણ આ કેસમાં આગળ વધી રહી છે.’

‘ધેટ...આઇ ડોન્ટ કેર...આઇ વોન્ટ રીઝલ્ટ, આઉટપુટ, એઝ ફાસ્ટ એઝ યુ કેન...’

‘આઇ એમ ટ્રાયીંગ માય લેવલ બેસ્ટ...સર...!’

‘ધેન મેક ઇટ બેટર...’

‘યસ સર...’, સોનલે ઊભા થવાનો પ્રયાસ કર્યો.

‘સીટ... જો આટલા મોટા કાર્યક્રમને કારણે સરકારશ્રી દ્વારા નિવૃત્ત થયેલ અધિકારીઓ પણ સેવા માટે લેવામાં આવવાના છે...તું ખાસ છે એટલે તને જણાવું છું.’

‘ઠીક છે, સર...!’, સોનલે પરવાનગી સાથે વિદાય લીધી.

સોનલ કમિશ્નરની કચેરીથી સુજલામ માટે નીકળી ચૂકેલી. હજુ સુજલામની સીડી પાસે જ હતી ને કમિશ્નરનો મેસેજ આવ્યો. સંદેશમાં બંદોબસ્તનું ધ્યાન રાખવા માટે પોલીસ તરફથી જે ખાસ વ્યક્તિ હતી, તેનું નામ હતું. સોનલને જેની સાથે સંકલન કરવાનું હતું, તેનું નામ હતું. જે વ્યક્તિને સોનલ અને રેડ શોધી રહી હતી, તેનું નામ હતું. નામ હતું “મદનસિંહ રાજપૂત, નિવૃત્ત પોલીસ કમિશ્નરશ્રી”

*****

સોનલના આદેશ અનુસાર સમીરાને મેઘાવી તેમના ઘર સુધી મૂકી આવી હતી. ઘરની બહાર રમીલા અને એક કોન્સ્ટેબલને પણ ગોઠવવામાં આવ્યા હતા. સોનલને પાક્કો વિશ્વાસ હતો કે તે વ્યક્તિ જેને સમીરા મળી હતી, તે મળવા જરૂર આવશે. સાથે સાથે સોનલે ચિરાગ મારફત જયને રવિની પાછળ લગાડેલો. તેમજ રવિની છેલ્લા છ મહિના દરમ્યાનની હિલચાલની તપાસ માટે પણ કહ્યું હતું, જેમાં વિશાલ જયનો સાથ આપવાનો હતો. સોનલે મેઘાવીને જણાવ્યું કે સમીરા દ્વારા સંભળાવવામાં આવેલ કથાના સાતત્યની તપાસ કરવી અને કેમ સમીરાએ પૂરી વાર્તામાં રવિ વિષે કોઇ વાત ન કરી? તે પણ ચકાસવું. સોનલે જાતે જસવંત દ્વારા પોળમાંથી એકઠી કરેલ માહિતીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું.

સમીરાએ જણાવ્યા મુજબ તે વ્યક્તિ કે જેની હત્યા પટેલની ભૂલથી, હાર્દિકની હત્યાના દિવસે જ થઇ, તે મનહર પટેલનો ડ્રાઇવર હતો. તેનું નામ કુલવંત હતું. આશરે દસેક વર્ષથી તે પટેલના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. રવિના બાળપણથી જ કુલવંત તેની ખૂબ જ દેખભાળ રાખતો. બન્ને વચ્ચે સંબંધોની ઉષ્મા જ ભિન્ન હતી. રવિને શાળાએ મૂકવા-લેવા જવાનું, તેનું જમવાનું, તેનું રમવાનું, તેના પ્રત્યકે કાર્ય કુલવંત વિના અધુરા હતા. રવિ ક્યાંય પણ કુલવંત વિના જાય નહીં. રવિ જ્યાં, ત્યાં કુલવંત અને જ્યાં કુલવંત ત્યાં રવિ. કુલવંતને ગોળી વાગી ત્યારે રવિ બેડરૂમમાં સૂતો હતો. ગોળીના અવાજે તેની ઊંઘ ઉડાડી. દરવાજા પાસે આવતા તેણે કુલવંતની લાશ જોઇ. તેની આંખે અંધારા આવ્યા અને તે બેભાન થઇ ગયો હતો. જ્યારે ઉઠ્યો ત્યારે હોસ્પિટલમાં દાખલ હતો. રૂધિરનું દબાણ અત્યંત ઘટી ગયું હતું. બે દિવસની સારવાર મેળવી તે ઘરે આવ્યો. હવે તેના માટે ઘર સૂનું હતું. જેની સાથે તેનું જોડાણ હતું, તે તૂટી ચૂક્યું હતું. એક તરફ્નો છેડો ફાટી ચૂક્યો હતો. એક્દમ નીરસ જીવન વીતાવતો તે દરેકથી અતડો બની ગયેલો. પટેલે તેને આવા વાતાવરણમાંથી મુક્ત કરવા પુના ભણવા મોકલી દીધેલો. પટેલના મૃત્યુ સમયે રવિ અને સમીરા બન્ને મુંબઇમાં હતા. સોનલ અને મેઘાવી ચર્ચાના અંતે એવા તારણ પર પહોંચ્યા હતા કે, તેઓની સામે ત્રણ વ્યક્તિઓ હતી કે જેમની પાસે હત્યા કરવા માટેનો ઉદ્દેશ હતો. એક રવિ, બીજી સમીરા અને ત્રીજી તે વ્યક્તિ જે સમીરાને મળી હતી કે જે કુલવંત વિષે તપાસ કરી રહી હતી. સમીરાને ફરીથી મળવાનો સમય આવી ગયો હતો. રમીલાને ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, સમીરાને લઇને સાંજે પોલીસ સ્ટેશન પર આવે.

જય અને વિશાલે રવિના મોબાઇલના સ્થાન નિર્ધારણ દ્વારા, પટેલની હત્યા પછી તેના અમદાવાદ આવ્યા બાદ, જ્યાં જ્યાં તે હાજર હતો, તે મેળવી લીધું હતું. તેમને તપાસના અંતે જાણ્યું કે સમીરાને મળનાર વ્યક્તિનો મોબાઇલ રવિની આસપાસ પણ રહી ચૂક્યો હતો. તો શું રવિ જ એ વ્યક્તિ હતો, જેને બચાવવા સમીરાએ નવું કોઇ કાલ્પનિક પાત્ર બનાવ્યું અને સંભાળવ્યું? શું રવિ જ તેના પિતાનો હત્યારો હતો? શું રવિએ જ બાકીની બે હત્યાઓ પણ કરી હતી? અને શું ખરેખર હવે રાજપૂતનો વારો હતો? કે બસ રમત પૂરી થઇ ચૂકી હતી.

*****

સમીરા સોનલની સામેની ખુરશી પર બેઠેલી હતી. પંખો પૂર ઝડપે હવાને કાપી રહ્યો હતો. તેમ છતાં સમીરા પરસેવાથી તરબોળ હતી. હંમેશની આદત મુજબ તે સાડીના છેડાથી પરસેવો લુછતી અને પળવારમાં પાછો તે ચહેરા પર જામી જતો. સોનલ ચૂપચાપ સમીરાની તરફ જોઇ રહી હતી. તેના ચહેરાના હાવભાવને સમજવાના પ્રયાસમાં હતી. પરંતુ તેને કંઇ અજુગતું દેખાયું જ નહીં. આખરે સમીરાએ કંઇ કર્યું જ નહોતું કે પછી તે ઠંડા કાળજાવાળી પ્રકૃતિની હતી. સોનલ માટે કળવું મુશ્કેલ બની રહ્યું હતું.

‘તો... સમીરાબેન…! તમે આગળ કંઇ જણાવશો?’, સોનલે બન્ને હાથની આંગળીઓને એકબીજા સાથે રમાડી.

‘બધું કહી દીધું... હવે કંઇ બાકી નથી.’

‘બધું નથી કીધું... તમે એ નથી કીધું કે તે વ્યક્તિ કોણ છે? જે તમને કુલવંત વિષે પૂછતો હતો...’, સોનલે ટેબલ તરફ થોડી નમી, ‘તમે એ નથી કીધું કે તમે અને રવિ બન્ને એક જ રાતે મુંબઇમાં કેમ અને કેવી રીતે હતા? અલબત ભાઇનું ઘર બહાનું છે...’, સોનલ ખુરશી પરથી ઉઠી અને સમીરાની પાસે મૂકવામાં આવેલ ખુરશી પર બિરાજી, ‘તમે એ નથી કીધું કે...’, થોડી વાર અટકી, સમીરાની આંખો સ્થિર નહોતી, ‘કે રવિ...’, સમીરા સોનલથી વિરૂદ્ધ દિશા તરફ જોવા લાગી, ‘કે રવિ જ તે વ્યક્તિ છે... જેની કાલ્પનિક વાર્તા તમે અમને સંભળાવી.’

‘ના, એવું કંઇ નથી.’

‘છે... સમીરાબેન... છે... આ તમારા અને રવિના ફોન રેકર્ડ છે. જેમાં તમારી વાર્તા મુજબ તમને અજાણ્યો વ્યક્તિ મળ્યો, તેનો મોબાઇલ; અને રવિ કેટલાક દિવસથી કોઇને મળે છે, તેનો મોબાઇલ એક જ છે.’, સોનલે ફાઇલ સમીરા સામે ખુલ્લી મૂકી, ‘એનો અર્થ કે તે રવિનો જ મોબાઇલ છે, જે અમારા મુજબ વાસ્તવિકતા છે... અને તમારી વાર્તા...’

‘રવિ પાસે એક જ મોબાઇલ છે, તો બીજો તમે લાવ્યા ક્યાંથી’, સમીરા ખરેખર મક્કમ અને મજબૂત સ્ત્રી હતી. સોનલ માટે સત્ય કઠાવવું અઘરૂ તો હતું જ.

‘તો પછી અમારે રવિને સ્ટેશન પર હાજરી માટે બોલાવવો જ રહ્યો.’, મેઘાવીએ સમીરા સામે જોયું.

આ ચર્ચા દરમ્યાન જ ચિરાગ કાર્યાલયમાં દાખલ થયો. તેના કિનાય સાથે જ રમીલા સમીરાને બહાર લઇ ગઇ. સમીરાના જતાંની સાથે જ ચિરાગે, જય અને વિશાલના કાર્યનું પરિણામ સોનલના ટેબલ પર ફાઇલ સ્વરૂપે મૂક્યું. તપાસ દર્શાવતી હતી કે રવિ તે મોબાઇલ સાથે ઓશ્વાલ-આશ્રમ રોડ, પકવાન-કાંકરીયા, અને અતિથિ ડાઇનિંગ હોલ-બોડકદેવમાં હાજર હતો. તે સિવાય રવિ અને તે મોબાઇલ બન્ને એક સાથે રવિવારીમાં પણ હતા.

‘રવિવારીમાં તો, સોનલે તેના પર ગોળી ચલાવેલી.’, મેઘાવી વચ્ચે બોલી.

‘હા... પણ જેને ગોળી વાગી હતી, તેની પાસે આ આઇએમઇઆઇ વાળો મોબાઇલ નહોતો. તે તો અંત સુધી આપણી આસપાસ બજારમાં જ હતો.’, ચિરાગની વાતે બધાને અચંબિત કર્યા.

‘તો, જેને ગોળી મારે તે કોઇ નિર્દોષ હતો. આપણાથી કોઇ ભૂલ થઇ કે શું?’, સોનલે ચિંતા વ્યક્ત કરી.

‘ના, એવું નથી. તે કોણ હતો અને ત્યાં શું કરતો હતો, તે તો ગુનેગારને પકડવાથી જ ખબર પડશે...’, ચિરાગે સોનલને સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘વળી પાણીમાંથી તેનો મૃતદેહ પણ ક્યાં મળ્યો છે, તો તે મૃત્યુ પામ્યો છે કે જીવીત, તે પણ કહેવું મુશ્કેલ છે.’

મેઘાવી પણ બોલી પડી, ‘સાચી વાત છે.’

ચિરાગે વધારે માહિતી માટે સોનલના કોમ્પ્યુટરમાં પેન-ડ્રાઇવ લગાવી. અનુક્રમે ઓશ્વાલ, પકવાન અને અતિથિના સીસીટીવી વિડિઓ દર્શાવ્યા. દરેક વિડિઓમાં એક જ સામાન્ય વાત હતી. ટેબલની પસંદગી ત્રણેયમાં એવી રીતે હતી કે જેથી રવિની સામે બેઠેલ વ્યક્તિનો ચહેરો દેખાતો નહોતો. વિડિઓ ચાલુ હતા, તે દરમ્યાન જ સોનલે મેઘાવીને રવિને ઉપાડી લાવવા માટે કહી દીધેલું. પ્રત્યેક વિડિઓમાં જ્યારે તે વ્યક્તિ ઉઠીને રવાના થતી, તો બગલમાં એક પાકીટ દબાવીને નીકળતી હતી. સોનલે સ્ક્રીન સમીરા સામે કરીને તે વ્યક્તિની પુષ્ટિ કરી લીધી કે તે વ્યક્તિ એજ હતો જે સમીરાને કુલવંત બાબતે મળતો હતો. સમીરા હજુ પણ તે વ્યક્તિનું નામ નહોતી લેતી. સમીરાને સોનલે તેના કાર્યાલયમાં, તેની સામે જ બેસાડી રાખી. આશરે અર્ધા કલાક પછી રવિ કાર્યાલયમાં દાખલ થયો અને તેની પાછળ જ મેઘાવી પણ દાખલ થઇ. રવિ સમીરાને જોઇ અચંબિત થયો. તેણે સોનલ સામે ગુસ્સેથી જોયું. કેમ સમીરા ત્યાં હતી? શું તેણે બધી વાત પોલીસને કહી દીધી હતી? શું પોલીસ તે વ્યક્તિ સુધી પહોંચી ગઇ હતી?

‘રવિ...! પહેલાં તને વિડિઓ બતાવીશું, તારે અમને એટલું જ કહેવાનું છે કે તારી સામે બેસનાર વ્યક્તિ કોણ હતો?,’ સોનલના ઇશારાથી ચિરાગે કોમ્પ્યુટરની સ્ક્રીન રવિ તરફ ફેરવી, ‘અને હા, હરેક વખતે બ્રાઉન કવરમાં તું તેને શું આપતો હતો? કેમ?’

‘કોણ વ્યક્તિ? હું કોઇને ઓળખતો નથી.’, રવિએ ઉડાઉ જવાબ આપ્યો.

ચિરાગે રવિને હડપચી પકડી અને દબાવી, ‘જો વધુ હોંશિયારી બતાવીશ, તો વધુ હેરાન થઇશ. જે છે તે ઝડપથી સાચું કહી દે.’, ચિરાગે જોર વધાર્યું.

‘તેને છોડી દો, એ નિર્દોષ છે.’, સમીરાનો અવાજ દરેકના કાને અથડાયો.

‘તો તમે કહી દો... અમે એને છોડી દઇશું?’, સોનલે સમીરા તરફ આંખો ઝીણી કરી.

સમીરા ચૂપ થઇ ગઇ. કંઇ બોલી નહી. ચિરાગ રવિ પર દબાણ વધાર્યું. આખરે રવિની સહનશક્તિએ જવાબ આપી દીધો, ‘તે કુલવંત અંકલનો ભાઇ છે.’

*****