Love Revenge -2 Spin Off - 15 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 15



લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-15


“કામ પતાવીને સાંજે ઘરે આય...! જમવા....!”

“અમારાં વૂડ્સનાં બિઝનેસની બ્રાન્ચ અહિયાં ખોલવાની છેને..! તો એની જગ્યા જોવાની છે...!”

આરવ લાવણ્યાને ઉતારીને નીકળી ગયો એ પછી નેહા કયારની બાલ્કનીમાં ઊભાં-ઊભાં બેચેનીપૂર્વક આંટા મારી રહી હતી.

“લાવણ્યા જેવી છોકરી માટે તું મારી જોડે કેમનું ખોટું બોલી શકે...!?” આંટા મારતી-મારતી નેહા વિચારી રહી.

લાવણ્યાને આરવની કારમાંથી ઊતરતી જોઈને નેહાનો ચેહરો ગુસ્સાંથી લાલ થઈ ગયો હતો. ચિડાયેલી નેહાનો ગુસ્સો હજીપણ નહોતો ઉતર્યો.

જમ્યા વિનાજ નેહા બાલ્કનીમાં આમતેમ આંટા મારી રહી હતી. મોડી રાત થવાં આવી હોવાં છતાં નેહા બાલ્કનીમાં આંટા મારી રહી હતી.

થોડીવાર પહેલાં શરૂ થયેલો ધોધમાર વરસાદ હજીપણ ચાલી રહ્યો હતો. જોશથી પડી રહેલાં વરસાદનો અવાજ નેહાને અત્યારે ઘોંઘાટ જેવો લાગી રહ્યો હતો.

આમ-તેમ આંટા મારી રહેલી નેહા છેવટે કંટાળીને બાલ્કનીમાંથી પોતાનાં બેડરૂમમાં આવી. બેડ ઉપર પડતું મૂકીને નેહા છત ઉપર ફરી રહેલાં પંખા સામે તાકી રહી.

“આરવને કૉલ કરું...!?” પોતાનો હાથમાં લઈને નેહા બબડી પછી જાતેજ બોલી “પણ પૂછીશ શું...!?”

“હેય...આરવ...! તારાં અને લાવણ્યા વચ્ચે શું ચાલે છે...!?” નેહા જાતેજ પોતાનાં ચાળા પાડવાં લાગી.

બેડ ઉપરથી ઉઠીને નેહા પાછી બાલ્કનીમાં આવી અને બાલ્કનીમાં મૂકેલી તેની લાંબી સ્લીપિંગ ચેયરમાં ટેકો દઈને ઊંઘી.

ક્યાં સુધી નેહા બહાર વરસી રહેલાં વરસાદ સામે તાકતી રહી. તેણીની નજર સામે વારેઘડીએ આરવની કારમાંથી લાવણ્યાના દ્રશ્ય તરવરતું રહ્યું.

“સિડને કૉલ કરું..!?” છેક મોડી રાતે નેહાને યાદ આવતાં તેણીએ આરામ ખુરશીમાંથી ઊભાં થઈને પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન....ટ્રીન.....!” ક્યાંય સુધી રિંગ વાગતી રહી.

“હેલ્લો....!” રોજની આદત મુજબ વહેલાં સુવાં ટેવાયેલો સિદ્ધાર્થ ઊંઘમાંથી માંડ ઉઠીને બોલ્યો.

“ઓહ...! હું તો ભૂલીજ ગઈ’તી....!” નેહાને યાદ આવતાં તે માફીસૂચક સ્વરમાં બોલી “સોરી...તું તો વે’લ્લો સૂઈ ગયો હોઈશને...!?”

“નેહા....!? અરે ના..ના..ઇટ્સ ઓકે...!” નેહાનો સ્વર સાંભળીને બેડમાં હાંફળો-ફાંફળો બેઠો થતાં સિદ્ધાર્થ બોલ્યો “હું જાગુંજ છું બોલને....!”

“અમ્મ....વ...વરસાદ પડે છે ત્યાં....!?” નેહા વાત બનાવીને પૂછવા લાગી અને બાલ્કનીની પેરપેટ પાસે આવીને બહાર પડી રહેલાં વરસાદ સામે જોઈ રહી.

“તું મને રોજે ખાલી મોસમનો હાલચાલ પૂછવાજ ફોન કરે છે...!?” સિદ્ધાર્થે મજાકીયા સ્વરમાં કહ્યું અને ચાલતો-ચાલતો રૂમની બાલ્કની તરફ જવાં લાગ્યો.

“હી...હી....!” ઉદાસ હોવાં છતાં નેહાથી પરાણે હસાઈ ગયું “તારી જોડે વાત કરું....! એટ્લે મારું મન એકદમ હેપ્પી હેપ્પી થઈ જાય છે...!”

“હેપ્પી..!? એટ્લે તું ઉદાસ હતી એમને...!?” બાલ્કનીનો દરવાજો ખોલતાં-ખોલતાં સિદ્ધાર્થે પૂછ્યું.

જવાબમાં નેહા મૌન રહી અને ભારે વરસાદની છાંટાઓની ધારને પડતાં જોઈ રહી.

“હમ્મ …અહિયાં પણ જોરદાર વરસાદ ચાલુજ છે...!” બાલ્કનીમાં પડી રહેલાં વરસાદને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

નેહાનાં ઘરની બાલ્કની કરતાં અલગ સિદ્ધાર્થનાં ઘરની બાલ્કની ખુલ્લી હતી, છત વગરની (રોમિયો-ઝૂલીએટમાં ઝૂલીએટની બાલ્કની જેવી).

“જોજે પાછો....! ગઈ વખતની જેમ વાતોમાં ‘ને વાતોમાં બાલ્કનીમાં જતો નાં રે’તો....!” નેહા મલકાઈને બોલી “નઈ તો પલળી જઈશ....!”

“ઓનેસ્ટલી....! મને વરસાદ નઈ ગમતો...!” સિદ્ધાર્થ બોલ્યો.

“કેમ....!?”

“અરે કેટલો ટ્રાફિક થાય છે યાર અહિયાં બરોડાંમાં...!” સિદ્ધાર્થ બોલ્યો અને બાલ્કનીનાં દરવાજાનાં ટેકે ઊભો રહ્યો.

“તો તો પછી તે અમદાવાદનો ટ્રાફિક નઈ જોયો હોય...!” નેહા બોલી “વરસાદમાં અમદાવાદ વેનિસ બની જાય છે...!”

“હી...હી...વેનિસ...!?”

“હાસ્તો....! જેમ વેનિસમાં હોડીઓ ચાલતી હોય એમ અહિયાં પણ વાહનો જાણે પાણીમાં તરતાં-તરતાં જતાં હોય એવું લાગે...!”

“હી...હી...પાણી તો અહિયાં પણ બવજ ભરાય છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“અમ્મ....! કેમની પૂછું.... !?”નેહા મનમાં બબડી.

“કોઈ પ્રોબ્લેમ હતી....!?” નેહા મૌન રહેતાં સિદ્ધાર્થે પૂછ્યું.

“હમ્મ...! ના ના...!” નેહા જાણે વિચારોમાંથી બહાર આવી હોય એમ બોલી “કઈં નઈ....! તું અમદાવાદ ક્યારે આવાનો...!?”

“કીધું’તું તો ખરા...!” સિદ્ધાર્થ યાદ અપાવીને બોલ્યો “પરમદિવસે....!”

“ઓહ....સારું..સારું..! તો તું અમદાવાદ આવે...! પછી વાત કરીએ...!?” નેહા બોલી “અમ્મ....તારાં માટે લેટ થઈ ગ્યું છે....! તું સૂઈજા....ચલ....બાય...!”

સિદ્ધાર્થ કશું બોલવા જતો હતો ત્યાંજ નેહાએ કહી દેતાં સિદ્ધાર્થે છેવટે બાય કહીને ફોન મૂક્યો.

“શું વાત હશે...!?” બાલ્કનીમાંથી બહાર પડી રહેલાં વરસાદ સામે જોઈ રહીને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

***

“અ...મમ્મી....! પપ્પા ઉઠી ગ્યાં...!?”

વહેલી સવારે પાંચ વાગ્યે સિદ્ધાર્થ તૈયાર થઈને કિચનમાં આવ્યો અને પોતાની મમ્મી રાગિણીબેનને પૂછ્યું.

“હાં...! એ તો મારાં પે’લ્લાં ઉઠીજ જતાં હોય છેને...!?” રાગિણીબેને કહ્યું પછી પૂછ્યું “પણ તું કેમ આટલો વે’લ્લો ઉઠ્યો...!? તારે જિમ તો છ વાગ્યે જવાનું હોય છેને..! અને આ કપડાં પે’રીનો તું જિમમાં જવાનો...!?”

રાગિણીબેને તૈયાર થયેલાં સિદ્ધાર્થના કપડાં જોઈને પૂછ્યું.

“અમ્મ...મમ્મી...આ તો હું...અ..અમદાવાદ જઉ છું...!” સિદ્ધાર્થ ખચકાઈને બોલ્યો.

“કોણ અમદાવાદ જાય છે...!?” ત્યાંજ કિચનમાં પ્રવેશતાં-પ્રવેશતાં કરણસિંઘ બોલ્યાં.

“અમ્મ...હું....અ...બ્રોકરનો ફોન આયો’તો...!” કરણસિંઘ તરફ ફરીને સિદ્ધાર્થ એજરીતે ખચકાઈને બોલ્યો “બે-ત્રણ શેડ બતાવાંનું કે’તાં’તાં...! તો...અ...!”

“પણ આવાં વરસાદમાં જઈશ...!?” કરણસિંઘે પૂછ્યું પછી રાગિણીબેન તરફ જોયું “મારી ચ્હા બની ગઈ...!?”

“હાં..હાં...બસ ઊકળેજ છે....!” રાગિણીબેન ગેસ બાજુ ફરતાં-ફરતાં બોલ્યાં.

કરણસિંઘ સિદ્ધાર્થ સામે જોઈને પાછું ફરી કિચનમાંથી ડ્રૉઇંગરૂમ તરફ જવાં લાગ્યાં. તેમનો ઈશારો સમજી ગયેલો સિદ્ધાર્થ તેમની પાછળ-પાછળ જવાં લાગ્યો.

“ગઇકાલે સાંજે ફોન આયો’તો...!” ડ્રૉઇંગરૂમમાં સોફા તરફ જતાં કરણસિંઘની પાછળ જતાં-જતાં સિદ્ધાર્થ બોલ્યો “હું અ....ઘેર લેટ આયો....તો..તમને કે’વાનું રહી ગ્યું....!?”

“હાં સારું પણ....!આટલાં વરસાદમાં કેમનો જઈશ...!?” સોફામાં બેસીને કોફી ટેબલ ઉપર પડેલું છાપું હાથમાં લેતાં-લેતાં પોતાનાં ભારે સ્વરમાં બોલ્યાં “બ્રોકરને ફોન કરીને ના પાડીદે...!”

એક પગ ઉપર બીજો પગ ચડાવીને આરામથી પોતાની કોણી ટેકવીને કરણસિંઘ સોફામાં બેઠાં.

“અમ્મ...હું તો કારમાં જવાનો’ને...! અને...અ...વરસાદ કઈં એટલો બધો નઈ આમતો...!”

“અરે હોય કઈં...!” કરણસિંઘ સહેજ ચિડાઈને બોલ્યાં પછી પાછું છાપું જોવાં લાગ્યાં “હું હમણાંજ ગાર્ડનમાં ચાલવા ગ્યો’તો...! આખું ગાર્ડન પાણી..પાણી થઈ ગ્યું છે....! અને સોસાયટીનો આખો રોડ પણ....!”

“પણ પપ્પા...અ...મેં બ્રોકરને આજ માટે કઈ દીધું છે...! તો..અ...!”

“પણ તારે મને પૂછવું જોઈતું’તુંને....!?” કરણસિંઘ ટોંન્ટ મારતાં હોય એમ બોલ્યાં.

“અરે તમે શું કામ એને ટોકો છો...!” રાગિણીબેન હાથમાં ચ્હાનો કપ લઈને આવ્યાં અને કોફી ટેબલ ઉપર મૂકતાં-મૂકતાં બોલ્યાં “જવાંદોને....! એ બા’ને આરવને પણ મલી લેશે...!”

“તારો છોકરો મને કીધાં વગર ઝીલનાં મેરેજમાંથી જતો’ર્યો....!” કરણસિંઘ સહેજ ચિડાઈને બોલ્યાં.

“હાં...અવે પણ...! એ કોલેજમાં ભણે છેને....! અને ત્યાં અમદાવાદમાં સુરેશની કોલેજમાં એનું મન લાગે છે તો પછી તમને શું વાંધો છે....!?” રાગિણીબેન બોલ્યાં.

સિદ્ધાર્થ ચૂપચાપ તેમને વાતો કરતાં સાંભળી રહ્યો.

“હું..હું...!” છાપું વાંચતાં-વાંચતાં કરણસિંઘ વ્યંગમાં હસ્યાં “એ ગમે ત્યાં જાય...! એનું મન ભણવા સિવાય ગમે ત્યાં લાગે...! પણ ભણવામાં નઈ લાગે...! જો જે..તું...! થોડો ટાઈમમાં તો એનું કોઈને કોઈ કાંડ આવશે...!”

“શું બોલો છો તમે....!? કાંડ એટ્લે...!?” રાગિણીબેન ચિડાયા.

“અ...પપ્પા....હું જાઉં...!? વરસાદ ચાલુ થાય..એ પહેલાં...!?” સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “પછી ટ્રાફિક વધી જશે...!”

“વરસાદ તો ક્યારનો ચાલુ થઈજ ગ્યો છે...!” કરણસિંઘ છાપું વાંચતાં-વાંચતાં બોલ્યાં.

“ઓહ...! સ...સારું...હું નિકળું છું...!” સિદ્ધાર્થે બોલ્યો અને મમ્મી રાગિણીબેન સામે જોઈને માથું નમાવીને નીકળી ગયો.

***

“આજે કોલેજ આવે તો...! લાવણ્યા વિષે એને પૂછું....!” ડ્રેસિંગ ટેબલનાં મિરર સામે જોઈને કોલેજ જવાં તૈયાર થઈ રહેલી નેહા આરવ વિષે વિચારી મનમાં બબડી.

આગલી રાતથી નેહાનું મન લાવણ્યા અને આરવને સાથે જોઈને ડિસ્ટર્બ થઈ ગયું હતું. લાવણ્યા વિષે આરવને પૂછવાનું મન બનાવાનો પ્રયત્ન કરવાં છતાંય નેહાને આરવ સાથે લાવણ્યા વિષે કેવીરીતે પૂછવું હજીસુધી નહોતું સૂઝતું.

આરવ ફેમિલી ફ્રેન્ડ હોવાં છતાં નેહા સાથે હજી એટલો ક્લોઝ નહોતો. આજ કારણથી નેહાને આરવ સાથે વાત કરવામાં મન પાછું પડતું હતું.

યેલ્લો કલરનો પંજાબી ડ્રેસ પહેરીને વિચારોમાં ખોવાયેલી નેહા છેવટે કોલેજ જવાં નીકળી ગઈ.

***

“ફૂલ ટેન્ક...!” હાઇવે ઉપર એક પેટ્રોલ પમ્પે ફ્યુઅલ પૂરાવાં રોકાયેલાં સિદ્ધાર્થે ફિલરને કહ્યું અને પેટ્રોલ પમ્પનાં વૉશરૂમ તરફ જવાં લાગ્યો.

વહેલી સવારે બરોડાંથી અમદાવાદ આવવાં નીકળેલાં સિદ્ધાર્થને રસ્તામાં નડેલાં ભારે વરસાદને લીધે બે-ત્રણ જગ્યાએ અટકવું પડ્યું હતું. હાઇવે ઉપર વિઝિબિલિટી ઓલમોસ્ટ ઝીરો થઈ જતાં દિવસે પણ હેડ લાઇટ્સ ચાલું રાખીને કાર ચલાવું મુશ્કેલ થઈ ગયું હતું તેમજ કારમાં ફ્યુઅલ પણ પુરાવાનું હોવાથી સિદ્ધાર્થે હાઈવે ઉપરનાં પેટ્રોલ પમ્પે વારસાદ થોડો ધીમો પડે ત્યાં સુધી અટકાવાનું નક્કી કર્યું હતું.

“ગૂડ મોર્નિંગ...!” વૉશરૂમમાંથી બહાર આવીને પેટ્રોલ પમ્પના કાફે તરફ જતાં-જતાં સિદ્ધાર્થે નેહાને whatsappમાં મેસેજ કર્યો.

થોડીવાર સુધી રાહ જોયાં છતાં નેહાને મેસેજ ના પહોંચ્યો.

“નેટ બંધ લાગે છે...!” કાફેનો દરવાજો ખોલીને અંદર પ્રવેશતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો “લેકચરમાં હશે કદાચ....!”

સવારના લગભગ નવેક વાગવાં આવ્યાં હોવાથી સિદ્ધાર્થે ટાઈમ જોઈને અનુમાન લાગાવ્યું પછી ફોન લોક કરીને કાફેનાં રિસેપ્શન કાઉન્ટર તરફ જવાં લાગ્યો.

***

“તું પાકું આજે પણ કોલેજ નઈ આવે...!?” આરવે લાવણ્યાને પૂછ્યું.

“તને ગઈકાલેજ તો કીધું’તું...!” ફોન ઉપર વાત કરી રહેલી લાવણ્યા બોલી “એક-બે દિવસ નઈ આવું હજી...!”

“અરે યાર....તો પછી હું શું કરીશ કોલેજ જઈને....!?” નાના બાળકની જેમ ફરિયાદ કરતો હોય એમ આરવ બોલ્યો.

“તો તું કોલેજ નઈ જાવ એમ....!?” લાવણ્યાએ પૂછ્યું.

“નાં....!” નારાજ થયો હોય એમ આરવે ધડને નાં પાડી દીધી.

“હી...હી....! નાં વાળા...! તો મારી સોસાયટી સામે આઈને નાં ઊભો રે’તો...!” લાવણ્યા બોલી.

“હમ્મ...! નઈ આવું...!” આરવ બોલ્યો પછી નેહા વિષે વિચારી મનમાં બબડ્યો “એમ પણ ત્યાં ઊભાં રે’વાંમાં જોખમ છે...!”

“પણ....!” આરવ બોલતાં-બોલતાં ખચકાયો.

“શું પણ....!? બોલને...!?”

“અમ્મ...મારો બર્થડે છે આજે....!” આરવ બોલ્યો.

“અરે વાહ....! સાચે...!?” લાવણ્યાએ ખુશ થઈને પૂછ્યું.

“હાં...!”

“તો પછી તું કોલેજ નાં જઈશ....! આપડે ક્યાંક બા’ર મલીએ...!” લાવણ્યા બોલી.

“હાં..હાં..પાકકું....! આપડે જમવાનું પણ બા’ર રાખીએ તો...!?” આરવ ઉત્સાહપૂર્વક બોલ્યો “અને મૂવી-બુવી જોવું છે...!? કઈંક શોપિંગ પણ કરીએ....!”

“મૂવીની ઈચ્છા નથી...!”

“કેમ....!? તો શોપિંગ અને જમવાનું....!?”

“તું મલ તો ખરો...!” લાવણ્યા બોલી “પછી આપડે બધુ ડીસાઈડ કરીએ...!”

“ઓકે...!”

“તું ફટાફટ સોસાયટીનાં ગેટ સામે આય....!” લાવણ્યા બોલી.

“હાં...હું આયો..!” આરવ ઉત્સાહપૂર્વક બોલ્યો પછી નેહાનાં કોલેજ જવાનો ટાઈમ યાદ આવતાં બોલી પડ્યો “અરે એક મિનિટ...! મારે તો ના’વાનું બાકી છે....!”

“હાય હાય હજી તું ના’યો નથી છોકરાં..!?” આરવને ખખડાવતી હોય એમ લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું “તારો બર્થડે છે...તોય ના’યા વગર રખડે છે....!?”

“હું ફટાફટ ના’ઈને આયો બસ....!” આરવ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“જલ્દી આય અવે...!” લાવણ્યાએ નકલી ગુસ્સો કરીને કહ્યું અને ફોન કટ કર્યો.

જોકે લાવણ્યાને પોતાની જોડે બહાર ફરવા મનાવા આરવ ખોટું બોલ્યો હતો. આરવ ઓલરેડી ઝેવિયર રોડ ઉપર ચાય-સુટ્ટા કાફેનાં પાર્કિંગમાંજ બેઠો હતો.

“નેહા કોલેજ જતી રે’....પછીજ એ બાજુ જાવ....!” સામેથી ચ્હાનાં કપ લઈને આવી રહેલાં અક્ષયને જોઈને મનમાં વિચારી આરવ બબડ્યો.

***

“એક્ઝામમાં આજ પ્રમાણેની પેપર સ્ટાઈલ રે’શે...!” એકાઉન્ટનો લેકચર ચાલી રહ્યો હતો અને બધાં સ્ટુડન્ટ્સ આવનારી એક્ઝામ વિષેની ઇન્સટ્રક્શન ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.

“સ્સ....!” આરવ અને લાવણ્યાનાં વિચારોથી કંટાળી ગયેલી નેહાએ તેનું માથું દબાવ્યું.

કેમેય કરીને એ વિચારો નેહાનાં મનમાંથી નીકળવાનું નામજ નહોતાં લેતાં. એમાંય આરવ અને લાવણ્યા બંને કોલેજમાં ગેરહાજર હોવાંને લીધે નેહાનું મન અનેક વિચારોનાં વાવાઝોડાંથી ઘેરાઈ ગયું. જેમકે

આરવ અને લાવણ્યા બંને સાથે ક્યાં ફરતાં હશે...?

શું કરતાં હશે...? બંને વચ્ચે કોઈ અફેર છે કે બીજું કઈં..?

સૌથી વધારે ડર નેહાને એ વાતનો હતો કે લાવણ્યાનાં આરવ સાથે પણ શું “એજ પ્રકારનાં” રિલેશન હશે જેવાં રેલેશન્સ તેણીનાં કોલેજનાં અન્ય લફંગા બોયઝ સાથે હોવાની વાતો થતી હતી.

અને શું આરવ પણ એવાંજ અન્ય બોયઝની જેમ લાવણ્યાનાં રૂપની મોહજાળમાં ફસાઈને એની સાથે આવાં રિલેશન બાંધી બેઠો હતો...?

આવાં અનેક વિચારોને રોકવાનાં પ્રયત્નમાં નેહાને બેન્ચ નીચે પોતાનો મોબાઈલ પકડી રાખીને ઇન્ટરનેટ ચાલુ કરી મંતરવા લાગી.

ઇન્ટરનેટ ઓન કરતાંજ નેહાનાં મોબાઈલ ફટફાટ whatsappમાં મેસેજીસ આવવાં લાગ્યાં.

whatsappમાં આવતાં મેસેજીસનાં નોટિફિકેશન જોઈને નેહાએ whatsapp ઓપન કર્યું.

“હાય...! કોલેજમાં...!?” ત્યાંજ સિદ્ધાર્થે નેહાને મેસેજ કરીને પૂછ્યું.

“હમ્મ....!” મૂડ વગરજ નેહાએ જવાબ ટાઈપ કરીને મૂક્યો.

“ઓહ...સોરી....ડિસ્ટર્બ કરવા માટે...!” સિદ્ધાર્થે મેસેજ મોકલ્યો.

“ના...કોઈ વાંધો નઈ....! એમ પણ લેકચર બોરિંગ છે....!” નેહાએ મેસેજ કર્યો.

“અચ્છા....! તો શંભુ આજે ખુલ્લું હશે…!?” સિદ્ધાર્થે પૂછ્યું

“હાં...! એ તો રોજે ખુલ્લુંજ હોય છે...! કેમ...!?”

“કોફી પીવાની ઈચ્છા ખરી....!?”

“હી...હી...અત્યારે તો ગમે તેમ કરીને અહિયાંથી બા’ર જવું છે...! અને આવાં વરસાદી વાતાવરણમાં શંભુ પર બેસવાની કઈંક અલગજ મજા છે...!”

“હમ્મ...! એમ પણ વરસાદ સારો એવો પડેજ છે...!”

“ઓહ....! ત્યાં વરસાદ છે...!” ક્લાસરૂમની વિન્ડોમાંથી દેખાતાં બહારનાં દ્રશ્યને નેહાએ જોયું.

ઘેરા કાળા વાદળોને લીધે બહાર અંધારિયું છવાયેલુ હતું અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.

“અહિયાં પણ જોરદાર વરસાદ છે..!” નેહાએ બીજો મેસેજ કર્યો.

“હું અહિયાંની જ વાત કરું છું....!” સિદ્ધાર્થે મેસેજ કર્યો “અમદાવાદમાં આજે મસ્ત વરસાદ પડે છે...!”

“ઓએમજી....! તું અમદાવાદ આઈ ગ્યો....!?” નેહાને આશ્ચર્ય થયું.

“એચએલનાં ગેટ આગળજ ઊભો છું....!” સિદ્ધાર્થે મેસેજ કર્યો.

“ઓહ હોય...! નેહાને વધુ આશ્ચર્ય થયું

એટલું કહીને નેહાએ ફટાફટ પોતાની બેન્ચ ઉપરથી પોતાની નોટબૂક પોતાની કોલેજ બેગમાં નાંખી અને બાજુમાં બેઠેલી અંકિતાને કહ્યું

“મને નોટ્સની કોપી આપી દેજે....! મારે બા’ર જવું છે...! મારી બેગ પણ તારી જોડે રાખજે...!”

એટલું કહીને નેહા ઊભી થઈ ગઈ અને સાચવીને બેન્ચની બહાર નીકળી ગઈ. ક્લાસ ડિસ્ટર્બ નાં થાય એ રીતે નેહા હળવા પગલે નેહા બહાર જવા લાગી. ક્લાસમાંથી નીકળતાં-નીકળતાં નેહા એકાઉન્ટનાં સર સામે જોઈને માથું ધૂણાવી દીધું. તેમણે પણ એજરીતે માથું ધૂણાવી દીધું.

“આ છોકરીને અચાનક શું થયું...!?” અંકિતાની જોડે બેઠેલી કામ્યાએ પૂછ્યું.

“શું ખબર...!?” અંકિતાએ ખભા ઉછાળ્યા.

“તો તો હું આવી....!” ક્લાસરૂમની બહાર નીકળી કોલેજની બહાર જવાં કોરિડોરમાં ચાલતાં-ચાલતાં નેહાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો “મારું પ્રોમિસ નિભાવા....!”

“પ્રોમિસ....!?” સિદ્ધાર્થે મૂંઝાઈને મેસેજ કર્યો.

“અરે કેમ...!?” નેહા મેસેજ ટાઈપ કરતી ગઈ અને સેન્ડ કરતી ગઈ “શંભુ ઉપર કોફી પીવાડાવાનું....!”

“અરે હાં નઈ...!”

“જસ્ટ વેટ...! હું બસ આવુંજ છું....!” નેહાએ મેસેજ કર્યો અને ઉતાવળા પગલે કોલેજ બિલ્ડીંગનાં પગથિયાં ઉતરીવાં ગઈ.

“અરે બાપરે...!” નેહા બોલી.

કયારના વરસી રહેલાં ધોધમાર વરસાદને લીધે કોલેજના પેવમેંન્ટ અને આજુબાજુ બધેજ પગનાં પંજા ડૂબે એટલું પાણી ભરાઈ ગયું હતું.

“અરે યાર...! રેનકોટતો એક્ટિવાની ડેકીમાં પડ્યો છે..!” પાર્કિંગ શેડ તરફ જોઈને નેહા બબડી.

“અરે હા....! સુરેશ અંકલ જોડે છત્રી હશેજને...!” નેહાને યાદ આવતાં નેહા બબડી અને તરતજ ટ્રસ્ટી સરની કેબિન તરફ ઉતાવળા પગલે દોડી ગઈ.

સુરેશસિંઘની કેબિનમાં જઈને તેમની પાસેથી છત્રી લઈને નેહા ઉતાવળા પગલે પાછી બિલ્ડીંગની બહાર નીકળી પેવમેંન્ટ ઉપર ચાલતાં-ચાલતાં ગેટ તરફ જવાં લાગી.

પેવમેંન્ટ ઉપર ભરાયેલાં પાણીમાં નેહાના પગના પંજા ડૂબી રહ્યાં હતાં. પાણીમાં ડ્રેસના પાયજામો ના પલળે એટલાં માટે નેહાએ એક હાથમાં છત્રી માથે પકડી રાખી અને બીજા હાથમાં પાયજામાની બંને સ્લીવ સહેજ ઊંચી પકડીને ચાલવા લાગી.

“અરે...!? ક્યાં છે આ છોકરો...!?” ગેટ સામે સિદ્ધાર્થ નાં દેખાતાં નેહાને નવાઈ લાગી.

ગેટમાંથી બહાર નીકળતાંજ નેહાએ જોયું કે ગેટથી સહેજ ડાબી બાજુ કોલેજની બાઉન્ડરી વૉલ પાસે એક બ્લેક BMW ઊભી હતી.

“સિદ્ધાર્થની જ લાગે છે...!” કાર તરફ જઈને નેહા બબડી અને ડ્રાઇવિંગ સીટની બીજી બાજુની વિન્ડોનાં કાંચમાંથી નીચા નમીને જોવાં લાગી.

નેહાએ કારની કાંચની બંધ વિન્ડો ઉપર આંગળી વડે બે-ત્રણ ટકોરાં માર્યા.

“ઓય....! કેમ આમ સાઈડમાં ઊભો છે...!?” સિદ્ધાર્થે વિન્ડોનો કાંચ ખોલતાં નેહાએ પૂછ્યું.

“અમ્મ....! ગેટ સામે ઊભો રે’ત ...તો બધાને નડતને...!” ડ્રાઇવિંગ સીટમાં બેઠેલાં સિદ્ધાર્થે કહ્યું અને મુગ્ધ નજરે નેહાનાં ચેહરા સામે જોયું.

મધ્યમ લાંબા છુટ્ટાવાળની લટો તેણીના ચેહરાની બાજુ લહેરાતી હતી. મસ્ત મજાનાં યેલ્લો પંજાબી ડ્રેસમાં નેહા સિમ્પલ પણ સુંદર લાગતી હતી.

“શેનું નડત વળી....!?” પોતાની સાઈડનો દરવાજો ખોલીને નેહાએ સીટમાં બેસતાં કહ્યું.

અંદર બેસતાં-બેસતાં નેહાએ છત્રી બહારની તરફ રાખી. અંદર બેસીને છત્રી બંધ કરી નેહાએ સીટની ડાબી બાજુની જગ્યામાં ખોસી.

“કોલેજ તારાં મામાની છે...!” નેહા બોલી “કોઇની મજાલ છે.... કે તને કઈં કહી જાય....!”

“તાકાતનું પ્રદર્શન ના હોય નેહા...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને આગળ જોઈને કારનો સેલ માર્યો.

“તો પછી દર વર્ષે આપડે 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ સેનાઓની પરેડ શા માટે કરીએ છે....!? હમ્મ...! બોલ..બોલ...!?” નેહાએ પોતાની આઈબ્રો નચાવી.

“હમ્મ...! આ તો મેં વિચાર્યું જ નઈ....!” સિદ્ધાર્થ હોંઠ બનાવીને બોલ્યો.

“તાકાતનું ફાલતુ પ્રદર્શન ના હોય...! એ વાત સાચી...!” નેહા અદબવાળીને સીટમાં સરખી બેસતાં બોલી “પણ જો તાકાતના યોગ્ય પ્રદર્શનથી આપડો દુશ્મન ડરી જતો હોય....તો કોઈપણ લડાઈ ટાળી શકાય....! એટલે...! તાકાતનું પ્રદર્શન જરૂરી છે...!”

“પણ એવું પણ બને કે...! કે આપડી તાકાતના પ્રદર્શનથી દુશ્મનને આપડી શક્તિનો અંદાજો મળી જાય....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “અને પછી એ દુશ્મન પોતાની તાકાત એ પ્રમાણે વધારી આપડી ઉપર આક્રમણ કરીદે...!”

“હમ્મ....!” હવે નેહા વિચારતી હોય એમ મોઢું કરીને ઊભી રહી પછી આરવ અને લાવણ્યાની વાત યાદ આવી જતાં માથું ધૂણાવીને બોલી “છોડ એ બધુ....! ચલ જલ્દી....! કોફી પિવાં....!”

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને કારનું એકસીલેટર દબાવી કાર શંભુ કોફીશોપ તરફ જવાં દીધી.

***

“આ તારાં માટે....!” લાવણ્યાએ એક ગિફ્ટ પેક કરેલું એક નાનું ચોરસ બોક્સ આરવ સામે ધર્યું.

લાવણ્યાને તેની સોસાયટીના નાકેથી પિક કરીને આરવ તેણી સાથે એસજી હાઇવે ખેતલાપા આવ્યો હતો.

ખુશ થઈ ગયેલાં આરવે મલકાઈને બોક્સ હાથમાં લીધું અને ઉપર લગાવેલાં સ્ટિકર ઉપર લખેલું લખાણ વાંચવા લાગ્યો.

“હેપ્પી બર્થડે હની....!” લાવણ્યાએ સ્ટિકર ઉપર મરોડદાર અક્ષરમાં લખેલું લખાણ આરવે મનમાં વાંચ્યું.

“આજે નથીને....!?” લાવણ્યાએ આરવ સામે જોઈ રહીને શાંત સ્વરમાં પૂછ્યું.

“હેં....! શું...!?”

“તારો બર્થ ડે....!” લાવણ્યા એજરીતે બોલી “આજે નથીને...!?”

“અમ્મ...હાં...! નથી...!” આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો “તું ગિફ્ટ પાછું લઈ લઇશ...!?”

“હાં....હાં....હાં....!” લાવણ્યાથી પરાણે હસાઈ ગયું પછી તેણે આરવનો ગાલ ખેંચ્યો “ઓહ છોકરાં...! ના અવે...!”

આરવ હવે પાછો મલકાઈ રહ્યો.

“પણ...! મને કે’ તો ખરો....! કેમ જુઠ્ઠું બોલ્યો....!?”

“અમ્મ...! તું ઓલાં દિવસ પછી એકલીજ બધુ ઝેલે છે...! ઘરની બા’ર પણ નઈ નીકળતી...!” આરવ દયામણું મોઢું કરીને બોલ્યો “મને બીક લાગે છે...! ચિંતા થાય છે તારી....!”

લાવણ્યા ઢીલું મોઢું કરીને આરવ સામે જોઈ રહી. થોડીવાર મૌન રહીને લાવણ્યા એ દિવસ વિષે વિચારી રહી.

“આરવ....! હની....!” કારના બોનેટના ટેકે લાવણ્યા આરવની જોડે ઊભી રહેતાં બોલી “તું મારી ચિંતા ના કર...! મને થોડો ટાઈમ આપ....!”

“ઓકે પણ....! હવે બા’ર આઈજ ગઈ છે....! તો મારી જોડે રે’ને....!” આરવ આજીજીપૂર્વક બોલ્યો.

“Aww….! તું...! સારું...બોલ..!”

“તો ચલ....! ક્યાંક જઈએ....! ફરવા....!” આરવ હાથમાં કારની ચાવી રમાડીને બોલ્યો.

“ક્યાં....!?”

“શું ખબર...!?” આરવે ખભાં ઉલાળ્યા “તું કે’…!”

“અમ્મ....! પે’લ્લાં કઈંક ખાઈએ....!” લાવણ્યા મોઢું બનાવીને બોલી.

“તું મસ્કાબન ખાઈ ખાઈને જાડી થઈ જઇશ...!” લાવણ્યાને ચિડાવતો હોય એમ આરવ બોલ્યો અને પછી કારની ડ્રાઇવિંગ સીટ તરફ ભાગ્યો.

“એ જાડી વાળા....! બોલ્યો પાછો તું...!” લાવણ્યાથી હસાઈ ગયું.

તે પણ આરવની બાજુમાં બેસવા બીજી તરફ જવાં લાગી.

***

“કોઈ પ્રોબ્લેમ છે....!?” સિદ્ધાર્થે સામે બેઠેલી નેહાને પૂછ્યું.

બંને શંભુ કોફી શોપમાં બેઠાં હતાં. મસ્ત વરસાદી વાતાવરણમાં શંભુ કોફીશોપમાં બરાબર ભીડ જામેલી હતી. બહારથી આવનાર મોટાભાગના કપલ્સ પલળેલાં હતાં.

“હમ્મ.... અ...! બસ કઈં નઈ.....!” આરવ વિષે વિચારી રહેલી નેહા ઝબકીને બોલી “એમજ.....!”

“તું શેયર કરી શકે છે....!” સિદ્ધાર્થ બોલ્યો અને હોટ કોફીનો મગ મોઢેલ માંડી એક સિપ ભરી.

“અમ્મ...! મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે...!” નેહાએ ખચકાટ સાથે વાત શરૂ કરી “એ કોઈ ફાલતું છોકરાં જોડે ફરે છે....! આઈ મીન....! એની જોડે બધે....! કારમાં, લેટ નાઈટ....વગેરે...!”

“ઓહ....!” સિદ્ધાર્થ સાંભળી રહ્યો.

“મને એની ચિંતા થાય છે…!” નેહા ચિંતાતુર સ્વરમાં બોલી “પણ એને કેવી રીતે કઉ...કે એનાં માટે સારી નથી....!?”

“સારી....!?” સિદ્ધાર્થને નવાઈ લાગી.

“આઈ મીન સારો....સારો નથી...!” નેહા પોતાનું માથું દબાવીને બોલી “એનાં ટેન્શનમાં ભૂલથી બોલાઈ ગયું....!”

“હમ્મ....! પણ તને આટલી ચિંતા હોય....તો તારે તારી ફ્રેન્ડને સીધે-સીધુંજ કઈ દેવું જોઈએ....!” સિદ્ધાર્થ બોલ્યો “વાત ગોળ ઘુમાવીને કે’વા જઈશ....! તો મિસ અંડરસ્ટેન્ડિંગ થઈ શકે છે...! કદાચ એવું પણ બને....! તું એને ખોટી લાગે....!”

“હમ્મ...! એ વાત પણ છે..!” નેહા મનમાં બબડી પછી પૂછવા લાગી “પણ આવું ડાયરેક્ટ કે’વું સારું કે’વાય....!?”

“સાચા ફ્રેન્ડ્સ આવી બધી વાતની પરવા ના કરે...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “પોતાનાં બેસ્ટ ફ્રેન્ડ માટે.....! જો કઈં ખોટું હોય...! તો એને રોકેજ....! પછી ભલેને એ નારાજ થાય...!”

નેહા શૂન્યમનસ્ક તાકી રહી અને વિચારી રહી.

***

“હવે ઘરે જઈશું...!?” લાવણ્યાએ જોડે ઉભેલાં આરવને પૂછ્યું “સાંજ પડવા આઈ છે...! વરસાદ બંધ છે....! તો ટ્રાફિક પણ ઓછો નડશે....!”

આખો દિવસ સાથે ફર્યા પછી બંને સાંજે સોલાં ઓવરબ્રિજ આવીને એજ જગ્યાએ બેઠાં હતાં. વરસાદ બંધ થયા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

“હમ્મ....! પણ તું ક્યારે કોલેજ આઈશ હવે....!?” આરવ બોલ્યો.

“એક-બે દિવસમાં....!” લાવણ્યાએ પરાણે સ્મિત કરીને ટૂંકો જવાબ આપ્યો.

“સારું....! પણ પાકું ને....!?”

“હાં....! નવરાત્રિ નજીક છે..! એટ્લે હવે મારે રજા નઈ પડાય..!”

“હમ્મ....!”

“પણ તું કોલેજમાં રજા ના પાડતો...!” લાવણ્યા બોલી “અને મારી સોસાયટીના સામે આઈને ઊભો પણ ના રે’તો....! મને નઈ ગમે...!”

“સારું...! તને ના ગમે તો નઈ કરું...!” આરવ બોલ્યો.

“ચલ....! જઈએ...!” લાવણ્યા બોલી અને બ્રિજ પાસે આરવે સાઈડમાં પાર્ક કરેલી તેની કાર તરફ જવા લાગી.

***

“ઘરે આવાનું છે હોં...!?” નેહાએ સિદ્ધાર્થને ઓર્ડર કરતી હોય એમ કહ્યું.

બંનેએ લગભગ આખો દિવસ શંભુ કોફીશોપમાં વિતાવ્યો હતો. વરસાદ બંધ થઈ ગયા પછી બંને જોકે થોડું રિવરફ્રન્ટ વગેરે જગ્યાએ ફરી આવ્યા હતાં. જોકે છેવટે લંચ કરવાં માટે તેઓ પાછાં શંભુ પર આવ્યા અને પછી સાંજ સુધી ત્યાંજ બેઠાં હતાં.

મોડી સાંજે છેવટે સિદ્ધાર્થ નેહાને મૂકવા તેણીના ઘરે આવ્યો હતો.

“હાં...હા....આવાનો તો ખરોજ ને....!” સિદ્ધાર્થ બોલ્યો અને સોસાયટીના ગેટમાંથી કાર વળાવીને અંદર લીધી.

“બસ...બસ....આ પે’લ્લુંજ ઘર....!” સિદ્ધાર્થની સાઇડે કોર્નર ઉપર રહેલા ઘર તરફ હાથ કરીને નેહા બોલી.

નેહાના ઘરના કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલની આગળ બનેલી પેવમેંન્ટ જોડે સાઈડમાં સિદ્ધાર્થ કાર ઊભી રાખી અને કારનું એન્જિન બંધ કર્યું.

“ચલ....! આય...!” નેહાએ દરવાજો ખોલતાં-ખોલતાં કહ્યું અને કારમાંથી ઉતરી. સિદ્ધાર્થ પણ કારમાંથી ઉતર્યો.

“મમ્મી....! પપ્પા....!” કમ્પાઉન્ડનો ગેટ ખોલીને નેહા ઓટલાં ઉપર ચાલતાં-ચાલતાં અંદર મોટેથી બોલવા લાગી.

નેહાનો અવાજ સાંભળીને અંદરથી પહેલાં તેનાં પપ્પા વિજયસિંઘ બહાર આવ્યાં અને સિદ્ધાર્થને જોઈને સ્મિત કરી તેમની તરફ આવ્યાં.

“અરે વાહ....! સિદ્ધાર્થ...!” વિજયસિંઘ સસ્મિત બોલ્યાં “આવ...આવ બેટાં....!”

સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં સ્મિત કર્યું.

થોડી ઔપચારિકતા પછી બધાં અંદર બેઠાં.

“તો....અમદાવાદ કેમનું આવાનું થયું...!?” વિજયસિંઘે સામે સોફામાં બેઠેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

“અ...બ્રોકરને મલવાનું હતું....! શેડ જોવાનો છે....!” સિદ્ધાર્થ બોલ્યો અને ચ્હા પીને ખાલી કપ કોફી ટેબલ ઉપર મૂક્યો.

“અરે તારું એ કામ તો રહીજ ગયું....! નઈ...!?” કોફી ટેબલ ઉપરથી સિદ્ધાર્થનો કપ લેતા નેહા બોલી.

“અમ્મ...ના...! એ તો હમણાં સાંજે મળવા જવાનું છે...!” સિદ્ધાર્થ જેમ-તેમ બોલ્યો.

“ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” ત્યાંજ વિજયસિંઘનો મોબાઈલ રણક્યો.

“એક મિનિટ હોં....!” પોતાનો મોબાઈલ લઈને વિજયસિંઘ ત્યાંથી જતાં રહ્યા.

“અરે નેહુ...!” નેહાની જોડે ઉભેલાં નેહાના મમ્મી બોલ્યાં “સિદ્ધાર્થને આપડું ઘર તો બતાય....!”

“હાં...હાં...! ચલને...!” નેહાએ સિદ્ધાર્થ સામે જોઈને ઉત્સાહપૂર્વક કહ્યું.

સિદ્ધાર્થ સ્મિત કરીને ઊભો થયો.

***

“ચલ...! બાય....!” સોસાયટીના નાકે આરવની કારમાંથી ઉતરીતાં લાવણ્યા બોલી.

“કાલે મલીશ....!?” આરવે પૂછ્યું.

“હું કૉલ કરીશ....!” લાવણ્યાએ કહ્યું અને પછી બોલી “હવે તું જા....! અહિયાં ઊભો ના રઈશ....!”

“ઓકે...!”

લાવણ્યા કારમાંથી નીચે ઉતરી અને આરવના જવાની વેટ કરી રહી. લાવણ્યા સામે સ્મિત કરી આરવે કાર સેટેલાઈટ તરફ જવા દીધી. થોડીવાર ત્યાંજ ઊભી રહીને લાવણ્યા છેવટે સોસાયટીના ગેટ તરફ જવા લાગી.

“અને આ...! મારા રૂમની બાલ્કની....!” સિદ્ધાર્થને ઘર બતાવી છેલ્લે પોતાનાં રૂમની બાલ્કનીમાં આવીને નેહા બોલી.

બાલ્કનીની પેરાપેટ પાસે આવીને સિદ્ધાર્થે બહાર દેખાતાં મેઇન રોડ તરફ એક નજર નાંખી.

“સારો વ્યૂ છે..!” સિદ્ધાર્થ બોલ્યો “મારા રૂમની બાલ્કનીની સામે પણ ગાર્ડન છે....!”

“અરે વાહ...! તો તો મસ્ત વ્યૂ હશે....! નઈ...!? ગ્રીન...ગ્રીન...!” નેહા બોલી.

“હાં...! પણ મારાં રૂમની બાલ્કની ખુલ્લી છે...!” સિદ્ધાર્થ બોલ્યો અને પેરાપેટના ટેકે પીઠ કરીને ઊભો રહ્યો.

“યુ મીન જેસ્મિનના રૂમ જેવી...!?”

“જેસ્મિન કોણ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“અરે કેમ...!? અલ્લાદીનની જેસ્મિનનો મહેલ નઈ જોયો તે...!?” નેહા બોલી “એનાં રૂમની બાલ્કની પણ એવીજ છેને...! ખુલ્લી અને બહારની બાજુ....!”

“હમ્મ....! જુલિએટની બાલ્કની પણ એવીજ હતી...!” સિદ્ધાર્થ મજાકીયા સ્વરમાં બોલ્યો.

“હમ્મ...! પણ તું તો છોકરો છે...! રોમિયો...!” નેહા પણ સિદ્ધાર્થની ખેંચીને બોલી “એટ્લે તારાં કોલેજની બધી જુલિએટ તારાં રૂમની બાલ્કની નીચે આવીને ગીતો ગાતી હશે નઈ...! કે પછી સીડી મૂકીને તને મલવા ઉપર આવતી હશે...!”

“હાં..હાં....!” માથું ધૂણાવીને સિદ્ધાર્થ હસ્યો.

“કેટલી ગર્લફ્રેન્ડ છે તારી...!?” નેહાએ આઈબ્રો નચાવીને પૂછ્યું.

“અરે યાર એકેય નથી...!” સિદ્ધાર્થ શરમાયો હોય એમ પાછો સોસાયટીના રોડ તરફ ફર્યો “હું બવ બોરિંગ માણસ છું....!”

“હશે...! પણ તું હેન્ડસમનો છેજ ને....! એટ્લે એક તો હોયજ...!”

“અરે યાર એવું કઈં નથી...!” સિદ્ધાર્થ ફરીવાર પોતાનું સ્મિત દબાવીને બોલ્યો અને પછી સોસાયટીના ગેટમાંથી એન્ટર થયેલી એક ખૂબસૂરત છોકરીને જોઈને વાત બદલાતો હોય એમ બોલ્યો “તારી સોસાયટીની બધી છોકરીઓ તારા જેવીજ સુંદર છે....!?”

નેહાએ પણ સ્મિત કરીને નીચે જોયું. સિદ્ધાર્થ જે છોકરીને જોઈને એ વાક્ય બોલ્યો હતો તેને જતાં જોઈને નેહાનું સ્મિત ઓલવાઈ ગયું.

“આ મારી કોલેજની ફિમેલ રોમિયો છે...!” પોતાનાં મનમાં રહેલા તિરસ્કારના ભાવો દબાવીને નેહા બોલી “લાવણ્યા....!”

સિદ્ધાર્થ સ્મિત કરીને તેણે પાર્ક કરેલી પોતાની કાર પાસેથી પસાર થઈ રહેલી તે છોકરી લાવણ્યા સામે જોઈ રહ્યો. એકદમ ટાઈટ જીન્સ, કમર સહેજ ખુલ્લી રહે એવી ટી-શર્ટ, મધ્યમ લાંબા સીધા વાળમાં લાવણ્યા ખરેખર સુંદર લાગતી હતી. સિદ્ધાર્થની કાર પાસેથી પસાર થતાં-થતાં લાવણ્યાએ કાર ઉપર છેક સુધી તેની આંગળીઓ ફેરવી.

“કેટલી મસ્ત કાર છે....! બ્લેક બ્લેક....!” બ્લેક કલરની BMW જોઈને ખુશ થઈ ગયેલી લાવણ્યા સ્મિત કરતાં-કરતાં મનમાં બબડી અને આગળ વધી પોતાનાં ઘર તરફ ચાલી ગઈ.

તેણીને નહોતી ખબર કે બાલ્કનીમાં ઊભેલી નેહા અને સિદ્ધાર્થ તેણીને જોઈ રહ્યાં હતાં.

“અને થેન્ક યુ...! મને સુંદર કહેવાં માટે....!” નેહાએ સ્મિત કરીને કહ્યું.

લાવણ્યાથી નજર હટાવીને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું.

***

“હેલ્લો....! સુરેશભાઈ....! વિજય બોલું...!” નેહાના પપ્પા વિજયસિંઘે સુરેશસિંઘને ફોન કર્યો.

“હાં...વિજય...બોલ...!” સામેથી સુરેશસિંઘે પૂછ્યું.

“મને મારી નેહા માટે છોકરો મલી ગ્યો છે....!” બાલ્કનીમાં નેહાની જોડે ઉભેલાં સિદ્ધાર્થ તરફ જોઈને વિજયસિંઘ મલકાઈને બોલ્યા.

વાતોમાં પરોવાયેલાં નેહા-સિદ્ધાર્થનું જોકે નીચે ઓટલાં ઉપર ઉભેલાં વિજયસિંઘ તરફ ધ્યાન નહોતું.

“હવે તમે કો’….ત્યારે આપડે સગાઈનું ગોઠવી દઈએ...!”

***



“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED