વંદના - 4 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 4

વંદના-4
ગત અંકથી શરૂ..

અચાનક ફોનની રીંગ વાગતા અમન તંદ્રા માંથી બહાર આવે છે. અમન ફોનની સ્ક્રીન પર જોવે છે તો વંદનાની મમ્મી સવિતાબહેનનો ફોન હોય છે. અમન થોડી અસમંજસમાં મુકાઈ જાય છે કે અચાનક વંદનાની મમ્મી નો ફોન શા માટે આવ્યો હશે? ક્યાંક વંદનાને કંઇક થયું તો નહિ હોય ને? વંદના સહી સલામત ઘરે તો પહોંચી ગઈ હશે ને? કે પછી ક્યાંક વંદના એ એના મમ્મી ને બધી વાત કહી તો નહિ દીધી હોય ને? ઘણી અસમંજસ ભર્યા વિચારો સાથે અમન ફોન ઉપાડે છે." હેલો હા આન્ટી બોલો? શું થયું?"

" બેટા આજે વંદના કંઇક મૂંઝવણ માં હોય તેવું લાગે છે ઓફિસમાં કંઈ થયું છે? વંદના આવી છે ત્યારથી તેની હસી જાણે ક્યાંક ગાયબ થઈ ગઈ હોય એવું લાગે છે. અને આજે તું પણ તેને મૂકવા ઘર સુધી નથી આવ્યો. ક્યાંક તમારા બને વચ્ચે કોઈ ઝગડો તો નથી થયો ને?" સવિતાબેન એ પોતાની દીકરીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું..

અમનને સવિતાબેન ની વાત સાંભળીને થોડો હાશકારો થયો કે વંદના એ સવિતાબેનને કંઇજ વાત નથી કરી પછી જવાબ આપતા બોલ્યો" ના ના આંન્ટી એવું કાઇજ નથી થયું બસ આજે મારે થોડું કામ હતું એટલે હું ના આવી શક્યો. કદાચ ઓફિસમાં હમણાં કામ બહુ જ હોય છે તો થકી ગઈ હશે.હા આન્ટી તમે વંદના ને કહી દેજો કે કાલે એને મારી સાથે રિવફ્રન્ટ આવવાનું છે કાલે રવિવાર છે તો સાંજે ચાર વાગે હું એને પિક કરવા આવી જઈશ"

" ઓકે બેટા અત્યારે તો એ રૂમમાં સૂઈ ગઈ છે. કહેતી હતી કે માથું સખત દુખે છે. ઉઠે એટલે કહી દઈશ" આટલું કહીને સવિતાબેન એ ફોન મૂકી દે છે..

અમનને પણ સમયનું ભાન થયું કે પોતે ખાસા સમયથી અહીંયા કોફિશૉપમાં બેઠો છે. ઘરે મમ્મી પપ્પા પણ જમવામાં તેની રાહ જોતા હશે એટલે તે કોફીનું બિલ ચૂકવી ઘર તરફ જવા નીકળી પડે છે.

"અરે આવી ગયો બેટા ક્યાં હતો અત્યાર સુધી અમે અહીંયા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છીએ" ઘરમાં પ્રવેશતા જ અમન ના પિતા દિલીપભાઈ એ પૂછ્યું..

" અરે પપ્પા આજે જૂના દોસ્તારો મળી ગયા હતા તો વાતોમાં થોડું મોડું થઈ ગયું" અમન એ જરા અચકાતા જવાબ આપ્યો..

" સારું કહેવાય તો તો આજે મજા પડી ગઈ હશે કે જૂના દોસ્તારો સાથે જૂની યાદો વાગોળવાની. મિત્રો સાથે સમય ક્યાં જતો રહે તેની ખબર જ ના પડે. દિલીપભાઈ એ પોતાના દીકરાના ખભે હાથ મૂક્યો કહ્યું..

" હા પપ્પા ઘણા મિત્ર આપની જિંદગીનો એક ભાગ બની જાય છે જે જીવનભર નો સાથ નિભાવી જાય છે, તો ઘણા મિત્ર જિંદગીભર યાદ બની ને રહી જાય છે"

" હા દીકરા એની જ તો મજા છે જિંદગીમાં. ચાલ હવે તું જલ્દી થી ફ્રેશ થઈ ને આવ એટલે આપણે જમવા બેસી જઈએ. તારી મમ્મી પણ ક્યારની રાહ જોવે છે "

" હા પપ્પા હું હમણાં આવું છું" એમ કહેતા અમન તેની રૂમમાં ફ્રેશ થવા જાય છે.

અમન ફ્રેશ થઈ ને જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસે છે. અમનનું મન સખત બેચેન થઈ જાય છે. ઘણા પ્રયત્ન કર્યા છતાં વંદનાની સ્મૃતિ તેના માનસપટલ પર થી હટતી ન હતી. વારે ઘડીએ તેનું મન વંદનાના વિચારોથી ઘેરાઈ જતું. આજે તેને જમવામાં પણ ખાસ રુચિ નોહતી લાગતી. જેથી તેને ડાઇનિંગ ટેબલ પરથી ઉભા થતા તેની માતા પ્રિતિબેહને કહ્યું " મોમ આજે અચાનક જૂના મિત્રો મળી ગયા હતા. તેમની સાથે થોડો નાસ્તો કર્યો હોવાથી બહુ ભૂખ નથી એટલે પ્લીઝ મને થોડી કોફી બનાવી આપીશ.

" શું થયું છે? બેટા કેમ આટલો મૂંઝાયેલો લાગે છે? તારી તબિયત તો સારી છે ને?" પ્રીતિબહેન એ પોતાના દીકરાના માથે હાથ ફેરવતા કહ્યું..

" અરે નહિ મોમ એવું કઈજ નથી બસ દોસ્તો સાથે નાસ્તો કર્યો છે એટલે ભૂખ નથી"

" હા પ્રીતિ આજે તો ઘણા દિવસે એના જૂના દોસ્તારો મળ્યા હતા એટલે અડધું પેટ તો વાતો થી જ ભરાઈ ગયું હશે કે" દિલીપભાઈએ ટીખળ કરતા કહ્યું..

" ઠીક છે તો હમણાં કોફી બનાવીને લઈ આવું છું" એમ કહેતા પ્રીતિબહેન કોફી બનાવવા રસોઈઘરમાં જાય છે. થોડી વારમાં જ તે કોફી લઈને આવે છે ને અમનને કોફી આપતા કહે છે કે" જો દીકરા આજે તો કોફી બનાવી આપી પણ તને કેટલી વાર કીધું છે કે રાતે કોફી પીવી એ હેલ્થ માટે સારું નથી"

" હા મોમ મને ખબર છે પણ આજે ભૂખ નથી ને કોફી પીવાનું બહુ જ મન હતું એટલે સારું હવે ધ્યાન રાખીશ બસ પણ હા મોમ આજે હું ટેરેસ પર સુઈ જઈશ."

" શું ટેરેસ પર પણ અત્યારે વરસાદની મોસમ છે દીકરા ગમે ત્યારે વરસાદ પડે એનું કાઈ નક્કી ના કહેવાય" પ્રીતિબહેન આશ્ચર્ય પામતા બોલ્યા..

" મોમ જો ને હમણાં જ વરસાદ પડ્યો હતો એટલે આકાશ એકદમ ચોખ્ખું છે મને નથી લાગતું સવાર સુધી વરસાદ પડે અને વરસાદના લીધે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે એટલે હું ટેરેસ પર જ સુઈશ."

" ઠીક છે જેવી તારી મરજી એમ પણ તું મારી ક્યાં કોઈ વાત માને જ છે" પ્રીતિબહેન ફરિયાદ કરતા બોલ્યા.

અમન પ્રીતિબહેનની વાતને ધ્યાનમાં ના લેતા કોફીનો કપ લઈને ટેરેસ પર જતો રહ્યો. અમન જ્યારે પણ ઉદાસ હોય ત્યારે આમજ ટેરેસ પર બેસી ખુલ્લા આકાશ તરફ મીટ માંડી ને જોયા કરતો. અમનને આમ ટેરેસ પર ખુલ્લા આકાશ ને જોઈ રહેવાનું ખૂબ ગમતું. એકાંતમાં વિચાર વગરના થઈ ને બેસી રહેવાનું ખૂબ ગમતું. જાણે આ ખુલા આકાશ સાથે આ તારાઓ સાથે તેનો એક અલગ જ સંબંધ હોય. પરંતુ આજે તેનું મન ઘણું બેચેન હતું. એ રાત આખી વંદનાના વિચારોમાં ખોવાયેલો રહ્યો.

આ બાજુ વંદનાની હાલત પણ એવી જ હતી. આખી રાત વિહવળ અવસ્થામાં પસાર થઈ. રાતે પણ અમને કહેલી વાત સતત તેના કાનમાં પડઘાતી રહી. સતત ભણકારો ના કારણે રાત્રે અચાનક જ વંદના સફાળી પથારીમાં બેઠી થઈ જતી. એને હવે ચિંતા વધવા લાગી કે તે અમનને શું જવાબ આપશે?. અમન જેવો મિત્ર મળવો પણ મુશ્કેલ છે. વંદના પણ અમન સાથે ની મિત્રતા ગુમાવવા નોહતી માંગતી. અત્યાર સુધી ક્યારેય અમને તેનો ગેરફાયદો નથી ઉઠાવ્યો. એના જેવું વિશ્વાસ પાત્ર વ્યક્તિ બહુ ઓછા જોવા મળે. પરંતુ પોતાના સપના તેને અમન સાથે ના સબંધ માટેની મંજૂરી નોહતા આપતા. વંદનાના જીવનમાં કંઇક અલગ જ સપના હતા. એ પોતાના સપના માટે જીવવા માંગતી હતી એટલે જ કોઈ સબંધ માં બાંધવા નોહતી માંગતી.

બીજા દિવસે સવારે સૂરજ માથે ચડ્યો હોવા છતાં પણ વંદના પોતાના રૂમનો દરવાજો નથી ખોલતી. સવિતાબેન ને પણ હવે ચિંતા થવા લાગી. કે વંદના ને અચાનક શું થયું હશે. ભારે મૂંઝવણ સાથે સવિતાબહેન વંદનાના રૂમનો દરવાજો ખખડાવે છે." વંદના શું થયું દીકરા આજે કેમ હજી સુધી તું સૂતી છે તબિયત તો ઠીક છે ને તારી?"

વંદના પોતાની માતાનો અવાજ સાંભળીને અચાનક ઊંઘ માંથી સફાળી જાગી ગઈ. ઘડિયાળમાં નજર કરી તો અગિયાર વાગી ગયા હતા. સમયનું ભાન થતા વિચાર્યું કે પોતાને ઉઠવામાં મોડું થયું છે એટલે મમ્મીને ચિંતા થવા લાગી હશે એટલે ઉતાવળા પગલે દરવાજો ખોલ્યો ને બોલી" અરે મ્મમી કઈજ નથી થયું મને કાલે રાતે એક નવલકથા વાચવામાં એટલી મશગુલ થઈ ગઈ કે સમયનું ભાન જ ના રહ્યું ને વાચતા વાચતા સવારના ચાર વાગી ગયા એટલે ઉઠવામાં મોડું થયું સાચે મમ્મી તું મને આમ ક્તરાઈને ના જોઈશ. નહીતો મને બહુ પ્રેમ આવી જશે તારી ઉપર" એમ કહેતા વંદના એ પોતાની માતા ને આલિંગન માં જકડી લીધી..

" બહુ સારું જાણું છું હું મસ્કા મારતા તો તને ખૂબ સારી રીતે આવડે છે. હવે જા પહેલા નાહીલે અને હા આજે અમન ચાર વાગે તને લેવા આવનો છે તૈયાર થઈ જજે" સવિતાબેન બોલ્યા..

" કેમ? એ મને લેવા શુકામ આવાનો છે?" વંદના એ આશ્ચર્યથી પૂછ્યું..

" કહેતો હતો રિવરફ્રન્ટ જવું છે તને સાથે લઈને જશે"

" મારે નથી જવું એની સાથે ક્યાંય તમે એને ના કહી દો કે મને લેવા ના આવે"

" કેમ કશું થયું છે તમારા બંને વચ્ચે? કોઈ ઝઘડો થયો છે એની સાથે? આમ તો જ્યારે જોવો ત્યારે અમન આમ અમન તેમ કરતી હોય છે. અમન મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે બેસ્ટ બડી છીએ.હવે શું થયું તો?"

વંદના તેની માતા દ્વારા પૂછતાં પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે..

ક્રમશ..

મારી વાર્તા વાંચવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 તમારા કીમતી રેટિંગ અને પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. જો વાર્તા લખવામાં કોઈ ઉણપ રહી હોય તો જરૂર થી જાણવા વિનંતી. તમારા અમૂલ્ય પ્રતિભાવ મને વધુ સારું લખવા માટે મદદ રૂપ થશે.