MOJISTAN - 30 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 30

મોજીસ્તાન (30)

"કાં..આં...આં....ભાભી..જાદવો તો હવે વ્યો જ્યો..ધુડિયાની ખડકીમાંથી હમણે જ આયા ઈમને..! હવે એકલા ચીમ કરીને જીવશો..? હાળો દી' તો વ્યો જાય પણ રાત્યું શેય કરીને નો જાય હો..તે હું ઈમ કવ સુ કે દી'એ ભલે ધુડિયો તનકારા કરે..પણ રાત્યેય કોક જોશેને તમારે..તો હવે બીજે ચ્યાંય લાંબા નો થાસો..હું સુ ને.. જાદવો તો મારો ખાસ ભયબન હતો.. અને એક દી' મને કીધું'તું કે રઘલા..નથી ને મને કાંક થઈ જાય તો તારી ભાભીને હંભાળી લેજે..હેહેહે. " જડી પાછળ જ જાદવના ઘરમાં ઘૂસેલો રઘલાએ ધાધર વલુરતા વલુરતા આંખો નચાવીને ઓસરીમાં ઊભેલી જડીને કહ્યું.

રઘલાને જોઈને જડી ચમકી. "આ મારો હાળો ચયાંથી ગુડાણો ?"

એમ મનમાં બબડીને એણે રાડ પાડી,

"તું આંયથી હાલતીનો થઈ જા...નકર હમણે રાડ્યું પાડીને કોકને બોલાવીશ." જડીએ સહેજ ગભરાઈને કહ્યું.

"તે રાડ્યું પાડવી હોય તોય મારી ચ્યાં ના સે..ધુડિયામાં એવું હું ભાળી જઈ સો..ઇની કરતા તો સાડી સત્તરવાર હું હારો..લે હવે સીધી રીતે તાબે થઈ જા. નકામા ઉઝરડા પડસે તો મોઢું દેખાડવા જેવી નઈ રેય." કહી રઘો રઘવાયો થઈને ઓસરીમાં ઊભેલી જડી તરફ આગળ વધ્યો.

જડીનો હવે કોઈ ઉપાય રહ્યો નહીં. ગભરાઈને એણે આમતેમ નજર ફેરવી. દોડીને એ રસોડામાં પેઠી. મરચાંની ચટણીનો ડબ્બો ખોલીને મુઠ્ઠી ભરીને એ બહાર નીકળી.રઘો એ વખતે રસોડાના દરવાજે આવી પહોંચ્યો હતો.

જડી એમ તો જોરાવર હતી. રઘલા જેવા જનાવરના તાબે થાય એમ નહોતી. મરચાંની ભૂકીનો ઘા રઘલાના મોઢા પર કરીને એના બે પગ વચ્ચે જોરથી પાટુ મારીને બરાડો પાડ્યો

"વાંઝણી રાંડના..હમજસ સુ મને.
એકલી જાણીને તું મારી ઈજ્જત લૂંટવા આયો ? પણ તારી જેવા કૂતરાં તો ચેટલાય રખડે સ.."

રઘલા માટે આ હુમલો ધાર્યા બહારનો હતો. આંખમાં પડેલા મરચાંને કારણે એની આંખોમાં લાહ્ય ઉઠી હતી અને શુક્રપિંડ પર જડીએ કચકચાવીને મારેલી લાતને કારણે થયેલી અસહ્ય વેદનાથી એ ચિત્કારી ઉઠ્યો. ક્યા મોરચે પહેલા લડવું એની કોઈ સૂઝ એને પડી નહીં. એક હાથે આંખો ચોળતો અને બીજો હાથ બે પગ વચ્ચે દબાવીને એ ગોટો વળીને રસોડા બહાર પાણીયારા પાસે પડ્યો.

જડી ફરી એક લાત મારીને ફળિયામાં દોડી.અચાનક એને કંઈ યાદ આવ્યું હોય એમ ખડકી તરફ દોટ મૂકીને એણે ખડકી ખોલી નાખીને બજારમાં જઈ બૂમ પાડી..

" એ..કોઈ ધોડજો..મારો ધણી દવાખાને મરવા પડ્યો સ. ઈમ જાણીને ઓલ્યો ખહુરિયો કૂતરો રઘલો મારા ઘરમાં મારી ઈજ્જત લૂંટવા આયો..બચાવો..બચાવો."


પોતાની પાછળ રઘલાને અલોપ થઈ ગયેલો જોઈ પાછો વળીને ધુડો એના ઘરમાં જડીની તપાસ કરવા ગયો હતો. એ વખતે જ
બહારથી જડીની રાડ સાંભળીને એ દોડીને બહાર નીકળ્યો..

ગામમાં જાદવની વાડીએ થયેલી મારામારીની વાત ધીંગાણું નામ ધારણ કરીને આખા ગામમાં ફરી વળી હોઈ ગામલોકોના ટોળેટોળાં દવાખાના તરફ જતાં હતાં.

એ જ વખતે રઘલાના કમનસીબે એને કુમતિ સુઝાડી.બજાર વચ્ચે બરાડા પાડતી જડીની મદદે આખું ટોળું આવી ચડયું.

ધુડો પળનોય વિલંબ કર્યા વગર એ ટોળાની મોખરે થઈ જાદવના ઘરમાં ઘૂસ્યો.

ઓસરીમાં ગોટો વળીને પડેલા રઘલા પર સૌ પ્રથમ ધુડો તૂટી પડ્યો અને ત્યાર બાદ ગામલોકોએ ઢીકા પાટુ મારીને છેક અધમૂઉં કરી નાખ્યો.

દવાખાને જતા ટોળાએ રઘલાને પણ ઉપાડ્યો. આગળ મરણપોક નાખતી, ઘડીક પડી જતી..તો વળી ઘડીક ધૂડાનો હાથ પકડીને ચોધાર આંસુ સારતી જડી પોતાની ઉપર તૂટી પડેલા દુઃખના ડુંગરો નીચે ચગદાઈ જવાનું નાટક કરતી જઈ રહી હતી.

"અરે..રે..મને એકલી મેકી..હું કાયમ કે'તી કે તમે આડાઅવળા ધંધા મૂકી દ્યો..પણ મુજ અબળાનું કોણ માને.. રે...રે...મારા સામીનાથ..તમારા મોતના હમાચાર હાંભળીને મારો જીવ ચીમ નો વ્યો જ્યો..હે ભગવાન..તમારે ઇની સ્હું જરૂર પડી..મનેય હાર્યે બોલાવી લ્યો..બાપા..રે..રે..વનમાં હું એકલી રઈ ગઈ...ને દવ લાગ્યો..અરે..રે..એ..મારા સામીનાથ..એ મારા..જાદવ..તમે મને એકલી મેલી... આપડી ભેંસ પણ તમે વેસી નાખી..હે બાપલીયા.. સોકરા હજી સાવ નાના....બાર્ય ભણવા મેલ્યા સે..
ઈ ઘરે આવીને મને પૂસશે કે બાપુ ચિયાં વ્યા જ્યાં..તો..એ મ્હેસિયાના ને ઘનિયાના બાપા..આ..આ..હું સ્હું જવાબ આપીસ.. ઇની નિહાળની ફિયું હવે ચીમ કરીને ભરસુ..હે ભગવાન..તેં આ સુ કરી નાયખું.. સોકરના ભાણા (થાળી)માં હવે ઘીવાળો રોટલો હું ચયાંથી લાવીન મેલીશ.આ આયખું હવે હું એકલી ચીમ કરીન કાઢીશ..હોય હોય બાપલીયા..તમે વિયા જિયા ઈમ જાણીને ગામના કૂતરાં ટાંગો ઉસો કરવા પોગી જિયા. અરે..રે હું અભાગણી..જુવાન જોધબાઈ
રાંડી..હોય હોય બાપા..આ... આ.."

આમ મોટા સાદે કરુણ કલ્પાંત કરતી જડી અંદરથી ઘણી ખુશ હતી. વારે વારે ધુડિયાને વળગી પડતી હતી. ગામના બીજા લોકો એને ખેંચીને પોતાના ખભે માથું મૂકાવવા બળ કરતા હતા. એ જોઈ આજુબાજુના ઘરોમાંથી ઘણીબધી સ્ત્રીઓ દોડી આવી.બધી જડીની આસપાસ ફરી વળી. એ જોઈ જડી બેભાન થઈને ઢળી પડી હોય એમ એના શરીરને રસ્તા પર પડી જવા દીધું. ગામની સ્ત્રીઓએ જડીને ઉપાડીને એક ઘરના ઓટલા પર સુવાડી. કોઈ પાણી લઈ આવ્યુ, કોઈ જડીને પવન નાખવા લાગ્યું. જડીનું દુઃખ અને રોકકળ જોઈ ગામની ડોશીઓએ પણ પોક મૂકી મૂકીને જાદવના મરસિયા ગાવાનું ચાલુ કર્યું.

કેટલીક યુવાન સ્ત્રીઓ પણ પોક મૂકી મૂકીને રડવા લાગી.

જાદવની શેરીમાં રહેતી ડોશીઓએ આ પ્રમાણે જાદવના મરસિયા ચાલુ કર્યા.

"અરે..એ..જુવાન જોધ જાદવા... આ....આ....આ....બટા તને આ હું હુજયું....ઉ..ઉ...આમ અસાનક મોટા ગામતરે શીદને હાલી નીકળ્યો..રે...હવે આપણી શેરીમાં રાતે કૂતરાં ભહંસે તો ઈને હડયકારો કોણ કરસે. હાય હાય..બાપલીયા...તખુભાની ડેલીમાં હવે કહુંબો કોણ બનાવશે...અ..રે...રે... જાદવા.. તને આવી કમત ચીમ. હુજી...રે.. રે.."

ડોશીઓએ મરસિયા ગાવાનું ચાલુ તો કર્યું પણ એકેય ડોશીની આંખમાં સમ ખાવા પૂરતુંય આંસુ નહોતું.

જાદવો મરે કે જીવે એની સાથે કોઈને કશી નિસબત નહોતી.
ખુદ જડીને પણ એના પતિથી છુટકારો મળ્યો હોવાની લાગણી થઈ રહી હતી.

ધુડો બાઘાની જેમ બધી બાજુ જોઈ રહ્યો હતો. ઉદાસ પણ થઈ ગયો હતો.

જાદવો મરી જાય એ વાત એને ગમી નહોતી. ગમે તેમ તોય એ એનો પડોશી હતો.

જાદવની શેરીમાં આ ટંટો ચાલી રહ્યો હતો.એક ઓટલા પર રઘલો ટૂંટિયું વળીને પડ્યો પડ્યો આંખો ચોળતો હતો.

"ઇની..જાતની...જડકી.. આખા ગામમાં તારો ફજેતો નો કરું તો મારું નામ રઘલો નઈ.. ધુડિયા હારે હાલવું સે અને અમારી આંખ્યુંમાં મરસા નાખવા સે..ઈ ધુડિયો ચોવી કલાક ચ્યાં તારી હાર્યે રેવાનો સે. વાડીએ તો જાવાની સો ને..હવે હું થોડો ગફલતમાં રેવાનો સુ..? ઓય ઓય બાપલીયા.. આ બધાએ મારી મારીને હાડકા ભાંગી નાયખા.." એ બબડતો રહ્યો પણ કોઈ એને સાંભળવા નવરું નહોતું.

એવામાં તખુભા બુલેટ લઈને જાદવની શેરીમાં આવતા દેખાયા.
દૂરથી તખુભાએ શેરીમાં ચાલતી રોકકળ જોઈ. એમની નવાઈનો પાર ન રહ્યો.

"આ જાદવાની શેરીમાં કોણ પાછું થ્યું..?" (પાછું થવું=મરણ પામવું)
એમ વિચારીને એમણે બુલેટ ઊભું રાખ્યું.

તખુભાને જોઈ ધુડો આગળ આવ્યો અને તખુભા પાસે જઈને પૂછ્યું, "આ ચીમ કરતા બન્યું. કોણે જાદવને માર્યો..કે સે કે ખીમો અને ભીમોય બસે એમ નથી.."

"ઈતો બધું ઠીક હવે..પણ આ શેરીમાં કોણ પાછું થિયું ? કોનું બયરુ પોક મૂકીને રોવે સે..?" તખુભા સમજ્યા કે ધુડો મારમારીનું પૂછે છે.

"ઈ જ તો હું તમને પુસુ સુ..જાદવ મરી જ્યો સે અટલે જડીભાભી પછાડયું ખાય સે..અને બાપુ ઓલ્યો તમારો ગોલકીનો રઘલો જડીભાભીની આબરૂ લૂંટવા ઇના ઘરમાં ઘર્યો'તો..મારો હાળો..
ઈને ઈમકે જાદવો તો હવે રિયો નથ્થ પણ જડીભાભી જબરી નિહરી..ઇની માને મુઠ્ઠી ભરીને મરસુ ઠોકયું રઘલાની આંખ્યુંમાં.. અને બે પગ વસાળે જે ફેરવીને પાટુ ઝીકયુંને તે ન્યા ને ન્યા ગોટો વળી જ્યો. પસી તો અમે બધા ધોડ્યા..મારી મારીને સોતરા કાઢી નાયખા હાળાના.." ધુડાએ અહીં બનેલી ઘટનાનો આ પ્રમાણે અહેવાલ આપ્યો.

તખુભા ચમક્યા, "અલ્યા તમને બધાને કીધું કોણે કે જાદવો મરી જ્યો સે...? જાદવાને કોકે હારીપટ ઠમઠોર્યો સે..ઈ કાંય મરી નથી જ્યો..હાળ્યો બંધ કરો આ કકળાટ..બીસારો હજી જીવે સે..."

તખુભાની હાકલ સાંભળીને ડોશીવૃંદ એકાએક ચૂપ થઈ ગયું.જડી હજી પણ ઘૂમટો તાણીને ઓટલા પર બેઠી બેઠી ઝીણા અવાજે રાગ કાઢી રહી હતી "એ..મારા..જાદવ.. એ મારા..જાદવ... "

એ સાંભળીને તખુભાએ ફરી મોટેથી કહ્યું, "એ જડીવહુ સાના રહી જાવ.તમારો જાદવો જીવે સે. બસ થોડો માર પડ્યો સે...પણ મરી નથી ગીયો..અને આ રઘલાને કોક એના ઘરે નાખી આવો..પસી હું ઈને જોઈ લઈશ."

તખુભાની વાત સાંભળીને જડીએ એનો રાગ દરબારી ગાવાનું બંધ કર્યું. ઘૂમટામાં રડવાનું નાટક કરીને લાલ થયેલા મોં પર આવેલા અણગમાના ભાવ કોઈ જોઈ શકે એમ નહોતું. થોડીવાર રહીને એણે ઘૂમટો ઊંચો કર્યો અને ઊભી થઈને દવાખાના તરફ ચાલવા લાગી.

ધુડો પણ એની પાછળ ચાલ્યો એટલે ડોશીઓએ એકબીજી સામે આંખ મિચકારી. ટોળું એ બંનેની પાછળ ચાલ્યું. ડોશીઓએ ખોટા મરસિયા ગાવા બદલ અફસોસ પણ વ્યક્ત ન કર્યો.

"મુવો આ જાદવો..નો હોય એવા ધંધા કરતો ફરસ..કોક, કેદીકનું ટીપી નાખશે જોજો..તખુભા ભલે કેય પણ મન તો હજીય વશવા (વિશ્વાસ) નથ આવતો..
એટલો બધો માર્યો હોય તો નો બસે હો..મણી, તને ચીમ લાગે સ..'' જાદવની બાજુની ખડકીવાળી જમનાડોશીને ન જાણે શુંકામ જાદવો મરી જાય એમાં રસ હતો..!

"અલી, ઈ બસાડો ભલેને જીવે..ભલેને સો વરસનો થાય. હમણે તો તું ગળું ઢહડી ઢહડીને ગાંગરતી'તી..કે અરે..રે જાદવા આ તને હું હુંજયું..."મણીડોશીએ જમના તણી વાતને વણી.

"મને એક દી છાસ દેવાની ના પાડી'તી.." જમનાડોશીએ ડબ્બી કાઢીને છીંકણીનો સબડકો નાકમાં ચડાવીને મોં મચકોડયું. ખાલી છાછ ન્હોતી આપી એમાં આ ડોશી જાદવો ભલે મરી જાય એમ ઇચ્છતી હતી..!! અને પોતાની વાતમાં સમર્થન ન આપવા બદલ આ વખતે મણીડોશીને છીંકણી આપ્યા વગર જ ડબ્બી કમરમાં ખોસી દીધી.

ટોળું આગળ ચાલ્યું..!

*

"તભાભા..આ...તમારા બાબલાએ ઓલ્યા જાદવાનું ખૂન કરી નાખ્યું..કેય સે કે બાબાને પકડવા બરવાળેથી પોલીસ રવાના થઈ જઈ સે..તમે ઝટ ઈને સંતાડી દ્યો..નકર જેલ પડશે.."
નગીનને ક્યાંકથી આ પ્રમાણે સમાચાર મળ્યા એટલે તરત પોતાના હિતેચ્છુ તભાભાભાને ફોન કર્યો.

"હેં..? શુ વાત કરછ..ન બને. કદી ન બને. મારો બાબો કદી એવું કાળું કામ ન કરે. નગીન જરૂર તારી કંઈક ભૂલ થાય છે..તને કોણે કીધું...?" તભાભાભાએ એકદમ ઊંચા અવાજે ફોનમાં રાડ પાડી.

"મારા ઘર સામે હબલાની દુકાન સે ને..બાબો નયાં બપોરે ચાર વાગ્યે આવ્યો'તો. ચંચો ઈને જાદવાની વાડીએ ભજીયાના પોગ્રામનું બાનું કાઢીને લય જીયોતો..નયાં કે સે કે બાધણું (ઝઘડો) થિયું. મૂળ પલાન બાબાને મારવાનો હતો..કે સે કે ઓલ્યો ખીમલો અને ભીમલો હોતે ન્યા હતા..ઇ હંધાય મળીને બાબાકાકાને મારવાના હતા.. ભાભા કાવતરું હતું કાવતરું..પણ આપણા બાબાકાકાએ લાડવાનો પરસો બતાવી દીધો..ચારેયને મારી મારીને ગાભા કાઢી નાયખા..અને કે સે કે જાદવો મરી જયો.. સરકારી દવાખાને લાશ પડી સે..ખુદ તખુભા ઈ હંધાયને ટેક્ટરમાં સડાવીને લાયા..સરકારી દાગતરે પોલીસ બોલાવી સે." નગીને કહ્યું.

"મારા દીકરા વિરુદ્ધ કાવતરું..? નગીન...આ ગામ હવે આ પૃથ્વી પર નઈ રે..બ્રાહ્મણના દીકરાને માર મારવાનો હોય ? અરે..નગીન આ નીચ લોકોએ મહાપાપ કર્યું છે. એના ફળ આ ગામને ભોગવવા જ પડશે..એ રાક્ષસનો નાશ મારા પુત્રના હાથે થયો હશે તો એ સદગતિ પામ્યો હશે..કારણ કે મારો પુત્ર સાક્ષાત સત્યનારાયણ દેવનો અવતાર છે.. નગીન એ પવિત્ર ખોળિયું છે...પૂજનીય છે...દેવ છે... ચાલ હું સરકારી દવાખાને જાઉં છું..અને એ નીચ, અધમ અને રાક્ષસની શું હાલત થઈ છે એ જાણકારી મેળવું છું..મારા પુત્રને પોલીસ પકડશે તો હે નગીન તું જોઈ લેજે..હું ભયંકર શ્રાપ આપીને આ ગામને બાળીને ભસ્મ કરી નાખીશ..તું તારો સામાન બાંધવા માંડ..નગીન..આ ગામમાં હવે રહેવા જેવું નથી રીયું.." તભાભાભા હાંફી ગયા.

"હેં...? શું બોલો સો તમે..? શું થિયું મારા દીકરાને..? હેં..? કોણે કાવતરું કર્યું..? હેં..? હેં..? તમે હમણે શું બોલ્યા..ગામને બાળીને ભસ્મ કરી નાખશો..? હેં..? તમે દયા કરજો..ગામમાં ગરીબ માણસો વસે છે..ઇ બસાડાનો શું વાંક..હમણે જ ઓલ્યા રવજીની વહુ રીંગણા આપી ગઈ...ઈનું ખોરડું બચાવી લેજો..ઓલી મણીડોશી બિચારી કામ કરી જાતી'તી. ઈને કાંય નો થવા દેતા..નગીન બસાડો કપડાં સીવી દેય સ. તમારા સરાપમાં બધાયને નો બાળી મૂક્તા ભાયસાબ..." ગોરાણીએ તભાભાભાની વાત સાંભળીને એમને શાંત પાડવા બે હાથ જોડ્યાં.

"નહીં નહીં...હવે આ ગામ..." તભાભાભા આગળ બોલે એ પહેલાં જ બાબો ઘરમાં આવ્યો.
બાબાનો વિકરાળ ચહેરો જોઈ તભાભાભાનું મોં ખુલ્લું જ રહી ગયું..!!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED