"મેકડોનાલ્ડથી જમણી બાજુ જે પહેલું વળાંક આવે છે, ત્યાં જ એની ઓફીસ છે. પ્લીઝ પ્રીતિ, આ પાર્સલ એને આપી દેજે અને જે પૅમેન્ટ આપે, તે લઈ આવજે. પ્લીઝ, મારુ આટલું કામ કરીશ ને?"
મારી મોટી બહેન પુજા, પોતાનું લેપટોપ પેક કરતા કરતા, ઉતાવળા સ્વરે મને સૂચિત કરી રહી હતી. હું પલંગ પર બેઠી, મોબાઈલ પર મારા મેસેજીઝ ચેક કરી રહી હતી. મેં માથું ઊંચું કરીને એની સાથે મશ્કરી કરી.
"હાં ભઈ, હવે મને નવરાસ છે, તો આવા જ બધા ચિલ્લાચાલુ કામ કરીને ટાઈમ પાસ કરવો પડશે."
પુજા બહાર નીકળતા અટકી ગઈ અને મારી સામે ખેદ વ્યક્ત કરતા જોયું,
"પ્રીતિ, એવું નથી. મારે ઓફિસથી આવતા મોડું થાય છે, અને ત્યાં સુધી એ બંધ થઈ જાય છે, નકર હું તને નહીં કહેતે."
હું હંસી પડી,
"અરે...!આટલા બધા ખુલાસા આપવાની જરૂર નથી, હું મજાક કરી રહી છું. ચિંતા ન કર, હું તારું કામ કરી નાખીશ."
"થેંક્સ."
મને ગ્રેજ્યુએશન કર્યાને બે વર્ષ થઈ ગયા છે, થોડી નાની મોટી વાંકીચૂકી નોકરીઓ કરી, પણ મજા ન આવી. મનગમતું અને દિલને ખુશી આપે એવુ એકેય કામ નહોતું.
હું જ્યારે તૈયાર થઈને, પુજાનું કામ કરવા ઘરની બહાર જવા લાગી, ત્યારે મને પપ્પાએ પાછળથી ટોકી.
"પ્રીતિ, તારી નોકરીનું શું થયું?"
મેં ધીરજ રાખતા જવાબ આપ્યો,
"બે ત્રણ કંપનીમાં અરજી કરી છે, ઇન્ટરવ્યૂ કોલની રાહ જોઈ રહી છું."
મમ્મીએ રસોડામાંથી આવીને મારા હાથમાં પૈસા આપતા કહ્યું,
"આવતી વખતે બજારમાંથી પુજાના પસંદની થોડી શાકભાજી લેતી આવજે."
હું ચિડાઈ ગઈ.
"મમ્મી, એને જ કે ને લાવવા માટે, મને કેમ પજવે છે?"
"એને ક્યાં ટાઈમ છે બેટા, તને શું કામ છે, નવરી તો છો. મારી ડાહી દિકરી, ચાલ, શાકભાજી લેતી આવજે."
ઊંડો નિસાસો ભરતા હું ઘરની બહાર નીકળી ગઈ.
પુજાએ બતાવેલુ સરનામું એક મોટી બિલ્ડીંગ હતી અને મારે પાંચમા માળે જવાનું હતું. લિફ્ટમાંથી બહાર નીકળતા મેં જોયું કે ત્યાં ઘણી બધી ઓફિસો હતી અને એકમાં ઇન્ટિરિયર ડેકોરેશનનું કામ ચાલી રહ્યું હતું. આખા કોરીડોરમાં ધૂળ, માટી અને લાકડાનો ભુસો હવામાં ઉડી રહ્યો હતો. ડ્રિલ મશીનનો અવાજ કાનના પડદા ફાડી નાખે, એટલો મોટો હતો.
મારે જે કેબિનમાં જવાનું હતું, તેમાંથી એક મહિલા બહાર આવી અને મારી સામે જોયું. મેં એમને સંબોદિત કરતા કહ્યું,
"નમસ્તે. હું પુજા પારેખની નાની બહેન પ્રીતિ છું. એણે મને મિસ સપનાને એક પાર્સલ આપવા માટે મોકલી છે."
"ઓ! હું જ સપના છું. પ્લીઝ અંદર આવો. આ ગંદવાડ માટે માફ કરજો, અમારી નવી ઓફિસનું કામકાજ ચાલી રહ્યું છે."
અમે અંદર જઈને બેઠા અને સપનાએ પુજાના કામના ખૂબ વખાણ કર્યા. પછી વાત પરથી વાત નીકળી અને એણે મને પૂછ્યું,
"પ્રીતિ, તમે શું કરો છો?"
એક મિનિટ માટે થયું કે ખોટી બડાઈ મારુ, પણ પછી વિચાર આવ્યો, કે લાવ ને સાચું જ બોલું.
"મેં માસ મિડિયામાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને હવે સારી નોકરી ગોતી રહી છું."
સપનાની જિજ્ઞાસા જાગી અને એણે આગળ બેસતા મને કહ્યું,
"રિઅલી! તમને શું બધું આવડે છે?"
એને મારી કુશળતા અને પ્રતિભા જણાવતા, મને એક મિનિટ લાગી. મારી વાત સાંભળીને એના મોઢે સ્મિત આવ્યું.
"પ્રીતિ હું એક નવી એડવર્ટાઇઝિંગ કંપની ખોલી રહી છું. બહાર મારી નવી ઓફિસનું કામ ચાલી રહ્યું છે. આવતા મહિના શરુ કરીશું. તારી કુશળતા અને પ્રતિભા મારા માટે એકદમ શ્રેષ્ટ છે. બોલ, મારી જોડે કામ કરીશ?"
હું અચંબિત થઈ ગઈ અને કાંઈ પણ કહું, તે પહેલાં સપનાએ આગળ વાત કરી.
"શરૂઆતમાં વીસ હજાર આપીશ, દર વર્ષે દસ ટકાની વૃદ્ધિ અને દિવાળી પર બોનસ."
શું હું સપનું જોઈ રહી હતી? શું મારા નસીબ આટલા સારા હતા? આટલી મજાની નોકરી મારા ખોળામાં આવીને બેસી ગઈ. વાહ!!
મારા મનની ખુશી, મારા મોઢાની સ્મિતમાં સાફ સાફ છલકાઈ રહી હતી.
મેકડોનાલ્ડનું વળાંક મારા જીવનમાં પણ એક સુખદ અને સુંદર વળાંક લઈ આવ્યું.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
---------------------------------------------
Shades of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on my blog
https://shamimscorner.wordpress.com/