મોજીસ્તાન - 18 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 18

મોજીસ્તાન (18)

રઘલો ટેમુનો માર ખાઈને લાલચોળ થઈ ગયો હતો. બજારમાં જે મળે એને કહેતો જતો હતો કે મીઠાલાલનો ટેમુડો નગીનદાહની છોડી હારે હાલે છે... ઇની
દુકાને ઇ છોડી હારે વાતું કરતો'તો...મેં તો જઈને બે અડબોથ સડાવી દીધી...હાડકાં ભાંગી નાખત પણ કરસનીયાએ મને પકડી રાખ્યો...!
"ઈમ ? બવ કે'વાય..તેં ટેમુડાને શું કામ માર્યો? નગીનદાસ ક્યાં તારો બનેવી થાય સે તે તારે વચ્ચે પડવું પડે? જા ને ભઈ જતો હોય ત્યાં?" સામેવાળો રઘલાને બરાબર ઓળખતો હોય એટલે એને આવા જવાબ મળતા. કોઈ વળી રઘલાની આ ફિશિયારીને ટેકો પણ આપતું.
રઘલો ગયો પછી તરત જ ટેમુએ તખુભાને ફોન લગાડ્યો.
"હેલો..બાપુ, તમે કેવા લોકોને નાસ્તા લેવા મોકલો છો. આ પેલો રઘલો આવ્યો'તો.
બેય હાથે બે પગ વચ્ચે થયેલી ધાધર ખંજળતો ખંજોળતો ગાંઠીયામાં હાથ નાખતો'તો...મેં કીધું કે રઘાભાઈ આવા ગોબરા હાથે નાસ્તો નો અડતા. બાપુ માંદા પડી જાય..તો મારો બેટો મને કેય કે ભલેને માંદા પડે. તખુબાપુ ધરતી ઉપરનો ભાર જ છે. મરી જાય તો અમે છૂટવી...
બોલો..મેં તો પસી સોટો લઈને સબોડી નાખ્યો છે. તમે બીજા કોકને મોકલો તો નાસ્તો મોકલાવી દઉં. નગીનકાકાની છોકરી ચા ખાંડ લેવા આવી'તી એની સાથે પણ બદમાશી કરતો'તો, બોલો..."
"ઈમ ? રઘલો એવું બોલ્યો ? આવવા દે હાળાને...બે બદામનું રઘલું એના મનમાં હમજે સે સ્હું..." તખુબાપુને ટેમુની વાત ગળે ઉતરી ગઈ.
"નાખજો બે ભાંઠા.. ઈને ઈમ સે કે બાપુને ચ્યાં કાંઈ ખબર સે. કિલો પેંડા ઈની પોતાની હાટુ નોખી કોથળીમાં નાખવાનું કે'તો'તો પણ મેં તો બે સોટા વાળી લીધા." કહીને ટેમુએ ફોન મૂક્યો.

*

ડો.લાભુ રામાણી તખુભાને ત્યાંથી આવીને
ફ્રેશ થઈને નિરાંતે આરામ કરતા હતા.
આગળની રાતે એમની સાથે બનેલી ઘટનાએ એમને હચમચાવી મૂક્યાં હતાં.
એમાં પણ રઘો અને મઘો સપનામાં
આવ્યા હતા. એ યાદ આવતા લાભુ રામાણીની ઊંઘ ઊડી જતી હતી. પરાણે આંખ મીંચીને સૂઈ જવાનો પ્રયત્ન કરતા હતા, ત્યાં જ એમના ક્વાર્ટરની જાળી ખખડી.
"ડોકટર સાહેબ...એ...ડોકટર સાહેબ..." બાબાએ જોરથી બૂમ પાડી.
બાબાનો અવાજ સાંભળીને ડોકટરે ગુસ્સે થઈને સૂતાં સૂતાં જ કહ્યું, "કોણ છે? આજે હું રજા પર છું. દવાખાના પર જાવ. મારી તબિયત બગડેલી છે. જાવ અહીંથી, પ્લીઝ મને ડિસ્ટર્બ ન કરો..."
પણ બાબો એમ હટી જાય એવો નહોતો. ફરીથી જાળી ખખડાવીને એણે મોટેથી કહેવા માંડ્યું,

"પણ એમ નહીં.. મારા પરમ પૂજ્ય પિતાશ્રીને અતિશય ભારે કહી શકાય તેવા ઝાડા થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક હજારને આઠ વખત જઈ આવ્યા છે. હું ઘરેથી નીકળ્યો ત્યાં સુધીનો આ સ્કોર છે. હજી તેઓ રન બનાવી રહ્યા છે. તમે જલદીથી ચાલો યાર, નહીંતર મારા પિતાશ્રી આજ ન તૂટે એવો રેકોર્ડ બનાવી દેશે...અને જો તમે મોડું કરશો તો ભયંકર શ્રાપ દેશે...એમના શ્રાપથી..."
''અલ્યા ભાઈ તું જે હોય તે. ચલ ભાગ અહીંથી...કહ્યુંને મને મજા નથી..તારા પિતાજી રન બનાવે તો ભલે બનાવે...મારે દાવ આપવાની જરાય ઇચ્છા નથી." ડોક્ટરે નાછૂટકે બહાર આવીને બાબા સામે ડોળા કાઢ્યા.
"દાવ નો દેવો હોય તો દવા દ્યો...પણ સાવ આમ ન કરો. હું સર્વશ્રેષ્ઠ મહાન ગોર મહારાજશ્રી તરભાશંકર દાદાનો એકનો એક પરમ પવિત્ર અવતારી પુત્ર છું. આપ જેવા પામર મનુષ્યને આવા મહાન દેવતુલ્ય મહાત્માના ઝાડા બંધ કરવાની સેવા પ્રાપ્ત થઈ રહી છે. આ પરમપદ પ્રાપ્તિનો અવસર કહેવાય, માટે હે વૈદરાજ તમે ઘડીકનો પણ વિલંબ કર્યા વગર મારી સાથે ચાલો... નહીંતર આ પૃથ્વી મારા પિતાશ્રીની વિસ્ટાના વજનથી પાતાળમાં ચાલી જશે. અનેક જીવો હણાશે અને એ મહાપાતક આપના શિરે આવશે તો આપ રૌ રૌ નરકના અધિકારી થશો." બાબાએ પોતાના જ્ઞાનની સરવાણી વહાવી દીધી.
ડો.લાભુ રામાણી આ ગોળમટોળ બાબલાને તાકી રહ્યા. આને શું જવાબ આપવો એ એમને સૂઝતું નહોતું.
"આમ મને તાકી રહેવામાં સમયનો વ્યય ન કરો...હે વૈદરાજ, મોક્ષપ્રાપ્તિની આવી પળ કોઈ મહાન ભાગ્યશાળી જીવ લાખો વર્ષોની તપસ્યા પછી પામતો હોય છે. તમે પાછલા જન્મમાં કરેલા અનેક સત્કાર્યોને કારણે મારા પિતાજીના મળમાર્ગમાં જે અતિ વિસર્જન થઈ રહ્યું છે; એને અટકાવવામાં નિમિત્ત બનવા પામ્યા છો...માટે હવે પળનો પણ વિલંબ કર્યા વગર મારી સાથે ચાલો." કહી બાબાએ ફરી જાળી ખેંચીને અથડાવી.
"જો ભાઈ...તારા બાપના મળમાર્ગમાં અતિ વિસર્જન થયું હોય કે અતિવૃષ્ટિ થઈ હોય...જે હોય તે...હું અત્યારે આવી શકું તેમ નથી. તું દવાખાને જા, ત્યાંથી તને દવા આપવામાં આવશે. એ તારા મહાન બાપાને ગળાવી દેજે એટલે ઝાડા બંધ થઈ જશે. ચલ ભાગ અહીંથી નકર હમણે તારું મળ વિસર્જન અહીંયા જ કરાવી નાખીશ." ડો. લાભુ રામાણી બાબાના લેક્ચરથી ખૂબ જ ગુસ્સે ભરાયા હતા.
એમના આવા જવાબથી બાબો પણ ગુસ્સે થયો.
"હે મૂર્ખ દાગતર...અધમ અને નીચ...
દર્દીઓની સેવા કરવાને બદલે તું સૂઈ રહેવા માંગે છે...? હે અલ્પબુદ્ધિ તારી પણ શુદ્ધિ કરવી પડશે. મારી જેવા એક પરમ પવિત્ર આત્મા સાથે આવી ઉદ્ધતાઈથી વર્તે છે...? સાત સાત ભવ સુધી તું નર્કનો અધિકારી થવા માંગે છે? હજુ પણ કહું છું કે મારી આજ્ઞા માથે ચડાવીને તું મારી સાથે ચાલ...ભાભા તો મહાજ્ઞાની પુરુષ છે, દયાનો દરિયો છે, તને ક્ષમા પ્રદાન કરી દેશે...ચાલ આ જાળી ખોલ." કહી બાબાએ જોરથી જાળી ખેંચી.
ડોકટરને હવે બાબાને પરચો બતાવવો જ પડશે એમ લાગ્યું. એમણે જાળી ખોલીને બાબાને એક તમાચો ખેંચી કાઢ્યો.
"સાલ્લા રાષ્કલ...મને હુંકારા ને તુંકારા કરે છે? હું કંઈ તારા બાપનો નોકર છું.
નાલાયક...ભાગ અહીંથી."
ડો.લાભુ રામાણી ભલે આધેડ હતા, પણ એમનો હાથ ખૂબ ભારે હતો. બાબાના પોચા પોચા ગાલ પર એમના આંગળાની છાપ ઊપસી આવી. બાબાના કાનમાં તમરાં બોલવા લાગ્યા. આંખે અંધારા આવી ગયા.
લાફો ઠોકીને ડોક્ટરે તરત જાળી બંધ કરી દીધી. ગાલ ચોળતા બાબા તરફ હાથ ઝાટકીને 'ચલ ફૂટ અહીંથી' એમ ઇશારો કરીને અંદર ચાલ્યા ગયા.
"હી હી હી...કાં...? ખાધોને? તું ઈ જ
લાગનો સો...તારી જાતના બાબલા.‌..લે લેતો જા..તારો બાપ ઈ ડોકટર સે ડોકટર...જલદી દવાખાને જઈન તારા ડોહાની દવા લિયાવ..નકર ભાભો આખું ઘર ભરી મેલશે."
બાબાએ ગાલ ચોળતા ચોળતા પાછળ જોયું તો ચંચો એની સાઇકલ પર બેઠો બેઠો ખડખડ હસી રહ્યો હતો. એનો એક પગ સાઇકલના એક પેડલ પર અને બીજો પગ જમીન પર હતો. બાબો ડોકટર સાથે માથાકૂટ કરતો હતો એ વખતે એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
બાબો પાછળ દોડે તો ભાગવા માટે એ તૈયાર જ હતો. ચંચાને ખબર જ હતી કે ડોકટર પરની દાઝ એ પોતાની ઉપર કાઢવા પાછળ દોડશે જ...અને થયું પણ એમ જ...
"તારી જાતના ચંચા...ઊભીનો રે...હમણાં તને સ્વાદ ચખાડું.'' કહેતો બાબો ડોકટરના ક્વાર્ટરની જાળી મૂકીને ચંચાને મારવા ધસ્યો.
ચંચો તૈયાર જ હતો. એણે તરત જ સાઇકલ મારી મૂકી.
હવે આપણે જાણીએ છીએ કે મોજીસ્તાનમાં ગામ અને સરકારી દવાખાના વચ્ચે વૈતરણી વહે છે. ડો.
લાભુ રામાણી ગઈકાલે રાત્રે જે કાદવકીચડમાંથી પસાર થયા હતા એ નદીના પટમાં ચંચાએ સાઇકલ નાખી.
વાહનો જ્યાંથી ચાલતા એ રસ્તો એ જાણતો હતો. બાબો પણ ચંચાને ધક્કો મારવા ફૂલસ્પીડે ઘસી રહ્યો હતો પણ ખદબદી રહેલા કીચડમાં ચંચાનો પીછો થઈ શકે તેમ નહોતું. બાબાને ફરજિયાત પેલા પથ્થરો મૂકેલા એના પરથી જ જવું પડે તેમ હતું.
બાબો પોતાને પડેલા તમાચાથી જેટલો ઉશ્કેરાયો નહોતો એટલો ચંચો એ જોઈને હસ્યો એનાથી ઉશ્કેરાયો હતો. કુંભારની દાઝ ગધેડા પર નીકળે એમ એ ડોક્ટરની દાઝ ચંચા પર ઉતારવા દોડ્યો હતો.
ચંચો ફૂલસ્પીડે સાઇકલ ભગાવીને સામા કાંઠે જઈને બાબો કેટલે પહોંચ્યો એ જોવા પાછો ફરીને ઊભો રહ્યો.
"ઊભો રે..જે..તને આ ખાડામાં ડબકા નો ખવરાવું તો મારું નામ બાબો નહીં.. તારી જાતના ચંચિયા..." એમ રાડ પાડતો બાબો પથ્થરો પર પગ ટેકવીને ઝડપથી કીચડનો પટ પસાર કરી રહ્યો હતો.
બાબાના પડકારથી ચંચાનો મગજ પણ હવે છટક્યો હતો. એણે સાઇકલનું સ્ટેન્ડ ચડાવીને કિનારે પડેલો મોટો પથ્થર ઉપાડ્યો.
બાબો ઠેકતો ઠેકતો આવી રહ્યો હતો એની બાજુમાં ફેંકતા એ બોલ્યો, "લે..લે..
લેતો જા..."
બાબાની બાજુમાં જ એ મોટો પથ્થર ફદ લઈને પાણીમાં પડ્યો. એના છાંટા ઉડ્યા. બાબાએ પહેરેલું પીળું ધોતિયું અને લાલ ઝભ્ભો કાદવથી ખરડાયા.
જાદવો બરાબર એ જ વખતે દવાખાના તરફથી આવી રહ્યો હતો. ગામની ગટરમાં પાણકાઓ નાખીને પોતાની હાલત આ બાબલાએ બગાડી નાખી હતી એ એને તરત જ યાદ આવ્યું.
"તારી જાતનો...બાબલો...ઠીક લાગમાં આવ્યો સ." એમ બબડીને એ બાબા પાછળ આવ્યો. બાબો હજુ સંતુલન જાળવવા મથી રહ્યો હતો. ત્યાં જ જાદવાએ પાછળથી એને ધક્કો મારીને કાદવમાં ગબડાવી દીધો.
પાછળથી લાગેલા ધક્કાને કારણે બાબો ગબડી પડ્યો. દોઢેક ફૂટ ઊંડા કીચડમાં એનું મોં પણ ઘૂસી ગયું...એ જોઈને ચંચાએ પથ્થર ફેંકીને સાઇકલ મારી મૂકી અને જાદવો પણ યુ-ટર્ન મારીને ભાગ્યો.
કાદવમાં રડબડ થયેલો બાબો ઊભો થઈને કોણે ધક્કો માર્યો એ જોવા પાછળ ફર્યો. એના માથામાંથી કીચડના રેલા ઊતરીને આંખમાં જતાં હતાં. કપાળ પર હાથ ફેરવીને બાબાએ આંખો ખોલી પણ ત્યાં સુધીમાં જાદવો એક ચાલ્યા જતા ગાડા પાછળ લપાઈ ગયો હતો.
કીચડથી લથબથ થયેલો બાબો સામાં કિનારા તરફ આગળ વધ્યો.
એ કિનારે ગામનું ટોલનાકું સાચવીને બેઠા હોય એવા કૂતરાઓ બાબાને ઓળખી શક્યાં નહીં. કાદવમાંથી કોઈ મહાકાય જનાવર બહાર આવીને ગામમાં ઘૂસતું હોવાના સંદેશો કાળુ સહિતના તમામ કૂતરાઓના મગજમાં પહોંચ્યો.
પૂંછડીઓ ટટ્ટાર કરીને કાળુએ સાથીઓને સાબદા કર્યા. સામૂહિક ભસાભસ ચાલુ થઈ.
"હડ.. હડ..." કરતો બાબો આગળ વધ્યો. સામે પક્ષે કૂતરાઓ પણ બમણા જોરે ભસવા લાગ્યા.
જેમતેમ કરીને બાબો કાંઠે આવ્યો એટલે કૂતરાં એને ફરી વળ્યાં.
"ક્યાંક કરડી નો જાય હાળા." એમ બબડીને બાબાએ દોટ મૂકી.
એના શરીર પરથી કાદવકીચડ ઉડી રહ્યો હતો.
દુશ્મન ભાગ્યો એટલે એને ડરી ગયેલો સમજીને કાળુએ મિત્રોને હાકલ કરી.
આગળ કાદવથી લથબથ થયેલો બાબો અને પાછળ એની પિંડીએ બટકું ભરવા દોડતા શ્વાન..! બજારમાં જતા આવતા લોકો પણ ભડક્યા.
ફૂંફાડા મારતો બાબો મૂઠી વાળીને ભાગી રહ્યો હતો. કાળુને ગામ પ્રત્યેની વફાદારી સાબિત કરવાની આજે તક મળી હતી.
ઝડપથી દોડીને એ બાબાના પગે ચોંટ્યો.
બાબો ગામમાં કથાનું નોતરું દેવા ગયો હતો એટલે પીળું ધોતિયું પહેરેલું...પણ એ કીચડમાં બગાડીને પગ સાથે ચોંટી ગયેલું.
કાળિયાએ પગે બટકું ભર્યું એટલે એના મોંમાં આ ધોતિયું આવી ગયું. કાળુને ભાગતા દુશ્મનનું વસ્ત્રાહરણ કરવાનો કોઈ ઇરાદો તો નહોતો પણ બાબાના નસીબ આજે વાંકા હતા.
"ઓય...માડી...રે..." કરતો બાબો વધુ ઝડપે ભાગ્યો. કાળુના મોંમાં ફસાયેલું ધોતિયું બાબાનો સાથ છોડી શક્યું નહીં એટલે કાળુ પાછળ ઢસડાયો...એ જોઈ એના એક સાથીદારે બાબાના બીજા પગે બટકું ભરી લીધું.
એ જ વખતે ધોતિયાએ નિર્ણય લઈ લીધો. ભાગતા માણસને અમથુંય ધોતિયું ક્યાં સુધી સાથ આપે?
કૂતરાઓને હજુ દુશ્મનની અગત્યની ચીજ મેળવીને પણ સંતોષ થયો નહોતો. એમને તો આ માણસને ગામમાં પેસતો અટકાવવો હતો એટલે હજુ પણ પીછો મૂકતાં નહોતાં.
રસ્તે જતા ગામલોકોમાંથી આખરે કોઈએ બાબાને ઓળખ્યો. એક જણે પથ્થર લઈને કૂતરાઓને હટાવ્યા.
લોહી અને કાદવ નીતરતા પગે બાબો ઘરે જઈને બારણામાં જ ફસડાઈ પડ્યો.

હવે સાંજે તખુભાના ઘેર કથા વાંચવા કોણ જશે?
શું આના માટે ડો.લાભુ રામાણીને જવાબદાર ગણવામાં આવશે?
તભાભાભા હવે કોને અને કેવો શ્રાપ આપશે?
રઘલાને તખુબાપુ લોથારશે ?

( ક્રમશ:)