મોજીસ્તાન (20)
"અથ કથાય અધ્યાય પહેલો....
નેમિસારણ્યમાં સુતપુરાણી આગળ હજારો ઋષિઓએ ભેગા થઈને ભગવાન શ્રી સત્યનારાયણની કથા સંભળાવા
આજીજી કરી એટલે સુતપુરાણીએ કથા કહેવા માંડી."
તખુભાની ડેલીમાં ગામ આખું કથા સાંભળવા ભેગું થયું હતું.બાબો એના જીવનની પહેલી કથા વાંચી રહ્યો હતો.
તભાભાભા એ જોઈને ગૌરવ અનુભવતા હતા.બાબાનો ખાસ મિત્ર ટેમુ બાબાની બાજુમાં બેઠો હતો.
જાદવો અને રઘલો બધાની સેવામાં હતા.
હુકમચંદ, વજુશેઠ, રવજી-સવજી અને ગંભુ તથા માનસંગ પણ કથા સાંભળવા આવ્યા હતા. ડો.લાભુ રામાણી, ગામલોકો, આ બધા સજ્જનો સાથે બેઠા હતા.
બાબાએ કથાનો પ્રવાહ આગળ વધાર્યો....
"ગરીબ કઠિયારાએ ભગવાનનું વ્રત કર્યું એટલે એના દુઃખો દૂર થયા. સાધુવાણિયાએ વ્રત કર્યું એટલે એના પણ દુઃખ દૂર થયા...માટે હે ગ્રામજનો તમારે પણ વાર-તહેવારે ભગવાનની આ કથા કરવી. તખુભાએ આજે આ પાવન કાર્ય કરવાનો વિચાર કર્યો એટલે તરત એમના પગ સાજા થઈ ગયા. એમની ઘોડી પણ સાજી થઈ ગઈ. હજી ગામમાં ઘણા દુષ્ટ લોકો વસે છે. એક બ્રાહ્મણના દીકરાને ગામની મોટી ગટરમાં ધક્કો મારીને જે ભાગી ગયો છે એને કાળો કોઢ નીકળશે, જેમણે મને કૂતરાં કરડાવ્યા છે એમને આવતા ભવમાં ખહુરિયા કૂતરાનો અવતાર આવશે. ડોક્ટરે મને લાફો માર્યો છે એટલે એમનો એ હાથ ટૂંક સમયમાં ઠુઠો થઈ જશે...બોલો સત્યનારાયણ ભગવાનનની જય..."
સભામાં સોપો પડી ગયો. બાબાએ બોલાવેલી જય કોઈ બોલ્યું નહીં. કથામાં આવું ક્યાંથી આવ્યું એ કોઈને સમજાયું નહીં.
એકાએક જાદવો બોલ્યો....
"તભાભાભા..આ તમારો દીકરો કથા વાંચવા આયો છે કે ગામને સરાપ દેવા..આમ થઈ જાહે ને તેમ થઈ જાહે. એવું કથામાં આવે? અલ્યા અધ્યાય પડતા મૂકીને આવું ચીમ વાંસવા માંડ્યું."
"બેટા... ભગવાનની કથામાં સૌને આશીર્વાદ દેવાય. કથા તો બહુ સરસ વાંચી. ચાલો હવે આરતી કરાવી દે."
"કથા શુ કંટોલા સરસ વાંચી...? પાંચમો અધ્યાય તો ભૂલી ગયો.ઓલ્યું રાજાવાળું તો આવ્યું જ નઈ." હુકમચંદે બાબાની ભૂલ કાઢી.
"હા...અલ્યા...એતો આવ્યું જ નહીં...? આને ઊભો કરો અને ભાભા તમે કથા વાંચો ભૈશાબ...બાબલો હજી સોકરું કહેવાય. ઈને શીખવાની જરૂર છે." તખુભાએ કહ્યું.
"ના ના...હું વાંચું છું. મને પાંચમો અધ્યાય ખબર છે. આ તો વચ્ચે મને સૂચના આપવાનું સાંભરી આવ્યું'તું...ચાલો બોલો સત્યનારાયણ ભગવાનની જય..."
બાબાએ બખાળો થાય એ પહેલાં વાત વાળી લેતા કહ્યું.
"હા હા...કથા તો સરસ વાંચે છે મારો પુત્ર...એતો હોય ક્યારેક. હજી પહેલીવાર જ વાંચે છે તોય જાણે વર્ષોનો અનુભવ હોય એવી છટાથી બાબાએ કથા શ્રવણ કરાવ્યું છે...!" તભાભાભા પોતાના પુત્રનું સિધ્ધીગાન ગાવા લાગ્યા.
શ્રોતાઓ અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા. તખુભાનું ઘર હોવાથી કોઈ બીજું તો કંઈ બોલી શકે એમ નહોતું.
" રાજા તુંગધ્વજ જંગલમાં શિકાર
કરવા ગયો હતો. શિકાર કરીને એક વૃક્ષ નીચે આરામ કરતો હતો ત્યારે કેટલાક ગોવાળિયાઓ એ જંગલમાં કથા કરતા હતા. અભિમાની રાજા ત્યાં ગયો તો નહીં પછી ગોવાળિયાઓ પ્રસાદ મૂકી ગયા ત્યારે એની સામું પણ જોયા વગર ચાલ્યો ગયો. એ જોઈને પ્રભુ કોપાયમાન થયા...પ્રભુએ આ ગામમાં ઉત્તમ કુળમાં અવતરેલા એક પ્રતાપી બાળકને હેરાન કર્યો છે એ પણ જોયું છે...એટલે આવા નરાધમ અને નીચ માણસો ઉપર પ્રભુ કોપાયમાન થયા છે. તુંગધ્વજ રાજાનું આખું રાજ્ય પ્રભુએ અદ્રશ્ય કરી દીધું હતું. પ્રભુના પ્રસાદની અવગણના
કરવાથી પણ આવું પરિણામ આવે છે જ્યારે અહીં તો પ્રભુની કથા વાંચનારને ગટરના ગંદા પાણીમાં ધક્કો મારવામાં આવ્યો છે. પ્રભુના પ્રતાપે મને તો કાંઈ થવાનું નથી પણ મને ધક્કો મારનારને પ્રભુ જે ધક્કો મારશે એ જેવોતેવો નહીં હોય એ ધ્યાનમાં રાખજો."
"અલ્યા આ બાબલો વારે ઘડીએ કથામાં એનું ગાણું ચીમ ગાયા કરે સે..ભાભા તમે એને બે શબ્દ ક્યો..હવે કંટાળ્યા સીએ..." આ વખતે રવજીએ ખિજાઈને કહ્યું.
એ સાથે જ દેકારો થયો. બધા ભાભા સામે જોઈ રહ્યા.
"બેટા.. કથામાં આવી વાત ન કરવાની હોય..તું કથા તો બહુ સરસ વાંચે છે..એક ઉત્તમ પુરાણી પણ આટલી સરસ કથા ન વાંચી શકે..પણ શું છે કે બાબા સાથે જે અણબનાવ બન્યો છે એની ખૂબ ઊંડી અસર એના મગજ પર થઈ હોવાથી વારેઘડીએ એ ઘટના એની નજર સમક્ષ આવી જાય છે." ભાભાએ બાબાનો બચાવ કર્યો.
"શું તંબુરો કથા વાંચી...? અડધા શ્લોક પણ ખોટા બોલ્યો છે. વિઘ્નેશ્વરાય સકલાય ને બદલે હમણે સકલેશ્વરાય વિઘ્નાય બોલ્યો'તો..ગજાનન ગણપતિને બદલે ગણાનંદ ગજપતિ બોલ્યો'તો...
આમ તે કોઈ વાંચતુ હશે..? " ગામના બીજા ગોર જટાશંકરે ઊભા થઈને કહ્યું.
"પણ એતો એના મગજ પર..."
ભાભાએ ફરી બચાવ કરવા મોં ખોલ્યું...
"હવે એને મગજ જ ક્યાં છે તે એના મગજ પર અસર થાય.. આને ઊભો કરો નકર ડાટ વાળી દેશે." જટાશંકરે એમના જટા વગરના માથા પર હાથ ફેરવ્યો.
"શું બોલ્યો તું...? મારા દીકરાને મગજ વગરનો કીધો...? તું તો સવારે ઉઠીને નાહતો પણ નથી. મારા સંસ્કારી દીકરાના શ્લોકમાં ભૂલ કાઢે છે..? ધખુભા હું આ નહીં ચલાવી લઉં.. આને અત્યારે ને અત્યારે અહીંથી કાઢો."
"અલ્યા તભાગોર, હું ધખુભા નથી તખુભા છું...તમે ધખી ગયા છો એટલે મારું નામ પણ ફેરવી નાખશો...? જટાશંકર પણ બામણનું ખોળિયું છે. અમે અમારા આંગણેથી ઈને જાકારો નો દઈ હકીએ." તખુભાએ ગરમ થયા વગર કહ્યું.
" કથા વાંચતા ન આવડતું હોય તો પહેલા બરાબર શીખવું જોઈએ. આ બાબો એકદમ અવિવેકી અને બદમાશ છોકરો છે. મને બોલાવવા આવ્યો ત્યારે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરેલું...એટલે
મેં એક લાફો ઠોકી દીધેલો સાલાને..." ડો. લાભુ રામાણીએ પણ જાહેરાત કરી.
"હું બજારે હાલ્યો જતો'તો ત્યારે આણે ગટરમાં પાણકાના ઘા કર્યા'તા. ઈમાં હું ઠેકયો એટકે ઢોલીડોશી હાર્યે ભટકાણો.
ઈમા ઈનું ઘી ઢોળય જયું..પસી હું ઇની વાંહે ધોડ્યો..આ રવજીભાઈના ડેલામાં જઈને એણે ભેંસ ભડકાવીને મને ગોથે ચડાવી દીધો." જાદવે પણ જુબાની આપી.
હબો પણ ત્યાં હાજર હતો. એ આવેલી તકને ઝડપી લેતા બોલ્યો,
"મારી દુકાને રોજ મફતમાં તમાકુ ખાઈ જતો'તો...મેં ના પાડી તો મને જેમ આવે એમ બોલ્યો..હું ઇની વાંહે ધોડ્યો'તો..ઈ વખતે આ ચંદુ હાર્યે ઈ ભટકાણો..હુંય ગલોટિયું ખાઈ જ્યોતો...જોવો મારા આગળના બે દાંત પડી જ્યા...બીજા દિવસે મારી દુકાનના બંધ તાળા પર પોદળાના ઘા કરી ગયો. મેં સરપંચને ફરિયાદ કરી પણ કોઈએ નો હાંભળ્યુ... આવા તે કાંઈ હોતા હશે...!"
કથા બંધ પડી. બાબાના કરતૂતો આજે ખુલ્લા પાડવાનો અવસર બધાને મળી ગયો.
"અલ્યા ઊભો કરો આને..."
શ્રોતાગણમાંથી કોઈ બોલ્યું.
આખરે તભાભાભાએ મોરચો સંભાળ્યો, "જુઓ ભાઈઓ, આપ સૌ ભેગા મળીને મારા પુત્રને વિશે અતિશય નીચ પ્રકારના આરોપ ઘડી રહ્યા છો...કેટલાક
અદેખાઓથી મારા પુત્રનો પ્રભાવ સહેવાતો નથી એ હું જાણું છું. આ જયશંકર જેવા અપવિત્ર અને ઇર્ષાળુ લોકોનો ભાર આ પૃથ્વી પર વધી રહ્યો છે.
હબા અને જાદવા જેવા લોકો સંડાસ જઈને હાથ પણ ધોતા નથી...અને મારા શુદ્ધ અને પવિત્ર અવતારી પુરુષ જેવા પુત્ર પર ઢીંચણે ઘડી કાઢેલા આરોપ મૂકીને તખુભા જેવા સજ્જન પુરુષના ઘરનો પ્રસંગ બગાડી રહ્યાં છે. હવનમાં હાડકાં નાખનારા આવા નીચ તત્વો તો હમેશાં નડતા આવ્યા છે. દાગતરે પણ પોતે ભણેલ ગણેલ હોવા છતાં બુદ્ધિભ્રષ્ટ થઈને હલકા પ્રકારનું કૃત્ય કરેલ છે. હવે સૌ ચૂપ થઈ જાવ અને કથા પૂર્ણ થવા દો." પછી બાબાને ઉદ્દેશીને ઉમેર્યું,
"હે પુત્ર, તું શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરીને કથા પૂર્ણ કર. ક્ષમા વીરસ્ય ભૂષણમ...દીકરા આ સૌ પાપીયાઓ તારું પતન ઇચ્છી રહ્યા છે એમને માફ કરી દે."
"જી પિતાજી..જેવી આપની આજ્ઞા...
બોલો સત્યનારાયણ ભગવાનની જય..." કહી બાબાએ જય બોલાવી.
બહુ થોડા લોકોએ એ જયકારનો પ્રતિસાદ આપ્યો. જેમતેમ કરીને કથા પૂરી થઈ. પ્રસાદ લઈને સૌ છુટાં પડ્યાં.
* * * *
હુકમચંદને તભાભાભા પર ઘણો ગુસ્સો આવ્યો હતો. નગીનદાસની ખડકી પાસે જે ટેબ્લો પડ્યો એ તભાભાભાને કારણે જ પડ્યો હતો.
"જો એ તભલાએ મને બોલાવ્યો ન હોત તો હું નગીનદાસની ખડકી આગળ ઊભો રહેત નહીં, તો મારું ધોતિયું બગડત નહીં...પણ સાલી આ નગીનદાસ દરજીની બયરી છે કજાત..સાલીએ મારા ઉપર ગંદવાડ નાખ્યો તોય શરમ જેવું કાંઈ નથી.
સામુકની ઝઘડો કરવા માંડી. ધોળું ધોતિયું પહેરીને શું કામ કોઈની ખડકી સામે ઊભું રહેવું પડે. અતારતો બીજા ઘણાય કલર આવે છે." હુકમચંદને હસવું આવી ગયું.
"કેમ જાણે મને ખબર હોય કે સાલી મારી ઉપર એંઠવાડ ફેંકશે...ખબર હોય તો પણ શું...હું થોડો રંગીન ધોતિયું પહેરીને
જવાનો હતો..? સાલીને સબક તો શીખવવો જ પડશે. પેલો રાજદૂતવાળો કોણ હતો એ તપાસ કરવી પડશે...એ ઘણીવાર નગીનદાસની ગેરહાજરીમાં એના ઘેર આવતો હોવો જોઈએ. સાલી નગીનદાસની બયરી...!!"
હુકમચંદ હુક્કો ગગડાતા વિચારે ચડ્યા હતા. ત્યાં ચંચો હબાને લઈને આવ્યો. તખુભાના ઘરે કથામાં જે ડખો થયો એમાં બાબાના દુશ્મનો કોણ કોણ છે એ હુકમચંદને જાણવા મળ્યું હતું. તખુભાનો ખાસ માણસ જાદવ પણ હવે તખુભાની સેવા કરી કરીને થાક્યો હતો એવી માહિતી પણ ચંચો લાવ્યો હતો. હુકમચંદ પોતાના હરીફને ગમેતેમ કરીને હરાવવામાં પાવરધો હતો.
" રામ રામ..સર્પસ શાબ..." કહીને હબો ફળિયામાં પાથરેલા કોથળા પર બેઠો.
હુકમચંદની બેઠકમાં હબા જેવા લોકો ખુરશીમાં કે ખાટલા પર બેસી શકતા નહીં.
"બોલ્ય..હબા, શું તારે કહેવાનું છે? એ બાબલા અને ભાભલાનો નિયાય તો કરવો જ પડશે."
હુકમચંદે હુક્કાના ધુમાડા હવામાં છોડતા કહ્યું.
"મેં તો તેદી' ફરિયાદ કરી'તી તમને...
પણ તમે કીધું કે આવી વાતમાં પોલીસ ફરિયાદ નો કરવાની હોય. મારી દુકાનની પથારી ફરી ગઈ..હું ઇની વાંહે ધોડ્યો ઈમાં કૂતરાં મારી દુકાનમાં ગરી જ્યા...
નગીનદાસે મારી પાછળ જોડાનો ઘા કર્યો...અમારું ગરીબનું તો કોઈ સાંભળવા તિયાર જ નથી. તમે અમારું કાયંક સાંભળશો ઈમ હમજીને અમે આ વખતે તમને મત દીધો...પણ તમેય કાંઈ ધેન નો દીધું." હબાએ હૈયાવરાળ ઠાલવી.
" જો ભાઈ પૂરતી તપાસ કર્યા વગર ઈમ મારાથીય પગલું નો લેવાય...પણ તું હવે મુંજાતો નઈ.હું કવ ઈમ તારે કરવાનું છે." કહીને હુકમચંદે કહ્યું.
"હવે તપાસ કરો તોય શું ને નો કરો તોય શું..ઈતો તેદી' તમારું ધોતિયું બગડ્યું અટલે તમે હવે તપાસ કરવા તિયાર થિયા સો..કારણ કે ગામમાં ઈમ વાતું થાય સે કે સર્પસે નગીનદાસની બયરીનો ચાળો કર્યો ઈમાં નગીનદાસે સર્પસને ઘરમાં બોલાવીને એવા ધોયા કે સર્પસ ધોતિયામાં જ....."
"હબલા...આ...આ....મોં સાંભળીને બોલજે..સાલા તું ક્યાં બેઠો છો ઈનું તો ભાન છે ને..."
હુકમચંદે હબાની વાત કાપીને બરાડો પાડ્યો.
''પણ હું તો ગામમાં જે વાતું થાય સે ઇ તમને કવ સુ..મને તો તમે ચૂપ કરી દેશો, પણ ગામના મોઢે ગયણા બાંધશો..? અને હું તો ન્યા હાજર જ હતો, મને તો ખબર જ સે કે શું થિયું'તું..ને શું નો'તું થિયું."
''હબાની વાત હાવ હાચી સે. ઈમ કરો સર્પસ શાબ..આપડે ગામમાં ઢોલ વગાડીને સાદ પડાવી દેવી કે સર્પસે નગીનદાસની બયરીનો સાળો કરેલ નથી,
પણ નગીનદાસની બયરીએ સર્પસ ઉપર ભરી બજારે એંઠવાડ નાખ્યો હતો...કે સે કે કેટલાક માણસોએ તમારો વીડિયો પણ ઉતારી લીધેલો સે..આપડે ઈ વીડિયો એવું હોય તો ગામના ગ્રુપમાં વાયરલ કરી દેવી.
મેસેજ ફરતો કરી દેવી કે આ એક અફવા સે. સર્પસને ખાલી ધમૂડીમાં જ રસ સે...
બાકી નગીનદાસની બયરી ફયરીમાં સર્પસને કોઈ રસ નથી માટે કોઈએ આવી વાતું કરવી નઈ." અત્યાર સુધી મૂંગા બેઠેલા ચંચાએ હુકમચંદને આ ગંભીર સમસ્યાનો માર્ગ બતાવ્યો.
હુકમચંદને ચંચાના મોઢા ઉપર જોડાનો છૂટો ઘા કરવાનું મન થયું.
એમના ચહેરા પર વ્યાપેલો ક્રોધ જોઈને ચંચાને પોતે વાટેલા ભાંગરાનો ખ્યાલ આવ્યો...!
"કોણ ધમૂડી..? ઓલી ધોળી ડોશીની છોકરી..? ઘરજમાઈ લઈને આવી સે ઈ..? હંક..અં...તે સર્પસ શાબ..તમે ઇની હાર્યે...."
હબો એકદમ નવી મળેલી માહિતીથી ચમક્યો.
"તમે બેય અત્યારે ને અત્યારે હાલતીના થઈ જાવ. નાલાયકના પેટનાવ..હું સરપંચ ઉઠીને પોદળામાં પગ મૂકીશ ? ભાન વગરના સાલાઓ..ભાગો આંયથી." સરપંચે ખિજાઈને કહ્યું.
"હું તો આ હાલ્યો..મને ચ્યાં કંઈ ખબર હતી..આ તો ચંદુ કાયમ તમારી હાર્યે રેનારો..અટલે ઈને હંધીય ખબર હોય..ઈ હાચું જ કે'તો હોય.. ધમૂડીને ટેમલાની દુકાનેથી તમે તેલ અપાવ્યુંતું ઈ વાત તો મેંય હાંભળી'તી..પણ આવું હોય ઈ તો આપણને નો જ ખબર હોય ને ભાય...
ભલે ભલે...તમે તો મોટા માણસ કેવાવ...
મોટાના ગોટા, છોટા તો નો જ હોયને...
હાલો તારે..સર્પસ શાબ...આ બાબલાનું કાંઈક કરો તો હારું...."
"કોઈ આડીઅવળી વાતું કરે તો તું કે'જે તો ખરો...ભલામાણસ મારી કાંઈક તો આબરૂ રેવા દ્યો."
હુકમચંદે હબાને કહ્યું.
"મારા મોઢે કોય વાત કરશે તો તો હું જી હતું ઇ જ કશ.. પણ આ ધમૂડીવાળી વાતની મને ખબર નથી." હબાએ થાપો ખંજોળતા કહ્યું.
"સારું તું જા...ભાઈ. તને જે ખબર હોય એ કહેજે. નકર મૂંગો રેજે..."
કહી હુકમચંદે ચંચાને રોકીને હબાને વિદાય કર્યો.
હબો ગયો પછી હુકમચંદે ઊભા થઈને ચંચાને બે તમાચા ખેંચી કાઢ્યા.
"સાલા.. તારે ધમૂડીની વાત કરવાની શું જરૂર હતી. મને એમાં રસ છે એવું તને કીધું કોણે...?"
"તમે તે દી' ટેમુડાની દુકાને ધમૂડીને વાડીના મરચાની સાઈઝ દેખાડતા નો'તા..? મેં ચ્યાં કંઈ ખોટું કીધું." એમ કહીને ગાલ ચોળતો ચોળતો ચંચો નાસી ગયો.
હુકમચંદ આવા મૂર્ખ ચમચાને રાખવા બદલ પસ્તાઈ રહ્યા.
"ચમચાઓ હમેશાં વાસણને ખાલી કરવાનું જ કામ કરતા હોય છે...!''
હુકમચંદે હુક્કાની નળીમાં હવા ખેંચી.
એ વખતે તખુભાની ડેલીમાં હુકમચંદને સરપંચ પદેથી હટાવી દેવાની યોજના આકાર લઈ રહી હતી...!!
(ક્રમશ :)